વ્હાઇટ ડવ ૬ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્હાઇટ ડવ ૬

વ્હાઈટ ડવ - ૬

(કાવ્યાની સાથે હોસ્પિટલેથી ઘરે આવેલો આત્મા એની જુડવા બહેન દિવ્યાનો છે એ જાણી કાવ્યાને ખૂબ વિસ્મય થયું. એ આત્માથી ડરીને કાવ્યા રાત્રે મમ્મી સાથે સૂઈ ગયેલી. બીજે દિવસે પૂજારીની વાતો સાંભળી કાવ્યા વધું ગૂંચવણમાં પડી ગઈ...)
કાવ્યા કંઈ સમજી નહિ. પાપ વધી જાય ત્યારે એને અટકાવવા ભગવાન સ્વયં આવશે કે પછી એ કોઈને મોકલશે... કોને? કોણ? કોણ આવશે? કોણ બચાવશે વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ ને?
થોડું વિચાર્યા બાદ કાવ્યાએ પુજારી પાસે જઈને જરાક અચકાઈને કાવ્યાએ કહ્યું, “પુજારીજી મારે આપની સાથે થોડી વાત કરવી છે. થોડી ખાનગી છે.” ખાનગી શબ્દ એ એકદમ ધીરેથી ફક્ત હોઠ ફફડાવીને બોલી.
“અવશ્ય! મંદિરનો ચોક પૂરો થાય ત્યાં જમણી બાજુ વળી જજે. એક નાની ઓરડી દેખાશે. ત્યાં મારી રાહ જો હું અહીંનું થોડું કામ પતાવીને આવું છું.” કાવ્યા આવું કહેશે એમ જાણે પહેલાથી જ જાણતા હોય એમ એ બાબાએ ચહેરા પર સ્મિત રેલાવીને કહ્યું. એમની ધોળી દાઢી હવામાં ફરફરી રહી. કેસરી ધોતી અને છાતી પર જનોઈ પહેરેલા પૂજારી તેજસ્વી લાગતાં હતાં.
“જી.” એકાક્ષરમાં જવાબ આપી કાવ્યા શશાંક પાસે આવી.
“હવે તારે એ પુજારીનું શું કામ આવી પડ્યું?” કાવ્યાને પૂજારી સાથે વાત કરતી જોઈ ક્યારનોય કતરાઈ રહેલો શશાંક બોલ્યો.
“છે થોડું કામ. તું મમ્મીને લઈને ગાડીમાં મારી રાહ જોજે. હું આવી જઈશ.” શશાંકના જવાબની રાહ જોયા વગર કાવ્યા ચાલી ગઈ.
“સાવ ફરેલ છે!” ધીરેથી બબડીને શશાંક માધવીબેન પાસે ગયો.
કાવ્યા એ ઓરડીના બારણે આવીને ઊભી રહી. એનું બારણું બંધ હતું. કાવ્યાએ ટકોરો મારવા માટે બારણાને જરાક હાથ લગાડ્યો કે તરત બારણું આખું ખુલી ગયું. જાણે એ કાવ્યાને વેલકમ કહી રહ્યું. ઓરડીમાં એક ખાટલો હતો જેના પર એક ગોદળું પાથરેલું હતું અને ચાદર વાળીને મુકેલી પડી હતી. એકબાજુ ભગવાનની છબી પાટલા પર ગોઠવીને મૂકી હતી. ત્યાં કરેલા ધૂપ દીપથી ઓરડી મહેકી રહી હતી. આખું વાતાવરણ પવિત્ર લાગતું હતું. કાવ્યાને અહીં અપાર શાંતિનો અહેસાસ થયો.
“મને આવતા બહું મોડું તો નથી થયુંને?” પુજારીએ અંદર આવતા જ પૂછ્યું.
“ના ના હું હાલ જ આવી. ”
“ભલે. બોલો તમારે શું પૂછવું છે?” પુજારીએ ચહેરા પર હેતાળ સ્મિત રેલાવી પૂછ્યું.
“વાત થોડી અજીબ છે. તમને હું કદાચ પાગલ લાગીશ પણ વિશ્વાસ કરો એ સાચું છે.” કાવ્યાને વાતની શરૂઆત કરતા સંકોચ થયો. આજના જમાનામાં ભૂતપ્રેત અને આત્માની વાતો કોણ માને!
“અજીબ લાગે એવું હોય એટલે એ સાચું નથી એમ કોણે કહ્યું? આ દુનિયામાં ઘણુંબધું એવું બનતું હોય છે જેને સાબિત કરવું માણસ માટે હજુ શક્ય નથી બન્યું એટલે એ એને અજીબ છે એમ કહી દે છે! એમ જોવા જાઓ તો માણસોનો ભગવાન પરનો, માણસાઈ પરનો વિશ્વાસ અજીબ નથી! અહીં એક પથ્થરની બનેલી મૂર્તિ આગળ બધા આવીને એમના દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરે એ કોઈને અજીબ કેમ નથી લાગતું? ભગવાનનું અસ્તિત્વય હજુ ક્યાં સાબિત થયું છે! આપણે એનો વિશ્વાસ કરીએ છીએ કેમકે ક્યારેક ને ક્યારેક આપણે એને કહેલી વાત એણે પૂરી કરી છે. મંદિરમાં આવીને મન પ્રસન્ન થઈ જાય છે આપણે એને ઈશ્વરની કૃપા ગણીએ છીએ. એવી જ રીતે અવાવરું, અંધારી જગાએ આપણને ડર લાગે છે. ત્યાંથી જેમ બને એમ જલદી ભાગી જવાનું મન થાય છે. જેને આવો અનુભવ થયો હોય એ આ વાત સાચી માને, ના થયો હોય એને બધું અજીબ લાગે!” પુજારીજી ખુલ્લા મને હસી પડ્યા. “જો ભગવાન છે એમ સ્વીકારો તો ભૂત પણ હશે એ સ્વીકારવું રહ્યું... તમને અનુભવ નથી થયો એટલે તમે એના અસ્તિત્વને નકારી ના શકો”
“મારા મનની વાત તમે કેમ કરતાં જાણી લીધી?” કાવ્યા આશ્ચર્યથી પૂજારીને જોઈ રહી. હજુ એણે એની વાતનો ઉલ્લેખ સુધ્ધાં નહોતો કર્યો.
“તમે વ્હાઈટ ડવ હોસ્પિટલની મુલાકાત લઈ ચૂક્યા છો એ કાલે તમારા માતાજીએ જણાવેલું. હું વરસોથી અહીં રહુ છું. તમારા દાદાને પણ મળ્યો છું. એ હોસ્પિટલમાં મેં જ પહેલીવાર દીપક પ્રગટાવેલો જે તરત હોલવાઈ ગયેલો. ત્યાં કોઈ અશુભ શક્તિનો વાસ છે એવું ત્યારેજ મને લાગેલું. આ બાબતે તમારા દાદા સાથે પણ મારે ઘણીવાર ચર્ચા થયેલી. એમણે ગામ અને એમના દીકરાના ભલા માટે આ હોસ્પિટલ બંધાવેલ એમાં ક્યાં, શું ભૂલ થઈ એની તપાસ કરવાનું કામ એમણે જ મને સોંપેલું. ”
કાવ્યા આંખો ફાડીને પૂજારીની વાતો સાંભળી રહી. આ બધી વાતોથી એ સાવ અજાણ હતી. આજની એની મંદિરની મુલાકાત એને ફળી હતી.
“મને પૂરી માહિતી મેળવતા થોડો વખત લાગેલો અને એટલામાં તમારા દાદાનું હ્રદય રોગના હુમલામાં અણધાર્યું મોત થઈ ગયેલું. એ પછી મેં તમારા પિતાજી ડૉક્ટર રોયને મળીને વાત કરવાનો પ્રયાસ કરેલો પણ એમણે મારી વાત સાંભળવાનો ઈનકાર કરી દિધો. એ પછી ત્યાં એવા પ્રસંગો બનતા રહ્યા કે હું ચૂપ ના રહી શક્યો. બે દર્દીઓએ આત્મહત્યા કરેલી. એ બંને આત્મહત્યાની તિથિ જોઈને હું ચોંકી ઉઠેલો. મારા પૂજ્ય ગુરુજીએ મને કાલી વિદ્યા અને બુરી શક્તિઓ વિશે કેટલીક વાત કરેલી. આ બધું મને એના જેવું લાગેલું. મારી પાસે કોઈ પુરાવા ન હતા. મેં હોસ્પિટલમાં કામ કરતી, ગામની જ દીકરી મમતાને વાત કરેલી. અને તમારી માતાને મળી એમને સાવધાન કરવા અને તમારા પિતાજીને સમજાવવાનો પ્રયાસ કરવા કહેલું. મમતા તમારી માતાને મળી હતી. એ પછી બીજેજ દિવસે એનું એક ટ્રક નીચે કચડાઈને મોત થઈ ગયેલું. મને મમતાના મોતથી આઘાત લાગેલો. પોલીસે અકસ્માતનો કેસ નોંધી કેસ બંધ કરી દિધો. એ પછી મેં ફરી કોઈ નિર્દોષનો જીવ મારા લીધે ના જાય એટલે એ બાબતે મૌન ધારણ કરી લીધું.” પુજારીજી થોડા વ્યથીત થઈ ગયા.
“એટલે તમે જાણો છો એ રહસ્ય? તમને ખબર છે કે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ આત્મહત્યા કેમ કરે છે?” કાવ્યા આવેશમાં ઊંચા અવાજે બોલી ગઈ.
પૂજારીના ચહેરા પર પાછા એક શાંત, નિર્મળ ભાવ આવી ગયા. “પુરે પુરી વાત તો હું પણ નથી જાણતો. મને જેટલી ખબર પડી એ હું જણાવું. પુજારીએ ખૂણામાં પડેલું માટલું નમાવી લોટામાં પાણી લીધું અને લોટો મોઢાથી અધ્ધર રાખી પાણી પીધું. એમની દાઢીમૂછમાં ચોંટેલું પાણી ખેસ વડે લુછી એમણે ખાટલામાં બેઠક જમાવી.
“ગરીબ પૂજારીની ઓરડી છે. અનુકૂળ આવે તો આ આસન પર બેસો.” સામે પડેલા એક આશન તરફ આંગળી ચીંધતા એમણે કહ્યું.
કાવ્યાને અત્યારે વાત જાણવાની એટલી ઉતાવળ હતી કે એ નીચે માટીમાંય બેસી જાત. પૂજારી જલદી એમની વાત ચાલુ કરીદે એટલે એ કપડાંની નાની ગોદડી જેવા આશન પર જટ બેસી ગઈ. ખાટલામાં પલાંથીવાળીને બેઠેલા પૂજારી અને સામે જમીન પર આશન પાથરી બેસેલી કાવ્યા વ્હાઈટ ડવ હોસ્પિટલની કાળી બાજુ વિશે, એના ભૂતકાળ વિશે ચર્ચા કરી રહ્યા...
“હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જે કંઈ થયું એ પછી તમારા દાદાજી ખૂબ વ્યથિત થઈ ગયા હતા. એમણે મને આ બાબતે તપાસ કરવા કહેલું. એના બે કારણો હતા. પહેલું એ કે આ ગામ હોસ્પિટલની વધારે નજીક આવેલું છે અને બીજું મંદિરમાં બિરાજમાન માતાજી તમારા કુળદેવી થાય! તમારા દાદાજીને એમનામાં અપાર શ્રદ્ધા. એ વખતે હું યુવાન હતો. મારા પિતાજીના આકસ્મિક મૃત્યુ બાદ તમારા દાદાએ જ મને એ વખતે સધિયારો આપેલો. આ મંદિરમાં પૂજારી તરીકે મારી ગોઠવણ કરાવેલી. હું એમાનાથી પ્રભાવિત હતો. શિવાનંદજી માટે કામ કરતા મને સારું લાગવું સ્વાભાવિક હતું. મેં એ જગ્યા એમણે કોની પાસેથી ખરીદેલી ત્યાંથી તપાસ શરૂ કરી. તપાસ કરતા મને એક નવી કહાની જાણવા મળી.” થોડીવાર શાંત રહી પૂજારીજી જાણે ભૂતકાળમાં ડોકિયું કરી આવ્યા અને પછી ફરીથી વાત ચાલુ કરી.
“એ જગ્યાએ પહેલા કોઈ અંગ્રેજનું મકાન હતું. ભારત છોડીને અંગ્રેજો ચાલ્યા ગયા ત્યાર બાદ પણ ઘણાં એવા અંગ્રેજ હતા જે ભારતની સંસ્કૃતિથી આકર્ષાઈને અહીં જ વસી ગયા હોય. જ્યોર્જ વિલ્સન નામનો એ અંગ્રેજ પણ એમાંનો જ એક હતો. આ વાત ૧૯૪૯ની છે. એ વખતે અત્યારે જ્યાં વ્હાઈટ ડવ હોસ્પિટલ ઊભી છે ત્યાં એ અંગ્રેજની કોઠી હતી. એ એની પત્ની અને બે દીકરીઓ સાથે ત્યાં રહેતો હતો. મારી જાણકારી મુજબ એ ખૂબ ભલો માણસ હતો. ગામના ખેડૂતો માટે એણે ઘણીમહેનત કરેલી. નવી નવી ખેતીવિષયક વાતો એ ખેડૂતોને શીખવતો. એની પત્ની પણ સરસ બાઈ હતી. એ ગામની થોડીક છોકરીઓને લખતા વાંચતા શીખવતી. એમની બંને જુડવા દીકરીઓ લોકો કહે છે, પરીઓ જેવી રૂપાળી હતી. એ લોકો થોડું થોડું ગુજરાતી બોલતા ત્યારે સાંભળનાર ખુશ થઈ જતો. બંને દીકરીઓ બારેક વરસની હશે ત્યારે દેખાવે યુવાન, સત્તર અઢાર વરસની હોય એવી લાગતી હતી. એમાં એમની ખાણીપીણી કે ઉછેર જે કહોએ જવાબદાર હોઈ શકે. છોકરીઓ દેખાવ યુવાન લાગતી પણ મનથી તો બાર વરસની બાળકીઓ જ હતી. એ લોકો એમની ઘોડાગાડીમાં બેસીને સ્કૂલે આવ-જા કરતી હોય ત્યારે ગામના ઘણા યુવાન એમને એક નજર જોવા માટે જ આવીને ઊભા રહેતાં. એ નજરોથી અને ગામઠી બોલીથી અજાણ એ બાળકીઓ બધા સામે મીઠું મલકતી.”
થોડીવાર શાંત થઈને પૂજારીએ વાત શરુ કરી, “એક દિવસ કોઈ જરૂરી કામથી એ અંગ્રેજ અને એની પત્નીને બહાર જવાનું થયું. ઘરમાં એક આયા હતી. એને ભરોશે બંને દીકરીઓને મૂકીને એ અંગ્રેજ દંપતી મુંબઈ ગયું હતું. એમના ગયા પછી ગામના બે નીચ યુવાનોની દૃષ્ટિ બગડી હતી. પરીઓ જેવી રૂપાળી છોકરીઓ જોઈને એમની દાનત ક્યારનીય બગડેલી હતી. અત્યારે એ ઘરે એકલી હતી એવું વાતવાતમાં એમના ઘોડાવાળા પાસેથી સાંભળીને એમણે એમની મેલી રમત અમલમાં મૂકી હતી. એ રાતે એ બંને જણા દરવાજો ઠેકીને કોઠીમાં ગુસી ગયેલા. ઉપરના એક ઓરડામાં બંને બહેનો અને નીચેના એક ઓરડામાં એમની આયા સૂતી હતી. આ લોકોએ જઈને એમનું બારણું ખખડાવેલું...”
“કોણ છે? આટલી રાતે શું કામ પડ્યું?” ઊંઘરેટી આયાએ બારણે ઊભા રહીને પૂછેલું.
“ખોલો...દરવાજો ખોલો...અમારે તમારી મદદ જોઇએ છે. મહેરબાની કરીને દરવાજો ખોલો.” એકજણ રડતો હોય એવા અવાજે બોલ્યો.
“જે કામ હોય એ કાલે મોર્નિંગમાં લઈને આવજો. હાલ સર ઘરે નથી.” અંગ્રેજ આયાએ ગુજરાતીમાં કહેલું.
“મારી બહેનને સાપ કરડ્યો છે. એ બેભાન પડી છે. દાક્તરને ફોન કરવો છે. ગામમાં ખાલી અહીં જ ફોન છે. સાહેબ હોત તો એજ ફોન કરીને દાક્ટરને બોલાવી આપત. એક જ મિનિટ લાગશે. મારી બહેનની જિંદગીનો સવાલ છે.”
“હું ફોન કરી દઉ છું ડૉક્ટરને.” આયાએ એમને ભગાડવા કહ્યું.
“પણ અમારું સરનામું તમને નહીં આવડે. અમે દાક્તરને પાકું સમજાવીએ તો એ જલદી આવી જાય.” બંને જણાએ જોરથી બારણું ઠોક્યું.
ઉપરના માળે સૂતેલી બંને છોકરીઓ આ અવાજથી જાગી ગઈ હતી. એ આવીને સીડીના પહેલા પગથિયે ઊભી રહી આયા સામે જોઈ રહી. આ લોકોના ચક્કરમાં છોકરીઓની ઊંઘ બગડી એ આયાને જરાય ના ગમ્યું.
“એમને ફોન કરી લેવા દે, બિચારાને મદદની જરૂર છે!” એક છોકરીએ અંગ્રેજીમાં કહ્યું.
પેલા લોકો હજી બારણું ઠોકીને વિનંતી કરી રહ્યા હતા. આખરે આયાએ બારણું ખોલ્યું હતું. એ બંને જણાએ અંદર આવતાજ આયાને ધક્કો મારીને બારણું અંદરથી બંધ કરી દીધું. એક જણાએ આયાને ગાલે થપ્પડ મારી. આયા લડખડાઈ અને નીચે પડી ગઈ. એના પેટમાં બીજાએ જોરથી લાત ફટકારી અને બંને જણા આયાના હાથ પગ પકડી એને અંદર એના રૂમમાં લઈ ગયા અને ચાદરથી એના હાથ પાછળની તરફ બાંધી, એના મોઢામાં કપડાનો ડૂચો ખોસી રૂમ બહારથી બંધ કરીને જતા રહ્યા. હવે એમને તલાશ હતી પેલી બે રૂપાળી પરીઓની...
બંને જણા એકબીજાને હાથે તાળી આપીને ઉપર ગયા. એ છોકરીઓનો રૂમ ખાલી હતો. એ લોકોએ ત્યાં આવેલો બીજો રૂમ જોયો એ પણ ખાલી હતો. ક્યાં ગઈ આ બે પરીઓ? એમણે ઘરનો ખૂણે ખૂણો ફેંદી નાખ્યો.
“હલ્લો... ક્યાં છુપાઈ છે મારી શાહજાદી? ચાલ બહાર આવીજા જોઈ...હલ્લો...”
“હું તને કંઈ નહીં કરું. જો તારા માટે ચોકલેટ લાવ્યો છું. જલદી બહાર આવીજા... જો મારે હાથે પકડાઈ ગઈ તો બઉ જ મારીશ. હજી કઉ છું બહાર આવી જાઓ...” પેલા લોકો બૂમો પાડતા રહ્યા પણ એમને બંને બહેનો ક્યાંય ના મળી.
જ્યારે બંને બહેનોએ જોયું કે આ લોકો સારા માણસો નથી અને એમની આયાને મારી રહ્યા છે ત્યારે બંને બહેનો ગભરાઈને ભાગી હતી. એમના રૂમમાં એમની ઢીંગલીઓ અને રમકડાં મૂકવા એમના પાપાએ એક મોટું લાકડાનું સંદૂક બનાવડાવ્યું હતું. એ અંદર અને બહાર એમ બંને બાજુથી બંધ થતું. ઘણું મજબૂત એવું એ સંદૂક ઘણીવાર આ બહેનોને રમતી વખતે છુપાઈ જવાના કામમાં આવતું. એમની મમ્મી ઢાંકણું ખોલીને એમને જોઈ ન લે એટલેજ અંદરથી બંધ થાય એવી રચના કરાવેલી. અત્યારે પણ એ બંને બહેનો ત્યાંજ છુપાઈ હતી. બંને ડરથી કાંપી રહી હતી. એમાંની એક રડી રહી હતી અને બીજી એનું મોં દબાવી એને શાંત રહેવાનો ઈશારો કરતી હતી. પેલા બે જણા અહીં આવેલા અને આ મોટો પટારો જોતા એમણે એ ખોલવાનો ભરપૂર પ્રયાસ કરેલો. પટારાનું ઢાંકણ જરીકે હલ્યું પણ ન હતું. એમણે ઘણી ધમકી પણ આપેલી. પછી કંટાળીને પટારાનું ઢાંકણું બહારથી બંધ કરીને એ બંને ચાલ્યા ગયેલા...