વ્હાઇટ ડવ ૪ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્હાઇટ ડવ ૪


પ્રકરણ ૪

(કાવ્યા એની મમ્મી માધવીબેન સાથે વલસાડની એમની હોસ્પિટલ વ્હાઈટ ડવમાં આવે છે જયાં માનસિક રોગીઓની સારવાર કરાતી હોય છે. આ હોસ્પિટલ સાથે કેટલીક રહસ્યમય ઘટનાઓ જોડાયેલી હોય છે કાવ્યા એ વિશે જાણવા માંગતી હોય છે. હોસ્પિટલમાં કામ કરતો ડૉક્ટર શશાંક એને અજીબ લાગે છે, શકમંદ લાગે છે. શશાંક માધવીબેન સાથે હવેલીએ ગયો એ જાણીને કાવ્યાને ગુસ્સો આવે છે....)

“છોડીદો મને....હું કઉં છું છોડો...મને!” નીચે લોબીમાં એક સત્તર અઢાર વર્ષની છોકરી ચીસાચીસ કરી પોતાને છોડાવવા પ્રયત્ન કરતી હતી. એના સગા, હોસ્પિટલની એક આયા અને એક નર્સ એને પરાણે ખેંચીને અંદર લાવતા હતા.
કાવ્યાનું ધ્યાન આ શોરબકોર તરફ ગયું. પહેલી નજરે એ કોઈ પાગલ છોકરી લાગતી હતી. એજ વખતે સિસ્ટર માર્થા ઝડપથી ત્યાં આવ્યા અને એ છોકરીને બળજબરીથી ખેંચી રહેલા લોકોને બોલવા લાગ્યા,
“અરે! આ શું કરો છો તમે બધા? શું કરવા બિચારીને હેરાન કરો છો...? છોડીદો એને!” સિસ્ટર માર્થાએ છોકરીના હાથ છોડાવી પોતે એનો એક હાથ પકડ્યો, “વોટ્સ યોર નેમ માય ચાઈલ્ડ? શું નામ છે બેટા તારું? તું મારી સાથે ચાલ હો...હું આ બધાને હમણાં ડૉક્ટર પાસે દાંટ ખવડાવું છું...”
ધીરે ધીરે પોતાની વાતોમાં ઉલજાવીને સિસ્ટર માર્થા એ છોકરીને શાંત પાડી એના રૂમમાં લઈ ગયા. પેલી રાડા રાડ કરતી છોકરી એક સમજું બાળાની જેમ કહ્યાગરી થઈ ગઈ. કાવ્યા અહોભાવથી સિસ્ટર માર્થાને જોઈ રહી. મનોમન એ એની સરખામણી મધર ટેરેસા સાથે કરી રહી! એમણે એ છોકરીને એક ઇન્જેક્શન આપ્યું જેથી એ થોડીવાર સૂઈ જાય અને એનું મગજ શાંત થાય.
“બ્લુ વ્હેલ ગેમની શિકાર છે છોકરી. આત્મહત્યા કરવાની કોશિશ કરતી હતી. એના ઘરવાળા ગભરાઈને એને અહીં સારવાર માટે લઈ આવ્યા હતા.” સિસ્ટર માર્થાએ બહાર આવી કાવ્યાને જણાવ્યું.
“હા, મેં પણ સાંભળ્યું છે એ ગેમ વિશે. સાચેસાચો આવો કેસ પહેલીવાર જોયો.” કાવ્યાએ કહ્યું.
પછી કાવ્યાએ સિસ્ટર માર્થા સાથે ઘણાં બધાં દર્દીઓની મુલાકાત લીધી. સિસ્ટર માર્થા દરેક દર્દી સાથે ખૂબ જ સરળતાથી અને ભાવથી વાતચીત કરી લેતા. બધા જ દર્દીઓ એમની વાત તરત માની જ જતાં. એ બધાં દર્દીઓના ખુબ ગમતીલા હોય એવું કોઈને પણ જોતા જ દેખાઈ આવે, કાવ્યાની નજરે પણ એ નોધ્યું હતું.
બપોરે કાવ્યાને લેવા માટે પ્રભુ ગાડી લઈને આવી ગયો હતો. કાવ્યા એની સાથે હવેલીમાં પાછી ફરી. એણે જોયું કે એની મમ્મી ડાઈનિંગ ટેબલ પર વાનગીઓ મૂકી રહી હતી. કાવ્યાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ...! શશાંક રસોડામાંથી કોઈ વાનગીનું બાઉલ લઈને આવ્યો અને ટેબલ પર મૂકી રહ્યો હતો એને જોઇને લાગે જાણે એ આ ઘરનો સભ્ય હોય અને પોતે મહેમાન!
“અરે કાવ્યા, ત્યાં કેમ ઊભી રહી ગઈ? જા જલદી જઈને હાથ ધોઈ જમવા આવી જા.” માધવીબેને કાવ્યા સામે જોઈને કહ્યું.
“હા. જલદી આવી જજો. મારા પેટમાં બિલાડો બોલે છે.” શશાંકે હસીને કહ્યું પણ, કાવ્યાને હસવું ના આવ્યું. ઊલટાનો એને વધારે ગુસ્સો આવ્યો. લોકોને વાત વગત વગર એમનેમ આટલું હસવું શેનું આવતું હશે?
જ્યારે જુઓ ત્યારે ખીખી... ખુખું... ચાલુ થઈ જાય! એ એના રૂમમાં જઈ અને હાથ મો ધોઈ નીચે આવી.
“આને તું હોસ્પિટલમાં તો મળી જ હતી ને? એ શશાંક છે!” માધવીબેને ઓળખાણ કરાવતા કહ્યું.
“હા.” કાવ્યાને થયુ આ હોસ્પિટલ છોડીને અહીં કેમ આવ્યો છે અને મમ્મીને શી જરૂર એને જમવા માટે રોકવાની?
“વાહ...માધવી ઝક્કાસ ટેસ્ટ છે. આટલું સ્વાદિષ્ટ ભીંડાનું શાક તો વરસો બાદ ખાવા મળ્યું. મસ્ત!” શશાંકે એક કોળિયો મોઢામાં મૂકતા જ વખાણ કર્યા.
“માખણ નો ડબ્બો!” કાવ્યાએ શશાંક સામે જોઇને કહ્યું, “મને પાસ કરોને પ્લીઝ! માખણ!”
“આટલું બધું માખણ હેલ્થ માટે સારું નહીં. એકવાર વજન વધી જાય પછી ઉતારતા નાકે દમ આવી જાય.” શશાંકે કહ્યું.
“ઓહ! મેં તો સાંભળ્યું હતું કે ડૉક્ટર માખણ ખાવાની મનાઈ નથી કરતાં. એનાથી વજન ના વધે. એમાં પેલું કયું એસિડ હોય?” કાવ્યાએ પાછો શશાંકને સવાલ કર્યો, એનું જ્ઞાન ચકાસવા!
“એનું એસિડ છોડો અત્યારે તો મારા પેટમાં એસિડ વધી જશે....ભૂખ લાગી છે!” શશાંકે આ વખતે પણ જવાબ ના આપ્યો અને વાત વાળી લીધી . “માધવી તમે ખૂબ સરસ રસોઈ બનાવો છો. હું જ્યાં સુંધી અહીં રહું તમારે રોજ એકાદ ડીશ તો તમારા હાથે બનાવવી જ પડશે. ઇટ્સ માય રીકવેસ્ટ!”
“એકાદ શું કરવા? હું ઘણું બધું બનાવી શકું છું! આમેય અહીં મારે કંઈ કામ કરવાનું નથી.” માધવીબેન બોલ્યા.
“એય મિસ્ટર તમે મારી મમ્મીને માધવી કહીને બોલાવો છે! મોટા સાથે વાત કરવાની તમીઝ નથી?” શશાંકને મોંઢે માધવી સાંભળી સાંભળીને અકળાયેલી કાવ્યાએ ફરીવાર માધવી સાંભળતાં સંભળાવી દીધું.
“મોટું કોણ મોટું? અહીં સૌથી મોટો કદાચ હું હોઈશ અને તમારા બંનેમાં કાવ્યાજી તમે મોટા લાગો છો. માધવી તો તમારી નાની બહેન જેવી લાગે છે અને હું કોઈ બ્યુટીફુલ લેડીને આંટી કે દીદી કહીને એનું અપમાન ના કરી શકું!” શશાંક હસતા હસતા મજાકમાં જ બોલ્યો હતો છતાં કાવ્યા ગુસ્સાથી તમતમી ગઈ.
“આંટી કે દીદી નહિ તમારે એમને મેડમ કહેવું જોઈએ!” કાવ્યાએ દાંત કચકચાવીને ઓર્ડર કરતી હોય તેમ કહ્યું.
“અરે, મેં જ એને ના કહી છે મેડમ કહેવાની. ઘરમાં એ બધું બહું ફોર્મલ લાગે. એ તો મેડમ જ કહેતો હતો મને જ એ નહતું ગમતું!” કાવ્યાને ઠંડી પાડવા માધવીબેને કહ્યું અને એની ડિશમાં શાક પરોસ્યું.
જમ્યા પછી શશાંક ઉપર ગયો અને કાવ્યાના રુમની બાજુના જ રૂમમાં ગયો. એને ઉપર જતો જોઈને કાવ્યાએ એની મમ્મી સામે પ્રશ્નભરી આંખે જોયું.
“તું સવારે કહેતી હતીને પ્રભુએ કોઈ છોકરાને રૂપિયા આપેલા એ આ શશાંક જ હતો.” માધવીબેને દાળ ભરેલી વાટકીમાં ચમચી પાછી મૂકતા કહ્યું, “એને ભાડે ઘર જોઈતું હતું. અહીં આ હવેલી જોઈ એણે એક રૂમ ભાડે માંગેલો. પ્રભુ ના કહેતો રહ્યો તોય એણે પરાણે પ્રભુને રૂપિયા હાથમાં પકડાવેલા. પ્રભુ એજ રૂપિયા એને પાછા આપીને કહી રહ્યો હતો કે માધવીબાને મળીને વાત કરો. ”
“અને તું માની ગઈ? કોઈ અજાણ્યાં યુવકને આપણે આમ ઘરમાં કેવી રીતે રાખી શકીએ?” કાવ્યાએ મોઢું મચકોડતા કહ્યું.
“અરે એ સારા ઘરનો છોકરો છે! અહી ગામડામાં એને બિચારાને આવું સારું ઘર ક્યાં મળવાનું? ભલેને રહેતો. એ પાછો આપણી હોસ્પિટલમાં જ કામ કરે છે, કોઈ વખત કામે લાગે.” માધવીબેને દાળની વાટકીમાં ચમચી હલાવતા કહ્યું.
છેલ્લી વાત કાવ્યાને ગમી. એનું અહીં આવવાનું ખાસ મકસદ તો વ્હાઈટ ડવ હોસ્પિટલ જ હતી. જો એમાં કામ કરનાર ભરોસાપાત્ર માણસો મળી જાય તો એને રાહત રહે. શશાંક ભારોશાપાત્ર હશે? કોને ખબર? કાવ્યના મને પાછો સવાલ કરેલો.
સાંજે ગામના કેટલાક લોકો માધવીબેનને મળવા આવ્યા હતા. એ બધા સાથે કાવ્યા પણ નીચે બેઠકખંડમાં બેઠી હતી ત્યારે એણે શશાંકને ઝડપથી સીડીઓ ઉતરતો જોયો. એ કોઈને મળ્યા વગર સીધો બહાર જવા નીકળી ગયો. એની પાછળ પાછળ કાવ્યા પણ બહાર નીકળી. શશાંક ગાડી ચાલુ કરી રહ્યો હતો કે કાવ્યાએ એને રોક્યો,
“ક્યાં ભાગો છો, ડૉક્ટર?”
“હોસ્પિટલ. થોડું કામ આવી પડ્યું છે.”
“હું પણ સાથે આવું છું.” શશાંકના જવાબની રાહ જોયા વગર કાવ્યા ગાડીનો દરવાજો ખોલીને એની બાજુની સીટ પર બેસી ગઈ.
રસ્તામાં શશાંકે જણાવ્યું કે એક નવી આવેલી છોકરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો. એક આયા એને જોઈ ગઈ અને બચાવી લીધી. એણે એના હાથની નસ કાપી નાખી છે. એ લોકો વ્હાઈટ ડવમાં પહોંચ્યા ત્યારે એ છોકરી સારવાર હેઠળ હતી. કાવ્યાને યાદ આવ્યું, આ એજ છોકરી હતી જે સવારે જ દાખલ થઈ હતી. બ્લુ વ્હેલ ગેમની શિકાર! સિસ્ટર માર્થા અને ડૉક્ટર અવસ્થી એની સાથે ઑટીમાં હતા. શશાંક પણ ઑટીમાં ગયો. કાવ્યા બહાર એકલી રહી ગઈ.
સિસ્ટર રાધા અને ગીતા ઘરે ચાલી ગયેલી. એમની ડયુટી પૂરી થઈ ગયેલી. રાત્રે એક બીજી નર્સ આવેલી. જે આધેડ ઉંમરની કોઈ આદિવાસી સ્ત્રી હતી. બંને ક્લાર્ક અને આયા એમના હોસ્પિટલની પાછળ જ આવેલ ક્વાર્ટરમાં ચાલ્યા ગયેલા. બધી સ્ત્રીઓને એમના રૂમમાં પૂરી દેવામા આવેલી. હજી સાડા છ જ વાગ્યા હતા. અંધારું થવાની હજી શરૂઆત જ થઈ હતી.
કાવ્યાને અચાનક જ કોણ જાણે શું સૂજ્યું કે એ ચાલતી ચાલતી આગળ નીકળી ગઈ. એના ડેડીની કેબિન આગળથી નીકળી ત્યારે ઘડીભર ત્યાં રોકાયેલી. પછી ફરી આગળ ચાલવા લાગી. એ ચાલતી ચાલતી ઉપર જવાની સીડી આગળ આવી ગઈ હતી. અનાયાસ જ એના પગ એ સીડી તરફ વળી ગયા. એ ઉપર ચઢવા લાગી. ઉપર લોબીમાં લાઈટ ચાલું થઈ ગઈ હતી. એ થોડીવાર અટકી. સામે ઑટી અને એની ડાબે જમણે દર્દીઓના રૂમ આવેલા હતા. બધું જ બરાબર હતું છતાં કોઈ અજીબ ભયથી કાવ્યાનું મન કાંપી રહ્યું... એને થયું કે એ નીચે જતી રહે પણ ન જઈ શકી. કોઈ અદૃશ્ય શક્તિ એને આગળ ને આગળ ખેંચી રહી હતી. એ આગળ વધતી ગઈને જમણી તરફ વળી ગઈ.
સાંજના સાત વાગી ગયા હતા. વાતાવરણમાં નિરવ શાંતિ પ્રસરતી હતી. કોઈ માણસ અકળાઈ જાય એટલો સન્નાટો હતો ચારે તરફ!. કાવ્યાની ધડકન તેજ બની. એના શ્વાસ ટૂંકા અને ઝડપી ચાલી રહ્યા. આછી આછી ઠંડીમાંય એના કપાળે પરસેવો બાઝી ગયો હતો. એ આગળ અને આગળ ચાલી રહી...
છેલ્લાં ખાલી રૂમ આગળ આવીને એ આપોઆપ જ અટકી હતી. કોઈ અજીબ વાસ આવી રહી હતી એ રૂમમાંથી. કોઈ મરીને સડી રહેલું જનાવર ગંધાતું હોય એવી ખરાબ વાસ. કાવ્યાએ એના નાક આડે હાથ ધર્યો અને અચાનક જ લાઈટ ચાલી ગઈ. કાવ્યાની નજર એ વખતે ખાલી રૂમની બારી પર હતી. અચાનક છવાયેલા અંધારપટમાં ત્યાં એકદમ સ્પષ્ટ એક આકૃતિ દેખાઈ રહી...એ આકૃતિમાંથી આછો સફેદ પ્રકાશ આવી રહ્યો હતો... કાવ્યાએ એ આકૃતિ તરફ આંખો ફાડીને ધ્યાનથી જોયું.
સફેદ કપડાં પહેરેલી એક સ્ત્રી ત્યાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં પંખે લબડી રહી હતી. કાવ્યા એને હજી જોઇજ રહી હતી. એ કંઈ
સમજે વિચારે એ પહેલાં એ લટકી રહેલી સ્ત્રીએ એની બંધ આંખો ખોલી હતી. એમાંથી બે ઝગમગતા ગોળા જેવી સફેદ, કાળી કીકી વિનાની માત્ર સફેદ ચમકતી આંખો કાવ્યાની સામે તાકી રહી. કાવ્યાના આખા શરીરે પરસેવો વળી ગયો. એણે ભાગી જવા પગ ઉઠાવ્યો તો આ શું! એના પગે કોઈએ ગુંદર લગાવી દીધો હોય એમ નીચે ચોંટી ગયા હતા. એ જરાક પગ હલાવી પણ ન શકી. મદદ માટે બૂમ પાડવા ગઈ તો જાણે કોઈએ એનું ગળું દબાવી દીધું હોય એવી પીડા થઈ આવી. બંને હાથોથી એ એનું પોતાનું ગળું પકડી રહી. પેલી અંધારામાં દેખાતી સ્ત્રી કાવ્યાની આ હાલત જોઈને જોર જોરથી હસી પડી. કાવ્યા ડરથી ધ્રુજી ઉઠી. પેલી સ્ત્રી હજી ડરાવનું અટ્હાસ્ય કરી રહી હતી. એના કાળા ભમ્મર વાળ ચારે બાજુથી ઊડી રહ્યા હતા. એનો ચહેરો કાળો અને ખૂબ બિહામણો હતો. એનો એક બાજુનો ચહેરો જાણે ભયાનક રીતે બળી ગયો હતો. એ દેખાવ વિકરાળ હતો. એના હસવાનો તીણો અવાજ કાવ્યાના કાનમાં પડઘાતો રહ્યો. એને લાગ્યું કે એ અવાજ એના કાનના પડદા ફાડી નાખશે. એક નાનકડી દસેક વરસની છોકરી જાણે હવામાંથી દોડતી દોડતી આવી અને કાવ્યાને પગે એના બે હાથ ફેલાવી વીંટળાઈ વળી. એ રડતી હતી. ના. કદાચ એ હસતી હતી. કાવ્યા... કાવ્યા... કહીને એ પોતાને બચાવવા કહી રહી હતી. કાવ્યાએ એ છોકરી સામે જોયું. અંધારામાં એ છોકરીનો ચહેરો ચમકી રહ્યો હતો. આ છોકરીને ક્યાંક જોઈ છે! જાણે રોજ જોઈ છે! ક્યાં? કાવ્યા બધું ભૂલીને એ છોકરીને જોઈ રહી. એ છોકરી એની સામે હસીને જોઈ રહી. અચાનક “ટક” કરતો અવાજ આવ્યો અને લાઈટ આવી ગઈ.
“કાવ્યા તું અહીં અંધારામાં શું કરે છે?” એ શશાંક હતો. એણે જ અહીં આવીને લાઈટ ચાલુ કરેલી.” લાઈટ તો ચાલું કરવી હતી. હું ક્યારનો તને શોધું છું.”
“હું આવી ત્યારે અહીં લાઈટ ચાલુ હતી. ત્યાં રૂમમાં કોઈ છે! અને આ છોકરી...” ખૂબ જ ગભરાઈ ગયેલી કાવ્યા તુટક તુટક શબ્દોમાં બોલી.
ત્યાં કોઈ ન હતું. કાવ્યા ભોંઠી પડી ગઈ. રૂમ ખાલી હતો. હંમેશાંની જેમ જ! એની બાજુમાં ઊભેલી પેલી નાની છોકરી ગાયબ હતી. એ હવામાંથી આવી અને હવામાં ઓગળી ગઈ હતી! એને જરાક ચક્કર આવી ગયા. શશાંકે વેળાસર આગળ આવીને એને પકડી અને પડતા બચાવી લીધી. શશાંકની છાતી પર માથું ઢાળીને કાવ્યા આંખો મીચી થોડીવાર ઊભી રહી.
“આ જગા જ એવી છે. અહીં ઘણાંની સાથે આવું થાય છે. ડોન્ટ વરી હું તારી સાથે છું.” શશાંકે કાવ્યાના માથા પર હાથ ફેરવતા કહ્યું.
કાવ્યાને શશાંકનો એ હુંફાળો સ્પર્શ ગમ્યો. એના જીવનમાં આજ સુધી કોઈ પુરુષનો પડછાયો પણ પડ્યો હતો. શશાંક એને પહેલી નજરે જ આકર્ષક લાગેલો. અત્યારનો એનો સ્પર્શ કાવ્યા માટે એના જીવનનો પહેલો પુરુષનો સ્પર્શ હતો...! ડરેલી, ગભરાયેલી કાવ્યા માટે શશાંક એનો હીરો બનીને આવ્યો હતો.
“ઘરે જઈએ.” કાવ્યાને ધીરેથી દુર કરતા શશાંક બોલ્યો.
“હમમ.” શશાંકથી દૂર થવું કાવ્યાને ગમ્યું તો નહીં છતાં એણે પોતાના પર કાબૂ મેળવી લીધો અને એ શશાંકથી આગળ નીકળી ગઈ.
“મમ્મીને કંઈ વાત ન કરતો.” ગાડીમાં બેસતા જ કાવ્યાએ કહ્યું.
“તે શું જોયું હતું? તું ગભરાયેલી લાગતી હતી.” શશાંકે ગાડી ચાલુ કરતા પૂછ્યું.
કાવ્યાની નજર આગળ પેલી પંખે લટકતી સ્ત્રી આવી ગઈ. એના પેટમાં જાણે કબૂતર ફડફડવા લાગ્યા. પેલી નાની છોકરી એને ફરી યાદ આવી ગઈ. કાવ્યા કંઈ ના બોલી.
કાશ, એણે પાછલી સીટ પર એક નજર કરી હોત. એ નાનકડી છોકરી ત્યાંજ પાછળ બેઠેલી હતી....