સરિતા. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સરિતા.

“સરિતા”

========

સરિતા અને સંજય સાતમાં ધોરણ સુધી સાથે જ ભણ્યા. ગામમાં હાઈસ્કુલના અભાવે સરિતાએ ભણવાનું છોડ્યું હતું. સંજય એગ્રીકલ્ચરલ ડીપ્લોમાં સુધીનું ભણતર કરીને ગામમાં પરત આવ્યો હતો. જુદા જુદા ગામોમાં ફરીને ખેતીવાડી સલાહકાર તરીકેનો અનુભવ લેવા લાગ્યો. માટીની પરખ કરવી, કઈ માટીમાં કેટલું પાણી, કેટલી દવા, ક્યા પ્રકારની દવા છાંટવી એ અંગે ગામલોકોને જાગૃત કરવા અને જાણકારી આપવી એજ એનું કામ થઇ ગયું હતું..

ક્યારેક નવરો હોય તો એ સોમાભાઈની વાડીએ આંટો મારવા આવી જતો. એની બચપણની દોસ્ત સરિતાને જોઈ મનોમન રાજી થતો.

સરિતા અને સંજય બંનેએ જુવાનીના ઉંબરામાં પગ મુક્યો ત્યારથી પહેલા જેવી મોજ મસ્તી હવે નહોતી થતી.

આજે એ ઘણા સમય પછી સોમાભાઈની વાડીએ આંટો મારવા આવ્યો હતો.

“એય સનલા, મારા લગનમાં આવીશ ને!”

“કેમ આવું? મને એકલો મેલીને તું જતી રહીશ! ને હું તારા લગ્નમાં આવું હે?”

“તું આવે કે નાં આવે, ઈ ઘોડે ચડીને આવશે ને મને લઇ જશે તું જોતો રહી જઈશ.”

સરિતાએ હસતા હસતા કહ્યું.

સંજય જાણતો હતો કે સરિતા અને એની વચ્ચે આર્થીક અને સામાજિક રીતે ઘણું અંતર હતું. જ્યારથી એ શહેરમાં ભણવા ગયો ત્યારથી એ અંતર વધી ગયું હતું. એ જ વિચારોમાં સંજય ખોવયો હતો અને પાછળથી સરિતાની સખી હંસાના અવાજે વાતોમાં વિક્ષેપ પાડ્યો.

“એય સલ્લી, “ ભુલકણી! તારે ઘીરે મે’માન આયા સ. જા તારી બા બોલાવ.”

સરિતા જેમની તેમ સફાળી ઉભી થઇ અને કાચી કેડીનો રસ્તો ઉતાવળે કાપવા લાગી.

આસપાસ કોઈ જોતું તો નથીને! એની આંખોમાં રહેલી શરમ એણે સાડીના છેડાથી ઢાંકી. ઝાંઝરીનો રણકાર એની ઉતાવડની ચાડી ખાઈ રહ્યો, એના વિચારોમાં વિક્ષેપ પાડી રહ્યો. આસપાસ ચાલતી સખીઓ એની ખીલ્લી ઉડાવી રહી. સખીઓના મહેણાં સાંભળી એણે એના પગ ધીમા કરી મુક્યા. એના મનનો માણીગર જયેશ બેરાજા ગામથી આવ્યો હતો. બેરાજા ગામના સરપંચ ખીમાઆતાનો દીકરો આજે બા-બાપુ સાથે સરિતાને જોવા આવ્યો હતો. સરિતા વાડીમાં કામ કરી રહી હતી ત્યારે એની સખીએ બધાની વચ્ચે સરિતાને કહ્યું હતું.

“એય સલ્લી, “ ભુલકણી! તારે ઘીરે મે’માન આયા સ. જા તારી બા બોલાવ.”

આ સાંભળતા જ સરિતા સફાળી ઉભી થઇ ગઈ હતી. સરિતા ઘરેથી નીકળી ત્યારે જ બાએ એને પાંચ વાગ્યે ઘરે આવી જવા કહ્યું હતું પણ સરિતા ખેતરમાં નિંદામણના કામમાં અને સંજયની વાતોમાં એવી તો પરોવાઈ ગઈ હતી કે એ વિસરી ગઈ હતી કે આજે એના મનનો માણીગર જયેશ એના બાપુને લઈને આવવાનો હતો. એ ડેલીએ પહોંચીને અટકી ગઈ જયારે એણે ખીમાઆતાને બહાર ફળીયામાં જ ઢાળેલ ખાટલા ઉપર બેઠેલા જોયા. એની સામેની ખુરસી ઉપર જયેશને બેઠેલો જોઈ એણે સાડીનો છેડો બે દાંત વચ્ચે દબાવી બંને હાથ ઘાઘરાની ઘેર ઉપર મૂકી દોડતી દોડતી એ પાછળના દરવાજેથી સીધી રસોડા તરફ ગઈ. સોફા ઉપર બેઠલા ભાવી સાસુ અને ભાવી નણંદ સરલાને જોઈ સરિતા વધુ શરમાઈ. જયેશની બા અને સરિતાની આંખો મળી. સરિતા જયેશની બાને પગે લાગી.

“આવી ગઈ ભુલકણી! કામમાં પરોવાઈ જા એટલે કશું યાદ જ નથી રહેતું તને તો.”

બાએ રસોડામાંથી બહાર નીકળતાં હાથમાં ચાની કીટલી અને અડાળીનો થપ્પો પકડાવતા કહ્યું.

ચાની કીટલી અને અડાળીનો થપ્પો બાપુને પકડાવી એ દોડતી એના ઓરડામાં જતી રહી.

ઓરડાનો દરવાજો બંધ કરી એક ઓશીકું એણે એની છાતી સમું દબાવી દીધું. છેલ્લા છ મહિનામાં જે ઉર્મીઓ એના હ્રદયમાં ધરબાયેલી હતી એ બધી જ ઉર્મીઓ એ વિચારોમાં વાગોળવા લાગી. સાતમ આઠમના મેળામાં જયેશ જીપ લઈને આવ્યો હતો અને એની સામે ઉભો રહી ગયો હતો ત્યારે એ કેવી શરમાઈ ગઈ હતી! એણે એની આંખો નીચે કરી મૂકી હતી. ચુન્નીનો એક છેડો એણે ખેંચી લીધો હતો અને એ આંગળીઓ ઉપર વીંટવા લાગી હતી.

જયારે વરસાદ થયો હતો ત્યારે નદીના પાણી ભરાઈ ગયા હતા. એ સમયે જયેશને એણે પહેલીવાર જોયો હતો. ગામની નદી છલોછલ ભરાઈ ગઈ હતી ત્યારે નદીને વધાવવા ખીમાઆતાને ગામમાં આમંત્રણ અપાયું હતું. જયેશ પણ ખીમાઆતા સાથે આવ્યો હતો. આ સમયે ખીમાઆતા સાથે વધામણા કરવા ગામના સરપંચનો આગ્રહ હતો કે સરિતાને સરપંચ સાથે પૂજાની થાળી લઈને મોકલવી. આજુબાજુના બારેય ગામને સ્પર્શીને વહેતી જીવાદોરી સમાન એક નદી હતી. એ નદી આ સમયે એ કેટલી ખીલખીલાટ હસી રહી હતી! નદી તો છલકાતાં છલકાઈ હતી પણ સરિતાની ખુશી ભારોભાર ઉભરાતી હતી. જાણે વાડીમાં ઉભેલો પાક નદીના વધામણા કરવા આવી ગયો હોય. આ સમયે એણે જયેશને પહેલીવાર જોયો હતો. સરિતાએ સોળમાં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજી વખત ખીમાઆતા પંચાયતના કામથી આવ્યા હતા ત્યારે ચા-પાણી પીવા સોમાભાઈના ઘરે આવ્યા હતા, ત્યારે પણ બંનેની નજર આંખો આંખોથી વાતો કરી રહી હતી. આ સમયે જ જયેશે સરિતાને એની જીવનસંગીની બનાવવાનું નક્કી કરી લીધું હતું. દશેરાના દિવસે તો જયેશની નાની બહેન સરલા ગામમાં આવી હતી ત્યારે સરિતા સાથે જયેશની વાત કરવાનો મોકો પણ ન ચુકી હતી.

“સરિતા તું કેટલી સુંદર છે!”

જયારે સરલાએ આવી વાત કરી ત્યારે સરિતા કેટલી શરમાઈ ગઈ હતી! પણ બીજી જ ક્ષણે સરલાએ ફેરવીને વાત કરેલી..

“આવું હું નથી કહેતી! મારો ભૈલો જયેશ કહેતો હતો.”

આ સમયે જ સરલાએ મોકાનો ફાયદો ઉઠાવી એને પુછેલ કે.

“જો તને મારો ભૈલો ગમતો હોય તો હું બાપુને વાત કરું! મારા ભાભી બનશો?.”

આ વિચાર આવતા જ સરિતાએ ઓશિકાની પકડ મજબુત કરી છાતી સમું ભીંસી દીધું.

ત્રણ વખત આંખોથી થયેલી પ્રિત આજે એક સંબંધમાં પરિણમી રહી હતી એના ઉન્માદના મોજા આજે સરિતાના દિમાગમાં ઉછળી રહ્યા. નાનકડી કાંકરી શાંત નદીમાં ફેંક્યા પછી નદીમાં જે તરંગ સર્જાતું હોય એવી અનુભૂતિ આજે સરિતા કરી રહી. એના જીવનની નૈયા જાણે આપોઆપ નદીમાં તરી રહી હતી. બાએ એના ઓરડાની સાંકળ જોરથી ખખડાવી એના જીવનની નૈયાને મોટું હલેસું મળ્યું હોય એમ એના વિચારોમાં વિક્ષેપ પડ્યો. એ સફાળી ઉભી થઇ અને દરવાજો ખુલતાં જ એની સામે એના બા અને બાપુને ઉભા જોઈ એ ફરી શરમાઈ ગઈ હતી. એણે એના હાથ આંખ ઉપર મૂકી દીધા હતા. બા અને બાપુની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બાપુએ સરિતાને ગળે લગાવી.

“દીકરી તું તો પારકી થાપણ. આજ નહી તો કાલ તારે જવાનું જ હતું. દિવાળી પછી તરત જ સારું મુરત જોઇને તારા હાથ પીળા કરી દઈએ.”

ઘરમાં દિવાળીની તૈયારી સાથે લગ્નની તૈયારીનો માહોલ સર્જાયો. દિવાળીના તહેવારમાં બંને પરિવાર વચ્ચે ભેટ-સોગાદોના વ્યવહાર થયા.

દિવાળી પછી સરિતા અને જયેશની સગાઈના ભાગ રૂપે મીઠા મોની રસમ પૂરી કરવામાં આવી. અઠવાડિયામાં લગ્ન કરવાનું નક્કી થયું.

બંને ઘરમાં લેન્ડલાઈન ફોન હતા પણ શરમ સંકોચના કારણે બંને વચ્ચે કોઈ વાતચીત નહોતી થતી. વેવાઈ કે વેવાણ ફોન કરતા તો ક્યારેક એ સરલા સાથે વાતો કરી લેતી. જયેશના ખબર અંતર પૂછી લેતી. થોડા જ દિવસોમાં એણે જેઠાણીના બાળકો સાથે આત્મીયતા કેળવી લીધી અને એમની સાથે પણ ફોન ઉપર વાતો કરવા લાગી.

સોમાભાઈ ખીમાઆતા જેટલા શ્રીમંત ન હતા પણ એમના પોતાના ગામમાં એની સારી શાખ હતી. ધૂમધામથી સરિતા અને જયેશના લગ્ન થયા.

ગામના મોભી કુટુંબની ભવ્ય કોઠીમાં સરિતાનો ગૃહપ્રવેશ થયો.અઠવાડિયામાં જ સરિતાએ એ મોટા કુટુંબમાં બધાના હ્રદયમાં સ્થાન મેળવી લીધું. ઘરનાં બધાં જ સભ્યોનાં મુખમાં બસ સરિતા સરિતા અને માત્ર સરિતા જ હતું.

કોઠીની ગમાણમાં બાંધેલી ચાર ગાયોની સાર સંભાળ જેઠાણી કરતા. સરિતાનાં આવ્યાં પછી જેઠાણી વાડીનું કામકાજ સંભાળવા લાગ્યા, એ જવાબદારી પણ સરિતા ઉપર આવી પડી. ઉપરાંત જેઠના બે છોકરાઓને સવારે શાળાએ મોકલવા, એમના ચા-નાસ્તાની વ્યવસ્થા, નાની નણંદને કોલેજ જવા માટે ચા નાસ્તો ટીફીન. વાડીએ ભાથું દેવા જવું વગેરે જેવા કામો સરિતા ચીવટથી કરવા લાગી.

આજુબાજુના ગામના આગેવાનો સરપંચશ્રીઓ નાનીનાની બાબતે ખીમાઆતાની સલાહ લેવા આવતા. આમ ઘરમાં માણસોની અવરજવર ચાલુ જ રહેતી.

ઘરમાં નોકર ચાકર હતા પણ વધારે પડતો કામનો બોજ તો સરિતા ઉપર જ આવી પડ્યો. ઘરના નાનામોટા વ્યવહાર સરિતા પોતે જ સાચવવા લાગી.

ગામની કોઈ અગત્યની બેઠક પણ હવેલીની બહારના આંગણામાં જ થતી. ત્યારે એ તમામ સભ્યોની ચા-નાસ્તાની વ્યવસ્થા, એ સિવાય ઘરના નાના મોટા કામોમાં સરિતા પરોવાઈ જતી. બધા કામ પતાવી મોડી રાત્રે સુવાનું અને વહેલી સવારે ઊઠવાનું આ એનો નિત્યક્રમ બની ગયો. મહિનામાં એકાદવાર પણ થોડો સમય મળતો તો એ બા બાપુ સાથે લેન્ડલાઈન ફોન ઉપર વાત કરી લેતી. જયેશ કોલેજના બીજા વર્ષમાં હતો. ગામથી બસો કિલોમીટર દુર શહેરની એક હોસ્ટેલમાં રહેતો.

રવિવારની રજા હોય ત્યારે ચાર આંખ થતી.

સમય વિતતો ગયો જોતજોતામાં ત્રણ વર્ષમાં ન બનવાનું ઘણું બધું બની ગયું, કોલેજનું ભણતર પૂરું થતા જયેશ પણ વાડીના કામમાં જોતરાઈ ગયો.

સતત ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. પરિસ્થિતિને પહોંચી વળવા આજુબાજુના ગામ લોકોનો આવરો જાવરો વધી ગયો. વધારે પડતા કામના બોજની ફરિયાદ એ ક્યારેય જયેશને નહોતી કરતી. છેલ્લા ત્રણ વર્ષમાં સરિતાના ત્રણ ગર્ભપાત થઇ ગયા જેના કારણે એની માનસિક અને શારીરિક સ્થતિ કથળી ગઈ હતી. દુકાળના કારણે નદીનાં પાણી ઉલેચાવા લાગ્યા, સુકાવા લાગ્યા, ભૂગર્ભમાં રહેલું પાણી માત્ર એક આશરો બન્યું હતું. આર્થિક રીતે સધ્ધર હતા એ ખેડૂતોએ પોતાની વાડીમાં બોર કરાવ્યા. પાતાળ કુવા બનાવડાવ્યા. બનતી મહેનત ગામલોકોએ કરી. આજુબાજુના ગામડાઓમાં મૃત્યુંઆંકા વધી ગયો.

ગામડાનાં જ અમુક છોકરાઓ જે પહેલાથી વિદેશ જતા રહ્યા હતા એમની મદદ મળવા લાગી અને પરિસ્થિતિને પહોંચી વળવા ખીમાઆતાએ પણ કમર કસી. આ સમયે આજુબજુબના બાર ગામડાઓના સરપંચની એક અગત્યની બેઠક ખીમાઆતાની હવેલી પર ગોઠવવામાં આવી. અમુક અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલી રહી હતી. ગમના એક સભ્ય પોતાની વાત રજુ કરવા ઉભો થયો અને કહ્યું.

“ ખીમાઆતા, પાણીની સમસ્યા માટે તો વરસાદ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, તેમ છતાં પરિસ્થિતિને પહોંચી વળવા કોઈ નક્કર પગલા તો લેવા જ પડશે.

પાતાળ કુવાઓએ પણ હવે તળિયું બતાવી દીધું છે.’’

ખીમાઆતાએ રુક્ષ આકાશ તરફ નજર કરી જવાબ આપ્યો.

“ખરું કહ્યું, પરિસ્થતિ વિકટ છે. કુદરતના કોપ આગળ આપણે બીજું તો શું કરી શકીએ? ઓણ હજુ એક વર્ષ રાહ જોઈ લઈએ. આ શ્રાવણ કોઈ સારા સંકેત આપે તો ઠીક છે નહીતો કોઈ રસ્તો કાઢીશું. આપણે પહેલી વાર આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.”

આ મુદ્દે અન્ય સભ્યોએ ચર્ચા કરી ત્યારબાદ ગામનો એક બીજો સભ્ય ઉભો થયો..

“ખીમાઆતા આપણા ગામમાં નદી કિનારે આવેલ સ્મશાનની પરિસ્થિતિ સુધારવાની જરૂર છે. લોકો માટે ત્યાં નથી તો બેસવાની જગ્યા કે નથી વ્યવસ્થિત ઉભા રહેવાની જગ્યા. ઠીક છે કુદરતના કોપ આગળ આપણે લાચાર છીએ એ તો સમજ્યા.”

સૌ સભ્યોએ ઉઠાવેલ પ્રશ્નની સરાહના કરી. ગામનો બીજો સભ્ય ઉભો થયો અને એણે પોતાનું યોગદાન આપવા પોતાનું ટ્રેક્ટર આપવા તૈયારી બતાવી. ગામના અમુક ખેડૂતોએ એકસંપ થઈને કામ કરવાની તૈયારી બતાવી. બીજા જ દિવસે ટ્રેક્ટરથી ફેરા કરીને સ્મશાનની જગ્યાને પહોળી કરવાની કામગીરી હાથ ધરાઈ. નદીની એક બાજુ જ્યાં કિનારો વધારે પહોળો હતો ત્યાં ભરતી કરી દેવાઈ. ત્રણ દિવસમાં તો સાફ સુથરું મેદાન તૈયાર કરી એ મેદાનમાં સ્મશાન માટેની છતેડી અને લાકડા રાખવા નાની ઓરડી બનાવી દેવાઈ. કામગીરી જોવા ગામે-ગામથી લોકો આવ્યા હતા.

સ્મશાનની આસપાસ સિમેન્ટના થાંભલાની વાડ થઇ રહી હતી. ખીમાઆતા સ્મશાનની મોટી ડેલી પાસે ઉભા હતા. આમ તો ગામનો કોઈ નવયુવાન ખીમાઆતા સાથે સીધી વાત કરવાની હિંમત ન કરે પણ સંજય આજે કામગીરી જોવા માટે નીકળ્યો ત્યારે સોમાભાઈએ સંજય સાથે સપેતરું મોકલાવ્યું હતું. સંજયને વાત કરવા માટે કોઈ બહાનાની જરૂર ન હતી.

સ્મશાનની ડેલીએ કામ કરાવી રહેલ ખીમાઆતા પાસે જઈને વાતની શરૂઆત કરી.

“એ રામ રામ કાકા.”

“રામ રામ. આવ આવ.”

“કાકા તમને નથી લાગતું કે આ ખોટું થાય છે?”

“કેમ? શું ખોટું થઇ રહ્યું છે? “

“કાકા નદીની જગ્યા રોકીને સ્મશાન બનાવાતાં હશે? પછી એ જગ્યાની ઘટ પડશે તો પાણી ક્યાં જશે?”

“સંજયા! બેટા તું ભણ્યો પણ ગણ્યો નહી! પાણીના વહેણ એમ ક્યારેય રોકાયા છે? એ તો આમ આવશે અને આમ જતા રહેશે. સરકારે ચેક ડેમ બનાવ્યા છે. જેટલા રોકાવાના હશે એટલા રોકાઈ જશે.”

“સારું કાકા. પણ આ ખોટું તો છે જ.”

એમ કહેતા સંજયે ખિસ્સામાંથી કાગળ કાઢીને આપ્યો..”આ લો વેવાઈએ આ કાગળ તમને આપવા કીધું હતું.”

સંજય જતો રહ્યો. આજુબાજુના ગામોમાં આ કામની ખુબ સરાહના થઇ. ખીમાઆતાથી પ્રેરિત બાકીના અગિયાર ગામોએ અને એમના વિદેશ વસતા બાળકોએ સહાય કરીને સ્મશાનની કામગીરી કરી દેવામાં આવી. નદીની અમુક જગ્યા રોકી તેના ઉપર માટીની ભરતી કરવામાં આવી. જરૂર જણાઈ ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનું બાંધકામ કરવામાં આવ્યું. સિમેન્ટના થાંભલાઓ મુકીને સ્મશાનની આસપાસ વાડ કરવામાં આવી. વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કામગીરીનો વિરોધ કરી રહેલ એકમાત્ર સંજય અભિયાન ચલાવવા લાગ્યો. આ કાર્ય ખોટું છે. નદીની જગ્યા રોકીને પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યા હોવાની રાવ એણે ખીમાઆતાને લેખિતમાં કરી. વિરોધનું નાનું તણખલું થોડા સમયમાં જ સમી ગયું જયારે સંજયના બાપુએ આર્થિક ભીંસના કારણે ખેતરમાં જ આત્મહત્યા કરી લીધી. ત્યારે ગામમાં એક માહોલ સર્જાયો.

“જોયું! સ્મશાનની કામગીરીમાં દખલ કરવા આવ્યો તે એનો જ બાપો સિધાવી ગયો ને?”

બાપુના અવસાન પછી સંજય હતાશ થઇ ગયો હતો. બાપુના કરજ ચૂકવવાનું અને ઘરની જવાબદારીનું ભારણ એને માથે આવતા એને પળોજણમાં પડવાનું માંડી વાળ્યું. નદી ઉપર થયેલા દબાણ અંગેની તાલુકા પંચાયતમાં એણે લખેલી અરજીઓ એના બાપુની ચિતામાં જ ફાડીને સળગાવી નાખી હતી.

દુકાળે હજુ એની જીદ પકડી રાખી હતી ત્યારે સરિતાના પગ ચોથી વખત ભારે થયા. આ વખતે ખીમાઆતાએ ઘરમાં નોકર ચાકરોને તાકીદે કરી દીધા હતા. સરિતાની ખુબ દેખભાળ થવા લાગી.

બીજા અને ત્રીજા મહીને જ સરિતાને ત્રણ વખત ગર્ભપાત થઇ ગયેલ હતો એ ભય સરિતાને આ વખતે પણ સતાવી રહ્યો હતો. આ વખતે સરિતાની દેખભાળ શહેરની હોસ્પીટલમાં થઇ રહી હતી. વિધિની વક્રતા હતી કે સરિતાના નશીબ નવમાં મહીને સરિતાએ મૃત બાળકને જન્મ આપ્યો.

આ સમયે સરિતા જાણે રબ્બરનું પુતળું બની ગઈ હતી. ત્રણ મહિનામાં જ સરિતા ડીપ્રેશનમાં ચાલી ગઈ. ઘરનાં સભ્યો સાથે જેમ તેમ બોલવા લાગી. ન બોલવાનું બોલવા લાગી. ખુલ્લા વાળ રાખી ઘરની બહાર નીકળી જતી તો ક્યારેક ઘાઘરા અને પોલકામાં જ ડેલીથી બહાર નીકળી જતી.

ભર ઉનાળે ચપ્પલ વગર બહાર નીકળી જતી ત્યારે જયેશ અને ખીમાઆતા એને શોધવા ગામમાં નીકળી પડતા. તો ક્યારેક સરલાને દોડાવતા.

હવે એવો સમય આવી ગયો હતો કે બધાં વાડીએ જાય ત્યારે સરિતાને એક ઓરડામાં બંધ કરી દેવામાં આવતી. ઓરડામાં કેદ સરિતાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી.

ભાદરવાના તાપ ઉપર ટાઢકની પછેડીએ ઓવારણા લઇ લીધા હતા. મેઘાએ માવઠાના મંડાણના એંધાણ આપી દીધા. જગતનો તાત મીટ માંડીને ઝીણી આંખોએ આકાશ તરફ નીરખી રહ્યો.

“માવઠું તો માવઠું ગાયના ચારા જેટલું’યે મી વર્ષી જાય તો’ય ગંગ નાયા”

એવી વાતો લોકમુખે ચર્ચાતી. માટીની ભીની સોડમે વાતાવરણને ખુશનુમાં બનાવી દીધું હતું.

હવેલીની સામેના ઓરડામાં સાંકળથી બાંધેલી સરિતા ઉછળ કુદ કરવા લાગી. એની ચીસોએ હવેલી ગજવી નાખી. ઓરડાની સામે હિંડોળા ઉપર બેઠેલો જયેશ પણ સરિતા તરફ મીટ માંડીને બેઠેલો. ક્યારેક એની નજર મેલાઘેલા સાડલે લઘરવઘર વેશે એને તાકી રહેલી સરિતા ઉપર પડતી તો ક્યારેક એની નજર આકાશ ઉપર પડતી.

“મી આવશે તો સૌ સારા વાના થશે.”

સ્વગત બબડતા એણે સરિતા તરફ નજર દોડાવી હળવું સ્મિત વેર્યું.

છેલ્લા ત્રણ મહિનાથી આમને આમ ઓરડાની બારીમાંથી સળિયા પકડીને જયેશને તાકી રહેલી સરિતા ક્યારેક હસી પડતી તો ક્યારેક રડી પડતી. આજે સરિતાની નજર પણ વાદળ છાયા આકાશ ઉપર મંડરાયેલી હતી. આજે એ આકાશ તરફ જોઇને અટ્ટહાસ્ય કરી રહી હતી.

સરિતાનું અટ્ટહાસ્ય આજે જયેશને ભયભીત કરી રહ્યું હતું.

વરસાદ શરુ થતાં જ પવન સુસવાટા સાથે પાણીની છાંટ સરિતાના મોં ઉપર અથડાઈ. સરિતા જાણે રઘવાઈ થઇ હોય એમ ગાંડી ઘોડીની જેમ હણહણી ઉઠી.

આ સમયે જયેશને એવો વિચાર આવ્યો કે સરિતાની સાંકળ ખોલી દેવી જોઈએ.

પણ એ જ સમયે મેઘો એવો તે મુસળધાર મંડાયો કે એકાદ કલાકમાં તો ફળીયામાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા. રહ્યા સહ્યા ઊભા પાકનું ધોવાણ થવા લાગ્યું. રેડીયો ઉપર ગણતરીના કલાકોમાં જ અતિવૃષ્ટિની આગહી થવા લાગી.

બાર કલાકમાં અતિથી અતિ ભારે વરસાદને કારણે આજુબાજુના ગામડાઓમાં નદીના પાણી ભરાઈ આવ્યા. નદીઓ અને બાંધ છલકાવા લાગ્યા. ગામમાં ગોઠણ સુધી પાણી આવતા જ આગમચેતીના પગલા લઈને ખીમાઆતાએ ગામલોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા સૂચન આપી દીધા હતા. જીવન જરૂરિયાતનો સામાન ગાડામાં ભરાવા લાગ્યો. ટ્રેક્ટર ભરાઈ ગયા. વીજળીના ચમકાર અને મેઘ ગર્જનાએ ભયનો માહોલ સર્જી મુક્યો.

ખીમાઆતાની જીપ અને ટ્રેક્ટર ભરાઈ ગયા.. મેઘાનું તાંડવ વધી રહ્યું હતું..

ખળખળ મેધરવને ચીરતો સરિતાનો અવાજ આવ્યો ત્યારે જયેશે ખીમાઆતાને પૂછ્યું..

“બાપુ સરિતાનું શું...”

“થેપલા અને તલવટનો ડબ્બો એના ઢોલિયે મૂકી આવ. પાણીનું માંટલુંએ મૂકી આવ. આવા વરસાદમાં એ ગાંડીને ક્યાં સાચવવી? કદાચ સવારે તો પાછા આવી.....”

ખીમાઆતાની અડધી વાત સાંભળીને પ્લાસ્ટીકનું સણીયું ઓઢેલ જયેશ ઉતાવળે સરિતાના ઓરડામાં ગયો. થેપલાનો અને તલવટનો ડબ્બો ઢોલીયા ઉપર મુક્યા. પાલર પાણીનું માંટલું ખૂણામાં મુક્યું. એણે એક નજર સરિતા ઉપર કરી. સરિતા અનિમેષ જયેશને જોઈ રહી..

વીજળીના ધડાકા સાથે જયેશ અને સરિતાની આંખોનું જોડાણ તૂટ્યું.

ટ્રેક્ટર અને જીપ શરુ થઇ ગયા હતા. ખીમાઆતાનો તીણો અવાજ જયેશના કાને અથડાયો.

“જયલા! ઓ જયલા. હાયલ ને હવે! કેટલી વાર છે?”

ધીમા પણ મક્કમ પગલે આવી જયેશે જીપનું સ્ટેરીંગ સંભાળ્યું અને બાજુના શહેરમાં એક ધર્મશાળા તરફ પ્રયાણ કર્યું...

******

બે દિવસ પછી મેઘરાજાએ વિસામો લીધો. ગામના ગાડા અને ટ્રેક્ટરોએ ગામ તરફ પ્રયાણ કર્યું..

જયેશ અને ખીમાઆતા સહપરિવાર આવ્યા ત્યારે સરિતા જે ઓરડામાં હતી તે ઓરડાની કાચી દીવાલ ધરાસીયી થઇ ગઈ હતી. બારણું ચતુપાટ જમીન ઉપર પડી ગયું હતું.

ગજીયાનો કાટમાળ હટાવતો હટાવતો જયેશ રાડો પડી રહ્યો..

“સરિતા!! સરિતા! ઓ ગાંડી! સરિતા! “

કાટમાળમાંથી પણ સરિતા મળી નહી...

કોઈને ખબર ન પડી કે સરિતા ક્યાં ગઈ?

ગામલોકો વાતો કરતા કે

“સરિતાને ગોઝારી નદી ભરખી ગઈ.”

========

સમાપ્ત..

-નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯