"જોરાવરભાઈ, તમારી વાત હું સમજી ગયો છું. આશ્રમના તમારા કામમાં મારે દખલગીરી કરવી ન જોઈએ, પણ આતો એ ભાઈની દીકરીઓની ઈચ્છા નથી એટલે મારે જરા મહારાજ જોડે વાત કરવી હતી. આપ લોકો આગળ હું તો કોઈ વિસાત ધરાવતો જ નથી.તમે મારા વિશે બધું જાણો જ છો અને જે રીતે તમે વાત કરી એ પછી તો મારે કંઈ જ કરવાનું રહેતું નથી.પ્લીઝ મને એકવાર મહારાજ જોડે..."
"જો, મહર્ષિ. તું કોઈ ચાલ ચાલવા માગતો હોય તો એ પણ રહેવા જ દેજે. અને હા અમારી મરજી વગર તું આ આશ્રમમાંથી ક્યાંય જઈ પણ નહીં શકે. તારો ફોન પણ હવે લઈ લેવામાં આવશે. મારો માણસ તારી ઓફિસમાં આ કોલ પૂરો થાય ત્યાં સુધીમાં આવી જશે. તું ફોન આપી દેજે.અને આ જ ઘડીથી તું અમારી નજરકેદમાં છો.તારી દરેક હરકત અમો જોઈ રહ્યા છીએ.તારે મહારાજ જોડે વાત કરવાની કોઈ જ જરૂર નથી. મહારાજ જ તને સામેથી કોલ કરશે.એટલે તું આ બધું છોડીને પ્રવચનની તૈયારી કર.રાત્રે તારું પ્રવચન છે અને દસ હજારથી વધુ ભક્તો તને સાંભળવા આવવાના છે.તું અને જગલો બોલવામાં બહુ હોશિયાર છો. સાલ્લા લોકોને આબાદ ઉઠાં ભણાવો છો. એટલે જ તો તમને રાખ્યા છે,ચાલ મુકું છું, તું ફોન આપી દે. " જોરાવરે ફોન કાપ્યો. તરત જ એના કહેવા પ્રમાણે એક પડછંદ અને મહાકાય માણસે આવીને રમણના હાથમાંથી ફોન રીતસર આંચકી જ લીધો. રમણને પોતાની નિઃસહાય પરિસ્થિતિને કારણે ખૂબ જ ગુસ્સો આવતો હતો. પણ અત્યારે તેનાથી કંઈ જ થઈ શકે તેમ નહોતું. તે હતાશ થઈને સોફામાં ફસડાઈ પડ્યો.
** ** **
જે દિવસે રમણે પેલા ભક્તને મદદ કરવાનું વચન આપ્યું તે બાબતથી જોરાવર અને ભીખુ મહારાજ વાકેફ હતા.ભીખુ મહારાજ છોકરીઓની હોસ્ટેલની દેખરેખ રાખતો અને ગરીબ માં બાપની સ્વરૂપવાન કન્યાઓને નજરમાં રાખતો.વિના મૂલ્યે તમામ પ્રકારનું શિક્ષણ આપવા બદલ ચોક્કસ પ્રકારે સેવા લેવામાં આવતી. ભીખુ મહારાજ પસંદ કરે તે તમામ છોકરા છોકરીઓને આજ્ઞા મુજબની સેવા આપવી ફરજીયાત હતી. આ બધું જ.મહારાજ નહોતા જાણતા એવું નહોતું. અને એને પણ રમણની જેમ આ પસંદ નહોતું. આવી રીતે ગુરુ દક્ષિણા લેવી એ ઘોર પાપ છે એમ એ પણ માનતો. જ્યારે તેણે આ બધું જાણ્યું ત્યારે રમણ કરતા પણ તીવ્ર પ્રત્યાઘાત એણે આપેલા. જોરાવર અને ભીખુ મહારાજ બન્નેને જગદીશે ગડદા અને પાટા પણ મારેલા. પણ આ લોકોની જાળમા પોતાની જાતને ચારે બાજુથી જકડાયેલ અને ફસાયેલ જોઈ ત્યારે એ શાંત પડ્યો હતો. પોતાના પ્રભાવ નીચે હજારો લોકો આ આશ્રમના સેવક બનતા અને લૂંટાતા. એટલે જ એ આ બધાને મનોમન ભાંડતો રહેતો. રોજ રાત્રે નવી જ સેવિકા એના રૂમ મોકલવામાં આવતી. અને જોરાવર સહિતના તમામ લોકો આ સેવીકાઓની ભરપૂર સેવા લેતા.
આ નગચુડમાંથી છૂટવા માટે અને આ હરામી લોકોને સજા આપવા માટે તેનું મન તરફડતું હતું.અને એટલે જ જ્યારે જુલુસમાં જગદિશે રમણને જોયો ત્યારે એને એક આશા બંધાઈ હતી. સમાજની સેવા કરવાનું જગદિશે જ ચાલુ કર્યું હતું.પણ આશ્રમમાં પહેલેથી જ ઘુસી ગયેલા અમુક હરામખોરોએ સેવીકાઓની ભરતી કરવાનું શરૂ કર્યું હતું.જો કે શરૂઆતમાં અમુક આંધળા ભક્તોએ સામે ચાલીને પોતાની સ્ત્રીઓ અને છોકરીઓને પ્રભુસેવામાંમુકી હતી.અને એ લોકોનો ઉપભોગ શરૂ થયાનું જાણવા છતાં વિરોધ કરવાને બદલે ધન્ય થઈ ગયા ની લાગણી દર્શાવતા હતા.આવા લોકોને કારણે જ આ પ્રથા શરૂ થઈ અને ત્યાર બાદ એ એક ખાઈ ના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવી જેમાં હવે ઈચ્છા કે અનિચ્છા ગૌણ બની ગઈ અને ભક્તોની હોનહાર અને તેજસ્વી બાળાઓને ધકેલવામાં આવી રહી હતી. આવી બાળાઓ એકવાર સેવિકા બને એટલે તેમના તન અને મન ઉપર એવા ઉઝરડા પડી જતા કે જીવનભર એ ઘા રૂઝાતો નહિ. અને આવી એક જ દુષ્પ્રવૃત્તિ આશ્રમમાં ચાલતી હતી એવું નહોતું. આશ્રમના અનેક વિભાગો અને અનેક શાખાઓ હતી જે દેશભરમાં ફેલાયેલી હતી. જગદીશ જેવા અનેક સાધુઓ દ્વારા લોકોને મૂર્ખ બનાવી એમની તમામ માલ મિલકત અને વહુ દીકરીઓને પણ લૂંટતા રહેતા. આ બધાનો વિરોધ નહોતો થયો એમ નહોતું.પણ જે લોકોએ માથું ઊંચું કરવાની કોશિશ કરી હતી એ લોકો અમુક સમયમાં જ કાં તો ગુમ થઈ ગયા હતા, કાં તો એમનુ એક્સિડન્ટ થઈ ગયું હતું. કેટલાકને આશ્રમ ની હોસ્પિટલમાં હાર્ટએટેક આવ્યો હોવાનું કહીને પતાવી દેવામાં આવતા.અને હોસ્પિટલનું બિલ માફ કરી દેવાનો ઉપકાર કરીને એ કુટુંબની વધુ સેવાઓ લેવામાં આવતી. કેટલાય ભક્તોને આ હોસ્પિટલોમાં નાની મોટી બીમારી સામે મફત સારવાર આપવામાં આવતી.અને દાખલ થયેલા ભક્તોને અવનવી બીમારીના બહાને ઓપરેશન કરીને તેમની કિડની કાઢી લેવામાં આવતી.આવા તો અનેક ગોરખધંધા આ સંસ્થામાં ચાલતા. જગદિશાનંદજી જેવા અનેક સાધુઓ , જોરાવર અને ભીખુ મહારાજ જેવા અનેક ગુંડાઓ આ વટ વૃક્ષની શાખાઓ હતા.અને આટલી મોટી વિરાટ સંસ્થાના પાયા એટલા ઊંડા હતા કે રમણ કે જગદીશ જેવા સામાન્ય લોકોનું ગજું નહોતું એ આ આશ્રમના અધિપતિનો વાળ પણ વાંકો કરી શકે.અને એ અધિપતિ કોઈ સાધારણ સાધુ સંત નહોતો. રમણને જગદીશે જ કહ્યું હતું કે તે પોતે કર્તા હર્તા નથી. તેથી જ્યારે અનેક કોશિશ કરવા છતાં જગદીશનો સંપર્ક થઈ શક્યો નહિ ત્યારે તેણે પોતાના વિશ્વાસુ અને મિત્ર જેવા બીજા સાધુ સુધીરભગતને વાત કરી હતી.અને સુધીરભગતે આ સઘળું વૃતાંત જણાવીને રમણને કહ્યું કે "તમે શાંત થઈ જજો. જગદિશાનંદ જોડે તમને હવે ક્યારેય વાત કરવા દેવામાં નહિ આવે. અને આ બાબતમાં જો તમે જરા પણ આડું અવળું પગલું ભરશો તો તમને તો ઠીક પણ તમારા બાળકો અને પત્નીને પણ આ લોકો જીવતા સળગાવી દેશે.જગદીશ મહારાજનું ખૂન કરવાનો પ્લાન થઈ જ ગયો હતો.પણ સમય રહેતા એમણે અધિપતિજીના પગમાં પડીને માફી માંગી લીધી હતી અને ક્યારેય આશ્રમની ગતિવિધિમાં પોતે આડો પગ નહીં કરે તેવી બાંહેધરી આપી ત્યારે તેમને છોડવામાં આવ્યા છે."
રમણ અંદરથી તો આ વાત સાંભળીને ધ્રુજી ગયો.આવી બધી વાત એ જગલાએ પોતાને કરી નહિ એ બદલ તેને ખૂબ જ ગુસ્સો આવતો હતો. અને ડર પણ ખૂબ જ લાગતો હતો.
પરંતુ રમણની અંદરથી એક અવાજ આવી રહ્યો હતો કે ભલે જે થવું હોય તે થાય પણ આ લંકાને સળગાવ્યા વગર પોતે રહેશે નહીં.પછી ભલેને ખુદને પણ ખાક થવું પડે !!
અને આ લંકા દહન ના હનુમાન થવાની શરૂઆત કરતો હોય તેમ મનોમન હનુમાનચાલીસાનું ગાન કરવા લાગ્યો. એક યોજના તેના મસ્તિષ્કમાં આકાર લઈ રહી હતી, જેમાં આશ્રમના અધિપતિનો સર્વનાશ થવાનો નક્કી હતો.