દિલ્હી પહોંચતા રમણને બે દિવસ લાગ્યા હતા. રસ્તામાં એને આરામ પણ કરવો પડ્યો હતો. દિલ્હીની ફાઈવસ્ટાર હોટલમાં તેણે રહેવાનું નક્કી કર્યું.પૈસાની કોઈ તકલીફ નહોતી.અને આશ્રમનું કાર્ડ પણ તેને ખૂબ કામમાં આવ્યું હતું.જોરાવરની ગાડીને દરેક ટોલનાકા પર ટેક્ષ ભરવાની જરૂર નહોતી.એક જગ્યાએ પોલીસની રૂટિન તપાસમાં પણ જોરાવરની ગાડીને ઓળખીને પોલીસ ઇન્સ્પેક્ટરે સલામ કરી હતી.રમણને આ લોકોની વગ જોઈને નવાઈનો પાર ન રહ્યો. પોતાની યુકતી સફળ થવામાં જોરાવરની ગાડી આટલી કામમાં આવશે એવો ખ્યાલ જ નહોતો. પણ પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે ફૂટતો જ હોય છે.
ફ્રેશ થઈને રમણે હોમ મિનિસ્ટ્રીમાં ફોન લગાડીને હોમ મિનિસ્ટર રાજ પુરોહિત વિજયરાજની મુલાકાત માંગી. તેના સચિવે પણ વ્યસ્તતા હોવાનું જણાવ્યું.એટલે રમણે કહ્યું કે તે પક્ષને પચાસ કરોડ રૂપિયા ભંડોળ આપવા માંગે છે.અને પોતાનો પરિચય પણ આપ્યો.અધિપતિના આશ્રમો આખા દેશમાં પ્રખ્યાત હતા. પરંતુ લોકતાંત્રિક પક્ષ કે જે હાલ સત્તા પર હતો તેને બહુ ઓછું ફંડ આશ્રમ તરફથી મળતું.માત્ર કહેવા પૂરતું જ . જ્યારે વિરોધ પક્ષ અધિપતિનો માનીતો પક્ષ હતો પણ અત્યારે એમના કમનસીબે એ સત્તામાં ન હતો.રમણને આ વાતની ખબર હતી અને એટલે જ તેણે આવો દાવ ફેંક્યો જે સફળ થયો. ગૃહ મંત્રી રાજપુરોહિત સાથે પુરા ત્રણ કલાક સુધી રમણ મહર્ષિની બેઠક ચાલી.
રમણે અધર્મના આચરણ સમાં આશ્રમની રજે રજ માહિતી અને જે પણ બિનકાયદેસર પ્રવૃતિઓ સાબિતી સહિત જણાવી. સેવીકાઓ વિશે, દાણચોરી ના કારોબાર વિશે, હવાલા કૌભાંડ વિશે, લોકોને ગુમ કરી દેવા વિશે અને કેટલાકની કિડની જેવા શરીરના અંગો કાઢી લઈ વેચવાની પ્રવૃતિઓ સુધીના તમામ કારોબારની અને છેલ્લે માસૂમ બલિકાઓના વેપાર વિશેની રજે રજ માહિતી સાંભળીને રાજપુરોહિતના ગુસ્સાનો પાર ન રહ્યો. ધર્મના આંચળા નીચે ધમધમતી આવી ભંયકર પ્રવૃત્તિનો પર્દાફાશ કરવાનું વચન આપીને તેમણે રમણને બિરદાવ્યો.
"મંત્રીજી, આ દેશના દરેક લોકો કે જેઓ આ શેતાનને નશ્યત કરી શકે છે તેમાંથી મોટાભાગના લોકો તેમના હાથે ખરીદાઈ ચુક્યા છે. માફ કરશો પણ આપની ઉપર પણ મને વિશ્વાસ નથી કે તમે ખરેખર આ રાવણની લંકા બાળી મુકવામાં મને સાથ આપશો. એટલે મારી સિક્યુરિટી માટે મેં વ્યવસ્થા કરી છે. દેશના ટોચના મીડિયા હાઉસમાં મારા ખાસ સંપર્કો મેં ત્યાર રાખ્યા છે.અને આપણી આ મિટિંગ વિશે પણ હું માહિતી રેકોર્ડ કરાવીને જ આવ્યો છું.જો ખરેખર તમે અધિપતિને જેલભેગો કરીને તેમની લંકા દહન કરવા માંગતા હોવ તો હું તમારા પક્ષને અબજો રૂપિયા અપાવીશ અને દેશને પણ. અધિપતિનું સામ્રાજ્ય લાખો કરોડનું છે.તમામ આશ્રમો પર ઇન્કમટેક્સ અને સીબીઆઈના દરોડા પાડો.અઢળક નાણું અને બેહિસાબ સંપત્તિના રેકોર્ડ મળી આવશે.આપશ્રીએ મને અને મારા મિત્ર જગદિશાનંદને અભય વચન આપવું પડશે." રમણે ગપ્પુ ઠોકયું.
રાજપુરોહિતજી મંદ મંદ હસી રહ્યા. રમણની કુશાગ્ર બુદ્ધિ બદલ એની પીઠ થાબડી કહ્યું, '' ડોન્ટવરી યંગમેન, અધિપતિને જેલભેગો કરવાનું તને વચન આપું છું.તેને જરા પણ ગંધ ન આવે તે રીતે અહીં જડબેસલાક વ્યવસ્થા ગોઠવું છું.તારી પાસે જે પુરાવા છે તેના આધારે તે જેવો ભારતમાં પગ મૂકે એટલે તરત તેને ઝડપી લેવામા આવશે. અને તરત જ એની બધી જ માયા લપેટવાનું શરૂ કરીશું. મારા પક્ષને આવા પાપના એક પણ રૂપિયાની જરૂર નથી. જે કંઇ ભોળા ભક્તોનું એણે લૂંટયું છે એ બધું જ ભંડોળ એના જ ભક્તોને મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. ભલે તું તારી સિક્યુરિટી કરીને આવ્યો છો પણ એની જરૂર નહી પડે. હવે તું જઇ શકે છે. આ તમામ દસ્તાવેજો તને ભરોસો પડતો હોય તો મને આપી જા. નહિતર ભલે તારી પાસે રાખ."
રમણને તેની વાત પર વિશ્વાસ તો થયો. તો પણ પુરાવા પૂરોહિતને આપી શકયો નહિ.
દરરોજની જેમ જ આશ્રમમાં દિવસ રૂટિન રહ્યો હતો.સવારથી રમણ મહર્ષિ દેખાતા નહોતા. સુધીરભગત રમણ મહર્ષિ પછીનું સ્થાન ભોગવતો.રમણ મહર્ષિ જયારે કોઈ ભક્તજનના ઘેર પધરામણી કરવા જાય ત્યારે આઠ દસ દિવસ આશ્રમનું સંચાલન સુધીરભગત કરતા. પણ હમણાં ઘણા સમયથી જોરાવર અને ભીખુ મહારાજ સાથે જે ઘર્ષણ થયું તેને કારણે રમણ મહર્ષિ નજરકેદ જેવી દશામાં હતા.અને તેમની પીડા પણ તે જાણતો હતો.કોઈપણ ભોગે રમણ મહર્ષિ આશ્રમના પીંજરમાંથી ઉડી જવા માંગતો હતો.પણ કોઈ દરવાજો એના માટે ખુલ્લો નહોતો.અને આજ એ સવારથી જ દેખાયા નહોતા.એમના શયનખંડની સેવીકાએ જણાવ્યું હતું કે કાલે રાત્રે તેઓ જોરાવર ભગત સાથે ગયા હતા. અને ચોકીદારે પણ જાણ કરી કે મોડીરાત્રે જોરાવરની ગાડી બહાર ગઈ છે. એટલે જોરાવર અને ભીખુ મહારાજ રમણને લઈને જ બહાર ગયા હોવા જોઈએ એમ તે સમજ્યો.
'તો તો હવે રમણ મહર્ષિ પાછા નહિ ફરે. બિચારા..કાં તો એને કોઈ બીમારીનું બહાનું કાઢીને હોસ્પિટલમાં દાખલ કરીને મહત્વના અંગો કાઢી લેશે અથવા ખૂન કરીને ક્યાંક સળગાવી નાખશે. આ હરામીઓ કોઈને પણ છોડે એવા નથી " સુધીરભગત ખૂબ જ દુઃખી થયો.
જોરાવર અને ભીખુ મહારાજ બાબતમાં કોઈ કશી જ પૂછપરછ કરતું કે કરી શકતું નહિ.એ બન્ને આશ્રમના આઝાદ આખલા હતા અને ગમે ત્યારે આવતા જતા રહેતા. એટલે એ દિવસે કોઈને ખ્યાલ આવ્યો નહિ કે ગઈ રાત્રે શુ ઘટના બની હતી. કદાચ રમણને આ બાબત ખબર હતી જેનો એણે લાભ લીધો હતો.સુધીર ભગતને એકવાર અધિપતિને જાણ કરવાનું મન થયું. પણ અહીં જે કામ કાજ થતું એ સીધુ જ અધિપતિના આદેશથી જ થતું.એટલે "જો જાણ કરીશ તો તમે તમારું કામ કરો, અમે બધું જ જાણીએ છીએ , એવો જ જવાબ મળશે" એમ વિચારીને સુધીરભગતે ફોન ન કર્યો.પણ તે ખૂબ જ અકળાઈ રહ્યો હતો.રમણ મહર્ષિ તેના માટે એક ઉત્તમ ગુરુ અને મોટાભાઈ જેવો હતો.ઘણીવાર તેને મદદ કરવાનું તેને મન થતું પણ એ જાણતો કે જોરાવરની તેને ખૂબ બીક લાગતી.
બીજો દિવસ પણ એમ જ પૂરો થયો.પણ સાંજે એક વિચિત્ર ઘટનાની જાણ તેને કરવામાં આવી હતી. આશ્રમના પાછળના ભાગે આવેલ મહેમાન અવાસના બારમાં માળે ભીખુ મહારાજની ઓફીસ પર કાગડાઓ અને ગીધ ઉતરી આવ્યા અને શોરબકોર મચાવતા હતા. હાલ અધિપતિ ઘણા સમયથી આ આશ્રમમાં નહોતા એટલે કોઈ મહેમાનો ન હોવાથી મહેમાન કક્ષ સાવ બંધ હતો. અને ભીખુ મહારાજની ઓફીસ વિશે તપાસ કરવાની કોઈની હિંમત નહોતી. સુધીરભગતે ચોકીદારને બોલાવ્યો.
"તને ખાસ ખબર છે ને કે રમણ મહર્ષિને લઈને જોરાવર ભગત અને ભીખુ મહારાજ બહાર ગયા છે ?"
" શાબજી, રાત કો જોરાવર શાબજી કા ફોન આયા થા. વો ગાડી કા કાચ તો બ્લેક હે ના શાબજી, તો કોન બહાર ગયા વો મુજે પતા નહિ. લેકિન ગાડી બહાર ગઈ હે વો પક્કા હે શાબજી."
નેપાળી ચોકીદારે તે રાતે બનેલી ઘટના પૈકી પોતાને જેટલો ખ્યાલ હતો એટલી માહિતી આપી.
મહેમાન આવાસ આશ્રમની પાછળના ભાગમાં હતા.અને પવનની દિશા આશ્રમ તરફથી મહેમાન આવાસ તરફ ની હોવાથી લાશોની બદબુ આ બાજુ આવતી નહોતી.પણ ગીધોના ટોળાઓની ચિયારીઓ અને કાગડાઓ નો વધતો જતો કોલાહલ સુધીરભગતને ચિંતા ઉપજાવતો હતો.
" ક્યાંક રમણ મહર્ષિને મારીને લાશ ત્યાં જ મૂકીને સલ્લાઓ ક્યાંક બહાર તો નહીં ગયા હોયને ? અને કદાચ લાશનો નિકાલ કરવાનો સમાન લેવા પણ ગયા હોય. ગીધ અને કાગડા છે એટલે નક્કી કઈક અજુગતું તો છે જ.પણ તપાસ કેમ કરવી ? તપાસ કરાવું અને જો મહર્ષિની લાશ મળશે તો આશ્રમના કર્મચારીઓમાં ખળભળાટ મચી જશે.અને જોરાવર મારો વારો પાડો દેશે." શુ કરવું અને શું ન કરવું એ નિર્ણય થઈ શકતો ન હતો. અને બીજો દિવસ પણ અવઢવમાં ગયો.
ત્રીજા દિવસે રવિવાર હતો. મહેમાન અવાસના ટેરેસમાં સવારથી જ નજારો જોવા જેવો હતો.ત્યાં મહેમાનો આવવાના હોય તેના બે દિવસ અગાઉ જ આ બિલ્ડીંગ સાફ કરવામાં આવતું. અને અધિપતિ કે જગદિશાનંદજી હોય તો જ મહેમાનો આવતા. એટલે દર રવિવારે લોબી અને જનરલ યુજની જગ્યાઓ સાફ કરવામાં આવતી. સફાઈ કામદાર બુઘો અગાસીમાં ઉડતા કાગડાઓ અને ગીધો ને જોઈને ખૂબ નવાઈ પામ્યો. "કોઈ જનાવર ટેરેસમાં મરી ગયું લાગે છે, લાવ તપાસ કરું" એમ કહીને એ લિફ્ટમાં ટેરેસ પર ગયો. જેમ જેમ લિફ્ટ ઉપર જવા લાગી તેમ તેમ દુર્ગંધ અસહ્ય થવા લાગી. ટેરેસ પર લિફ્ટમાંથી નાક ઉપર રૂમાલ દબાવીને જેવો એ બહાર નીકળ્યો કે એની આંખ ફાટી રહી. ભીખુ મહારાજની ઓફિસમાંથી ગીધ માંસના લોચા લઈને ટેરેસમાં આવીને ખાતા હતા.અંદર પણ ઘણા ગીધ હતા.અને ગીધોની માંસના લોચા માટેની લડાઈને કારણે નાના નાના ટુકડાઓ વેરાતાં હતા તેની ઉપર કાગડાઓ તરાપ મારતા હતાં. આ ટોળાઓમાં થોડા બીલડાઓ પણ બુધાને દેખાયા.
બુઘો તરત જ લિફ્ટમાં ઘૂસ્યો.અને નીચે આવીને સુધીરભગતની ઓફીસ તરફ દોડ્યો.એને ચક્કર પણ આવતા હતાં. ઓફીસમાં આવીને એ સુધીરભગતના ટેબલ આગળ ઢળી પડ્યો.
સુધીર ભગતના પેટમાં ફાળ પડી. બુઘો મહેમાન આવાસ નો સફાઈ કામદાર હતો. અને એ મહેમાન આવાસ તરફથી દોડાદોડ આવીને અહીં ઢળી પડ્યો. પડતા પડતા એ રાડ પાડીને કઈક બબડયો પણ હતો. સુધીરભગત એ વખતે થોડા ભક્તો સાથે ઓફિસમાં બેસીને વાતો કરતા હતા.
"આ સાવ ગાંડીયો છે, અવાસમાં જંગલી બિલાડાઓનો ત્રાસ છે.એમાં પણ બે બિલાડા બહુ ખતરનાક છે, અને આ બુધીયો દર રવિવારે સફાઈ કરવા આવે એટલે પેલા બન્ને આની પાછળ પડે.અને આવડો આ કાયમ દોટ મૂકીને અહીં આવીને મરે સાલ્લો !"
પેલા ભક્તો હસી પડ્યા. એમાંથી એક બોલ્યો'ય ખરો કે સ્વામીજી તમે જોરુભા અને ભીખુ મારાજની વાત તો નથી કરતા ને !"
"તમે લોકો જાવ હવે, મારે મહેમાન આવાસ તરફ આ બુધિયા સાથે જવું પડશે "
સુધીરભગતે ખૂબ જ કોઠા સૂઝ વાળો માણસ હતો. આખી પરિસ્થિતિને એ પળ વારમાં જ પામી ગયો .ભલે પેલા ભક્તો નહોતા સમજ્યા પણ "માંસ ના લોચા ઉડે છે લોચા, મરી ગયો રે.." એવો બુધિયાનો બબડાટ એ તરત જ સમજી ગયો હતો.
પેલા ભક્તોને રવા આ કરીને સુધીરભગતે બુધિયાના મોં પર પાણી છાંટયું.
"મહારાજ, માથું ફાટી જાય એવી વાસ ભીખા મહારાજની ઓફિસમાંથી આવે સે, અને ગીધડાના ટોળેટોળા અંદર કઈક મરી જયું હશે ઇની લાશને સુંથે સે.તમે ઝટ ભીખા મારાઝ અને જોરુભાને બોલાવો. બે ચાર બિલાડા સોત મેં ભળ્યા સે.અને કાગડાઓનો કાળો કેર થયો સે બાપા" ભાનમાં આવેલા બુધિયાએ ખૂબ જ ડરતા ડરતા કહ્યું.
બુધિયાની વાત સાંભળીને સુધીરભગત પણ ડરી ગયો. એણે તરત જ જોરાવરને અને ભીખુ મહારાજને વારાફરતી ફોન કર્યો પણ બેઉંના ફોન સ્વીચઓફ આવતા હતાં. બુધાને બહાર બેસવાનું કહી આશ્રમના કેટલાક વિશ્વાસુ સાથીદારો અને બે પહેલવાનો ને બોલાવ્યા. આશ્રમની સુરક્ષા માટે કુલ દસ પહેલવાનો રાખવામાં આવતા.જેમાંથી બે જણ હમેંશા આશ્રમમાં જ રહેતા અને આઠને જરૂર હોય ત્યારે જ બોલાવવામાં આવતા.
"છેલ્લા બે દિવસથી રમણ મહર્ષિ ક્યાંક જતા રહ્યા છે, અને ભીખુ મહારાજ અને જોરુભાનો પણ પત્તો નથી.આ લોકોનું તો ઠીક છે આપણને કંઈ પણ પૂછવાની ઓથોરિટી નથી પણ મહેમાન આવાસની ટેરેસમાં જે ઓફીસ છે ત્યાં તપાસ કરવી પડે છે, ઓફિસ ખુલ્લી રહી ગઈ હોય અને કોઈ જનાવર અંદર મરી ગયું હોય તેમ લાગે છે, આ બુધીયો સમાચાર લાવ્યો છે. તો તમે લોકો આ પહેલવાનને લઈને ત્યાં તપાસ કરો. જોરુભા અને ભીખુ મરાજના ફોન પણ સ્વિચ ઓફ છે એટલે કંઇક શંકા સ્પદ લાગે છે "
સુધીર ભગતે એ લોકોને મોકલ્યા. પછી તરત જ એમને કેમેરા જોવાનો વિચાર આવ્યો. "તેમની ગેરહજરીના દિવસની આગળની રાતે દસ વાગ્યા સુધી તો મહર્ષિ મારી સાથે હતા." તે સ્વગત બબડયો. અને મહર્ષિની ઓફિસમાં ગયો.
રાત્રી દરમ્યાન મહર્ષિ ઓફિસમાં આવ્યો હતો.વળી મેદાનમાં પણ આમથી તેમ ઝડપથી લગભગ દોડતો હોય એ રીતે આંટા મારતો હતો.એ પહેલાં મહેમાન આવાસમાં ગયો હતો ટેરેસમાં કેમેરો હતો નહિ કારણ કે ભીખુ મહારાજની ગતિવિધિઓ પર કોઈ નજર રાખી શકતું નહિ. છેલ્લે ભીખુ મહારાજની તિજોરીવાળી ઓફીસ પાસે સ્કોડા ગાડીની ડીકીમાં એક બે મોટા કોથળા એ મૂકી રહ્યો હતો. અને ત્યાર બાદ જોરાવરની ગાડી લઈને એ રાત્રે સાડા ત્રણ વાગે આશ્રમમાંથી નાસી ગયો હતો.પણ ભીખુ મહારાજ અને જોરાવરને જોયા નહોતા.એ લોકો રાત્રે આઠ વાગ્યે જમીને મહેમાન આવાસ તરફ જતા જોઈ શકાતા હતા.
"તો શું...રમણે આ બન્ને ને...." સુધરભગતના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું.
ત્યાં તો મહેમાન આવાસ તરફ ગયેલા પેલા સાધકો અને પહેલવાનોનો શોરબકોર કાને પડ્યો.ઝડપથી સુધીરભગતે કેમેરાનું DVR છૂટું પાડીને સંતાડી દીધું. તમાસમ વાયરો પોતાની પાસે રહેલા શાર્પ ચપ્પુથી કાપી નાખ્યા. રમણને જે કામ માટેનો સમય કદાચ નહોતો રહ્યો એ કામ સુધીરભગતે કરી નાખ્યું.
ત્યાં સુધીમાં પેલા લોકો આવી પહોંચ્યા.અને બધી જ તપાસ શરૂ થઈ.તપાસને અંતે સૌને ખ્યાલ આવી ગયો કે ભીખુ મહારાજ અને જોરાવરને કોઈએ મારી નાખ્યા છે અને રમણ મહર્ષિને ઉઠાવી જવામાં આવ્યા છે. કારણ કે રમણ મહર્ષિ આ બન્નેને મારીને પલાયન થઈ શકે એ વાત કોઈને પણ ગળે ઉતરે તેમ નહોતી.
આ વાત આશ્રમની બહાર ન જવી જોઈએ એવી કડક સૂચના દરેકને આપી દેવામાં આવી. ચુથાઈ ગયેલી લાશોના ટુકડાઓ એક પોલીથીન બેગમાં ભરીને મહેમાન આવાસ સાફ કરાવી નાખવામાં આવ્યો.
અને ત્યારબાદ સુધીરભગતે અધિપતિને અમેરિકા કોલ જોડ્યો.