lanka dahan - 2 books and stories free download online pdf in Gujarati

લંકા દહન - 2

"કેમ જગલા, ગઈકાલે તારા રૂમમાં ટીવી લાવેલો તું ? સાલ્લા નાલાયક અહીં ભણવા આવ્યો છે કે આવા ગોરખધંધા કરવા ?" રૂમ નં 12 ના તમામ વિદ્યાર્થીઓને રેક્ટર સાહેબે પોતાની સમક્ષ ઉપસ્થિત કર્યા હતા. રાત્રી દરમ્યાન હોસ્ટેલમાં છોકરાઓ ગંદા પિક્ચરો ટીવી લાવીને જોતા હોવાની બાતમી તેમના ગુપ્તચરોએ આપી હતી.


"સાહેબ, ગોરખનાથ એક મહાન સંત હતો. નવ નાથ પૈકીનો એક નાથ. મહાન સંત મચ્છન્ધરનાથનો પ્રિય શિષ્ય ! માયામાં લપેટાયેલા મહાન આત્મા રાજા ભરથરીને સાચું જ્ઞાન આપવા કેટલાક કપટ કરવા જરૂરી હતા..."


'ડફોળ મારે વાર્તા નહિ જવાબ જોઈએ છે, નાલાયક તને આ હોસ્ટેલમાંથી કાઢી મુકવો પડશે" સાહેબ ખીજાયા.


" કોઈને કાઢી મુકવા એ કોઈના હાથની વાત નથી, આ દુનિયામાં સૌ પ્રભુની ઈચ્છાથી આવે છે અને એમની ઈચ્છાથી જ જાય છે માટે હે વડીલ ગુસ્સો કરશો નહિ અને પ્રભુના કાર્યને તમારા હાથમાં લેવાનું અક્ષમ્ય કાર્ય કરશો નહિ, ગુસ્સો કરવાથી ...."


"એ..ય રમણીયા તું બોલ, આ ભગતડું સીધા જવાબ નહિ આપે"


સાહેબ અકળાયા.


"શુ સાહેબ ?"


"કાલે રાત્રે તમારા રૂમમાં શુ ચાલતું હતું ?"


" હું તો સાહેબ કાલે વહેલો સુઈ જીયો'તો.એટલે રાતે કોણ હાલ્યું ઇ મને નથી ખબર,અમારા રૂમમાં રાતે કોઈ હાલે સે સા'બ ? ભૂત બુત તો નઈ થાતું હોયને ? તો મારે રૂમ ફેરવી નાખવી સે, મને ભૂતની બવ બીક લાગે.."


સાહેબ ચૂપ થઈને બધા સામે જોઈ રહ્યા. રૂમ નં 12 માં પાંચ વિદ્યાર્થીઓ રહેતા હતા. તેમાં જગદીશ માલાણી, રમણ લીંબાણી, હરિલાલ ભુવા, રાજુ શેટા અને જમન મકવાણા . જગદીશ અને રમણના જવાબથી દરેકને હસવું હતું પણ સાહેબની હાજરીમાં હસાય તો નહીં ને ! એટલે હોઠ પર હાથ દબાવીને હસવું ખાળી રહ્યા હતા.ગઈકાલે રાત્રે જગલાએ રચેલા કાંડની મજા તો બહુ જ લીધી હતી.જો કે જગલાએ પાણી પહેલા જ પાળ બાંધી હતી કે "જો આ વાત સાહેબ સુધી જાય અને કંઈક સજા કે દંડ ભરવાનો થાય તો દરેક પ્રેક્ષકોએ ભરવાનો રહેશે.રૂમ નં 12 યજમાન દેશ હોવાથી આ દેશના લોકો દન્ડની રકમમાં ભાગ આપશે નહિ માત્ર વાસના ભૂખ્યા મહેમાનનોએ જ દન્ડ ભરવો પડશે.


અને જો કોઈ આ રકમ ભરવા ઇનકાર કરશે તો એમની કમર નીચેના પોચા પ્રદેશ પર મારા ચરણોના પ્રહાર થશે."


થોડીવાર પછી સાહેબે જમન મકવાણાને પૂછ્યું, " બોલ બેટા કાલે રાતે તમારા રૂમમાં ટીવી કોણ લાવેલુ ?"


"એમ ? ટીવી લાવેલું કોઈ ? અમારા રૂમમાં ? એટલે કે રૂમ નં 12 માં? કેટલા વાગ્યે ? હેં અલ્યા ભુવા ? પિક્ચરનો પોગ્રામ હતો ? અલ્યા મને કીધું'ય નઈ ?"


હવે કોઈથી હસવું રોકાય તેમ નહોતું. સાહેબ સિવાયના બધા જ ખખડી પડ્યા. સાહેબનો ગુસ્સો ચરમસીમા વટાવી ગયો. જગદીશને


તમાચો મારવા સાહેબ ઉભા થયા. પણ જગડીશે ડોળા કાઢીને સાહેબને ડરાવ્યાં.એટલે સાહેબે રમણ તરફ લાફો ફેરવ્યો. રમણ નીચો નમી ગયો એટલે મકવાણા કંઈ સમજે તે પહેલાં એના ગાલ પર સટાકો બોલ્યો.


મકવાણા પણ કંઇ ઓછો નહોતો. સાહેબનો લાફો પડ્યો કે તરત જ એ લથડીયું ખાઈને પડી ગયો.અને "મરી ગયો રે... મરી ગયો રે... મારા કાનનો પડદો ફાટી ગયો રે...મને ગાલ ઉપર મારવાનું નથી....ઓય.. ઓય...." કાન ઉપર હાથ દાબીને એ તરફડવા માંડ્યો. એ જોઈને રમણે રાડ પાડી.


"એ શાબ તમે તો ભારે કરી.આને કાનનો દુખાવો છે, ડોકટરે કિધેલું છે કે કોઈએ ગાલ ઉપર નઈ મારવાનું,નકર આ બે'રો થઈ જાહે..જો આને કઈ થઈ જ્યૂને શાબ તો જોઈ લેજો, આના બાપાએ બે ખૂન કરેલા સે, ત્રીજું કદાચ..."


" એ'ય શુ બકે છે તું ? હું તો તને મારવાનો હતો, જાવ જલ્દી આને દવાખાને તો લઈ જાવ.."


"સાહેબ, પૈસા ?" જગદીશે ડોળા કાઢીને કહ્યું.


સાહેબે સો રૂપિયાની નોટ કાઢી.એ નોટ જોઈને રમણ બોલ્યો, "હાલો અલ્યા આપડે શુ કામ દવાખાને લઈ જાવો પડે, ઇના બાપને ફોન કરવી કે હોસ્ટેલના શાબે જમના નો કાન ફાટી જાય એવા લાફા માર્યા છે એટલે ઇ રામપુરી ચાકુ લઈને આવશે, પછી ઇ જાણે અને શાબ જાણે ! હાલો અલ્યા..."


બધા ચાલતા થતા. જમન હજુ કાન પર હાથ દઈને તરફડતો હતો.રામપુરી ચાકુ શબ્દ સાંભળીને સાહેબની ફાટી.


"અલ્યા, ઉભા રો. આને દવાખાને તો લઈ જાવ.."


"સાહેબ, સો રૂપિયામાં તો કેસ પણ નહીં નીકળે, કદાચ ઓપરેશન કરવું પડશે. તમે લાંબા ટૂંકા ખર્ચમાં ઉતરી જાવના.." ભુવો જરીક ઝીણી આંખો કરીને બોલ્યો.


સાહેબ પલંગ પર ફસડાઈ પડ્યા. પેલો હજુ ખૂબ જ પીડા થઈ રહી હોય એમ કાન દબાવીને કણસતો હતો. " અલ્યા, આનું કઈક કરો તો ખરા, લો હું પાંચસો રૂપિયા આપું. જલ્દી ઉપાડો આને"


"પાચસોએ કંઈ નો થાય, હજાર લાવો અત્યારે.તો અમે લઈ જાવી. નકર ફોન કરશું એનો બાપ બે ને તો ટાળી ચુક્યો છે કદાચ ત્રીજું..." રમણીયે ફરી કેસેટ વગાડી.સાહેબે તરત જ હજાર રૂપિયા કાઢી આપ્યા.એટલે ચારેય જણે જમનને ઉપાડ્યો. રાજુ દોડાદોડ રીક્ષા લઈ આવ્યો.બીજા છોકરાઓ પણ "શું થયુ , શુ થયું " કરતા ટોળે વળ્યાં


"સાહેબે આને ઢોરમાર માર્યો છે, લગભગ નહીં બચે..." ભુવાએ રજ નું ગજ કર્યું.


"અલ્યા એ..ઇ ખોટું કેમ બોલછ, જાઓ બધા પોતપોતાના રૂમમાં"


સાહેબ અંદરથી તાડુંક્યા.


દસ મિનિટ પછી ચા ની લારી પાસે મુંડા પર બેઠા બેઠા પેલા પાંચ જણ ચા ની ચૂસકી મારીને ખીખિયાટા કરતા હતા. ચા વાળા પાસેથી હજારના છુટ્ટા લઈને બધાએ સાહેબે આપેલા પૈસાનો સરખો ભાગ પાડી પોત-પોતાના ખિસ્સામાં સરકાવ્યો. સાહેબને લૂંટવાના તો હજુ બાકી હતા.


ભુવાએ ફોન બુથમાંથી હોસ્ટેલનો ફોન જોડ્યો


"હે..લો.ઓ.. આ બોર્ડિંગનો શાબ બોલશ ?


"....."


" તે ચ્યમ મારા સોકરાને ઢોરમાર માર્યો સે ? સોકરાવ કેતા'તા કે ઈને કાન ના દવાખાને લઈ જ્યાં સે. તે ઇવડો તો શેનો ગુનો કર્યો સે મારા સોકરાએ, તે તારે ઇ ને ઢોરમાર મારવો પડ્યો ?"


"........."


"મારે કંઈ નથ હાંભળવું, કાલ હું આવું સવ. જો મારા સોકરાને કંઈ થયું સે ને તો જોઈ લે જે. બે ને ઊલાળ્યા સે. તારો વારો નો આવે ઈનું ઘ્યાન રાખજે." ભુવાએ ફોન કટ કરીને પેલા ચારેયની સામે આંખ મારી.


જમનને બીજા દોસ્તોની હોસ્ટેલમાં મૂકીને આ ટોળી પાછી ફરી. જમનને સારવારના નામે સાહેબ પાસેથી દસ હજાર પડાવીને આખો કેસ જગલાએ પોતાની કુશાગ્ર બુદ્ધિથી પાર પાડ્યો, અને સાહેબને જમનતાતના ખોફ માંથી બચાવીને જીવતદાન આપ્યું.આ બધી લપમાં રૂમ નં 12 નો જે કેસ હતો એ તો સાવ ભુલાઈ જ ગયો. હવે રૂમ નં 12 નું કોઈ નામ લેતું નથી.ગમે ત્યારે ત્યાં ગમે તેવા પોગ્રામ સાહેબની હાજરી હોય તો પણ થતા રહેતા.


જગદીશ સૌને ઉપદેશ આપતો


"હે સખાઓ આ કાળ, બળ નો નહિ પણ કળ નો છે. બુદ્ધિ લગાવો તો ગમે તેવું જનાવર પણ ગુલામ થઈ જાય છે.અને જીવન જલસા કરવા જ મળ્યું છે તો આ જીવનને માણો"


** ** **


"મહારાજ, વખત ઘણો વીતી ગયો છે. અનેક ભક્તો આપની સમાધિ ખુલવાની રાહ જોઇને બેઠા છે. હે પરમ કૃપાળુ આપ લોચનના દ્વાર ખોલીને પામર અને ક્સુદ્ર જનોનું કલ્યાણ કરો " ભૂતકાળના દિવસો યાદ કરતા પણ ભક્તો માટે તો સમાધિમાં લિન જ.મહારાજને તેમની અંગત સેવીકાએ કાનમાં ઉપર મુજબ ખૂબ જ ધીમેથી કહ્યું.


એની મધુરવાણી થી જગદિશાનંદજીએ વર્તમાનમાં આવીને લોચનના દ્વાર ખોલ્યા. એ સાથે જ શાંત સભામાં જાણે કે જીવ આવ્યો. ફરી મહારાજનો જયઘોષ થયો.


"સાલ્લા ઘેટાં.." બબડીને મહારાજે સૌને આશીર્વાદ આપવા બન્ને હાથ ઊંચા કર્યા. ભક્તો ધન્ય ધન્ય થઈ ગયા.


* * * * * * *


રમણ મહર્ષિ જગદિશાનંદનો ડાબો હાથ ગણાય છે હવે. આશ્રમની તમામ સેવીકાઓ હવે રમણના આદેશ પ્રમાણે વર્તી રહી છે. જ.મહારાજ છ મહિના વિદેશમાં હોય ત્યારે આશ્રમની ગાદીએ રમણનાથ બિરાજે છે.કોલેજકાળ ના આ બન્ને દોસ્તોએ ભક્તસમુદાય પર રાજ કરવા માંડ્યું છે.થોડા સમય પહેલા રોડે રખડતો રમણ જ.મહારાજની દયાથી હવે તેમની ગાદીનો ઉત્તરાધિકારી ગણાય છે.


રમણ કોલેજ પુરી કર્યા પછી નોકરી માટે ઘણું ભટક્યો. આ દેશની બેકારીના ખપ્પરમાં હોમાઈ જતા અનેક અરમાન ભર્યા યુવકોની જેમ એ પણ બેકાર થઈને દર દર ભટકતો રહ્યો. મોટાભાઈ સાથે હંમેશા મતભેદ અને પછી મનભેદ થઈ ગયો. ખેતી કરતા આવડતું નહોતું અને કરવી પણ નહોતી.કારણ કે જમીન કાંઈ વધારે નહોતી એટલે અમસ્તું'ય ખેતીમાં કંઈ વળે તેમ નહોતું. એટલે બેકાર અને નોકરી માટે ભટકતા રહેતા આવા યુવાનોને કોઈકનો સહારો અને હૂંફની જરૂર હોય છે.પણ રમણના પરિવારમાં એની મન:સ્થિતિને સમજે એવું કોઈ નહોતું.એટલે એ હડધૂત થવા લાગ્યો.આખરે એક કેમિકલ કંપની માં નજીવા પગારની નોકરી મળી.પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા ભાઈ અને બાપાએ મળીને એને પરણાવી દીધો અને નોખો પણ કરી દીધો.હવે એની અને એની પત્નીની આજીવિકાની જવાબદારી એના માથા પર પરાણે ઠોકી દેવામાં આવી. એને બિઝનેસ કરીને આગળ આવવું હતું, પણ એ માટે જરૂરી સાથ અને સહકાર મળ્યો નહિ.પાંચ વર્ષમાં તો એના પરાણે ગબડતા ગાડામાં બે બાળકો પણ ચડી બેઠા.આમ રમણ સંસારચક્રના વમળમાં ખુપેલાં અનેક ગરીબ લોકોમાં સામેલ થઈ ગયો.કોલેજજીવન અને ખાસ કરીને જગલો એને ખૂબ યાદ આવતો. પણ ક્યાંય એનો પત્તો નહોતો.એ કોલેજમાંથી છુટ્ટા પડ્યા પછી ઘેરથી નાસી ગયો હોવાના સમાચાર એને મળ્યા હતા.એના લક્ષણો જ એવા હતા કે એ કોઈ સાધુ મહારાજ જ બનશે. માંડ માંડ ગાડું ગબડાંવ્યે જતા રમણને ખાસ્સા પંદર વર્ષ પછી જગદિશાનંદ મહારાજ વિશે જાણકારી મળી. હોસ્ટેલમાં ઘણીવાર જગલો જગદિશાનંદજી મહારાજ બનીને પ્રવચન આપતો રહેતો. એટલે આ જગલો જ મહારાજ બની બેઠો હોવો જોઈએ એમ સમજીને એ આપણી વાર્તાની શરૂઆતમાં વર્ણવ્યા મુજબ મહારાજની પધરામણી યાત્રામાં સામેલ થઈને છેક જગદિશાનંદની બગીના પૈડાં પાસે જઈ ચડ્યો હતો.અને તેના પરમ સખાને ઓળખી ગયો હતો. જગલાની જાહોજલાલી અને પ્રભાવ જોઈને એની છાતી ગદ ગદ ફૂલી હતી.પોતાના દોસ્તની જય જય કાર સાંભળીને એ પણ બહુ જ ઉતેજીત થયો હતો. પણ આવા જનસમુદાયમાં જગદીશ તરત જ રમણ તરફ ધ્યાન આપી નહોતો શક્યો.પણ એના ભક્તોએ જ્યારે રમણને ગેરવર્તન બદલ ઠમઠોરવાનું ચાલુ કર્યું ત્યારે એકાએક એનું ધ્યાન પડ્યું અને જીગરજાન રમણિયાને ઉગારી લીધો હતો અને પોતે એને ઓળખી હોવાનો સંકેત એક આંખ નમાવીને આપ્યો હતો.અને રમણ પણ તરત જ નમી પડ્યો હતો.


આ ઘટના બાદ તરત જ આપણા જ.મહારાજ ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા અને એમના ઘેટાં જેવા ભક્તો બાપુ સમાધિમાં લિન થયા હોવાનું સમજી ચૂપચાપ સભાખન્ડમાં કલાક સુધી બેસી રહ્યા હતા.આ વખતે રમણ પણ છેક દરવાજાની બહાર ઉભા રહીને સિંહાસન પર આરૂઢ થયેલા જગાને જોઈને મનોમન ગાળો દેતો મલકી રહ્યો હતો.


ત્યારબાદ જ્યારે જ.મહારાજે પેલા પામર મનુષ્યનું કલ્યાણ કરવા માટે સુરત ખાતેના આશ્રમ પર બોલાવ્યો અને સર્વ ભક્તોને ચાલ્યા જવાનું કહ્યું ત્યારે બન્ને દોસ્તો એકલા પડ્યા હતા. સિંહાસન પરથી ઉભા થઈને પોતાને બોલાવતા જગાને જોઈને રમણે દોટ મૂકી હતી. હોસ્ટેલમાં જે રીતે એ જગલાના ગળે ટીંગાઈ જતો એમ જ એ દોડીને એને ગળે ચોટયો હતો. જગદિશે પણ પોતાના બન્ને હાથથી પોતાના પ્રિય મિત્રને છાતી સરસો ચાંપીને ભીંસી નાખ્યો.


"તારી જાતના જગલીના, મારી નાખીશ,હાળા ઓછુ બળ કરને " એ જ જૂનો સંવાદ ! બન્ને કેટલીય વાર સુધી એકબીજાને વળગી રહ્યા. અને બન્નેની આંખમાંથી વરસો પછી મળ્યા હોવાની ખુશીના આંસુ વહેતા રહ્યા.


આજે જીવનમાં પહેલીવાર રમણને અદભુત બાથરૂમમાં ન્હાવા મળ્યું. નહાઈને નીકળ્યો એટલે તરત જ સાધુવેશના વસ્ત્રો લઈને સેવિકા હાજર થઈ. રમણ ઘડીક વસ્ત્રોને અને ઘડીક સુંદર સેવીકાઓને તાકી રહ્યો.


"મહર્ષિ રમણ, આપ આ વસ્ત્રો ધારણ કરી લો.અનેક વરસો સુધી તમે દેશભરમાં ભમ્યા છો અને અનેક પ્રકારના વેશ આપે માનવ કલ્યાણ માટે ધારણ કર્યા છે એટલે પરમ પૂજ્ય જગદિશાનંદજી મહારાજે કહેવડાવ્યું છે કે આપ આ વસ્ત્રો ધારણ કરી થોડા સમય સુધી એમની સાથે વિહાર કરવાના છો" સેવીકાએ ખૂબ જ મધુર સ્વરમાં વિનંતી કરીને વસ્ત્રો આપ્યા. સુગંધથી મઘમઘતા એ વસ્ત્રો ધારણ કરીને રમણ જ્યારે બહાર આવ્યો ત્યારે પચાસેક ભક્તો મહારાજને મળવા આવ્યા હતા. રમણને જોઈને મહારાજ બોલ્યા


"પધારો મહર્ષિ રમણ, આપનું સ્વાગત છે" પછી પેલા ભક્તજનોને ઉદ્દેશીને કહ્યું, " ભક્તજનો, આ મારા ગુરુભાઈ છે અને ખૂબ જ જ્ઞાની છે, મારા ગુરુએ પહેલા આમને જ ગાદી સોંપી હતી પણ એ ખુબ જ ત્યાગી છે, એમને સંસારમાં રહીને સંસારી જીવોનું કલ્યાણ કરવાનો માર્ગ ધારણ કર્યો.અને મને ગાદી સોંપીને પોતે દેશાટનમાં વિચરણ કરવા ચાલ્યા ગયા. આજે તમો ખૂબ જ નસીબદાર છો કે એમના દર્શન પામ્યા છો "


એમની વાત સાંભળીને પેલા બધા ઉભા થઈને રમણને વારાફરતી પગે લાગ્યા. રમણે પણ મહાન સંતની અદાથી સૌને આશીર્વાદ આપ્યા.


જિંદગીનું ઉત્કૃષ્ટ ભોજન લઈને બન્ને દોસ્તો એકલા પડ્યા ત્યારે બન્નેએ પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું.


"દોસ્ત, મારી જિંદગીમાં કંઈ જ જાણવા જેવું નથી. બે બાળકો અને પત્ની સાથે આ શહેરના પરા વિસ્તારમાં ભાડાની ખોલીમાં રહું છું અને બેકારીના ખપ્પરમાં હોમાઈને દર દર ની ઠોકરો ખાતો, પડતો આખડતો જજુમુ છું.ગરીબીએ મને પોતાના બાહુપાશમાં જકડી લીધો છે. મારી હોશીયારી મારા અંતરતલમાં જ દબાઈને મરી પરવારી છે.ભાઈ અને બાપાને એમ જ હતું કે મને સારી નોકરી તરત જ મળી જશે, પણ નસીબે યારી ન આપી. તારી વાત કર જગલા,તું હાળા ભારે ખેપાની નીકળ્યો ! તું આવી રીતે આટલો મોટો મહાત્માનો અવતાર કેવી રીતે થઈ ગયો એ કહાની ખરેખર સાંભળવા જેવી જ હશે !


જ.મહારાજે પોતાના પરમમિત્રને પોતાની જીવનવાટ નો નકશો બતાવવા માંડ્યો.


"કોલેજમાંથી છુટા પડ્યા પછી મને પણ તારી જેમ ઊંચી અપેક્ષાઓથી ઘેરી લેવામાં આવ્યો હતો. ગામના બધા જ પુછા પૂછ કરતા હતા કે કેમ ભાઈ, હવે તો સારી નોકરી મળશે કેમ ? આવી પૂછપરછનો ત્રાસ વધી જવાથી, અને ઘરમાં પણ ભાભીના મહેણાં ટોણા વધી ગયા હોવાથી મેં નાસી જવાનો નિર્ણય કર્યો.કારણ કે ભણીને બેકાર બનેલા આપણા જેવાં યુવાનોને બહુ લાંબો વખત કોઈ પરિવાર સહન કરી શકતો નથી.કાં તો તમારે જેવી મળે તેવી નોકરી લઈને રળતા થવું પડે અથવા કોઈ કામધંધો શીખી લેવો ફરજીયાત હોય છે.મને મોટાભાઈ પરાણે હીરાની ઘંટીએ બેસાડવા માંગતા હતા જે મને હરગિજ મંજુર નહોતું.એટલે એક દિવસ હું ઘરબાર છોડીને નાઠો.


દિવસોના રઝળપાટ પછી એક દિવસ હું જૂનાગઢની તળેટીમાં આવેલા પુરુષોત્તમ મહારાજના આશ્રમમાં પહોંચ્યો. ત્યાં મને આશરો મળ્યો. હું આશ્રમમાં જ રોકાઈ ગયો અને સેવા કરવા લાગ્યો. એક દિવસ ભક્તોના સમુદાયને પ્રવચન આપવાનું હતું અને બાપુ ખૂબ જ બીમાર પડી ગયા.એટલે થોડીવાર મેં આપણી હોસ્ટેલવાળી સ્ટાઇલમાં ધબ્ધધબાવ્યું. અને મારા આશ્ચર્ય વચ્ચે તમામ ભક્તો જાણે કે મંત્રમુગ્ધ થઈ ગયા. બાપુ પણ ઉપરના ઓરડામાંથી બીમાર હોવા છતાં મારૂ પ્રવચન સાંભળવા પંડાલમાં આવીને બેઠા.ખૂબ જ તાળીઓના ગડગડાટથી મને વધાવી લેવામાં આવ્યો. મેં જોયું કે લોકોને સત્ય સમજવું જ નથી.આ ઘેટાઓનો પ્રવાહ છે, શરૂઆતમાં મેં એમની માન્યતાઓ અને આંધળી ભક્તિના હવનમાં વધુને વધુ અંધશ્રધ્ધાનું ઘી હોમ્યા કર્યું. સાચી દિશા બતાવવાથી આ બધા દોડવા લાગે અને આપણું મહત્વ ન રહે.એટલે એ લોકોની આસપાસ આપણો ગાળિયો કસોક્સ રાખવાનું હું શીખી ગયો. મારુ પ્રવચન સાંભળવા વધુને વધુ લોકો આવતા ગયા.બાપુનું અને આશ્રમનું નામ મારા કારણે ચારેકોર ડંકા દેવા માંડ્યું.મેં લોકોના મનમાં ઠસાવ્યું છે કે ભગવાન કૃષ્ણ દરેક યુગમાં વિવિધ રૂપે અર્જુનના સારથી બનવા અવતરે જ છે અને આપ દરેકનો સારથી હું જ છું.અને હું જ "યદા યદા હી ધર્મસ્ય ...." હું જ છું. બાપુએ પણ જખ મારીને મને એમની ગાદીનો ઉત્તરાધિકારી નિમવો પડયો. જો કે એમને તો બીક હતી કે હું ક્યાંય નવો આશ્રમ સ્થાપીશ તો મારા જેવા મહાન જ્ઞાની મહાપુરુષના ગુરુ તરીકે અમર થવાનો ચાન્સ ખોઈ બેસશે.એટલે એમણે સામે ચાલીને મને પટ્ટ શિષ્ય તરીકે રહેવા વિનંતી કરી.હું પણ કરોડો રૂપિયાની એ મિલકતનો સીધો જ કર્તા હર્તા બની બેસવાનો મોકો શુ કામ જવા દઉં.


રમણીયા, લોકોને સાવ ઊઠા ભણાવવાનો આ ધંધો ભારે મજાનો છે.પણ નથી પરંતુ હું આ સંસ્થાનો સર્વે સર્વા નથી. આ સંસ્થામાં અનેક સાધુઓ પૈકીનો હું એક સાધુ છું.અને આ સંસ્થાના સર્વે સર્વા અધિપતિ મહારાજ છે અને તેઓ મોટેભાગે વિદેશમાં રહે છે.પણ આ આશ્રમની અમુક સત્તાઓ મારી પાસે છે પણ વહીવટ બધો જ બે રક્ષકો જોરાવર અને ભીખુ મહારાજ કરે છે.કેટલીક અસામાજિક પ્રવૃતિઓ પણ આ લોકો કરે છે, પણ એ બધું આંખ આડા કાન કરીને અહીં પડી રહ્યો છું. કારણ કે આ લોકો ખૂબ જ ખતરનાક પણ છે એટલે એકલે હાથે આ લોકોની વિરુદ્ધ જઈ ને જીવ ખોવા નથી માંગતો. તું પણ જો અહીં રહેવા માંગતો હોય તો તારી વ્યવસ્થા હું કરી શકીશ. મારી જેમ તને પણ એક સાધુ તરીકે આ સંસ્થામાં ઘુસાડી શકું એટલી સત્તા તો હું ધરાવું જ છું. તે જોયોને મારો દબદબો !" એમ કહી જગદીશે રમણને ધબ્બો માર્યો.


" પણ , મને એક વાત સમજાતી નથી.તારા ભક્તોમાં એજ્યુકેટેડ લોકો પણ કઈ રીતે ઉલ્લુ બને છે ? અને આટલી સુંદર છોકરીઓ તારી સેવામાં રહે અને તું હાળા મીંદડો કંઈ માખણને ચાટ્યા વગર થોડો રહે ?"


" જો, રમણ. હું બીજા બાપુ લોકોની જેમ કોઈ જોડે બળજબરી કરતો નથી.મારા ભક્તો એટલી હદે મને પ્રભુનો અવતાર માની બેઠા છે કે એમની સુંદર કન્યાઓને મારી સેવામાં મુકવા પડાપડી જરે છે. છોકરીઓની સેવા માટેનું દસ વરસનું એડવાન્સ બુકીંગ ઓલરેડી થઈ ચૂક્યું છે.આ તારો દોસ્ત કાળમીંઢ મીંદડો હવે માખણ ચાટી ચાટીને ધરાઈ રહ્યો છે.મને હવે એવી કોઈ એષણા રહી નથી.મારી પાસે હાલમાં અબજો રૂપિયાની માલમિલ્કતોની જવાબદારી છે.હવે હું માત્ર એક જ કામ કરૂં છું.જેની પાસે અનર્ગળ સંપત્તિ ભેગી થઈ છે એમની કેદમાંથી લક્ષમીને છોડાવીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડું છું.ગરીબ ભક્તોના હોશિયાર બાળકો માટે બાલમંદિરથી માંડીને મેડિકલ કોલેજ સુધીની શિક્ષણ સંસ્થાઓ આશ્રમના નામે મેં ખોલી છે. મારા ગરીબ ભગતડાઓ માટે રોજીરોટી મળી રહે તેવા ઉધોગો પણ મેં ચાલુ કર્યા છે.અનેક પ્રકારે હું સમાજને ઉપયોગી થઈ રહ્યો છું. અને એટલે જ આ લોકો મને ભગવાન સમજી રહ્યા છે.મારો ભગત બનેલા કોઈ પણ માણસ ગમે તેવી મુશ્કેલીમાં હોય તો મારી સંસ્થામાં માત્ર એક જ ફોન કરે એટલે અડધી રાત્રે એને મદદ પહોંચે એવી જડબેસલાક વ્યવસ્થા મેં કરી છે. દરેક રાજકારણીઓને અમારા આશીર્વાદની જરૂર ચૂંટણી જીતવા માટે જરૂરી હોય છે.મારા ભક્તોના ભણેલા છોકરાઓ નોકરી ધંધા વગરના ભટકતા નથી. હું ગરીબ દીકરીઓને મારા ભક્ત સમુદાયમાં જ સારા છોકરાઓ જોડે પરણાવી દઉં છું.મારા ભક્ત સમુદાયમાં કોઈ નાત જાતના વાડા નથી, અહીં એક જ સમૂહ છે, જગદિશાનંદ પરિવાર.બોલ હવે તારું શુ કહેવું છે ?" જગદિશાનંદજી પોતાના દોસ્ત રમણ ને કહી રહ્યા.


" પણ આ અધિપતિ અને વહીવતદારો તારા કામમાં માથું નથી મારતા ?" રમણે પૂછ્યું.


" મારે કોઈની પણ નિમણૂક કરવી હોય તો એ વ્યક્તિ ક્યારેય સંસ્થા વિરુદ્ધ નહિ જાય તેની ખાતરી આપવી પડે, અને હું કે તારી જેવો કોઈપણ મારા દ્વારા નિમણુંક પામેલો વ્યક્તિ અહીંના રક્ષકોના કામ કે વહીવટમાં માથું મારી શકતો નથી.અને જો કોઈ સતવાદીનું પૂછડું થવા જાય તો પરિણામ સારું આવતું નથી, આશ્રમની રેપ્યુટેશન બગડે નહિ તે જોવાની જવાબદારી રક્ષકોની છે.આ લોકો કહેવાના જ રક્ષકો છે બાકી તો રાક્ષસ જેવા અને ભક્ષકો મુવા છે , છતાં પણ અહીં રહીને આપણે સેવકીય પ્રવૃતિઓ કરી શકીએ છીએ.ક્યારેક તો સત્તા હાથમાં આવશે, અને ત્યારે હું ચોક્કસ આ આશ્રમની બદીઓ દૂર કરીશ."


" કોઈની સાથે અન્યાય થાય તે આપણાથી કેમ જોવાય ?" રમણે કહ્યું.


જગદીશે પછી ઘણી વાતો કરી.


અને રમણને આ સંસ્થાની દરેક બાબતોથી વાકેફ કર્યોં.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED