lanka dahan - 7 books and stories free download online pdf in Gujarati

લંકા દહન - 7

બન્ને લાશ વચ્ચે બેઠેલો રમણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.કેટલાય દિવસોથી અકળાયેલો તેનો આત્મા જાણે કે અંધકારમાંથી બહાર આવ્યો હતો. આ સંપ્રદાયમાં સાધુ થવાની તાલીમ જગદિશે તેને ખાનગીમાં આપી હતી.કારણ કે તેનો પરિચય જ રમણ મહર્ષિ તરીકે કરાવેલ હોવાથી લોકોને આપવાના પ્રવચનો અને શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી હતો.જે રાત્રી દરમ્યાન જગદીશ એને શીખવાડતો.કેટલાક ભક્તોએ સરઘસ દરમ્યાન જગદિશાનંદજી સાથે દુર્વ્યવહાર કરનાર અજ્ઞાની જીવ તરીકે તેને ઓળખી કાઢ્યો હતો.પણ પછી ખૂબ ઓછા સમયમાં રમણે મહર્ષિ તરીકે યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને તેના પ્રવચનો (ઊંઠા) લોકોને ગળે ઉતરવા પણ લાગ્યા.અનેક લોકો માટે રમણ એક વિશ્વસનીય અને વંદનીય ગુરુ બની ગયો હતો. જગદીશની થિયરી તેને ખૂબ જ ગમી હતી.પૈસા પાત્ર અંધભક્તોની તિજોરી સાફ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ અંધભક્તોને મદદ કરવાનું આ ધાર્મિક શસ્ત્ર, શાસ્ત્રોનો ઉપયોગ કરીને વાપરવાનું.અને તમામ પ્રકારના ઐહિક સુખો માણવાના.

જગતની શ્રેષ્ઠ સવલતો આશ્રમમાં ભગતડાઓના પૈસે ઉભી કરેલી હતી.ઉત્તમ પ્રકારનાં અનેક ભોજનોનો સ્વાદ એને જીવનમાં કદી કલ્પયા પણ નહોતા. પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા તનતોડ મહેનત કરીને રાત્રે ધાબમાં ગોદડું પાથરીને તારાઓ મઢયા અકાશને જોતા જોતા અને ગણગણતાં મચ્છરોના ત્રાસથી ગરમી થતી હોવા છતાં એ ઓઢીને સુઈ જતો.એસી ની ઠંડક અને ડનલોપની એકદમ પોચી ગાદીમાં વિશાળ બેડ ઉપર રૂપાળી સેવીકા સાથે શયન કરવાની કલ્પના પણ તેણે કદી કરી નહોતી.પણ આ બધું સુખ એ પામ્યો હતો.જો કે અહીં ચાલતી અનેક પ્રકારની ગેરરીતિઓ અને સેવીકાઓની લાચાર નજરોથી તે ઘણીવાર અકળાતો. પણ જગદીશ તેને શાંત રાખતો.

" સૂકા ભેગું ક્યારેક લીલું પણ બળતું હોય છે,એટલે ધુમાડો થાય.પણ જગતના અંધકારને દુર કરવા જ્યારે પ્રકાશ ઉતપન્ન કરવો જરૂરી હોય ત્યારે કોઈકે તો બળવું જ રહ્યું. જેના જેવા નસીબ.બહુ થોડાનો ભોગ લઈને ખૂબ વધુ લોકોનું કલ્યાણ થતું હોય તો ભલે એ નિર્દોષ ભૂંજાય."

"તારું કોઈ સ્વજન આ આગમાં ભૂંજાતું હોય તો પણ તું આવો જ ઉપદેશ આપીશ ?" રમણે પૂછ્યું હતું.

"સાધુ બન્યા પછી આ જગતની તમામ વ્યક્તિ આપણી સ્વજન જ કહેવાય એ તું જ્યારે સમજીશ ત્યારે જ તું સાચા અર્થમાં મહર્ષિ થઈશ દોસ્ત, શુ હું નથી જાણતો કે આ સંસ્થામાં કેટલા અનિષ્ટો ચાલે છે ? પણ જ્યારે આપણે સર્વ પ્રકારે ઘેરાઈ ગયા હોય ત્યારે રાહ જોવી એ એક માત્ર ઉકેલ હોય છે. આપણી ચોતરફ ચણાયેલી દીવાલોમાં ક્યાંક તો કાણું હોય જ છે જ્યાંથી એક દિવસ આપણે બહાર નિકળીશું.એટલે ધીરજપૂવર્ક જીવી લેવું જરૂરી છે. જીવતા હઈશું તો લડી શકીશું.આવેશમાં આવીને છતાં થઈ જવાથી જીવ ગુમાવવાનો થાય.એના કરતાં યોગ્ય તકની રાહ જોવી એ વધુ ડહાપણ કહેવાશે."

જગદીશ સાથે થયેલા સંવાદ તેને યાદ આવ્યા.

"દોસ્ત, તારી વાત સાચી પડી.આજ મને એ દીવાલોમાં બાકોરું પાડવાનો અવસર મળી ગયો છે.હવે હું આ લંકામાં પ્રવેશી ચુક્યો છું અને ભલે હનુમાનજીની જેમ સળગાવીને જીવતો નીકળી ના શકું, પણ સળગાવીશ તો ખરો જ!" તે સ્વગત બબડયો.અને ઉભા થઈને પેલા બન્ને હરામખોરોની લાશોને લાત મારી.

હવે શુ કરવું એ રમણને સમજાતું નહોતું. "આ લાશો નો નિકાલ કરી નાખું તો પણ તપાસ તો થશે જ.આશ્રમમાંથી કોઈએ તો મને આ લોકો જોડે અહીં આવતો જોયો હશે.એટલે તપાસનો રેલો મારા સુધી તો આવશે જ એ નક્કી છે. પોલીસ તપાસ કરશે એ પહેલાં અધિપતિ તપાસ કરાવશે."

ગમે તે બન્યું હોય તો પણ આશ્રમમાં પોલીસ આવે તેવું બનતું નહિ. દરેક ઘટના એક રહસ્ય બનીને આ આશ્રમના કોઈ ખૂણામાં દફન થઈ જતી.એ રમણ જાણતો હતો.એટલે અધિપતિને જાણ થાય તે પહેલાં જ જો પોલીસને જાણ કરાય તો પોલીસ આવી જ જાય.

ગેટમાંથી જોરાવરની પરવાનગી વગર કોઈને બહાર કે અંદર જવા દેવામાં આવતા નહિ.એટલે બહાર નીકળવા જોરાવરનો ફોન મદદરૂપ થાય. થોડો અવાજ બદલીને ચોકીદારને હુકમ કરી શકાય.રમણે નક્કી કર્યું કે જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવું. પણ અહીંનું સ્થાનિક પોલીસ સ્ટેશન તો અધિપતિના ખિસ્સામાં હતું.એટલે મારી ધરપકડ કરવી કે નહીં એ અધિપતિને પૂછવામાં આવશે. અને જો અધિપતિ જાણશે તો બધું જ ભીનું સંકેલાઈ જશે. તો તો બધી જ મહેનત પર પાણી ફરી વળે. ખૂબ જ મનોમંથનને અંતે એના ચહેરા પર ચમક આવી. જોરાવર અને ભીખુ મહારાજના ફોન અને હથિયારો રમણે લઈ લીધા. અવાજ બદલીને ચોકીદારને હુકમ કર્યો કે રમણ મહર્ષિને બહાર જવા દેવો. ચોકીદાર પાસે જોરાવરનો નમ્બર સેવ હતો.અને અવારનવાર પીધેલી હાલતમાં જોરાવર એને હુકમો આપતો. અને મોડી રાતના બધા ખેલ આ ચોકીદાર પણ જાણતો. એટલે એણે માત્ર હા જી હા જ કર્યું. અને રમણે જોરાવરની સ્કોડા લઈને ઘણા સમય પછી આશ્રમની બહારની દુનિયામાં શ્વાસ લીધો.બહાર નીકળતા પહેલા આશ્રમ અને અધિપતિના તમામ કાળા કરતુતોનો પર્દાફાશ કરવા માટે જરૂરી તમામ પુરાવા તેના હાથમાં હતા. અને ભીખુ મહારાજના ખિસ્સામાંથી તિજોરીની ચાવી કાઢવાનું પણ ભુલ્યો નહોતો.

રમણે ખૂબ જ શાંતિથી બધા કામ પતાવ્યા હતા.આશ્રમની તિજોરી ભીખુ મહારાજના અંગત કક્ષમાં હતી.જ્યારે તેણે તિજોરી ખોલી તો તેની આંખો ફાટી રહી. રમણે બે મોટા કોથળા ભરીને કરોડો રૂપિયા સ્કોડાની ડીકીમાં ખડકી દીધા. હવે જે થવાનું હોય તે થાય.સી સી ટી વી કેમેરા ચાલુ હોવાની પણ એણે બીક રાખી નહિ.ક્યાં જવું અને શુ કરવું એ એણે નક્કી કરી લીધું હતું. આશ્રમ દ્વારા કોઈ પણ પગલું અધિપતિની પરવાનગી વગર લેવામાં આવશે નહિ તેની તેને ખાતરી હતી. પેલા બેઉનું ખૂન થયું છે તે વાત કાલ સાંજ પહેલા બહાર પડવાની નહોતી.કારણ કે ભીખુ મહારાજ અને જોરાવર વિશે પૂછ પરછ કરવાનો કોઈને અધિકાર નહોતો.અધિપતિના એ બન્ને ડાબા જમણા હાથ હતા જે રમણે કાપી નાખ્યા હતા.અને અધિપતિ ક્યારેય આ આશ્રમમાં પગ ન મૂકી શકે તેવી યોજના તેના દિમાગમાં તૈયાર થઈ ગઈ હતી.

બીજો જરૂરી સમાન ગાડીમાં નાખીને તે ગેટ પાસે ગાડી લઈ આવ્યો.એક નાનકડો હોર્ન મારતા જ ચોકીદારે ગેટ ખોલી નાખ્યો.

રમણે સીધા દિલ્હી તરફ ગાડી હંકારી મૂકી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED