ભૂતિયો વડલો Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતિયો વડલો

ભૂતિયો વડલો

એક ગામ હતું.

એમાં બે પાક્કા ભાઈબંધ રહે.

એ બંને કિશોરવયના બાળકો હતાં.

એકનું નામ અબુ.

બીજાનું નામ ઢબુ.

ગામ સુંદર હતું. આ ગામનું નામ હતું ભેમજીપુરા.ગામની વસ્તી આશરે બે હજારની હશે.

ગામને પાદરે જુના જમાનાનો એક ખખડધજ વડલો હેમખેમ ઊભો હતો.એની બાજુમાંથી જ ગામના મોટાભાગના ખેતરોનો રસ્તો પસાર થતો હતો.કિન્તું ભરબપોરે કે રાતવરતે એ મારગેથી પસાર થવાની હિંમત કોઈ કરે નહી.

એ વડલાનું નામ ભતિયો વડલો.

ભૂતિયો એટલા માટે કે એ વડલામાં ભૂત રહે છે એવી વરસો જૂની લોકવાયકા હતી. બાકી આજ સુધી કોઈએ ભૂતને જોયાના દાખલા નહોતા જ બન્યા. પરંતું જ્યારથી આ વડલો ઊગ્યો ત્યારથી આ વાયકા પ્રચલતી આવે છે. લોકો વડલા સામે તો શું જુએ પણ વડલાનું નામ બોલતાય ડરતાં હતાં.

ઉનાળાનો બપોર હોય, ધોમ તાપ વરસતો હોય અને વડલો રૂવે-રૂવે સળગતો હોય ત્યારે તો એ મહાભેંકાર લાગતો! એવે વખતે કોઈ એ વડલાનું નામ પણ ન ઉચ્ચારે.

બાળકો તો એવા ડરે કે એ વડલાનું નામ સાંભળતા જ કાનમાં આંગળી નાખી દે!

કોઈ બાળકને એના પિતાને ખેતરે ભાતું આપવા જવાનો વારો આવે એટલે દશબાર છોકરાં ભેગા જ જાય! એ પણ દિવસે બપોર પહેલા તો જઈ જ આવતાં. અને સાંજે દિ' આવતા પહેલા પાછા આવી જતા.

બાળકો તો શું પણ મોટેરાઓય આ ભૂતિયા વડલાથી બરાબરના બીતા.

પરંતું ગામમાં રહેતા પેલા બે બાળકો કોઈનાથી ના ડરે. ભૂત તો શું? પણ ભૂતના બાપાથીયે ના બીવે એવા. ભૂત એમનાથી ડરે એવા હિંમતવાન!

એ બે બાળકો એટલે અબુ અને ઢબુ.

એ બેય સમજુ થયા ત્યારથી ભૂતનું ભૂત કાઢી નાખવાના ઉપાયો શોધતા હતાં.

એ બે મિત્રો કિશોરવયે પહોંચ્યા ત્યાં સુધી તો ભૂતિયા વડલાની વાત ભગવાનના અસ્તિત્વની માફક લોકોના દિલેદિલમાં અને ઘરેખરમાં અખંડ શ્રધ્ધા જમાવી બેઠી હતી!

અબુ-ઢબુ ઘડીયે જંપીને બેસે નહી.જોવું, જાણવું, શીખવું, વિચારવું અને અનુભવવું એ જ એમનું એક કામ.

સીમની લીલીછમ્મ છાતી પર ઉઘાડા પગે દોડવું, વનની વનલતાઓમાં મુક્ત મને વિહરવું ડુંગરની ટોચે-ટોચે ભટકવુ, વૃક્ષોની ઊંચી ડાળ પર બેસીને પંખી સંગે ગીત ગાવા એ જ એમનો શોખ!

એમને મન થાય તો અડધી રાત્રેય નીકળી પડે રખડવા!

ભૂતિયો વડ હોય કે સ્મશાનઘાટ હોય એ બેફિકર બનીને રખડી આવે.

કોઈ એને બહાદુર બંકા કહે તો વળી કોઈ કહે છટકેલ!

'અલ્યા...અબુ?'

'હં....બોલ ઢબુ.!

'તે ભૂતને કદી જોયું?'

ના રે ભાઈ ના! એને જોવા તો તારી સંગે હું રાતભર રખડું છું.'

'મને લાગતું નથી કે આપણને ભૂત મળે કે દેખાય!' પછી માથુ ખંજવાળતા કહે, 'સાલું આખા ગામને ડરાવે, દેખા દે અને આપણને જ કેમ કોઈ દિ' મળતું નથી?' ભૂતિયા વડલા તરફ જોતા અબુએ નિશાસો નાખીને કહ્યું.

સવારે ઊઠતાં જ અબુ-ઢબુએ આખા ગામમાં ઢંઢેરો પીટ્યો કે ભૂત મરી ગયું છે રે મરી ગયું છે!અમે રાતે જ એને દફનાવી આવ્યા.

કિન્તું એમની વાત માને તો એ લોકો શાના? માને પણ કેવી રીતે?ભૂતને મારવું કંઈ જેવીતેવી વાત થોડી હતી!

લોકોને મનાવવા-સાબિત કરવા બંને ભરબપોરે વડલે ચડી બેઠા!લોકો એમની હિંમતને દાદ આપતા અને મોઢામાં આંગળા નાખવા માંડે પણ માને નહી કે ભૂત મર્યું છે.

આ ચોથો કિમિયો પણ નિષ્ફળ ગયો. લોકોના મનમાંથી ભૂતનો ડર નીકળવાનું નામ નહોતો લેતો.

અબુ અને ઢબુએ હવે આખરી વારની યુક્તિ અજમાવી.

આયોજન મુજબ સાંજ વેળાએ ગામલોકોની અને બાળકોની હાજરીમાં અબુ થેલો ભરીને મામાના ઘેર જવા નીકળ્યો. બે દિવસે પાછો આવવાનું કહેતો ગયો.

ઢબુ પડ્યો એકલો.

સાંજ પડી.

રાત થવા માંડી હતી.

વાળું ટાણે આઠ-દશ છોકરાઓ ઉપડ્યા વાડીએ, વાળું પહોચાડવા. ઢબુ પહેલેથી જ પાદરને મારગે જઈ બેઠો હતો. બાળકોના ટોળાને આવતું જોઈ એ અજાણ બની રમવા લાગ્યો.

ટોળામાંના એક છોકરાએ ઓળાને જોયો! જોતાં જ એ 'ભૂત....ભૂ...ત'કહીને એ ચિત્કારી ઉઠ્યો.

ઢબુએ ચિત્કાર સાંભળ્યો. સૌને ડરેલા જોઈ એ સફાળે ઊભો થતાં જ બોલ્યો: 'અલ્યા, છોકરાઓ ! એ તો હુ ઢબુ છું ઢબુડો...ડરશો નહી હો.'

ઢબુનો સાદ વરતીને સૌ નિર્ભય થયા.

સૌએ અદરો-અંદર વાતો કરી. પછી કંઈક વિચારનો ડોળ કરીને ઢબુડાએ કહ્યું: 'મિત્રો,એક કામ કરો. આજે તમારા વતી હું વાળું પહોચાડી આવું! આમેય આજે હું એકલો જ છું. જોઉં તો ખરો કે મને એકલાને ભૂત મળે છે કે નહી! અને એ મળે તો મને શું કરે છે?'

સૌ સંમત થયા.

ઢબુએ ઉત્સાહભેર ચાલતી પકડી.

'બેટમજી ઉતાવળે બહાદુર થવા તો નીકળ્યા છે પણ ઢબુડાની આજે આવી બનવાની હો.'

'હા, રોજ તો એનો ભાઈબંધ અબુ સાથે હતો એટલે આમ ભમતો. પણ હવે આજે ભાઈસા'બ એકલા નીકળ્યા છે તે જોઈએ શું થાય છે!'

ઢબુડાને કાને આ શબ્દો પડ્યા. એ ઑર ખુશ થયો.

થોડાંક આઘે જઈને સૌ તમાશો જોવા ઊભા રહ્યાં.

ભૂતિયો વડલો નજીક આવ્યો. પૂર્વ તૈયારી મુજબ ઢબુએ ખોંખારો ખાધો ત્યાં તો વડલામાં કડાકા-ભડાકાભેર અજવાળું થયું. ભયંકર ચિચિયારીઓ અને બિહામણા અવનવા અવાજોથી આખું પાદર ગાજી ઉઠ્યું.

વડલે બેઠેલ પંખીઓના ઉડવાનો ફફડાટ થયો.

'એલા....! કોણ છે પણે વડલામાંં?' ઢબુએ બૂમ પાડી.

કોઈ અવાજ આવ્યો નહી.માત્ર કડકડડ કડકડડ એવો અવાજ જ સંભળાયો.

'અલ્યા ભઈ, કહું છું કોણ છે સંભળાતું નથી? આમ આ ધતીંગ શાના માંડ્યા છે?'

'હા...હા...હા.. આ..આ...! મને આવું પૂછનાર તે વળી તું કોણ?'

'અરે, એ તો હું ઢબુડો. પણ તું કોણ ?'

'હો.… હા.… હા.....! અરે તું ઢબુ હોય કે બબુ. ભાગી જા. નહી તો તનેય ભૂત બનાવી દઈશ! તું મને ઓળખતો નથી લાગતો. હું ભૂતોનો રાજા મહાભૂત છું. સારો સંસાર મારાથી બીએ છે ને તું આમ જીભાજોડી કરે છે? ભાગી જા છોકરાં...નહી તો ભારે થશે.'

'અલ્યા, તું ભૂત હોય કે બૂત! મારે શી લેવાદેવા? આ હું ઢબુડો ભૂતોનોય બાપ છું બાપ, સમજ્યું ભૂતડા? હું કોઈના બાપથીયે ડરું એવો નથી!'

આ સાંભળીને ભૂત બનેલા અબુએ બૂમાબૂમ અને ચિચિયારીઓ ઉપર ભયંકર ચિચિયારીઓ પાડવા માંડી. ગામ-પાદર ભયંકર કિકિયારીઓથી ગાજવા માંડ્યું.

ઢબુ નિર્ભય બનીને ચાલી નીકળ્યો.

વડલાથી દૂર ગયેલ ઢબુને જોઈ ભૂતમાંથી અવાજ આવ્યો, 'આજે તો તું બચી ગયો પણ કાલે તું આવ! તને એવો ઠમઠોરું કે ભૂત સામે બોલવાની ખો જ ભૂલી જાય!'

ઢબુડાને વાળું પકડાવીને આવેલ ટોળું ભૂતના ભડાકા જોઈ-સાંભળીને બી ગયું. ભૂતનો ભેંકાર અવાજ સાંભળીને 'ઢબુડો હવે ગયો જ' એવા વિચારે સૌ ડગાઈ ગયા.

કિન્તું ઢબુનો અવાજ સુણીને ઢબુ હેમખેમ વડલો ઓળંગી ગયો છે એવો હાશકારો થયો.

પરોઢ થતાં જ ગામ આખામાં વાત ફેલાઈ. સાંભળનારા સૌ સ્તબ્ધ.

વાતવાતમાં રાત પડી ગઈ.

ઢબુએ વાળુ લઈને પાદર ભણી પગ ઉપાડ્યા.

ઘણાએ ઢબુને વાર્યો. કેટલાંકે સમજાવ્યો. પણ ઢબુ એકનો બે ન થયો તે ન જ થયો.

આખરે ઢબુની માં એ કાળજું કઠણ કરીને જવાની મંજુરી આપી.

આખુ ગામ ચોરે ભેગું થયું છે. સૌના જીવ તાળવે ચોંટેલ છે. ઢબુડાની હિંમત જોવા સૌ ઊંચા-નીચા થઈ રહ્યાં છે.

જતાં જતાં ઢબુડાએ ગામ તરફ જોઈને કહ્યું: 'ગામવાસીઓ! આજે કાં તો ઢબુ નહી કાં ભૂત નહી!'

ઢબુએ ઝપાટાભેર પગ ઉપાડ્યા.

હરખભેર એ વડલાની નજીક આવ્યો.

ખોંખારો ખાધો એટલે ગઈરાતની માફક વડલામાં કડાકા-ભડાકા થયા. ભયંકર કિકિયારીઓ નીકળી.

ગામલોકો આ દ્રશ્ય જોઈને ગભરાયા. સૌના જીવ તાળવે આવ્યા.

એટલામાં ગર્જનાભેર અવાજ થયો: 'હા.… હા..! હી....હી... ઈઈઈઈઈઈ....! બેટમજી! પોતાને ભૂતનો બાબ સમજે છે? કેમ? હા..… હા.....!!'

અરે હા,ભૂતડા હા...! બાપ નહી પણ આજે તો ભૂતનો દાદા છું દાદા!'

ઓ...ઉ...… ઓ.. ઉઉઊ......! અલ્યા, રાતે તો તને છોકરું સમજીને જવા દીધો એમાં આજે તું દાદા બની ગયો કેમ??? હી..હઆ...ઉઉઊઊઊ! તું મરવા જ નીકળ્યો છે તો નજીક આવ, તને ખાઈને બહું દિવસોની ભૂખ મિટાવું ભૂખ! આવ!આવ....!'ને એમ કરતાં ફરી ભડાકા થયા. વડલો સળગવા લાગ્યો.

ઢબુએ જુસ્સાભેર બૂમ પાડી, 'અરે ઓ ભૂતડાં! હિંમત હોય તો ઓરુ આવ. આમ ઉપર ચડીને ઘાંટા શેના પાડે છે હે?'

ઢબુ બોલી રહે એટલામા તો બંને હાથમાં ડઝનોબંધ તારામંડળ સળગાવીને અબુનું બનાવટી ભૂત એની નજીક આવી ગયું.

આવતાભેર જ એણે ઢબુની પીઠ પર જોરથી મુક્કો માર્યો. ઢબુ ચિત્કારવાનો અવાજ કરીને ભોંય પર ઢળી પડ્યો.

ઢબુનો ચિત્કાર સાંબળીને ગામલોકોનો જીવ ફરી તાળવે ચોંટ્યો!

બંને બથ્થમ બથ્થા થયા.

સન્નન્ન… સનનન… કનનનન !!અવાજો ગામલોકોના કાને પડ્યા.

એવામાં થોડીવારે ભૂતે બૂમ પાડી: 'અલ્યા,મારી ચોટલી છોડી દે! પીડા થાય છે ને મારા પ્રાણ જાય એવું થાય છે!'

'નહી છોડું! ભૂતડા,નહી જ! હવે તો હું તારા દાદાનોય દાદા!!'

એય છોકરા! મને છોડી દે, તને કદી હેરાન નહી કરું!' ભૂતનો અવાજ ગામલોકોના કાને ગયો.

લોકો સમજી ગયા કે ઢબુડાએ ભૂતને પકડ્યું છે. એટલે સૌને હિમત આવી. સરવા કાને બધા જોઈ-સાંભળી રહ્યાં.

ઢબુ કહે: 'ભૂતડાં! હું તને તો જ છોડું જો તું હવેથી કોઈને ડરાવે નહી.

ભૂત કહે: 'મને બધું જ મંજુર છે. હું વચન આપું છું કે હવેથી કોઈનેય ડરાવીશ નહી. અને હવેથી તો અહીથી બીજે જતો રહીશ બસ, પણ ઝટ મારી ચોટલી છોડ, ભાઈ!'

ઢબુએ ભૂતની ચોટલીના વાળ કાપ્યા. અને પાસેની શીશીમાં ભર્યા!

ફરી જોરદાર ભડાકો થયો. 'હવે હું વડલેથી જતો રહીશ ભાઈ,પણ હવે છોડ!' કહેતું ભૂત ભાગવા લાગ્યું.

ગામલોકોએ જોયું-સાંભળ્યું. સૌ રાજી થયા.

બીજે દિવસે સૌની હાજરીમાં અબુ મામાના ઘેરથી આવ્યો.

બધાએ અબુને ઢબુના પરાક્રમની માંડીને વાત કરી.

અબુ-ઢબુ આ સાંભળીને મનમાં ને મનમાં હરખાતા હતાં.

આમ, અબુ-ઢબુએ ગામલોકોના મનનો ભૂતનો ભય ભાંગ્યો.

***