પ્યાર તો હોના હી થા..!
ભાગ-૫
❤ આંખે તરસ રહી હૈ તેરે દીદાર કો ❤
☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣☣
લગભગ એક અઠવાડિયા પછી નિગાર એ ઈરફાન સાથે વાત કરવાની કોશિસ કરી. નિગારે ઈરફાનનો નંબર ઘણીવાર ડાયલ કર્યો પણ ઈરફાન ફોન જ રિસીવ નહોતો કરતો. નિગાર થોડી ચિંતામાં મુકાઈ. એ રાત પછી નિગાર ઈરફાનની વધુ નજીક આવી ગઈ હતી. ઈરફાન માટેની લાઈક હવે લવમાં પરિણમી હતી.
ઘણા પ્રયત્નો પછી પણ ઈરફાનનો સંપર્ક ન થઇ શક્યો. નિગાર હવે ઈરફાન જોવા માટે અધીરી બની રહી હતી. દિવસો વીતવા લાગ્યા નિગાર હવે ઈરફાનની શોધખોળ કરવા લાગી. અમદાવાદમાં રહેલા નિગારના મિત્રો અરમાન અને બીજા મિત્રોને મળીને ઈરફાન ક્યાંય પણ દેખાય તો એને જાણ કરે એવું બધાને કહેવા લાગી.
ઈરફાનની ઘણા પ્રયાશો પછી પણ કોઈ ભાળ ન મળી. નિગાર શોધતા શોધતા ઈરફાનના ઘરે પહોંચી ગઈ. ઈરફાનના ઘરે એના મમ્મી પપ્પા હતા.
"અસ્સલામું અલયકુમ આંટી.."
"વાલેકુમ સલામ.. બેટા તમે કોણ?"
"આંટી હું નિગાર છું. ઈરફાનની ફ્રેન્ડ.."
"બેટા તમારું નામ તો ક્યારેય સાંભળ્યું નથી. પણ આવો બેસો.."
નિગાર ઈરફાનના અમ્મીના કહેવાથી ઘરમાં પ્રવેશી અને સોફા પર બેઠી. ઈરફાનના અમ્મી એ નિગારને પાણી આપ્યું, પાણી પીધા પછી નિગાર ફરીથી સવાલો કરવા લાગી.
"આંટી હું ઘણા દિવસોથી ઈરફાનનો ફોન ટ્રાય કરું છું. પણ એ ફોન જ રિસીવ નથી કરતો.. એ છે ક્યાં?"
"બેટા એ એક અઠવાડિયાથી કોઈ બિઝનેસ ટ્રીપ પર ગયો છે. ક્યાં ગયો છે એ પણ આ વખતે જણાવીને નથી ગયો.."
"તો આંટી એનો ફોન આવે છે ખરો?"
"ના બેટા અમારી પણ ગયો ત્યારથી કોઈ વાત થઇ નથી.."
"એનો મોબાઇલ તો સાથે જ હશે ને?"
"ના બેટા, એનો ફોન એના રૂમમાં જ સાઇલેન્ટ મોડમાં પડ્યો છે.. મને પણ થોડું અજીબ લાગ્યું કે આ વખતે એ ક્યાં જાય છે એ કહીને પણ નથી કહ્યું અને મોબાઇલ પણ રાખીને ગયો છે.."
"આંટી ક્યારે આવશે એવું કહીને ગયો છે?"
"ના બેટા એવું પણ નથી કહ્યું.."
"ઓકે આંટી વાંધો નહીં આતો મારો કોન્ટેક્ટ નહોતો થતો એટલે થયું કે ઘરે થતી આવું.."
"હા બેટા આવતી રહેજે.. સારું લાગ્યું તને મળીને.."
"હા ચોક્ક્સ આંટી, ચાલો હવે હું નીકળું?"
"ના બેટા એમને એમ થોડીને જવાય.. ચા-નાસ્તો કરીને જા.."
"ના આંટી આજે મારો એક ફોટો સૂટ છે એટલે પછી ચોક્ક્સથી આવીશ.."
"હા બેટા, તો આવતી રહેજે અને ઈરફાન આવશે તો તને જણાવીશ.."
"સારું આંટી ચાલો હું નીકળું, અલ્લાહ હાફિઝ.."
"અલ્લાહ હાફિઝ.."
નિગાર ઈરફાનના ઘરેથી નીકળી, નિગારનું કોઈ જ કામમાં મન નહોતું લાગતું. ઈરફાન ક્યાં હશે ક્યારે જોવા મળશે, એને શું ખોટું લાગ્યું હશે? આવું વર્તન શા માટે એ કરતો હશે એવા અનેક સવાલો મનમાં લઈને એ આમ તેમ ઈરફાનના સંપર્ક માટે પ્રયાસો કરવા લાગી. પણ નિગારને કોઈ જ સફળતા ન મળી.
એક મહિના પછી નિગારે ઈરફાનના ઘરની ફરીથી મુલાકાત લીધી પણ ઈરફાનના ઘરે તાળું હતું. બાજુમાં નિગાર પૂછવા લાગી.
"હેલો આંટી, તમારા પડોશી ક્યાં ગયા છે? કોઈ ખ્યાલ છે?"
"તમે કોણ?"
"હું એમની સંબંધી છું.."
"એતો પઁદર દિવસ પહેલા જ કંઇક ફોરેન ગયા છે..."
"ક્યારે આવશે?"
"એ'તો હવે કદાચ એકાદ બે વર્ષ પછી જ પાછા ફરશે.. એમના દીકરા સાથે રહેવા ગયા છે.."
"ઓહ.. ક્યાં ગયા છે એ ખ્યાલ છે?"
"ના એવું તો નથી કઈ ને ગયા, પણ તમે કેમ આવા સવાલો પૂછો છો?"
"અરે મારે એમનું કામ હતું ને આજે ઘરે આવી તો એ ન મળ્યા.."
"હમ્મ.."
"સારું આંટી આપનો આભાર.."
નિગાર ઈરફાનની જેટલી નજીક જવાની કોશિસ કરતી એટલી જ દૂર થઇ રહી હતી. હવે તો એના સંપર્કની એકમાત્ર કડી હતી એ પણ ટૂટી ગઈ, હવે ઈરફાનને કઈ રીતે શોધવો શું કરવું એ કઈ જ ખબર નહોતી પડતી.
નિગાર હવે ઈરફાનના વિરહમાં ખુબ જ દુઃખી થઇ રહી હતી. કોઈ સાથે વાત કરવી, કામ કરવું કઈ જ એને ન ગમતું. એના ફોટો સૂટના કામ પણ પેન્ડિંગ પડ્યા હતા. મુંબઈ જવાનું મન પણ નહોતું થતું. નિગાર જાણે માછલી પાણી વગર તળફળે એજ રીતે નિગાર ઈરફાન વિના તળફળી રહી હતી.
નિગાર હવે પોતાને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માંગતી હતી પણ અમદાવાદમાં એ બની શકે એમ ન હતું. નિગારની મુંબઇની P. G. માં સાથે રહેતી દીપિકાને નિગારની આ પરિસ્થિતિ વિષે જાણ થઇ. દીપિકા તાત્કાલિક ફ્લાઇટમાં અમદાવાદ આવી.
"નિગાર શું હાલત બનાવીને રાખી છે તે?"
"દીપિકા પ્લીઝ તું પાછી ચાલી જા, મને એકલી રેહવા દે.."
"પાગલ છો? હું તને હવે સાથે લીધા વગર ક્યાંય જવાની નથી.."
"ના દીપિકા હવે હું તારી સાથે નહીં આવી શકું, મને કોઈ જ કામમાં મન નથી લાગતું, ત્યાં આવીશ તો તું પણ મારા કારણે ડિસ્ટર્બ થઈશ.."
"હવે તું બહુ વધુ બોલે છે નિગાર.. મારે તારું કઈ જ નથી સાંભળવું.. તું બેગ પેક કર આજે રાતની ફ્લાઇટમાં આપણે નીકળવાનું છે.."
"ના દીપિકા પ્લીઝ હવે તું ફોર્સ ન કર.."
"ના નિગાર તારે મારી સાથે આવવું જ પડશે નહિતર હું જીવનમાં ક્યારેય તારી સાથે વાત નહીં કરું.."
દીપિકાના અઢળક પ્રત્યનો પછી નિગાર એની સાથે મુંબઇ જવા તૈયાર થઇ. રાત્રે ડીનર કરી નિગાર અને દીપિકા અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચ્યા. ગેટપાસ લઈને બન્ને ફ્લાઇટમાં બેઠા. નિગારના ચહેરા પર ઉદાસી દૂર થવાનું નામ નહોતી લેતી. દીપિકા એની આ હાલત જોઈને દુઃખી થઇ રહી હતી. નિગાર બિન્દાસ, પોતાના મોજશોખ પુરા કરવાવાળી છોકરી હતી એને આ પરિસ્થિતિમાં જોઈ દીપિકા અચંબિત હતી. જે છોકરી માટે છોકરાઓ કપડાં બરાબર હતા જેમ લોકો કપડાં બદલે એમ એ મરજી મુજબ છોકરાઓ ફેરવતી. ન જાણે એને આટલી ઈરફાન સાથે અટેચમેન્ટ ક્યાંથી થઇ ગઈ એ દીપિકાની સમજની બહારની વાત હતી.
દીપિકા ને નિગાર મુંબઇ પહોંચ્યા, ત્યાંથી બન્ને લોખંડવાલામાં આવેલા પોતાના P. G. પર ગયા. રાતના ૩ વાગ્યા હતા એટલે બંને જતાંવેંત જ સુઈ ગયા. દીપિકા નિગારની હાલતનું ટેન્શન કરી રહી હતી. નિગાર ઈરફાનનો સંપર્ક કઈ રીતે કરવો એ વિચારો કરી રહી હતી. બંને થાકેલા હતા એટલે વિચારો કરતા કરતા જ બન્ને સુઈ ગયા.
[ક્રમશ:]