બે બાળવાર્તાઓ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે બાળવાર્તાઓ

૧. શિયાળ અને ઝાંબુંનું ઝાડ

એક સુંદર છોકરો હતો.

એ જેવો સુંદર હતો એવો જ સમજુ હતો.

અબુ એનું નામ.

ભણવામાં એ ભારે હોશિયાર.

આખો દિવસ એ લખ્યા અને વાંચ્યા જ કરે.

ભણતરનો ભાર ઊતારવા રોજ થોડું રમી પણ લે.

એની આદત સરસ હતી. એ ભણે ત્યારે માત્ર ભણવામાં જ ધ્યાન આપે.અને રમવા લાગે ત્યારે ફક્ત રમાવામાં જ મનને મશગૂલ કરી દેતો.

એટલે રમવામાં અને ભણવામાં બંનેમાં પાવરધો થઈ ગયો હતો.

એકવાર શાળામાં વેકેશન પડ્યું.

અબુ એના મોસાળ ફરવા ગયો.

અબુને સમજ આવી ત્યારથી જ પંખીઓ બહું વહાલા હતાં. પંખીઓ જોઈને એ ઝુમી જ ઊઠતો.

અબુના મામાને ફળોની વિશાળ વાડી હતી. વાડીમાં જાતજાતના ને ભાતભાતના ફળોના ઝાડ! વળી એ વૃક્ષો પર જુદી-જુદી જાતના અને રંગના પંખીઓ કલરવ કરે.

અબુ રોજ સવારથી સાંજ સુધી વાડીમાં જ રહે.

એ પક્ષીઓના અવાજ સાંભળે. એમના રૂપરંગ જુએ. પંખીઓની ખોરાક ખાવાની રીતનું અવલોકન કરે અને ક્યારેક એ પોતેય પંખીની માફક ગીત ગાવા લાગી જાય!

મામાના ઘેર અબુડાને મજા પડી ગઈ.

આમ કરતાં આનંદમાં ને આનંદમાં રજાઓ પૂરી થઈ ગઈ.

અબુ હવે એને ગામ આવ્યો. ગામમાં સૌ એને અબુડો કહીને જ બોલાવે.

એક રવિવારે અબુડો એના ખેતરે ગયો.

વરસાદની મોહક મોસમ હતી એટલે એણે એક જાંબુડો વાવ્યો.

જોતજોતામાં જાંબુડો મોટો થઈ ગયો. એણે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું.

ફરી ચોમાસાની મોસમ આવી. અબુએ વાવેલા જાંબુડા પર સરસ મજાના જાંબુ બેઠા. અબુ તો રાજીના રેડ બની ગયો.

હવે જાંબુ ખાવા પંખીઓ આવવા માંડ્યાં. અબુને તો પંખીઓ જોવાની મજા પડવા લાગી. એ તો રોજ ખેતરે જાય અને શાળાનો સમય થાય એટલે પાછો નિશાળની વાટ પકડે.

હવે અબુના ખેતરે રોજ નવા નવા પંખીઓ આવવા લાગ્યા. એને તો મજા પડવા લાગી.

આમ કરતા ધીરે ધીરે અબુડાને પક્ષીઓ સાથે ભાઈબંધી થઈ ગઈ. પંખીઓ રોજ અબુડાને નવા-નવા ગીત સંભળાવે.

અબુનો જાંબુડો પંખીઓનું ઘર બની ગયો. સૌ પંખીઓ જાંબુ ખાય, પાણી પીએ અને રાત્રે એના પર જ સૂઈ જાય.

એક વખતની વાત છે.

રાતનો સમય હતો.

એક શિયાળ પાણીની શોધમાં ભટકતું-ભટકતું અબુના ખેતરે આવી ચડ્યું!

પાણી પીતા-પીતા એને જાંબુની સુગંધ આવી. સૂંઘતું-સૂંઘતું એ જાંબુના ઝાડ પાસે આવી ગયું.

એણે જોયું તો પંખીઓ શાંતિથી સૂતા હતાં. એટલે લાગ જોઈ ચૂપચાપ એ ઝાડ પર ચડી ગયું! બધા જાંબુ ખાઈને એ બિલ્લી પગે રફુચક્કર થઈ ગયું.

પરોઢ થયું એટલે સૌ પક્ષીઓ પ્રગાઢ નીંદરમાંથી જાગ્યા.

જાગીને કુદરતના ગુણગાન ગાવા લાગ્યા. સુંદર સૂરોથી વાતાવરણને ગજવી દીધું. પછી દાતણપાણી કરીને જાંબુ ખાવાની તૈયારી કરવા માંડી.

કિન્તું આ શું?? ઝાડ પર એકેય જાંબુ પાક્યું કેમ નથી? સૌ ચિંતાભર્યા વિચારે ચડ્યા.

આખા ઝાડ પર એકેય પાકું જાંબુ ન મળ્યું એટલે બિચારા પંખીઓ દિવસભર ભૂખે ટળવળ્યા.

બીજી રાત્રે પણ એમ જ બન્યું.

ત્રીજી રાતે પણ શિયાળ ચોર પગલે આવીને જાંબુ ઓહિયા કરી ગયું!

બે દિવસથી પંખીઓના અવાજમાં આવેલ બદલાવ અબુએ જોયો. સૌના ઉદાસ ચહેરા જોયા. એને કંઈક ગરબડ થયાનો વહેમ પડ્યો.પણ પૂછે કોને?

ચોથી રાતે પંખીઓએ ભેગા મળીને ચોકીપહેરો ગોઠવ્યો.

અડધી રાત વીતી એટલે પેલું મગતરું શિયાળ લપાતું-છૂપાતું આવ્યું.

પક્ષીઓ સમજી ગયા.

ચોર પકડાઈ ગયો.

પણ હવે કરવું શું?

શિયાળને સંભળાય નહી એમ સૌએ ગૂચસૂપ કર્યું.

યોજના મુજબ કોયલ ચૂપચાપ ઝડપભેર કરોળિયાને બોલાવી લાવી.

ભરપેટ જાંબુ ખાઈને નીચે ઊતરતા શિયાળને કરોળિયાએ પકડ્યો! જાંબુના મજબૂત થડ સાથે મજબૂત દોરડા વડે એને બાંધ્યું!

શિયાળે છૂટવા માટે કાકલૂદી કરવા માંડી.કાલાવાલા કરવા માંડ્યા.પરંતું એને છોડ્યો નહી.

થોડીવારે એ બોલ્યું: 'કરોળિયાભાઈ ! મને છોડી દો ને યાર. શું કામ મને આમ હેરાન કરો છો?'

પછી પંખીઓને હાથ જોડીને દયામણા સાદે કહે, 'મારા વહાલા સૌ પંખીઓ...! મને છોડી દો.કાલથી હવે અહી નહી આવું. ક્યારેય ચોરી નહી કરું.'

કરોળિયો કહે, 'શિયાળ તેં ચોરી કરી છે. અને એ પણ બીજાના ભોજનની એટલે તને સજા કર્યા વિના તો છોડીશું જ નહી!'

એટલામાં સૌ પંખીઓએ ચાંચ મારવા માંડી. શિયાળ ચિચિયારી કરતું જાય અને કૂદાકૂદ કરતું જાય!

રાત્રિનો ચોથો પ્રહર થવા આવ્યો હતો.

ભૂખ્યા પક્ષીઓને નીંદર નહોતી આવતી.

શિયાળ દરદથી કણસતું હતું. બાજુમાં જ રહેતા ઉંદરના કાને શિયાળના કણસવાનો અવાજ ગયો. એ દોડતો આવ્યો.

શિયાળને જાંબુના થડ સાથે બાંધેલું જોઈ ઉંદર નવાઈ પામ્યો.

ઉંદરને જોઈ રાજી થતું શિયાળ બોલ્યુ: 'ઉંદરમામા મને અહીથી છોડાવો. પેલો કરોળિયો મને બાંધીને જતો રહ્યો છે.'

ઉંદર કહે હું તને છોડાવા જ આવ્યો હતો પણ લાગે છે કે તે કંઈક ગુનો કર્યો હોવો જોઈએ. એટલે જ આ દશા થઈ છે. બોલ ભલા હવે હું તને કેમ કરીને છોડાવું?

શિયાળ ઉંદરના વખાણ કરતું બોલ્યુ: 'અરે ઉંદરમામા, તમે તો હોશિયાર છો. તમારા દાંત પણ કેવા અણીદાર! એકવાર તમે કેવા આપણા સિંહરાજાને પારધીની જાળમાંથી છોડાવ્યા હતાં. 'મને પણ એ રીતે છોડી આપો ને!'

સિંહરાજાએ તો મને જીવન બક્ષ્યું હતું એટલે કિન્તું તે તો કોઈ ચોરી કરી હશે, હું તને ક્યાં નથી ઓળખતો!

શિયાળે હાથ જોડીને બધી બીના ઉંદરને સંભળાવી.

ઉંદર કહે, 'શિયાળ તે ચોરી કરી જ છે. એ પણ અન્યોના ભોજનની. એટલે તને સજા તો થશે જ. વળી હું પણ સજા કરીશ! કેમ કે ચોરી એ તો મહાપાપ છે.

હું પ્રાયશ્ચિત કરીશ! અને ખાતરી આપુ છું કે હવે કદી કોઈની પણ ચોરી નહી કરું બસ.હવે તો મને જવા દો.

એટલામાં પરોઢ થયું. સર્વ પંખીઓ જાગ્યા.દૈનિક વિધિ પતાવીને પેટ ભરીને જાંબુ ખાધા.

રાત્રે મારેલી ચાંચથી કણસતા શિયાળને જોઈ સૌ પક્ષીઓને દયા આવી ગઈ.

શિયાળે દયામણા અવાજે કહ્યું: 'મને છોડી દો.હવે કદી ચોરી નહી કરુ!'

આ સાંભળીને પંખીઓએ ઉંદરને કહ્યું, 'ઉંદરમામા...આ નુગરાને હવે છોડી દો.

ઉંદર કહે, 'હું છોડીશ પણ સજા કરીને.'

આમ કહીને ઉંદરે શિયાળ પર બે-ચાર લાકડી ફટકારી. એને બરાબરનું ફટકાર્યું. પછી છોડ્યું.

શિયાળ પૂંછડી દબાવીને ભાગતું જાય...ભાગતું જાય....!

સવારે અબુ આવ્યો. એણે પંખીઓને કિલ્લોલભેર આનંદ કરતા જોયા.

એ ખુશ-ખુશાલ બની ગયો.

***

૨.ડોક્ટર શિયાળ

એક વન હતું.

એનું નામ સુંદર વન.

એ સુંદર વન ખુબ જ સોહામણું હતું.

લીલાછમ્મ વનમાં ઘણા બધા પ્રાણીઓ-પક્ષીઓ રહે.પક્ષીઓ અને પ્રાણી પણ જાત-જાતના ને ભાત-ભાતના.

આ વનમાં શેરું નામનો એક સિંહ રહેતો હતો. શેરું જંગલનો રાજા હતો. એના રાજમાં સૌ પંખી પ્રાણીઓ આનંદથી હળીમળીને રહે. સૌ વચ્ચે જબરો ભાઈચારો હતો. વનના બધા પ્રાણીઓ શેરુંની આગ્ના પાળે. શેરું પણ બધાને વહાલ કરે. સિંહ સરકારના રાજમાં સૌ હેમખેમ હતા.

એક દિવસ શેરુંને એક સુંદર વિચાર આવ્યો. વિચાર એવો કે ભાઈ સૌ કોઈ ભણી ગણીને હોશિયાર થવા લાગ્યા છે તો ભલા પ્રાણી-પક્ષીઓએ કેમ ન ભણવું જોઈએ? મારે પણ મારા જંગલવાસીઓને ભણાવવા છે.

બીજા દિવસે શેરુંએ આખું જંગલ ભેગું કર્યું.

અચાનક સિંહ રાજાએ સભા કેમ બોલાવી? એવા વિચારે સૌ કોઈ અચરજ પામી બેઠા હતા.

એવામાં શેરુંસિંહએ વાત ચાલું કરી. શેરુંએ કહેવા માંડ્યું. અને સૌ સરવા કાને સાંભળવા લાગ્યા.

શેરું બોલ્યો: 'આપણા જંગલના મારા સૌ ભાઈઓ..! મને એક સરસ વિચાર આવ્યો છે કે આપણે આપણા બચ્ચાઓને ભણાવીએ. આપણે તો ભણ્યા વગરના અગ્નાનના અંધારામાં રહીને ભટકતી- રખડતી જીંદગી ગુજારી નાખી. પણ હવે મારી ઈચ્છા છે કે આપણે જંગલમાં જ એક શાળા ખોલીએ અને આપણા બાળબચ્ચાઓને સારું શિક્ષણ આપીએ.જો એ ભણશે તો સારી જીંદગી જીવશે.'

તાળીઓનો વરસાદ થયો. સૌએ શેરુંસિંહની વાતને હર્ષભેર વધાવી લીધી. જંગલમાં ચારેકોર આનંદ-આનંદ છવાઈ ગયો.

નિશાળે જવાની અને ભણવાની વાત સાંભળીને પ્રાણીઓ અને પંખીઓના બચ્ચાઓ ગેલમાં આવી ગયા. અને નાચવા લાગ્યા. નિશાળનું બાંધકામ ચાલું થયું. થોડાક દિવસોમાં તો સરસ મજાની શાળા તૈયાર થઈ ગઈ.

નિશાળ ચાલું થઈ. દૂર...દૂ...રથી સૌ ભણવા આવવા લાગ્યા. કેટલાંક હજું નહોતા આવતા એ પણ ધીમે ધીમે આવતા થઈ ગયા.

જંગલમાં પ્રાણીઓની શાળા ધમધોકાર ચાલવા લાગી.

રોજ નવું નવું જાણવાની-ભણવાની મજા પડવા લાગી. દુનિયામાં સાત ખંડ છે, ધરતી પર ચાર વિશાળ મહાસાગર છે, બધા ગ્રહોમાં પૃથ્વી પર જ સજીવસૃષ્ટિ છે, સૂર્ય એક તારો છે અને તે આખા જગતનો દાદા કહેવાય છે...એવી એવી અજાયબ વાતો ભણીને સૌ નવાઈથી નાચવા લાગ્યા હતાં.

નિશાળે આવવાથી જેઓ કદી નહાતા ન હતા તે રોજ નહાતા થયા.

નખ નહોતા કાપતા તે નખ કાપીને આવવા લાગ્યા.

વાળ વ્યવસ્થિત ઓળતા થયા. કેટલાંક મા-બાપનું માનતા નહોતા એ માવતરને પ્રણામ કરતા થયા. તો વળી કેટલાંક અનાડી બચ્ચાઓને જાણ મળી કે ખરાબ બોલવાથી આપણી આબરૂ ધૂળમાં જાય એટલે એ સારૂ સારૂ બોલતા થયા.

જંગલમાં નિશાળ. નિશાળમાં ભણતર અને ભણતરથી જીંદગીમાં સુધાર થયેલ જોઈ બધા ખુશ રહેવા લાગ્યા.

હવે આ શાળામાં સૈની નામે એક શિયાળ પણ ભણે. ભણવામાં એ બધાથી હોશિયાર. એને નવું નવું જાણવાની અને બીજાને નવું નવું કહેવાની મજા આવતી હતી. રમતમાં પણ તે હંમેશા આગળ જ હોય!

એ શિયાળ બહું બહું ભણ્યું એટલે એ ડોક્ટર બન્યું! આખા વગડામાં શિયાળની તો વાહ વાહ થઈ. એનો તો વટ પડવા માંડ્યો.

સૈનીએ તો વનમાં દવાખાનું શરૂ કર્યું. પણ બે ત્રણ દિવસમાં માંડ એક બે દર્દી આવે! બે-ત્રણ મહિના સુધી આમ જ ચાલ્યું.

નવરા બેઠેલ સૈનીને એક દિવસ વિચાર આવ્યો કે દવા લેવા કેમ કોઈ દર્દી આવતું નથી? એમ કરતા થોડીવારે એને સમજાયું કે જંગલમાં સૌ ભણીગણીને હોશિયાર થઈ ગયા છે એટલે કોઈ બિમાર જ પડતું નથી! હવે શું કરવું? સેવા કરવાની શુભ ભાવનાથી ચાલું કરેલ દવાખાનાથી હવે વધારે પૈસા કમાવાની સૈનીને લાલચ થઈ આવી. પણ હવે કરવું શું? દવા લેવા તો કોઈ આવતું નથી! હવે કેમ કરીને પૈસાદાર થવું ને વનમાં વટ પાડવો?

વિચારમાં ને વિચારમાં સૈનીને એક દિવસ બિમાર પાડવાનો વિચાર જડી આવ્યો. ખુશખુશાલ થઈને એ નાચવા લાગ્યો.

એ તો દોડતો શહેરમાં ગયો. ત્યાંથી સોપારી, ગુટખા, તમાકું, પાનમસાલા, પડીકામાં પૅક કરેલો સડેલો નાસ્તો, નમકીન, પેપ્સી, બિયર, દારૂ, બીડી, સીગારેટ વગેરે થેલા ભરી ભરીને લઈ આવ્યો.

શરૂ શરૂમાં તો આ બધું જોઈને સૌ પ્રાણીઓ નવાઈ પામવા લાગ્યા. પણ પછી ધીમે ધીમે શોખ ખાતર ખાવા લાગ્યા. આમ કરતા સૌને આદત પડી ગઈ.

સૈની શિયાળની દુકાને આ બધી જ વસ્તુનું ધૂમ વેચાણ થવા લાગ્યું. થોડા દિવસોમાં તો સૌ ટપોટપ બિમાર પડવા લાગ્યા. બિમારી પણ નવી નવી!

હવે બંધ પડેલ દવાખાનું ફરી ચાલું થયું. સૈની ગેલમાં આવી ગયો. એનું દવાખાનું ધમધોકાર ચાલવા માંડ્યું. સૈનીને ડબલ આવક મળવા લાગી. અભિમાનથી એ ફૂલવા લાગ્યું. જંગલમાં એનો વટ પડવા લાગ્યો.

જોત જોતામાં તો સૈનીએ ચારેક માળનો બંગલો બનાવી લીધો! ચાર-પાંચ નવી નક્કોર ગાડીઓ ઊભી કરી દીધી! બીજાના પૈસે જલસા કરવા માંડ્યા.

એવામાં સગુન નામનો સસલો બાજુના ગામમાંથી ભણીને આવ્યો. જંગલની બિમારીનું એણે કારણ શોધ્યું. અને સિંહ પાસે જઈને સૈની શિયાળ વિરુધ્ધ ફરિયાદ કરી.

શેરુંસિંહએ સૈની શિયાળ સામે કડક પગલા લીધા. એના દવાખાનાને તાળા લાગ્યા. સિંહએ જંગલના પ્રાણીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ સૈનીને પાંચ લાખનો દંડ ફટકાર્યો. અને હંમેશ માટે સૈની શિયાળને સુંદર વનમાંથી હાંકી કાઢ્યો.

આમ, લાલચ અને અભિમાને સૈની શિયાળના બૂરા હાલ કર્યા.

***