APRADH books and stories free download online pdf in Gujarati

“અપરાધ”

“અપરાધ”

========

વરસાદના એંધાણ વીજળીના ચમકારા અને ગર્જનાઓએ આપી દીધા હતા. સવારથી ચોફેર પથરાયેલું વરસાદી વાતાવરણ સતીશને પ્રફુલ્લિત કરી રહ્યું હતું, એક મોટા પ્રોજેક્ટનું કામ સતીશે પૂર્ણ કર્યું હતું એનો આનંદ પણ હતો, ઓફીસ કામના બહાને બે વખત તાન્યાને કેબીનમાં બોલાવી હતી અને સતીશ પણ આજે એ વરસાદી વાતાવરણની લિજ્જત માણવા તાન્યાને એની સામે બેસવા આગ્રહ કરી રહ્યો, તાન્યા એનું કામ પડતું મુકીને કેબીનમાં આવી હતી પણ સતીશ આજે અહલાદક વાતાવરણમાં તાન્યાનું સૌન્દર્ય આંખોમાં ભરી રહ્યો, એનું તોફાન આજે ચરમ સીમાએ હતું, આવું ક્યારેય ન બનતું પણ તાન્યાએ પાંચ વર્ષની નોકરીમાં એના કામણ પાથરી રાખ્યા હતા અને આજે એના ચહેરા ઉપર એ વિજયભાવ સ્પષ્ટ જોવાતો હતો, સતીશ પરણેલો હતો તેમજ પાંચ વર્ષના એક બાળકનો પિતા પણ, સુખી લગ્ન જીવન ગાળતો સતીશ આજે જાણે વરસાદી મોહોલમાં તાન્યાના કામણ નિહાળવામાં મશગુલ થવા માંગતો હતો, એટલેજ એને કેબીનમાં બોલાવી બેસાડી રાખી હતી, કોઈ કામ ન સુજતા તાન્યાએ બીજી વખત પણ એમજ કહ્યું.

“સર કશું કામ ન હોય તો હું જાઉં? ઘણુંબધું કામ પેન્ડીંગ છે.

સતીશ તાન્યા તરફ જોઈ ક્ષણિક વિચારવા લાગ્યો, ફરી બેસવાનો આગ્રહ કરવા કોઈ બહાનું ન સુઝતા સતીશે કહ્યું.

“ઓકે તાન્યા તું જઈ શકે છે.”

દિવસમાં ત્રીજી વખત સાંજે સતીશનો ઇન્ટરકોમમાં ફોન આવ્યો મલકાતું હસતી તાન્ય એની ચેર ઉપરથી ઉભી થઇ, અત્યારે એના ચહેરા ઉપર ફરી વિજયભાવ ફરકી રહ્યો. સત્યાવીસ વર્ષની કામણગારી તાન્યા આજે સુંદર લાગી રહી હતી, ઘૂંટણ સુધી પહેરેલા ગુલાબી રંગના ટાઈટ વનપીસમાં મટક મટક ચાલતી ચાલતી સતીશની કેબીન તરફ જઈ રહી હતી, એ સતીશનો ઈરાદો જાણી ગઈ હતી પણ એ પહેલ કરવા નહોતી માંગતી, એ જાણતી હતી કે આજે સતીશ વ્યસ્ત નથી, એ એવું ઈચ્છતી હતી કે સતીશના દિમાગમાં જે ચાલી રહ્યું છે એ પોતે એના મોઢેથી કહે, ત્રીજી વખત કેબીનમાં બોલાવ્યા પછી તાન્યાને વિશ્વાસ બેસી ગયો હતો કે એને પાથરેલું કામણ કામ લાગી ગયું છે આજે એ મન ભરીને સતીશના શરીરને માણસે, તાન્યા પરણેલી ન હતી પણ આ રીતે પુરુષને સતાવવાનો એક અનેરો આનંદ અનુભવી રહી હતી.

“મેં આઈ કમ ઇન?” કેબીન ડોર ખોલતા તાન્યાએ વિવેકથી પૂછ્યું.

સતીશે હાથથી ઈશારો કરી પહેલાની જેમજ તાન્યાને બેસવા કહ્યું..

“તાન્યા આજે વાતાવરણ કેવું મસ્ત છે?”

“હા સર મને વરસાદ ખુબ ગમે, વરસાદમાં ભીંજાવું પણ ખુબ ગમે.”

“કેમ? ભીંજાવું છે આજે?”

“ના પેન્ડીંગ કામ..”

“અરે ગોળી માર આજે કામને, ચાલ આજે વરસાદી વાતાવરણમાં ગરમાં ગરમ કોફી પીએ.”

તાન્યા ફરી મલકાતું હસી અને ગંભીરતાનો ડોળ કરતા બોલવા જતી હતી અને વચ્ચે સતીશે કહ્યું.

“એક કામ કર, આ ફાઈલ લઇને નીચે જા, કાર પાસે વેઇટ કર હું આવું છું.”

“જી સર.” કહેતા તાન્યા ફાઈલ હાથમાં પકડી એના ટેબલ તરફ ગઈ કોમ્પ્યુટર શટડાઉન કરી પર્સ ઉઠાવી ચાલતી થઇ, કાર પાસે ઉભી એ ખુશ થઇ રહી, એના મગજમાં વરસાદી વાતાવરણને માણવા ઉત્સાહ જાગી રહ્યો. થોડીવારમાં સતીશ આવ્યો અને કાર સ્ટાર્ટ કરતા..

“હવે બેસવા માટે પણ કહેવું પડશે?” સતીશે કાર પાસે ઉભેલી તાન્યાને કહ્યું.

તાન્યા મનોમન હસી, આગળની સીટ પર ગોઠવાઈ. સતીશ આજે મૂડમાં હતો પણ એને આજે સાત વર્ષ પછી એની પત્નીને દગો કરવા જઈ રહ્યો હોય એ વિચાર એના દિમાગમાં ક્ષણિક આવ્યો, એના ચહેરા ઉપરના ભાવ તાન્યા વાંચી ગઈ હોય એમ એને આડવાત કરતા કહ્યું.

“સર કોફી હું પણ સરસ બનાવું છું.”

સતીશ એના અપરાધભાવ વિચારોમાંથી બહાર આવ્યો, એને મન તો ભાવતું હતું ને વૈદે કહ્યું એવી વાત થઇ, તાન્યા ફ્લેટમાં એકલી રહેતી હતી અને ઉપરથી કોફીનો પ્રસ્તાવ સતીશના દિમાગમાં ચાલતી આગમાં ઘી હોમી દીધું.

“સ્યોર વ્હાય નોટ.” કહેતા એને કાર તાન્યાના ઘર તરફ દોડાવી..

તાન્યાના ઘરથી થોડે દુર પહોંચતા તાન્યાએ એક શોપ પાસે કાર ઉભી રાખવા કહ્યું અને ધોધમાર વરસાદ ચાલુ થઇ ગયો.

“પાંચ મીનીટમાં આવું.” કહેતા તાન્યા પલળતી પલળતી ઉતાવળે શોપના પગથીયા ચડી ગઈ, કારમાં બેઠા સતીશના દિમાગમાં કામણના કુંપળો ફૂટી રહ્યા. શીત વાતાવરણને ગરમ કરવા સતીશે કારના ડેસ્કમાં લાગેલ મ્યુજિક પ્લેયરમાં સોંગ સિલેક્ટ કરી પ્લે નું બટન દબાવ્યું. તાન્યા પલળતી પલળતી આવી પહોંચી, તાન્યાના હાથમાં બ્લેક પ્લાસ્ટીકની થેલીમાં નાનું પાર્સલ હતું. એટલો ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો કે તાન્યા પગથી માથા સુધી પલળી ગઈ હતી,

પણ સતીશનું ધ્યાન એ પાર્સલ તરફ ન હતું એ સોંગ વાગવાની રાહ જોઈ રહ્યો. એક ક્ષણ માટે એને તાન્યા તરફ નજર કરી અને ગીત વાગ્યું..

“ભીગે હોઠ તેરે પ્યાસા દિલ મેરા...”

તાન્યાએ પાર્સલ કારની ડેસ્ક ઉપર મુક્યું અને ગીત ન સાંભળતી હોય એવો ડોળ કરતા સીટ પર બેસી ગઈ,

“ચાલો સર.”

ધીમા આવજે ગીત વાગી રહ્યું, કાર ચલાવતા ચલાવતા સતીશની નજર તાન્યાના ખુલ્લા વાળમાંથી પ્રસરી રહેલ પાણી ઉપર હતી. ગુલાબી કલરના ટાઈટ વનપીસમાંથી તાન્યાના વક્ષસ્થળના સફેદ આંતરવસ્ત્રો ધૂંધળા દેખાઈ રહ્યા, ખુલ્લા વાળમાંથી ટપકતું પાણી હડપચી ઉપરથી નીતરી એના વક્ષસ્થળ તરફ પ્રયાણ કરી રહ્યું જે સતીશના દિમાગમાં ચાલતા કામદેવને જગાડી રહ્યું. સતીશની નજર ડેસ્ક ઉપર પડેલા પાર્સલ ઉપર પડી, તાન્યા જે ફ્લેટમાં રહેતી હતી એ બિલ્ડીંગના પાર્કિંગમાં કાર પાર્ક કરી, સતીશ કારની ડેસ્ક ઉપર પડેલું પાર્સલ ઉઠાવવા જતો હતો અને તાન્યાએ ઉતાવળે પાર્સલ ઉઠાવી લીધું..

“શું છે આમાં?” સતીશે ઉત્સુકતાવસ પૂછ્યું.

“તમારા માટે ચોકલેટ છે સર” એમ કહેતા તાન્યા હસી પડી.

તાન્યા બિલ્ડીંગના પગથીયા ચડવા લાગી, સતીશ કાર લોક કરી તાન્યાની પાછળ પગથીયા ચડવા લાગ્યો. સતીશની નજર આગળ પગથીયા ચડી રહેલી તાન્યાના નિતંબ ઉપર પડતા જ એની અંદર જાગેલો કામદેવ થનગનવા લાગ્યો. તાન્યાએ બીજા માળે આવેલા એના ફલેટનો દરવાજો ખોલ્યો અને સતીશને અંદર આવવા કહ્યું. સતીશ પહેલી વાર તાન્યાના ઘરમાં ગયો હતો, એ એના ઘરને કુતુહલવસ જોઈ રહ્યો હતો અને તાન્યાએ કહ્યું.

“સર હું જરા ફ્રેશ થઇ જાઉં? પૂરી પલળી ગઈ છું. પછી કોફી બનાવું”

“આમ તો તું પલળેલી વધારે સેક્સી લાગી રહી છો” સતીશ સ્વગત બબડ્યો, તાન્યાએ ટીવી ચાલુ કર્યું અને હાથમાં રીમોટ પકડાવી બાથરૂમમાં જતી રહી.

અધીરો બનેલો સતીશ ટીવી જોવાનો ડોળ કરવા લાગ્યો. ટીવી જોતા જોતા ફરી એને એની પત્ની ઉર્વશીનો વિચાર આવ્યો, ટીવી જોતોં જોતા એને ત્રણ ચાર ચેનલ બદલી નાખ્યા અને એ સ્વગત બબડ્યો..

“અરે! ઋષિમુનીઓના તપ પણ કામણ કાજે જ તો ભંગ થયા હતા! તું મુજ પામરની શું વિસાત! અને મારે ક્યાં બળજબરી કરવી છે?” એમ વિચારી એ ઉર્વશીના વિચારોમાંથી બહાર આવ્યો.

પાંચ મિનીટ પછી તાન્યા ટોવેલમાં બાથરૂમમાંથી બહાર નીકળી.

સતીશ રીમોટ સોફા ઉપર મૂકી તાન્યાને જોઈ રહ્યો. જયારે તાન્યા બિંદાસ્ત ટોવેલમાં બાથરૂમમાંથી રસોડા તરફ ગઈ અને થોડીવારમાં કોફી લાવી. સતીશ કોફીનો કપ ઉઠાવવા જતો હતો ને એના ફોનની રીંગ વાગી, તે સતીશની પત્ની ઉર્વશીનો ફોન હતો. સતીશે ફોન ઉઠાવતા પહેલા તાન્યા તરફ જોઈ હાથ ઉંચો કરી તાન્યાને સચેત કરી ફોન ઉઠાવ્યો..

“હા ઉર્વશી.”

“સતીશ આજે હું ઓફીસેથી મારી ફ્રેન્ડ સાથે ખરીદી કરવા જઈ રહી છું તો થોડું મોડું થઇ જશે.” સામેથી ઉર્વશીએ કહ્યું.

“ઓકે નો પ્રોબ્લેમ ડીયર હું પણ જરા કામમાં છું તો થોડો લેટ આવીશ,”

“ઓકે” કહેતા ઉર્વશીએ ફોન કટ કર્યો અને સતીશને બીજી વાર ભાવતું હતું અને વૈદે કહ્યું હોય એવા ભાવ એના ચહેરા ઉપર આવી ગયા..

સતીશની પત્ની ઉર્વશી એક સરકારી ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી હતી. આજે ઉર્વશીને સાત વર્ષ પછી એનો જુનો પ્રેમી ભાવેશ મળવા આવ્યો હતો, ઉર્વશીને આજે ભાવેશ સાથે વાતો કરવી હતી એટલે એ સાત વર્ષમાં પહેલી વાર સતીશ પાસે ખોટું બોલી હતી, જોકે સતીશ એના જુના પ્રકરણ વિષે જાણતો હતો પણ એ ઉર્વશીનું ભૂતકાળ હતું એટલે સતીશે ઉર્વશીને એના ભૂતકાળ સાથે સ્વીકારી હતી. આજે ઘણા વર્ષ પછી ભાવેશ ઓસ્ટ્રેલીયાથી અહિ આવ્યો હતો. ઉર્વશીને ફોન કરીને મળવા આવ્યો હતો. આજે ઉર્વશીને પણ સતીશ પાસે ખોટું બોલ્યાનો અપરાધભાવ ખાઈ રહ્યો હતો, પણ સાત વર્ષના લાંબા અંતર પછી ભાવેશ મળ્યો હતો માટે એને મન મારી લીધું હતું. ભાવેશ ઉર્વશીને એની કારમાં બેસાડી ફરવા લઈ જવાનો હતો.

ઉર્વશી ભાવેશ સાથે ફરી રહી હતી પણ એનું મન તો જાણે સતીશ સાથે દગો કર્યો હોવાના અપરાધભાવથી પીડાઈ રહ્યું હતું.

“કમ ઓન ઉર્વશી! હું સાત વર્ષ પછી તને મળવા આવ્યો છું, પ્લીઝ મને એક બે કલાક તો આપ.”

“ભાવેશ આફ્ટર ઓલ આઈ એમ અ મેરેડ વુમન!”

“ઓહ! ડીયર આઈ ઓલ્સો! પ્લીઝ બી મેન્ટલી પ્રેઝેન્ટ!”

“આઈ વિલ ટ્રાય ભાવેશ! બટ આઈ કાન્ટ.”

“ઓકે ડીયર આઈ વિલ ટ્રાય ટુ કો-ઓપરેટ.”

ભાવેશે એના માથા ઉપર કિસ કરતા કહ્યું.

ત્યારબાદ ભાવેશ એને હોટલ ઉપર લઇ ગયો જ્યાં એ રોકાયો હતો. ગભરાયેલી ઉર્વશીના દિમાગમાં આજે ઘમાસાણ મચ્યું હતું એ એના ભૂતપૂર્વ પ્રેમીને કો ઓપરેટ કરવા કોશિષ કરી રહી. ફરી એ એના પતિના વિચારોમાં ખોવાઈ હતી અને ભાવેશે હોટલ રૂમનો દરવાજો બંધ કરતા કહ્યું.

“ચીલ યાર ઉર્વશી! હું અહી ફક્ત તને મળવા માટે જ આવ્યો છું, બસ તને મળીને હું અહીંથી ચેક-આઉટ કરીને જતો રહીશ, ફરી ક્યારે આવીશ એ મને ખબર નથી. આ તો બિજનેસ ટુર માટે ઇન્ડિયા આવવાનું થયું, અહી સુધી આવું અને તને નાં મળું એવું બને?”

કહેતા ભાવેશે ઉર્વશીને આલિંગનમાં લીધી. વરસાદમાં વીજળીના ચમકારા અને ગર્જના હોટલ રૂમમાં આવી રહી. સુસવાટા સાથે પવન ફૂંકાયો અને ભાવેશે હોટલ રૂમની બારી બંધ કરી..

અને હોટલ રૂમની લાઈટ પણ.

હજુ હમણાં થોડા સમય પહેલા ઉર્વાસીએ સતીશને ફોન ઉપર એ મોડી આવશે એવું કહ્યું હતું, એ સમયે તાન્યાના રૂમ ઉપર સતીશે ફોન ઉપર ઉર્વશી સાથે વાત પૂરી કરી અને ફોન સ્વીચ ઓફ કરી સોફા ઉપરફેંક્યો હતો અને ત્યારે તાન્યાએ કોફીનો કપ ઉઠાવતા પૂછ્યું.

“સર કોઈ પ્રોબ્લે છે?”

“ના કોઈ પ્રોબ્લેમ નથી, આજે કોઈ ખલેલ ન જોઈએ એ માટે સ્વીચ ઓફ કર્યો.” એમ કહેતા સતીશે કોફીની છેલ્લી ચૂસકી મારી અને તાન્યા કપ ઉઠાવી રસોડા તરફ જતી રહી, થોડી વારમાં તાન્યા પ્લાસ્ટીકની થેલીમાં પેક કરેલું પાર્સલ લાવી એમાંથી પેકેટ કાઢી બેડ ઉપર ફેંકતા કહ્યું.

“આ ચોકલેટ તમારા માટે.”

“સતીશ એ કોન્ડમના પેકેટને જોતો રહ્યો અને તાન્યાએ એના શરીર ઉપર એકમાત્ર વસ્ત્ર ટોવેલ હતું તે ધીરે ધીરે હટાવવા લાગી. અને એક વીજળીના ચમકારા સાથે લાઈટ ચાલી ગઈ.

*****

વરસાદ થોભી ગયો હતો, ઠેર ઠેર નદી નાળા ભરાઈ ગયા હતા,વરસાદી વાતાવરણ પણ ધીરે ધીરે સ્ખલિત થઇ રહ્યું. રસ્તે ચાલતા માણસો છત્રી અને રેઇન કોટ સંકેલી રહ્યા, ભાવેશ સાથે કારમાં બેઠેલી ઉર્વશી ઘડીએ ધડીએ એના ચહેરા ઉપર હાથ ફેરવી રહી હતી. એ એના વાળ સરખા કરી રહી, ભાવેશ ઉર્વશીને એના ઘરથી થોડે દુર ઉતારી અને જતો રહ્યો. અને ઉર્વશી એક અપરાધભાવ સાથે ઘરે પહોંચી પર્સ એક તરફ ફેંક્યું હાથમાં રહેલો મોબાઈલ ટીપોય ઉપર સરકાવ્યો અને સોફા ઉપર તંદ્રાવસ્થામાં જતી રહી. એક કલાક પછી ડોરબેલ વાગી, સતત ત્રણ ચાર વખત ડોર બેલ વાગી પણ ઉર્વશી જાણે રબ્બરનું પુતળું બની ગઈ હતી. અને થોડી વારમાં ટીપોય ઉપર પડેલો મોબાઈલ રણક્યો. મોબાઈલની રીંગ અને વાઈબ્રેશનથી ઉર્વશી સફાળી જાગી ગઈ અને ડિસ્પ્લે ઉપર નજર કરી તે સતીશનો કોલ હતો, ફોનની ત્રણ રીંગ વાગી ત્યાં સુધી ઉઠાવી ન શકી, ધ્રુજતા હાથે ઉઠાવવા જતી હતી ત્યાં ફરી ડોરબેલ વાગી અને ઉર્વશી ચોંકીને દરવાજા તરફ દોડી, દરવાજો ખોલ્યો તે સતીશ હતો. દરવાજા ઉપર સતીશને આવેલો જોઈ એને દીવાલ ઘડિયાળ ઉપર નજર કરી. અને સતીશે કહ્યું.

“આટલી વાર હોય? ક્યારનો બેલ વગાડું છું.”

ઉર્વશી કશો જવાબ આપ્યા વગર વિચારમાં પડી ગઈ એને પ્રશ્ન થયો હતો કે એ એક કલાક સુધી તંદ્રાવસ્થામાં હતી? એને પહેલી વાર સતીશને જવાબ આપવા વાક્યો ગોઠવવામાં વાર લાગી હોય એમ કહ્યું..

“હું હમણાં જ આવી ને ઝોંકુ આવ્યું ને તું આવ્યો, થાકી ગઈ હતી, આજે મારી ફ્રેન્ડે ચલાવી ચલાવી ને થકવી દીધી.” સાત વર્ષના લગ્ન જીવનમાં પહેલીવાર ઉર્વશીને સતીશ સામે ખોટું બોલવા શબ્દો ગોઠવવા પડ્યા, વધારે શબ્દો ન ગોઠવવા પડે એ માટે એ ટોવેલ ઉઠાવી બાથરૂમ તરફ જતી રહી. સતીસ બેગ સોફા ઉપર મૂકીને કોમન બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો. ઉર્વશી નાહતા નાહતા એના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવતા બાથરૂમમાં લાગેલ આદમકદના અરીસાને જોઈ રહી, આદમકદનો અરીસો આજે ભેજયુક્ત વાતાવરણના કારણે એને ધૂંધળો લાગી રહ્યો, અરીસામાં એને એની આકૃતિમાં ધૂંધળું ધૂંધળું ઘઉંવર્ણ શરીર જોવાતું હતું, એને એનો હાથ ઉંચો કરીને અરીસામાં દેખાતા એના ચહેરા ઉપર હાથ ફેરવ્યો, એને અરીસામાં ચહેરો દેખાય એટલો સાફ કર્યો, પોતાના ચહેરા તરફ ક્ષણિક નજર કરી એને એનો ચહેરો નીચે પાણીથી ભરેલી બાલદી તરફ કરી દીધો, બાલદીમાં રહેલું કમડળ ઉઠાવી પાણી ભર્યું એની હથેળીમાં પાણી ભર્યું અને પાણીની એક છાલક એને અરીસા ઉપર સાફ થયેલા ભાગ ઉપર મારી, એને વિચાર્યું કે એ અરીસો ફરી ધૂંધળો થઇ જાય પણ અરીસા ઉપર લાગેલી છાલકથી અરીસા ઉપર લાગેલું પાણી નીચે સરકવા લાગ્યું અને અરીસો વધારે સાફ થઇ ગયો, હવે એને એનું પૂરું શરીર અરીસામાં સાફ દેખાઈ રહ્યું. હવે એ ખુબ ઉતાવળે નાહવા લાગી, એ અરીસો એને ખાઈ જશે એવો ડર એને લાગવા લાગ્યો, બહાર આવી બેડરૂમના કપબોર્ડમાંથી નાઈટ ડ્રેસ ખેંચીને પહેરી લીધો. કપબોર્ડ બંધ કરતી વખતે ફરી કપબોર્ડનો અરીસો સામે આવ્યો, એને ખબર પણ ન હતી કે સતીશ ફ્રેશ થઈને બેડરૂમમાં ઊંઘી ગયો હતો કે ઊંઘી જવાનો ડોળ કરી રહ્યો હતો. કપબોર્ડના અરીસા ઉપર એને પડદો સરકાવ્યો અને બરાબર એની પાછળ સુતેલા સતીશને પૂછ્યું.

“કેમ સતીશ જમવું નથી?” જયારે ઉર્વશી પોતે ભાવેશ સાથે હોટલ રૂમમાં જમીને આવી હતી. અને સતીશ તાન્યા સાથે,,

સતીશે ઊંઘમાં હોય એ રીતે ડોળ કરતા જવાબ ન આપ્યો ફરી ઉર્વશીએ સતીશની પીઠ ઉપર હાથ રાખતા પૂછ્યું.

“સતીશ જમવું નથી?”

સતીશ આંખ ચોળતો બેઠો થયો.

“દાળભાત અને રોટલી બનાવ, જો થાકી ન ગઈ હો તો, નહી તો પાર્સલ મંગાવી લઈએ.”

આવા સમયે સતીશ બહાર જમવાનું કહેતો પણ આજે સતીશે પહેલીવાર પાર્સલ મંગાવવાની વાત કરી પણ ઉર્વશીને એ બાબતે વિચાર પણ ન આવ્યો કે સતીશ પાર્સલ મંગાવવાનું શા માટે કહે છે! ઉર્વશી રસોડા તરફ ગઈ અને થોડીવારમાં દાળ ભાત અને ભાખરી બનાવી ડાયનીંગ ટેબલ ઉપર ગોઠવી સતીશને કહ્યું.

“સતીશ જમવાનું તૈયાર છે.”

“આજે મમ્મીને ફોન કરીને રાહુલને અહી બોલાવી લઈએ, કંટાળો આવે છે, રાહુલ વગર ઘર સુનું સુનું લાગે છે અને હવે તો વેકેસન પણ પૂરું થવા આવ્યું.” સતીશે વોશબેસીન તરફ જઈ હાથ મોઢું ધોઈ મોં લૂછતાં લૂછતાં કહ્યું.

“હા જમી લઈએ પછી ફોન કરું.” ડાયનીંગચેર ઉપર બેસતા ઉર્વશીએ કહ્યું.

અને બંને જમી અને બેડ રૂમમાં જઈને ઉંધી ગયા. સતીશ રોજ જમ્યા પછી અડધો કલાક ન્યુજ જોવા બેસતો પણ આજે પહેલીવાર એનું આ વર્તન ઉર્વશીને ધ્યાને ન ચડ્યું, બંનેની વચ્ચે અસ્તવ્યસ્ત પડેલી ચાદર રોજ ઉર્વસી સંકેલીને મુકતી, આજે એ ચાદર બંનેની વચ્ચે પડી હતી બંને પડખું ફેરવી સુઈ રહ્યા, સતીશને ઊંઘમાં જોઈ ઉર્વશીએ શાંતિનો શ્વાસ લીધો, કેમ કે આજે સતીશે પણ સહસયન માટે કોઈ પ્રતિક્રિયા ન આપી, બેડ ઉપર જયારે આડી પડી ત્યારે એને એજ ચિંતા ખાઈ રહી હતી કે એ સહસયન સમયે સતીશને ન્યાય આપી શકશે કે નહી!

બેડ ઉપર ઊંઘનો ડોળ કરતા સતીશના દિમાગમાં એજ ઘમાસાણ ચાલી રહ્યું હતું કે સારું થયું આજે ઉર્વશી થાકી ગઈ છે અને એ કારણે જ ઉર્વશીએ સહસયન માટે સંકેત ન આપ્યો હોય. ઉર્વશી પણ એના પાંચ વર્ષના બાળક રાહુલ સાથે ફોન ઉપર વાત કરીને ઊંઘી ગઈ.

***

સતીશને વહેલી સવારે આઠ વાગ્યે ઓફીસ માટે નીકળવાનું હતું માટે એ જાતે ચા નાસ્તો કરીને નીકળી ગયો જયારે ઉર્વશીને નવ વાગ્યે. આજે પહેલી વાર એવું થયું હતું કે સતીશ ઉર્વશીને જગાડ્યા વગર ઓફિસે જતો રહ્યો. ઉર્વશી સવારે ઓફિસે નીકળતી વેળાએ સતીશને ફોન કર્યો.

“કેમ સતીશ મને જગાડ્યા વગર જતો રહ્યો.”

“અરે ડીયર તું ઊંઘમાં હતી અને થાકી ગઈ હતી, માટે તને ડીસ્ટર્બ ન કર્યો.”

“ઓકે ડીયર. હું તને કહેવાનું ભૂલી ગઈ હતી, રાત્રે રાહુલને ફોન કર્યો હતો ત્યારે તું ઊંઘમાં હતો. આજે રાત્રે પપ્પા રાહુલને મુકવા આવી રહ્યા છે.”

“ઓકે ડીયર કહેતા સતીશે ફોન કટ કર્યો.”

ઉર્વશીએ ઘરને તાળું માર્યું અને બહાર નીકળી ત્યાં એના ફોનની રીંગ વાગી તે ભાવેશનો ફોન હતો.

“હેલ્લો.” ઉર્વશીએ ફોન ઉઠાવતા કહ્યું.

“હેલ્લો ઉર્વશી મેં આજે ચેક-આઉટ નથી કર્યું, હું આજે રોકાયો છું, સાંજે મળીએ?”

“નો... નો. નો.. સોરી ટુ સે બટ હવે તું આવી રીતે મને બીજીવાર મળવા નહી આવતો પ્લીઝ.”

“અરે ડીયર પણ શું થયું?”

“કશુજ નહી, તને ભૂતકાળમાં મેં કરેલા પ્રેમની સોગંધ છે જો આવી રીતે તું બીજીવાર મને મળવા આવ્યો તો.”

એટલું કહી ઉર્વશીએ ફોન કટ કર્યો અને ભાવેશના બંને નંબર એને બ્લોક લીસ્ટમાં મૂકી દીધા અને એ રીક્ષામાં બેસી ગઈ.

કેબીનમાં બેઠા સતીશના દિમાગમાં અત્યારે કશુક ઘડાઈ રહ્યું હતું છેલ્લા બાર કલાકમાં એ પોતાને બેલેન્સ નહોતો કરી શકતો એવી એને અનુભૂતિ થઇ, સતીશની નજર ટેબલ ઉપર પડેલા ન્યુજ પેપર ઉપર પડી, એને ન્યુજ પેપરની હેડ લાઈન વાંચી.

“સહકર્મચારી સાથે અનૈતિક સંબંધ ધરાવતા પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીનું કાસળ કાઢ્યું.”

ન્યુજ પેપર નજીક લઈ એને સેકન્ડ હેડ લાઈન વાંચી

“પતિના અનૈતિક સંબંધોને પગલે ત્રણ વર્ષનું બાળક થયું નમાયું.”

પુરા ન્યુજ વાંચવાની સતીશની હિંમત ન થઇ, એ મનોમન વિચારવા લાગ્યો. શું ઉર્વશીએ મારી સાથે આ પ્રકારે વિશ્વાસઘાત કર્યો હોય તો હું એને માફ કરતો? બીજી ક્ષણે એને ગુસ્સામાં ન્યુજ પેપર ટેબલ ઉપર ફેંક્યું

ટેબલ ઉપર પડેલો એનો ફોન ઉઠાવ્યો, બેંગ્લોર સ્થિત એની ઓફિસની મુખ્ય કચેરીએ ફોન લગાવ્યો અને કંપનીના મેનેજીંગ ડીરેક્ટર સાથે વાત કરી.

અડધો કલાક પછી એને ઇન્ટરકોમ ઉપર તાન્યાને ફોન કરી ઓફિસમાં બોલાવી. ગણતરીની મિનીટમાં તાન્યા એની સામેની ચેર ઉપર આવીને બેસી ગઈ. આજે સતીશને

“મેં આઈ કમ ઇન સર?”

જેવું વાક્ય સાંભળવા ન મળ્યું જે સાંભળીને એનો દિવસ પસાર થતો. સતીશનું ધ્યાન ડેસ્કટોપ ઉપર હતું, પ્રિન્ટરમાંથી એક કાગળ ઉઠાવી એને એક કવરમાં પેક કર્યું અને એની સામે બેઠેલી તાન્યા તરફ લંબાવ્યું અને કહ્યું..

“અભિનંદન તાન્યા!”

“કેમ સર? કઈ ખુશીમાં?”

“અરે ગાંડી તારું પ્રમોશન થયું છે, હવે તું સેક્રેટરી નહી મારી જેમ બ્રાંચ મેનેજર બનવા જઈ રહી છે, એ પણ બેંગ્લોર જેવી મેગા સિટીમાં ”

તાન્યા ચેર ઉપરથી ઉભી થઇ ગઈ, એના બંને હાથ હરખના માર્યા એના હોઠ ઉપર હતા, એની આંખોમાં હરખના આંશુ હતા, તાન્યા ગળગળી થઇ ગઈ અને બોલી.

“વોટ અ સરપ્રાઈઝ સર! આ તમે?”

“ના મેં કશી ભલામણ નથી કરી, રૂટીન પ્રમોશન છે, હમણાં જ મેઈલ આવ્યો છે, જો એકવાર વાંચી લે. અને કાલે રાત્રે તારે બેંગ્લોર માટે નીકળવાનું છે.”

“સર, સર, સર,... તાન્યા કશું બોલવા જઈ રહી હતી અને વચ્ચે સતીશે કહ્યું..

“તાન્યા આજે મારો છોકરો રાહુલ આવી રહ્યો છે, એના માટે મારે કશી ગીફ્ટ લેવા જવું છે, બેંગ્લોર પહોંચીને મને ફોન કરજે, અને હા પાર્ટી બાકી રહેશે.”

“નાં સર આજે જ.”

“આજે નહી ફરી ક્યારેક, આજે મારા પપ્પા પણ આવી રહ્યા છે..ઓકે? ફરી ક્યારેક..અગેઇન કોન્ગ્રેચ્યુલેસ્ન તાન્યા.” કહેતા સતીશે તાન્યા સાથે હાથ મિલાવ્યો અને ઓફીસથી બહાર નીકળી ગયો

“ગાંડી હવે તારી પાર્ટી પણ નાં જોઈએ , પ્રમોશનનું કારણ શોધવા શંકા ન કરે એ માટે સામેથ પાર્ટી માંગી” સતીશ સ્વગત બબડતા પગથીયા ઉતરી ગયો.

નીચે આવી એને પાનના ગલ્લા ઉપર એક સિગરેટ સળગાવી.”

================

સમાપ્ત..

-નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED