રહસ્યના આટાપાટા - ભાગ 7 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યના આટાપાટા - ભાગ 7

સૂરજથી ભાગતો અંધકાર સાંજ ઢળતાં માથું ઊંચકવા લાગ્યો હતો. ચંદ્ર વાદળની ચાદર પાછળ અલોપ થઈ ગયો હતો અને શેરીઓમાં ધુમ્મસ ફરી વળ્યું હતું. થાંભલા પર લટકી રહેલા ફાનસ ચામડી પર પડેલા લાલ ચકામાની જેમ પોતાની હાજરી પૂરાવતા હતા. પવન એટલો ઠંડો હતો કે તેનો સ્પર્શ ટાંકણીની જેમ ચૂભે ; પણ ઠંડી અને અંધકાર છતાં શહેરની ચહલપહલ અટકી ન હતી, અવિરત ધબકતા હ્રદયની જેમ તે ધબકી રહી હતી.

ત્યારે અટરસનના ઘરમાં પૂરતો ગરમાવો હતો. ભઠ્ઠીમાં સળગતી આગની રોશનીથી રૂમના ખૂણામાં ગોઠવાયેલી વાઇનની બૉટલો ભપકાદાર લાગતી હતી. અટરસન પોતાના હાથ શેકતો હતો અને સામે એક પુરુષ બેઠો હતો. તે માણસ અટરસનનો મુખ્ય કારકુન હતો જેને તેણે વિચાર વિમર્શ કરવા બોલાવ્યો હતો.

અટરસન આ માણસથી ભાગ્યે જ કંઈ છુપાવતો, માટે તે, જેકિલ અને (જેકિલના નોકર) પોલને સારી રીતે ઓળખતો હતો. તે જેકિલ અને હાઇડના સંબંધો વિશે પણ જાણતો હતો. (આ વિશે તેને અટરસને જ જણાવ્યું હતું.) વળી, તે બધા પાસાનો વિચાર કરીને સલાહ આપતો, માટે તેની સલાહ લઈ આગળ વધવામાં જોખમ ન હતું. ઉપરાંત, તે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ (અક્ષરવિશેષજ્ઞ) હતો ; માટે, કોઈ પણ બે લખાણને જોઈ તે એક જ વ્યક્તિએ લખ્યું છે કે અલગ અલગ વ્યક્તિએ, તેમાં શું સામ્યતા અને ભેદ છે, તે એકસાથે લખાયું છે કે ટુકડે ટુકડે વગેરે અનેક બાબતો કહી શકતો.

“ડેન્વર્સ કેર્યું સાથે જે બન્યું તે દુ:ખદ અને વખોડવાલાયક છે.” અટરસને શરૂ કર્યું.

“સાચી વાત છે. આ ઘટનાથી લોકોમાં પ્રશાસન પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. જો શહેરમાં કેર્યું જેવો પહોંચેલો માણસ જ સલામત ન હોય તો સામાન્ય માણસનું શું ગજું ? જોકે, મેં સાંભળ્યું છે કે જેણે આ ગુનો કર્યો છે તે પાગલ કે વિકૃત જેવો છે.”

“એ બાબતે સલાહ લેવા જ મેં તને બોલાવ્યો છે. પણ, હું તને જે કહું તે આપણી વચ્ચે જ રહેવું જોઈએ, હોં કે !”

“હા ચોક્કસ.” કારકુને ગંભીર થઈ કાન સરવા કર્યા.

“મારી પાસે એક કાગળ છે જે હત્યારાએ પોતાના હાથે લખ્યો છે. નીચે તેના હસ્તાક્ષર પણ છે. હવે, મારે તેનું શું કરવું તે સમજાતું નથી.”

આ સાંભળી કારકુન ચમક્યો. પછી અટરસને પત્ર આપતાં તે તેને ધીરજ તથા એકાગ્રતાથી વાંચવા લાગ્યો. થોડી વારે અટરસનનો નોકર અન્ય ચિઠ્ઠી લઈને હાજર થયો. કારકુને નજર ઊંચકીને જોયું, તેની નજર ચિઠ્ઠીના અક્ષરો પર પડી અને તેણે પૂછ્યું, “ડૉ. જેકિલની ચિઠ્ઠી છે ને ? જો ચિઠ્ઠીમાં અંગત વાત ન હોય અને તમને વાંધો ન હોય તો મને તે આપો.”

“અંગત તો કંઈ નથી. તેણે મને જમવા માટે આમંત્રણ આપ્યું છે.” એમ કહી અટરસને આવેલી ચિઠ્ઠી મહેમાનના હાથમાં મૂકી.

હવે કારકુન, જેકિલ અને હાઇડે લખેલી ચિઠ્ઠીઓને પાસપાસે રાખી તેનો અભ્યાસ કરવા લાગ્યો. બંનેના અક્ષરોની તુલના કરતો તે થોડી વાર ચુપચાપ બેસી રહ્યો.

અટરસનની ધીરજ ખૂટી રહી હતી. “શું થયું ?” તેણે પૂછ્યું.

“સાંભળવામાં વિચિત્ર લાગશે પણ, હાઇડ અને જેકિલની ચિઠ્ઠીમાં ઘણા અક્ષરો સરખા છે. મને તો આ બંને ચિઠ્ઠીઓ એક જ માણસે લખી હોય એવું લાગે છે.”

“જો તું કહે છે તે સાચું છે તો...”

“તો હેન્રી જેકિલે હત્યારાને બચાવવા આ ચિઠ્ઠી લખી છે !”

કારકુનનું તારણ સાંભળી અટરસનના શરીરમાંથી ધ્રૂજારી પસાર થઈ ગઈ, પણ બીજી જ પળે સ્વસ્થતા ધારણ કરી બોલ્યો, “જોજે, આ વિશે કોઈને કહેતો નહીં. ન તો તું કંઈ જાણે છે, ન તો હું...”

“હમ્મ.” કારકુન માથું ધુણાવી રવાના થયો અને અટરસને ચિઠ્ઠી પોતાની તિજોરીમાં મૂકી.

સમય વીતવા લાગ્યો. સર ડેન્વર્સ કેર્યુંના અપમૃત્યુના વળતરરૂપે સરકારે હજારો પાઉન્ડ ચૂકવવાની તૈયારી બતાવી હતી, પણ જનતાનો વિરોધ શમ્યો ન હતો. લોકોનો અસંતોષ, હાઇડ પકડાય અને તેને આકરી સજા થાય તો જ દૂર થાય તેમ હતો. પણ, હાઇડ એવો ગુમ થયો હતો જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ન હોય. આમેય તેના ભૂતકાળ વિશે કોઈ જાણતું ન હતું. ભલે તેને મળનાર દરેક વ્યક્તિને તે ક્રૂર, નીચ, હિંસક અને કઠોર લાગ્યો હતો ; હાઇડને જોતાં જ તેમને નફરતની લાગણી જન્મી હતી, પરંતુ તેની વર્તમાન સ્થિતિ વિશે કોઈ જાણતું ન હતું. હત્યાની રાત્રે પુરાવાઓનો નાશ કરી, પોતાના સોહોના મકાનમાંથી તે નાસ્યો તે નાસ્યો, પછી ક્યાંય દેખાયો જ ન હતો. સર ડેન્વર્સ કેર્યુંની હત્યાની કીમત તેને પોતે અદ્રશ્ય થઈને ચૂકવવી પડી હતી. જોકે આ વાતથી બે ફાયદા થયા હતા ; એક, અટરસનનો ભય અને ચિંતા ઓછા થયા હતા, બીજું, જેકિલ નવેસરથી જીવન જીવવા લાગ્યો હતો. જાણે માથા પર નાચતી ભૂતાવળ તંત્ર મંત્રથી શ્રીફળે પૂરાઈ હોય તેમ તે એકલતામાંથી બહાર આવ્યો હતો. હવે તે, મિત્રો અને સંબંધીઓ સાથે હળતો ભળતો થયો હતો, મહેમાનો સાથે ગપ્પા લડાવી મનોરંજન મેળવતો થયો હતો, જે ધર્મ સાથે તેણે છેડો ફાડી નાખ્યો હતો તેમાં ફરી જોડાયો હતો અને મોટાપાયે દાન-ધર્માદો કરવા લાગ્યો હતો. વર્ષોથી અંધારકોટડીમાં પૂરાયેલો માણસ બહાર આવી ખુલ્લી હવામાં શ્વાસ લે અને તેના ચહેરા પર સ્વતંત્ર થયાની તાજગી ફરી વળે તેવો આનંદ અને હળવાશ જેકિલના ચહેરા પર દેખાવા લાગ્યા હતા. તેના ચહેરાની ચમક જોઈને સ્પષ્ટ લાગતું હતું કે તેના જીવનમાં શાંતિ પાછી ફરી છે.

પછી, 8મી જાન્યુઆરીની સાંજે જેકિલે એક નાનકડી પાર્ટીનું આયોજન કરી લેનીયન અને અટરસનને જમવા બોલાવ્યા. ખાસ્સા સમયથી વિખૂટી પડી ગયેલી ત્રિપુટીએ તે રાત્રે મહેફિલ જમાવી અને જૂના દિવસો પાછા ફર્યા. પણ પછી શું થયું તે બે ત્રણ દિવસમાં જ જેકિલનું વર્તન બદલાયું ; 12મી અને 14મી તારીખે અટરસનને જેકિલના ઘરમાં પ્રવેશ જ ન મળ્યો. “ડૉક્ટર કોઈને મળવા માંગતા નથી, તમને પણ નહીં.” પોલે કહ્યું. 15મી તારીખે અટરસન ફરી જેકિલના ઘરે ગયો પણ ત્યારે ય દરવાજેથી પાછાં ફરવું પડ્યું.

ચાર દિવસમાં ત્રણ ધક્કા થતાં અટરસન વિચારવા લાગ્યો, ‘જેકિલે પોતાની જાતને મકાનમાં કેદ કેમ કરી લીધી છે ? શું તે ફરી મુસીબતમાં મૂકાયો છે કે પછી બીજું કારણ છે ? જે પણ હોય, તેને રોકવામાં નહીં આવે તો તે પહેલા જેવું એકલવાયું જીવન જીવવા લાગશે !’ પછીના દિવસે તો તેના ઘરે મહેમાન આવવાના હોવાથી તે નીકળી ન શક્યો, પરંતુ ત્રીજા દિવસે લેનીયન પાસે ગયો. તેને એમ કે લેનીયન સાથે જેકિલ બાબતે ચર્ચા કરી હળવું થવાશે, પણ ત્યાં તો તેને નવો જ ઝાટકો લાગ્યો. જાણે મરવા પડ્યો હોય તેમ લેનીયનનું શરીર લેવાઈ ગયું હતું, ફૂલગુલાબી ચહેરો ફિક્કો પડી ગયો હતો, આંખોનું તેજ હણાઈ ગયું હતું, પાંચ સાત દિવસમાં જ બધા વાળ ખરી ગયા હોય તેમ તે ટાલિયો થઈ ગયો હતો અને સાવ ઢીલોઢફ દેખાતો હતો.

‘હજુ 8મી તારીખે મળ્યો ત્યારે તો લેનીયન સ્વસ્થ હતો, આ એક જ અઠવાડિયામાં શું થઈ ગયું ? શું તેને કોઈ જીવલેણ બીમારી લાગુ પડી છે કે બહારથી ઉપાધિ આવી પડી છે ? તેને કોઈનો ભય તો નથી ને ?’ થોડા જ દિવસનો મહેમાન હોય તેવા લેનીયનને જોઈ અટરસનના મનમાં અનેક પ્રશ્નો જન્મ્યા.

ક્રમશ :