Roshan have kono books and stories free download online pdf in Gujarati

રોશન હવે કોનો ?

રોશન હવે કોનો?

આશાની માએ આશાને નિંદરમાંથી જગાડી. સવાર ખીલી ઊઠી હતી. સૂરજના કિરણો ચારેકોર પ્રકાશ પાથરી રહ્યા હતાં. ‘ચાલ ઊભી થા આશા?’ માએ કહ્યું. આશા પોતાના મીઠા સ્વપ્નોની દુનિયામાંથી પાછી આ માણસોની વસ્તીમાં પહોંચી ગઈ હતી. તે આળસ મરડતી પલંગમાંથી બેઠી થઈ. જલ્દી જલ્દી તૈયાર થઈને તે નાસ્તો કરીને કૉલેજ તરફ નીકળી.

કૉલેજમાં આશાનું આ બીજું વર્ષ હતું. આશા ખુલ્લાં વિચારોની નવી નવી બાબતોમાં રસ ધરાવતી છોકરીઓમાંની જિજ્ઞાસુ છોકરી હતી. આશાની માને હવે આશા મોટી થઈ જતાં, તેના લગ્નની જ ચિંતા સતાવતી રહેતી.

વર્ષો પહેલાં આશાના જન્મ પહેલાં ચિંચવાડ ગામમાં તેના પિતા તેની માતાને પરણીને લઈ આવ્યા હતા. ગામમાં સૌથી વધુ ભણતર રમેશ મોહિતેનું જ હતું. ને તેમને થોડું ઘણું કાયદાનું પણ ભાન હતું. તેથીજ ત્યાંના ઘણાખરાં મામલાનો ફેસલો પણ તેઓ જાતે જ કરી નાંખતા. આખા ગામમાં કોઈને પણ મદદ કરવામાં મોખરે હતા.

રમેશ મોહિતેની તે ગામમાં ચાર એકર જમીન હતી. જે ફળદ્રુપ હતી. બાપ-દાદાઓની છેલ્લી જમાપુંજી કહી શકાય તેવી આ જમીન હતી. રમેશ જ્યારે સાવિત્રીને પરણીને આવ્યો ત્યારે સાવિત્રી તેના પતિ રમેશના આ મદદશીલ સ્વભાવથી ખાસ કંઈ ખુશ નહોતી. પણ તે કંઈ કહી ન શકતી.

સરકારની નવી વિકાસ યોજનાઓને કારણે ચિંચવાડ ગામમાં રસ્તા બનાવવાની યોજના પાસ થતાં ઘણીખરી જમીન પર તે રસ્તો ભરડો લઈ પોતાનું માથું કાઢી આગળ વધવાનો હતો. ગામમાં સૌથી ફળદ્રુપ જમીન રમેશની હોવાથી ઘણા ગામના બ્રાહ્મણો તથા ઊંચા સમાજના કહેવાતાં લોકો આ જમીન પડાવી લેવાની લાગમાં હતાં. રમેશ જાતીયતામાં ઊતરતી કક્ષાનો હતો. તેથી આ ઊંચા દરજ્જાના લોકોની આંખમાં તે સાપના કણાની જેમ ખટકતો હતો.

રમેશની જમીન રસ્તાની યોજનાની જમીનથી થોડી અંદર હતી. એક રાતે રમેશને સાવિત્રી જ્યારે ઘરમાં બેઠાં હતાં અને સાવિત્રી પોતાની એક વર્ષની બાળકી આશાને સુવડાવવાનો પ્રયત્ન કરતી હતી ત્યાંજ સરપંચના ચાર-પાંચ માણસો સીધાં ઘરમાં ઊતરી પડ્યાં. રમેશ પણ આ બધાને પોતાના ઘરમાં અચાનક સરી આવતાં જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો. તે કંઈ સમજે એ પહેલાંજ બે માણસો રમેશ પાસે આવ્યા... ‘ચાલ... સરપંચ સાહેબે તને બોલાવ્યો છે ચાલ જલ્દી...’ આ સાંભળી સાવિત્રી ખૂબ ડરી ગઈ. ‘આટલી મોડી રાતે સરપંચે તમને શું કામ બોલાવ્યા હશે?’ રમેશના પાડોશીઓ પણ આ માણસોને જોઈ ખૂબ ગભરાઈ ગયા હતા.

ગામમાં આભડછેટની પ્રથા કાયમ રાખી સત્તા ચાલી રહી હતી તેથી નીચલી જાતીના લોકો હંમેશા ભયમાં રહેતાં. કહેવા માટે તો આઝાદી પછી બધાં સ્વતંત્ર, બધાં સમાન. પણ એ માત્ર કહેવા અને વાંચવા માટે જ સારું લાગે એમ છે. હકીકતે તો ઊંચા વર્ણના લોકો હજીય માણસોના જાતપાતના ભેદભાવમાંથી બહાર આવવાનું નામ જ નથી લેતાં.

રમેશ ત્યાં પહોંચ્યો. સરપંચ ટેબલ પર રાખેલી પોતાની જામની બોટલમાંથી દારૂની મજા લઈ રહ્યો હતો. સરપંચે રમેશને તેની સામે ઊભેલો જોયો. ‘આવ રમેશ આવ, જામ લે...ને ઘૂંટડો ભર’ સરપંચ પોતાના દાંત દેખાડતા હસ્યો. ‘મને આટલી મોડી રાતે અહીં કેમ બોલાવ્યો છે?’ રમેશે પૂછ્યું. સરપંચે પોતાના ટેબલ પર એક કાગળને પેન ગોઠવી એણે રમેશ તરફ ધર્યા. ‘આ શું છે?’ રમેશે પૂછ્યું આમા તારી જમીનનું લખાણ છે. જેમાં સરકારનો આદેશ છે કે તારી જમીન હવે સરકાર પોતાના કબ્જામાં લેશે અને એમાં તેના પ્રોજેક્ટ કરશે. સરપંચે કહ્યું. રમેશે આખા પેપર પર નજર ફેરવી. હું આના પર સહી નહીં કરું. મારી જમીન તો અંદરના ભાગમાં છે. રમેશે જોરથી કહ્યું. તારી જમીન ક્યાં છે ને કયા ભાગમાં છે તે અમને ન સમજાવીશ. તું માત્ર આના પર સહી કરીને પોતાના રોકડા ગણી જા. સરપંચે કડકાઈથી કહ્યું.

હું આવા કોઈ પેપર પર સહી નહી કરીશ. હું મારી જમીનનો સોદો નહીં કરીશ. રમેશે કહ્યું. જો સીધી રીતે કરીશ કે પછી અમને બીજા રસ્તા પણ આવડે છે, તારા પેપર પર સહી લેવડાવતા. સરપંચ દાંતમાં હસ્યા. સરપંચે ઈશારો કર્યો ને રમેશની પાછળ ઊભેલો એક માણસ ઝડપથી રમેશ કંઈ સમજે તે પહેલાં તેના ગળા પર પોતાના હાથના બળ દ્વારા તે વ્યક્તિએ રમેશના ગળા પર ભીંસ લીધી. રમેશનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેની આંખની કીકીઓ મોટી થઈ ગઈ.

પાંચ મિનીટમાં તો સરપંચે રમેશના મૃતદેહની આંગળીના નિશાન જમીનના દસ્તાવેજ પર લઈ લીધા અને ગાડીમાં રમેશનું શબ લઈ સરપંચના માણસો રમેશના ઘર તરફ જવા નીકળી ગયા. થોડીવારમાં તે રમેશના ઘરે પહોંચ્યા. ત્યાં સાવિત્રી રમેશની રાહ જોતી બેઠી હતી. તેની નાની છોકરી રાતના અંધારામાં પોતાની નિંદ્રાને માણતી હતી.

બે-ચાર જણ ઘરની અંદર આવ્યા. તેમણે રમેશના શરીરને જમીન પર લાદ્યું ને સાવિત્રી રમેશની આવી અવસ્થા જોઈ ત્યાંજ સ્તબ્ધ થઈ ગઈ. તે શું કરે, શું ન કરે એ એને સમજાતું જ નહોતું. તે દોડીને રમેશના શરીર પાસે ગઈ. તેણે રમેશના શરીરને ઝંઝોડ્યું. ત્યાંજ ઘરના દરવાજા બહારથી બંધ થઈ ગયા. બહારથી બેચાર જણ રમેશના ઘરને પેટ્રોલથી પલાળવા માંડ્યા ને તેમાંના એક જણે તો ત્યાં દિવાસળી પણ ચાંપી દીધી. આખા ઘર પર આગે પોતાનો ભરડો લીધો. સાવિત્રી આ આગની લપેટો જોઈ ડરી ગઈ. તે પોતાના ઘરના પાછળના દરવાજેથી નાસી પડી.

જેમતેમ કરી તે બીજા શહેરમાં પહોંચી. તેને પોતાના પતિને ગુમાવવાનું દુઃખ હતું. પણ પોતાની દીકરીને બચાવી લીધાનો હરખ પણ હતો. પોતાની નીચલી જાતિને કારણે પતિને ગુમાવ્યો અને પોતાની દીકરી સાથે કંઈ અણગમતું ન થાય માટે તે પોતાની નવી ઓળખાણ સાથે પોતાની જાતને ઉપલી કક્ષાની દેખાડવા માંડી.

આ બધું યાદ કરતાં આજે પણ સાવિત્રીની આંખે અશ્રુધારા વહેવા માંડે છે. હવે તેની દીકરી મોટી તેમજ સમજણી થઈ ગઈ હતી. આથી તેને થોડી રાહત હતી. હવે તે વહેલામાં વહેલી તકે તેના લગ્ન કરાવી દેવા માંગતી હતી. તેથી તેણે એક-બે ઠેકાણે પોતાની દીકરી વિશે જાણ કરીને ક્યાંક સારું ઘર મળે તો ભલામણ કરવા પણ કહ્યું હતું. આશાનું મન ભણવામાં જ હતું. તેને લગ્ન કરીને ઘરસંસાર સંભાળવાની હજી કોઈ ઉતાવળ નહોતી. તેને તો પોતાનું ભણતર પૂર્ણ કરી એક સારા દરજ્જાની નોકરી મેળવી પોતાની માને તમામ સુખસગવડો આપવી હતી.

આશાની કૉલેજનું બીજું વર્ષ પૂર્ણ થવા આવ્યું હતું. ત્યાંજ તેના માટે એક સારા મૂરતિયાનું માંગુ આવ્યું. આશા જ્યારે કૉલેજથી ઘરે આવી ત્યારે રાજીવ ને તેનો પરિવાર આશાના ઘરમાં બેઠા હતા. આશાના ઘરમાં દાખલ થતાંજ આશાની મા તેના તરફ આવી અને આશાને પોતાના રૂમમાં જઈ કપડાં બદલવાનો ઈશારો કર્યો. આશા કંઈ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલી ગઈ. થોડીવારમાં આશા સાડીમાં સજ્જ થઈ રાજીવના પરિવારને ચા પીરસવા આવી. રાજીવના મનમાં આશાની સુંદરતા વસી ગઈ હતી. તે આશાને જોતાંજ તેના મોહપાશમાં જકડાઈ ગયો હતો. ચા પીધા પછી રાજીવના ઘરવાળાઓએ આશા અને રાજીવ એકલાં વાતો કરી શકે માટે તેમને બંનેને એકલાં પાડ્યાં.

આશા બહુ બોલકી હતી. તે ઘણા વિષયો પર બોલી શકતી. પણ આજે શું કહેવું તે તેને કંઈ સમજાતું જ નહોતું. રાજીવ પહેલેથીજ શરમાળ વ્યક્તિત્વ ધરાવતો હતો. તેથીજ તો કૉલેજના સમયગાળા સુધી રાજીવની કોઈ મૈત્રિણી ન હતી. પોતાના વ્યવસાયમાં પણ તે છોકરીઓ જોડે કામ પૂરતી જ વાતો કરતો હતો. પરંતુ આ અનુભવ રાજીવ માટે પ્રથમવારનો હતો. તેથી કઈ વાતથી શરૂઆત કરવી તેની તેને કોઈ ગતાગમ પડી રહી નહોતી.

છતાંય રાજીવે હિંમત કરી વાતનો દોર શરૂ કર્યો. રાજીવે આશાને એની પસંદ, નાપસંદ, ઈચ્છાઓ વગેરે બાબતો પૂછવાનું શરૂ કર્યું. આશાએ પોતાનું ભણતર પૂર્ણ કરવાનો વિચાર રાજીવ સમક્ષ રજૂ કર્યો. રાજીવે થોડીવાર શાંતિ રાખ્યા બાદ હાનો સૂચક ઈશારો કર્યો. આશાને જાણે સર્વસ્વ મળી ગયું હોય તેમ તે હરખઘેલી બની ગઈ.

છ મહિના પછી આશાના રાજીવ સાથે લગ્ન લેવાયા. રાજીવ બહૂ ખૂશ હતો કે તેને આશા જેવી સંસ્કારીને સુંદર છોકરી મળી છે. જ્યારે લગ્ન પહેલાં આશાની માને એની જાતિ પૂછવામાં આવી ત્યારે તેની માતાએ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય ખાતર પોતાની જાતિ છૂપાવી પોતાની દિકરીના લગ્ન કરાવી દીધા.

લગ્નની પ્રથમ રાત્રે પ્રથમ વખત રાજીવે સ્ત્રીનો સ્પર્શ માણ્યો. બંનેએ વાતચીત કરી રાત પસાર કરી. જાણે બંને વર્ષોથી એકબીજાને ઓળખતા હોય એમ બંને એકબીજામાં ભળી ગયા. લગ્નને હજી છ મહિના થયા કે બંને સંબંધનો એક મહિનાના આગળ-પાછળ સ્વર્ગવાસ થઈ ગયો. પણ મૃત્યુ પામેલો વ્યક્તિ જેમ માત્ર યાદોમાં જ રહે છે તેમ તે કામકાજમાં જામી ગયો અને આશા ઘરની દેખભાળ અને પોતાના છેલ્લા વરસના અભ્યાસમાં એટલી વ્યસ્ત રહેતી કે તે કંઈ બીજું વિચારી જ શકતી નહોતી.

રાત્રીએ જ્યારે રાજીવ તેને પ્રેમભરી નજરે જોતો ને તેને સ્પર્શતો ત્યારે આશા સંપૂર્ણ થાક ભૂલી એક કોમળ બાળકને જાણે માની કૂખ મળી હોય તેમ તે રાજીવના બાહોપાશમાં ફસડાઈ પડતી.

સમય ઝડપભેર જાણે ચાલી રહ્યો હતો. આશાની કૉલેજ પૂરી થઈ ગઈ. તે આખી કૉલેજમાં બીજા નંબરે આવી. રાજીવ ખૂબ ખૂશ થયો હતો. હવે આશાને સારા દિવસો પણ જઈ રહ્યા હતા. સમય જતાં આશા અને રાજીવને એક સુંદર બાળકની પ્રાપ્તિ થઈ. રાજીવની દુનિયા હવે પૂર્ણ થઈ ચૂકી હતી. તેજ વચ્ચે તડકા પાછળ છાંયડાની જેમ આ સુખની પાછળ દુઃખ ઉછાળા મારતું આવ્યું ને રાજીવના ઘરમાં દુઃખના વાદળ ઘેરાણા. રાજીવના પિતાએ છેલ્લાં શ્વાસ લીધા. આ દુઃખના સમયે દરેક કુટુંબીજનો આશ્વાસન દેવા પહોંચી ગયા. ચાર દિવસ વિતી ગયા હતા. ત્યાંજ ચિંચવાડ ગામથી રાજીવના પિતાની ખબર સાંભળતા રાજીવના દુઃખમાં ભાગ લેવા તેના દૂરના કાકા સરપંચ રાકેશજી આવ્યા.

રાજીવને ચિંચવાડ ગામથી કંઈ ખાસ સંબંધ ન હતાં. પણ હા, તેના પિતાના પિતા ત્યાં ક્યારેક રહેતાં હતાં એવું તેને યાદ હતું. એટલે તેણે રાકેશજીને આવકાર્યા. આશા અંદરથી ચા-નાસ્તો લાવી. રાકેશજીએ આશાવહુને આશિર્વાદ આપ્યા અને બાળકને લાડ લડાવવા લાગ્યા. બપોરે જ્યારે રાજીવ અને રાકેશજીની વાતોનો દોર આગળ વધી રહ્યો હતો ત્યારે તેમણે આશા વિશે, તેના માતા-પિતા, કૂળ, જ્ઞાતિ વિશે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. રાજીવે જણાવ્યું કે આશાના જન્મ પહેલાં તેઓ ચિંચવાડ ગામમાં રહેતાં હતા. રમેશ તેના પિતા અને સાવિત્રી તેની માતા હતી. થોડા સમય બાદ તેઓ અહીં રહેવા આવી ગયા. તેઓ આપણાં સમકક્ષ ઉચ્ચકૂળના જ છે.

રાકેશજી, રમેશ અને સાવિત્રી નામ સાંભળી કંઈ વિચારમાં પડી ગયા ને પછી તરત જ બોલ્યાં, ‘રાજીવ, તારી પાસે આશાની માનો કોઈ ફોટો છે?’ ‘હા, એક મિનીટ હું હમણાં જ લઈને આવ્યો.’ રાજી અંદર ગયોને કબાટમાંથી એક ફોટો લાવી રાકેશજીને દીધો. રાકેશજીએ આશાની માનો ફોટો જોતાંવેતજ તે ફોટો ટેબલ પર પછાડી, હાથમાં તંબાકૂ મસળતાં ગુસ્સેથી બોલવા લાગ્યા.

‘આપણી સાથે દગો થયો છે. આ અમારા ગામનું હલકું વરણ, હલકી જ્ઞાતિના લોકો છે. અરે આનો બાપો બહુ મારી સામે સમાનતા ને કાયદાની વાતો કરતો તેને તો મેં આજ મારા હાથે મસળી નાંખ્યો હતો તે તેની પત્ની અને દીકરીને ઘરમાં પૂરી આગ ચાંપી દીધી હતી. પણ મને ખબર નથી પડતી કે મૂઈ આ બંને મા-દીકરી બચી કેમ ગઈ? અને પાછી આગળ જતાં આપડે જ ગળે પડી. જે લોકોને હું મારા આંગણેથી પસાર નથી થવા દેતો, જો તેઓ મારી આગળથી પસાર થાય તો હું બે-ચારવાર ગંગાજળથી સ્નાન કરું છું. અને એજ આજે મારા ઘરમાં છે. રાજીવ તારી આ...આ....આશા ઓછી જાતિની છે ને આટલા વર્ષોથી તારાથી એ પોતાનિ જાતિ છૂપાવી રહી છે. આપણો ધર્મ, આપણી આબરૂ, આપણું કૂળ બધૂ મટી ગયું... રાજીવ... આપણા પૂર્વજો આપણા પર કેટલાં ક્રોધિત થશે. જેની આપણા પગરખા ઉપાડવાની હેસિયત નથી તે આપડે માથે ચડીને બેસી ગઈ છે. ખૂબ મોટું અનર્થ થયું છે, આનો પશ્ચાતાપ પણ મોટો જ ભોગવવો પડશે.’

રાજીવને આ બધું સાંભળી શું કહેવું, શું વિચારવું કંઈ સૂજતું જ ન હતું. શું આશાની માએ એને ખોટું બોલી ફસાવ્યો છે! શું સાચે આશાએ મને ફસાવ્યો છે! આવા બધા વિચારોએ રાજીવના મનમાં કબજો લીધો.

રાકેશજીની આંખો લાલ થવા માંડી. રાજીવ આપણે પશ્ચાતાપ તો કરવો જ પડશે. ત્યાંજ રાજીવે કહ્યું, ‘રાકેશકાકા તમે જે કહ્યું તે ખોટું પણ હોઈ શકે. મને અત્યારે કંઈ જ નથી સમજાતું. હું પહેલાં સચ્ચાઈએ પહોંચી પછીજ નિર્ણય લઈશ.’

‘હવે એમાં વિચારવું શું છે? આપણી માટી ખરાબ થઈ ગઈ ને તને હજી વિચારવું છે. હું આ બધું સહન નહીં કરી શકું.’ રાજીવે રાકેશજીને અત્યારે ચાલ્યા જવા કહ્યું. રાકેશજી ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા.

રાતે જ્યારે આશા બધુ કામ આટોપીને પોતાના રૂમમાં આવી ત્યારે તેનું બાળક ઘેરી નિંદ્રામાં પોઢ્યું હતું પણ રાજીવ હજી પણ વિચારમંથનમાં ઘેરાયેલો હતો. આશાએ રાજાને પૂછ્યું પણ ખરું કે તે શું વિચારે છે ને આજ બપોરનું શું થયું છે. રાજીવ કંઈ ન બોલી શક્યો તેણે માત્ર એટલું જ કહ્યું, ‘કંઈ નહીં તું સૂઈ જા... મને પણ ઘણી નિંદર આવે છે.’ લાઈટ બંધ કરી આશા સૂઈ ગઈ. રાજીવ હજી જાગતો હતો. તેના મગજમાં બસ એક જ વાત ભમી રહી હતી, ‘આશા એક હલકી, નીચલી જાતિની છે. તેણે મને ફસાવ્યો. તેણે મને અંધારામાં રાખ્યો. કાલે જ્યારે લોકોને ખબર પડશે તો લોકો કેવી વાતો બનાવશે. સમાજ મારી સામે કેવી નજરે જોશે.’

એના માથા પર સ્વેદબિંદુએ જમાવડો લીધો. રૂમનું અંધારું રાજીવને એવું ભાસી રહ્યું હતું કે જાણે એ અંધારું તેનો ભરડો લઈ રહ્યું હતું. એને લાગી રહ્યું હતું કે એના પૂર્વજો એને પડકારા પાડી રહ્યાં છે ને બધાં એને ઘેરો ઘાલીને ચીસો પાડી રહ્યાં છે, ‘અમારી માટી ખરાબ કરી, અમારી માટી પલીત કરી, અમારા આત્માને કલંક લાગ્યો છે. બેટા, અમારા આત્માને શાંતિ આપ... શાંતિ આપ... શાંતિ આપ....’ રાજીવને લાગ્યું તેના પૂર્વજો તેનો કબ્જો લેવા આગળ વધી રહ્યા છે. તેથી તે બેબાકળો બની બેઠો થઈ ગયો. તેને ગ્લાસમાંથી પાણી પીતાં પણ એવુંજ લાગ્યું કે જાણે અંધારું તેની તરફ આગળ વધી રહ્યું હતું. તેને બાહોપાશમાં જકડવા આગળ આવી રહ્યું હતું. રાજીવ ખૂબ ગભરાઈ ગયો. આ હલકી જાતિની છે. એણે આપણું કૂળ બગાડ્યું છે. આપડે અભડાયા છીએ. આવા બધા અવાજો તેના કાજમાં અથડાવા લાગ્યા. તેણે બંને હાથ જોરથી દબાવી કાન બંધ કરવાનો પ્રયત્ન કર્યો. પણ અવાજ બંધ ન કરી શક્યો. તેણે આશા તરફ જોયું તે ગાઢ નિંદ્રામાં સૂતી હતી. રાજીવને આશા અત્યારે કોઈ રૂપસુંદરી જેવી ન લાગતાં નાગણ સમી ભાસતી હતી. જે એને ડંખી રહી હતી અને તેને અભડાવી રહી હતી. ત્યાંજ એકાએક જાણે રાજીવ પર રાક્ષસી છાયા પ્રવેશી હોય તેમ તેને ઝુનૂન ચડ્યું અને તેણે આશા તરફ ધસી જઈ પોતાના બંને હાથોથી તેનું ગળું દબાવવા માંડ્યો. ગુંગળામણ થતાં આશા નિંદરમાંથી જાગી ગઈ. આ બધું શું થઈ રહ્યું છે તે સમજી ન શકી. તે પલંગ પર છટપટાવા માંડી. જ્યાં સુધી આશાનું હલનચલન બંધ ન થયું ત્યાં સુધી રાજીવ પોતાના સંપૂર્ણ બળથી આશાનું ગળું દબાવતો રહ્યો. તે એવી ગાઢ નિંદ્રામાં પોઢી ગઈ જ્યાંથી તે પાછી નથી આવવાની.

સવારે આડોશીપાડોશીને જાણ થતાં તેમણે પોલીસ બોલાવી. રાજીવને કેદ થઈ. તેના પર કેસ ચાલ્યો. તે ગુનેગાર સાબિત થયો. તેને આજીવન કારાવાસની સજા થઈ.

આશાનો બે વરસનો બાળક રોશન અનાથ આશ્રમમાં કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

હવે આ રોશન કોનો? ઉપરી જાતનો કે નીચલી જાતનો! રોશન હવે કોનો.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED