મુવી રિવ્યુ – સિમ્બા Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુવી રિવ્યુ – સિમ્બા

સિંઘમનો વારસો સાચવશે સિમ્બા

સિમ્બાનું ટ્રેલર જોઇને અને એમાં સિંઘમ એટલેકે અજય દેવગણને પણ જોઇને ઘણાનાં મનમાં પ્રશ્ન થયો હતો કે શું આ ફિલ્મ સિંઘમની સિક્વલ છે? તો આ ફિલ્મ જોતી વખતે અને જે રીતે અજય દેવગણને ફિલ્મમાં સિનીયર ઓફિસર તરીકે જગ્યા આપવામાં આવી છે ત્યારે એમ જ લાગતું હતું કે સિમ્બા એ સિંઘમની જ સિક્વલ છે, પરંતુ ફિલ્મનો અંત કદાચ એવું દર્શાવે છે કે સિમ્બા દ્વારા ડાયરેક્ટર રોહિત શેટ્ટી કોઈ નવા જ ધમાકાની ફિરાકમાં છે. પરંતુ એ ધમાકો શું હોઈ શકે તેની ચર્ચા આપણે નહીં કરીએ કારણકે નહીં તો ફિલ્મ જોતી વખતે તમારો મૂડ ખરાબ થઇ શકે છે. અત્યારે તો માત્ર ને માત્ર સિમ્બા.

મુખ્ય કલાકારો: રણવીર સિંગ, સારા અલી ખાન, સોનુ સૂદ, આશુતોષ રાણા અને અજય દેવગણ (કેમિયો)

પટકથા: યુનુસ સજાવલ અને સાજીદ સામજી

સંવાદ: સાજીદ સામજી

નિર્માતાઓ: રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, ધર્મા પ્રોડક્શન્સ અને રોહિત શેટ્ટી ફિલ્મ્ઝ

નિર્દેશક: રોહિત શેટ્ટી

રન ટાઈમ: ૧૫૯ મિનીટ્સ

કથાનક: સંગ્રામ ભાલેરાવ ઉર્ફે સિમ્બા (રણવીર સિંગ) અનાથ છે અને નાનપણમાં પોકેટમારીનું કામ કરતો હોય છે. આ સમયે પોતાના ગુરુને પોલીસ પાસે યાચના કરતા અને પૈસા આપીને પોતાને છોડાવતા સિમ્બાને એક વાતતો ખબર પડી જ જાય છે કે જો કમાણી કરવી હોય અને એ પણ વગર કોઈથી ડરે તો પોલીસ જ બનવું જોઈએ. સિમ્બા પોલીસ બનવા માટે રાત્રી શાળામાં દાખલ થાય છે અને દિવસે પોતાની ચોરીનો અને ફિલ્મોની ટિકીટો બ્લેક કરવાનું કામ ચાલુ રાખે છે. એક વખત ટિકિટ બ્લેક કરતા તેની મુલાકાત દુર્વા રાનડે (સોનુ સૂદ) સાથે થાય છે જે શિવગઢનો સહુથી મોટો ગુંડો હોય છે. આ જ સમયે દૂર્વા આ નાનકડો સિમ્બા એક દિવસ મોટો ધમાકો કરશે એવી ભવિષ્યવાણી કરે છે.

મોટો થઈને સિમ્બા પોતાના સ્વપ્ન પ્રમાણે પોલીસ ઓફિસર બને છે અને રાજ્યનો ગૃહમંત્રી તેને શિવગઢથી ટ્રાન્સફર કરીને ગોવાના મીરામાર પોલીસ સ્ટેશન મોકલે છે જે હવે દુર્વા રાનડેનો ઇલાકો હતો. ગૃહમંત્રી સિમ્બાને દુર્વા સાથે હળીમળીને કામ કરવાની પણ સલાહ આપે છે. મીરામાર પહોંચતાની સાથે સિમ્બાને શગુન (સારા અલી ખાન) સાથે પહેલી નજરનો પ્રેમ થઇ જાય છે. સિમ્બા દુર્વા સાથે પહેલી ઓળખાણ કરવા તેની નાઈટ ક્લબ પર દરોડો પાડે છે અને એક વખત તેને મળીને તેનો વિશ્વાસ જીતી લે છે.

પછી તો સિમ્બાને ભ્રષ્ટાચાર કરવાનો છૂટ્ટો દોર મળી જાય છે અને તે મન ભરીને પૈસા કમાય છે. મીરામાર પોલીસ સ્ટેશનમાં એક માત્ર હવાલદાર મોહિતે (આશુતોષ રાણા) જ તેના ભ્રષ્ટાચારનો ખુલ્લેઆમ વિરોધ કરે છે, પણ સિમ્બાને તેના પર માન પણ છે. ગોવામાં જ સિમ્બાને મળે છે આકૃતિ દવે (વૈદેહી પરશુરામી) જે આમ તો મેડિકલ સ્ટુડન્ટ છે પરંતુ ગરીબ બાળકો માટે રાત્રી શાળા ચલાવતી હોય છે. સિમ્બાને પોતાનો ભૂતકાળ યાદ આવી જાય છે એ આકૃતિને પોતાની નાની બહેન બનાવે છે.

પછી સમયનું ચક્ર ફરે છે અને આકૃતિ સાથે એવી એક ઘટના બને છે જે સિમ્બાને પોતાના જ પોષક એવા દુર્વા રાનડે સામે પડવા માટે ફરજ પાડે છે.

ટ્રીટમેન્ટ

ગયા અઠવાડિયે જ આપણે એક ૧૬૪ મિનીટ્સની લાંબી ફિલ્મની વાત કરી હતી, આજની આ ફિલ્મ તેનાથી પાંચ મિનીટ્સ જ ઓછી ચાલે છે પણ ભરપૂર મનોરંજન હોવાને લીધે જરાય કંટાળો આવતો નથી. હા, જો તમે થોડા વધુ કેરફૂલ થઈને ફિલ્મ જુઓ તો કદાચ તમને ખ્યાલ આવે કે ફિલ્મમાં અમુક મિનિટો થોડી વધુ લાંબી છે જેને અવોઇડ કરી શકાઈ હોત, પણ તેમ છતાં તે કંટાળો તો બિલકુલ નથી અપાવતી.

સારા અલી ખાનની એક જ મહિનામાં રિલીઝ થયેલી આ બીજી ફિલ્મ છે. કેદારનાથ કરતા અડધો સમય પણ સારાને આ ફિલ્મમાં મળ્યો નથી, પરંતુ આ પ્રકારની મસાલા મનોરંજક ફિલ્મમાં હિરોઈન કા ક્યા કામ? પણ હા “આંખ મારે...” અને બીજા એક ગીતમાં તેની હાજરી હોવાથી તેમજ ફિલ્મના અંત ભાગમાં સિમ્બા તેની પાસેથી પણ એક મહત્ત્વની સલાહ લે છે એટલે આપણે તેની નોંધ લેવી પડે, પ્લસ રણવીરની મસ્તી પણ સારા સામે વધુ ખીલે છે એટલે એનો આભાર પણ માનવો પડે.

ફિલ્મમાં રણવીર પછી જો કોઈની મહત્ત્વની ભૂમિકા હોય તો એ છે સોનુ સૂદની. સિમ્બાનો સોનુ જો તમને દબંગના સોનુની યાદ અપાવી જાય તો નવાઈ નહીં લાગે. ખરેખર, આ બંને ફિલ્મોની સોનુની ભૂમિકા અને એનો વ્યાપ એક સરખો જ છે. પણ અહીં તેની સામે સલમાનની બદલે રણવીર છે. વિલન તરીકે પણ સોનુને ફિલ્મો કરવામાં વાંધો નથી એ આ ફિલ્મમાં તેની કમ્ફર્ટનેસ જોઇને ફરીથી સાબિત થાય છે. ખાસકરીને રણવીર સિંગ સામેના તમામ દ્રશ્યોમાં એ રણવીરની એનર્જી સામે બિલકુલ પાછો પડતો નથી.

ત્યારબાદ વાત કરીએ આશુતોષ રાણાની. ઘણા વખતે એમને કોઈ પોઝીટીવ રોલ કરતા જોયા. એક પ્રામાણિક હવાલદાર જે પોતાના સિનીયરને સલામ પણ નથી કરતો કારણકે એ ભ્રષ્ટ છે અને જરૂર પડે ત્યારે તે ખોટું કરી રહ્યો છે એ સાફસાફ બતાવી દેવાની પણ હિંમત કરે છે એવા સ્વમાની હવાલદાર મોહિલેના રોલમાં આશુતોષ રાણા બરોબર ફીટ બેસે છે, આટલું જ નહીં ફિલ્મના અમુક દ્રશ્યોમાં રણવીર અને આશુતોષ રાણાના આમના સામના દરમ્યાન તે બંનેના માત્ર ચહેરા અને આંખોના હાવભાવ જ ઘણું કહી જાય છે એની પણ નોંધ લેવી જોઈએ.

આ ઉપરાંત સિદ્ધાર્થ જાદવ જે એક સમયે સ્ટેન્ડ અપ કોમિક તરીકે પ્રખ્યાત હતા તેમણે પણ નાનો રોલ કર્યો છે પણ લગભગ આખી ફિલ્મમાં રણવીર સાથે સ્ક્રિન શેર કર્યો છે તે પણ સંતોષકારક કામ કરી જાય છે. SIT ઓફિસર તરીકે અજય દેવગણ પણ સિંઘમની યાદ ફરીથી આપે છે, આ ફિલ્મમાં પણ તેઓ બાજીરાવ સિંઘમ જ છે જે કદાચ એવું દર્શાવવાનો પ્રયાસ છે કે હવે ગોવા પોલીસની જવાબદારી બાજીરાવ સિંઘમ પાસેથી સંગ્રામ ભાલેરાવ ઉર્ફે સિમ્બા પાસે આવી ગઈ છે. આ ઉપરાંત પ્રિયદર્શનની ફિલ્મોની જેમજ રોહિત શેટ્ટીની ફિલ્મોમાં નાનીમોટી ભૂમિકા કરતા લગભગ તમામ અદાકારો પણ અહીં હાજર છે.

વાત કરીએ સિમ્બા એટલેકે રણવીર સિંગની તો આગળ જણાવ્યું તેમ ફિલ્મમાં એની ઉર્જા ગજબની જોવા મળે છે, ખાસ કરીને ફાઈટ સિન્સમાં! ઘણીવાર રણવીરને કોમેડીમાં ઓવર એક્ટિંગ કરતા પકડવામાં આવ્યો છે પરંતુ અહીં એ ખરેખર માપમાં કોમેડી કરે છે અને એ પણ ગજ્જબની ટાઈમિંગ સાથે! સારા અલી ખાન સાથેની એની મસ્તી જોવાની અને એના બેસ્ટ ફ્રેન્ડ તરફની એની ઈર્ષા રણવીર બરોબરની ઉભારે છે. ઈન્ટરવલ પહેલા થોડો સમય એ ઈમોશન્સ પણ સારા દેખાડી જાય છે. ઓલ ઇન ઓલ જો આ ફિલ્મ પર રોહિત શેટ્ટીની છાપ છે તો એ છાપની મધ્યમાં રણવીર સિંગ પણ જરૂરથી છે. રણવીરને ન ગમાડનારાઓને પણ તે ગમી જાય એવું પરફોર્મન્સ સિમ્બામાં રણવીર દેખાડી શક્યો છે.

હા, આ ફિલ્મ સંપૂર્ણપણે રોહિત શેટ્ટીની જ ફિલ્મ છે. એક વાત તો સ્વિકારવી જ પડે કે રોહિત શેટ્ટી પહેલા સિંઘમ અને હવે સિમ્બા દ્વારા સંપૂર્ણ એક્શન ફિલ્મો અને ગોલમાલની સિક્વલમાં તદ્દન નોનસેન્સ કોમેડી વચ્ચેનો ફરક જાળવીને પણ ઓડિયન્સને ભરપૂર મનોરંજન આપવામાં જબરી હથોટી ધરાવે છે. ફિલ્મનો એક એક સીન તમને રોહિત શેટ્ટીનો માર્ક તેના પર છપાયેલો છે એની માહિતી આપે છે. હા ફિલ્મ તમને સિંઘમની યાદ અપાવે કે પછી તમને એવું લાગે કે આ પણ સિંઘમના પહેલા ભાગ જેવી જ ફિલ્મ છે તો એને બનાવવાની જરૂર શું હતી? તો તમારે ફિલ્મનો અંત જરૂર જોઇને આ મુદ્દે ફરીથી વિચારી લેવાની જરૂર છે.

ફિલ્મના અંતમાં એક એવા પોલીસ ઓફિસરની ઓળખાણ કરાવવામાં આવી છે જે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનો ચિફ છે અને તેની સાથે સિંઘમ ફિલ્મના અંતમાં ચર્ચા કરે છે. તો કદાચ એવું બને કે આવનારા સમયમાં રોહિત શેટ્ટી સિંઘમ, સિમ્બા અને આ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના ચિફની (એમનું નામ અહીં જાણીજોઈને જાહેર નથી કરી રહ્યો) ટ્રાયોલોજી આપણી સમક્ષ લાવે. સો ઇન્ટરેસ્ટિંગ ટાઈમ્સ અહેડ!

છેવટે...

છેવટે એટલુંજ કહેવાનું કે રોહિત શેટ્ટી આનંદ એલ રાય કરતા વધુ હોંશિયાર સાબિત થયા છે. એક સમય હતો જ્યારે નાસીર હુસૈન એટલેકે આમીર ખાનના કાકા એક પ્રકારની જ ફિલ્મો બનાવતા, જેમાં થોડું એક્શન હોય, ઈમોશન હોય, લવ સ્ટોરી પણ હોય, ફાઈટ પણ હોય અને જરૂર પડે તો સસ્પેન્સ પણ હોય. તેમની આ ફોર્મ્યુલાએ તેમને સળંગ સફળતા અપાવી અને એમણે પોતાની ફોર્મ્યુલા બદલી નહીં. ઝીરોમાં આનંદ એલ રાય પોતાની ફોર્મ્યુલાથી હટીને શાહરૂખની ફોર્મ્યુલા પર વળ્યા અને ફિલ્મ ધારેલી લોકપ્રિયતા નથી મેળવી શકી.

પરંતુ રોહિત શેટ્ટી નાસીર હુસૈનના રસ્તે જ ચાલી રહ્યા છે. તેમને કદાચ પ્રયોગો કરવા કરતા સફળતા વધુ વહાલી છે અને આથી જ તેમણે ઝીરો છાપ ફિલ્મ બનાવવાની જગ્યાએ ફૂલ્ટુ એન્ટરટેઈનીંગ ફિલ્મ સિમ્બા બનાવી છે. એટલે દર્શકો માટે તેઓ ભવિષ્યમાં પણ સતત ભરપૂર મનોરંજન પીરસતા જ રહેશે અને સિમ્બા તેની ગેરંટી આપે છે. 2018ની વિદાય અગાઉ જો તમારે મન મૂકીને એન્જોય કરવું હોય તો સિમ્બા ઈઝ ધ ફિલ્મ ફોર યુ!

૨૮.૧૨.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ