રહસ્યના આટાપાટા - ભાગ 3 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

રહસ્યના આટાપાટા - ભાગ 3

ઇમારતના મુખ્ય પ્રવેશ પાસે ઊભેલો અટરસન અવાજની દિશામાં આંખો ફાડીને જોઈ રહ્યો હતો. હવે કેવા પ્રકારના માણસ સાથે પનારો પાડવાનો છે તેનો અંદાજ, તેને થોડી જ વારમાં આવી ગયો. ટૂંકા કદના તે માણસે સાદા કપડાં પહેર્યા હતા. દૂર હોવા છતાં, જોનારને અણગમો ઊપજે એવો તે હતો. રસ્તો ઓળંગી ઇમારત બાજુ આવતી વખતે તેણે ખિસ્સામાંથી ચાવી કાઢી. પછી, તે અટરસન પાસે પહોંચ્યો એટલે અટરસન તેના ખભાને સ્પર્શ્યો, “તમે હાઇડ છો, ખરું ને ?”

હાઇડ ચોંક્યો, બે કદમ પાછો હઠ્યો, પણ તે ડર ક્ષણિક જ રહ્યો. વળતી પળે તેણે સ્વસ્થતા ધારણ કરી ઠંડકથી કહ્યું, “હા, મારું નામ હાઇડ છે, તો ?”

“મારું નામ અટરસન છે, હું ગોન્ટ સ્ટ્રીટમાં રહું છું. તમે જે ઇમારતની અંદર જઈ રહ્યા છો તે પાછળ જેકિલના મકાન સાથે જોડાયેલી છે. હું જેકિલનો જૂનો મિત્ર છું એટલે તમે મારું નામ સાંભળ્યું હશે. ચાલો હું ય તમારી સાથે અંદર આવું, એ બહાને જેકિલને મળી લેવાશે.”

“ડૉ. જેકિલ અત્યારે ઘરે નથી.” આટલું બોલી હાઇડ મકાનના દરવાજા તરફ ચાલ્યો. અટરસન તેની પાછળ ગયો. હાઇડે તાળામાં ચાવી ભરાવી, પણ પછી કંઈક યાદ આવ્યું હોય તેમ અચાનક અટક્યો અને અટરસન સામે જોયા વગર બોલ્યો, “તમે મને ઓળખ્યો કેવી રીતે ?”

અટરસને પ્રશ્નનો જવાબ આપવાના બદલે કહ્યું, “મારી આંખમાં આંખ મેળવીને વાત કરશો તો હું તમને ખાઈ નહીં જાઉં.”

આ સાંભળી હાઇડ થોડો ખચકાયો. વાતની પ્રતિક્રિયા રૂપે હોય કે અન્ય કારણે, તે અટરસન સામે એકીટસે જોઈ રહ્યો. ચુપકીદીની એ બે પાંચ પળોમાં અટરસને તેનો ચહેરો નીરખી લીધો. “હવે તમે ગમે ત્યાં મળશો તો હું તમને ઓળખી લઈશ.”

“એનાથી મને ય ફાયદો થશે. એક કામ કરો, તમે મારું સરનામું નોંધી લો, એ ય તમને કામ આવશે.” એમ કહી હાઇડ ‘સોહો’ વિસ્તારના તેના મકાનનું સરનામું બોલી ગયો.

‘હે ભગવાન, આ માણસ વસિયતનામા વિશે જાણતો હોય એવું લાગે છે !’ અટરસન મનમાં બબડ્યો. ‘એટલે જ તેણે મને તેનું સરનામું જણાવ્યું છે.’ જોકે, તેણે તેનો ઉલ્લેખ કર્યા વગર હાઇડનું સરનામું યાદ કરી લીધું.

“તમે હજુ મારા પ્રશ્નનો જવાબ આપ્યો નથી,” હાઇડે કહ્યું, “કે તમે મને ઓળખ્યો કેવી રીતે ?”

“તમારા ચહેરાના વર્ણન પરથી...” જવાબ મળ્યો.

“અને મારા ચહેરાનું વર્ણન કોણે કર્યું ?”

“તમારા ઘણા મિત્રો મારા પણ મિત્રો છે.”

“જેવા કે ?” હાઇડના અવાજમાં કડપ આવી.

“જેકિલ.”

“તેણે તમને મારા વિશે ક્યારેય કહ્યું જ નથી.” હાઇડ બરાડી ઊઠ્યો. “મને ખબર ન્હોતી કે તમે જૂઠું બોલશો.”

“તમે ઉદ્ધત રીતે વાત કરી રહ્યા છો.” અટરસને કહ્યું અને હાઇડ જંગલી રીતે હસ્યો. પછી બીજી જ સેકન્ડે એકદમ ત્વરાથી ઘરનો દરવાજો ખોલી અંદર ચાલ્યો ગયો.

એકલો પડી ગયેલો અટરસન થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. ખબર નહીં કેમ પણ તેને ગભરાટ થવા લાગ્યો હતો. આથી, તે ત્યાંથી નીકળી શેરીનો ઢાળ ચડી ગયો. તે માનસિક રીતે એટલો વ્યાકુળ થઈ ગયો હતો કે એક - બે કદમ ચાલી ઊભો રહી જતો અને લમણે હાથ રાખી વિચાર કરવા લાગતો. પણ, પ્રશ્નોના જવાબ એમ સહેલાઈથી મળવાના ન્હોતા.

હાઇડનો ચહેરો ફિક્કો હતો, તે ઠીંગણો હતો, તેનું હાસ્ય ઘૃણાસ્પદ હતું, તે કર્કશ રીતે વાત કરતો હતો અને તેનામાં ભીરુતા તેમજ હિંમતનું વિરોધાભાસી પણ કાતિલ મિશ્રણ હતું. આ બધા લક્ષણો તો અન્ય માણસોમાં પણ હોય, પરંતુ એટલાથી તેમના પ્રત્યે ઘૃણા ઊપજે, તેમને જોઈને જ નફરતની લાગણી અનુભવાય એવું સામાન્ય રીતે બનતું નથી. જયારે હાઇડના કિસ્સામાં, ચહેરો સામાન્ય હોવા છતાં તે બધી રીતે વિકૃત લાગતો હતો.

‘તેનામાં ચોક્કસ કંઈક એવું છે જેનાથી સામાન્ય માણસને તેના પ્રત્યે તિરસ્કાર જન્મે. તેનું ચોક્કસ કારણ તો ભગવાન જાણે, પણ તે કોઈ પણ એંગલથી માણસ લાગતો નથી. જેમ સારા માણસની હાજરીમાં સકારાત્મક લાગણી અનુભવાય છે તેમ હાઇડની હાજરીમાં નકારાત્મક લાગણી અનુભવાતી હતી. જાણે તેના આંતરિક વિકારો શરીરના એક એક અંગમાંથી નીતરતા હોય તેવું લાગતું હતું, તેના ચહેરા પર જ લખ્યું હતું કે તે દુષ્ટ માણસ છે.’

વિચાર કરતો અટરસન ચાલતો રહ્યો અને આગલી શેરીના વળાંક પાસે ઊભો રહી ગયો. અટરસન ઊભો હતો ત્યાં ખૂણે, જજરિત થઈ ગયેલા જૂના મકાનોને પાડી ફ્લૅટ અને કૉમ્પ્લેક્સ ઊભા કરાયા હતા. કૉમ્પ્લેક્સમાં આર્કિટેક્ટ, ગુનેગારોનો કેસ લડતા ધુરંધર વકીલો, આડા અવળા ધંધા કરતા વેપારીઓ અને કાળાનું ધોળું કરી આપતા હિસાબનીસની ઑફિસો હતી. કૉમ્પ્લેક્સ અને ફ્લૅટ પૂરા થતા ત્યાં, તેની બાજુમાં, જોતા જ આલીશાન લાગે તેવો ભવ્ય બંગલો ઊભો હતો, જે પાછળ પેલા વિચિત્ર મકાન સાથે જોડાઈ જતો હતો. અત્યારે તે બંગલો અંધકારમાં વિલીન હતો, છતાં અંદર સળગતા ફાનસનો પ્રકાશ હવાબારીમાંથી બહાર રેલાઈ રહ્યો હતો. અટરસન પ્રાંગણમાંથી પડસાળમાં પ્રવેશ્યો અને દરવાજા પર લાગેલો આગળિયો ખખડાવ્યો. થોડી વારે સારા કપડાં પહેરેલાં ઉમરલાયક નોકરે દરવાજો ખોલ્યો. અટરસન તેને ઓળખતો હતો. “પોલ, ડૉ. જેકિલ ઘરે છે ?” તેણે પૂછ્યું.

“હું તપાસ કરીને કહું છું.” નોકરે જવાબ આપ્યો અને અટરસનને અંદર દોરી લાવ્યો. મકાનમાં પ્રવેશતા જ વિશાળ હોલ આવતો હતો જેની છત નીચી હતી. અંદર સળગી રહેલી ભઠ્ઠીથી તાપમાન હૂંફાળું લાગતું હતું. હોલનું તમામ ફર્નિચર ઓકના મોંઘા લાકડામાંથી નિર્માણ પામ્યું હતું. “તમે અહીં ભઠ્ઠી પાસે રાહ જોશો કે ડાઇનિંગ રૂમમાં મીણબત્તી સળગાવી દઉં ?” નોકરે પૂછ્યું.

“અહીં બરાબર છે.” અટરસને કહ્યું અને ખુરશી ખેંચી ભઠ્ઠીની નજીક બેસી ગયો. બંગલોનો હોલ કે જેમાં અટરસન અત્યારે એકલો બેઠો હતો તે બહુ રોચક રીતે સજાવાયેલો હતો. જો અટરસન હાઇડના વિચારોમાં ખોવાયેલો ન હોત તો તે કાયમની જેમ બોલી ઊઠત : ‘આવો અદ્ભુત રૂમ આખા લંડનમાં ક્યાંય નથી !’ પણ, અત્યારે તે ચિંતામાં હતો. હાઇડનો ચહેરો તેની આંખો સામેથી ખસતો ન હતો. તે અરુચિકર માણસે જન્માવેલી વિપુલ જુગુપ્સાથી તેના મનમાં વિષાદની લાગણી ઘેરી વળી હતી. અરે, હાઇડ સાથેની મુલાકાતની તેના પર એવી અસર પડી હતી કે ભઠ્ઠીમાં સળગી રહેલી આગનો તડ તડ તડ તડ અવાજ અને દીવાલ તથા છત પર પડતા જ્વાળાઓના પડછાયામાં ય તેને જોખમના ભણકારા સંભળાતા હતા.

પોલે આવીને સમાચાર આપ્યા કે ડૉ. જેકિલ ઘરે નથી.

અટરસન થોડી વાર ચુપચાપ બેસી રહ્યો, પછી તેણે નોકરને જ પૂછ્યું, “મેં હાઇડને મકાનની પાછળની બાજુએથી દાખલ થતા જોયો છે. શું ડૉક્ટર ઘરે ન હોય ત્યારે ય તે અવરજવર કરે છે ?”

“હા કરે છે. તેમની પાસે ઘરની ચાવી છે.” નોકરે જવાબ આપ્યો.

“તારા માલિકને તેના પર બહુ ભરોસો લાગે છે !”

“હા, અને અમે તો ચિઠ્ઠીના ચાકર કહેવાઈએ. અમારે સાહેબના હુકમ માથે ચડાવવાના હોય.”

“મેં આજ પહેલા હાઇડને અહીં આ ઘરમાં જોયો નથી.”

“અમે ય તેમને ક્યારેક જ જોઈએ છે. તેઓ અહીં ખાતા-પીતા નથી અને ઘરની પાછળ આવેલી લેબોરેટરીમાંથી જ આવ જા કરે છે એટલે દેખાતા નથી.”

“ઠીક છે, ગૂડ નાઇટ.”

“આવજો સાહેબ.”

અટરસન ભારે હૈયે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. ‘બિચારો જેકિલ ! મને લાગે છે કે તે બહુ ખરાબ રીતે ફસાયો છે. તે યુવાન હતો ત્યારે વધુ પડતો રંગીન અને બેફામ હતો. કદાચ એટલે જ ત્યારના કોઈ ગુનાનો દંડ ભોગવી રહ્યો છે. ભલે માણસ પોતે કરેલા ગુનાને ભૂલી જાય, પોતાની જાતને માફ કરી દે પણ કુદરત તેને છોડતી નથી. સજા કાચબાની ચાલે આવે છે, પણ આવે તો છે જ.’

વિચારે ચડી ગયેલા વકીલે પોતાના બાળપણ અને યુવાનીમાં પણ ડોકિયું કર્યું. કદાચ ભૂતકાળના એ પટારામાં કોઈ એવી ઘટના છુપાઈ હોય જે તેના વર્તમાનને નુકસાન પહોંચાડી શકે. બહુ ઓછા માણસોએ જીવનમાં, ડરવું કે પસ્તાવું ન પડે તેવી ભૂલો કરી હોતી નથી, પણ અટરસન તેમાંનો એક હતો. તે પહેલાથી જ ‘નિશાળથી નીસરી જવું પાંસરું ઘેર’ પ્રકારનો સીધો માણસ હતો. હા, નાની ભૂલો તેણે ય કરી હતી, પરંતુ તેનાથી તેનો વર્તમાન ખરડાવાની શક્યતાઓ નહિવત હતી.

મૂળ વિષયથી ભટકી ભૂતકાળમાં સરી પડેલું મન ફરી પાટા પર આવ્યું ત્યારે, અટરસન વિચાર કરવા લાગ્યો, “અત્યારે જે ચાલી રહ્યું છે તે ગમે તેમ કરી અટકાવવું પડશે. નહિતર પેલો હાઇડ, જેકિલ પાસેથી બધું લૂંટી લેશે. વળી, સૌથી ભયજનક તો વસિયતનામાનું લખાણ છે. જો હાઇડ તેના વિશે જાણતો હશે તો મિલકત મેળવવાની ઉતાવળમાં જેકિલની હત્યા કરવા પણ તૈયાર થાય.’ ખરાબ વિચાર ખંખેરી નાખવા અટરસને જોરથી માથું ધુણાવ્યું. ‘હું તેમ નહીં થવા દઉં. તેવો અનિચ્છનીય પ્રસંગ બને તે પહેલા હું આ ઘટમાળ રોકી દઈશ. આમેય, હાઇડનો ચહેરો જોતા લાગે છે કે તેના ભૂતકાળમાં ઘણા રાઝ છુપાયેલા હશે. અરે, તેણે તો એવા એવા કાંડ ને કૌભાંડ કર્યા હશે કે તેની આગળ જેકિલની ભૂલ રાઈના દાણા જેવી લાગે. જોકે, જેકિલ છૂટ આપે તો જ મારે આ મામલામાં દખલ દેવી જોઈએ. ભલે જેકિલના વસિયતનામામાં કાવતરાની ગંધ આવતી હોય, પણ જેકિલની સહમતી વગર મારે દરમ્યાનગીરી ન કરવી જોઈએ.’

ક્રમશ :