ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની
Part:-20
નફીસાનું કિડનેપ એન્ડી દ્વારા થયું હોવાની વાત મળતાં જ ધૂંવાપુંવા થયેલો ઓમ માથે કફન બાંધીને નીકળી પડે છે પોતાની જીવ થી એ વધુ વ્હાલી પત્નીને સહીસલામત કિડનેપરો ની ચુંગાલમાંથી છોડાવવા.
એક ટેક્સી ભાડે કરી ઓમ સીધો જ ગોવા પણજી હાઈવે પર આવેલી એક બંધ જૂની કેમિકલ જોડે ઉતર્યો..ધીરા પગલે આગળ વધતો વધતો એ ફેકટરી ની અંદર પ્રવેશ્યો..આ ફેકટરી લગભગ પંદર વર્ષથી બંધ હાલતમાં હતી..ફેકટરી નો જૂનો પુરાણો ગેટ ખોલી ઓમ ફેક્ટરીનાં બેકયાર્ડ માં પ્રવેશ્યો.
"એન્ડી હું આવી ગયો છું..તું નફીસા ને મારી સામે લેતો આવ..હું તારું પેકેટ તને આપી દઉં છું.."ઓમે મોટા સાદે કહ્યું..એનો અવાજ હજુપણ બંધ ફેકટરીમાં પડઘાય રહ્યો હતો.
"એન્ડી ક્યાં છુપાઈને બેઠો છે..લે આવી ગયો હું.."કોઈ સામે ના આવતાં ઓમ હજુ વધુ ચિલ્લાઈને બોલ્યો.
ઓમ ની વાત નાં પ્રત્યુત્તર રૂપે એક જોરદાર અટ્ટહાસ્ય વાતાવરણમાં ગુંજી વળ્યું..બુટ નો ટક ટક અવાજ સંભળાયો અને એક કોટ પહેરેલો માણસ ઓમ ની જમણી બાજુ જે બોઈલર માટે ની સીડી હતી એની ઉપરથી નીચે આવતો જણાયો.
"તું પેલું પેકેટ લઈને આવ્યો છે..જે મેં કહ્યું હતું..?"એ કોટ પહેરેલો માણસ જેને ઓમ એન્ડી તરીકે સંબોધતો હતો એ બોલ્યો.
"હા હું એ પેકેટ લઈને આવ્યો છું..પણ પહેલાં નફીસા ક્યાં છે એ જણાવ.."ઓમે કહ્યું.
"દગ્ગુ..જોની એ છોકરીને લેતાં આવો.."ઓમ ની વાત સાંભળી એન્ડી એ દગ્ગુ અને જોની નામનાં પોતાનાં સાથીદારો ને અવાજ લગાવતાં કહ્યું.
એન્ડીની વાત સાંભળી દગ્ગુ અને જોની નામનો માણસ નફીસા ને લઈને એન્ડી અને ઓમ ઉભાં હતાં ત્યાં આવ્યાં..આ દગ્ગુ એ જ વ્યક્તિ હતો જેને ડેવિડ નો પીછો કરતાં વ્યક્તિ ને મોત ની ઘાટ ઉતર્યો હતો અને જોની એ ટેક્સી ડ્રાઈવરમાં નો એક હતો જેનાં જોડે ઓમે ડેવિડ જોડે પૂછપરછ કરી હતી.
ઓમ ને જોતાં જ નફીસા એ ઉંચા અવાજે કહ્યું.
"ઓમ આ એન્ડી છે..ડેવિડ નથી..એને આપણો હાથા ની તરીકે ઉપયોગ કરી પોતાનાં બધાં મનસૂબા પૂરાં કર્યાં હતાં.."
હકીકતમાં એન્ડી બીજું કોઈ નહીં પણ ડેવિડ જ હતો..ડેવિડે એક ખોટી ઉપજાવી કાઢેલી પોતાની અને એલિસ ની કહાની કહી જેલ ની બેરેકમાં હાજર દરેક નો વિશ્વાસ જીતી લીધો હતો..હકીકતમાં એન્ડી એક મોટો ક્રિમિનલ હતો જે ગોવા માં ગાઈડ ની સાથે ડ્રગ્સ ડિલિંગ નું કામ કરતો.
વિદેશી યુવતીઓ જોડે સેક્સ માણવો એ એન્ડી નો મોટો શોખ હતો..એક વખત નોર્વે ની એક જેનિશ નામની યુવતી પર રેપ અને હત્યાનાં કેસમાં એન્ડી મોસ્ટ વોન્ટેડ હતો..પોલીસ ને થાપ આપી એ છ મહિના સુધી ફરતો રહ્યો..પણ એક દિવસ એન્ડી પોલીસની નજરે આવી ગયો..એન્ડી એ ભાગવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસ ની એક ગોળી પગે વાગતાં એ વધુ દોડી ના શક્યો અને પકડાઈ ગયો.
આ ગોળી ની અસરથી જ એ લંગડો થઈ ગયો હતો.પોલીસ ની કેદમાં સાત વર્ષની સખત સજા પછી પણ એન્ડી સુધાર્યો નહીં.બહાર આવીને પણ રોબરી અને કિડનેપિંગ જેવી ગુનાકીય પ્રવૃતિઓ એન્ડી એ ચાલુ રાખી..એન્ડીને ઘણાં પૈસા એમાંથી મળ્યાં હતાં,પણ કહેવાય છે ને લાલચ બહુ બુરી બલા છે..દિવસે ને દિવસે એ વધે જ જાય છે.. આવી જ એક રોબરીમાં એન્ડી પકડાઈ ગયો ને બીજી ૧ વર્ષ ની સજા થઈ..આ સજાનાં ભાગરૂપે જ એ દાદર પોલીસ સ્ટેશનમાં હતો જ્યારે લકી ગેસ્ટ હાઉસમાં રેડ પડી.
આ જેલમાં જ એન્ડી સાથે ભીખુ ની એ રેડ ની ઘટનાના પંદર દિવસ પહેલાં જ મળ્યો હતો..એક મારામારીનાં કેસમાં ભીખુ ને દાદર પોલીસ પકડીને લાવી હતી.વધુ પડતાં આત્મવિશ્વાસ અને નશા નાં લીધે ભીખુ એ વાતવાતમાં આકાશ સહાનીનાં ઘરે પોતે ચોરી કરવાનો છે એ જણાવી દીધું..અને ચોરી કઈ વસ્તુની કરવાની છે એ વિશે પણ ભીખુ એ એન્ડી ને બધું કહી દીધું હતું.ભીખુ તો બે દિવસ માં ત્યાંથી છૂટી ગયો પણ એન્ડી નાં મગજમાં એક મોટી રોબરીનો વિચાર મુકતો ગયો.
એન્ડી એ જ્યારે સુમિત,સોનુ,ઓમ,નફીસા,ગોવિંદ અને સોનાલી ની જીંદગી ની કહાની જાણી એટલે આ લોકો ની મજબૂરીનો ફાયદો ઉઠાવી પોતે પોતાનો રોબરીનો પ્લાન સફળ કરી શકશે એવું વિચારે એન્ડી એ એમને પોતાની વાતમાં ફસાવ્યા. આકાશ સહાનીનાં ઘરે જે રોબરી નું આયોજન એન્ડી એ કર્યું હતું એની શતરંજના મોહરા ની જેમ એ દરેક નો ઉપયોગ કર્યો.
એન્ડી એ પોતાની સાચી ઓળખ બધાં થી છુપી રાખી હતી કેમકે જો એ પોતાની સાચી હકીકત જણાવી દેતો એક ક્રિમિનલ નો કોઈ સાથ નહીં આપે એ એન્ડી ને ખબર હતી..એટલે ડેવિડ નામનું એક ખોટું કેરેકટર રચી બધાં ને સેન્ટિમેન્ટ કરી પોતાની બધી વાતો એક પછી એક એ લોકો જોડે સરળતાથી પુરી કરાવી દીધી.બાકી એને આકાશ સહાની સાથે કોઈ દુશ્મની હતી જ નહીં.
"હા નફીસા હું ડેવિડ નહીં એન્ડી છું..એન્ડી ડિકોસ્ટા. મને જીવતો જોઈ તને તો નવાઈ લાગી હશેને..પણ તારો આ ઓમ મને જોઈ સહેજ પણ નવાઈ પામ્યો નથી.."એન્ડી એ હસીને કહ્યું.
"હા એન્ડી મને ખબર હતી કે તું જીવતો છે..જ્યારે મારાં ભુજ સ્થિત ઘરે શોધખોળ થઈ ત્યારે મને ઘરમાં મોગરાનાં સેન્ટ ની સુવાસ આવી ગઈ હતી.આ એવી જ સ્મેલ હતી જે તારાં કપડામાંથી આવતી હતી..પણ હું મારી વાત પર પાકો નહોતો,એટલે મેં સચ્ચાઈ શું છે એ તપાસ કરવા ગોવા આવવાનું વિચાર્યું.."
"અહીં શિવમ રિસોર્ટમાં જ મેં રૂમ બુક કરાવ્યો..આ એજ રિસોર્ટ હતું જેનું વર્ણન તે તારી આપવીતીમાં કર્યું હતું..મને ત્યાં કોઈ તે કહ્યું હતું એવો સેન્ડી નામનો તારો મિત્ર ના મળ્યો..ત્યારબાદ આખાં ગોવામાં ફર્યો પણ કોઈ ડેવિડ નામનાં ટુરિસ્ટ ગાઈડ ને ઓળખતું જ નહોતું...આખરે મેં મારી તપાસ એક લંગડા વ્યક્તિ પર કેન્દ્રિત કરી અને એક નામ આવ્યું એન્ડી..તારાં ગોવામાં સ્થિત બંધ ઘરે અંદર જઈને જોયું તો દીવાલ પર તારો એટલે કે ડેવિડ નો ફોટો હતો એટલે હું સમજી ગયો કે તું અમારી આગળ સાવ ખોટી કહાની જ લાવ્યો હતો..સાથે હું એ પણ વાત પર આવ્યો કે તું જીવતો છે..પણ કઈ રીતે એ ખબર ના પડી..?"ઓમે ગુસ્સામાં કહ્યું.
"ઓમ તારે જાણવું છે કે હું કઈ રીતે બચી ગયો તો સાંભળ એ રાતે શું થયું..જેવાં અમે ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને નીકળ્યા એવોજ મેં આ જોની ને મેસેજ કરી પોલીસ ને ગોવિંદ અને નફીસા વિશે જણાવવા કહી દીધું..એને પોલીસ ને કોલ કરી કહ્યું કે બે લોકો આકાશ સહાનીનાં ઘરે ચોરી કરી નીકળ્યાં છે એટલે એમનાં બહાર નીકળતાં જ પોલીસ એમની પાછળ લાગી ગઈ..નફીસા નાં સારાં નસીબે એ બચી ગઈ અને એનાં લીધે તું.."એન્ડી એ કહ્યું.
"એટલે જ પોલીસ અમારી પાછળ પડી હતી..સાલા મક્કાર.."નફીસા એ આવેશમાં આવી કહ્યું.
"હજુ આગળ ની વાત તો સાંભળ..ગોવિંદ તારાં જેટલો નસીબદાર નહોતો અને પોલીસ થી પીછો છોડાવતી વખતે એનો કાર પરનો કાબુ જતો રહ્યો અને એ ખીણમાં પડી ને મૃત્યુ પામ્યો..બાકીનાં લોકો એમ્બ્યુલન્સ સળગી મર્યા એનું કારણ પણ હું જ છું..એ જંગલોમાં મારાં માણસો એ એમ્બ્યુલન્સ ને આંતરી ને ઉભી રાખી અને એ લોકો કંઈ સમજે એ પહેલાં એમને મોત ને ઘાટ ઉતારી દીધાં..ત્યારબાદ દસેક બંડલ છોડીને બધી કેશ કાઢી લીધી..કેમકે એ જોઈ આકાશ સમજી જાય કે એની બધી કેશ પણ સળગી ગઈ છે.મારી જગ્યાએ એક બીજી ડેડબોડી ની પણ વ્યવસ્થા હતી એ એમ્બ્યુલન્સ માં રાખી એમ્બ્યુલન્સ સળગાવી દીધી.."લુચ્ચું હસતાં એન્ડી બોલ્યો.
"તું સાચેમાં એક નંબર નો જલ્લાદ છે.."ઓમે ગુસ્સામાં આવી હાથની મુઠ્ઠી ફિટ વાળતાં કહ્યું.
"આભાર તારો..મને જલ્લાદ ની ઉપાધિ આપવા માટે..ઓમ આ જલ્લાદે તને મારવા પણ માણસો મોકલ્યાં હતાં પણ તારાં સારા નસીબે તું ત્યાં હતો જ નહીં..નહીં તો એ રાતે તારું પણ રામ નામ સત્ય થઈ જાત."એન્ડી એ હસીને કહ્યું.
"પણ તું અમારાં સુધી કઈ રીતે પહોંચ્યો..?"નફીસા એ એન્ડી ને ઉદ્દેશીને પૂછ્યું.
"નફીસા હું તમારાં સુધી કઈ રીતે પહોંચ્યો એ જાણવું છે..તો સાંભળ..મારાં હાથમાં 200 કરોડ જેટલી મોટી કેશ તો આવી ગઈ હતી પણ મારે એ પેકેટની જરૂર હતી..મને કેશમાં એ પેકેટ ના મળ્યું..ત્યારે મને એવું લાગ્યું કે એ પેકેટની ડિલિવરી થઈ જ નહીં હોય..પણ ભીખુ ની ગેંગનાં માણસો જોડેથી જાણવા મળ્યું કે એ પેકેટ ને આકાશ સહાનીનાં ઘરેથી એ કેશની સાથેજ કોઈ ચોરી ગયું છે.."
હું ઘણાં દિવસો સુધી તમને બે ને શોધતો હતો કેમકે હું ચોક્કસપણે માનતો કે એ પેકેટ વિશે તમે બંને કંઈક તો જાણતાં હશો..એક દિવસ એક મેગેઝીનમાં ઓમ નો ફોટો જોયો જેમાં ભુજની એક સ્કૂલનાં ઉદ્ઘાટનમાં આવેલાં મુખ્યમંત્રીનાં કોઈ કાર્યક્રમમાં આવ્યાં ત્યાં એ હાજર હતો..બસ હું તત્કાલિક ભુજ પહોંચી ગયો..બે દિવસ ની શોધખોળ પછી તમારું ઘર મળી ગયું એટલે મેં એ પેકેટ ની તમારાં ઘરમાં આવી ભાળ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ મારે હાથ કંઈ ના લાગ્યું."
"હું આગળ કંઈ કરું એ પહેલાં તું મને શોધતો ગોવા આવી ગયો..આમ પણ જ્યારે ગીદડ ની મોત આવે ત્યારે એ શહેર ની તરફ ભાગે,એમ તું પણ હાથે કરી મોતનાં મુખ માં મારાં જ શહેરમાં મને શોધવા આવ્યો.તું મને શોધતો શોધતો અહીં આવ્યો એવું મને જોની એ કહ્યું એટલે તને મળવા હું અહીં આવી ગયો..તું સીધી રીતે મારી વાત નહીં માને એની મને ખબર હતી એટલે મેં નફીસા નું કિડનેપ કરી લીધું.."એન્ડી એ સંપૂર્ણ વાત સમજાવતાં કહ્યું.
"ઓમ તારાં જોડે એ પેકેટ કઈ રીતે આવ્યું..મેં તો ક્યારેય એવું કોઈ પેકેટ જોયું નથી.."નફીસા એ ઓમ તરફ જોઈને કહ્યું.
"શું કહ્યું..એવું કોઈ પેકેટ છે જ નહીં તો આ ઓમ કેમ મારી સમક્ષ ખોટું બોલ્યો.."પોતાની રિવોલ્વર ને ઓમ તરફ તાકીને એન્ડી બોલ્યો.
"આ પેકેટ મારી જોડે જ છે.."એટલું કહી ઓમે પોતાની જીન્સની પાછળની પોકેટમાં રાખેલું એ પેકેટ કાઢી એન્ડી ને બતાવ્યું.."એ પેકેટ જોતાંજ એન્ડી ની આંખોમાં ચમક આવી ગઈ.
"પણ આ પેકેટ તારી જોડે ક્યાંથી આવ્યું..?"ઓમ ની જોડે એ પેકેટ જોઈને નફીસા ને આશ્ચર્ય થઈ રહ્યું હતું કેમકે ઓમ તો રોબરી થઈ ત્યારે ફાર્મહાઉસથી દુર લોનાવલાનાં જંગલોમાં હતો.
"નફીસા એ પેકેટ તું જે કેશ લઈને આવી એમાં જ હતું..તે છેલ્લે જે દસ કવર તારી બેગમાં મૂક્યાં એમાં તારી જાણ બહાર આ પેકેટ આવી ગયું હશે..આપણે વધુ પૈસા ની જરૂર નહોતી એટલે ક્યારેક તારી આખી બેગ ખાલી કરી જોઈ જ નથી એટલે એ પેકેટ ક્યારેય આપણી ધ્યાનમાં ના આવ્યું...આતો આપણાં ઘરે કોઈએ તલાશી લીધી પછી મને કંઈક અજુગતું લાગ્યું અને મેં એ બેગ આખી ખાલી કરી જોઈ તો મને એમાંથી એક કવરની અંદર આ પેકેટ મળ્યું.."ઓમે નફીસાની વાત નો સવાલ આપતાં કહ્યું.
"ચાલો હવે તમારી વાત પતી ગઈ હોય તો આપણે સોદો પૂરો કરીએ..તું મને એ પેકેટ આપ એટલે હું નફીસા ને તને સોંપી દઉં.."એન્ડી એ આક્રમક અંદાજમાં કહ્યું.
"હા હું પણ હવે આ જમેલો પૂરો કરવા માંગુ છું..આ પેકેટ તને આપી હું નફીસા સાથે શાંતિ થી જીવવા માંગુ છું..તું પણ મહેરબાની કરી મારી લાઈફમાં દખલગીરી કરવા પાછો ના આવતો..નહીં તો મજા નહીં આવે.."ઓમે કડકાઈ થી કહ્યું.
"હા ભાઈ ..મારે પણ આ પેકેટ હાથમાં આવી જાય પછી તમારાં બે જણા થી કોઈ મતલબ નથી..તમે તમારી જીંદગી માં ખુશ અને હું મારી જીંદગીમાં.."પોતાનાં બે હાથ પહોળા કરી એન્ડી એ કહ્યું.
"પહેલાં તું નફીસા ને આ તરફ મોકલ..હું જેવી નફીસા મારી જોડે આવી જશે એવું જ આ પેકેટ તારી તરફ ફેંકી દઈશ.."ઓમે કહ્યું.
"સારું..જા તારાં પર વિશ્વાસ રાખી હું તારું કિધેલું કરવા તૈયાર છું.."દગ્ગુ અને જોની તરફ જોઈ ઈશારાથી નફીસા ને છોડી મુકવાનું જણાવી એન્ડી બોલ્યો.
ધીરે ધીરે ડગ માંડતી નફીસા ઓમ ભણી આગળ વધી રહી હતી..એન્ડી,દગ્ગુ અને જોની ત્રણેયની રિવોલ્વર એની તરફ મંડાયેલી હતી..જેવી નફીસા ઓમ ની સમીપ પહોંચી ગઈ એવી જ ઓમે એને પોતાની બહોમાં સમાવી લીધી.
"તું ઠીક તો છે ને..?"નફીસાનો ચહેરો પોતાની બે હાથની હથેળીમાં લઈને ઓમે પૂછ્યું.
"ઓમ હું ઠીક છું.."નફીસા એ કહ્યું..અત્યારે એ પાછી ઓમ જોડે આવી ગઈ એ વાત ની ખુશી એનાં ચહેરા પર સાફ છલકાઈ રહી હતી.
"ચાલ એ પેકેટને આ તરફ ફેંક.."એન્ડી એ ઓમ ને ઉદ્દેશીને કહ્યું.
ઓમ માટે નફીસાથી વધુ કિંમતી કંઈ હતું જ નહીં..એટલે ઓમે પોતાનાં હાથમાં રહેલું એ પેકેટ જોરથી એન્ડી ઉભો હતો ત્યાં બોઈલર ની નીચેની જગ્યામાં ફેંક્યું.
દગ્ગુ અને જોની ની મદદથી એન્ડી એ ત્યાંથી એ પેકેટ કાઢી લીધું..પણ જ્યારે એને એ પેકેટ ખાલી કર્યું તો એમાં પથ્થરા ભર્યા હતાં એ જોઈ એન્ડી નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ જોરથી બોલ્યો..
"દગ્ગુ અને જોની..મારી નાંખો બંને ને ને જો સાચું પેકેટ ના આપે તો.."
એન્ડી એ આટલું કહી આમ તેમ નજર ફેરવી પણ ઓમ કે નફીસા બેમાંથી કોઈ એની નજરે ના ચડ્યું..એટલે એનો ગુસ્સો બેવડાઈ ગયો.
"ઓહ..તો સંતાકૂકડી રમવું છે એમજ ને..સારું તો એવું રાખીએ..પણ થપ્પા ની જગ્યાએ સીધી ગોળી મળશે.."એન્ડી એ ડરાવતો હોય એવાં અંદાજમાં કહ્યું.
ઓમ અને નફીસા કેમિકલ ભરવા માટે વપરાતી એક ટાંકી ની પાછળ છુપાઈ ગયાં હતાં..નફીસા એ ઓમ ને ધીરેથી કહ્યું.
"ઓમ તો સાચું પેકેટ હજુ પણ તારી જોડે છે..?"
"હા નફીસા..એ દુષ્ટનાં હાથમાં હું એ પેકેટ નહીં જવા દઉં.. એ હત્યારા એ મારાં દોસ્તો નો જીવ લીધો છે..હું એને જીવતો નહીં મુકું..તું અહીં જ ઉભી રહેજે.."આટલું કહી ઓમે પોતાનાં પગનાં મોજામાં રાખેલી રિવોલ્વર હાથમાં લીધી અને ટાંકી પાછળથી બહાર આવ્યો.
ઓમ ને જોતાંજ દગ્ગુ અને જોની એ ધડાધડ ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી..પણ ઓમ ની જોડે જે રિવોલ્વર હતી એનાં કરતાં દગ્ગુ અને જોની જોડે જે ગન હતી એ વધુ પાવરફુલ હતી એટલે ઓમ એમનો મુકાબલો કરવામાં મુશ્કેલી થઈ રહી હતી..ઓમ હજુ પણ એ બંને નો બહાદુરીપૂર્વક મુકાબલો કરી રહયો હતો અને એક પછી એક ગોળીઓ છોડી રહ્યો હતો.
આ તરફ જોની એ સાચવીને પોતાનું સ્થાન બદલ્યું અને ઓમ જ્યાં ઉભો હતો એ દિશામાં દબાતા પગલે આગળ વધ્યો..ઓમ ને એની આ હરકત ની કોઈ ખબર નહોતી..ઓમ ની આ બેદરકારી નો ફાયદો ઉઠાવી જોની એ ઓમ નું નિશાન લઈને પોતાની રિવોલ્વરનું ટ્રિગર દબાવ્યું.. ઉપરાઉપરી બે ગોળીઓ છૂટી..પહેલી ગોળી સીધી જોની ની પીઠમાં વાગી અને એની છાતી ચીરતી બહાર નીકળી ગઈ..
ગોળી વાગતાં જ જોની નું ઓમ પર તાકેલું નિશાન ચુકી ગયું અને એ ગોળી જઈને એક પાઇપ ને લાગી..ઓમે એ સમયે દગ્ગુ નાં હાથ પર ગોળી મારી એને ઘાયલ કરી દીધો હતો..દગ્ગુ ની ગન નીચે પડી ગઈ હતી અને ઓમ અત્યારે એની તરફ ગન તાકી ઉભો હતો.પણ આ તરફથી થયેલાં ગોળીબારનાં અવાજે ત્યાં હાજર દરેકનું ધ્યાન ખેંચ્યું..!!
"ગોવિંદ..."એન્ડીનાં મોંઢેથી જોની પર ગોળી ચલાવનાર વ્યક્તિનો ચહેરો જોઈ અનાયાસે જ નીકળી ગયું.
એન્ડી નો દાવ અત્યારે ઉલટો પડતો જણાતો હતો..પણ આગળ કોણ આ શતરંજ ની બીસાત પર મરવાનું હતું એતો સમયનાં હાથમાં હતું..પોતાની જાતને વજીર માનતો એન્ડી અત્યારે ગોવિંદ નામનાં ઊંટ ની જેમ ત્રાંસી ચાલે ચાલતાં મહોરાંનાં હાથે માત થઈ ગયો હતો.
વધુ આવતાં અંકે.
ગોવિંદ કઈ રીતે બચી ગયો હતો એ કાર અકસ્માતમાં..?? એ પેકેટ નું રહસ્ય શું હતું..?? એન્ડી નો ખાત્મો કરી ઓમ અને નફીસા ફરીથી પોતાની જીંદગી પુનઃ શાંતિ થી જીવી શકશે..?? વાંચો સસ્પેન્સ અને એક્શન થી ભરેલાં ચેક એન્ડ મેટ નોવેલનાં છેલ્લાં ભાગમાં.
જેમ જેમ આ નોવેલ આગળ વધી રહી છે એમ એમ વધુ ને વધુ વાંચકો આની સાથે કનેક્ટ થઈ રહ્યાં છે..સસ્પેન્સ થ્રિલર નોવેલ લખવાનો મારો આશય આ સાથે પૂર્ણ થતો લાગી રહ્યો છે.
આ નોવેલ અંગે આપનો કોઈપણ અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો..મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો..ટૂંક સમયમાં એક લઘુ નોવેલ સર્પ પ્રેમ તમારાં માટે લઈને આવીશ.. આભાર..!!
-જતીન. આર. પટેલ (શિવાય)