ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની
Part:-21
The last part
"હા એન્ડી ઉર્ફે ડેવિડ… હું ગોવિંદ જ છું અને એ પણ જીવતો ને જાગતો.."ગોવિંદે ઊંચા અવાજે કહ્યું.
"પણ તું કઈ રીતે જીવતો છે.. તું જે આકાશ સહાની ની કાર લઈને ભાગ્યો હતો અને તને તો પોલીસકર્મીઓ એ ખીણ માં પડતો જોયો હતો..તો પછી અત્યારે તું કઈ રીતે..?" ગોવિંદ ને જીવતો જોઈ એન્ડીનાં મોતીયા મરી ગયાં હતાં.
ગોવિંદે જોની ને મારીને આખી બાઝી પાછી ફેરવી લીધી હતી.. ગોવિંદ નો અવાજ સાંભળી નફીસા પણ આશ્ચર્ય અને હર્ષ સાથે ટાંકી પાછળથી બહાર નીકળી.. ગોવિંદે નફીસા ની તરફ જોઈ આંખો થી બધું સારું છે એમ પૂછી લીધું.
"એન્ડી તું શું સમજતો હતો કે તું જ સૌથી વધુ ચાલાક છે..હા અમે તારાં જેટલાં લુચ્ચા નથી પણ થોડી ઘણી અક્કલ તો અમારે પણ છે..મને પોલીસ જે રીતે મારી પાછળ પડી હતી એ જોઈ સમજાઈ ગયું હતું કે મારું એમની પકડમાંથી બચવું શક્ય નથી..એટલે મેં નફીસા ને એક સુરક્ષિત જગ્યાએ ઉતારીને કાર ને હંકારી મુકી. હું આમ તેમ ચારે તરફ ગાડી ઘુમાવતો રહ્યો પણ પોલીસ મારી પાછળ પડછાયાની જેમ પડી હતી.."
"આ તરફ કારમાં પેટ્રોલ પણ પતી જવા આવ્યું હતું.. મને લાગી ગયું હતું કે હવે કંઈક એવો દાવ કરવો પડશે જેથી પોલીસ ને થાપ આપી શકાય..મેં એવું વિચારી કારને ખંડાલા જોડે નાં પહાડી વિસ્તારમાં મારી મૂકી..જેવી કાર પહાડી તરફ ગઈ એટલે મેં કારની હેડલાઈટ બંધ કરી દીધી..અને કારનો દરવાજો ખોલી એમાંથી કુદી ગયો અને બીજી જ સેકંડે કાર ખીણમાં પડી ગઈ..અંધારાના લીધે પોલીસકર્મીઓ એ કારને ખીણમાં પડતી જોઈ..પોલીસે ખાલી મને કારમાં જોયો હતો એટલે એમને એવી માહિતી આપી કે હું ખીણ માં પડી મરી ગયો છું..પણ હું જીવતો છું.."ગોવિંદ ઓમ તરફ ગયો અને ઓમ નાં હાથમાં પોતાનો હાથ મૂકી બોલ્યો.
"જોયું એન્ડી..તું જાત ને બહુ ચાલક સમજી રહ્યો હતો..પણ હરામી માણસ હું અને ગોવિંદ પોતપોતાની બુદ્ધિથી તારી સચ્ચાઈ જાણવા અહીં પહોંચી ગયાં..મને જે રીતે મોગરાની સેન્ટ ની સ્મેલ એ અહીં સુધી લાવવા મજબૂર કર્યો એમ ગોવિંદ જોડે પણ એક ઘટના બની જે તને ગોવિંદ જણાવશે.."ઓમે કહ્યું..ઓમ ની રિવોલ્વર હજુપણ એન્ડી અને દગ્ગુ પર તકાયેલી હતી.
"એન્ડી બન્યું એવું કે હું પોલીસથી તો બચી ગયો હતો પણ હવે મારાં માટે જીવવું દુષ્કર બની ગયું હતું..એક તરફ સોનાલીનાં મોત ની ખબર મળી તો બીજી તરફ આકાશ સહાની અને પોલીસ બધાં મારી જાનનાં દુશ્મન બન્યાં છે હું સારી પેઠે જાણતો હતો.મુંબઈ માં રહેવું યોગ્ય નહોતું અને પોલીસ પુણે સુધી પણ પહોંચી જાય એવું હતું એટલે હું ચંદીગઠ ચાલ્યો ગયો..ટ્રક ડ્રાઈવર તરીકે હું નિપુણ હતો એટલે મને ત્યાં નોકરી મળી ગઈ..આ નોકરી નાં લીધે જ હું એક દિવસ ગોવા પરથી નીકળ્યો હતો.."
"રસ્તામાં બે લોકો એ લિફ્ટ માટે હાથ ઊંચો કર્યો તો મેં એ બંને ને લિફ્ટ આપી દીધી..એ બંને ટ્રકમાં બેઠાં ત્યારનાં ડ્રગ્સ ની વાત કરી રહ્યાં હતાં..સાથે સાથે એ કોઈ એન્ડી નું નામ પણ દેતાં.. જે બહુ મોટો ડ્રગ ડીલર હતો..મેં જિજ્ઞાસા ખાતર એમને પૂછ્યું અલ્યા આ એન્ડી એવો તે કેવો મોટો ડ્રગ ડીલર છે..?"
"તો એમને મને પાકિટમાં એક ફોટો બતાવી કહ્યું આ એન્ડી છે..પણ હવે એ અબજોપતિ થઈ ગયો છે એટલે અમારાં જેવાં મિત્રો તરફ જોતો જ નથી..એ ફોટો બીજાં કોઈનો નહીં પણ તારો હતો.. જેને અમે મૃત માનતા હતાં,જે અમારાં માટે ડેવિડ હતો એ હજુ જીવિત છે એ જાણી મારું તો માથું ભમી ગયું..હું ત્યાંથી ચંદીગઢ તો ગયો પણ મનમાં અમુક સવાલો દોડી રહ્યાં હતાં એનાં જવાબ ગોવામાં જ મળે એમ હતાં એટલે હું એ જવાબ શોધવા અહીં આવી ગયો.." ગોવિંદ કેમ અત્યારે ગોવામાં હતો એ વિશે જણાવતાં બોલ્યો.
"હા અને જ્યારે હું તારાં વિશે તપાસ કરી રહ્યો હતો ત્યાં મને ગોવિંદ મળી ગયો..મને ખબર હતી કે તારો ભેટો ક્યાંક તો જરૂર થઈ જશે..અને તું સામે આવી પણ ગયો.એન્ડી જેવો તારો કોલ આવ્યો એટલે મેં ગોવિંદ ને કોલ કરી અહીં આવવાનું જણાવી દીધું.."ઓમે અત્યારે ગોવિંદ કઈ રીતે આ ફેકટરીમાં આવ્યો એ વિશે ની માહિતી આપતાં કીધું.
"ગોવિંદ..આ એન્ડી એ જ સોનુ અને સુમિત ની સાથે સોનાલી ને મારી નાંખી છે..આને જીવતો મુકવો યોગ્ય નથી.."નફીસા એ ગોવિંદ ને ઉદ્દેશીને કહ્યું.
"હા નફીસા સાચું કહે છે..હવે વધુ સમય આને જીવતો રાખવો મને યોગ્ય નથી લાગતું..આની તો હું આખરી ઈચ્છા પણ નથી પુછવા માંગતો.."આટલું કહી ઓમે એન્ડી તરફ તાકેલી રિવોલ્વરનું ટ્રિગર દબાવવા આંગળીઓ નું વજન આપ્યું.
એન્ડી અને દગ્ગુ તો સામે મોત ને જોઈ ડરી ગયાં હતાં..ત્યાં જ એક અવાજ આવ્યો.
"ઓમ એવી ભૂલ કરતો જ નહીં..નહીં તો મને નફીસાની ખોપરી નાં ફુરચેફુરચા કરતાં બે સેકંડ થી વધુ સમય નહીં લાગે.."
અવાજ જાણીતો હતો..અવાજ સાંભળતા જ એન્ડીનાં ચહેરાની ચમક પાછી આવી ગઈ જ્યારે નફીસા,ઓમ અને ગોવિંદ નો ચહેરો આશ્ચર્યથી ફિક્કો પડી ગયો.
"સોનાલી..તું આ શું કરી રહી છે..?"નફીસા પર રિવોલ્વર તાકીને ઉભેલી સોનાલી ભણી જોઈને ઓમે આશ્ચર્ય સાથે પૂછ્યું.
"હું શું કરી રહી છું એની મને ખબર છે..તમારી ભલાઈ એમાં છે કે તમારી રિવોલ્વર નીચે ફેંકી દો.."સોનાલી નો અવાજ અત્યારે ક્રૂર જણાતો હતો.
સોનાલી ની વાત સાંભળી ગોવિંદ અને ઓમ એકબીજાની સામે તાકતા જ રહી ગયાં.. સોનાલી તો મરી ગઈ હતી તો પછી એ અહીં..અને એ પણ એન્ડી નો સાથ એ કેમ આપી રહી હતી એ ઓમ અને ગોવિંદ માટે સમજશક્તિ થી ઉપરનું હતું.નફીસા ની ચિંતા થતાં એ બંને એ પોતાની રિવોલ્વર જમીન પર ફેંકી દીધી..જે એન્ડીનાં ઈશારાથી દગ્ગુ એ લઈ લીધી.
"વાહ મારી જાનેમન.. તે તો આખી બાજી ને પલટી દીધી.."એન્ડી એ સોનાલી તરફ જોઈને કહ્યું.
ઓમ,ગોવિંદ અને નફીસા ને રિવોલ્વરનાં જોરે એક લાઈનમાં જોડે ઉભાં રાખી સોનાલી એન્ડી ની જોડે જઈને ઉભી રહી..અત્યારે સોનાલી નો આખો લૂક બદલાઈ ગયો હતો.. ક્યાં એ જેલમાં મળેલી સોનાલી જે ગોવિંદ ને પુષ્કળ પ્રેમ કરતી હતી અને ક્યાં આ સોનાલી જે અત્યારે એન્ડી જેવાં ક્રિમિનલ નો સાથ આપી રહી હતી.
"જોયું ઓમ..મને તાશ નો બહુ શોખ છે..એમાં પણ તીન પત્તી નો હું બહુ શાતિર ખિલાડી છું..તીન પત્તી ની જેમ બંધ પત્તાં સાથે રમવાનું રિસ્ક ક્યારેક જીંદગીમાં પણ રાખવું જરૂરી છે..રખેને ક્યારે કોઈનાં ડબલ રૂપિયા સામે અડધાં રૂપિયા નાંખી બધું જીતી પણ લેવાય.."સોનાલી ની તરફ જોઈને એન્ડી બોલ્યો.
"સોનાલી પણ તું આ હરામી માણસ નો સાથ કઈ રીતે આપી શકે છે..હું તને મારાં જીવ થી પણ વધુ પ્રેમ કરતો હતો અને આ રોબરીમાં આ એન્ડી નો સાથ પણ મેં તારાં લીધે જ આપ્યો.."ગોવિંદ અત્યારે સોનાલીનું આવું વર્તન જોઈ ખૂબ જ દુઃખ મહેસુસ કરી રહ્યો હતો.
"એ બધી વાતો જૂની થઈ ગઈ..હવે તમારાં ભગવાન ને યાદ કરી લો..તમારો અંત સમય આવી ગયો છે..હા ઓમ હું તારાં જેવું નહીં કરું..હું તમારી ત્રણેય ની છેલ્લી ઈચ્છા જરૂર પુછીશ.."એન્ડી મક્કારી સાથે બોલ્યો.
"મારે તારી એવી કોઈ રહેમ ની જરૂર નથી.. સાલા" ઓમે ગાળ આપતાં કહ્યું.
"ઓમ ની કોઈ ઈચ્છા ભલે ના રહી પણ મારી એક ઈચ્છા છે..જો તું મને એ જણાવી શકે કે આ સોનાલી તારી સાથે કઈરીતે થઈ છે..એ જણાવી દઈશ તો હું સોનાલીની બેવફાઈ નું સાચું કારણ જાણ્યાં પછી સુખેથી મરી શકીશ.."ગોવિંદ ને ખુબજ આઘાત લાગ્યો હતો એ એની વાતો પરથી સમજાઈ શકાતું હતું.
"એ એન્ડી નહીં હું જણાવીશ.."એન્ડી ની જોડે ઉભેલી સોનાલી એ ગોવિંદ ની વાત નો જવાબ આપતાં કહ્યું..ત્યારબાદ એ ગોવિંદ ની સામે આવી અને બોલી.
"તો સાંભળ..ગોવિંદ તું મને જ્યારે મળ્યો ત્યારે હું મજબૂર હતી એટલે તારી હૂંફ મને પ્રેમ લાગી..પણ આ બધો પ્રેમ ક્ષણિક હોય છે એ મને ત્યારે સમજાયું જ્યારે તું આકાશ સહાનીનાં ઘરે ગયો ત્યારે તારી ગેરહાજરીમાં હું એન્ડી ને મળી.."
"તું જ્યારે પાંડીચેરી નહોતો એ સમયે બીજાં બધાં લોકો તો ફરવા નીકળી જતાં.. પણ હું એકલી ફાર્મહાઉસ પર જ રોકાઈ જતી..ત્યારે એન્ડી મારી નજીક આવ્યો..એને મને પોતાની સાચી હકીકત જણાવી દીધી..પહેલાં તો મને એની વાત સાંભળી ગુસ્સો આવ્યો પણ જ્યારે એને મને બધાં પૈસા એ પોતાનાં તાબે કરવાનો છે સાથે સાથે પેલું પેકેટ પણ એને મળી જશે આએ જણાવ્યું ત્યારે મને સમજાઈ ગયું કે જો જીંદગી ને હું જે રીતે જીવવા માંગતી હોય એમ જીવવું હોય તો એન્ડી નો સાથ જરૂરી છે.."
"મારાં માટે સુખ સાહ્યબી પ્રેમ કરતાં વધુ જરૂરી હતી..અને જ્યારે એન્ડી એ મને કહ્યું કે એ પણ મને પ્રેમ કરે છે તો મેં ક્ષણવારનો વિલંબ કર્યા વગર એનો પ્રસ્તાવ સ્વીકારી લીધો..પછી તો મેં એન્ડી સાથે ઘણો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો..એન્ડ તારી જાણ ખાતર કહી દઉં હી ઈઝ ટૂ ગુડ.."નફ્ફટાઈ પૂર્વક સોનાલી બોલી રહી હતી.
"અને સોનાલી ને મેં મારી નહોતી..ખાલી એ રાતે બે જ લોકો મર્યા..સોનુ અને સુમિત..એ રાતે એક નહીં બે ડેડબોડી ની વ્યવસ્થા કરી એમ્બ્યુલન્સમાં રાખી દીધી હતી..એટલે પોલીસ ને પણ ચાર ડેડબોડી મળી..અને તમને એવું લાગ્યું કે બધાં મરી ગયાં છે..હું સોનાલીને અહીં લાવવા નહોતો માંગતો પણ મેં જેવું નોટિસ કર્યું કે ઓમ જોડે ગન છે એટલે મેં સાવચેતી રૂપે સોનાલીને મેસેજ કરી દીધો હતો..અને એને પણ એન્ડ ટાઈમે એન્ટ્રી લઈને આખી બાજી ને તમારાં હાથમાંથી મારાં હાથમાં લાવી મૂકી.."એન્ડી એ બીજી અધુરી વાતો ને જોડતાં કહ્યું.
"ચલો હવે જો બધાની ફરમાઈશ પતી ગઈ હોય તો ગેમ ઓવર કરીએ..અને તમે જીવતાં એ પેકેટ આપશો કે તમારાં મર્યા બાદ તમારી તલાશ લઈને શોધી લઉં.."સોનાલી એ કહ્યું.
"સોનાલી આ એ રીતે આપણી વાત નહીં માને..એક કામ કર આ નફીસા ને મારી નાંખ..પછી જોઈએ..આગળ શું કરવું.."એન્ડી એ શૈતાની મુસ્કાન સાથે કહ્યું.
"ના..ના..સોનાલી એવું ના કરતી..હું આપું છું એ પેકેટ.."આટલું કહી ઓમે પોતાનાં જેકેટ ની અંદર હાથ નાંખી એક પેકેટ કાઢ્યું..હકીકતમાં એ એક કાપડ ની કોથળી હતી જે ઓમે એક કવરમાંથી કાઢી હતી.
ઓમે જેવું એ પેકેટ એન્ડી તરફ ફેંક્યું ડેવિડે એ પેકેટ લપકીને પકડી લીધું..કાપડ ની એ કોથળી પર બાંધેલી દોરી છોડી એન્ડી એ અંદર રહેલી વસ્તુ ને બહાર કાઢી..કોથળીની અંદર ચાર મોટી સાઈઝના બ્લુ રંગ નાં હીરા હતાં..હીરા પર પડતો પ્રકાશ જ્યારે એન્ડીનાં ચહેરા પર પડ્યો ત્યારે એનાં લુચ્ચા ચહેરાની લુચ્ચાઈ બેવડાઈ ગઈ.
"તમે મરતાં પહેલાં જણાવી દઉં કે આ પેકેટ ની પાછળ હું કેમ આ રીતે હાથ ધોઈને પડ્યો હતો..આ એક રીતે હીરા નથી પણ આ હીરા કરતાં પણ કિંમતી સ્ટોન છે..જેને તંઝેનાઈટ સ્ટોન કહે છે..આ સ્ટોન ફક્ત આફ્રિકા તાંઝાનીયા દેશના કિલામાંજરો પર્વત પરથી મળી આવે છે..આ એક સ્ટોન ની કિંમત લગભગ 500-700 કરોડ રૂપિયા છે.."આટલું કહી એન્ડી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.
એન્ડી ની વાત સાંભળી ત્યાં હાજર બધાં સમજી ગયાં હતાં કે એન્ડી કેમ આ પેકેટ ની પાછળ આમ ગાંડો થઈને પડ્યો હતો... એક સ્ટોન 500 કરોડ થી ઉપર ની કિંમત નો તો આ ચાર સ્ટોન ની માર્કેટ વેલ્યુ 2500 કરોડ જેટલી અધધ થતી હતી એટલે કોઈ પણ હોય આટલી મોટી રકમની વસ્તુ પોતાના હાથમાંથી જતો રહે તો એ રીતસરનો પાગલ જરૂર થઈ જાય.
"ચલો હવે ખોટો ટાઈમ બગાડયાં વગર આ ત્રણેય ને પણ એમનાં બાકીનાં બે સાથીદારો સાથે મોકલી દઈએ.."સોનાલી એ કહ્યું.
સોનાલી ની વાત સાંભળતા જ એન્ડી અને દગ્ગુ એ પણ પોતપોતાની ગન નો પોઈન્ટ ઓમ,ગોવિંદ અને નફીસા ઉભી હતી એ તરફ કર્યો..હવે એ ત્રણેય સેકંડોનાં જ મહેમાન હતાં.
અચાનક એક ધડાકો થયો અને એક કાર ફેકટરી નો જૂનો દરવાજો તોડીને સીધી જ એ લોકો ની વચ્ચે દીવાલ બનીને ઉભી રહી અને એન્ડી,દગ્ગુ અને સોનાલી ની બુલેટ સીધી કાર ને જઈને વાગી..અચાનક કાર નાં ડ્રાઈવરે સ્ટેયરિંગ ઘુમાવ્યું અને એને એન્ડી અને એનાં સાથીદારો તરફ હંકાવી મુકી.. એ લોકો કંઈપણ કરે એ પહેલાં તો કાર ની ટકકરે એમને લોહીલુહાણ કરીને જમીન દોસ્ત કરી દીધાં.
"ઓમ અને ગોવિંદ આ ત્રણેય ની ગન લઈ લો.."કાર ને બંધ કરી એનો દરવાજો ખોલી એક વ્યક્તિ બહાર નીકળીને બોલ્યો.
બીજાં કોઈ તો એ વ્યક્તિ ને ઓળખતાં નહોતાં પણ એન્ડી એ વ્યક્તિ ને ઓળખી ગયો..
"CBI ઓફિસર..ભટનાગર.. કશ્યપ ભટનાગર.."એન્ડી એ દર્દ થી કરહાતાં કીધું.
"જ્યારે પાપ ની ભરાઈ જાય ગાગર..ત્યારે એને ફોડવા આવે આ ભટનાગર.."પોતાનાં આગવા અંદાજમાં હાથમાં રિવોલ્વરને ઘુમાવતા ભટનાગરે કહ્યું.
ભટનાગર નું નામ બધાં એ સાંભળેલું જરૂર હતું કેમકે ક્રાઈમ બ્રાન્ચ નાં બાહોશ ઓફિસર તરીકે ભટનાગર નું નામ ઘણું જાણીતું હતું.આ ભટનાગર જ હતાં જેમને એન્ડી ને પગે ગોળી મારી એને લંગડો કર્યો હતો.ઓમ અને ગોવિંદે લોહીલુહાણ હાલતમાં પડેલાં દગ્ગુ,સોનાલી અને એન્ડી ની ગન લઈ લીધી.
"પણ સાહેબ તમે અહીં કેવી રીતે..?"કણસી રહેલાં એન્ડી તરફ અપલક નજર ફેંકી ભટનાગર ને ઉદ્દેશીને ઓમે પૂછ્યું.
"ઓમ,તારું નામ ઓમ જ છે ને..જોડે આ નફીસા અને આનું નામ ગોવિંદ.."ભટનાગર ની વાત સાંભળી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં.
"પણ સાહેબ તમને બધી કઈ રીતે ખબર..?"ઓમ નું આશ્ચર્ય ભટનાગર ની વાત સાંભળી બેવડાઈ ગયું.
"આ એન્ડી કાયમ થી મારી નજર હેઠળ જ રહ્યો છે..આકાશ સહાની નાં ઘરે એને રોબરી માટે નો પ્રયાસ કર્યો એ દિવસથી મારું ધ્યાન એની ઉપર હતું..જેલમાંથી છૂટી એ જેવો પાંડીચેરી ગયો મેં અમારાં એક ઓફિસર સંજય નાથ ને એની વોચ રાખવા પાંડીચેરી મોકલ્યો હતો..સંજયે ત્યાંથી મને તમારાં બધાની દરેક ખબર પહોંચતી કરી.સંજય જ્યાં રોકાયો હતો એ હોટલની CCTV ફૂટેજ પરથી મને ખબર પડી ગઈ કે એન્ડી એ એનાં આ લુખ્ખા માણસ ને કહી એ જાંબાઝ ઓફિસર ની હત્યા કરાવી દીધી.."આટલું બોલતાં તો ભટનાગર ની આંખોમાં અંગારા આવી ગયાં અને એમને પોતાની ગનમાંથી ઉપરાઉપરી ત્રણ ગોળીઓ છોડી દગ્ગુ ને મોત ને ઘાટ ઉતારી દીધો.
ભટનાગર ની આ પ્રકારની હરકત જોઈ ત્યાં હાજર દરેક તો આંખો ચોળતું રહી ગયું..પણ ભટનાગર ની આંખો માં દગ્ગુ ની હત્યા કર્યા પછી એક પ્રકારની શાંતિ સ્પષ્ટ દેખાતી હતી..પોતાનાં સાથીદાર ની હત્યા કરનાર ને એનાં ગુના ની સજા આપવાનું સુકુન અત્યારે ભટનાગર નાં ચહેરા પર દેખાઈ રહ્યું હતું.
"બે દિવસ સુધી સંજય નો કોઈ મેસેજ ના આવ્યો એટલે હું પાંડીચેરી એ રોકાયો હતો ત્યાં પહોંચી ગયો..પણ મને ત્યાં સંજય ની લાશ મળી. મારો શક સાચો હતો કે આ એન્ડી બહુ મોટી વેતરણ માં હતો..પણ એ શું હતું એ મને ખબર નહોતી..ત્યારબાદ મેં આકાશ સહાની નાં ઘર પર સતત વોચ રાખી પણ એક મહિનો વીતી ગયાં પછી પણ કોઈ ઘટના ના બનતાં મને મારો શક ખોટો પડતો જણાયો..એમાં પણ એન્ડી નો ક્યાંય પત્તો ના લાગ્યો એટલે મેં હતાશ થઈને એ વિશે વિચારવાનું મૂકી દીધું.."
"પણ આખરે રોબરી થઈ એ દિવસે હું સમજી ગયો કે આ રોબરી એન્ડી એ જ કરાવી હતી..એજ રાતે આકાશ નાં ઘરે રોબરી ની ખબર પોલીસ ને આપવામાં આવી..સાથે સાથે અન્ય બે ઘટનાઓ બની જેમાં આકાશ સહાનીનાં ડ્રાઈવર નું કાર સાથે ખીણ માં પડવું અને સળગેલી એમ્બ્યુલન્સમાંથી ચાર લોકો ની લાશ મળવી સામેલ હતી."
"મેં એ ચારે લાશો નો ફોરેન્સિક રિપોર્ટ જોયો પણ કોઈ ડેડબોડીનાં પગમાં ગોળી વાગવાની વાત પોલીસે ના કરી એટલે હું સમજી ગયો કે એન્ડી હજુ જીવતો છે..પણ એન્ડી જાણે કોઈ ભુત હોય એમ હવામાં ગાયબ થઈ ગયો હતો..મારી તપાસ આખરે એન્ડ પોઇન્ટ પર આવીને અટકી ગઈ..પણ મેં એક વસ્તુ કરી હતી, જે નંબર પરથી પોલીસ ને કોઈએ આકાશ સહાની નાં ઘરે ચોરી થયાં ની જાણ કરી એ નંબર મેં સર્વિલેન્સ પર રાખ્યો હતો..અત્યાર સુધી તો એ નંબર બંધ હતો પણ બે દિવસ પહેલાં જ એ સીમ પાછું ઓન થયું..એને ટ્રેસ કરી હું ગોવા આવી ગયો.."
"બસ પછી તો મેં જોની ને ખબર ના પડે એમ એનો પીછો ચાલુ રાખ્યો..અને અચાનક આજે સાંજે મેં એન્ડી અને જોની ને સાથે જોયાં એટલે મને ખબર પડી ગઈ કે કોઈ મોટો ધમાકો જરૂર થશે..એ લોકો નફીસા ને લઈને ભાગ્યાં ત્યારે હું એમની પાછળ જ હતો પણ એક સિગ્નલ પર હું રેડ લાઈટમાં ફસાઈ ગયો અને એ લોકો મારી નજરોથી દૂર ચાલ્યાં ગયાં..પાછો મેં જોની નો નંબર ટ્રેસ કર્યો પણ એ બંધ હતો..તાત્કાલિક મેં એ નંબર ની કોલ ડિટેઈલ કઢાવી જેમાં નો એક નંબર એન્ડી નો હતો અને ટ્રેસ કરી હું અહીં આવી ગયો.."પોતે કેમ અહીં અચાનક આવી ચડ્યો એ વિશે જણાવતાં ભટનાગરે કહ્યું.
ભટનાગર જ્યારે આ બધું કહી રહ્યો હતો ત્યારે એની નજર ચૂકવી નીચે લોહીલુહાણ હાલતમાં પડેલાં એન્ડી એ પોતાની ગન હાથમાં લઈ લીધી અને ભટનાગર પર ગોળી ચલાવી દીધી..પણ ઓમ ની નજર એની આ હરકત પર પડી ગઈ એટલે ઓમે જોરથી "ઓફિસર" ચીસ પાડી..
ઓમ ની બુમ સાંભળી ભટનાગરે માથું નમાવી દીધું પણ ગોળી એમનાં હાથ પર લાગી ગઈ..એન્ડી ની આવી નીચ કોશિશ થી ગુસ્સે ભરાયેલાં ગોવિંદે એન્ડી પર ગોળી ચલાવી દીધી પણ એન્ડી એ તીવ્ર બુદ્ધિ વાપરી સોનાલી ને ખેંચીને વચ્ચે લાવી દીધી અને ગોવિંદ ની ગોળી સીધી સોનાલીનાં પેટમાં ઉતરી ગઈ.એન્ડી નો સાચો ચહેરો મરતાં મરતાં એની સામે આવી ગયો હતો.પોતે આ નીચ માણસ માટે અને પોતાની જાહોજલાલી માટે ગોવિંદ સાથે બેવફાઈ કરી એ વાત નો એને પસ્તાવો થઈ રહ્યો હતો..કોઈનાં સાચા પ્રેમ ને બદલે એને દગો આપવાની કિંમત સોનાલી ને મળી ચુકી હતી..થોડી જ વારમાં સોનાલી એ એન્ડી નાં હાથમાં જ છેલ્લો શ્વાસ લીધો.
સોનાલી ની આવી દશા જોઈ બધાં થોડા વ્યથિત થઈ ચૂક્યાં હતાં, ખાસ કરીને ગોવિંદ..આ તરફ એન્ડી એ આ પળનો લાભ ઉઠાવી ત્યાંથી સાચવીને સરકી ગયો..એન્ડી પોતાની ખુલ્લી કાર જોડે પહોંચી ગયો અને ઉત્સાહમાં પોતાની રિવોલ્વરમાંથી એક ગોળી હવામાં ફાયર કરી પોતાની ખુશીનો ઈજહાર કર્યો..બધાં દોડીને એ તરફ જતાં જ હતાં ત્યાં એન્ડી એની કારમાં બેસી નીકળવાની તૈયારી કરી ચુક્યો હતો..બધાં એકબીજાનું મોઢું વકાસીને ઉભાં હતાં.. ભટનાગર પોતાની કાર લેવા પાછો જતો જ હતો ત્યાં એક અનહોની ઘટના બની.
એન્ડી એ જે ગોળી હવામાં ચલાવી હતી એ એક કેમિકલ કન્ટેન્ટર નાં પાયાં ને લાગી હતી..આ ફેકટરી અચાનક સીલ કરાઈ હતી એટલે ઘણું કેમિકલ એમજ ટાંકી અને કન્ટેન્ટરમાં મોજુદ હતું..પાયો તૂટતા એનું કન્ટેનરમાં ભરેલું જલદ એસિડ સીધું એન્ડી ની કાર પર આવીને ઢોળાયું..આ કેમિકલ એટલું જલદ હતું કે કાર ની મેટલ બોડી પણ ઓગળી ગઈ અને એન્ડી જીવતો જ એ કેમિકલ માં જાણે ઓગળી ગયો..એન્ડી ની ચીસો ઘણો સમય સુધી વાતાવરણમાં ગુંજી રહી હતી..પણ કોઈને એની આવી મોત પર પણ થોડી એ દયા નહોતી આવી રહી.
પોતાનાં કરેલાં કર્મો ની સજા ભોગવી એન્ડી સ્વધામ સિધાવી ચુક્યો હતો..ભટનાગરે નજીક જઈને જોયું તો પેલું સ્ટોન વાળી કોથળી તો સળગી ગઈ હતી પણ અંદર રહેલાં સ્ટોન એમને એમજ મોજુદ હતાં.. એસિડ ને હાથ કે શરીરનો બીજો ભાગ સ્પર્શ ના થાય એમ એન્ડી નાં બચેલ કંકાલ જોડેથી એ સ્ટોન ભટનાગરે સાચવીને લઈ લીધાં.
ઓમ,નફીસા અને ગોવિંદ અત્યારે ખૂબ ખુશ જણાતાં હતાં.. એમનાં ઘણાં સવાલો ની સાથે એન્ડી નો પણ અંત આવી ચુક્યો હતો..એ ત્રણેય ઓફિસર ભટનાગર જોડે ગયાં અને એમનો આભાર માનતાં "Thanks" કહ્યું.
"આતો મારી ફરજ હતી..એન્ડી એ રોબરી માં મેળવેલી કેશ ક્યાં છે એની તો ખબર નથી પણ આ ચાર સ્ટોન બહુ કિંમતી છે એનું તમે કહો એમ કરીએ.."ભટનાગરે કહ્યું.
"મતલબ.. ઓફિસર કંઈ સમજાયું નહીં.. તમે આ સ્ટોન ને આકાશ સહાની ને નથી સોંપવા માંગતા?" ભટનાગર ની વાત સાંભળી આશ્ચર્ય સાથે ઓમે પૂછ્યું.
"ના ઓમ..હું એવું નહીં કરું..કેમકે આકાશ સહાની એ આની કે રોબરી થયેલી રકમ ની કોઈ FIR નથી લગાવી..કેમકે આ બધું નાયબ મુખ્યમંત્રી યોગેન્દ્ર ગુરુ નું છે..અને આ બધી વસ્તુ બે નંબર ની છે મતલબ આ રાજ્યનાં ગરીબ લોકો ની મહેનત ની કમાઈમાંથી કરેલી ચોરી..જે દેખાતી નથી પણ ભ્રષ્ટાચાર રૂપે થતી ટુકડે ટુકડે થતી જ રહે છે..એટલે મારી ઈચ્છા છે કે આ કિંમતી સ્ટોન તમે રાખો ને તમારે આનું જે કરવું હોય એ કરો..કેમકે જો સરકારી તિજોરીમાં જમા કરાવીશ તો યોગેન્દ્ર ગુરુ પોતાની વગ વાપરી ગમે તે રીતે આ સ્ટોન હાસિલ કરી લેશે.. અને હું એવું નથી ઇચ્છતો."ભટનાગર પોતાની વાત ને રજૂ કરતાં બોલ્યો.
"જો તમારી આજ ઈચ્છા હોય તો મારી પણ એક ઈચ્છા છે..આ ચાર સ્ટોન છે અને આપણે પણ ચાર લોકો અત્યારે અહીં મોજુદ છીએ..સર તમે ક્યારેય બેઇમાની નું લેતાં નથી મને ખબર છે..પણ હું આમાંથી એક સ્ટોન તમને આપવા માંગુ છું અને બીજાં ત્રણ હું નફીસા અને ગોવિંદ વહેંચી લઈશું..તમે ના પાડતાં નહીં.. તમે આ સ્ટોન ને વેંચી એમાંથી મળેલી રકમમાંથી તમને ગમતું કોઈપણ દાનકાર્ય કરજો..અને અમે ભુજ માં સુમિત અને સોનુ ની યાદમાં એક વિશાળ હોસ્પિટલ અને સ્કૂલનું નિર્માણ કરીશું.."ઓમે ભટનાગર ની જોડે જઈને કહ્યું.
ઓમ ની વાત ને ભટનાગર અને ત્યાં હાજર દરેકે સસ્મિત સ્વીકારી લીધું..ત્યારબાદ ઓમ અને ગોવિંદનાં કહેવાથી ગોવિંદ પણ એમની સાથે ભુજ ચાલ્યો ગયો..જ્યાં ઓમ નાં એક મિત્ર ની વિધવા બહેન વૈશાલી ની સાથે ઓમે ગોવિંદનાં લગ્નની વાત રાખી..જેનો સ્વીકાર થતાં ગોવિંદ નાં વૈશાલી સાથે ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યાં.. ત્યારબાદ ઓમ અને નફીસા ની જેમ ગોવિંદે પણ પોતાની નવી જીંદગી ની શરૂવાત ત્યાં જ કરી અને ભુજમાં જ પોતાનો ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ શરૂ કર્યો.
એક દિવસે સવારે ઓમે ન્યૂઝપેપર વાંચ્યું તો જોયું કે એનાં પર એક મહિલાની હત્યાનો જે આરોપ લાગ્યો હતો એ ખોટો સાબિત થયો હતો.હકીકતમાં એ મહિલાની હત્યા ઓમ નાં જ મિત્ર જયે કરી હતી..ઓમ ની વધી રહેલી ડિમાન્ડ ને લીધે થતી ઈર્ષ્યા અને જય ને પણ ઓમ ની ગર્લફ્રેન્ડ ભૂમિ તરફ નો પ્રેમન આ બે કારણો ને લીધે જય ને મનોમન ઓમ પ્રત્યે નફરત હતી..માટે એ રાતે જેવો ઓમ નીકળ્યો એવો એને એ મહિલાના ઘર ની પાછળ ની બાજુથી ઘરમાં પ્રવેશ કર્યો અને એ મહિલાને મોત ને ઘાટ ઉતારી દીધી..પોલીસ ને ઓમ ની તલાશ હતી એવામાં એ મહિલાની પાછળના ઘરની આગળ રાખેલાં cctv ફુટેજમાં જય ઘરમાં પ્રવેશતો દેખાયો..પોલીસ ને શક પડતાં એમને જય ની કડક હાથે પૂછપરછ કરી તો એને પોતાનો ગુનો કબૂલી લીધો..એની ધરપકડ કરી કેસ ક્લોઝ કરવામાં આવ્યો.
પોતે બેગુનાહ છે એની સાબિતી મળતાં એ પોતાનાં ઘરે ગયો અને પૂરાં પરિવાર ને નફીસાની ઓળખાણ પોતાની પત્ની તરીકે આપી..ઓમ નો અત્યારે સેટલ થયેલો બિઝનેસ જોઈ એનાં પરિવારને પણ ખૂબ આનંદ થયો..પોતાનાં મમ્મી તથા પપ્પા ને સાથે લઈને ઓમ પાછો ભુજ નીકળી ગયો જ્યાં સુમિત અને સોનુ નાં નામે બનાવેલી સ્કૂલ અને હોસ્પિટલનું એમનાં હાથે ઉદ્દઘાટન કર્યું..આ પ્રસંગ માં ગોવિંદ પોતાની પત્ની વૈશાલી સાથે અને ઓફિસર ભટનાગર પણ સપરિવાર હાજર રહ્યાં.
ઓફિસર ભટનાગરે પણ 10 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઓફિસર સંજય નાથ નાં પરિવાર ને આપી દીધી..અને મુંબઈ માં એક મોટા વૃદ્ધાશ્રમ અને અનાથાલય ની સ્થાપના કરી.
અંતે સૌ પોતપોતાની જીંદગી માં રાજી ખુશી જીવવા લાગ્યાં..!!
સમાપ્ત..
આમ પમ દોસ્તો શતરંજ ની રમત ક્યારેક દિમાગ ની સાથે દિલ થી પણ રમવી પડે છે..નહીંતો વજીર ગમે તેવો તાકાતવર ના હોય સમય આવે એક પ્યાદુ પણ એનાં મોત નું કારણ બની શકે છે. આ સાથે જ આ શાનદાર,સસ્પેન્સ નોવેલ નો અંત કરી રહ્યો છું..નોવેલ નાં દરેક પાત્રો મારાં માટે બહુ ખાસ હતાં.. ટૂંક સમયમાં આપ સૌ માટે લાવી રહ્યો છું એક રહસ્યમયી ફિક્શન લઘુ નોવેલ સર્પ પ્રેમ.
આ નોવેલ અંગેનાં તમારાં અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર જણાવી શકો છો.. માતૃભારતી પર આ સિવાય મારી અન્ય નોવેલ ડેવિલ એક શૈતાન અને બેકફૂટ પંચ પણ તમે આ સાથે વાંચી શકો છો.. આભાર..!!
- ઓથર :- જતીન. આર. પટેલ