ચેક એન્ડ મેટ 1 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેક એન્ડ મેટ 1

ચેક & મેટ - ચાલ જીંદગી ની

પ્રસ્તાવના

મારી છેલ્લી નોવેલ ડેવિલ એક શૈતાન ને સર્વે વાંચકો નો જે ભરપૂર પ્રેમ મળ્યો એની સફળતા થી પ્રેરાઈ ને રહસ્ય અને રોમાંચ થી ભરપૂર એક લાર્જર ઘેન લાઈફ રચના લખવાનું મન થયું..આ નોવેલ નો પ્લોટ તો ક્યારનોય મગજ માં ઘુમરાવા મારી રહ્યો હતો..આખરે એના શબ્દો રૂપી મણકા બનાવી સુંદર નોવેલ રૂપી માળા આપ માટે લઈને આવ્યો છું.

"માનવા બેસો તો દરેક વ્યક્તિ ની અંગત જીંદગી ની કહાની એક નોવેલ માટે નું મટીરીયલ પૂરું પાડે છે" આવા જ કેટલાક સાચા પાત્રો, ફિલ્મી પાત્રો, નોવેલ ના કિરદારો વગેરે વિશે નાના માં નાની વાત નું અવલોકન કરી એક સાથે બધા ને એક નોવેલ માં લાવવું સહેલું તો નહોતું જ..પણ કંઈક કરવા ધારો તો કશું પણ અશક્ય તો નથી જ.ત્યારબાદ ઘણી બધી મહેનત પછી તૈયાર થઈ ગઈ આ નવલકથા ચેકમેટ- ચાલ જીંદગી ની.

આ નવલકથા નું દરેક પાત્ર પોતપોતાની અલગ અલગ સ્ટોરી ધરાવે છે..દરેક ની જીંદગી માં નાની મોટી મુસીબત છે..આવા પાત્રો જ્યારે એકબીજા ને મળે છે ત્યારે સંજોગો ના ભ્રમર માં થી એક પછી એક એવી ઘટનાઓ બને છે જે તમારા રુંવાડા ઉભા કરી મુકશે. સેક્સ, ગાળી ગલોચ, ભ્રષ્ટાચાર, ગરીબી, ગુનાખોરી, કેફી દ્રવ્યો, લૂંટ, મર્ડર મિસ્ટ્રી, લવ સ્ટોરી બધા મસાલા ને માફકસર ના ઉમેરી ને આ સુંદર વાનગી એટલે કે ચેક મેટ - ચાલ જીંદગી ની નોવેલ ની રચના કરી છે.

જેમ જમવાની મજા ત્યારે જ આવે જ્યારે સ્ટાર્ટર પણ એટલું જ ઉત્તમ હોય..પહેલા ભાગ ની પહેલી લીટી થી જ આ નોવેલ એના ટોપ ગીયર માં, ફૂલ ફ્લો માં આપ માટે લખાઈ છે.."જીવવું મરવાથી મુશ્કેલ છે..જીવવા માટે અને એમાં પણ નક્કી કર્યા મુજબ નું જીવવા માટે કંઈપણ કરવું પડે તો એ કરવામાં કંઈ ખોટું નથી.."ચેકમેટ નોવેલ ના એક પાત્ર દ્વારા કહેવાયેલો આ સંવાદ જ ઘણું બધું કહી જાય છે.

લખવાની ઈચ્છા હતી એક લવ સ્ટોરી ની પણ ખબર નહીં કેમ હવે સસ્પેન્સ અને થ્રિલ ના હોય એવું લખવું પણ નથી ગમતું..મને ખુદ ને પણ આ નોવેલ લખ્યા પછી આત્મ સંતોષ ની લાગણી થઈ હતી..ગુજરાતી ભાષા માં કનું ભગદેવ, એચ.એન.ગોલીબાર, મારા મિત્ર અને ગુરુ એવા પ્રવીણ પીઠડીયા વગેરે ગુજરાતી વાંચકો માટે ખૂબ સરસ સસ્પેન્સ રચનાઓ લાવતાં રહ્યાં છે..મારી આ નોવેલ એ દરેક લેખક ને અર્પણ છે જેને ગુજરાતી ભાષા ની સેવા માં પોતાની જીંદગી લગાવી દીધી.

આ નોવેલ લખવાની પ્રેરણા કોને પુરી પાડી એનો જવાબ ટૂંક માં આપવો તો શક્ય નથી જ..કેમકે મારા ફેમિલી મેમ્બર અને મારી નાની બેન દિશા પટેલ ની સાથે ઘણા લોકો નો સહયોગ ડગલે ને પગલે મળતો રહ્યો છે..સૌપ્રથમ તો વર્ષા બેન, સોલી ફિટર, જૈનમ, ચાંદની, સીમરન, આકાશ વગેરે નો ખૂબ ખૂબ આભાર..બધા ના નામ નથી લખી શકતો પણ દરેક વાંચકો નો હૃદય ના અંતઃકરણ થી આભાર.તો પ્રસ્તુત છે આપ સૌ માટે મારી મહત્વકાંક્ષી રચના "ચેક મેટ- ચાલ જીંદગી ની.."

ઓથર:- જતીન. આર. પટેલ

ચેપ્ટર- ૧

"નાખ આ લોકોને ને અંદર..… એની માં ને ગેલ છપ્પા ઓ સુખે થી જીવવા પણ નથી દેતા.."દાદર પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર ગાયકવાડ ગંદી માં ગંદી ગાળો બોલી ને એમના કોન્સ્ટેબલો ને અમુક લોકો ને લોકર માં નાખવાની આજ્ઞા આપી રહ્યાં હતાં.

આજે બન્યું એવું કે દાદર બસ સ્ટેન્ડ ની પાછળ આવેલા લકી ગેસ્ટ હાઉસ માં પડેલી પોલીસ રેડ માં ૨૦ લોકો ને પકડવામાં આવ્યા હતાં..લકી ગેસ્ટ હાઉસ માં દેહ વ્યાપાર ચાલતો હોવાની ખબર મળતાં સાંજે ઇન્સ્પેક્ટર ગાયકવાડ અને એમની ટીમે ગેસ્ટ હાઉસ પર રેડ પાડી અને ત્યાં ના મેનેજર સહિત ૨૦ લોકો ને પકડી ને દાદર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં..હોટલ નો માલિક અત્યારે મુંબઈ માં નહોતો એટલે આ બધાં લોકો ને જેલ માં થી કઢાવવા માટે આપવો પડતો વ્યવહાર ચૂકવ્યા વિના આ લોકો નું બહાર નીકળવું લગભગ અશક્ય હતું.

"હરામી ની ઓલાદો ને ઘર ની દાળ ભાવતી નથી એટલે બીરીયાની નો સ્વાદ ચાખવા નીકળી પડ્યા..."ખુરશી માં બેસતાં ની સાથે ગાયકવાડે કહ્યું.

"સાહેબ..૩ કોટડી ખાલી છે તો દરેક માં કેટલા કેટલા અંદર નાંખું આ હરામખોરો ને...?"કોન્સ્ટેબલ પટનાયકે સવાલ કર્યો.

"અલ્યા ચુત્યા..એટલી એ ખબર નથી પડતી તને..બે માં સાત સાત નાંખ અને પેલો લંગડો પડ્યો છે એમાં બીજા છ ને નાંખ..."ક્રોધ પૂર્વક ગાયકવાડે હુકમ કર્યો.

ઇન્સ્પેકટર ગાયકવાડ નો આદેશ સાંભળી કોન્સ્ટેબલ પટનાયક અને તુકારામ એ લકી ગેસ્ટહાઉસ માં થી લાવેલા લોકો ને એક પછી એક કોટડી માં ભરવાના ચાલુ કર્યા..નવા બનેલા પોલીસ સ્ટેશન માં કોટડી ની સાઈઝ પ્રમાણ માં સારી હતી એટલે બધા રાત આસાની થી કાઢી શકશે..નહીં તો ઘણી વાર નાની જગ્યામાં એટલા લોકો ને ભરવામાં આવતા કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે.

લકી ગેસ્ટ હાઉસ આમ તો પહેલાં થી જ દેહ વ્યાપાર માટે કુખ્યાત હતું...પણ પહેલાં હપ્તા અને પોલીસ સાથે ના સેટિંગ ના લીધે બધું રહેમ નજર નીચે ચાલે જતું..થોડા મહિના થી ત્યાં આ બધાં ખોટા કામો બંધ હતાં.પણ કહેવાય છે ને નામ સારું કરતાં વર્ષો વીતી જાય અને બગડતાં એક ક્ષણ પણ વધુ પડે.ગાયકવાડ ને નવો આવેલા મેનેજર હપ્તો પહોંચાડવાનું ભૂલી ગયો એટલે પૈસા પડાવવા આ ખોટી રેડ નું નાટક કરી માસુમ લોકો ને પકડવામાં આવ્યા હતાં.. જે લકી ગેસ્ટ હાઉસ માં ફકત રોકાવા માટે આવ્યાં હતાં.

મેનેજરે હપ્તા ના નક્કી કરેલા પૈસા પણ ગાયકવાડ ને આપવાની તૈયારી બતાવી પણ પોતાનો રોફ બતાવવા અને વધુ પૈસા ની લાલચે એ ના માન્યો અને ગેસ્ટ હાઉસ માં રોકાયેલા નિર્દોષ લોકો ને પકડી ને પોલીસ સ્ટેશનમાં લેતો આવ્યો..વગર કારણે આ લોકો એ રાત જેલ માં પસાર કરવાની હતી.એ લોકો ના મોબાઈલ પણ રેડ સમયે જ જપ્ત કરી લેવાયાં હતાં જેથી એ લોકો કોઈ સાથે વાત ના કરી શકે.

ખાલી પડેલી ત્રણ બેરેક પૈકી બે બેરેક માં એક પછી એક સાત-સાત કરી ને ચૌદ લોકો ને પુરી દેવા માં આવ્યાં હતાં..જ્યારે બાકી ના છ જણા ને છેલ્લી બેરેક માં પુરવામાં આવ્યાં જ્યાં પહેલે થી ખૂણા માં કોઈ વ્યક્તિ ધાબળો ઓઢી ને સૂતો હતો..એ લોકો સમજી ગયા કે આ માણસ કદાચિત ગાયકવાડ કહેતો હતો એ લંગડો જ હતો.બરેક ની દીવાલો તરફ એ લોકો એ નજર નાંખી તો કંઈક અલગ અલગ પ્રકાર ની ના સમજાય એવી આકૃતિઓ બનાવવામાં આવી હતી.

છેલ્લી બેરેક માં જે છ લોકો ને પુરવામાં આવ્યાં એમાં એક કપલ હતું, એક ૨૫ વર્ષ નો યુવાન અને લગભગ એટલી જ ઉંમર ની યુવતી હતી..એમની સાથે ગેસ્ટ હાઉસ નો મેનેજર સુમિત દેશમુખ અને એક ત્રીસેક વર્ષ નો પુરુષ અને સ્ત્રી નું મિશ્રણ કહી શકાય એવો "ગે" ટાઈપ નો માણસ હતો.

એ બધાં લોકો ગાયકવાડ ને પોતે સારા ઘર ના લોકો છે અને અહીં રોકાણ માટે આવ્યાં હતાં એવું સમજાવી ને થાકી ગયાં હતાં પણ ગાયકવાડ એક નો બે ના થયો..બેરેક માં પુરાવા ની થોડીક મિનિટો સુધી તો કોઈ કંઈપણ બોલ્યું નહીં..એ કપલ એક બાજુ માં જઈને બેસી ગયું..એમાં બંને સ્ત્રી પુરુષ માં સ્ત્રી ની ઉંમર ત્રીસ વર્ષ આજુબાજુ ની હતી અને પુરુષ ચાલીસ વર્ષ ની ઉંમર ની આજુબાજુ નો હોય એવું એમના ચહેરા પર થી લાગી રહ્યું હતું.

મેનેજર સુમિત એક દીવાલ ને ટેકો દઈને ચૂપચાપ બેઠો હતો..એની નજર છત પર ટીંગાવેલી આછા પીળા રંગ ની ડીમ લાઈટ પર સ્થિર હતી..ગે લાગતો પુરુષ જેલ ના સળિયા જોડે ટૂંટિયું વાળીને બેસી ગયો..જ્યારે યુવાન લાગતો છોકરો પેલા કપલ ની સામે ની દીવાલ ની નજીક લંબાવે છે.

"એક્સકયુઝ મી..મહેરબાની કરીને ઉભા થશો..અહીં સરખી રીતે બેસવાની જગ્યા નથી અને તમને સુવાની પડી છે.."ત્યાં પુરવામાં આવેલ એ યુવાન જેટલી જ સમવયસ્ક યુવતી એ આવી ને કહ્યું.

"સોરી..પ્લીઝ તમે અહીંયા બેસો"એ યુવક તરત જ ઉભા થતાં બોલ્યો..એ યુવતી એ નાનકડી સ્મિત સાથે thanks કહ્યું અને પછી એ યુવક થી થોડું અંતર રાખી ને બેસી ગઈ.

થોડીવાર સુધી પાછી બેરેક માં શાંતિ પ્રસરાઈ રહી..બેરેક માં બસ ધાબળો ઓઢી ને ઊંઘતા વ્યક્તિ ના નસકોરાં ના અવાજ સિવાય કંઈપણ અવાજ નહોતો.!!

"મારા નસીબ જ વાંકા છે જે કરું એમાં કંઈક ને કંઈક નવું ને નવું બનતું જ રહે છે..જીવવું પણ હવે મરવા થી ભૂંડું લાગે છે..એક નોકરી પરાણે મળી હતી એમાંયે નોકરી જોઈન કર્યા ના ચોથા દિવસે તો રેડ..એની માં ને.."બેરેક ની દીવાલ પર હાથ પછાડતા સુમિતે કહ્યું.

"અરે એમાં નસીબ ને દોષ દેવો ખોટો છે..નસીબ માં કંઈક સારું થવા ના સંકેત રૂપે આ ઘટના બની હોય એવું પણ બને ને દોસ્ત.."ત્યાં હાજર યુગલ માં થી પુરુષે કહ્યું.એ જે યુવતી સ્ત્રી સાથે બેઠો હતો એના કરતાં એનો દેખાવ સામાન્ય કહી શકાય એવાં હતાં.પણ જે રીતે બંનેનો એકબીજા પ્રત્યે નો પરસ્પર નો વ્યવહાર હતો એ જોતાંજ સમજી શકાતું હતું કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે.

"પણ આમાં શું સારું છે..મિત્ર..એક તો જીંદગી ની પહેલાં થી પથારી રગડાઈ ચુકી છે અને એમાં આ નવું દુઃખ આવ્યું..હપ્તો પહોંચાડવાનું મને કહેવાયું નહોતું એટલે મેં ના મોકલાયો..હવે આ ગેસ્ટ હાઉસ નો માલિક ચોક્કસ મારા પર આવી ને બગડશે અને મને નોકરી માં થી..."આટલું બોલતાં બોલતાં તો સુમિત નાના બાળક ના જેમ રડી પડ્યો.

સુમિત ના રડવા થી ત્યાં બેરેક માં ઉપસ્થિત દરેક નું ધ્યાન એની તરફ ગયું..જેલ ના સળિયા જોડે ઉભેલા પેલા ગે ટાઈપ ના માણસે જેલ માં પડેલા માટલાં માં થી એક ગ્લાસ પાણી ભરી ને સુમિત ને આપ્યું..પાણી પીધાં પછી સુમિતે કહ્યું..

"સોરી યાર હું થોડો લાગણી શીલ થઈ ગયો હતો..ડગલે ને પગલે આવતી મુસીબતો નો સામનો કરવાની હિંમત મરી પરવરી છે..જો હવે આ નોકરી ગઈ તો જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.."રડમસ અવાજે સુમિતે કહ્યું.

"એવી તો કેવી મુસીબત આવી ને ઉભી છે તમારી જીંદગી માં તે આટલા બધા કંટાળી ગયા છો..?"સામે બેસેલાં પેલા યુવાને કહ્યું.

"ભાઈ ક્યાં થી ચાલુ કરું એની જ ખબર નથી પડતી..જીંદગી માં સારું શું બન્યું??અને ખોટું શું બન્યું , એના લેખા ઝોખાં કાઢવા બેસું તો દુઃખો અને મુશ્કેલી ઓ નું પલડું એટલું નમી જશે કે સુખ રૂપી વજન તો મહેસુસ જ નહીં થાય.."સુમિતે હાથ રૂમાલ વડે આંખો લૂછતાં કહ્યું.

"અરે એતો બધા ની જીંદગી માં હોય જ..દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ..એમાં ભગવાને આપેલી આટલી સુંદર મનુષ્ય જીંદગી ને ટૂંકાવવાનો શું અર્થ..?"બેરેક માં ઉપસ્થિત યુગલ માં થી સ્ત્રી હતી અને કહ્યું.

"સાચી વાત છે તમારી બેન પણ હું કોને શું સમજાવું કે મારા જોડે શું બન્યું છે.." અવાજ માં લાચારી સાથે સુમિતે કહ્યું.

"દુઃખ વહેંચવા થી ઘટે એવી કહેવત છે..જો તમે તમારું દુઃખ અમારી સાથે વહેંચશો તો ક્યાંક એવું પણ બને કે અમારા માં થી કોઈક જોડે એમાંથી નીકળવાનો કોઈક રસ્તો પણ હોય.." અત્યાર સુધી ચૂપચાપ બેસેલી યુવતી એ સુમિત ને ઉદ્દેશીને કહ્યું.

થોડીવાર સુધી સુમિત કંઈપણ બોલ્યો નહીં પછી એને કહ્યું..

"તો દોસ્તો સાંભળો મારી જીંદગી ની એ કહાની જેમાં હવે રેગીસ્તાન ની ગરમ માટી ના જેમ ક્યાંક સુખ ની મીઠી વીરડી નથી.."સુમિત ની વાત સાંભળવા બધા એ પોતાનાં કાન સરવા કર્યાં.

"મારુ નામ સુમિત દેશમુખ.એશિયા ની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવી ધારાવી ના એક સામાન્ય પરિવાર માં મારો જન્મ થયો હતો.જન્મ ના સમય થી જ નાની નાની વાતે ટુ એડજસ્ટ થઈ જવું એ મારા જેમ દરેક ગરીબ છોકરાની મજબૂરી ગણો તો મજબૂરી અને કુશળતા ગણો તો કુશળતા...બસ હું પણ નાનપણ થી જ ઈચ્છાઓ ને મારી ને જીવતાં શીખી ગયો હતો."

"મારો બાપ ફક્ત બે જ કામ કરતો આખો દિવસ મમ્મી ની મજૂરી ના પૈસા પર દારૂ પીતો, જો મમ્મી આપવાની ના પાડે તો એમના જોડે મારઝૂડ કરતો અને રાતે થાકેલી મારી માં ના શરીર ને વધુ થકવીને પોતાની શારીરિક ભૂખ સંતોષતો..!!આવો બાપ હોવા કરતાં બાપ વગરનું હોવું સારું"

"હું આમ ને આમ દસ વર્ષ નો થઈ ગયો..મારા દુષ્ટ બાપ નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હતો..પણ કહ્યું છે ને ઉપરવાળા ના ઘરે દેર છે અંધેર નહીં , અમારી જોડે પણ એવું જ થયું.એકવાર ધારાવી માં લઠ્ઠાકાંડ ની ઘટના બની જેમાં ઝેરી દારૂ પીને મરનારા પચાસ લોકો ની સાથે મારો બાપ પણ મરી ગયો..અમને છુટકારો મળી ગયો એ હરામખોર થી"

"મારા બાપ ને હું તુકારે બોલાવું છું એ જાણી ને તમને નવાઈ થશે પણ એના થી વધુ તમને એ જાણી ને નવાઈ થશે કે મારા બાપા ની મોત પર હું અને મમ્મી થોડું પણ રડ્યા નહોતાં.. ઉપર થી અમે તો ઈશ્વર નો આભાર માની રહ્યાં હતાં એ શૈતાન થી અમને છોડાવવા માટે."

"સરકાર તરફ થી આ ઘટના માં ભોગ બનેલા દરેક ના પરિવાર ને બે બે લાખ રૂપિયા ની સહાય કરવામાં આવી..ચૂંટણી નો સમયગાળો નજીક હોવા થી સહાય ની જાહેરાત ખાલી જાહેરાત ના રહેતાં હકીકત બની ગઈ...બાકી આપણા દેશ માં સરકાર દ્વારા જાહેર થતી નાણાકીય સહાયતા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યા પહેલાં જ ખવાઈ જાય છે."

"મારો બાપો જીવતા જીવ તો કંઈ ન આપી ગયો પણ મર્યા બાદ સરકાર દ્વારા અપાયેલી નાનકડી રકમ પણ અમારા માં દીકરા ના સુંદર ભવિષ્ય માટે અપાવીને અમારા માટે કંઈક તો સારું કરતો ગયો. આમ પણ દારૂ ક્યારેક ને ક્યારેક એને ભરખી જ જવાનો હતો...આ ઘટના માં મરવાના લીધે બે લાખ નો ફાયદો તો થયો.."આટલું બોલી સુમિત હસી પડ્યો.

ત્યાં હાજર બીજા લોકો સુમિત ની વાત સાંભળી એતો અનુમાન લગાવી ચુક્યા હતાં કે એનો બાપ યમદૂત થી ઓછો નહીં જ હોય..એટલે જ એનો એક નો એક દીકરો એના મોત પર રડવા ને બદલે ખુશ થાય છે.ક્યારેક સંજોગો માં ફસાયેલો માણસ પોતાના અનુભવ ના આધારે સામે વાળા વ્યક્તિ ને કેવું આંકે છે એનું સુમિત જીવતું જાગતું ઉદાહરણ હતું.

સુમિતે પોતાની વાત આગળ વધારતાં કહ્યું.

"એ બે લાખ રૂપિયા નો ઉપયોગ મમ્મી એ મારા અભ્યાસ પાછળ કર્યો..મેં પણ આખી જીંદગી જેને ફક્ત મારી ખુશી માટે વેડફી નાંખી છે એવી મારી માં ના ઘડપણ ને સુખમય બનાવવા માટે ખૂબ ખંત અને લગન થી અભ્યાસ પૂર્ણ કર્યો..બાર કોમર્સ ની પરીક્ષા સારા ગુણાંક સાથે ઉત્તીર્ણ કર્યા પછી હું ઉચ્ચ અભ્યાસ માટે ધારાવી સ્થિત ગુરુ નાનક કોલેજ માં એડમિશન લઈ લીધું."

"કોલેજ કાળ મારી જીંદગી નો સૌથી વધુ સુવર્ણ તબક્કો હતો..આ એજ સમય હતો જ્યારે મારી જીંદગી ને વેરાન વગડા માં વસંત રૂપી સીમા નું આગમન થયું..નામ તો સીમા હતું પણ એની ખૂબસૂરતી ની કોઈ સીમા નહોતી. પ્રથમ દ્રષ્ટિ એ જ મને તો એના જોડે પ્રેમ થઈ ગયો..અને કેમ ના થાય સીમા હતી જ એટલી મનમોહક કે એને જોઈને કોઈ પણ એનો ચાહક બની જાય..અને જે એના પરિચય માં આવે એ તો એના વ્યક્તિત્વ થી અંજાઈ ને એનો પાગલ જ બની જાય.."

"હું પણ સીમા ને પાગલપન ની હદ સુધી ચાહતો હતો..પણ સીમા ને પ્રેમ કરવો એ મારી જીંદગી ની સૌથી મોટી ભૂલ બની ગઈ.."

પોતાના હાથ વડે પોતાના ચહેરા ને છુપાવી ને ઘૂંટણ પર માથું મૂકી રાખી સુમિતે કહ્યું..સીમા ને પ્રેમ કરવું એ કઈ રીતે સુમિત ની જીંદગી ની સૌથી મોટી ભૂલ હતી એ જાણવા ની બધા ની ઇંતેજારી વધી રહી હતી..!!

***

સુમિત ની જીંદગી ની આગળ ની કહાની શું હતી?? અને આ છ લોકો ની જીંદગી માં જેલ ની બેરેક માં થયેલી આ મુલાકાત શું રંગ લાવવાની હતી?? એ જાણવા રાહ જોવો આવતા ભાગ ની..!!

આ નોવેલ ના પ્રથમ ભાગ અંગે નો આપ સર્વે વાંચક મિત્રો નો અભિપ્રાય મને મારા whatsup નમ્બર 8733097096 પર મોકલાવી શકો છો.

ઓથર:- જતીન. આર. પટેલ