ભેદી ટાપુ - 13 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - 13

ભેદી ટાપુ

[૧૩]

તીરકામઠા

અનુવાદ

ડો. અમૃત રાણિગા

કપ્તાન, આજે આપણે ક્યાંથી શરુ કરવાનું છે?” બીજે દિવસે સવારે પેનક્રોફટે આ પ્રશ્ન ઈજનેરને પૂછ્યો.

આપણે એકડેએકથી શરુ કરવાનું છે.ઈજનેરે જવાબ આપ્યો.પાસે કોઈ પણ પ્રકરના સાધનો ન હતાં. તેમની પાસે માત્ર પહેરેલા કપડાં હતાં. તેમનું લોઢું હજી ખનીજના રૂપમાં હતું. અને તેમનાં વાસણો હજી માટીના રૂપમાં હતાં.

તેમની પાસે કાચો માલ હતો, પરંતુ તેમાંથી બધું બનાવવાનું બાકી હતું. આ ટુકડીનો નેતા સાહસિક અને બુદ્ધિશાળી હતો. તેના સાથીઓ પણ હોશિયાર અને પરિશ્રમી હતા. સ્પિલેટ એક શક્તિશાળી ખબરપત્રી હોવા ઉપરાંત બીજી ઘણી વિદ્યામાં પારંગત હતો. તે કોઈ પણ કામ કરવામાં પાછી પાની કરે એમ ન હતો.

હર્બર્ટ પ્રાણીશાસ્ત્રનો જાણકાર હતો, અને રોજબરોજના કામમાં ઉપયોગી નીવડે એવો હતો. નેબ મૂર્તિમંત ભક્તિભાવ હતો. કુશળ, કદાવર, તંદુરસ્ત અને કદી પણ ન થાકે એવો નેબ ઘડતરકામમાં હોશિયાર હતો. પેનક્રોફટ વિશ્વના બધા જ સમુદ્રોમાં ઘૂમી વળ્યો હતો. તેને સુતારીકામ, દરજીકામ, માળીનું કામ, ખેતીનું કામ વગેરે આવડતું હતું. એક દરિયાખેડું તરીકે લગભગ દરેક જાતના કામમાં તે પ્રવીણ હતો.

આવા પાંચ માણસોને ભેગા કરવા એ મુશ્કેલ કામ હતું. ગમે તેવા પ્રતિકૂળ સંજોગો સામે તે ઝઝૂમી શકે તેમ હતા; અને અચૂક વિજયી બને તેમ હતા.

પહેલાં તો આપણે એક મોટી ભઠ્ઠી બનાવવી પડશે.હાર્ડિંગે કહ્યું.

શા માટે?” પેનક્રોફટે પૂછ્યું,

વાસણકૂસણ બનાવવા માટે.હાર્ડિંગે જવાબ આપ્યો.

ભઠ્ઠી શેનાથી બનાવીશું?”

ઈંટોથી.

ઈંટો શાની બનાવવી?”

માટીની.કપ્તાને જવાબ આપ્યો.ચાલો, ઈંટો બનાવવાનું આજ એજ ચાલુ કરીએ. આપણી ખોટી મહેનત બચાવવા, જ્યાં માટી નીકળતી હોય ત્યાં જ ઈંટોનું કારખાનું બનાવીશું; અને ત્યાં જ રાંધવાનું અને ખાવાનું રાખશું. નેબ બધી સામગ્રી લાવશે.

આપણી પાસે શિકારનાં સાધનો નથી.સ્પિલેટે કહ્યું.એટલે ખોરાકની તંગી પાડવા સંભવ છે.

અરે! એક ચાકૂ હોત તો ય પહોંચી વળત.ખલાસી બોલ્યો.

તો શું કરત?” કપ્તાને પૂછ્યું.

તેના વડે હું તીરકામઠું તૈયાર કરત. પછી શિકારમાં વાંધો ન આવે.

હા, ચાકૂ--ઈજનેરે કહ્યું. એકાએક તેની નજર ટોપ તરફ ગઈ. તેણે ટોપને બોલાવ્યો. ટોપ પાસે આવ્યો એટલે એના ગળામાંથી લોઢાનો પટ્ટો કપ્તાને કાઢી લીધો. પછી તેના બે ટુકડા કાર્ય, અને કહ્યું.

આપણી પાસે બે ચાકૂ છે, પેનક્રોફટ.કપ્તાન બોલ્યો.

લોઢાના બંને ટુકડાને પથ્થર સાથે ઘસીને ધાર કાઢી. બે કલાકમાં બે ચાકૂ તૈયાર થઈ ગયાં.પોલાદના ટુકડાને મજબૂત હાથા જડી લેવામાં આવ્યા.

આ સાધનો તેમનો પહેલો વિજય હતો. પછી તેઓ તીરકામઠા માટેની સામગ્રીની શોધમાં નીકળી પડ્યા. કપ્તાને

સરોવર તરફ જવાનું સૂચન કર્યું. હર્બર્ટ, સ્પિલેટ અને ખલાસી એ બાજુ નીકળી પડ્યા. તેઓ લગભગ પાંચ માઈલ ચાલીને સરોવર પાસે પહોંચ્યા. દક્ષિણ અમેરિકામાં જંગલીઓ ક્રેજીંબા નામના વૃક્ષનો કામઠું બનાવવામાં ઉપયોગ કરે છે. હર્બર્ટે એ વૃક્ષ શોધી કાઢ્યું. તેમાંથી લાંબી સીધી સોટા જેવી ડાળીઓ કાપી લીધી. આ ડાળીઓમાંથી સુંદર ધનુષ્ય બની શકે એમ હતું. હવે દોરીની જરૂર પડી. આ માટે હીબીસ્કસ હેટોરોફીલસ નામના છોડના તાંતણા દોરી તરીકે કામ આવે એવા હતા.

આ રીતે કામઠા તૈયાર થઈ ગયાં. હવે તીર બનાવવાના બાકી રહ્યાં. આ માટે સીધી, કડક વૃક્ષની ડાળીઓ ઉપયોગમાં આવી. પણ બાણનું લોઢાનું અણીદાર ફણું શેમાંથી બનાવવું? એ પણ ક્યાંકથી મળી રહેશે.

આ કાર્ય પૂરું કરીને તેઓ જે જગ્યાએ ઈંટનું કારખાનું નાખવાના હતા ત્યાં પહોંચ્યા. આ સ્થળ સરોવરથી લગભગ બસ્સો ફૂર દૂર હતું. અણીદાર લાકડાંથી તેઓએ પુષ્કળ માટી ખોદી. અંદર રેતી ભેળવી પગેથી એને ખૂબ ગૂંદી. પછી ઈંટના ચોસલાં હાથથી બનાવ્યા. બે દિવસ સુધી ખૂબ મહેનત કરી ત્યારે તેઓ ત્રણ હજાર ઈંટ બનાવી શક્ય. ભઠ્ઠી બનાવવા માટે હજી બીજા બે દિવસ મહેનત કરવી પડે તેમ હતી.

તે દિવસે બીજી એપ્રિલ હતી. ઈંટો બનાવવા સાથે તેણે એક બીજું અગત્યનું કામ પણ શરુ કર્યું. આ ટાપુ ક્યે સ્થળે આવેલો છે એ નક્કી કરવા કપ્તાને એક રીત અજમાવી. ગઈ કાલે સૂર્ય કેટલા વાગ્યે આથમ્યો તેની નોંધ લીધી હતી. આજે સવારે સૂર્ય કેટલા વાગ્યે ઊગ્યો તે પણ નોંધી લીધું. સૂર્ય આથમ્યો અને ઊગ્યો એની વચ્ચે બાર કલાક અને ચોવીસ મિનિટનો ગાળો વીત્યો હતો. પછી એ દિવસે સૂર્ય ઊગ્યા પછી બરાબર છ કલાક અને બાર મિનિટે સૂર્ય માથે આવે, સૂર્ય આકાશના જે ભાગ ઉપર બપોરે આવ્યો તે ભાગ તેણે વૃક્ષની નિશાની રાખી નોંધી લીધો. એ ઉપરથી અક્ષાંશ અને રેખાંશ નક્કી કરવાના હતા, અને આ લીંકન ટાપુ પૃથ્વીના ક્યાં ભાગમાં આવ્યો છે તે પણ નક્કી કરવાનું હતું.

ઈંટો તૈયાર થઈ એટલે લાકડાંનો નિંભાડો ખડકી, તેમાં ઈંટો પકાવી, ઈંટો પાકી ગયા પછી તેમાં ભઠ્ઠી ચણવાનું કામ શરુ કર્યું. રેતી અને ચૂનો મેળવીને તૈયાર જ રાખ્યો હતો. ૧૪ એપ્રિલને દિવસે તેઓએ એક વિશાળ ભઠ્ઠી તૈયાર કરી નાખી. ભઠ્ઠી વીસ ફૂટ ઊંચી હતી. તેના ભૂંગળામાંથી જયારે પહેલીવાર ધુમાડા નીકળ્યા ત્યારે બધા ખુશ થઈ ગયા. પેનક્રોફટે તો કહ્યું પણ ખરું કે આ ભઠ્ઠીમાંથી અધ્યતન વસ્તુઓ બનશે.

ભઠ્ઠી તૈયાર થયા પછી કપ્તાને પહેલું કામ વાસણો બનાવવાનું કર્યું. વાસણોના ઘાટ વિચિત્ર હતા પણ તેમાંથી માટલાં, હાંડલા, કથરોટ, વાટકા, તપેલાં, વગેરે વાસણો બનવા માંડ્યા. આ કામ લગભગ ૧૫ એપ્રિલ સુધી ચાલ્યું. વચ્ચે આ ભઠ્ઠી બનતી હતી તે દરમિયાન શિકારનું કામ પણ ચાલુ હતું. ટોપ એક શાહૂડીને મારી લાવ્યો. તેનાં અણીદાર પીછાં તીરનાં ફણા તરીકે કામ આવ્યાં.

સ્પિલેટ અને હર્બર્ટ થોડા વખતમાં સારા તીરંદાજ બની ગયા. તેઓ કેપીબેરો, કબૂતરો અને બીજાં પક્ષીઓનો આ તીરથી સહેલાઈથી શિકાર કરી શકતા હતા.

વળી તેઓ આ લીંકન ટાપુ ઉપર દિવસો પણ ગણતા હતા. ૫મી એપ્રિલે આ ટાપુ પર આવ્યાને બાર દિવસ થતા હતા.

૧૫ એપ્રિલ સુધી કુંભારકામ ચાલ્યું. ૧૬ એપ્રિલે રવિવાર હતો. તે દિવસે ઇસ્ટરનો તહેવાર હોવાથી અગતો પાળવાનું નક્કી કર્યું. ૧૫ એપ્રિલની સાંજે તેઓ માટીનાં બધાં વાસણો લઈને ગુફામાં આવ્યા. ભઠ્ઠીનો અગ્નિ ઠારી નાખવામાં આવ્યો.

તે સાંજે બધાંએ વાળુ કર્યું. વાળુ કર્યા પછી સૂતા પહેલાં બધા ફરવા નીકળ્યા. રાતના આઠ વાગ્યા હતા. વદ પાંચમનો દિવસ હતો. ચંદ્ર હજી ઊગ્યો ન હતો. આકાશમાં તારાઓ મોતીની જેમ ચમકતા હતા. કપ્તાન આકાશ સામે જોતો હતો. થોડી મિનિટ વિચાર કાર્ય પછી તે બોલ્યો:

હર્બર્ટ, આજે એપ્રિલ છે?”

હા, કપ્તાનહર્બર્ટે જવાબ આપ્યો.

ઠીક, જો હું ન ભૂલતો હોઉં તો કાલનો દિવસ એ વર્ષના ચાર દિવસોમાંનો એક દિવસ છે. એ દિવસે વિશ્વ આખાનાં ઘડિયાળો પોતાનો સમય સૂરજની ગતિ પ્રમાણે મેળવશે. એ દિવસે સૂર્ય આ ટાપુના આકાશના મધ્ય ભાગ્માંથિયા પસાર થશે. જો ઋતુ સારી હશે તો હું કાલે આપણા ટાપુના રેખાંશ નક્કી કરીશ.

સેક્સટંટ કે એવા કંઈ સાધન વિના?” સ્પિલેટે પૂછ્યું.

હા,” ઈજનેરે જવાબ આપ્યો.આજે રાત્રિ ખૂબ સ્વચ્છ છે એટલે પહેલાં હું સ્વસ્તિક તારાની ઊંચાઈ માપીશ. પછી એને આધારે આ ટાપુના અક્ષાંશ,કાઢીશ. આ ટાપુ છે એટલું આપણે શોધી કાઢવું પડશે. તે ઉપરથી આપણે અમેરિકા કે ઔસ્ટ્રેલીયાથી કેટલે અંતરે છીએ તેની ખબર પડશે;

હકીકતે તો,” સ્પિલેટે કહ્યું:ઘર બાંધવાને બદલે વહાણ બાંધવું વધારે મહત્વનું બનશે, જો આપણે વસ્તીવાળા કિનારાથી સોએક માઈલને અંતરે હોઈએ તો.

એ જ કારણથી,” હાર્ડિંગે કહ્યું:આજે સાંજે હું લીંકન ટાપુના અક્ષાંશ માપીશ; અને આવતી કાલે બપોરે હું તેના રેખાંશ માપવાની કોશિશ કરીશ.

જો ઈજનેર પાસે સેક્સટંટ (ઉંચાણ અને નીચાણનું કોણમાપક યંત્ર) હોત તો આ કાર્ય બહુ સરળતાથી અને ચોકસાઈથી પાર પાડી શકાત. આજે રાતે ધ્રુવની ઊંચાઈ અને આવતી કાલે સૂર્યને આધારે આ ટાપુ પૃથ્વી ઉપર ક્યે સ્થળે આવેલો છે તેનો નિર્ણય થશે. પણ સેક્સટંટ નથી તેની આ ખામી કઈ રીતે દૂર કરવી?

હાર્ડિંગ ગુફામાં પ્રવેશ્યો. તાપણાના પ્રકાશમાં તેણે આંકણી જેવા બે મલોખાં કાપીને તૈયાર કર્યા; અને પછી તેના બે છેડાને એક જાડી બાવળની શૂળથી જોડી દીધા. આ રીતે કપાસ જેવું સેક્સટંટ નામનું સાધન તૈયાર થઈ ગયું. તેની બન્ને ભુજાઓ ઓછી કે વધારે પહોળી કરવી હોય તો થઈ શકે એમ હતી.

આ સાધન તૈયાર કરીને ઈજનેર પાછો દરિયાકિનારે આવ્યો. હવે ધ્રુવની ઊંચાઈ માપવાની હતી. એ માટે ક્ષિતિજ બરાબર જોઈ શકાય એવી જગ્યા પસંદ કરવાની હતી. ત્યાં જઈ સ્વસ્તિકના તારાનું માપ લેવાનું હતું. ઘણો વિચાર કરીને તેઓ ઉત્તર દિશામાં આવેલી એક ટેકરી ઉપર ગયા. સ્વસ્તિકનો તારો અહીંથી બરાબર દેખાતો હતો.

કપ્તાને ટેકરી ઉપર એક જગ્યા પસંદ કરી. પછી પોતાની પાસેનાં સેક્સટંટની એક ભુજા સમુદ્રની સપાટીની લીટીમાં ગોઠવી અને બીજી ભુજા સ્વસ્તિકના મુખ્ય તારની લીટીમાં મેળવી આ બંને ભુજાની વચ્ચે એક ખૂણો બન્યો. આ ખૂણાનું માપ એ જ સ્વસ્તિકના તારા અને ક્ષિતિજની વચ્ચેના અંતરનું માપ હતું.હવે એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં લેવાની હતી. પૃથ્વીના દક્ષિણ ધ્રુવ અને સ્વસ્તિકના તારાની વચ્ચે ૨૭ અંશને પણ ધ્યાનમાં રાખવાના હતા.

હજી એક બીજી વાત ધ્યાનમાં રાખવાની હતી. કપ્તાને ખૂણાનું માપ ઊંચી ટેકરી ઉપરથી લીધું હતું. એટલે ક્ષિતિજ અને ધ્રુવ વચ્ચેના અંતરમાંથી આ ટેકરીની ઊંચાઈનું માપ બાદ કરવાનું હતું. અત્યારે મોડું થયું હતું એટલે ટેકરીની ઊંચાઈ માપવાનું કામ કાલ ઉપર મોકૂફ રાખવામાં આવ્યું.

રાત્રે દસ વાગ્યે બધા નિરાંતે સૂઈ ગયા.

***