ભેદી ટાપુ - 12 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ભેદી ટાપુ - 12

ભેદી ટાપુ

[૧૨]

આ ધુમાડો ક્યાંથી?

અનુવાદ

ડો. અમૃત રાણિગા

તેઓ બધા પર્વત ઉપરથી નીચે ઉતરવા લાગ્યા. થોડીવારમાં તેઓ પહેલી ટૂકે પહોંચી ગયા. અહીં તેમણે આગલી રાત્રે પડાવ નાખ્યો હતો. પેનક્રોફટે નાસ્તા માટે સમય જોવાની દરખાસ્ત કરી. સમય જોવા માટે સ્પિલેટે ઘડિયાળ બહાર કાઢી. તેની ઘડિયાળ કિંમતી હતી. આવા વાવાઝોડામાં પણ તે નિયમિત ચાલતી હતી. સ્પિલેટ ચાવી દેવાનું કદી ભૂલતો ન હતો.

હાર્ડિંગ પાસે પણ એક ઘડિયાળ હતી. તે અત્યારે અટકી ગઈ હતી. હાર્ડિંગે તેને બહાર કાઢી ચાવી દીધી. અને સૂર્ય સામે જોઈને આશરે નવ ઉપર મૂકી. સ્પિલેટ પણ પોતાની ઘડિયાળનો સમય બદલવા જતો હતો પણ ઈજનેરે તેને અટકાવ્યો અને કહ્યું:

ના, જરા થોભો. તમારી ઘડિયાળમાં રીચમંડનો સમય છે. એટલે એ સ્થળના રેખાંશ પ્રમાણે તમારી ઘડિયાળ છે. હવે તમે સમય ફેરવતા નહીં. આગળ ઉપર આપણને તે ઉપયોગી થશે.

તેમણે બધાએ પેટ ભરીને નાસ્તો કર્યો, અને બદામ ખાધી. બધો નાસ્તો ખલાસ થઈ ગયો. રસ્તામાં બીજો મળી રહેશે એની બધાને ખાતરી હતી.

હાર્ડિંગે અહીંથી નીકળીને ગુફામાં પહોંચવા માટે આ વખતે જુદો રસ્તો લીધો. તેની ઈચ્છા ગ્રાન્ટ સરોવર પાસે થઈને નીકળવાની હતી. તેઓ પર્વતની તળેટીમાં પહોંચ્યા. ત્યાંથી તેમણે સરોવર તરફનો માર્ગ લીધો. પર્વત ઉપરથી દેખાયેલી એક નાની નદી સરોવરને મળતી હતી. એ નદીને કિનારે કિનારે ચાલવાથી સરોવર સુધી પહોંચી શકાય તેમ હતું.

એ નદી સુધી પહોંચવા માટે જંગલમાં પહોંચવું જરૂરી હતું. જંગલ ખૂબ ગાઢ હતું. તેથી નક્કી થયું કે કોઈએ છૂટા ન પડવું, અને સાવચેતીથી આગળ વધવું. ટોપ સૌથી આગળ હતો. બધા તેની પાછળ હતા. કંઈ ભય જેવું હોય તો ટોપ ભસવા માંડતો. કપ્તાન ચાલતાં ચાલતાં રસ્તામાંથી માટી,કાંકરા, પાંદડા વગેરે વીણીને ખિસ્સામાં ભરતો હતો.

લગભગ દસ વાગ્યે તેઓ એક મેદાન જેવા ભાગ પાસે આવી પહોંચ્યા. અહીં બહુ થોડાં છૂટા છવાયાં વૃક્ષો હતાં. માટીનો રંગ પીળો હતો. આ સપાટ મેદાન જેવો ભાગ લગભગ એક માઈલ જેટલો લાંબો હતો. અહીં બેસાલ્ટના ખડકો પડેલા હતા; જેને ઠરતાં સિતેર કરોડ વરસો થયાં હતાં. અહીં લાવારસ દેખાતો ન હતો.

એકાએક હર્બર્ટ દોડતો દોડતો આવ્યો. જ્ય્યારે નેબ અને ખલાસી એક ખડક પાછળ સંતાઈ ગયા.

ધુમાડો, કપ્તાન!હર્બર્ત બોલ્યો.અમે અહીંથી સો ડગલાં દૂર મોટા ખડકની પાછળ ધુમાડો નીકળતો જોયો છે!

તો પછી માણસો હશે?” સ્પિલેટે કહ્યું.

આપણે સાવચેત રહેવું જોઈએ.કપ્તાને જવાબ આપ્યો.અહીંના આદિવાસીઓ ભયજનક હોય છે. ટોપ ક્યાં છે?”

ટોપ તો આગળ છે.

તે ભરતો નથી?”

ના.

એ નવાઈજનક છે. આપણે એને પાછો બોલાવવો જોઈએ.

થોડી મિનિટોમાં ઈજનેર, સ્પિલેટ અને હર્બર્ટ તેના બે સાથીઓ સાથે મળી ગયા. તેઓ બેસાલ્ટના ઢગલા પાછળ સંતાયા. ત્યાંથી તેઓ સ્પષ્ટ રીતે પીળો ધુમાડો આકાશમાં જતો જોઈ શકતા હતા.

ઝીણી સિસોટી મારીને ટોપને પાછો બોલાવી લેવામાં આવ્યો. પછી કપ્તાન ધીમેથી એ ધુમાડા તરફ સરકવા લાગ્યો. બાકીના બધા સ્થિર થઈને તેને જોઈ રહ્યા. થોડી વાર પછી કપ્તાનની બૂમ સંભળાઈ. બધા તે તરફ દોડ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે ગંધકની અણગમતી ઉગ્ર વાસથી તેમનું મોં બગડી ગયું.

આ ધુમાડા તો ગંધકના ઝરામાંથી નીકળે છે. આ ઝરણાનું પાણી શરદીમાં દવા તરીકે કામ આવે છે.

કપ્તાને પોતાનો હાથ પાણીમાં બોળ્યો. થોડું પાણી પી જોયું.સ્વાદમાં મીઠું હતું. પાણીનું ઉષ્ણતામાન ૯૫ અંશ ફેરનહીટ હતું. હર્બર્ટે પૂછ્યું કેએ કઈ રીતે ખબર પડી?”

એ તો સાવ સરળ છે. મેં પાણીમાં હાથ બોળ્યો. મને ઠંડુ કે ગરમ ન લાગ્યું એનો અર્થ એ કે પાણીની ગરમી આપણી ગરમી જેટલી છે. આપણા શરીરની ગરમીન ૯૫ અંશ હોય છે.

ઝરા પાસેથી તેઓ આગળ વધ્યા. ત્યાં પેલી નાનકડી નદી દેખાઈ. એ નદીને કિનારે રાતી માટી હતી. તેથી તેમણે આ નદીનું નામ રાતી નદી પાડ્યું. તેમને ખાતરી હતી કે આ નદીને કાંઠે કાંઠે ચાલતાં તેઓ સરોવર પાસે જઈ પહોંચશે. આ નદીકાંઠે ચાલતાં સરોવર દોઢ માઈલ દૂર હતું. નદીની પહોળાઈ ત્રીસથી ચાલીસ ફૂટ હતી. તેનું પાણી મીઠું હતુ, અને સરોવરનું પાણી પણ મીઠું હોવાની સંભાવના હતી.

નદીના બંને કાંઠે વૃક્ષો હારબંધ ઝૂલતાં હતાં. અમેરિકા અને તાસ્મનિયામાં જે જાતનાં વૃક્ષો થતાં હતાં, એવા વૃક્ષો અહીં નજરે પડતાં હતાં. અમેરિકાની ઓક્ટોબર માસની જેવી ઋતુ હોય તેવી અહીં એપ્રિલ માસમાં દેખાતી હતી. લીલાછમ ઘટાદાર વૃક્ષો ચારે તરફ ઊગી નીકળ્યા હતાં. એક પણ નાળીયેરી જોવા મળતી ન હતી. યુકેલિપ્ટસ અને દેવદારનાં વૃક્ષો ઘણાં હતાં.તુસાક' નામનું ઊંચું ઘાસ અહીં પુષ્કળ હતું. આ ઘાસ ન્યુ હોલેન્ડમાં ખાસ કરીને જોવા મળે છે.

અહીં જાતજાતનાં અને ભાતભાતનાં પંખીઓ ઊડતાં હતાં. કોકેટુ, પેરોક્વેટ, કલકલિયા જેવાં બહુરંગી પક્ષીઓ કલબલાટ મચાવી મૂકતાં હતાં. એકાએક પકજ=સહીઓનું સંગીત, ચોપગાં પ્રાણીઓની ચીસો અને આદિવાસીઓના અવાજો સંભળાયા.

નેબ અને હર્બર્ટ દોડ્યા. સદ્ભાગ્યે ત્યાં ચોપગાં પ્રાણીઓ કે ભયંકર આદિવાસીઓ નહોતા. પણ અર્ધો ડઝન જંગલી પંખીઓ સંગીત ગાતાં હતાં. લાકડીના થોડાક કુશળ સપાટીથી એ સંગીત બંધ થઈ ગયું, અને સાંજના ભોજન માટે સુંદર ખોરાક પ્રાપ્ત થયો.

થોડી વાર પછી કાંગરૂનું ટોળું દેખાયું. તેઓ ત્રીસ ત્રીસ ફૂટનો કૂદકો મારતાં હતાં. ખિસકોલી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ પર જાય તેમ જાણે કે તેઓ ઊડતાં જતાં હતાં. નેબ, હર્બર્ટ અને ટોપે કાંગારુંનો પીછો કર્યો; પણ પાંચ મિનિટ માં જ તેઓ નિષ્ફળ થઈને પાછા ફર્યા.

કપ્તાન!પેનક્રોફટે કહ્યુંહવે આપણે બંદૂક બનાવવી જોઈએ. અહીં બંદૂક બનાવી શકાય?”

હા, કદાચ!કપ્તાને જવાબ આપ્યો; “પણ હમણાં તો આપણે તીરકામઠાથી ચલાવી લેવું પડશે.

તીરકામઠા?” પેનક્રોફટે તિરસ્કારથી કહ્યું, “એ તો બાળકોની રમત કહેવાય.

તીરકામઠાએ સેંકડો વર્ષોથી ધરતીને લોહીથી રંગી છે. બંદૂક તો હજી કાલની વાત છે, યુદ્ધ તો દુર્ભાગ્યે હજારો વર્ષથી લડાય છે.સ્પિલેટે ઉત્તર આપ્યો.

તમારી વાત સાચી છે, મિ. સ્પિલેટખલાસી બોલ્યો.

બપોરે ત્રણ વાગ્યે એ કૂતરો જંગલમાં અદ્રશ્ય થઈ ગયો. એ કોઈ પ્રાણી સાથે ઝપાઝપી કરતો હોય અવાજ આવ્યો. નેબ તેની પાછળ દોડ્યો. એક સસલા કરતાં કદમાં જરા મોટું પ્રાણી ટોપના પંજામાં સપડાયું હતું. અને બીજા બે આજુબાજુ ભમતાં હતાં. નેબે બંનેને પકડી લીધાં. અને ખુશ થતો થતો બહાર આવ્યો. આ પ્રાણીઓને રોડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રોડેન્ટ એટલે જંગલી સસલાં.

પેનક્રોફટે આનંદનો ઉદ્ગાર કર્યો. આગળ ચાલતાં એક વિશાળ સરોવર દેખાયું. તેઓ સરોવરને પશ્ચિમ કિનારે પહોંચ્યા. આ સ્થળ ખૂબ રમણીય હતું. સરોવરનો ઘેરાવો લગભગ સાત માઈલનો હશે. તેનું પાણી ચોખ્ખું અને મીઠું હતું. અહીં કેટલાંક કલકલિયાનાં જોડાં ઊડતાં હતાં. તેઓ પાણીમાં માછલીને જોઈને તીરની જેમ પડતાં હતા અને ચાંચમાં શિકાર પકડીને ફરી પાછા ઊડી જતાં હતાં. એ ઊપરાંત જંગલી બતકો અને કૂકડાઓ પાણીમાં તરતાં હતાં.

આ સરોવર ખૂબ જ સુંદર છે. એને કાંઠે રહેવાનું મળે તો કેવું સારું!સ્પિલેટે કહ્યું.

આપણે અહીં જ રહીશું.હાર્ડિંગે જવાબ આપ્યો.

બધા ગુફા તરફ જવા માટે સરોવરને કિનારે દક્ષિણ તરફ ચાલવા લાગ્યા. વચ્ચે ઊગી ગયેલા ઝાડની વચ્ચેથી રસ્તો કરવો પડ્યો.આ રીતે બે માઈલ જેટલું અંતર કાપવામાં આવ્યું. સામે મેદાન દેખાયું અને તેની પેલી તરફ સમુદ્ર લહેરાતો નજરે પડ્યો.

ગુફામાં પહોંચવા માટે આ મેદાનને પાર કરીને એકાદ માઈલ ચાલવું પડે તેમ હતું. પછી નદીનો કિનારો પાસે આવી જતો હતો. ગુફા પાસેની નદીનું નામમર્સીરાખ્યું હતું. પણ ઈજનેર એ રસ્તે ચાલવાને બદલે તળાવને કિનારે જ આગળ વધ્યો. કપ્તાન એક વસ્તુની તપાસ કરવા ઈચ્છતો હટતો. એક નદીનું પાણી સરોવરમાં ઠલવાતું હતું. તેથી સરોવરમાં આવતું વધારાનું પાણી બીજી બાજુથી ક્યાંય નીકળતું હોવું જોઈએ. આ પાણી ક્યે સ્થળેથી નીકળે છે એ જાણવું હાર્ડિંગને બહુ જરૂરી લાગ્યું. સરોવર સમુદ્રની સપાટીથી લગભગ ત્રણસો ફૂટની ઉંચાઈએ આવેલું હતું. જો એ પાણી ધોધ બનીને દરિયામાં પડતું હોય તો એ ધોધનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે. આથી હાર્ડિંગ કિનારે કિનારે ફરવા લાગ્યો. લગભગ દોઢ માઈલ સુધી આગળ ચાલ્યા પણ ક્યાંય પાણીનો નિકાસ દેખાશે નહિ. લગભગ આખા સરોવરને પ્રદક્ષિણા ફરી લીધી. પણ વધારાનું પાણી ક્યાંય ન દેખાયું.

સાંજના સાડા ચાર વાગ્યા. આથી બધા ગુફા તરફ ચાલ્યા.મર્સી' નદીને ડાબે કાંઠે ચાલીને તેઓ ગુફામાં આવી પહોંચ્યા. અગ્નિ પેટાવવામાં આવ્યો. થોડી વારમાં ભોજન તૈયાર થઈ ગયું. બધાએ જમી લીધું. પછી સૂવા જતાં પહેલાં કપ્તાન હાર્ડિંગે પોતાના ખિસ્સામાંથી વસ્તુઓ કાઢીને બધાને દેખાડવા માંડી.

મિત્રો, જુઓ, આ લોઢું છે, આ વાસણકૂસણ બનાવવા માટેની માટી છે, આ ચૂનો છે, આ કોલસા છે, અને આ પાઈરાઈટ ધાતુ છે. કુદરતે આ બધી વસ્તુઓ આપણને આપી છે. આપણી ફરજ છે કે આપણે તેનો યોગ્ય ઉપયોગ કરવો. કાલથી આપણે કામ શરુ કરવાનું છે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

SUNIL ANJARIA

SUNIL ANJARIA માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા

Batuk Patel

Batuk Patel 2 વર્ષ પહેલા

Bhimji

Bhimji 2 વર્ષ પહેલા

Mehul Mer

Mehul Mer માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા