ડાઘિયો વાંદરો અને શિયાળની ઝુંપડી Ashq Reshmmiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાઘિયો વાંદરો અને શિયાળની ઝુંપડી

ડાઘિયો વાંદરો

એક મો...ટું જંગલ હતું.

જંગલ એટલે લીલીછમ્મ હરિયાળી જ હરિયાળી!

એમાં જાતજાતના અને ભાતભાતના પ્રાણીઓ રહે.

એક તો વળી એવી જાતના પ્રાણીઓ રહે કે એને લાંબું-લાંબું પૂંછડું!એક ઝાડથી બીજા ઝાડ પર સટાસટ કૂદાકૂદ કરે.ગેલમાં આવી જાય ત્યારે તો આખા જંગલને ગજવી મૂકે!

એ પ્રાણીને કેમેય કરીને એક ઘડીએ પણ ચેન ન પડે!

ચેન ચાળા કરતા આ પ્રાણીઓનું જંગલના અન્ય પ્રાણીઓએ ભેગા મળીને નામ પાડ્યું.....વાંદરો....!

એ જંગલમાં આવા વાંદરાઓના ટોળે-ટોળા રહે.

એમાં એક ટોળું માથાભારે! આ મસ્તીખોર ટોળાએ જંગલના બીજાની નીંદ અને જીવવાનું હરામ કરી નાખ્યું હતું.બધાની સુખ-શાંતિ હરામ કરી મૂકી હતી.

સઘળા પ્રાણીઓ આ અનાડી ટોળાથી પરેશાન થઈ ગયા હતાં. કંટાળેલા પ્રાણીઓએ જંગલના રાજાને ફરિયાદ કરી.

વનનો રાજા હતો કેસરી સિંહ!

આ રાજાએ ઘણા વખતથી વાંદરાના આ ટોળાના અડપલાની વાત સાંભળી હતી.પણ આજે હકીકતની ફરિયાદ સાંભળીને એ ધુઆંપુવા થઈ ઊઠ્યો! કેસરી સિંહએ તાબડતોડ એ ટોળાને રાજદરબારમાં હાજર થવાનું ફરમાન કર્યું.

રાજાએ સૌને બરાબરના ફટકાર્યા! વળી, બીજી આકરી સજા કરી.અને એક વર્ષ માટે જંગલનિકાલની સજા કરી!

વાંદરાના એ ટોળાનો એક સરદાર હતો.એનું નામ ડાઘિયો વાંદરો.

આ ડાઘિયાએ સજા પામેલી પોતાની ટૂકડીના બધા વાંદરાઓને જુદી-જુદી દિશામાં મોકલી દીધા.

હવે ડાઘિયો સાવ એકલો પડ્યો.

એ એક જંગલમાંથી બીજા જંગલમાં ભટકવા લાગ્યો.પોતાના જંગલમાં એ 'ડોન' હતો. જ્યારે અહી એનું કોઈ ભાવેય નહોતું પૂછતું!

'શાંતિથી રહ્યાં હોત અને રહેવા દીધા હોત તો આમ એકલા -એકલા રખડવાનો વારો ન આવત!ભેરૂઓથી વિખુટા પડવાનો વખત ન આવત!' ડાઘિયો આમ મનોમન વિચારતો બેઠો હતો. અફસોસ કરવા સિવાર હવે કોઈ આરો નહોતો.

એક દિવસ ફરતો-ફરતો ડાઘિયો એક ગામમાં આવી પહોચ્યો.

ગામમાં બે છોકરાઓ રોટલો ખાતાં-ખાતાં શાળાએ જતાં હતાં. ડાઘિયા વાંદરાએ આ જોયું. એણે તો કૂદકાભેર છલાંગ લગાવઈને રોટલો હડપી લીધો. ખાવા લાગ્યો. રોટલો એને મીઠો લાગ્યો.એને તો મજા પડી ગઈ!

બીજા દિવસે ડાઘિયાને જોઈ કૂતરાઓ જોર-શોરથી ભસવા લાગ્યા.કાગડાઓ કૉ...કૉ… કરીને એને ધિક્કારવા માંડ્યા.નવાઈના ડાઘિયાને જોવા આખું ગામ ભેગું થયું.

ગામને ભેગું થયેલું જોઈ ડાઘિયો વધારે ગેલમાં આવી ગયો.પોતાની સજાનેય વીસરીને એ હૂપાહૂપ અને કૂદાકૂદ કરવા લાગ્યો. આમ કરતા કેટલાંક વૃક્ષોની ડાળીઓ તૂટી તો વળી કેટલાંક પક્ષીઓના માળા વીખરાયા.

વાંદરાને જોઈને લોકોને અને નાના બાળકોને મજા પડવા લાગી.નાના ભૂલકાઓ તો વાંદરાને જોઈ આનંદની કીકીયારીઓ સાથે નાચવા લાગ્યા.

હવે ધીમે ધીમે ડાઘિયાએ એના વાંદરવેડાઓ ચાલું કરવા માંડ્યા.એ પોતાની સજા ભૂલી ગયો.

ડાઘિયો રોજ કોઈનો રોટલો પડાવી જાય તો વળી કોઈની પાણિયારીએ ચડી આરામથી પાણી પી આવે.

ક્યારેક કોઈ છોકરાના હાથમાંથી કેરી પડાવી જાય તો વળી કોઈના હાથમાંથી મકાઈનો ડોડો ઉપાડી જાય!

ડાઘિયાએ તો ગામમાં જંગલ જેવા જંગલવેડા ચાલું કર્યા.રાત્રે લોકો સૂઈ જાય એટલે એક ઝાડથી બીજા ઝાડે ચડીને હુપાહૂપ ને કૂદાકૂદ કરવા માંડે!લોકોની નીંદર હરામ થવા લાગી.ગામમાં ડાઘિયા વાંદરાનો ત્રાસ વધવા માંડ્યો.

લોકો હવે વાંદરાથી કંટાળ્યા હતાં.એટલે એને ભગાડવા માંડ્યા.પણ ભાગે તો એ વાંદરો શાનો? એને પકડવા કે મારવા જાય એટલે એ બીજી ઊંચી ડાળીએ ચડી જાય!

આમ કરતા એકવાર લોકોએ ડાઘિયાને પકડ્યો! પછી ઝાડના થડે બાંધ્યો.બરાબરનો ઠમઠોર્યો.

પછી ગામના છોકરાઓએ ભેગા મળીને એની લાંબી પૂંછડીએ કાપડાના મોટા મોટા ગાભા બાંધ્યા!અને કેરોસીન છાંટીને આગ ચાંપી.ડાઘિયો તો બૂમાબૂમ કરતો જાય અને પૂંછડી પછાડતો જાય.આગની બળતરા એનાથી ખમાતી નહોતી.એ ઊંચો નીચો થઈ દોડવા લાગ્યો.

એટલામાં એને એક યુક્તિ સૂઝી.એણે બંને હાથે પૂંછડીને દબાવી.થોડીવારમાં આગ ઓલવાઈ ગઈ.પણ એના હાથ કાળા થયા.કાળા થયેલા હાથ એણે મોઢે ઘસ્યા.પછી પગે પણ ઘસ્યા.

એ દિવસથી વાંદરાનું મો,પૂંછડું અને હાથપગ કાળા થઈ ગયા.

આમ,બીજાને પજવતો ડાઘિયો વાંદરો ખુદ પરેશાન થઈ ગયો..

***

શિયાળની ઝુંપડી

એક હતું શિયાળ.

બહું ચતુર તે બહું જ ચતુર.

એ પોતાને ખુબ જ ચાલાક સમજતું. બુધ્ધિનું જાણે મોટું બારદાન.

એક દિવસ શિયાળે જંગલમાં ઝુંપડી બનાવી!ઝુંપડી સરસ હતી.એમાં ઉનાળમાં ગરમી ના લાગે,શિયાળમાં ઠંડી ન લાગે અને ચોમાસામાં વરસાદનું પાણી ન ઊતરે!

આ શિયાળની નવાઈભરી ઝુંપડી જોવા દૂર દૂરથી આખા જંગલના પ્રાણીઓ આવવા લાગ્યા.કેટલીયે દૂરથી ખેંચાઈને પક્ષીઓ પણ આવતા હતાં.આ બધાને આવતા જોઈ શિયાળ તો ફૂલીને ફાળકું થઈ જતું.

ઝુંપડી જોવા આવતા સૌ કોઈને શિયાળ અભેમાનથી કહે:'મારા જેવી ગજબની આવડત અને બુધ્ધિ આખા જંગલમાભ કોઈનામાં નથી!હું જ જંગલનો અસલી કલાકાર છું!'

આ સાંભળીને સૌ એને શાબાશી આપતા.

એકવાર જંગલમાં વાવાઝોડાની તૈયારીઓ થવા માંડી હતી.એ વખતે શિયાળે હવાની વધી ગયેલી ગતિ પારખી.એ દોડતું ક્યાંકથી લાંબું દોરડું લઈને આવ્યું.ચારેબાજુ મજબૂત ખીલાઓ વડે ઝુંપડી બાંધી દીધી.

એક-બે દિવસ બાદ ફરી જોરદાર વાવાઝોડું આવ્યું.વૃક્ષોના વૃક્ષો ધરાશાયી થઈ ગયા.કિન્તું શિયાળની ઝુંપડીને ઊની આંચ પણ ન આવી.

આ જોઈને એક હરણાએ કહ્યું:'વાહ!શિયાળભાઈ!તમે તો બહું જ ચતુર હો...! તમે આગોતરી તૈયારી કરીને ઝુંપડીને બચાવી લીધી હો!

'તે હોય જ ને હરણભાઈ ! અમથુ જ મારુ નામ બુધ્ધિશાળી શિયાળ પડ્યુ છે!મારી બુધ્ધિને પહોચે એવું આ આખા જંગલમાં કોઈ નથી!' અભેમાનમાં શિયાળ બોલ્યું.

'તમારી હોશિયારીને સો-સો સલામ.'કહીને હરણ ત્યાંથી ચાલતું થયું.

શિયાળની ઝુંપડી જોઈને એક દિવસ એક સસલાને પણ ઝુંપડી બાંધવાનો વિચાર આવ્યો.બીજા દિવસે એણે પણ ઝુંપડી બનાવવા માંડી.

શિયાળની ઝુંપડીને અડીને જ સસલાએ પણ ઝુંપડી ઊભી કરી લીધી.

આ જોઈ શિયાળ અંતરમાં બળવા માંડ્યું.એ રોજ સસલાને ધમકાવે.પરંતું સસલું સિંહ રાજાની બીક બતાવે એટલે શિયાળ ચૂપ થઈ જતું.

આમ કરતાં-કરતાં એક - બે માસ વીતી ગયા.શિયાળ સસલાની ઝુંપડી પાડી દેવાની નવી-નવી યુક્તિ વિચારવા લાગ્યું.

એક દિવસ એને એક યુક્તિ સૂઝી આવી.

સાંજની વેળા હતી.

શિયાળ વહેલું જમીને પરવારી ગયું.

એ સસલા પાસે ગયું.કહેવા માંડ્યું :'અલ્યા સસલા ! હું આજની રાત જરા મારા દૂરના સગાને ઘેર જાઉં છું.કાલે તો વહેલું આવી જ જઈશ.ત્યાં સુધી મારી ઝુંપડીનું ધ્યાન રાખજે હો ભાઈ.'

સસલાએ રાજી થઈને હા ભણી.

એટલે શિયાળ તો ખુશ થતું થતું થોડે દૂર ગયું.એટલામાં રાત પડી ચૂકી હતી.

શિયાળે તો સસલાની ઝુંપડી બાળી નાખવાની યુક્તિ કરી હતી!

સસલો ફરિયાદ કરે તો કહેવા થાય કે એ તો રાત્રે બહારગામ ગયું હતું.

રાતના ત્રણેક વાગ્યા હશે ને શિયાળ પોતાની યુક્તિ મુજબ લપાતું-છુપાતું ઝુંપડી પાસે આવી પહોચ્યું.

ધીરે રહીને એણે સસલાની ઝુંપડીને આગ ચાંપી દીધી!

પછી ધીમે ડગલે દૂ...ર નાસી ગયું. અને દૂર ઊભું-ઊભું સસલાની ઝુંપડી સળગવાનો તમાશો જોતું રહ્યું.મનમાં ને મનમાં ખુશ થતું હતું.જોતજોતામાં મોટી આગ ભભુકી ઊઠી!સસલાની ઝુંપડી ભેગી શિયાળની ઝુંપડી પણ સળગવા માંડી! બંનેની અડધી-અડધી ઝંપડી સુધી આગ પહોંચી હતી ને એવામાં સસલું જાગ્યું!જુએ છે તો આગ જ આગ!

બિચારું સસલું તો સાવ ગભરાઈ જ ગયું.

બેબાકળું બનીને એ આમતેમ દોડવા માંડ્યું.એણે તો પછી બૂમાબૂમ કરવા માંડી:'દોડો રે સૌ દોડો ....મારી ઝુંપડીને આગ લાગી રે આગ લાગી....!'

સસલાનો ચિત્કાર સાંભળીને આસપાસ વસતા સૌ પ્રાણીઓ દોડતા આવી ગયા.સૌએ ડોલ ભરીભરીને આગને કાબૂમાં લેવાની કોશિષ કરવા માંડી. એટલામાં હરણભાઈ આગ ઓલવવાવાળા હાથીભાઈને બોલાવી લાવ્યા. હાથીભાઈ તો સૂંઢ લાંબી કરીને પાણીનુ ધારેધાર કરવા લાગ્યા. પરંતું એટલામાં તો બંને ઝુંપડી બળીને ખાખ થઈ ચૂકી હતી.

પરોઢ થતા તો વનમાં હાહાકાર મચી ગયો.

શિયાળ દૂરથી આવતું હતું.એણે બધા જ પ્રાણીઓને ભેગા થયેલા જોયા એટલે તાગ પામી જ ચૂક્યું હતું.તેથી એ આ બીનાથી સાવ અજાણ જ હોય એવો બનાવટી ડૉળ કરીને મંદ-મંદ ચાલે ચાલ્યું આવતું હતું.એ મનમાં બહું જ ખુશ હતું.

શિયાળને આવતુ જોઈને સૌ પ્રાણીઓએ એના તરફ દોટ મૂકી.બનેલી ઘટનાની સત્વરે વાત કરી.

શિયાળ પોતાની ઝુંપડી સળગેલી જોઈને રડમસ બની ગયું.કાપો તો લોહી ન નીકળે.એ પોકે-પોકે રડવા લાગ્યું.ભેગું સસલું પણ રડ્યું.

બધા પ્રાણીઓએ બંનેને લાગણીભીની સાંત્વના આપી.અને સૌ વિખરાઈ ગયા.

પછી એકલું પડેલું શિયાળ રાખના ઢગલા તરફ જોતું મનમાં બબડ્યું:'સાલું......! ગજબ થયું ...! હાથના કર્યા હાથે જ વાગ્યા હો...! ખુદના હાથે જ ખુદનું ઘર ઉજાડ્યું...!?'

અને એ ફરી જોરથી રડી પડ્યું.