Featured Books
શ્રેણી
શેયર કરો

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-12

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-12
        હું વિહાનને મારી ફેવરિટ જગ્યા પર લઈ આવી.એ બાલ્કની હતી.જ્યાંથી બહારનો આલ્હાદક નજારો દેખાતો.બારી પાસે પોહચતાં જ મેં વિહાનનો હાથ દબાવ્યો અને હું તેના તરફ ખેંચાય,સાથે મારું માથું તેના ખભા પર ઢળી ગયું.
“આકૃતિ…આકૃતિ”મને વિહાનનો ધીમો અવાજ સાંભળતો હતો પણ કંઈ બોલી શકવા સક્ષમ નોહતી.
       આંખો ખુલી ત્યારે હું બેડ પર સૂતી હતી.વિહાન મારા પગ પાસે લમણે હાથ રાખી બેઠો હતો અને ખુશી મારા માથાં પાસે બેઠી હતી.મેં હલનચલન કરી એટલે બંનેએ મારી સામે જોયું.
“શું થયું હતું તને?”એકાએક વિહાનના અવાજમાં નમી આવી ગઈ.તેના અવાજમાં ચિંતા હતી.મારા માટે.
“ખબર નહિ,ચક્કર આવી ગયા અચાનક”બેડ પર બેઠક લેતા મેં કહ્યું.એ દરમિયાન ખુશીએ પાણીનો ગ્લાસ મને આપ્યો.મેં એક ઘૂંટ ભર્યો.
“તું ઠીક છે ને?”વિહાને મારા ખભે હાથ રાખ્યો.મને વધુ સારું ફિલ થયું. “હું તો ડરી જ ગયો હતો.સારું થયું એ સમયે ખુશી આવી પહોંચી”
“કઈ નહિ થયું”મેં રિલેક્સ થતા કહ્યું, “આઈ એમ ઑકે,ચિંતા ના કર”
“ચિંતા કેમ ના કરું?,અહીંયા કોઈ હાજર ના હોત અને તને ચક્કર આવ્યા હોત તો?”વિહાને ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
“તું તો છો ને અને એવું કંઈ ખાસ નહિ થાકને કારણે બેહોશ થઈ ગઈ હતી”મેં વિહાનને સમજાવતા કહ્યું.તેણે હઠ પકડી હોય તે રીતે એક જ વાત પર વળગી રહ્યો, “મારે કંઈ નથી સાંભળવું,તું અત્યારે જ તારા પપ્પાને કૉલ કરી બોલાવી લે”તેનો અવાજ પણ સહેજ ઉંચો થઈ ગયો.
“એવું નથી કરવું વિક્કી,હું ઠીક છું તું નાહકની ચિંતા કરે છે”હું શાંત હતી.એ ઉભો થયો અને બાલ્કની પાસે જઈ ચુપચાપ ઉભો રહ્યો.કદાચ તેને ખોટું લાગ્યું હતું.ઉભી થઇ હું તેની પાસે ગઈ.
“ખુશી છે ને?હું તેને અહીંયા રોકી લઈશ બસ”મેં સ્માઈલ કરતા કહ્યું.મારી વાત સમજી ગયો હોય તેમ તેણે હકારમાં માથું ધુણાવ્યું.માહોલ તંગ થઈ ગયો.
“મને ભૂખ લાગી છે.જલ્દી જમી લઈએ નહીંતર હું ફરી બેહોશ થઈ જઈશ”મારી વાત પર જ હું હસી.વિહાને પણ હળવું સ્મિત વેર્યું. ‘સ્વિગી’ પર ઓર્ડર આપી અમે ત્રણેય બેઠકરૂમમાં આવી પાછળના બે દિવસની ચર્ચા કરી રહ્યા હતા.
     કાલે જ વિહાને ઈશા અને કૃપાલીની વાત કરાવી હતી.કેન્ટીમાં બેસી મેં વિહાનનું નિરીક્ષણ કર્યું અને અચાનક જ તેનો લૂક ચેન્જ કરવાનો વિચાર આવ્યો.પૂરો દિવસ એમાં જ ગયો પછી વિહાનના ઘરે થેપલાં અને સૂકી ભાજીનો નાસ્તો કર્યો.વિહાન મને ડ્રોપ કરવા આવ્યો ત્યારે વરસાદ આવ્યો અને અમારી બંને વચ્ચે મીઠો વાર્તાલાપ થયો.આજે સવારે અમે ફરી સાથે નાસ્તો કર્યો,બે કામ પતાવ્યા,વિહાનના ઘરે જઈ અહીંયા આવ્યા હતા.બધી જ વાતો મેં ખુશીને કહી.એ દરમિયાન વિહાન તેના ફ્રેન્ડ જોડે કૉલમાં વાત કરતો હતો.
       જમીને વિહાને જવાની પરમિશન માંગી.આંટી ઘરે તેની રાહ જોતા હશે એમ વિચારી મેં ખુશીને એક્ટિવાની ચાવી આપી વિહાનને ડ્રોપ કરી આવવા કહ્યું.
‘ધ્યાન રાખજે અને આરામ કરજે’એવી સલાહ આપી વિહાને વિદાય લીધી.મારું મન ભારે થતું જતું હતું પણ મેં બધી જ લાગણીઓ દબાવી રાખી.બંનેને જતા હું જોઈ રહી જ્યાં સુધીએ અદ્રશ્ય ના થયા.
***
“વિહાન તું આકૃતિને લાઈક કરે છે?”એક્ટિવા પાછળ બેસેલી ખુશીએ અચાનક જ વિહાનને પૂછી લીધું. ખુશીનો આ સવાલ સાંભળી વિહાનના હાથથી રેસ ધીમો પડી ગયો.
“એવું કોણે કહ્યું તને?”વિહાને પૂછ્યું.
“અમસ્તા જ પૂછું છું.કોઈએ નથી કહ્યું”ખુશીએ વાત વાળી લીધી અને વિહાને એક્ટિવાને રેસ આપ્યો.તેઓ વચ્ચે બીજી કોઈ વાત ના થઇ 
     ખુશી વિહાનને ડ્રોપ કરી આવી પછી અપસેટ લાગતી હતી.બીમાર છે ઍલે એવું હશે તેમ વિચારી મેં પૂછવાનું ટાળ્યું.આમપણ વિહાન સાથે ચૅટ કરવામાં હું બિઝી હતી એટલે ખુશી તરફ મારું ધ્યાન ના રહ્યું.કાશ ત્યારે ધ્યાન રહ્યું હોત.
***
      અઠવાડિયા પછી ‘સ્વચતા અભિયાન’ના કૅમ્પમાં અમે ‘સુંદરવન’માં આવ્યા હતા.સાત દિવસ દરમિયાન હું વિહાનને રોજ મળી હતી.વિહાનને વધુ જાણ્યો હતો.એ જેટલો શાંત હતો એટલો જ મિલનસાર સ્વભાવનો હતો.બસ તેને પહેલ કરતા શીખવવું પડ્યું.હું એકવાર વાત શરૂ કરતી એટલે એ અલકમલકની વાતો શોધી લાવતો.મને તેની વાતો સાંભળવી ગમતી.ક્યારેક હું તેની વાતોમાં એટલી હદ સુધી ખોવાઇ જતી કે અમે બંને સમયનું ભાન પણ ભૂલી જતા.ક્યારેક મારે વિહાનને સમયનું ભાન અપાવવું પડતું.ક્યારેક તેના આ સ્વભાવને વધુ જાણવાની મહેચ્છાએ હું પ્રશ્નો પૂછતી તો જવાબમાં માત્ર ‘મને તારી જોડે વાતો કરવાની મજા આવે’ એટલું જ કહેતો.તેના જવાબથી હું માત્ર તેને જતી જ રહેતી.
       હું અને ખુશી સીધા ત્યાં પહોંચ્યા હતા.વિહાનનું ઘર ઇશાને રસ્તામાં પડતું એટલે એ વિહાનને લઈને આવવાની હતી.ટ્રાફિકને કારણે તેઓને લેટ થઈ ગયુ.અહીં એક બોય અને એક ગર્લ એમ બે-બે વ્યક્તિની જોડી બનવાની શરૂ થઈ ગઈ હતી.
      ખુશી અને વિરાજ બંને જોડી બનાવી કામે લાગી ગયા અને હું વિહાનની રાહ જોતી એકલી સફાઈ કરવા લાગી.થોડીવાર પછી વિહાન અને ઈશા બંને આવ્યા.આઆવીને રજિસ્ટ્રેશન કરાવી જાડું અને માસ્ક લઈ બીજી બાજુએ સફાઈ કરવા લાગ્યા.મને દુઃખ થયું પણ હું સફાઈ કરવા લાગી.
“આકૃતિ?”પાછળથી કોઈએ છોકરાએ મને અવાજ આપ્યો.
“યસ”
“આપણે સાથે સફાઈ કરીએ?”
“વ્હાય નૉટ?,ચલ”આમપણ વિહાન તો ઈશા સાથે હતો.તો તેની રાહ જોવી મૂર્ખામી કહેવાય.વિહાનને વધુ જાણવાની જિજ્ઞાસા પર કંટ્રોલ રાખી એ છોકરાને મેં હા પાડી દીધી.એ છોકરો મારી બાજુમાં આવી જાડું લગાવવા લાગ્યો.
“એક્ચ્યુઅલી મારી ગર્લફ્રેન્ડને ડાન્સ ક્લાસમાં જવાનું હતું એટલે હું તેને છોડવા ગયો હતો અને લેટ થઈ ગયું”એ છોકરાએ જાડું લગાવતા ફોડ પાડ્યો.
“ઓહ”મેં નિસાસો નાખ્યો.
“તારે કોઈ ફ્રેન્ડ નહિ આવ્યું?”એ છોકરાએ પૂછ્યું.મેં વિહાન અને ઈશા તરફ નજર કરી.
“ના,હું એકલી જ છું”હું જુઠ્ઠું બોલી.મને બધા પર ગુસ્સો આવતો હતો.
“ગ્રેટ,આપણે સાથે જ સફાઈ કરીશું”તેણે કહ્યું.
      તેણે તેની ગર્લફ્રેન્ડ વિશે મને વાતો કરી.વાતો કરતા કરતા કામ કરવાની પણ મજા આવે છે. અમે વાતોમાં એટલા મશગુલ થઈ ગયા હતા કે હવે મારુ ધ્યાન વિહાન તરફ જતું નોહતું.એ છોકરો ખૂબ જ રમુજી હતો.નાની નાની વાતોમાં હસાવવાની તેનામાં કળા હતી.વચ્ચે વિહાન મને ‘જલ’ પાણીની બોટલ આપી જતો પણ હવે હું જાણીજોઈને તેને ઇગ્નોર કરતી હતી.
      એ દિવસ એમ જ ચાલ્યો ગયો.સાંજે પાંચ વાગ્યે છૂટીને અમે ‘ઉસ્માનપુરા’ રિવરફ્રન્ટ પર આવ્યા.સાંજે ત્યાં બેસવાની જુદી જ મજા આવે.પ્રવેશતા સાથે જ પહેલાં ગાર્ડન આવે અને પછી બેસવાની પાળી.ત્રીસેક ફૂટ નીચે સાબરમતીનો કાંઠો અને ત્યાં બેસવાની જગ્યા.કાંઠાવાળા રસ્તાની દીવાલ બાજુએ વિવિધ વૃક્ષો અને બીજી બાજુ બેસવાની સિમેન્ટથી બનાવેલી બીજી પાળી.થોડા થોડા અંતરે બેઠેલા કપલ અને સાયકલિંગ કરતા લોકો.શું દ્રશ્ય રચાય!!!
      સાંજના સમયે રિવરફ્રન્ટ પર લોકો ટહેલવા આવે છે,જેમાં ફૅમેલી,કપલ,ફ્રેન્ડ્સ કોઈ પણ હોઈ શકે.નજારો તો ત્યારે માણવાલાયક હોય છે જ્યારે દિવસ આથમે અને લાઈટો થાય છે.દોડતા-ભાગતા અમદાવાદમાં બસ આ એક જ જગ્યાએ શાંતિ મળે એવું ક્યારેક થાય છે.
     અમે લોકો પુરા દિવસની વાતો કરતા હતા.લોકોને શહેર સ્વચ્છ રાખવાની પ્રેરણા માટે શું શું કરવી તેની ચર્ચા કરતા હતા પણ વિહાન બાજુમાં બેસી કંઈક વિચારી રહ્યો હતો.તેનો ચહેરો ઉતરેલો હતો.મેં કોઈ દિવસ આવી રીતે વિહાનને નથી જોયો.
“શું થયું વિક્કી?”તેની બાજુમાં બેસતા મેં પૂછ્યું.તેની આંખો આજે આજે ન સમજાય તેવી વાતો કહી રહી હતી.
“કંઈ નહીં”વિહાને નિરસ અવાજે કહ્યું.મન કરતું હતું તેને વળગી પડું પણ મેં મારી જાતને રોકી.તેના ખભે હાથ રાખી આશ્વાસન આપ્યું અને મારા કામમાં લાગી ગઈ.
               ***
      ઘરે આવી વિહાન સરખી રીતે જમ્યો નહીં.આડા પડખે પડ્યો તો અચાનક આંખ ખોલી ઉભો થઈ ગયો.’ઇશાએ શું સાચું કહ્યું હશે?’મનમાં એક જ વિચાર ચાલતો હતો.
     થયું એમ હતું કે વિહાન સાથે મસ્તી કરવા ઇશાએ વિહાનને એક સ્ટૉરી સંભળાવી હતી.એ સ્ટોરીમાં આકૃતિને ભૂતકાળમાં કોઈના જોડે રિલેશન હતા એવું બતાવવામાં આવ્યું.એ જ વિચારમાં વિહાને ઈશા સાથે જોડી બનાવવાનું નક્કી કરી લીધું હતું.વિહાને જ્યારે આકૃતિને એ છોકરા સાથે હસીને વાત કરતા જોઈ ત્યારે તેને વિશ્વાસ આવી ગયો હતો અને સળગી ઉઠ્યો હતો.આમપણ આકૃતિએ મજાકમાં કહ્યું હતું કે તેને બોયફ્રેન્ડ છે,વિહાનની શંકાને સમર્થન મળ્યું એટલે વિહાન આકૃતિથી દૂર રહેવા લાગ્યો.
       રાત્રે આકૃતિના મૅસેજ આવ્યા તેને પણ વિહાને અવગણ્યા.આખરે આકૃતિએ કૉલ કર્યો પણ વિહાને કૉલ કટ સ્વીચ ઑફ કરી દીધો.વિહાને કોઈ દિવસ આવી ફીલિંગ્સ મહેસુસ નોહતી કરી.પુરી રાત એ પડખા ફરતો રહ્યો અને નીંદ એક સ્વપ્નની માફક તેને તડપાવતી રહી.
      સવારે ઉઠી વિહાને એક નિર્ણય લીધો.એ જ જુના ફોર્મલ કપડાં અને વાળ ઓળી વિહાન તૈયાર થઈ ગયો. લઘુતાગ્રંથિથી જકડાયેલો વિહાન.ઈશા લેવા આવી એટલે ચુપચાપ તેની પાછળ બેસી ગયો.
          ***
         બીજા દિવસે મેં એ છોકરાને બીજી કોઈ પાર્ટનર શોધી લેવા કહ્યું.આજે હું વિહાનની રાહમાં હતી.જો વિહાન ઈશા સાથે જાય તો પણ તેને રોકી આજે હું મારી સાથે જ રાખવાની હતી.વિહાન આવ્યો ત્યારે તેને જોઈને હું શૉક થઈ ગઈ.આજે એ પોતાના જુના કપડાંમાં હતો.હવે મને ડર લાગી રહ્યો હતો.કંઈક અજુગતું ઘટી રહ્યું હતું જે મારી જાણ બહારનું હતું.મારા અંદેશા મુજબ તેણે એમ જ કર્યું.મને અવગણી મારાથી દૂર ઈશા સાથે નીકળી ગયો.તેની પાસે જઈ મેં કહ્યું, “વિહાન ચલ આપણે સાથે સફાઈ કરીએ”હું વિક્કી કહેતા ભૂલી ગઈ હતી.
“ના,હું ઈશા સાથે જ ઠીક છું”પોતાના કામમાં વ્યસ્ત હોય તેમ નજર મેળવ્યા વિના તેને જવાબ આપ્યો.મેં ઈશા સામે જોયું.તેણે આંખો નીચી નમાવી મને શાંત રહેવા કહ્યું.
“વિહાન મને પેલો જે હેન્ડસમ છોકરો એકલો ઉભો છે ને એ પસંદ છે.તું આકૃતિ સાથે જઈશ તો હું કંઈક સેટિંગ કરી શકીશ પ્લીઝ તું આકૃતિ સાથે સફાઈ કરને”ઇશાએ વિહાનને મનાવતા કહ્યું.
     વિહાન કંઈ બોલ્યો નહીં.ચુપચાપ જાડું ઉઠાવી મને આગળ ચાલવા કહ્યું.
“શું થયું વિક્કી?”મેં દિવસ દરમિયાન દસ વાર આ સવાલ કર્યો હશે પણ તેનો માત્ર એક જ જવાબ હતો, “કંઈ નહીં”
     કૅમ્પ પૂરો થયો.આ બે દિવસ મારા માટે ખરાબ ગયા હતા.વિહાનના કારણે.મારે વાત જાણવી હતી પણ એ કહેવા તૈયાર નોહતો.રિવરફ્રન્ટ પર બેસી અમે પુરા દિવસની ચર્ચા કરી ત્યારે પણ વિહાન ગુમસુમ બેઠો હતો.
‘બસ બોવ થયું,હવે મારાથી સહન નથી થતું’હું મનમાં જ બબડી.
“ઈશા તું ખુશીને ડ્રોપ કરી આવીશ પ્લીઝ મારે વિહાન સાથે એકલા વાતો કરવી છે”મેં ઉદાસ અવાજે કહ્યું.વિહાનનું નામ વિક્કી મેં જ રાખ્યું હતું પણ બે દિવસમાં વિક્કી ક્યાંક ગાયબ થઈ ગયો હતો.
“પણ મારે કોઈ વાત નહિ કરવી”વિહાને મોં ફેરવતા અજીબ લહેકામાં કહ્યું.
“તું ચૂપ રહે”હું ખિજાઇ ગઇ.ઇશાએ કોઈ સવાલ કર્યા વિના હામી ભરી દીધી અને તેઓ નીકળી ગયા.
      હું વિહાનની પાસે જઇ બેસી ગઈ.મારી આંખોમાં આંસુ આવી ગયા.રડવું નોહતું પણ વિહાન સામે રડાય ગયું.
“મેં કોઈ ભૂલ કરી વિહાન?”રડમસ અવાજે મેં કહ્યું.આજે તેણે મને એકવાર પણ જોઈ નોહતી.અત્યારે પણ તેનું ધ્યાન સાબરમતીના તરતા પાણી પર હતું.મેં તેને હડપચીએથી ઝકડ્યો અને તેનો ચહેરો મારા તરફ ઘુમાવ્યો.તેની આંખો પણ ભીંની હતી.હું કંઈ વિચાર્યા વિના તેને વળગી ગઈ.
(ક્રમશઃ)
      Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)