વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-૨
પ્રસ્તાવના
મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની વિચારસરણી અને લાગણીઓ કેવી હોય છે તે
દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે.સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.
**
(વિહાન પોતાની કેબિનમાં બેસીને ભૂતકાળને વાગોળે છે.વરસાદને કારણે આકૃતિની યાદો તેની આંખો સામે તરવરે છે.અગણિત પ્રયોસો કરવા છતાં એ આકૃતિને ભૂલી શકતો નથી અને એ તે ગરકાવમાં વધુ ડૂબતો જાય છે.તેવી હાલતમાં તેના સ્ટાફમાં રહેલી દ્રષ્ટિ તેને જોઈ જાય છે અને કંઈ અજુગતું ઘટી રહ્યું છે તેવી ધારણા બાંધી એ વિહાનને શંકાની નિગાહથી જોયા કરે છે.આખરે એ સમય પણ આવે છે જ્યારે વિહાન માટે આ યાદોનો ગરકાવ અસહ્ય બને છે અને પોતાનું દિલ દ્રષ્ટિ સામે ઠાલવવાનું નક્કી કરે છે.
વિહાન અને આકૃતિની દ્રષ્ટિએ બનતી ઘટનાઓ તમને જુદી જ લાગણીની અનુભતી કરાવશે.)
(ક્રમશઃ)
“આટલું બધું દુઃખ?,આકૃતિને કારણે! શું થયું હતું તમારી સાથે”દ્રષ્ટિએ મારી સામે જોઇને કહ્યું, “મને કહો પ્લીઝ”
“છ વર્ષ પહેલાં…..”મેં વાત શરૂ કરી.કોઈ પણ દલીલ વિના.
આકૃતિ
સવારના દસ વાગ્યા.એલાર્મ વાગી વાગીને થાકી ગયો.દસને પાંચે એલાર્મે ફરી મને જગાડવાનો એક પ્રયત્ન કર્યો.પણ એ સમયે મેં ફરી તેને માથે ટપલી મારી એને ચૂપ કર્યો.બ્લેન્કેટને પગથી માથા સુધી ઓઢીને સુઈ ગઈ.હજુ તો થોડી ક્ષણોની મીઠી નીંદર આવતી જ હતી ત્યાં મને કોઈએ હચમચાવી અને અવાજ આપ્યો “કુંભકર્ણની વંશજ ઉઠી જા સાડા દસ વાગ્યા.”
માથેથી બ્લેન્કેટ હટાવ્યા વિના અવાજ ઓળખીને હું બોલી “ખુશી યાર જાને તું, સન્ડે છે આજે સુવા દે શાંતિ થી.આમ પણ કાલથી વહેલું ઉઠવું પડશે.”મને વહેલા ઉઠવું બિલકુલ પસંદ નથી અને રવિવારે તો બિલકુલ નહિ.
“કાલથી વહેલું ઉઠવું જ છે તો આજે પણ ઉઠી જા.” ખુશીએ ફરી મને હચમચાવી.હું આડું પડખું ફરીને ફરી સુઈ ગઈ. “આકૃતિ … આકૃતિ યાર આપણે નક્કી કર્યું હતું,આજે દસ વાગ્યા પહેલા મંદિરે જશું અને ત્યાર બાદ શોપિંગ કરવા.તે જ પ્લાન બનાવ્યો હતોને શોપિંગનો.” ખુશી બેડ પર મારી પાસે બેસતા બોલી.તેનો અવાજ શાંત અને મધુર હોય છે. હંમેશા.
“સાચે સાડા દસ વાગ્યા?” હું બ્લેન્કેટની અંદરથી જ બોલી.
“ના,…. દસને પાંત્રીસ થઈ આકૃતિ!.”
“ઓકે ઓકે ,ઉઠી ગઈ મારી માં.” બ્લેન્કેટ હટાવીને હું બેડ પર બેઠી થઈ.ખુશીને હગ કરતા બોલી “ગુડ મોર્નિંગ.”
“જય શ્રી કૃષ્ણ,સવારમાં ભગવાનનું નામ લેવું સારું.” ખુશી બોલી.
“એ હા મમ્મી જય શ્રી કૃષ્ણ.” હું ખુશીના કેરિંગ નેચરને કારણે એને મસ્તીમાં ‘મમ્મી’ કહીને બોલાવતી.
“મમ્મીવાળી જા હવે નાહીને તૈયાર થઈ જા.”ખુશી ઉભી થતા બોલી.
“એ ના આજે રવિવાર છે હો,તો…” હું પૂરું વાક્ય બોલું તે પહેલા મને વચ્ચેથી રોકીને ખુશી બોલી પડી,“પણ આપણે મંદિરે જવું છે ને,ખોટો ટાઈમ પાસ ન કર જલ્દી કરને આકૃતિ યાર.”
“એ હા દસ મિનિટ રાહ જો,પંદર મિનિટમાં આવી.”આંખ મારી વૉશરૂમ તરફ જતા હું બોલી.
મારું ફેવરેટ રેડ ટોપ અને બ્લેક એંકલ જીન્સ પહેરીને હું અરીસા સામે ઊભા ઊભા મારા બ્રાઉન હાઇલાઇટવાળા વાળની પોની બનાવતી હતી ત્યાં જ ઘડિયાળમાં અગિયાર વાગ્યાનો ટકોરો પડ્યો અને નીચે હોલમાંથી ખુશી ઉપર આવી.તે કાંઈ પણ બોલે તે પહેલાં હું મારો ફોન અને સાઈડપર્સ લઈ ડોર લોક કરી એનો હાથ પકડીને હોલ તરફ જતી સીડીઓ ઉતરવા લાગી.
“અરે ધીરે પડી જઈશ તું.” ખુશી બોલી.
“ના ના લેટ થઈ ગયું છે ને ચાલ જલ્દી.” હું તેનો હાથ પકડી ફટાફટી સીડી ઉતરતા બોલી.
હોલમાં પહોંચતાની સાથે જ કિચનમાં મહારાજ હોવા છતાં પોતાની હાથે નાસ્તો બનાવતી મારી મમ્મી ઇલા અગરવાલને મેં કહ્યું “મમ્મી હું જઉં છું, ખુશી સાથે .”
“એક મિનિટ ઉભી રહો બંને.” કહેતા મમ્મી હાથમાં ઢોકળાની પ્લેટ લઈને આવી,“નાસ્તો કરીને જાઓ.ચાલો બેસો બંને.” અમને સોફામાં બેસાડીને હાથમાં ઢોકળાની પ્લેટ આપી.
તમને લોકોને હું ઇલા અગરવાલ વિશે ડિટેલ્સ આપતા તો ભૂલી જ ગઈ.ઇલા અગરવાલનો બાળપણથી એક જ શોખ.કુકિંગ. લગ્ન પહેલા એમના પાપા એટલે કે મારા નાનાએ,રસોઈ શીખવામાં શું કોર્સ કરવાનો?, એમ કહી એનો એ શોખ પૂરો ન કરવા દીધો.લગ્ન બાદ મમ્મીએ ઘરની જીમેદારીઓ સાથે પોતાના શોખમાં થોડો ફેરફાર કર્યો. હવે તેમને માસ્ટરશેફ ઓફ ઇન્ડિયામાં પાર્ટીસીપેટ કરવું છે પણ એમની રસોઈનું લેવલ આટલું હાઇ નથી.
એક વાત જરૂરથી કહીશ એમના હાથમાં જાદુ છે. ખાસ કરીને ઢોકળા અને કચોરીમાં એમની સ્પેશ્યાલિટી. હા ,કોઈક વખત ઈન્ટરનેટના માધ્યમથી નવી નવી ડિશનું એક્સપરિમેન્ટ કરે એ દિવસ અમારી માટે કપરો જાય છે. પણ ચાલ્યા કરે.
અમે લોકો હજુ ઢોકળા ખાતા હતા ત્યાં જ જોગિંગ સૂટમાં પસીનો લૂછતાં કિશન અગરવાલે હોલમાં એન્ટ્રી મારી.
કિશન અગરવાલ એટલે ઇલા અગરવાલના પતિ અને મારા પિતાજી. જેમનો કાપડનો બિઝનેસ છે.દરેક નવા ડિઝાઈનર અને નવી ડિઝાઇનની ફર્સ્ટ કોપી બનાવી અને પોતાનો માર્કો લગાવી માર્કેટમાં K&i નો માર્કો મારી અને વંહેંચવું. K&i મેન્યુફેક્ચરિંગના કપડાં અમદાવાદની માર્કેટમાં વર્લ્ડફેમસ.ધીરે ધીરે k&i ગુજરાતની દરેક મેગા સિટીમાં નામ મેળવવા લાગ્યું છે.
કિશન અગરવાલ આ k&i મેન્યુફેક્ચરિંગના ફાઉન્ડર,ઑનર અને દુનિયાના સૌથી મોજીલા માણસ.જેમને ક્યારેય કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં ટેન્શન આવે જ નહી.બસ દિલથી ને મોજથી કામ કરે.એમની એ જ ક્વોલિટી મારામાં પણ આવી છે.
અંદર આવતા જ અમને ઢોકળા ખાતા જોઈને એ બોલી પડ્યા ,”ઇલા રાણી આજે કઈ ખુશીમાં ઢોકળા બનાવ્યા છે?”
“ભૂલી ગયા ને , આજે મારી બહેન શીલા આવવાની છે.” મમ્મી બહાર આવતા બોલી.
“શીલા માસી” હું શોકમાં ઉભી થઇ ગઇ, “ચાલ ખુશી મોડું થાય છે ને,ચાલ જલ્દી.”પગ પછાડતા હું બોલી.
“અરે અચાનક શુ થયું ,પાંચ મિનિટ બેસ બસ શીલા આવતી જ હશે મળીને જજે.” મમ્મી બોલી.
“મારે એમને નથી મળવું.ખુશી યાર ચલને.”એના હાથમાંથી પ્લેટ ખેંચતા હું બોલી. શીલામાસી ઘરે આવે એ મને બિલકુલ પસંદ નથી.
“પણ નાસ્તો …” ખુશી એનું વાક્ય પૂરું કરે એ પેહલા હું બોલી પડી “ ખુશી મંદિરે જવું છે ને ,ભગવાનને મળવા ખાલી પેટે જવાય આમ આટલું ઠુસીને નહીં. ચાલ હવે.” એનો હાથ ખેંચીને મેં તેને ઉભી કરી.
“જય શ્રી કૃષ્ણ.” અને ત્યાં જ શીલા માસી સાક્ષાત દરવાજા સામે આવી ઉભા.
તમને શીલા માસી વિશે થોડું જણાવી દઉં.એ દેશી મેટ્રોમોનિયલ સાઈટ ચલાવે છે.લાઈક શાદી ડોટ કોમ.અને હંમેશા મારી માટે નવા નવા છોકરાઓ શોધીને લઈ આવે અને મારી પૂજ્ય માતાશ્રીનો માઈન્ડ વોશ કરે.એમના ગયા બાદ ત્રણ દિવસ સુધી મમ્મી મારી પાછળ લગ્ન કરી લે એ વાતનું નોનસ્ટોપ રટણ કરે.
“કેમ છે આકૃતિ બેટા?” શીલા માસી મારી પાસે આવીને મારા માથા પર હાથ ફેરવતા એક અજીબ સ્માઇલ સાથે બોલ્યા.
મને એમની એ અજીબ ખતરનાખ સ્માઇલથી નફરત છે. “બસ માસી મજામાં હતી અત્યાર સુધી તો, હવે આગળ ખબર નહીં.” હું ફેક સ્માઇલ આપતા બોલી પડી.
“આવો આવો શીલાબેન,ઘણા દિવસે દર્શન આપ્યા તમે.” પાપાએ શીલા માસીને આવકાર આપ્યો.
“શું કરું કુમાર,હવે આકૃતિ માટે છોકરો શોધવો કોઈ ગાયને ઘાસ ખવડાવવા જેટલું સહેલું કામ તો છે નહીં.આપણી આકૃતિ રહી લાખોમાં એક.તો છોકરો તો કરોડોમાં એક હોવો જોઈએને.” માસી સોફામાં બેસતા બોલ્યા.
“તો મળ્યો તમને કરોડોમાંથી એક?”પાપાએ પૂછ્યું.પાપા મારી મનોદશા સમજતા હતા પણ મનોરંજન માટે તેણે ચર્ચા આગળ વધારી.
“હાસ્તો વળી,કેમ ન મળે.” માસીએ તેમના પર્સમાંથી ટેબ્લેટ બહાર કાઢ્યું.એની સાથે જ હું બોલી પડી,“એ છોકરાને કહેજો હજુ ત્રણ વર્ષ રાહ જુએ,કારણ કે તમારી લાખોમાં એક આકૃતિ હજુ ભણે છે.મેં માસ્ટર ડિગ્રીમાં એડમિશન લઈ લીધું છે.તો હવે ત્રણ વર્ષ સુધી ફક્ત ભણવામાં ધ્યાન આપવાનું રહેશે બીજું કોઈ પણ જાતનું ડિસ્ટ્રેકશન મને ના જોઈએ.”
“આકૃતિ ચૂપ,જોવામાં શું જાય છે,જોઈ તો લઈએ.”મમ્મી બોલી પડી.
“મારે નથી જોવું,અને તમારા જોવાથી કોઈ ફાયદો તો છે નહીં ફાઇનલ કોલ તો મારો જ રહેશે ને.તો મારો અત્યારે મૂડ નથી આવી પળોઝણમાં પડવાનો.માસી હવે ત્રણ વર્ષ પછી આવજો.ત્યાં સુધીના જય શ્રી કૃષ્ણ.” કહી હું ચાલવા લાગી અને ચાલતા ચાલતા બોલી,“બાય મોમ-ડેડ.સાંજે મળ્યા.”
“આકૃતિ,ઉભી રે આકૃતિ…. સાંજે કેમ ?” મમ્મી ઇન્કવાયરી કરતા બોલી.
“લંચ અમે બંને બહાર જ કરી લઈશું,ઘરે આવીશ તો ફરી તમે લોકો એકની એક વાત કરશો.ઘરમાં આવેલા મહેમાનને લંચ કરાવી દો.ડિનર સમયે તો તે ચાલ્યા જ જશેને.” બોલતા બોલતા હું નીકળી ગઈ ઘરની બહાર અને ખુશી મારી પાછળ પાછળ.માસીથી મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તેની મેટ્રોમોનિયલ સાઈટથી ખાસો પ્રોબ્લેમ છે.
“આવું થોડું કહેવાય માસીને આકૃતિ.” ખુશી બોલી પડી.
“છોડ ને આદત છે.ચાલ ક્યાં જવાનું છે પહેલા.”અમે બંને મારી એક્ટિવામાં બેસીને નીકળી પડ્યા.
એક્ટિવા ભલે મારું હતું પણ તેને ચલાવતી હંમેશા ખુશી જ.ખુશીના મત મુજબ મારુ ડ્રાઇવિંગ ખૂબ જ રફ છે.એક રીતે તેની વાત સાચી છે.છેલ્લા ચાર વર્ષથી મારી પાસે સ્કૂટર છે અને છેલ્લા ચાર વર્ષમાં હું લગભગ વિશ વખત તો સ્કૂટરમાંથી પડી જ હઈશ.કોઈ મોટી ઇજા આજ સુધી નથી પહોંચી કારણ કે વધુ ભીડ કે ટ્રાફિકવાળી જગ્યામાં ખુશી મને ક્યારેય સ્કૂટર ચલાવવા આપતી જ નહીં.
હું તમને ખુશીનો ઈન્ટ્રો. આપતા ભૂલી જ ગઈ.ખુશી એટલે કે મારી બેસ્ટેસ્ટ ફ્રેન્ડ.નર્સરીથી અમારી ઓળખાણ અને બીજા ધોરણ સુધી પહોંચતા અમારા વચ્ચે મિત્રતા બંધાઈ. બીજા ધોરણથી લઈ અને બેચલર ડિગ્રી સુધી અમે એક જ સ્કૂલ ,એક જ ટ્યુશન ,એક જ કોર્સ, એક જ બેન્ચ , એક જ કોલેજ અને એક જ કોચિંગ ક્લાસમાં જતા.અને એ સિલસિલો એમ જ રાખતા મેં પણ ખુશીની પાછળ પાછળ એમબીએ કરવા આઇઆઈએમમાં એડમીશન લઈ લીધું.
એમબીએ કરવાનું બીજું મોટું કારણ તો તમને ખબર પડી ગઈ ને,અરે પેલું શીલા માસીના મેટ્રોમોનિયલ સાઈટના છોકરાઓથી ત્રણ વર્ષ છુટકારો મેળવવા.બસ હવે કાલથી અમારી એમબીએની સફર શરૂ થવા જઈ રહી છે.અને ખુશી એની નવી સફરમાં સફળ થાય એટલા માટે ભગવાન પાસે પ્રાર્થના કરવા આવી છે.અને હું તેની સાથે દર્શન કરવા અને પ્રસાદ ખાવા.
હું ક્યારેય ભગવાન પાસે પ્રાર્થના કરતી જ નથી,એટલે કે ક્યારેય કંઈ માંગતી જ નથી,મને જે જોઈએ છીએ એ મને મળી જાય છે તો ખોટે ખોટું વધુ માંગીને ભગવાનને હેરાન શા માટે કરવા બરોબર ને ?
પહોંચી ગયા અમે મંદિરે અને આ જુઓ ખુશી એક એક પગથિયે માથું ટેકવશે.બે હાથ જોડી આંખો બંધ કરી અને પુરી દસ મિનિટ સુધી પ્રાર્થના કરશે અને પછી મંદિરની દરેક નાની મોટી મૂર્તિ પાસે જઈને હાથ જોડશે, ભગવાનના ફોટાને પણ પગે લાગશે અને પછી પૂજારીજી પાસેથી પ્રસાદ લઈને બહાર આવશે.
આટલા સમયમાં મેં દર્શન કરી જૂતા પહેરીને સામે ઉભેલા ભાઈ પાસે એક પ્લેટ પાણીપુરી પણ ખાઈ ચુકી અને બીજી પ્લેટની સાથે ખુશીએ મને જોઈન કરી.”ભાઈ બે તીખી પ્લેટ.” હું બોલી.
“ના તીખી નહીં ,મિક્સ.ભાઈ એક આની તીખીને મારી મિક્સ.” ખુશી મારી સામે મોઢું બગાડતા બોલી, “કેટલું તીખું ખાઈ છે તું.” ત્યાં ભાઈએ બે પ્લેટ આપી અને અમે પાણીપુરી ખાવામાં બીઝી થઈ ગયા. ત્યારબાદ અમે નીકળી પડ્યા શોપિંગ માટે,બેગ,પર્સ,શુઝ,ઇમિટેશન,મેકઅપ અને કપડાં.સાથે અનહદ વાતો,મસ્તી અને સ્ટ્રીટ ફૂડ.
વાત વાતમાં ક્યારે સાંજ પડી ગઈ ખબર જ ન પડી.આ સાંજ!!!, અહાહા શું નજારો છે.પશ્ચિમ દિશામાં ઢળતા સૂરજનો એ આછો કેસરી તડકો કાળા ઘટ્ટ વાદળોને ચીરતો ધરતી પર પ્રસરવાની કોશિશ કરતો હતો અને જિદ્દી વાદળો એને રોકતા હતા.
“ચાલ હવે ઘરે જઈએ ” ખુશી બોલી.
“શું ઘરે?,આમ વાતાવરણ તો જો કેટલું મસ્ત છે,ચાલ રિવરફ્રન્ટે જઈએ.ચાલ ને.” હું બોલી પડી
“રિવરફ્રન્ટ? એ નહીં યાર,ત્યાં આવા વાતાવરણમાં ચારેતરફ પ્રેમી પંખીડાઓ બેઠા હોય છે,કાંકરિયા જઈએ.”
“યાર રવિવાર છે કાંકરિયામાં નાના બાળકોને ફેમિલી જ હશે.” હું ચીડતા બોલી.ખુશી પ્રેમીપંખીડાઓથી બની શકે તેટલી અળગી રહેતી.
“જવું હોય તો કાંકરિયા નહીં તો ચાલ ઘરે.”ખુશી હુકમ ચલાવતા બોલી.
“ઓકે,ચાલો.આમાં પણ દાદાગીરી,ચાલો કાંકરિયા.” હું આગળ ચાલતા બોલી.
થોડો સમય અમે કાંકરિયા ફર્યા,ત્યાં જ સૂરજની રોશની લુપ્ત થઈ અને મ્યુનિસિપાલીટીના સફેદ-પીળા બલ્બોએ તેની રોશની ફેલાવી.સાથે જ ખુશી બોલી,“ચાલ હવે સાચે જ લેટ થઈ ગયું.”પૂરેપૂરૂ અંધારું પણ નહીં અને સંપૂર્ણ અંજવાળું પણ નહિ તેમ સમય બરોબર વચ્ચે હતો.અમે એક્ટિવા પાસે પહોંચ્યા.ત્યાં જ મોસમનો પહેલો વરસાદ ગાજ્યો અને હું ઉભી રહી ગઇ.
“જલ્દી બેસ,હમણાં વરસાદ આવશે એ પહેલા પહોંચી જઈએ.” ખુશી બોલી.
“આવશે નહીં આવ્યો,મારા હાથમાં પડેલ પહેલું ટીપું બતાવતા હું બોલી.એ સાથે જ મોસમનો પહેલો મેહુલો ઝરમર વરસવા લાગ્યો.ખુશી એક્ટિવામાંથી ઉતરી બધા શોપિંગ બેગ્સ લઈ અને વરસાદથી બચવા સાઈડમાં એક છાપરા નીચે જઈ અને ઉભી રહી ગઈ.
પાગલ છે એ,મોસમના પેહલા વરસાદથી બચવાનું થોડું હોય.એમાં તો ભીંજાવવાનું હોય અને હું મારા બંને હાથ ખોલી એ વરસાદને માણવા લાગી.ત્યાં મારી નજર મારી થોડી દૂર વરસાદને માણતા દસ બાર વર્ષના છોકરા છોકરીઓ પર પડી.કાંકરિયામાં માતા-પિતા જોડે ફરવા આવેલ એ બાળકો એમના માતાપિતાનો હાથ છોડાવીને વરસાદમાં ભીંજાતા હતા અને ત્યાં વરસાદના પાણીથી ભરાયેલ નાના ખાબોચિયાને ખૂંદતા હતા.મારાથી રહેવાયું નહીં અને હું તેમની પાસે દોડી ગઈ અને એ બાળકો સાથે એ ખાબોચિયાને ખૂંદવા લાગી.
ત્યાં ખુશીએ મને અવાજ આપી બોલાવી. હું તેની તરફ ફરી ત્યાં જ મારી નજર વરસાદમાં રીક્ષા પાસે ઉભેલા એક છોકરા પર પડી.એ મને વરસાદમાં ભીંજાતા નિહાળી રહ્યો હતો.એની તરફ જોતા તેણે તુરંત એની નજર મારા પરથી હટાવી હોય એવું મને લાગ્યું.હું થોડી ક્ષણો તેની તરફ જોતી રહી,મને એનો ચહેરો સાફ નહતો દેખાતો. એટલા સમયમાં એને ફરી મારી સામે જોયું અને ત્યાં જ અચાનક અંધારું છવાઈ ગયું.ચારેતરફ અંધારું.વરસાદને કારણે આખા શહેરની લાઈટ ગઈ હતી.ત્યાં જ મોસમના પહેલા વરસાદની પહેલી વીજળી ચમકી,હું એ વ્યક્તિ તરફ જોતી જ રહી.કોઈ આવી બાલિશ હરકત કરે એ મને જરાય પસંદ નથી.પણ જયારે વીજળીનો ચમકારો થયો ત્યારે મારી નજર તેના સ્મિત પર ઠરી,એક ક્ષણ માટે જ.અદભુત સ્મિત હતું એ.
તેને વધુ પારદર્શક રીતે જોવા મેં આંખો ઝીણી કરી પણ એટલામાં તે રીક્ષામાં બેસીને નીકળી ગયો.અને સાથે જ વરસાદ પણ ધીમો પડી ગયો.
“હવે તમે પલળી લીધું હોય તો ઘરે જઈએ.આકૃતિ તું મોટી થઈ ગઈ છે પણ બાળપણ તારી અંદરથી નીકળ્યું નથી હજુ.”ખુશી મારી પાસે આવી મને શોપિંગ બેગ્સ હાથમાં પકડાવતી બોલી.ખુશી બોલતી હતી પણ મારી નજર પેલી રીક્ષા પરથી હટતી જ નહતી.
(ક્રમશ:)
કોણ હશે એ?,છ વર્ષ પહેલાં વિહાન સાથે શું થયું હશે? રીક્ષા પાસે ઉભેલો વ્યક્તિ વિહાન હશે?
બે જુદી જુદી પરિસ્થિતિમાં રહેતી વ્યક્તિ જ્યારે મળશે ત્યારે ન થવાનું થશે.વિહાન અને આકૃતિની કંઈક અનોખી સ્ટૉરી ક્યાં આવી અટકશે તે જોવાનું રહ્યું.
આગળ શું થશે?,આકૃતિ અને વિહાન ક્યારે મળશે?,જાણવા વાંચતા રહો, ‘વિકૃતિ’
Megha Gokani & Mer Mehul