ભેદી ટાપુ - 11 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - 11

ભેદી ટાપુ

[૧૧]

નામ કરણવિધિ

અનુવાદ

ડો. અમૃત રાણિગા

અર્ધી કલાક પછી સાયરસ હાર્ડિંગ અને હર્બર્ટ પડાવ પાસે આવી પહોંચ્યા. હાર્ડિંગે તેના સાથીદારોને ટૂંકામાં કહ્યું કે, આપણે ટાપુ પર હોઈએ એવું લાગે છે. વધારે ખાતરી આવતી કાલે થશે.

રાત્રે અઢી હજાર ફૂટની ઊંચાઈએ બધા સૂઈ ગયા, થાકને લીધે બધાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

બીજે દિવસે, ૩૦મી માર્ચે,ઉતાવળે નાસ્તો પતાવી, સૌ ઊંચા શિખરની ટોચે પહોંચવા નીકળી પડ્યા. હાર્ડિંગ વિચારતો હતો કે, આ ટાપુમાં જિંદગીભર ગોંધાઈ રહેવું પડશે. આટલે દૂર કોઈ વહાણને નીકળવાનો માર્ગ ન હોય તો અહીંથી નીકળવું મુશ્કેલ પડે.

આ ચઢાણમાં હાર્ડિંગ મોખરે હતો. તેના સાથીદારો તેની પાછળ પાછળ આવતા હતા. સવારે સાત વાગ્યે તેમણે પડાવ છોડ્યો. કોઈને પરિસ્થિતિ અંગે ચિંતા નહોતી. હાર્ડિંગને શ્રદ્ધા હતી કે આ ટાપુમાં જીવનજરૂરી તમામ વસ્તુઓ મેળવી શકાશે. તેમના સાથીદારોને શ્રદ્ધા હતી કે, હાર્ડિંગ સાથે છે એટલે કોઈ મુશ્કેલી નહિ પડે.

હાર્ડિંગે ગઈ રાતવાળો જ રસ્તો અત્યારે પસંદ કર્યો હતો. થોડી વારમાં તેઓ જ્વાળામુખીમાં આવેલ પોલાણ પાસે આવી પહોંચ્યા. તે રસ્તે થઈને તેઓ જ્વાળામુખીની ઊંડી ખીણમાં નજીક પહોંચ્યા.

સવારે લગભગ આઠ વાગ્યે બધા શિખરની ટોચે પહોંચી ગયા.

દરિયો! ચારે બાજુ દરિયો!બધાએ બૂમ પાડી.

આ ટાપુ હતો એમાં હવે કોઈ શંકા ન રહી. ચારે બાજુ પચાસ માઈલ સુધી દેખાતું હતું. ક્યાંય જમીન નહોતી કે ક્યાંય વહાણ પણ જોવા મળતું નહોતું.

હાર્ડિંગ અને તેના સાથીઓ મૌન અને સ્થિર રહીને ક્યાંય સુધી ચારે બાજુ નજર ઠેરવતા રહ્યા. ખલાસીની દ્રષ્ટિ તો દૂરબીન જેટલી જોરદાર હતી, તેને પણ દૂર દૂર ક્ષિતિજ સુધી ક્યાંય જમીન જોવા ન મળી.

દરિયા ઉપરથી બધાની નજર આ ટાપુ પર મંડાઈ. સ્પિલેટે પહેલો પ્રશ્ન પૂછ્યો:આ ટાપુનો વિસ્તાર કેટલો હશે, કપ્તાન?”

લગભગ ૧૦૦ માઈલનો ઘેરાવો હશે.કપ્તાને જવાબ આપ્યો.

અને તેનું ક્ષેત્રફળ?”

ક્ષેત્રફળ ગણી કાઢવું મુશ્કેલ છે.કપ્તાને જવાબ આપ્યો.કારણ કે, આ ટાપુ સાવ ઘાટઘૂટ વગરનો છે.

આ ટાપુમાં કેટલીક નાની મોટી ભૂશિરો હતી. એક બે અખાતો હતા. તેથી આખા ટાપુનો આકાર ખાંચાખૂંચીવાળો અને વિચિત્ર હતો. કોઈ રાક્ષસી કદનું પ્રાણી દરિયામાં સૂતું હોય એવો આ ટાપુ પર્વત ઉપરથી દેખાતો હતો. સ્પિલેટે પોતાની નોટબુકમાં તેનો નકશો તૈયાર કર્યો.

ટાપુના પૂર્વ ભાગમાં જ્યાં ગુફામાં આ પાંચ જણા રહેતા હતા. ત્યાં એક અખાત હતો. ત્યાંથી આગળ જતાં એક ભૂશિર હતી. ઈશાન ખૂણામાં બે નાની ભૂશિરો નજીક આવેલી હતી. તેની વચ્ચે એક નાનો અખાત આવેલો હતો. બે ભૂશિર અને અખાતનું એ દ્રશ્ય કોઈ માછલીએ મોઢું ફાડ્યું હોય એવું દેખાતું હતું.

ઈશાન ખૂણાથી નૈઋત્ય તરફ જોતાં ટાપુનો છેડાનો ભાગ દ્વીપકલ્પ જેવો હતો. તે દ્વીપકલ્પને છેડે એક પૂંછડી આકારની જમીન દરિયામાં ત્રીસ માઈલ સુધી ઘૂસી જતી હતી. આ ઘણી લાંબી ભૂશિર ટાપુના અંદરના ભાગમાં જોતાં, દક્ષિણનો કિનારો અને ગુફા વચ્ચેનો ભાગ, એ બે વચ્ચે લગભગ દસ માઈલનું અંતર હતું. જ્યારે આ ટાપુની લંબાઈ એક સ્થળે લગભગત્રીસ માઈલની હતી.

ટાપુનો પ્રદેશ જોઈએ તો દક્ષિણનો ભાગ ગીચ ઝાડીવાળો હતો. ઉત્તરનો ભાગ રેતાળ હતો. આ પર્વત અને પૂર્વ કિનારા વચ્ચે એક સરોવર આવેલ હતું. એ સરોવર દરિયાની સપાટીથી ત્રણસો ફૂટ જેટલું ઉંચાઈએ આવેલું હતું. સરોવરમાં એક નાની નદી પોતાનું પાણી ઠાલવતી હતી. સરોવરનું પાણી છલકાતું ન હતું. તો પછી આ નદીનું ઠલવાતું પાણી બીજી બાજુ ક્યાંક બહાર નીકળતું હશે. પર્વતના શિખર પર ઊભા રહીને હાર્ડિંગે આ બાબતની તપાસ કરવાનો નિર્ણય કર્યો.

હાર્ડિંગની એવી ઈચ્છા હતી કે જો સરોવર પાસે રહેવાની જગ્યા મળે તો સારું. આ ટાપુનો બે તૃતિયાંશ ભાગ જંગલોએ રાક્યો હતો. કેટલાંક નદીઓ સમુદ્ર તરફ વહેતી હતી.

હાર્ડિંગ અને તેના સાથીઓએ શિખર ઉપરથી લગભગ એક કલાક સુધી બેટનું નિરીક્ષણ કર્યું. એક અગત્યનો સવાલ તેમની સામે ઊભો થયો: આ ટાપુમાં માણસની વસ્તી હશે? સ્પિલેટના આ પ્રશ્નનો ઉત્તર એટલો જ હતો કે, હજી સુધી તો ક્યાંય માણસની વસ્તીનાં ચિહ્નો દેખાતાં ન હતા.

બીજો પ્રશ્ન એ હતો કે, પાડોશના ટાપુઓમાં રહેતા માણસો આ ટાપુની મુલાકાતે આવતા હતા? આ પ્રશ્નનો ઉત્તર આપવો અઘરો હતો. આજુબાજુના પચાસ માઈલના વિસ્તારમાં કોઈ ટાપુ હતો નહિ. છતાં નાવમાં બેસીને અહીં પહોંચવું મુશ્કેલ નહોતું. અત્યારે તો પાડોશના આદિવાસીઓથી સાવધાન રહેવું જરુરી હતું.

બધી તપાસ થઈ ગયા પછી હવે નીચે ઉતરવાનું હતું. હવે જમીન ઉપરની ત્રણ વસ્તુની તપાસ કરવાની હતી: ખનીજતત્વો,વનસ્પતિ અને પ્રાણીઓ.

પર્વત પરથી નીચે ઊતરતાં પહેલાં હાર્ડિંગે તેના સાથીઓને સંબોધીને કહ્યું:મિત્રો, ઈશ્વરે આપણને દુનિયાના એક ખૂણામાં ફેંક્યા છે. હવે આપણે અહીં જ જીવવાનું છે. કોઈ અણધારી મદદ, કોઈ અહીંથી પસાર થતું વહાણ મળી જાય તો જુદી વાત છે. આ ટાપુ સમુદ્રમાં સફર કરતાં વહાણોના માર્ગમાં આવતો હોય એવું લાગતું નથી. એટલે હું આપણી પરિસ્થિતિ અંગે કશું જ છુપાવવા માંગતો નથી---

કપ્તાન, અમને તમારા પર વિશ્વાસ છે.સ્પિલેટ બોલ્યો.

હું તમારા આદેશનું પાલન કરી, કપ્તાન.હર્બર્ટે કહ્યું.

મારા માલિક કહે તે મારે મન સોનાનું.નેબે ધીમેથી અભિપ્રાય આપ્યો.

જો હું કોઈ વાતમાં આનાકાની કરું તો મારું નામ જેક પેનક્રોફટ નહિ.ખલાસી બોલ્યો.હું તો આ ટાપુ ઉપર નાનકડું અમેરિકા ઊભું કરવા માંગું છું. આપને અહીં ગામ વસાવશું.આપણે રેલવે અને તારટપાલનો વહેવાર ચાલુ કરશું. પછી આપણે અમેરિકાને આ સંસ્થાન ભેટ આપીશું. હું માત્ર એક વાત કહેવા માંગું છું.

કઈ વાત?” સ્પિલેટે પૂછ્યું.

એ વાત કે, આપણે ફેંકાયેલા માણસો નથી, પણ સંસ્થાન સ્થાપવા નીકળેલા માણસો છીએ, અને અહીં સ્થિર થવા માટે આવ્યા છીએ.

બધાએ ખલાસીનો આ વિચાર આવકાર્યો.

ચાલો ત્યારે પાછા આપણી ગુફાએ.પેનક્રોફટે કહ્યું.

એક મિનીટ.કપ્તાન બોલ્યો, “મને લાગે છે કે આપણે આ ટાપુનું નામ પાડી દઈએ. એ ઉપરાંત નદીનાં, પર્વતનાં, સરોવરનાં બધાનાં નામ પાડી દઈએ.

ઉદાહરણ તરીકે, આપણે રહીએ એ ગુફા.હર્બર્ટે કહ્યું.

આપણે અમેરિકાને અને અમેરિકાના પ્રખ્યાત નરવીરોને અમર કરવા જોઈએ. જુઓ, આ મોટો અખાત પૂર્વમાં આવેલો છે. તેનું નામયુનિયનઅખાત, પછી આ પર્વતનું નામફ્રાન્કલીન પર્વતસામે સરોવર દેખાય છે તેનું નામગ્રાન્ટ સરોવરરાખીએ. પણ નદીઓ, ભૂશિર કે ટેકરીનાં નામ તેના આકાર ઉપરથી પાડીએ.

બધાએ આ દરખાસ્ત એકી અવાજે વધાવી લીધી. સ્પિલેટે પોતાની નોટબુકમાં બધાં નામ ટપકાવી લીધાં.

સામે દેખાતાં દ્વીપકલ્પને હુંસર્પ દ્વીપકલ્પનામ આપું છું.સ્પિલેટે કહ્યું.

સામે બે ભૂશિર વચ્ચે અખાત છે તેનું નામ હુંશાર્ક અખાતસૂચવું છું.હર્બર્ટ બોલ્યો.

આ રીતે જુદાં જુદાં સ્થળોને નામ આપી દેવામાં આવ્યાં. તેઓ નીચે ઉતરવાની તૈયારી કરતા હતા ત્યાં પેનક્રોફટે બૂમ પાડી:અરે! આપણે આ ટાપુનું નામ પાડવું તો ભૂલી જ ગયા!

હા, આપણે અમેરિકાની એકતા માટે ઝઝૂમનાર મહાન પુરુષના નામ ઉપરથીલીંકન ટાપુનામ પડીએ.

બધાએ એ નામ સ્વીકારી લીધું.

તે સાંજે સૂતાં પહેલાં આ સંસ્થાનવાદીઓએ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના યુદ્ધની ચર્ચા કરી ઉત્તર અમેરિકાનો પક્ષ ન્યાયનો છે. તેથી તે જીતશે. તેનો જશ ગ્રાન્ટને અને લીંકનને મળશે.

આજે ૩૦મી માર્ચ, ૧૮૬૫નો દિવસ હતો. સોળ દિવસ પછી એક ગાંડાના હાથે લીંકનનું મોત થવાનું છે એની કોઈને ક્યાંથી ખબર હોય?

***