અનામિકા
કહાની એક ડાકણ ની
( 12 )
Believe or not believe બુક વાંચ્યા પછી લેબમાં જે યુવતીનો મૃતદેહ પડ્યો છે એ રાજેશ્વરી હોવાની ખબર પડી જાય છે જે ડાકણ બની ચુકી છે.ડાકણ થી બચવા વસંતભાઈ ત્રિભુજ દર્પણ વિધિ કરે છે પણ ડાકણ દ્વારા લવ ની લાગણીઓનો ઉપયોગ કરી વિધિ ને પૂર્ણ થવા દેવામાં આવતી નથી. ડાકણ દ્વારા રાજવીર ને બારીથી બહાર નીચે ફેંકી દેવામાં આવે છે..રાજેશ્વરી લવ ને બંસી કહીને બોલાવે છે અને વસંતભાઈ ને એને અને બંસી ને અલગ કરવાનું કારણ.. આવું એને કેમ કહ્યું એ વિશે એ પોતાની વીતક કહેવાનું શરૂ કરે છે.હવે વાંચો આગળ..
રાજેશ્વરી પોતાની સાથે જોડાયેલો ભુતકાળ અને પોતે ત્યાં કેમ પોતાની આત્મા ની બલી ડાકણ ને અર્પણ કરવા આવી હતી તથા એનો અને લવ નો ભુતકાળ નો સંબંધ કેવો હતો એ વિશે કહેવાનું શરૂ કરે છે.
"મારું નામ રાજેશ્વરી છે એતો તમે પેલાં પુસ્તક પરથી સમજી જ ગયાં હશો..સાથે તમે એ પણ સમજી ગયાં કે હું ડાકણ બની ચુકી છું..પણ મારાં જેવી માસુમ છોકરી ને ડાકણ બનાવવામાં કોઈનો મુખ્ય ફાળો હોય તો એ તારો છે.."વસંતભાઈ ની તરફ આંગળી કરી આવેશમાં રાજેશ્વરી બોલી રહી હતી.
"મારો જન્મ એક સુખી સંપન્ન પરિવારમાં થયો હતો..મારાં પિતાજી પણ એ વખતે બહુ મોટા જમીનદાર હતાં.મારાં માતા પિતા ની હું એકલી સંતાન હતી..મારો ઉછેર ખૂબ લાડકોડમાં થયો હતો. પિતાજી નાં એક મિત્ર હતી ગિરિધર,જેમનો દીકરો હતો બંસીધર.મારી અને બંસી ની ઉંમર એકસરખી હોવાથી અમે જોડે જ હસતાં રમતાં મોટાં થયાં.."
"એક દિવસ મારાં માતા પિતા એ આત્મહત્યા કરી લીધી..એમનું મોત ભલે આત્મહત્યા લાગતું હતું પણ મને ખબર પડી ગઈ કે મિત્રતા નાં નામે ગિરિધરે એમની જોડે વિશ્વાસઘાત કરી એમનાં જમવામાં ઝેર ભેળવી દીધું હતું..પિતાજી ની તમામ સંપત્તિ ધીરે ધીરે ગિરિધરે પોતાનાં નામે કરી લીધી."
"હું મનોમન ગિરિધર ને ધિક્કારતી હતી પણ બંસીધર પ્રત્યે મારી લાગણી પહેલાંની જેમજ અકબંધ હતી.પિતાજી એટલી સંપત્તિ તો મૂકીને ગયાં હતાં જેથી મારી જીંદગી સરળતાથી પસાર થઈ શકે.હું યુવાનીમાં પ્રવેશ કરી ચુકી હતી અને બંસીધર તથા મારી મિત્રતા ને અમે નવું નામ આપી ચૂક્યાં હતાં એ હતું પ્રેમ."
"બંસીધર પણ મને ખુબ જ પ્રેમ કરતો હતો..અમે ઘણીવાર મળતાં અને એકબીજા ને પોતપોતાનાં દિલ ની વાતો કહેતાં.બંસી મારી સાથે લગ્ન કરી ભવોભવ નાં બંધનમાં બંધાઈ જવા માંગતો હતો.પણ જ્યારે મેં એને એનાં પિતાજી ની હકીકત કહી ત્યારે એને મારી વાત ઉપર વિશ્વાસ જ નહોતો.એ દિવસ પછી મારી અને એની વચ્ચે જાણે અબોલા થઈ ગયાં.. આખરે બંસી ને એક દિવસ એનાં પિતા ગિરિધરે જ મારાં પિતાજી ની હત્યા કરાવી હતી એની ક્યાંકથી ખબર પડી ગઈ."
"બંસી મને મળવા આવ્યો અને એનાં પિતાજી નાં કુકર્મો ની માફી માંગી.ગિરિધર કોઈ કાળે અમારાં લગ્ન નહીં થવા દે એ અમને ખબર હતી એટલે અમે ચોરીછુપીથી લગ્ન કરવાનું નક્કી કરી દીધું હતું.અમે અલગ થવા નહોતાં માંગતા ભલે ને એ માટે કંઈપણ કરી છુટવું પડે."
"અમારે લગ્ન કરવાના આડે ત્રણેક દિવસ જ બાકી હતાં ત્યારે ગામ નાં બે બદમાશો બીલ્લા અને નારંગ મારાં ઘરે આવ્યાં..મેં એમને મારાં ઘરે આવવાનું કારણ પૂછ્યું તો એમને કહ્યું કે હમીરસિંહ ડાકણ ને બલી આપવા એક છોકરી શોધે છે તો તારે ત્યાં જઈને રાજીખુશીથી તારી જાત ને ડાકણ ને સમર્પિત કરી દેવાની છે."
"એમની વાત સાંભળી મને ગુસ્સો આવ્યો અને મેં એમને ધક્કા મારી ઘરની બહાર નીકાળી મૂક્યાં..એ લોકો એ મને ધમકી આપતાં કહ્યું જો તું ઈચ્છતી હોય કે બંસી એનાં ઘરે જીવતો પાછો આવે તો તું છાનીમાની હમીરસિંહ જોડે પહોંચી જા..તારી એકલી નો જીવ આ ગામની બધી છોકરીઓને બચાવી લેશે એ ડાકણ નાં પ્રકોપમાંથી.."
"એમની વાત સાંભળી હું દોડતી બંસીનાં ઘરે ગઈ પણ એનો કોઈ પત્તો નહોતો.ગઈકાલ નો બંસી એનાં ઘરે આવ્યો જ નહોતો એવું બંસી ની માં એ જણાવ્યું.ત્યાંથી નીકળી આખા ગામમાં બધાં ને પૂછ્યું પણ કોઈએ બંસી ને જોયો જ નહોતો.બીલ્લા અને નારંગ સાચું બોલી રહ્યાં હતાં એ મને સમજાઈ ગયું હતું..પહેલાં તો મેં એવું વિચાર્યું કે બીલ્લા અને નારંગે જ બંસી ને ક્યાંક છુપાવ્યો છે એવું બધાં ને કહી દઉં..પણ એમ કરતાં બંસી નાં જીવ નું જોખમ હતું.હું બંસીધર ને ખૂબ જ પ્રેમ કરતી હતી એટલે આખરે મેં મારો જીવ આપી એને બચાવવાનું નક્કી કરી દીધું."
"આખા પંથકમાં ડાકણ નો જે કાળો કેર વર્તાઈ રહ્યો હતો એમાંથી છુટકારો મેળવવા અવધના સુબેદાર હમીરસિંહ કોઈ સિદ્ધ અઘોરી જોડે એક વિધિ કરવાના હતાં જે માટે એક યુવતી ની જરૂર હતી જે કોઈ પણ વ્યક્તિ ની વાતમાં વશ થયાં વગર પોતાની મરજીથી એ વિધિમાં બેસે..એનાં એક નાં આમ કરવાથી સીતાપુર ને એ ડાકણ થી મુક્તિ મળી જશે..આ વાત હું જાણતી હતી એટલે હું સીધી હમીરસિંહ જોડે ગઈ અને એનાં પછી જે થયું એતો આપ સૌ જાણો જ છો."
આટલું કહી રાજેશ્વરી ચૂપ થઈ ગઈ..એનો ચહેરો અત્યારે ઉદાસ હતો.
***
રાજેશ્વરી ની વાત સાંભળી વસંતભાઈ અને લવ ને પણ એની ઉપર દયા આવી..એની જોડે જે કંઈપણ થયું હતું એ બહુ ખોટું હતું. એક માસુમ અને નિર્દોષ છોકરીને ડાકણ બનવા માટે છોડી મુકવામાં આવી હતી એ જાણી એમને સમાજનાં એવાં લોકો પર ગુસ્સો આવી રહ્યો હતો.
"રાજેશ્વરી તારી જોડે બહુ ખોટું થયું છે..પણ એનો બદલો તું અમારી જોડે કેમ લઈ રહી છે.."વસંતભાઈ એ ઘીમાં અવાજે કહ્યું.
વસંતભાઈ ની વાત સાંભળી રાજેશ્વરી નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હોય એમ એની આંખો પાછી લાલ થઈ ગઈ અને એ આવેશમાં આવી બોલી.
"હજુ તને ખબર નથી પડી કે હું તમારી જોડે આવું કેમ કરી રહી છું..તો જોઈ લે.."
આટલું કહી રાજેશ્વરી એ પોતાની શક્તિ વડે એ ભુતકાળ નું દ્રશ્ય વસંતભાઈ અને લવ ને દેખાય એવું કર્યું..વસંતભાઈ અને લવે એ જ્યારે એ દ્રશ્ય જોયું ત્યારે એમને બધી હકીકત સમજાઈ ગઈ કે રાજેશ્વરી અત્યારે ત્યાં કેમ હતી અને એ લોકો જોડે રાજેશ્વરી જે કરી રહી હતી એ પાછળનું તાત્પર્ય શું હતું.
"જોઈ લીધું.. લવ તું જ મારો બંસીધર છે અને તારો આ બાપ ત્યારે પણ તારો બાપ જ હતો ગિરિધર.. રાજવીર બીજું કોઈ નહીં પણ હમીરસિંહ હતો. અને આ બંને ગોપાલ તથા જયદીપ બીલ્લા અને નારંગ હતાં.. એ સિવાય મેં જે ચાર લોકો ને ફાર્મહાઉસ પર મોત ને ઘાટ ઉતાર્યા હતાં એ નગરપતિ અને સમિતિ નાં માણસો હતાં..તમારાંમાંથી કોઈ માસુમ નથી.હકીકતમાં ગિરિધરે જ પોતાનાં પુત્ર ને બીલ્લા અને નારંગ ની મદદથી ગાયબ કર્યો હતો.એ કોઈ કાળે નહોતો ઇચ્છતો કે અને બંને એક થઈએ.."
"અઘોરી શંકરનાથ ની વાત સમય નાં ચક્ર ની સાથે ફરીવાર પાછી પુનરાવર્તન પામી..ત્યારે તમે બધાં મારી મોત માટે જવાબદાર હતાં જ્યારે આજે હું તમારી દરેકની મોત નું કારણ બનીશ..આજે તમારો ભગવાન પણ તમને નહીં બચાવી શકે.."રાજેશ્વરી અત્યારે ખરેખર ગુસ્સામાં હતી..એનો મોટો સાદ અત્યારે આખી લેબમાં જાણે પડઘાય રહ્યો હતો.
"રાજેશ્વરી મેં માન્યું કે તારી સાથે જે કંઈપણ થયું એ બધાં માટે હું જ જવાબદાર હતો..મેં કરેલાં કર્મો ની માફી મને મળી શકે એમ નથી..તારે જે સજા આપવી હોય એ મને આપી શકે છે પણ બંસીધર ની જેમ લવ નિર્દોષ છે એને કંઈપણ ના કરતી..હું તને હાથ જોડી વિનંતી કરું છું.તું મારી જોડે જે કરવું હોય એ કરી શકે છે."વસંતભાઈ સમગ્ર હકીકત જાણ્યાં પછી પોતાની ભૂલ નો સ્વીકાર કરતાં બોલ્યાં.
"માણસ માત્ર ભૂલ ને પાત્ર..પણ તે ભૂલ નહોતી કરી તે અપરાધ કર્યો હતો જેની સજા મોત થી પણ વધુ બદતર હોવી જોઈએ.."પોતાનાં દાંત ભીંચીને રાજેશ્વરી બોલી.
રાજેશ્વરીનાં આટલું બોલતાંની સાથે વસંતભાઈ નાં હાથ નું હાડકું કોણીમાંથી કડાકા સાથે ભાંગી ગયું..વસંતભાઈ ની એ સાથે જ જોરદાર ચીસ નીકળી ગઈ..એ દર્દમાંથી વસંતભાઈ બહાર આવે એ પહેલાં એમનાં બંને પગનું હાડકું પણ પાની જોડે થી તૂટી ગયું..બિલકુલ એમજ જેવું રાજેશ્વરીનાં મૃતદેહ નું હતું..બંને પગનાં હાડકાં ભાંગી જવાથી વસંતભાઈ નીચે ફર્શ પર ફસડાઈ પડ્યાં.
અચાનક વસંતભાઈ ને એવું લાગ્યું કે એમનાં પેટમાં કોઈએ આગ લગાવી દીધી હોય..અસહ્ય પીડા ની વેદના સાથે તેઓ કણસી રહ્યાં હતાં..લવ પોતાનાં પિતાની આ દશા જોઈ ખૂબ દુઃખી હતો પણ એ અત્યારે કંઈપણ કરી શકે એમ નહોતો.
"લવ please kill me.."વસંતભાઈ એ જોરથી લવ ની તરફ જોઈને કહ્યું.
"શું કહ્યું..?ના પિતાજી હું એવું કરી શકું એમ નથી.."લવ રડમસ અવાજે બોલ્યો.
"બેટા હું થોડાં સમયનો જ મહેમાન છું પણ આ અસહ્ય પીડા મારાંથી સહન થાય એમ નથી..મહેરબાની કરીને તું મને મારી નાંખ અને મને એમાંથી મુક્તિ આપ.."કણસતો રડતો વસંતભાઈ નો અવાજ કાને પડ્યો.
વસંતભાઈ જે બોલી રહ્યાં હતાં એ લવ ને સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું અને સાથેસાથે સમજાઈ પણ રહ્યું હતું..એક પુત્ર તરીકે એની ફરજ હતી કે એનાં પિતાજી ની રક્ષા કરવી એમનાં બુઢાપા ની લાકડી બનવું.પણ અત્યારે વસંતભાઈ પોતાની મૃત્યુ માટે અરજ કરી રહ્યાં હતાં જે કઈ રીતે પુરી કરે એ એને ખબર નહોતી પડી રહી..લવ મુક બની વિચારી રહ્યો હતો કે એ આગળ શું કરે.
"બેટા હવે વિચારવાનો સમય નથી..મને જલ્દી આ પીડામાંથી મુક્તિ આપી દે..હું તારી આગળ મોત ની ભીખ માંગુ છું.."વસંતભાઈ ની પીડા અત્યારે હદ વટાવી ચુકી હોય એમ એ કરગરી રહ્યાં હતાં.
પોતાનાં પિતાનું દર્દ હવે લવ માટે જોવું શક્ય નહોતું..એને મન ને મક્કમ કરી એક ઓપરેશન કટર હાથમાં લીધું અને ઘીમાં પગલે વસંતભાઈ ભણી આગળ વધ્યો.પોતે જે કંઈપણ કરવા જઈ રહ્યો હતો એ વાત ની ગ્લાની એને આખી જીંદગી ઉધઈ ની જેમ અંદરથી કોરી જવાની હતી એ વાત લવ ને ખબર હતી..છતાંપણ વસંતભાઈ ની દર્દભરી ચીસો ને અટકાવવા આ કરવું જરૂરી હતું.લવે આંસુ ભરેલી આખો સાથે એ કટર ને વસંતભાઈ ની ડોક પર મૂક્યું અને વસંતભાઈ ની આંખોમાં જોઈ આંખોથી જ એમની માફી માંગતો હોય એમની ડોક પર ફેરવી દીધું.
કટર દ્વારા વસંતભાઈ ની ગળાની મુખ્ય નસ કપાતાં ની સાથે એ તરફડીને ત્યાં ફર્શ પર થોડીજ ક્ષણોમાં મૃત્યુ પામ્યાં.વસંતભાઈ નાં મૃત શરીરને વળગીને લવ આક્રંદ કરી રહ્યો હતો.વસંતભાઈ ને એમનાં કરેલાં કર્મો ની સજા આપ્યાં પછી રાજેશ્વરી ખૂબ જ પ્રસન્ન જણાતી હતી..એની મોત માટે જવાબદાર દરેક પાપી અત્યારે મૃત્યુ પામી ચુક્યો હતો.
લવ વસંતભાઈ નાં મૃતદેહ જોડેથી ઉભો થયો અને રાજેશ્વરી તરફ જોઈને બોલ્યો..
"રાજેશ્વરી તું ભલે સાચી રહી પણ મારાં હાથે તે મારાં પિતાજીને મરાવીને ખોટું કર્યું છે.."
"બંસી તું મારાં પ્રેમ ને કેમ નથી સમજતો..હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું..તું મારો ગુનેગાર નથી એટલે હું તને તો કંઈ કરી શકું એમ નથી..પણ તું જાતે જ તારાં પ્રાણ ત્યજીને સદૈવ ને માટે મારી પાસે આવી જા.આમ પણ દેહ નશ્વર છે જ્યારે આત્મા અમર છે..હું પણ તારી મોત પછી આ નશ્વર શરીર મૂકી દઈશ..પછી તું અને હું એક થઈ જઈશું.."રાજેશ્વરીનો વશીભૂત કરી મુકતો અવાજ લવ નાં કાને પડ્યો.
લવ વધુ કંઈ વિચારે એ પહેલાં એને પોતાનાં પિતાની આત્મા દેખાઈ હોય એવો ભાસ થયો..એ પણ એમજ કહી રહી હતી.
"લવ તું તારી જાત ને ખત્મ કરી દે..અને હંમેશા માટે રાજેશ્વરી નો થઈ જા.."
હકીકતમાં ડાકણ ની આ એક માયાજાળ હતી જેમાં એ લવ એટલે કે રાજેશ્વરીનાં બંસી ને ફસાવી એને આત્મહત્યા માટે ઉકસાવી રહી હતી..આત્મહત્યા કરવાથી એની આત્મા ને મુક્તિ નહીં મળે અને એની આત્મા પૃથ્વી પર જ ભટકતી રહી જશે એવું ડાકણ જાણતી હતી.
"બંસી તું પોતાનો જીવ લઈ લે.."
"લવ તું આત્મહત્યા કરી લે.."
"બંસી.."
"લવ.."
એકપછી એક આવી રહેલાં અવાજો એ લવ નું માથું ભમાવી દીધું હતું..એ પોતે શું કરી રહ્યો હતો એની એને ખબર જ નહોતી..ડાકણ દ્વારા એનું સંપૂર્ણ વશીકરણ થઈ ગયું હતું..આમ થતાં ની સાથે લવ લેબ ની બારી તરફ આગળ વધ્યો..!!
***
વધુ આવતાં ભાગમાં...
બંસી ઉર્ફ લવ શું સાચેમાં આત્મહત્યા કરી લેશે? ..શું ડાકણ લવ ને પોતાની સાથે લઈ જવામાં સફળ રહેશે..? કે પછી હજુપણ લવ એની ચુંગાલમાંથી બચી જશે..?? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા: કહાની એક ડાકણ ની નો છેલ્લો ભાગ આવતાં સપ્તાહે.
આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ
દિલ કબૂતર
રૂહ સાથે ઈશ્ક
ડણક: The Story Of Revange.
-દિશા. આર. પટેલ