Anamika - 5 books and stories free download online pdf in Gujarati

અનામિકા ૫

અનામિકા

કહાની એક ડાકણ ની

( 5 )

રાજવીર દ્વારા પોસ્ટમોર્ટમ માટે લવાયેલી યુવતી નાં શરીર પર કોઈ ઈજાનું નિશાન હોતું નથી. એનાં શરીરનાં એક્સરે માં પણ એની મોત વિશે કંઈ વધુ માહિતી મળતી નથી.એ યુવતીની જીભ કપાયેલી હોય છે..એનાં પેટ ની અંદરના અવયવો સળગી ગયાં હોવાનું માલુમ પડે છે..આ સિવાય એની પેટની અંદર થી એક કપડાંનો ટુકડો મળે છે જેનું લખાણ વાંચતી વખતે લેબ ની લાઈટ ચાલી જાય છે.લાઈટ ચાલુ કરતાં માલુમ પડે છે લેબમાં રખાયેલી અન્ય ત્રણ લાશો ગાયબ હોય છે...હવે વાંચો આગળ..

રેડિયો માં અચાનક શરૂ થયેલું એ ગીત આમ જોવો તો રોમાન્ટિક હતું પણ એ જે સમયે વાગ્યું એ અત્યારે દરેક ને ડરાવી રહ્યું હતું..કેમકે આ ટેપ નહોતું કે જેમાં કોઈ ગીત રિપીટ થાય..અને રેડિયો પણ એની મેળે વારંવાર તો ચાલુ ના જ થાય.લવે ફટાફટ રેડિયો તો બંધ કરી દીધો પણ જે જે અત્યારે ત્યાં ઘટિત થયું એને દરેક ને ડરાવી જરૂર મૂક્યાં હતાં.

અચાનક એક ચીસ એ લોકો ને કાને પડી..એ ચીસ પાડનાર બીજું કોઈ નહીં પણ ગોપાલ હતો..જે એ લોકોથી દૂર લેબનાં એક ખૂણામાં બેઠો હતો.ગોપાલ ની ચીસ સાંભળી દરેકે એ તરફ નજર કરી તો ત્યાં જોયેલું દ્રશ્ય જોઈ એમની આંખો ફાટી ને ફાટી રહી ગઈ.

અત્યારે ગોપાલ લેબ ની ફર્શ પર નીચે પડ્યો હતો અને કોઈ એની છાતી ઉપર બેસી એનું ગળું દબાવી રહ્યું હતું અને સાથે સાથે વચ્ચે વચ્ચે એનાં ચહેરા પર બચકાં ભરી રહ્યું હતું.

"લવ આતો પેલી વચ્ચે રાખી હતી એ વ્યક્તિ ની ડેડબોડી છે..એતો મૃત હતી તો અત્યારે.."વસંતભાઈ ગોપાલ પર અત્યારે હુમલો કરનાર વ્યક્તિ ને ઓળખી ગયાં હતાં..આ એ વ્યક્તિ હતો જેની લાશ પોસ્ટમોર્ટમ માટે આવી હતી.

"હા પપ્પા આનું નામ તો સનાભાઈ દરજી હતું જેમનું કાલે સવારે કરંટ લાગી મોત થયું હતું.."લવે કહ્યું.

લવ અને વસંતભાઈ ની વાત સાંભળી રાજવીર અને જયદીપ જેવાં બાહોશ ઓફિસરોનાં તો જાણે મોતીયા જ મરી ગયાં હતાં..જો એ બંને બાપ દીકરો સાચું બોલી રહ્યાં હતાં તો અત્યારે એ લોકો પર જીવ નું સંકટ તોલાય રહ્યું છે એમાં મીનમેખ નહોતો.

ગોપાલ ની ચીસો આ દરમિયાન વધે જ જતી હતી..રાજવીરે પોતાની રિવોલ્વર કાઢી અને એને એ હુમલાખોર વ્યક્તિ પર તાકી.

"છોડી મુક એને.."રાજવીરે ચિલ્લાઈને કહ્યું.

રાજવીર ની વાત સાંભળી એ વ્યક્તિ એ ગોપાલ નું ગળું છોડી દીધું..અને ડોક ત્રાંસી કરી રાજવીર ની તરફ જોયું..પછી એક એક વિચિત્ર પ્રકાર ની હસી સાથે પોતાનાં ગળા ને ગોળ હોલ ઘુમાવ્યું..એ વ્યક્તિ નાં પગમાં બાંધેલી ઘંટડી અત્યારે અવાજ કરી રહી હતી..રાજવીર ની નજર એ વ્યક્તિ પર સ્થિર હતી અને આંગળી ટ્રિગર ઉપર.

રાજવીર ને લાગતું હતું એ હુમલાખોર જે કોઈ હતો એ અત્યારે પોતાની તરફ તકાયેલી રિવોલ્વરથી ડરી ગયો છે પણ એનું આમ માનવું બિલકુલ ખોટું સાબિત થયું..એ હુમલાખોર નું હાસ્ય અત્યારે અટ્ટહાસ્ય માં પરિવર્તિત થઈ ગયું અને એને પોતાનાં હાથ ને પુરી તાકાત થી ગોપાલનાં ગળામાં હુલાવી દીધો..એનો વાર એટલો જોરદાર હતો કે ગોપાલનું પ્રાણપંખેરું સહેજ વાર માં નીકળી ગયું.

"ગોપાલ ગોપાલ.."નામ ની જોરદાર ત્રાડ નાંખીને બોલતો હોય એમ બોલી રાજવીરે પોતાનાં હાથમાં રહેલ રિવોલ્વર વડે ઉપરાઉપરી ત્રણ ગોળીઓ એ હુમલાખોર વ્યક્તિ પર છોડી દીધી.

રાજવીર ની રિવોલ્વરમાંથી છુટેલી ગોળીઓ એ વ્યક્તિનાં શરીરની અંદર ઉતરી ગઈ અને એ ગોપાલ પરથી નીચેની તરફ પછડાયો..એ વ્યક્તિ લગભગ મરી ગયો છે એમ વિચારી વસંતભાઈ,લવ,જયદીપ પણ રાજવીર ની પાછળ પાછળ એ તરફ દોડયા.

વસંતભાઈ એ નજીક જઈને ગોપાલ નો હાથ પકડી ને જોયું અને દુઃખદ અવાજે કહ્યું.

"He Is No More.."

વસંતભાઈ ની વાત સાંભળી ઈન્સ્પેકટર રાજવીર અને જયદીપ ની આંખો ભરાઈ આવી..ગોપાલના કેટલુંય કહ્યા પછી આ પોસ્ટમોર્ટમ ચાલુ રાખવાનો પોતાનો નિર્ણય અત્યારે રાજવીર ને પસ્તાવો આપી રહ્યો હતો..એને ગોપાલ નાં પગ જોડે બેસીને કહ્યું.

"દોસ્ત મને માફ કરજે.."

"સર હવે જે થવાનું હતું એ થઈ ગયું..આમાં તમારો કે મારો કોઈ વાંક નથી..આપણે તો આપણી ફરજ નિભાવી રહ્યાં હતાં..આવું બધું થઈ જશે એવી તો કોઈને સ્વપ્નેય કલ્પના નહોતી..so please be quite"રાજવીર ને ખભે હાથ મૂકી સાંત્વના આપતાં જયદીપ બોલ્યો.

"આ બધું આ હેવાનનાં લીધે જ થયું છે..કાશ મેં એને પહેલાં જ ગોળીઓ મારી દીધી હોત.."દાંત કચકચાવીને આવેશમાં આવી રાજવીર બોલ્યો.

રાજવીર ની વાત સાંભળી ત્યાં હાજર અન્ય લોકો ની નજર હવે એ હુમલાખોર પર સ્થિર હતી..અચાનક એવું બન્યું જેને એ લોકો ને ગોપાલ ની વાત સાચી હતી એ માનવા માટે મજબૂર કરી દીધાં.ગોપાલ પર જે મૃત વ્યક્તિ ની એ હુમલો કર્યો હતો એની લાશ અત્યારે પતંગિયા માં રૂપાંતરિત થવા લાગી હતી.

એ વ્યક્તિનો મૃતદેહ એક,બે અને ધીરે ધીરે એમ કરતાં હજારો ની સંખ્યામાં પતંગિયા માં પરિવર્તિત થઈ ને જાણે હતો ના હતો થઈ ગયો..એ બધાં પતંગિયા ઉપર ઉઠયાં અને જોરદાર વેગ સાથે લેબ ની બારી તરફ ગયાં અને બારીનો કાચ તોડી બહાર નીકળી ગયાં.

***

"એની માં ને આ બધું શું હતું..?"એ હુમલાખોર નાં મૃતદેહનું પતંગિયા માં વિઘટિત થઈ જવાનું દ્રશ્ય જોઈ જયદીપ નાં મોંઢે થી અનાયાસે નીકળી ગયું.

જયદીપની જેવી જ ત્યાં હાજર બીજાં લોકોની પણ હતી..પણ બધાં ચુપચાપ હતાં.લગભગ પાંચ મિનિટ સુધી સન્નાટો વ્યાપ્ત રહ્યો પછી ગોપાલનાં મૃતદેહ તરફ જોઈ રાજવીરે કહ્યું.

"ગોપાલ ની લાશ ને થોડી વ્યવસ્થિત રાખી દઈએ પછી આગળ શું કરવું એ વિશે વિચારીએ.."

રાજવીર ની વાત સાંભળી એ બધાં એ મળી ગોપાલ ની લાશ ને ખાલી પડેલાં સ્ટ્રેચર પર રાખી દીધી..ત્યારબાદ લવ એક લેબ માં પડેલ એક બ્લુ કલરનું પોસ્ટમોર્ટમ માટે લાવેલ મૃતદેહ ને ઢાંકવા માટે વપરાતું કપડું લાવી ને ગોપાલ ને ઢાંકી દીધું.

ગોપાલ ને સ્ટ્રેચર પર રાખ્યાં બાદ એ બધાં પાછાં આવીને એ રહસ્યમયી યુવતીને જ્યાં રાખવામાં આવી હતી એ સ્ટ્રેચર ની ફરતે આવીને ઉભાં રહ્યાં.

હજુ એ લોકો વધુ વાત કરે એ પહેલાં રાજવીરનાં મોબાઈલ ની રિંગ વાગી..શાંત વાતાવરણમાં અચાનક વાગેલી આ રીંગે બધાં ને ચોંકાવી મૂક્યાં.

"હેલ્લો.. સુધીર કેમ અત્યારે કોલ કર્યો..?"કોલ ઉપાડતાં ની સાથે રાજવીર બોલ્યો..કોલ દેવીકૃપા ફાર્મહાઉસ પર હાજર સુધીર મકવાણા નો હતો.

"સર..હું અત્યારે આખાં ઘર ને ફરી ચેક કરતો હતો ત્યારે એક વસ્તુ એ મારું ધ્યાન ખેંચ્યું કે ઘર માં કોઈ લેન્ડલાઈન છે જ નહીં..અને આ ચાર લોકો જેમની લાશ મળી એમાંથી ખાલી બે લોકો જોડે જ મોબાઈલ છે અને એમાંથી કોઈ નંબરથી પોલીસ સ્ટેશનમાં કોલ કરાયો નથી."સુધીરે જણાવ્યું.

સુધીર ની વાત સાંભળી રાજવીર ને આશ્ચર્ય થયું..પણ જે બધું અત્યારે થઈ રહ્યું હતું એનાં પ્રમાણમાં સુધીરે કહેલી વાત રાજવીર ને વધુ નવાઈ ઉપજાવે એવી ના લાગી.

"સારું સુધીર..અત્યારે અહીં પણ બહુ મોટી ગરબડ ઉભી થઈ ગઈ છે..એ યુવતી જે ઘટનાસ્થળે ક્રિટિકલ અવસ્થામાં મળી હતી એ રસ્તામાં મૃત્યુ પામી..એનું પોસ્ટમોર્ટમ કરાવવા અમે એક જગ્યાએ આવ્યાં છીએ..હું તને પછી બાકી ની વાત જણાવું..જય હિંદ"આટલું કહી રાજવીરે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

ગોપાલ નું જે રીતે મૃત્યુ થયું હતું એ વસ્તુ ફોન માં સુધીર ને કહેવી ઉચિત નહોતી એટલે સુધીર ને રાજવીરે ત્યાં જે કંઈપણ બન્યું એ વિશે વધુ ના જણાવ્યું..આમ કરવાનું કારણ ત્યાં હાજર દરેક લોકો સમજતાં હતાં એટલે કોઈએ એ વિશે રાજવીર ને કોઈ સવાલ ના કર્યો.

રાજવીર ની જ્યારે સુધીર જોડે ફોન ઉપર વાત ચાલુ હતી ત્યારે લવ એ યુવતી ની નજીક જઈને એની ત્વચા ને સ્કેલેપલ વડે ઊંચી કરીને જોવે છે..એને ત્યાં એ યુવતી ની ત્વચા ની અંદર ની બાજુ કંઈક લખેલું જણાય છે..એ જોતાં જ એ ચમકીને વસંતભાઈ ને અવાજ લગાવે છે.

"પપ્પા..આ જોવો..અહીં કંઈક લખેલું છે.."

વસંતભાઈ જલ્દીથી લવ ની નજીક જઈને એ શું બતાવી રહ્યો હતો એ જોવા માટે પ્રયાસ કરે છે પણ એમને નરી આંખે કંઈ દેખાયું નહીં એટલે એમને ટુલ્સમાં મળેલો મેગ્નિફાઈંગ ગ્લાસ હાથમાં લઈને લવ જે બતાવી રહ્યો હતો એ ધારી ધારી ને જોયું..અમુક સમય સુધી આ બધું જોયાં પછી વસંતભાઈ જાણે મોટો ફોડ પાડતાં હોય એમ બોલ્યાં.

"બ્લેક મેજીક.."

"શું બ્લેક મેજીક?..શું કહી રહ્યાં છો તમે..?"રાજવીરે વસંતભાઈનાં મોંઢે બ્લેક મેજીક શબ્દ સાંભળી ચમકીને પૂછ્યું.

"હા ઈન્સ્પેકટર બ્લેક મેજીક..એટલે કે કાળો જાદુ..આ યુવતી ની અંદરની ત્વચા પર જે ચિત્ર વિચિત્ર સાઈન હતાં એ પરથી પુરવાર થાય છે કે આ યુવતી પર બ્લેક મેજીક કરવામાં આવ્યો છે..આ યુવતી અત્યારે કોઈ સામાન્ય યુવતી નથી..આ સિવાય મેં એક બીજી વસ્તુ પણ માર્ક કરી હતી જે ઉપર પહેલાં પૂરતું ધ્યાન નહોતું આપ્યું.."વસંતભાઈ એ રાજવીર ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"પપ્પા એવી તો શું વાત છે જે તમે માર્ક કરી હતી..?"લવે વસંતભાઈ ને પૂછ્યું.

વસંતભાઈ લવ ની વાત સાંભળી એ મૃત યુવતીનાં ચહેરા નજીક ગયાં અને એની આંખો ને હાથ વડે પહોળી કરી એક ચિપિયા જેવું સાધન ભરાવી દીધું..વસંતભાઈ નાં આમ કરતાં ત્યાં હાજર જયદીપ,રાજવીર અને લવ પણ એ યુવતી ની આંખો માં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

"જોવો..આ આંખો થોડી ધુમિલ છે..આવી આંખો ત્યારે જ હોય જ્યારે કોઈનું મૃત્યુ થયે લાંબો સમય થઈ ગયો હોય..પહેલાં મેં આ જોયું ત્યારે એવું લાગ્યું કે આ યુવતી ની આંખો નો રંગ આવોજ હશે..પણ હવે જે એક પછી એક ઘટનાઓ અહીં બની એ પરથી મને લાગે છે કે આ યુવતી નું મોત બહુ પહેલાં જ થઈ ગયું હશે..જ્યારે તમે કહો છો કે આ યુવતી તમને મળી ત્યારે જીવીત હતી.."વસંતભાઈ બોલ્યાં.

"પણ ડોકટર અમને મળી ત્યારે આ યુવતી જીવીત હતી.."રાજવીર પોતાની જાત ને સાચી પુરવાર કરતો હોય એમ બોલ્યો.

"ઈન્સ્પેકટર હું તમને ખોટાં નથી કહેતો..પણ એમ કહું છું કે આ યુવતી કોઈ મનુષ્ય નથી..પણ સાચે જ ગોપાલ કહેતો હતો તેમ ડાકણ જ છે..આ ઉપરાંત અવધ ડાયન પરીક્ષણ શબ્દ પણ મેં ક્યાંક વાંચેલો છે..બધું મળીને એ પુરવાર થાય છે કે આ યુવતી જરૂર અભિશાપ ગ્રસ્ત છે.."વસંતભાઈ એ કહ્યું.

"તો ડોકટર હવે શું કરીશું..?"રાજવીરે પૂછ્યું.

"તમે મારી વાત માનો તો તમને એક વાત કહું.."વસંતભાઈ બોલ્યાં.

"પહેલાં એતો જણાવો કરવાનું શું છે..?"જયદીપે કહ્યું.

"આ યુવતી ની અંદર એવી કોઈ શક્તિ મોજુદ છે જે પરલૌકિક છે..એનો મુકાબલો કરવો આપણાં કોઈનાં હાથની વાત નથી.હું તમને એવું પણ નહીં કહું કે તમે આ યુવતી ને અહીંથી લઈને જતાં રહો.કેમકે એવું કરવા જતાં તમારાં જીવ નું જોખમ છે..અને આને આમ જ ના રાખી શકાય નહીંતો આ આપણાંમાંથી કોઈને પણ જીવતાં નહીં મુકે"વસંતભાઈ નો સ્ફટિક જેવાં સાફ અને સપાટ અવાજે બોલ્યાં.

"તો પછી આપણે આ યુવતીનાં મૃતદેહ નો ખાત્મો કરી દઈએ..ના રહેગા બાંસ,ના બજેગી બાંસુરી.."રાજવીરે કહ્યું.

"રાજવીર એ કરવાનો ફક્ત એક જ ઉપાય છે..આ યુવતીના મૃતદેહ ને સળગાવી દેવો..એમ કરવાથી જરૂર આ રહસ્યમયી યુવતી અનામિકાનાં મૃતદેહ ની સાથે એની જોડે રહેલી શૈતાની શક્તિઓનો પણ અવશ્ય ખાત્મો થઈ જશે.."વસંતભાઈ એ કહ્યું.

"પપ્પા હું ફાયર એલાર્મ બંધ કરું..અને થોડું પેટ્રોલ લેતો આવું..આ યુવતી ની ડેડબોડી ને અહીં જ સ્ટ્રેચર પર જ સળગાવી મૂકીએ.."લવે ઉત્સાહમાં આવી કહ્યું.

"હા લવ જલ્દી કર.."વસંતભાઈ ની જગ્યાએ રાજવીરે ઉતાવળ માં જવાબ આપી દીધો.

અત્યારે એ ચારેય ખૂબ જ ડરી ગયાં હતાં..એમનાં ડર નો ખાત્મો આ યુવતીનાં મૃતદેહ નો ખાત્મો કરીને જ થશે એવું એ બધાં માની ચૂક્યાં હતાં.. અને એટલે જ એનાં મૃતદેહ ને સળગાવી મુકવાની વાતે એ દરેકના શરીરમાં ઉત્સાહ ભરી દીધો હતો.

લવ તાત્કાલિક ગયો અને ફાયર એલાર્મ બંધ કરી આવ્યો..ત્યારબાદ એને કેબિનમાંથી પેટ્રોલ લઈને આવ્યો અને આવીને એમાંથી બધું પેટ્રોલ એ યુવતીનાં મૃતદેહ પર છાંટી દીધું.

લવનાં પેટ્રોલ છાંટતા ની સાથે વસંતભાઈ એ એક માચીસ હાથમાં લીધી અને એમાંથી એક દીવાસળી કાઢી ને સળગાવી અને પછી એ દીવાસળી ને એ યુવતીનાં પેટ્રોલ થી નીતરતા મૃતદેહ પર નાંખી દીધી.

વધુ આવતાં ભાગમાં...

એ યુવતી ની હકીકત શું હતી..? જો એ યુવતી બોલી જ નહોતી શકતી તો ઈન્સ્પેકટર રાજવીર ની કોની સાથે વાત થઈ હતી..? અવધ ડાયન પરીક્ષણ હકીકતમાં હતું શું અને કપડાં ના ટુકડામાં બીજું શું લખ્યું હતું..? લેબ માં હાજર લાશો અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ હતી..? અનામિકા નાં મૃતદેહ ને સળગાવીને એનાં અંદર રહેલી શૈતાની શક્તિઓનો નાશ થઈ જશે..? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા:કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ

દિલ કબૂતર

રૂહ સાથે ઈશ્ક

ડણક: The Story Of Revange.

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED