Anamika - 9 books and stories free download online pdf in Gujarati

અનામિકા ૯

અનામિકા

કહાની એક ડાકણ ની

( 9 )

રાજવીર દ્વારા પોસ્ટમોર્ટમ માટે લવાયેલી યુવતીનું પોસ્ટમોર્ટમ શરૂ થતાં ની સાથે અનહોની ઘટનાઓ શરૂ થઈ ચુકે છે. ગોપાલ અને જયદીપ ની મૃત્યુ પછી અવધ ડાયન પરીક્ષણ વિશે વધુ માહિતી માટે વસંતભાઈ એક પુસ્તક વાંચે છે જેમાં વર્ષો પહેલાં અવધ રાજ્ય નાં સીતાપુર માં બનેલ એક ડાકણ નાં આતંક ની દાસ્તાન હોય છે. સીતાપુર માં ડાકણ નો ઉપદ્રવ એટલો વધી જાય છે કે સુબેદાર હમીરસિંહ નાછૂટકે ઘણી યુવતીઓને જીવતી સળગાવી મુકે છે..થાકીને હમીરસિંહ શંકરનાથ નામનાં અઘોરી ને મળે છે અને એમની સલાહ થી ડાકણ ને પોતાની બલી માટે કોઈ યુવતી તૈયાર કરવાનું કહે છે..એક યુવતી આ માટે તૈયાર થાય છે.… હવે વાંચો આગળ..

વસંતભાઈ પુસ્તકમાં રહેલું આગળ નું લખાણ ફટાફટ વાંચવાનું શરૂ કરે છે.

"કોઈ યુવતી ડાકણ થી સિતપુર નાં લોકોને મુક્તિ અપાવવા પોતાનો જીવ ભેટ સ્વરૂપે આપવા તૈયાર થઈ ગઈ છે એ જાણતાં હમીરસિંહ પોતાનાં ઘોડાને નગરપતિનાં ઘોડાની પાછળ પાછળ નગર ભણી ભગાવી મૂકે છે.."

નગરપતિ પોતાનાં ઘોડાને ગામની વચ્ચે આવેલી નવાબ ની હવેલી આગળ થોભાવે છે..હમીરસિંહ પણ એને અનુસરે છે.

હમીરસિંહ હવેલી માં પગ મુકતાની સાથે હવેલીનાં દીવાનખંડ માં બેસલી એક સ્વરૂપવાન યુવતી ને જોવે છે..માફકસર નું શરીર,કાજળ આંજેલી આંખો અને ખુલ્લા કેશ એ યુવતી ને વધુ આકર્ષક બનાવી રહ્યાં હતાં.એનાં દેહાકાર અને ઘાટ ઉપરથી એની ઉંમર માંડ એની ઉંમર બાવીસ-ત્રેવીસ વર્ષ લાગતી હતી.આટલી સુંદર યુવતી કેમ પોતાની જીંદગી ને લોકો માટે કુરબાન કરી દેવા તૈયાર થઈ હતી એ હમીરસિંહ ને સમજાઈ નહોતું રહ્યું.

"હું છું હમીરસિંહ..અવધ નાં નવાબ નો સુબેદાર.."એ યુવતી ની સમક્ષ પોતાની ઓળખાણ આપતાં હમીરસિંહે કહ્યું.

"મારું નામ રાજેશ્વરી છે.."હમીરસિંહ નાં માનમાં પોતાનાં સ્થાન પરથી ઉભાં થતાં એ યુવતી બોલી.

"આ નગરપતિ એ કહ્યું કે તમે ડાકણ થી મુક્તિ અપાવવા જે વિધિ કરવાની છે એ માટે પોતાનો જીવ આપવા તૈયાર છો..?"હમીરસિંહે એ યુવતી તરફ જોઈને પૂછ્યું.

"હા આ નગર નાં લોકોની સુખાકારી અને શાંતિ માટે મારી આ જીંદગી જો કંઈક લેખે વળગતી હોય તો હું એને ન્યોછાવર કરવા તૈયાર છું.."એ યુવતી મક્કમ સ્વરે બોલી.

"વાહ..તારાં જેવી ભારતીય સ્ત્રીનાં લીધે જ ભારતીય નારીને જગદંબા નું સ્વરૂપ સમજવામાં આવે છે..પણ આ બધાં માટે તમે તમારાં પરિવાર ની પરવાનગી તો લીધી છે ને..?"વિનયપૂર્વક હમીરસિંહે પૂછ્યું.

"સુબેદાર સાહેબ મારાં પરિવાર માં હું એકલી જ છું.મારાં માતા પિતા મને નાનપણમાં જ નોંધારી મૂકીને સ્વર્ગ સિધાવી ગયાં છે માટે મારે કોઈની મંજૂરી ની જરૂર નથી.."રાજેશ્વરીએ કહ્યું.

"તો પછી એક હજાર સોનામહોર નું શું કરવાનું જે આ કામ માટે મારે તને આપવાની છે..?"હમીરસિંહે સવાલ કર્યો.

"એ સોનામહરો ગરીબ અને ભૂખ્યાં લોકો માટે ખર્ચ કરજો..મારે એની આમપણ કોઈ જરૂર નથી."શાંત સુરે રાજેશ્વરીએ કહ્યું.

રાજેશ્વરીનો જવાબ સાંભળી હમીરસિંહ મનોમન બોલી ઉઠયાં..

"શત શત વંદન છે આવી ભારતીય નારીને.."

"તો એ વિધિ નો આરંભ ક્યારે કરવાનો છે?..હું ક્યારે આવું..?" રાજેશ્વરીએ હમીરસિંહ ને સવાલ કર્યા.

"એતો હવે ગુરુ શંકરનાથ આવે પછી જ શક્ય બનશે.."હમીરસિંહે કહ્યું.

"બચ્ચા હું આવી ગયો છું.."હમીરસિંહ પોતાની વાત માંડ પુરી કરે ત્યાંતો અઘોરી શંકરનાથ હવામાં પ્રગટ થયાં હોય એમ અચાનક ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યાં.

હમીરસિંહે જઈને શંકરનાથનાં ચરણ સ્પર્શ કર્યો..અને કહ્યું.

"પણ ગુરુજી આપ.."

"બચ્ચા..તું એમ પૂછવા માંગે કે હું આમ અચાનક કઈ રીતે પ્રગટ થયો તો એ બધું સમજવું મનુષ્ય માટે સમજ ની પરે છે..બસ મને ઈશ્વરીય સંકેત મળ્યાં અને હું અહીં આવી પહોંચ્યો.."હમીરસિંહ ની વાત અડધેથી કાપીને શંકરનાથે કહ્યું.

"બેટા.. તું ઘણી બહાદુર છો જે લોકો ની સુખાકારી માટે પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ ચૂકી છો..આજે સાંજે જ એ ડાકણ થી મુક્તિ માટે નું અનુષ્ઠાન કરી દઈએ..વધુ સમય વ્યર્થ કરવો પોશાય એમ નથી.."રાજેશ્વરી ને માથે હાથ મૂકી શંકરનાથે કહ્યું.

"જેવી આપની મરજી..હું તો તમે કહો ત્યારે અનુષ્ઠાન માં બેસી જઈશ.."રાજેશ્વરી એ કહ્યું.

"હમીરસિંહ તો ચાલો આ હવેલી નાં બહાર જ અનુષ્ઠાન ની વિધિ કરવા માટેની તૈયારી શરૂ કરી દઈએ.."શંકરનાથે હમીરસિંહ ને આદેશ આપતાં કહ્યું.

શંકરનાથ ની વાત સાંભળી એમની સલાહ મુજબ હમીરસિંહ લાગી ગયો ડાકણ મુક્તિ અનુષ્ઠાન ની તૈયારીમાં..!!

***

સાંજે હવેલીનાં ચોગાન માં એક અગ્નિકુંડ બનાવવામાં આવે છે..અગ્નિકુંડ ની ફરતે નીલગીરી નાં અને આસોપાલવ નાં પાન વડે એક ઘેરો બનાવાય છે અને એની પર નરાસરી બાંધવામાં આવે છે.અગ્નિકુંડ માં અગ્નિ પ્રગટાવવા ચંદન નું લાકડું મંગાવાય છે અને આહુતિ માટે ગાય નું શુદ્ધ ઘી.

નગર ની સામાન્ય જનતા ને આ વિધિ જોવા ની મનાઈ ફરમાવવામાં આવે છે એટલે અત્યારે ત્યાં હમીરસિંહ, નગરપતિ,શંકરનાથ અને હમીરસિંહ દ્વારા બનાવેલી સમિતિ નાં ત્રણ સભ્યો સિવાય કોઈ નથી હોતું.

રાજેશ્વરી કોઈ નવવધુ પહેરે એવાં પોશાકમાં સજ્જ થઈને વિધિ માટે પધારી ચુકી હોય છે..એનાં ચહેરા પર કોઈ ડર કે ભય ની સહેજ પણ પાતળી રેખા પણ હોતી નથી.એક માસુમ યુવતી નગર ની સમૃદ્ધિ માટે અને ત્યાંના લોકો ની સુખાકારી માટે પોતાનો જીવ આપવા તૈયાર થઈ હતી એ જોઈ હમીરસિંહ મનોમન રાજેશ્વરી નો આભાર માને છે.

અનુષ્ઠાન નો સમય આવી જાય છે અને શંકરનાથ એ યુવતી ને અગ્નિકુંડ ની જમણી તરફ બેસવાનું કહે છે અને બાકીનાં લોકો ને ત્યાં બનાવેલાં ઘેરાની બહાર રહેવાનું સુચવે છે.

"ઓમ ચામુંડાય વિજયાય નમઃ...ઓમ ચામુંડાય વિજયાય નમઃ

ઓમ ચામુંડાય વિજયાય નમઃ...ઓમ ચામુંડાય વિજયાય નમઃ"

નાં મંત્ર સાથે શંકરનાથ દ્વારા વિધિ નો પ્રારંભ કરવામાં આવે છે..રાજેશ્વરી અત્યારે એકદમ શાંત આ બધું જોઈ રહી હોય છે..લગભગ અડધો કલાક સુધી શંકરનાથ દ્વારા મંત્રોચ્ચાર વડે ડાકણ ને ત્યાં આવવાનું આમંત્રણ આપવામાં આવે છે..એની માટે એક યુવતી પોતાનાં પ્રાણ ની આહુતિ આપવા તૈયાર છે એવું કહેવામાં આવે છે.

અચાનક વાતાવરણમાં પલટો આવે છે..ખૂબ તીવ્ર પવન ની સાથે આકાશ માં પૂર્ણ અંધકાર છવાઈ જાય છે જે ડાકણ નાં ત્યાં આવવાનાં સંકેત છે એવું ત્યાં હાજર બધાં સમજી જાય છે.

"હું આવી ગઈ..ક્યાં છે મારો શિકાર..?"શંકરનાથ ને એક ગેબી અવાજ સંભળાયો.

"અનામિકા તું અહીં મારી જોડે બેસ..તો તને તારો શિકાર આપું..અને એ શિકાર નથી પણ તારાં માટે ભેટ છે.."અઘોરી શંકરનાથે ડાકણ ને એક નવું નામ આપતાં કહ્યું.કેમકે નાશ એનો જ થાય જેનું કંઈક નામ હોય.

શંકરનાથ ની વાત સાંભળી એક ઓછાયો એમની બાજુમાં અને રાજેશ્વરી ની બિલકુલ સામે આવીને બેસી ગયો..શંકરનાથ શક્તિશાળી ડાકણ ને પણ નાના બાળક ની જેમ આદેશ આપી રહ્યાં હતાં એ જોઈ ત્યાં હાજર સર્વ એમની શક્તિ ને સલામ કરી ઉઠયાં.

"કોણ..આ સામે બેઠી એ મારી ભેટ છે..?"ડાકણ એ ઉંચા સાદે કહ્યું.

"હા આ યુવતી પોતાની મરજી થી પોતાનો જીવ તને અર્પણ કરવા માંગે છે..એટલે તું એનો જીવ લઈ સદાય ને માટે આ નગર ને છોડી ને તું જ્યાંથી આવી હતી ત્યાં પાછી જતી રહે."શંકરનાથે કહ્યું.

"એ છોકરી આ અઘોરી સાચું બોલે છે કે તું તારી મરજીથી પોતાનો પ્રાણત્યાગ કરવા માંગે છે..?"રાજેશ્વરી ને ઉદ્દેશીને એ કાળો ઓછાયો બોલ્યો.

"હા હું મારી ઈચ્છાથી અહીં આવી છું..તું મારો જીવ લઈને આ શહેર અને અહીંના લોકો ને તારાં પ્રકોપમાંથી મુક્ત કર.."રાજેશ્વરી મક્કમ અવાજે બોલી.

"સરસ..સરસ..હું હવે જતી રહીશ આ નગર ને મૂકીને.."આટલું કહી એક જોરદાર અટ્ટહાસ્ય વાતાવરણ ને ઘેરી વળ્યું.

શંકરનાથ નો મંત્રોચ્ચાર આ દરમિયાન વધુ ઊંચા અવાજે શરૂ થઈ ગયો.રાજેશ્વરી પણ મન મક્કમ કરી આવનારી તકલીફ ભોગવવા તૈયાર થઈ ગઈ અને એક ઝાટકા સાથે એની અંદર કંઈક પ્રવેશી ગયું એવું એને મહેસુસ થયું. રાજેશ્વરી અચાનક ધ્રુજવા લાગી,એનો દેહ અત્યારે ઉંચો થઈ નીચે પછળાતો હતો.જેનો મતલબ હતો કે ડાકણ ની આત્મા રાજેશ્વરી ની આત્મા નું ભક્ષણ કરી રહી હતી.

થોડીવારમાં રાજેશ્વરી મૃતપાય થઈ જમીન પર પડી ગઈ અને વાતાવરણમાં પૂર્વવત શાંતિ થઈ ગઈ..બધાં સમજી ચૂક્યાં હતાં કે રાજેશ્વરીએ પોતાનાં પ્રાણ ની આહુતિ આપી સીતાપુર ને એ ડાકણ નાં પ્રકોપમાંથી મુક્ત કરી દીધું છે.

"છળ, કપટ...આની સજા તમારે સૌને ભોગવવી પડશે..હું તો મુક્ત થઈ ગઈ પણ આ નિર્દોષ છોકરીની આત્મા જ્યારે જાગૃત થશે ત્યારે એનો કહેર એટલો હશે કે એનાંથી બચવું કોઈમાટે શક્ય નહીં હોય.."આકાશવાણી થતી હોય એવાં અવાજમાં ડાકણે કહ્યું.

"અમે કોઈ છળ નથી કર્યું આ છોકરી પોતાની મરજીથી આવી હતી.."અઘોરી શંકરનાથે કહ્યું.

"તો પછી હું એની આત્મા નું ભક્ષણ કેમ ના કરી શકી..?? અને કેમ એની આત્મા અત્યારે વિવશ લાગતી હતી..?? એ યુવતી અત્યારે તો મૃત છે પણ જ્યારે સૂર્યોદય થશે ને એની આત્મા એનાં શરીરમાં પુનઃ પ્રવેશ કરશે પછી એ કોઈને નહીં બક્ષે.."આટલું કહી એ ડાકણ નો અવાજ શાંત થઈ ગયો.

ડાકણ નો અવાજ શાંત થઈ જતાં શંકરનાથ ક્યારેક હમીરસિંહ સામે જોતાં તો ક્યારેક રાજેશ્વરીનાં મૃત દેહ ની સામે..હમીરસિંહ એમની નજરમાં રહેલ સવાલ સમજી ગયો અને શંકરનાથ સમીપ જઈને નતમસ્તક થઈને બોલ્યો.

"ગુરુદેવ આ યુવતી પોતાની ઈચ્છાથી આવી હતી..અમે કોઈ દબાણ કર્યું નથી એની ઉપર આ વિધિ માં બેસવા માટે.."

"તો બચ્ચા ડાકણ ની વાત ખોટી તો નહીં જ હોય..આપણાં થી કોઈ ચુક જરૂર થઈ ગઈ છે.એ ડાકણ નાં પ્રકોપમાંથી તો સીતાપુર મુક્ત થઈ ગયું પણ આ યુવતી ડાકણ નાં કહ્યા મુજબ નિર્દોષ અને પવિત્ર હતી એટલે જો એની આત્મા જો હવે બદલો લેવા માટે આવશે ત્યારે કોઈ નહીં બચે..આ નગર ધૂળ થઈ જશે.."શંકરનાથ નો અવાજ અત્યારે આટલું બોલતાં સહેજ થથરી રહ્યો હતો.

"પણ એમાંથી બચવાનો કોઈક તો ઉપાય હશેને..?"હમીરસિંહ શંકરનાથ ને ઉદ્દેશીને બોલ્યાં.

"હા એક ઉપાય છે..પણ એ માટે તમારે બધાં એ આ વાત અહીં સુધી જ સીમિત રાખવી પડશે..અહીં હાજર લોકો સિવાય જો કોઈ લોકો આ વિશે જાણી જશે તોપણ ભવિષ્યમાં આ સીતાપુર નગર પર મોટી આફત આવવાની શક્યતા નકારી શકાય નહીં.."શંકરનાથ એ કહ્યું.

અઘોરી શંકરનાથ ની વાત સાંભળી હમીરસિંહે નગરપતિ અને ત્યાં હાજર સમિતિ નાં અન્ય વ્યક્તિઓ તરફ જોઈને ઈશારાથી જ એમની મંજૂરી લઈ લીધી અને પછી શંકરનાથ તરફ જોઈ કહ્યું.

"ગુરુજી હવે તમે જે કંઈપણ કહેશો અને જે કંઈપણ કરશો એમાં અમારી સહમતિ છે સાથેસાથે અમે આ બધી જ વસ્તુઓ અમારાં સુધી સીમિત રહેશે એની જવાબદારી લઈએ છીએ..અમે માં ભવાની નાં સોગંધ ખાઈને કહીએ છીએ કે છેલ્લાં શ્વાસ સુધી અહીં જે પણ ઘટિત થયું કે ઘટિત થશે એ વિશે કોઈને કોઈ અણસાર નહીં આવે."

"તો પછી એક સુતરાઉ કપડું લાવો અને શક્ય હોય તો ગંગાજળ.."શંકરનાથે કહ્યું.

થોડીવારમાં તો હવેલી ની અંદર જઈને એક નોકર હમીરસિંહ નાં આદેશથી બંને વસ્તુ લઈને ફટાફટ ત્યાં આવી પહોંચ્યો.શંકરનાથે કપડાંનો ટુકડો ગંગાજળ માં ડુબાડી એને પહેલાં તો પવિત્ર કર્યો.ત્યારબાદ એમને અગ્નિકુંડ ની આગ પર પોતાની હાથમાં રાખી સુક્વ્યો. કપડાંનો ટુકડો સંપૂર્ણ સુકાઈ ગયાં બાદ એમને પોતાનાં રક્ત વડે એની ઉપર કંઈક લખ્યું.

શંકરનાથે એક જોરદાર મુક્કો રાજેશ્વરીનાં ચહેરા પર માર્યો જેથી એની દાઢ નો દાંત તૂટીને બહાર આવ્યો જેને પછી એ કપડાં નાં ટુકડામાં મૂકી એ કપડાંનો ટુકડો રાજેશ્વરીનાં મોં માં મુક્યો અને ગંગાજળ એનાં મોઢામાં રેડી એને પેટની અંદર ઉતારી દીધો.કપડાંનો ટુકડો અને ગંગાજળ પેટની અંદર ઉતરતાં ની સાથે રાજેશ્વરીનાં પેટ ની અંદર સળગતું હોય એવું એનું પેટ પ્રજ્વલ્લિત થઈ ઉઠ્યું.

"મેં આની અંદર ઉત્તપન્ન થતી શૈતાની શક્તિને સુસુપ્ત કરી દીધી છે પણ પોતાની સાથે થયેલાં અન્યાય નો બદલો લેવા એ જરૂર ફરીથી બહાર આવશે..પણ એ સમય ત્યારે જ આવશે જ્યારે ગુરુ અને ચંદ્ર સીધી રેખામાં હોય અને મંગળ પણ એ જ નક્ષત્ર માં હોય જે નક્ષત્ર માં ગુરુ અને ચંદ્ર હોય..આ સમયે રાજેશ્વરીનાં સમગ્ર શત્રુઓ જ્યારે એક જગ્યાએ એકત્ર થશે અને એ પોતાનો ઈચ્છિત બદલો લઈ શકશે.."શંકરનાથે આંખો બંધ કરી ને ત્યાં હાજર અન્ય લોકોને ઉદ્દેશીને કહ્યું.

"તો હવે ગુરુદેવ રાજેશ્વરીનાં મૃતદેહ નું શું કરીશું..?"નગરપતિ એ કહ્યું.

"તમે મળીને રાજેશ્વરીનાં મૃતદેહ ને નિઃવસ્ત્ર કરી દો.પછી એની ઉપર હું ભભૂત નાંખીને એને કેળનાં પાંદડામાં લપેટી દઈશું..જેની ઉપર હું રક્ષાકવચ ચડાવી દઈશ..તમે ત્યારબાદ આ મૃતદેહ ને ગામ થી દુર કોઈ એવાં કૂવામાં નાંખતા આવો જેનું પાણી કોઈ ઉપયોગ કરતું ના હોય અને પછી કુવાને સદેવ ને માટે બંધ કરી દો.."શંકરનાથે નગરપતિનાં સવાલ નો જવાબ આપતાં કહ્યું.

શંકરનાથ ની વાત સાંભળી એમનાં કહ્યા મુજબનું કરવામાં આવ્યું અને પછી રાજેશ્વરીનાં પગે બે મોટાં પથ્થર બાંધી એનાં મૃતદેહ ને લઈ નગર ની બહાર લઈ જઈને જંગલમાં આવેલ એક કૂવામાં જઈને નાંખી દેવામાં આવ્યો જેની ઉપર હમીરસિંહે કોઈને ખબર ના પડે એમ માટી નંખાવી પુરણ કરાવી દીધું.

એ દિવસે સવારે જ શંકરનાથે ત્યાંથી કાશી જવા માટે વિદાઈ લઈ લીધી.ત્યારબાદ સીતાપુર માં કાયમ ને માટે શાંતિ થઈ ગઈ..એ રાતે શું થયું એ રહસ્ય પણ ગામ લોકો માટે કાયમ રહસ્ય જ રહ્યું.આ વાત મને કઈ રીતે ખબર પડી એ વિશે માહિતી આપવી હું જરૂરી નથી સમજતો.પણ એ ડાકણ આજે નહીં તો કાલે પાછી જરૂર આવશે પોતાની સાથે જે ખોટું થયું છે એનો બદલો લેવા.

એ ડાકણ જ્યારે પણ પાછી આવશે ત્યારે એનો મુકાબલો કરવો કોઈ સામાન્ય મનુષ્ય નાં હાથ ની વાત નહીં હોય..એને ફક્ત કોઈ એવો વ્યક્તિ જ મારી શકશે જે પોતે પણ પવિત્ર હોય અને જેને ક્યારેય જાણે અજાણે કોઈનું પણ અહિત ના કર્યું હોય.એનો નાશ કરવા માટે ની એક જ વિધિ છે "ત્રિભુજ દર્પણ"

-જેરાર્ડ ક્લિપર

વધુ આવતાં ભાગમાં...

શું તો રાજેશ્વરી જ અનામિકા હતી..? રાજેશ્વરી જો પોતાની મરજીથી ત્યાં વિધિ માં નહોતી આવી તો એને ત્યાં આવવા મજબુર કોને કરી..? ત્યાં બચેલાં લોકો અનામિકા નાં પ્રકોપમાંથી બચી શકશે કે નહીં..? ત્રિભુજ દર્પણ આખરે શું હતું..? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા : કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ

દિલ કબૂતર

રૂહ સાથે ઈશ્ક

ડણક: The Story Of Revange.

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED