અનામિકા ૧ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

અનામિકા ૧

અનામિકા

કહાની એક ડાકણ ની

પ્રસ્તાવના

રૂહ સાથે ઈશ્ક લખ્યા પછી લખેલી નોવેલ ડણક ને પણ આપ સૌ વાંચકો નો સારો એવો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો..પણ સાથે સાથે અમુક વાંચકો એ મને રૂહ સાથે ઈશ્ક ની જેમ જ બીજી હોરર નવલકથા લખવા માટે કહી રહ્યાં હતાં તો એમની ઈચ્છા ને માન આપી ને લઈને આવી છું બીજી હોરર નવલકથા અનામિકા:કહાની એક ડાકણ ની.

ડાકણ શબ્દ આપણાં સમાજમાં અને લોકવાયકા માં સદીઓથી પ્રચલિત છે તો એજ વિષય વસ્તુ પર એક નોવેલ લખવાની ઇચ્છાએ મને આ નોવેલ લખવા મજબુર કરી.

આ નોવેલ એક અલગ સ્તર ની હોરર નોવેલ છે જેમાં હંમેશા એક ડર અને ભય નું વાતાવરણ બનેલું જ રહેશે.. શરૂ થી માંડીને અંત સુધી નોવેલ નો પ્લોટ એટલો ટાઈટ છે કે એક ક્ષણ પણ એ વિષય થી ભટકતો નહીં જણાય..મને વિશ્વાસ છે કે આ નોવેલ ની રજુઆત અને અંતે પ્રગટ થતું રહસ્ય તમને આંચકો જરૂર આપશે.

તો મિત્રો રજૂ થઈ જાઓ એક એવી નોવેલ માટે જે તમને લાંબો સમય સુધી યાદ રહેશે એની ગેરંટી..આપ સૌ એ દિલ કબૂતર, રૂહ સાથે ઈશ્ક અને ડણક:The Story Of Revange ને જે પ્રેમ અને પ્રતિસાદ આપ્યો એવો જ આ નવલકથા ને મળશે એવી આશા.

ફરીવાર મારાં સર્વે વાંચકો અને મારાં મોટાભાઈ જતીન પટેલ નો આભાર માની રજૂ કરું છું અનામિકા:કહાની એક ડાકણ ની.

-દિશા. આર. પટેલ

પ્રકરણ-1

ગુજરાત રાજ્ય ની સીમા પાકિસ્તાન ને જ્યાં સ્પર્શ કરે છે ત્યાંથી 100 કિમિ અંતર સુધી ફક્ત રણ જ ફેલાયેલું છે..પાણી ની અછત નાં લીધે ત્યાં બહુ ઓછાં લોકો રહે છે..છતાંપણ જે લોકો વસવાટ કરે છે એમને ત્યાં રહેવા માટે અનુકૂળ સંજોગો ની વ્યવસ્થા જાતે જ કરી લીધી છે.સરકાર દ્વારા પણ આ લોકોનું જીવન ધોરણ સુધરે એનાં સતત પ્રયત્નો થતાં રહે છે.

રણ હોય ત્યાં મીઠી વેરડી જરૂર હોય એમજ પ્રકૃતિ ની અચરજ સમાન એક જળાશય આ વિશાળ રણ ની વચ્ચે આવેલું છે..આ જળાશય નાં પાણી ની સગવડ નાં લીધે ત્યાં આજુબાજુ જનકપુર, રાજગઢ, ચીકુરા, દેવીનાકા જેવાં સાતેક ગામ આવેલ છે..આમાંથી કોઈ ગામ ની વસ્તી ચાર હજાર થી વધુ નહોતી.

જનકપુર ગામમાં આ બધાં ગામોનું પોલીસ સ્ટેશન આવેલું છે..આ પોલીસ સ્ટેશમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ સુધીર મકવાણા, વિનોદ ખત્રી, જયદીપ કન્નર, ગોપાલ ધુવા અને ઈન્સ્પેકટર રાજવીર બારોટ બારોટ બેઠાં બેઠાં વાતો કરી રહ્યાં હતાં.

ખૂબ છેવાડાનું ગામ હોવાથી ત્યાનું પોલીસ સ્ટેશન પણ રામભરોસે ચાલતું હોય એવું જ હતું..કોઈને કંઈ પડી નહોતી ત્યાં વસતાં લોકોની.રોજ રાતે બધાં ભેગા મળી પોલીસ સ્ટેશનમાં જ દારૂ ની મહેફિલ કરતાં.. અત્યારે પણ કામ વગરની એવી જ વાતો જ ચાલતી હતી.

"જોવો હું હવે ચાર દિવસ મારાં ભત્રીજા નાં લગ્ન હોવાથી અમદાવાદ જવાનો છું તો હવે કાલથી આ પોલીસ સ્ટેશનમાં બધી જવાબદારી નાં ઇન્ચાર્જ વિનોદભાઈ ખત્રી રહેશે..કેમકે એ તમારાં સૌ માં અનુભવી છે.."ઈન્સ્પેકટર રાજવીર બારોટે પોતે કાલથી સામાજિક પ્રસંગના લીધે રજા પર હોવાની માહિતી આપતાં જણાવ્યું.

"Ok સર..એતો બધું સંભાળી લઈશ.."વિનોદભાઈ ખત્રી એ અદબપૂર્વક કહ્યું.

"સાહેબ કાલે તો હું પણ બે દિવસની લીવ ઉપર છું..મારી પત્ની ને શ્રીમંત છે એટલે.."સુધીર નામનાં કોન્સ્ટેબલે કહ્યું.

"સારું કોઈ વાંધો નહીં.પણ ત્રીજા દિવસે ડ્યુટી પર આવી જજે..અને આજની રાત કોઈને કંઈ ખાવું પીવું હોય તો હું પૈસા આપું તમે લેતાં આવો..આમપણ ભત્રીજો પરણે છે તો એની ખુશી માં સ્ટાફ ને મારાં વતી પાર્ટી તો આપવી જ પડે ને.."રાજવીર બારોટે 2000 ની નોટ કાઢતાં કહ્યું.

"સારું તો હું લેતો આવો એક મેકડોનાલ્ડ ની બોટલ અને જોડે થોડું ખાવાનું.."રાજવીર બારોટ જોડેથી 2000 ની નોટ હાથમાં લઈને ગોપાલે કહ્યું.

"ખાવામાં થોડાં બોઈલ એગ લેતો આવજે.."સુધીર નામનાં કોન્સ્ટેબલે કહ્યું.

"સારું.."આટલું કહી ગોપાલ બાઈક ની ચાવી લઈ નીકળતો જ હતો ત્યાં પોલીસ સ્ટેશન ની લેન્ડ લાઈન પર રિંગ વાગી.

ટ્રીન.. ટ્રીન...ટ્રીન...

રિંગ વાગતાં જ ગોપાલ ત્યાં બારણે જ ઉભો રહી ગયો કેમકે પોલીસ સ્ટેશનની લેન્ડલાઈન પર ભાગ્યેજ કોઈનો કોલ આવતો હતો.

રાજવીરે ફોન નું રીસીવર હાથમાં લઈને પૂછ્યું.

"હેલ્લો.. કોણ બોલો..?"

"પ્લીઝ save me..."સામેથી કોઈ યુવતી નો અવાજ આવ્યો..અવાજ પરથી એતો સાફ હતું કે એ યુવતી ખૂબ ડરેલી છે અને કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે.

"હા હું તમારી મદદે હમણાં આવું જ છું..પણ તમે એતો જણાવો તમે ક્યાંથી વાત કરી રહ્યાં છો..?"રાજવીરે સાંત્વના આપતાં કહ્યું.

"સર હું..અત્યારે રાજગઢ અને ચીકુરા ની વચ્ચે જે સડક આવેલી છે એની ઉપર દેવીકૃપા ફાર્મહાઉસ છે ત્યાંથી વાત કરી રહી છું..સર પણ જલ્દી કરજો નહીંતો આ લોકો મારી જોડે.."આટલું કહેતાં તો ફોન કટ થઈ ગયો.

"ગોપાલ અત્યારે પાર્ટી નો પોગ્રામ રહેવા દે..તું, સુધીર અને જયદીપ મારી સાથે ચાલો..ખત્રી તું અહીં જ રહેજે..એક છોકરી કોઈ મુસીબત માં છે એની મદદ કરવા તાત્કાલિક જવું પડે એમ છે.."રાજવીરે પોતાની પોલીસ હેટ માથે પહેરતાં કહ્યું.

પાંચ મિનિટ માં તો એ લોકો નીકળી ગયાં રાજગઢ ની તરફ..રાજગઢ ગામ ની ભાગોળે બે રસ્તા પડતાં હતાં, જેમાંથી એક રસ્તો ચીકુરા જતો અને બીજો રસ્તો દેવીનાકા..ચીકુરા તરફનો રસ્તો પ્રમાણમાં ઉબળ ખાબળ વાળો હતો..એટલે મહાપરાણે પોલીસ ની જીપને એ છોકરીએ કહેલાં દેવીકૃપા ફાર્મહાઉસ સુધી પહોંચતા લગભગ સવા કલાક થઈ ગયો.

રસ્તાની જમણી તરફ એક લોખંડનાં જુનાં બોર્ડ પર દેવીકૃપા ફાર્મહાઉસ લખેલું..જેનું લખાણ પણ હવે સમયની સાથે ધૂંધળું થઈ ગયું હતું. દેવીકૃપા ફાર્મહાઉસ એ એકરીતે જોઈએ તો ફાર્મહાઉસને ફાર્મહાઉસ કરતાં એક ઓરડી જેવું ઘર કહેવું વધુ ઉચિત હતું.

રોડ થી લગભગ અડધો કિલોમીટર જેટલું અંદર આવેલ આ ફાર્મહાઉસ નું મકાન જુનું પુરાણું હતું..પોલીસ ની જીપ સીધી મકાનનાં બારણે આવીને ઉભી રહી. ઈન્સ્પેકટર રાજવીરે પોતાનાં અન્ય સાથીદારો ને જીપમાંથી ઉતરવાનું કહી પોતે પણ જીપમાંથી ઉતરી ગયો.

દરેક પોલીસકર્મીએ પોતપોતાનાં હાથ માં એક રિવોલ્વર લઈ લીધી હતી અને ધીરે ધીરે મકાન નાં બારણાં સુધી પહોંચી ગયાં..બે ડગલાં પાછા પડી રાજવીરે મકાનનો ખખડધજ દરવાજો તોડી નાંખ્યો અને હાથ નાં ઈશારાથી રાજવીરે દરેક ઓફિસર ને પોતાની પાછળ આવવા સૂચન કર્યું.

ખુબ જ સાવચેતી પૂર્વક એ લોકો મકાનમાં પ્રવેશ્યાં..દરેક ની નજર અત્યારે સચેત બની ચારેતરફ ઘુમી રહી હતી..મકાનમાં અત્યારે સહેજ પણ અજવાળું નહોતું એટલે વધુ જોઈ શકવું અશક્ય હતું. આગળ વધી રહેલાં પોલીસમાં ગોપાલનાં પગે કંઈક અથડાયું અને એ નીચે ફ્લોર પર પડી ગયો.

ગોપાલનાં પડવાનાં અવાજથી રાજવીર અને અન્ય કૉન્સ્ટેબલો નું ધ્યાન એ તરફ ગયું અને રાજવીરે મોબાઈલ ની ફ્લેશ લાઈટ ઓન કરી અવાજ ની દિશામાં ધરી તો જે દ્રશ્ય જોયું એને જોઈ એ દરેક નું હૃદય ક્ષણભર માટે તો અટકી ગયું..ગોપાલ જેનાં લીધે પડ્યો હતો એ વસ્તુ એક મૃત વ્યક્તિ ની લાશ હતી, જેની છાતીમાં કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે ઘા કરી એને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

ગોપાલે તો જેવી ફ્લેશ લાઈટ નાં પ્રકાશમાં પોતાની જાતને એક મૃત વ્યક્તિ જોડે જોઈ ત્યારે ડરનાં લીધે એનું શરીર જાણે સાવ ઠંડુ પડી ગયું..રાજવીરે એની તરફ પોતાનો હાથ લંબાવ્યો જે પકડી ગોપાલ ઉભો થઈ ગયો.

"ઓફિસર મને લાગે છે અહીં કંઈક ના બનવાનું બન્યું છે.તો હવે એક એક ડગલું સાચવીને આગળ વધવું પડશે.."રાજવીરે ઘીમાં અવાજે કહ્યું..રાજવીર ની વાત સાંભળી બાકીનાં ત્રણેય પોલીસકર્મીઓએ પોતાની રિવોલ્વર ને હાથમાં મજબૂત રીતે પકડી લીધી.

"સર મને લાગે છે ક્યાંક સ્વીચબોર્ડ હોવું જોઈએ.."સુધીરે કહ્યું.

સુધીર ની વાત સાંભળી રાજવીરે પોતાની મોબાઈલની ફ્લેશ લાઈટ આમતેમ ઘુમાવી તો એનું ધ્યાન ડાબી તરફ બનેલાં સ્વીચબોર્ડ તરફ ગયું અને એને ઉતાવળાં પગલે એ તરફ જઈ બધી સ્વીચો ફટાફટ પાડી દીધી..સ્વીચો ઓન થતાં ની સાથે જ આખું મકાન પ્રકાશિત થઈ ઉઠ્યું.

આખા રૂમમાં અત્યારે બધેજ લોહીનાં ડાઘ સ્પષ્ટ નજરે ચડતાં હતાં.અહીં કોઈ મોટો હત્યાકાંડ થયો હોવાની પૃષ્ટિ આ બધું જોઈને થઈ જતી હતી..પણ હજુ તો એક જ લાશ નજરે ચડી હતી તો બીજી લાશો શોધવાની બાકી હતી..સાથે એ છોકરી પણ શોધવાની હતી જેને પોલીસ સ્ટેશનમાં મદદ માટે કોલ કર્યો હતો.

"સર લાગે છે અહીં જરૂર કંઈક તો થયું છે..અને બાકીનાં ઓરડામાં હજુ વધુ લોકોની લાશ મળવાની શક્યતા ને નકારી ના શકાય.."જયદીપે કહ્યું.

"હા જયદીપ..આ લોહી પરથી તો એવું જ લાગે છે કે આ કોઈ એક વ્યક્તિનું લોહી નથી..હજુ અંદર બીજાં લોકોનાં મૃતદેહો પણ જોવા મળી શકે છે.."રાજવીરે જયદીપ ની વાતમાં સહમતિ આપતાં કહ્યું.

ત્યારબાદ એ ચારેય પોલીસકર્મી સાવધાનીપૂર્વક દરવાજો ખોલી અંદર આવેલ અન્ય એક ઓરડામાં પ્રવેશ્યાં..જ્યાં એમની ગણતરી મુજબ જ ત્રણ લોકો ની લાશો ફર્શ પર પડી હતી..એ ત્રણેય લોકો ની હત્યા પણ કોઈ તીક્ષ્ણ હથિયાર નો ઘા કરી હોવાનું પ્રથમ નજરે સાફસાફ સમજાઈ શકાતું હતું.

જોડે એક કુહાડી પડી હતી જેની ઉપર લોહીનાં ડાઘ હતાં.. જે જોઈ સમજી શકાતું હતું કે આ ત્રણ અને બહાર પડેલ એક વ્યક્તિ ની હત્યા આ કુહાડી વડે જ થઈ છે..ચારેય ની છાતી અને પેટનાં ભાગમાં ઢગલાબંધ ઘા હતાં જેનાં લીધે ચારેય વ્યક્તિનાં શરીરનાં અંદરના બધાં અવયવો સાફ સાફ નજરે પડતાં પડતાં.

"ઓહ માય ગોડ.. ચાર ચાર લાશો એ પણ આટલી સાંકડી જગ્યાએથી મળી આવવાની વાત તો આખા પંથકને ચગડોળે ચડાવી મુકશે..જયદીપ તું ભુજ કોલ કરી ત્યાંથી ફોરેન્સિક ટીમ ને બોલાવ ત્યાં સુધી આ એરિયા ને આપણે કોર્ડન કરી દઈએ.."રાજવીરે હુકમ આપતાં કહ્યું.

"યસ સર.."આટલું કહી જયદીપે કચ્છ પોલીસ કમિશનર ની ભુજ આવેલી ઓફિસે કોલ કરી આ બધી ઘટના વિશે ટૂંકમાં જણાવી ફોરેન્સિક ની ટીમ ને ત્યાં આવવા માટે કહ્યું.

રાજવીર એ દરેક મૃત વ્યક્તિ ની નજીક જઈને વારાફરથી બેઠો અને એમનાં શરરીનું બારીકાઈથી અવલોકન કર્યું..દરેક ની હત્યા કરપીણ રીતે કરવામાં આવી હતી એ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું..આ લોકોનાં મરી ગયાં પછી પણ હત્યારા એ પોતાનાં ઘા કરવાનાં ચાલુ જ રાખ્યાં હશે એ સમજી શકાતું હતું.

જયદીપ ની વાત ચાલતી હતી એ દરમિયાન ગોપાલ અને સુધીરે આખું મકાન સિલ કરી દીધું..રાજવીરે કોલ કરી રાતે અત્યારે ઓફ ડ્યુટી એવાં દામજી ઝાલા અને વિલાસ પરમાર ને પણ ત્યાં આવી જવાનો હુકમ છોડી દીધો હતો.દામજી અને વિલાસ રાજગઢનાં જ વતની હતાં એટલે એ બંને ઝડપથી ઘટના સ્થળે આવી જશે એવી રાજવીર ની ગણતરી હતી.

"આ ચાર લોકો કોણ છે એની તપાસ તો પછી કરીશું..પણ મને જેને કોલ કર્યો હતી એ છોકરી કોણ હતી..? અને અત્યારે ક્યાં છે..? એની તપાસ તો કરવી જ પડશે.."પોતાનાં ઓફિસરો સમક્ષ રાજવીરે કહ્યું.

"હા સર..એ પણ આપણે જોવું જ રહ્યું..એ છોકરી મળી જાય તો અહીં હકીકતમાં શું બન્યું છે એની ખબર પડે..?"જયદીપે કહ્યું.

"હા તો આપણે ચારેય અલગ અલગ દિશામાં શોધીએ ક્યાંક એ છોકરી મળી જાય." રાજવીર દ્વારા આટલું કહેતાંની સાથે એ બધાં પોતપોતાની રીતે મકાન ની ફરતે એ છોકરી ની તપાસ કરતાં કંઈક શોધખોળ કરવા લાગ્યાં.

મકાન ની ફરતે આવેલ વિસ્તારમાં હજુ સુધી કંઈપણ હાથ ના લાગતાં સુધીર મકાન ની અંદર પ્રવેશ્યો..થોડીવાર થઈ હશે ત્યાં..

"સર..સર.અંદર આવો"મકાન ની અંદર તપાસ કરતાં સુધીરે રાજવીર ને જોરથી અવાજ લગાવી કહ્યું.

સુધીર ની વાત સાંભળી મકાન ની બહાર શોધખોળ કરી રહેલ રાજવીર, જયદીપ અને ગોપાલ મકાન ની અંદર દોડીને પ્રવેશ્યાં..જ્યાં ત્રણ વ્યક્તિ ની લાશ મળી આવી હતી એ અંદર આવેલા ઓરડાના બાથરૂમનાં દરવાજે સુધીર ઉભો હતો.

"શું થયું સુધીર..?"સુધીર જોડે જઈને રાજવીરે સવાલ કર્યો.

રાજવીર નાં સવાલમાં સુધીરે કંઈ બોલવાને બદલે ખાલી પોતાની આંગળી વડે બાથરૂમ ની અંદર જોવા માટે રાજવીરને કહ્યું.

સુધીર ની બતાવેલી દિશામાં નજર કરતાં જ રાજવીરે જોયું કે એક છોકરી નગ્ન અવસ્થામાં બાથરૂમ ની ફર્શ પર પડી હતી..રાજવીરે પહેલાં તો ઓરડામાં બારી પર લગાવેલો પડદો ફાડી એ યુવતીના નગ્ન શરીર પર નાંખ્યો અને પછી એની નજીક જઈને એનો હાથ પકડી એની નાડી ચેક કરી જોઈ.

"આ યુવતી હજુ જીવે છે.."રાજવીરે ઊંચા અવાજમાં કહ્યું.

"એનો મતલબ એમ કે આ યુવતી આપણને આ હત્યાકાંડ ની માહિતી જરૂર પુરી પાડશે..તો આને ફટાફટ હોંશમાં લાવી એની પૂછતાજ કરી જોઈએ.."ગોપાલે કહ્યું.

ગોપાલની વાત સાંભળી રાજવીરે એક ટબલરમાં પાણી ભરી એ યુવતીનાં ચહેરા પર છાંટયું પણ એ યુવતી એ કોઈપણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો.

"મને લાગે છે આને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ ની જરૂર છે..આને જલ્દી માં જલ્દી હોસ્પિટલ લઈ જવી પડશે..એ સિવાય એક બીજી વાત આ યુવતી ની દશા જોઈ એવું લાગે છે કે એની ઉપર બળાત્કાર થયો હોય શકે છે..માટે આ કેસમાં કંઈપણ ઢીલ છોડી શકાય એવી નથી"

"આજુ બાજુ જોવો ક્યાંય આ યુવતી ની આઇડેન્ટિટી મળી જાય એવી કોઈ વસ્તુ મળે છે કે નહીં..જેમકે મોબાઈલ કે પછી ઓળખ પત્ર..એનાં ઘરે પણ જાણ કરવી પડશે.."રાજવીરે ગંભીર અવાજે કહ્યું.

"પણ એ માટે તો સર દૂર જવું પડશે કેમકે અહીં તો આજુબાજુનાં ગામમાં કોઈ હોસ્પીટલ છે જ નહીં..આપણે નખત્રાણા આવેલી હોસ્પિટલ સુધી જવું પડશે"ગોપાલે કહ્યું.

"હા તો જલ્દી થી આ યુવતી ને સાચવીને જીપ માં વ્યવસ્થિત મુકો..ત્યાં સુધી હું અહીં તપાસ કરું કોઈ આઇડેન્ટિટી પ્રુફ મળે છે કે નહીં.ત્યાં સુધી ઝાલા અને વિલાસ પણ આવતાં જ હશે..એ આવી જાય એટલે અહીંથી નીકળીએ"રાજવીરે કહ્યું.

રાજવીર ની વાત સાંભળી ગોપાલ, જયદીપ અને સુધીરે એ યુવતીને બાથરૂમમાંથી બહાર કાઢી અને મકાન ની બહાર લાવી જીપમાં સુવડાવી દીધી..આ બધી વિધિ દરમિયાન દામજી ઝાલા અને વિલાસ પરમાર પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.ઘણી શોધખોળ કરવા છતાં રાજવીર ને હાથ કંઈપણ નહોતું લાગ્યું.દામજી અને વિલાસ ને અહીં બનેલી સમગ્ર ઘટનાથી અવગત કરી રાજવીરે કહ્યું.

"જોવો આ કેસ ઘણો સિરિયસ છે..હું જયદીપ અને ગોપાલ ને લઈને હોસ્પિટલ જાઉં છું..સુધીર તું અહીં જ ઝાલા અને વિલાસ જોડે રોકાઈ જા..ફોરેન્સિક વાળા આવે એટલે જોડે રહી બાકીની કાર્યવાહી પૂર્ણ કરજે.."

"યસ સર.."દામજી ઝાલા, સુધીર મકવાણા અને વિલાસ પરમારે અદબભેર કહ્યું.

એ બધાં ને અન્ય જરૂરી સૂચનો આપ્યાં બાદ જયદીપ અને ગોપાલ ને જીપ માં બેસાડી રાજવીર નીકળી પડ્યો નખત્રાણા ખાતે આવેલી હોસ્પિટલ તરફ..આ હોસ્પિટલ ઘટનાસ્થળ થી અંદાજે સિત્તેર કિલોમીટર દૂર હતી.

જીપ જેવી એ યુવતીને લઈને હોસ્પિટલ તરફ આગળ વધી એવોજ વાતાવરણમાં પલટો આવી ગયો.અત્યાર સુધી જે વાતાવરણમાં સન્નાટો વ્યાપ્ત હતો એની જગ્યાએ કાળા ડિબાંગ વાદળો ધીરે ધીરે આકાશમાં ઘેરાવા લાગ્યાં અને વીજળી નાં ચમકારા થવા લાગ્યાં.

વાતાવરણ ની ભયાનકતા ખરેખર શેની નિશાની નિશાની કરી રહ્યું જતું એતો સમય ની ગર્તા માં જ છુપાયેલું છે.

***

વધુ આવતાં ભાગમાં.

એ યુવતી કોણ હતી..?એ ચાર લોકો જેમની લાશ મળી હતી એ કોણ હતાં..??એ યુવતી નો શું સાચેમાં બળાત્કાર થયો હતો..??એ યુવતી બચી જશે કે કેમ..?? આ સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા:કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

દોસ્તો આ સિવાય મારી અન્ય નોવેલ દિલ કબૂતર, ડણક અને રૂહ સાથે ઈશ્ક પણ માતૃભારતી પર વાંચી શકો છો..!!

-દિશા.આર.પટેલ