Anamika - 7 books and stories free download online pdf in Gujarati

અનામિકા ૭

અનામિકા

કહાની એક ડાકણ ની

( 7 )

રાજવીર દ્વારા પોસ્ટમોર્ટમ માટે લવાયેલી યુવતીનું પોસ્ટમોર્ટમ શરૂ થતાં ની સાથે અનહોની ઘટનાઓ શરૂ થઈ ચુકે છે..એ યુવતી નાં શરીરમાં પણ ક્યારેય ના જોયેલી વસ્તુઓ જોવા મળે છે..એનાં શરીરમાંથી એક રહસ્યમયી લખાણ વાળો કપડાંનો ટુકડો મળે છે.અચાનક ગાયબ થયેલી ત્રણ લાશોમાંથી એક ગોપાલ ને મારી નાંખે છે અને બીજી બે જયદીપ અને રાજવીર પર હુમલો કરી દે છે.રાજવીર બચી જાય છે અને વસંતભાઈ અને લવ સાથે લિફ્ટમાં ભાગવા જાય છે ત્યારે લિફ્ટ કામ કરતી જ નથી..અચાનક એક ઓછાયો આવે છે જેની પર રાજવીર ગોળી ચલાવે છે...હવે વાંચો આગળ..

રાજવીર દ્વારા છોડવામાં આવેલી ગોળી સીધી એ વ્યક્તિ ને લાગી હતી જે ત્યાં લોબીમાં આગળ વધી રહ્યો હતો..એની ઘંટડી રણકવાનો અવાજ બંધ થઈ ગયો જે એ વાત ની નિશાની પૂરતો હતો કે અત્યારે એ આગળ વધતી લાશ ત્યાં જમીન પર પડી હશે.

રાજવીરનાં હાથમાં હજુ પણ રિવોલ્વર જકડાયેલી હતી અને એ લિફ્ટમાંથી બહાર નીકળી એ લાશ તરફ આગળ વધી રહ્યો હતો..લવ અને વસંતભાઈ પણ ડરતાં ડરતાં અત્યારે રાજવીર ની પાછળ પાછળ આગળ વધી રહ્યાં હતાં.

એ લોકો એ લાશ ની બિલકુલ નજીક પહોંચી ગયા અને એ વ્યક્તિ જીવે છે કે મરી ગયો એ ચેક કરવા માટે રાજવીર નીચો નમીને તપાસ કરવા જ જતો હતો ત્યાં લોબી ની લાઈટ પુનઃ ચાલુ થઈ ગઈ.

રાજવીરે એ લાશ નો ચહેરો જોતાં જ પોતાનું માથું પકડી લીધું..હકીકતમાં એને જેનાં ઉપર ગોળી ચલાવી હતી એ લાશ નહીં પણ જયદીપ હતો..જયદીપે પણ પોતાની જાત ને એ લાશ ની પકડમાંથી કોઈપણ રીતે છોડાવી લીધી હતી અને એની ઘંટડી ને હાથમાં લઈ ટેરેસ નો દાદરો ઉતરી નીચે આવી ને લિફ્ટ તરફ આગળ વધી જ રહ્યો હતો ત્યાં રાજવીરે એનાં પર ગોળી ચલાવી એનો ખાત્મો કરી દીધો.

પોતાનાં સાથી મિત્ર ની જાન એને પોતે જ લીધી હતી એ વાત નો અફસોસ અત્યારે રાજવીરનાં ચહેરા પર સાફ સાફ દેખાઈ રહ્યો હતો..ગોપાલ પછી હવે જયદીપ ની પણ લાશ જોવાનો વારો આવતા એની આંખો માં આંસુ ઉભરાઈ આવ્યાં.એક સિનિયર ઓફિસર હોવા છતાં પોતાનાં બંને જુનિયર ઓફિસર ને ખોવાનું દુઃખ રાજવીર ને આખી જીંદગી અંદરથી કોરી જવાનું હતું એ નક્કી હતું.

રાજવીર જોરજોરથી રડીને વિલોપાત કરી રહ્યો હતો.વસંતભાઈ અને લવ અત્યારે રાજવીર ની મનોસ્થિતિ સમજતાં હતાં પણ તેઓ લાચાર હતાં.બસ રાજવીર ને સાંત્વના આપ્યાં વગર બાપ દીકરો વધુ કંઈ કરી શકે એમ નહોતાં.

***

હવે કોઈપણ રીતે ત્યાંથી બચવું હોય તો બહારથી કોઈ મદદ લાવવી પડે અથવા તો ત્યાંથી નીકળી જવું એ બે ઉપાય હતાં.રાજવીરે અન્ય પોલીસ અધિકારી ને કોલ કરી મદદ માટે બોલાવવા મોબાઈલ ખિસ્સામાંથી કાઢી કોલ લગાવ્યો પણ એમનાં આશ્ચર્ય વચ્ચે કોલ કનેક્ટ જ ના થયો..રાજવીરે મોબાઈલ સ્ક્રીન તરફ નજર કરી તો મોબાઈલ નેટવર્ક દેખાતું જ નહોતું..વસંતભાઈ અને લવ નાં મોબાઈલમાં પણ એવું જ હતું.

કોઈ અન્ય ઉપાય કરી અનામિકા ની સાથે આવેલી શૈતાની શક્તિને ત્યાંથી દૂર મોકલાવી પડશે કેમકે હવે એ યુવતી ની ડેડબોડી સાથે જે શક્તિ આવી છે એનો મુકાબલો કરવો કે એની સામે ટક્કર લેવી એ વિશે વિચાર કરવો પણ મૂર્ખામીભર્યો હતો.

વસંતભાઈ,રાજવીર અને લવ જયદીપનાં મૃતદેહ ને ઉપાડીને લેબ માં લેતાં આવે છે અને એને ગોપાલ ની ડેડબોડી ને જે સ્ટ્રેચર પર રાખી હતી એની બાજુમાં રહેલાં સ્ટ્રેચર પર લાવીને મૂકી દીધી.

વસંતભાઈ,રાજવીર અને લવ અત્યારે પોસ્ટમોર્ટમ લેબ ની મધ્યમાં ઉભાં ઉભાં આગળ શું કરવું એ વિશે વાત કરી રહ્યાં હતાં.

"ડોકટર આ મારી જ ભૂલ હતી કે હું આ યુવતી ને અહીં લઈને આવ્યો..મારાં લીધે તમારે અને લવે પણ આ મુસીબત માં ફસાવવું પડ્યું જેમાંથી નીકળવાનો અત્યાર પૂરતો તો કોઈ રસ્તો નથી.."રાજવીરે કહ્યું.

"ઈન્સ્પેકટર હવે જે થઈ ગયું એ કોઈનાં હાથમાં તો નહોતું જ..પણ હવે જે થશે એમાં આપણે ચોક્કસ કંઈક કરી શકીએ એમ છીએ.."વસંતભાઈ એ કહ્યું.

"પણ એ કઈ રીતે..પપ્પા..?"લવે પૂછ્યું.

"અવધ ડાયન પરીક્ષણ વિશે મેં ક્યાંક વાંચેલું છે..જો એ ક્યાં વાંચ્યું હતું એ વિશે ખબર પડી જાય તો આગળનું કંઈક વિચારી શકાય.."વસંતભાઈ એ કહ્યું.

"વાંચેલું છે મતલબ તમને એનાં વિશે માહિતી છે ?"રાજવીરે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"માહિતી તો નથી પણ આ શબ્દ જ્યારથી વાંચ્યો છે ત્યારનું રહીરહીને એવું લાગ્યાં કરે છે કે ક્યાંક તો આનાં વિશે મેં વિગતવાર લખેલું જોયેલું છે..પણ ક્યાં એ યાદ નથી આવતું..?"મગજ ઉપર જોર આપતાં આપતાં વસંતભાઈ બોલ્યાં.

વસંતભાઈ ની વાત સાંભળી લવ અને રાજવીર ને એક ધૂંધળું તો ધૂંધળું પણ આશા નું એક કિરણ જરૂર દેખાઈ રહ્યું હતું..પણ એ માટે વસંતભાઈ દ્વારા અવધ ડાયન પરીક્ષણ વિશે ક્યાં વાંચ્યું એ યાદ કરવું જરૂરી હતું.

***

"Yes,યાદ આવી ગયું.."વસંતભાઈ કંઈક ઝબકારો થયો એમ બોલ્યાં.

"મતલબ કે તમે ક્યાં એ પરીક્ષણ વિશે વાંચ્યું એની તમને ખબર પડી ગઈ છે..?"આટલું પૂછી રહેલાં લવ ની આંખોમાં એક ગજબની ચમક વ્યાપ્ત હતી.

"હા..મેં એ વિશે જેરાર્ડ ક્લિપર ની બુક "believe or not believe" માં વાંચેલું છે..અને એ પુસ્તક અત્યારે લેબ ની કેબિન ની અંદર રાખેલાં બુક સેલ્ફ માં જ ક્યાંક પડી હોવી જોઈએ."વસંતભાઈ એ કહ્યું.

વસંતભાઈ એ પોસ્ટમોર્ટમ લેબમાં જ એક કેબિન બનાવ્યું હતું જેમાં એમને એક સરસ બુક સેલ્ફ બનાવી હતી જેની અંદર દેશ વિદેશનાં મશહુર લેખકો ની બુક નું વિશાળ કલેકશન હતું..લગભગ 700-800 જેટલી બુક અત્યારે ત્યાં મોજુદ હતી.

"ચાલો તો આપણે સાથે મળીને તમે કહ્યું એ બુક શોધીએ.."રાજવીરે કહ્યું.

ત્યારબાદ રાજવીર,લવ અને વસંતભાઈ લેબ ની અંદર બનેલાં કેબિનમાં પ્રવેશ્યાં જ્યાં એમને બુક સેલ્ફ માં રાખેલી પુસ્તકો ફેંદવાનું શરૂ કર્યું..પાંચેક મિનિટ નાં પ્રયાસમાં તો believe or not believe ની ગુજરાતીમાં અનુવાદિત બુક લવ ને મળી ગઈ..લવે એ બુક પોતાનાં પપ્પા ને બતાવી ને એજ બુક છે એની ખાત્રી કરી લીધી.

એ પુસ્તક લઈને બધાં કેબિનમાંથી નીકળી પાછાં લેબ ની મધ્યમાં આવ્યાં અને લવે એ પુસ્તક વસંતભાઈ ને આપ્યું.

***

વસંતભાઈ પુસ્તક પોતાનાં હાથમાં લીધું અને અનુક્રમણિકા ચેક કરી જ્યાં 13 મું પ્રકરણ હતું અવધ ડાયન પરીક્ષણ અને પેજ નંબર હતું 119.વસંતભાઈ એ પેજ ઓપન કર્યું અને એમાં રહેલ લખાણ વાંચવાનું શરૂ કર્યું.

"આજનાં ઉત્તરપ્રદેશ નો અયોધ્યાની આસપાસ નો વિસ્તાર આજથી વર્ષો પહેલાં અવધ તરીકે પ્રખ્યાત હતો.અવધ ની સીમાઓ ત્યારે સમગ્ર ઉત્તરપ્રદેશ ઉપરાંત બિહાર ને પણ સ્પર્શ થતી હતી..એ વખતે વેપાર માટે આવેલાં અંગ્રેજો દેશમાં પગપેસારો કરી ચૂક્યાં હતાં પણ અવધમાં સાચી સત્તા હજુપણ નવાબનાં હાથમાં જ હતી."

"એ વર્ષ હતું 1841 નું અને ગરમીનો સમય હતો..આ ગરમી સમગ્ર અવધ માં એક નવો ભય નો અધ્યાય લખવાની હતી જેની ખબર કોઈ અવધ વાસી ને નહોતી..બન્યું એવું કે અવધ નાં સીતાપુર નામનાં વિસ્તાર માં એક બાર વર્ષ ની એક છોકરી જેનું નામ કેતકી હતું એને કંઈક ચિત્ર વિચિત્ર વસ્તુઓનો ભાસ થઈ રહ્યો હોય એવો એનો વ્યવહાર થઈ ગયો."

"ક્યારેય માંસ કે ઈંડુ પણ ના ખાતી કેતકી એક દિવસ ઘરે એકલી હતી ત્યારે મરેલાં ઉંદર ખાઈ રહી હતી..આવું કેટલાં દિવસથી ચાલુ હતું એ વિશે તો ઘરમાં કોઈને ખબર નહોતી પણ બન્યું એવું કે એક દિવસ કેતકી ની માં કામ પરથી વહેલી ઘરે આવી ગઈ તો પોતાની દીકરી અત્યારે ઉંદર આરોગી રહી હતી એ જોતાં જ એ ફફડી ઉઠી..કેતકી ની આંખો પણ ત્યારે લાલ રંગ ની દેખાઈ રહી હતી."

"કેતકી ની માં એ આ વિશે જ્યારે એનાં પિતાજી ને જણાવ્યું..એમને પહેલાં તો પોતાની પત્ની ની વાત પર વિશ્વાસ ના આવ્યો પણ જ્યારે એમને પણ પોતાની દીકરી ને ઉંદર ખાતાં જોઈ ત્યારે એ પણ માનવા લાગ્યાં કે જરૂર કેતકી કોઈ શૈતાની શક્તિનાં વશ માં છે..અને આ શક્તિ ને એનાં શરીરમાંથી દુર કરવી હોય તો કોઈ મોટાં તાંત્રિક નો સહારો લેવો પડશે."

"બીજાં દિવસે એને એક તાંત્રિક જોડે લઈ જવામાં આવી..તાંત્રિક જોડે જતાં ની સાથે કેતકી ની અંદર ની રહેલી શક્તિઓ એ પોતાનો અસર બતાવવાનું શરૂ કરી દીધું હતું..તાંત્રિકે જળ પ્રતિબિંબ નામની વિધિ વડે જોયું તો કેતકી કોઈ ડાકણ દ્વારા વશીભૂત થયેલી હતી અને એ ડાકણ એનો જીવ લેવાં માંગતી હતી."

"પહેલાં તાંત્રિકે પ્રેમ થી લાલચ આપી એ ડાકણ ને કેતકી નું શરીર ત્યજી દેવાં માટે જણાવ્યું પણ એ ડાકણ જિદ્દી હતી એને આ અક્ષતયૌવના યુવતી નો દેહ મુકવા તૈયાર નહોતી પણ એ તાંત્રિક વધુ અનુભવી અને શક્તિ ધરાવતો હતો એટલે એને પોતાની મેલી વિદ્યા અને તંત્ર મંત્ર શક્તિનાં જોરે ડાકણ ની શૈતાની શક્તિ થી કેતકીનાં શરીર ને આઝાદ કરી દીધું અને એનો જીવ બચાવી લીધો."

"આ બધી શરૂવાત હતી ત્યાં આવનારાં નવાં સંકટ ની જેની શરૂવાત થઈ ચુકી હતી..કેતકી ની તાંત્રિક વિધિ થી સારવાર થયે હજુતો દસ દિવસ માંડ વીત્યાં હતાં ત્યાં પેલાં તાંત્રિક બાબા નું રહસ્યમયી સંજોગો માં શબ એમનાં ઘરે જ મળી આવ્યું અને એમનાં ઘર ની દીવાલો પર લોહી થી લખેલું હતું.."

"હું હવે કોઈને જીવતાં નહીં મુકું.."

"તાંત્રિક ની હત્યાનાં બાર દિવસ પછી સીતાપુર માં જ રહેતી એક બીજી યુવતી સરોજનું શરીર પણ એ ડાકણ દ્વારા કાબુ કરવામાં આવ્યું..કેતકી એ તો ખાલી ઉંદરો નું મારણ કરીને એને ખાધાં હતાં જ્યારે સરોજ એનાંથી પણ એક ડગલું આગળ નીકળી ગઈ..સરોજે તો પોતાનાં જ પાલતુ શ્વાન ની હત્યા કરી એનું ભોજન કર્યું.."

"સરોજ નાં પરિવારનાં સદસ્યોએ જ્યારે આ બધું જોયું ત્યારે એમનો તો જાણે જીવ તાળવે ચોંટી ગયો..સરોજ ની અન્ય હરકતો પણ એની અંદર ડાકણ હોવાની વાત રજૂ કરી રહી હતી..એ લોકો સરોજ ને લઈને એક મંત્ર તંત્ર કરતાં ઓઝા જોડે ગયાં.. ઓઝા એ ડાકણ ને સરોજનાં શરીરમાંથી કાઢવા વિધિ શરૂ કરી..પણ વિધિ ની મધ્યમાં જ સરોજ ની અંદર ની શક્તિ બહાર આવીને એ ઓઝા ને મોત ને ઘાટ ઉતારી મુકે છે.."

"સરોજ ની અંદર રહેલી ડાકણ જ્યારે કોઈપણ પ્રયાસ પછી પણ ના નીકળી એટલે સમગ્ર સીતાપુર પંથક ડર અને ભય નીચે જીવવા લાગ્યો..સરોજ ને લોખંડની સાંકળો થી બાંધવામાં આવી છતાં પણ લોકો નો ડર ઓછો ના થયો..આજ કારણોસર વાત એટલી હદે વધી કે છેક અવધ નાં નવાબનાં કાને અથડાતી કુટાતી આ વાત પહોંચી ગઈ."

"પોતાની પ્રજા ને ખૂબ જ પ્રેમ કરતાં નવાબે એક સુબેદાર ને તાત્કાલિક સીતાપુર રવાના કરી દીધો..સુબેદાર નું નામ હતું હમીરસિંહ.હમીર સિંહે આવી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો.એમને સરોજ નાં ઘરે જઈ ને જોયું કે સરોજ નો વ્યવહાર અને વર્તન દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહ્યો હતો..દિવસ માં બે થી ત્રણ વખત સરોજ ની અંદર રહેલી ડાકણ એની ઉપર હાવી થઈ જતી હોય એમ એ વર્તતી હતી."

"હમીરસિંહે સીતાપુર વિસ્તારમાં અવધ નાં નવાબ ની સલાહ લઈ એક સમિતિ બનાવી જેમાં રહેલાં લોકો એ ડાકણ ને ખત્મ કરવા સરોજ ને જીવતી સળગાવવાનું નક્કી કર્યું..હમીરસિંહ દિલ નો બહુ સારો હતો એટલે એમને પહેલાં સરોજનાં માતા પિતા ની મંજૂરી લીધી પછી જ સમિતિ ની વાત ને અમલમાં મુકવાનું નક્કી કર્યું."

"એ માટે નો એક દિવસ નક્કી થયો અને સીતાપુર નગર ની વચ્ચે હજારો ની જનમેદની ની હાજરીમાં સરોજ ને સાંકળોથી બાંધવામાં આવી અને એની ફરતે આગ લગાવી એને જીવતી જ સળગાવી મુકવામાં આવી..સરોજ ની સળગતી કાયા ની સાથે ત્યાં હાજર લોકોનાં ચહેરા પર વ્યાપ્ત રાહત જોઈને હમીરસિંહ ને પણ શાંતિ થઈ..!!

"સરોજ ની સાથે એ ડાકણ થી પણ સીતાપુર ને મુક્તિ મળી ગઈ છે એવું વિચારતાં ત્યાંના લોકો નું એ સમજવું ટૂંક સમયમાં જ એમની મોટી ભૂલ સાબિત થવાનું હતું..!!

વધુ આવતાં ભાગમાં...

એ યુવતી ની હકીકત શું હતી..? જો એ યુવતી બોલી જ નહોતી શકતી તો ઈન્સ્પેકટર રાજવીર ની કોની સાથે વાત થઈ હતી..? ત્યાં વધેલાં લોકો બચી જશે કે એમનો પણ અંજામ મોત જ હશે..? સીતાપુર માં બનેલી ડાકણ ની ઘટના માં શું બન્યું હતું જેનો સંબંધ આ અનામિકા નામની રહસ્યમયી યુવતી જોડે હતો..? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા:કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ

દિલ કબૂતર

રૂહ સાથે ઈશ્ક

ડણક:The Story Of Revange.

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED