અનામિકા ૧૧ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનામિકા ૧૧

અનામિકા

કહાની એક ડાકણ ની

( 11 )

ગોપાલ અને જયદીપ ની મૃત્યુ પછી અવધ ડાયન પરીક્ષણ વિશે વધુ માહિતી માટે વસંતભાઈ એક પુસ્તક વાંચે છે જેમાં વર્ષો પહેલાં અવધ રાજ્ય નાં સીતાપુર માં વિધિ નાં અંતે ડાકણ તો ચાલી જાય છે પણ રાજેશ્વરી પોતાની ઈચ્છાથી પોતાનો જીવ આપવા નહોતી આવી એ જણાવે છે. રાજેશ્વરી થી સીતાપુર ને બચાવવા શંકરનાથ વિધિ કરે છે. રાજેશ્વરી ડાકણ બની પાછી આવી ગઈ હોય છે જેનો અંત કરવા વસંતભાઈ ત્રિભુજ દર્પણ વિધિ ની શરૂવાત કરે છે..વિધિ.હવે વાંચો આગળ..

"આ વિધિ ત્યારે જ પૂર્ણ સમજવી જ્યારે આ ત્રણેય દર્પણ પૂર્ણપણે ટુકડાઓમાં વિભાજીત ના થઈ જાય..આ ત્રણ દર્પણ એ ડાકણ ની દરેક શક્તિઓની સાથે એની અંદર છુપાયેલી શૈતાની તાકાત ની નિશાની છે..માટે આ દર્પણ નો નાશ થતાં ડાકણ પણ મુક્ત થઈ જશે. ત્યારબાદ આ રાજેશ્વરીનાં મૃતદેહ ને આ કાચના ટુકડાઓ સાથે જ દફન કરી દેવાનો છે એટલે આપણે આ ડાકણ નાં કહેરથી બચી જઈશું.."વસંતભાઈ એ ત્રિભુજ દર્પણ વિધિ માટે મિરર ની પાછળ બેસેલાં લવ અને રાજવીર ને ઉદ્દેશીને કહ્યું.

"સારું ત્યારે હવે જેમ બને એમ તમે વિધિ ની શરૂઆત કરી દો..અમે પૂર્ણપણે તૈયાર છીએ.."રાજવીરે વસંતભાઈ તરફ જોઈને કહ્યું.

"સારું ત્યારે તમે પોતાનું સંપૂર્ણ ધ્યાન હું જે બોલું એની પર રાખો અને એ મંત્રોચ્ચાર ને પુનઃ બોલવાનો છે..કોઈ કાળે પોતાની જગ્યાએથી ઉભું થવાનું નથી.."વસંતભાઈ નાં અવાજ માં સલાહ ની સાથે ડર પણ હતો.

વસંતભાઈ ધીરે ધીરે પોતાની આંખો બંધ કરી એક પછી એક પછી એક મંત્ર બોલવાનાં શરૂ કર્યા..શિવ મહિન્મ સ્ત્રોત, ગાયત્રી મંત્ર, ગણપતિ વંદના, વિષ્ણુ મંત્ર..વગેરે હિન્દૂ દેવતાઓનાં મંત્ર અને સ્ત્રોત એકપછી એક વસંતભાઈ રટણ કરે જ જતાં હતાં..લવ અને રાજવીર પણ એમના શબ્દેશબ્દ ને પુનઃ બોલતાં.

વીસેક મિનિટ સુધી તો ત્યાં પૂર્વવત શાંતિ જ પ્રસરાયેલી રહી પણ જેવાં જ વસંતભાઈ એ હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કર્યું તો આખી લેબ જાણે કોઈ ભૂકંપના આંચકા નાં લીધે ધ્રૂજતી હોય એમ ધ્રુજવા લાગી.બારી માંથી પવન પણ જોરજોરથી ફૂંકાવા લાગ્યો.

લવ અને રાજવીર અત્યારે આજુબાજુ બનતી ઘટનાઓ ને અનુભવી રહ્યાં હતાં.એ લોકો ને સમજાઈ ગયું હતું કે આ ડાકણ પર અત્યારે ત્રિભુજ દર્પણ વિધિ ની અસર થવાની ચાલુ થઈ છે.એ લોકો વસંતભાઈ નાં કહ્યા મુજબ જ એમનાં દ્વારા બોલાતાં હનુમાન ચાલીસાની લિટીઓને પુનઃ બોલી રહ્યાં હતાં.

હનુમાન ચાલીસા અડધાંથી પણ વધુ પૂર્ણ થઈ ચૂક્યાં હતાં.રાજેશ્વરીનાં વર્તુળની અંદર પડેલ મૃતદેહ માં એની સાથે સાથે જ કંપારી આવવા લાગી હતી.હનુમાન ચાલીસા ની પુર્ણાહુતી ની સાથે રાજેશ્વરીનાં મૃતદેહમાં હાજર ડાકણ નો અંત પામી જશે એવું વસંતભાઈ ની સાથે લવ અને રાજવીર ને લાગી રહ્યું હતું.

અચાનક રેડિયોમાં પેલું ગીત પુનઃ વાગવાનું શરૂ થઈ ગયું.

"आओ हुज़ूर तुमको सितारों में ले चलु

दिल झूम जाएं ऐसी बहारों में ले चलु

आओ हुज़ूर तुमको....."

પણ પહેલી વખતનાં અવાજ કરતાં અત્યારે આવતો અવાજ સાવ અલગ જ હતો..પહેલાં જ્યારે આ ગીત વાગ્યું ત્યારે અવાજ કોઈ સ્ત્રી નો હોય એવું લાગતું હતું અને એ પણ ખૂબ માદક સુર..પણ અત્યારે આ ગીત વાગ્યું એમાં જે અવાજ સંભળાયો એ ના તો પુરુષ નો હતો ના તો સ્ત્રીનો..પણ કોઈ સ્ત્રી અને પુરુષનો મીશ્રીત હોય એવો ઘોઘરો અવાજ અત્યારે ઘણો કકર્ષ અને ડરાવણો લાગી રહ્યો હતો.

રેડિયો નું આ ગીત ફક્ત એ લોકો નું ધ્યાન ભંગ કરવા એ ડાકણ પોતાની શક્તિ થી વગાડી રહી હતી એ વાત સમજતાં ત્યાં હાજર કોઈએ પણ એ તરફ સહેજ પણ ધ્યાન ના આપ્યું અને ત્રિભુજ દર્પણ વિધિ ને આગળ ધપાવવા મંત્રોચ્ચાર ચાલુ જ રાખ્યાં.

વસંતભાઈ ની સાથે લવ અને રાજવીર પણ અત્યારે કોઈપણ ભોગે આ વિધિ પૂર્ણ કરવા માંગતા હતાં કેમકે જીવીત રહેવું હોય તો એજ એકમાત્ર ઉપાય હતો એવું એ દરેક ને લાગી રહ્યું હતું.હનુમાન ચાલીસા જેમ જેમ પૂરાં થવા આવ્યાં હતાં એમ એમ રાજેશ્વરીનો મૃતદેહ જાણે કોઈએ સળગાવ્યો હોય એમ લાવા ની જેમ ગરમ થઈ રહ્યો હતો.

એકાએક લવ નાં ખોળામાં કંઈક આવીને પડ્યું..લવે જોયું તો અત્યારે એનાં ખોળામાં એનાં પાલતુ શ્વાન ઝોરો મૃત અવસ્થામાં પડ્યો હતો..એની ડોક મરડાઈ ગઈ હતી અને એની આંખો અત્યારે ગાયબ હતી..ઝોરો નાં મોઢામાંથી રક્ત નીકળી રહ્યું હતું..પોતાનાં પ્રિય શ્વાન ની આવી વિકૃત લાશ જોઈ લવ ઝબકીને ઉભો થઈ ગયો.

પોતાનાં હાથમાં રહેલી ઝોરો ની લાશ ને લઈને એ રડી રહ્યો હતો..વસંતભાઈ અને રાજવીર પણ અત્યારે લવ નાં આમ અચાનક ઉભાં થઈ જવાના લીધે ચમકી ગયાં હતાં.ડાકણ દ્વારા પોતાની શક્તિ વડે ખૂબ સરસ દાવ રમવામાં આવ્યો હતો અને દાવ સંપૂર્ણ સફળ થયો હતો.

***

ત્રિભુજ દર્પણ વિધિ ની શરત તૂટી ગઈ હતી એટલે વસંતભાઈ પણ પોતાનાં મંત્રોચ્ચાર અટકાવી દે છે..વસંતભાઈ અને રાજવીર ની નજર અત્યારે પોતાની તરફ મંડાયેલી છે એને ખબર પડતાં લવ ને સમજાઈ ગયું કે હકીકતમાં ઝોરો ની મોત નું કારણ આ ડાકણ જ હતી જેને પોતાની શક્તિ વડે આ વિધિ ને અટકાવવા આ ખેલ ખેલ્યો હતો..પોતે બહુ મોટી ભૂલ કરી બેઠો હતો જેનું પરિણામ ત્યાં હાજર દરેકે ભોગવવું પડશે એ નિશ્ચિત હતું.

લવે ઝોરો નાં મૃતદેહ ને હજુપણ હાથમાં પકડી રાખ્યો હતો જે એને એક ટેબલ પર જઈને મુક્યો અને વસંતભાઈ અને રાજવીર તરફ જોઈ "sorry" કહ્યું.

જે કંઈપણ થયું એમાં લવ નો કોઈ વાંક નહોતો એ સમજતાં રાજવીર અને વસંતભાઈ એ આંખોથી જ "its ok" કહી દીધું.

એ લોકો એ પછી આગળ શું કરીશું એ વિચારી રાજેશ્વરી નો મૃતદેહ જ્યાં પડ્યો હતો ત્યાં આવ્યાં..એ લોકો આગળ શું કરીશું એ વિશેની હજુ ચર્ચા કરવા જતાં જ હતાં ત્યાં એક ધીમું હાસ્ય એમનાં કાને પડ્યું..આ હાસ્ય જાણે કોઈ પોતાનાં ગળાનો ઉપયોગ કરી કરી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું..હાસ્ય નાં અવાજ પર ધ્યાન આપતાં એ લોકો ને મહેસુસ થયું કે આ હાસ્યનો અવાજ રાજેશ્વરી જ કરી રહી હતી.

એ લોકોનાં આશ્ચર્ય વચ્ચે રાજેશ્વરીનો દેહ ધીરે ધીરે જમીન પરથી ત્રણેક ફૂટ જેટલો ઊંચો થયો..પછી રાજેશ્વરી હવામાં જ બેઠી થઈ હોય એમ એનો દેહ કમરથી ઉંચકાયો.રાજેશ્વરી એ ત્યારબાદ પોતાની બંને આંખો ખોલીને વસંતભાઈ, લવ અને રાજવીર ની તરફ જોયું.એની આંખો સફેદ રંગ ની થઈ ગઈ હતી..જેમાં ક્યાંય કાળાશ હતી જ નહીં.

હજુ વસંતભાઈ, લવ અને રાજવીર કંઈપણ હરકત કરે એ પહેલાં તો રાજેશ્વરીનું ભયાનક અટ્ટહાસ્ય લેબમાં ગુંજી ઉઠ્યું..અટ્ટહાસ્ય એટલું ભયાનક હતું કે ત્યાં હાજર બધાં પગથી માથા સુધી ધ્રુજી રહ્યાં હતાં..પોતાની મોત હવે નજીક છે એવું એ દરેક ને સમજાઈ ગયું હતું એટલે એમને આવનારી મોત નો સામનો કરવા પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરવાનું શરૂ કરી દીધું.

અચાનક રાજેશ્વરી નું અટ્ટહાસ્ય અટક્યું..અટ્ટહાસ્ય બંધ કર્યા પછી રાજેશ્વરી એ પોતાની ગરદન ગોળ ગોળ ઘુમાવવાનું શરૂ કર્યું..ત્યાં થઈ રહેલી દરેક વસ્તુઓ પર એ ત્રણેય લોકો ને હજુપણ વિશ્વાસ નહોતો આવી રહ્યો..ત્રણ ઉચ્ચ અભ્યાસ ધરાવતાં લોકો ને પોતે અલૌકિક શક્તિનો ભોગ બનવું પડ્યું હતું જેનાં લીધે ભુત પ્રેત શબ્દને મજાક સમજતાં એ દરેક અત્યારે આ બધું સાચેજ હોય છે એ માનવા મજબુર બન્યાં હતાં.

રાજેશ્વરીએ સહસા પોતાની ગરદન ઘુમાવવાનું અટકાવી દીધું..અત્યારે એનો ચહેરો રાજવીર ની સામે હતો..એ રાજવીર ની સામે જોઈ લુચ્ચું હસી રહી હતી.એની આ હરકત એ વાત ની સાક્ષી હતી કે એનો નવો શિકાર રાજવીર જ હતો..પોતે રાજેશ્વરી નો નવો શિકાર હતો એ વાત સમજતાં રાજવીર ને વાર ના થઈ અને એને પોતાની રિવોલ્વર કાઢીને રાજેશ્વરી ની તરફ તાકીને એમાં વધેલી ગોળી ને એની ઉપર ફાયર કરી દીધી.

રાજવીર ની છોડલી ગોળી રાજેશ્વરીથી થોડાંક અંતરે જ હવામાં અટકી ગઈ અને પાછી રાજવીર ની તરફ આગળ વધી..રાજવીરે પોતાની જાત ને ખૂબ સ્ફૂર્તિથી નીચે નમાવીને ગોળી વાગવાથી તો બચાવી લીધી..પણ રાજેશ્વરીને બીજી લાશો ની જેમ સામાન્ય માનવાની પોતાની બાલીશ ભૂલ પર રાજવીર ને મનોમન હસવું આવી રહ્યું હતું.

રાજવીર ની પોતાની ઉપર હુમલો કરવાની હિંમત અને ગોળી વાગવાથી બચી જવાની વાતથી રાજેશ્વરી ખૂબ ગુસ્સે ભરાઈ ગઈ હોય એવું લાગતું હતું..રાજેશ્વરી એ અચાનક પોતાનાં હાથની બે આંગળીઓની મદદ થી દુર ઉભેલા રાજવીર ને હવામાં અધ્ધર ઉઠાવી લીધો..અને આંગળીઓના ઈશારાથી જ રાજવીર ને ઉઠાવીને બારી ની બહાર ફેંકી દીધો.

રાજવીર નો દેહ બારી નાં કાચ તોડી નીચે પડ્યો એ વસંતભાઈ અને લવે જ્યારે જોયું ત્યારે એમની હાલત અત્યારે ખૂબ ખરાબ થઈ ગઈ હતી.હવે મોત જાણે મોં ફાડી એમની રાહ જોઈ રહ્યું હોય એવું એમને રાજેશ્વરી નો ચહેરો જોઈને લાગી રહ્યું હતું.

"શું વિચાર્યું હતું તે કે તું મને મારી નાંખીશ..?"વસંતભાઈ તરફ જોઈને રાજેશ્વરીએ ઊંચા અવાજે કહ્યું"અરે ના એવું કંઈ નથી જેવું તમે વિચારી રહ્યાં છો.."વસંતભાઈ અત્યારે રાજેશ્વરી ની આંખોમાં મોત નું પ્રતિબિંબ જોતાં હોય એમ બોલતાં બોલતાં ડરી રહ્યાં હતાં.

"તો સત્ય શું છે એ જણાવીશ.."રાજેશ્વરી આટલું બોલતાં હવે હવામાં સીધી ઉભી હોય એમ ઉભી રહી.

રાજેશ્વરી નો દેહ અત્યારે ખૂબ ભયાનક લાગી રહ્યો હતો..એની આંખો અત્યારે જે રીતે શ્વેતમાંથી રક્ત જેવી લાલ થઈ ગઈ હતી એ વાત નો એ ઈશારો કરી રહી હતી કે રાજેશ્વરી અત્યારે કેટલી ક્રોધમાં હતી.

"એતો અમે લોકો ખાલી એમજ.."આટલું બોલતાં તો વસંતભાઈ ને કપાળે પરસેવો વળી ગયો..એમને પોતાનાં કરતાં પોતાનાં દીકરા લવ ની ચિંતા હતી જેને હજુતો માંડ જવાની નો ઉંબરો ઓળંગ્યો હતો.

"શું થયું સાચું બોલતાં જીભ નથી ઉપડતી..અરે કહી દે કે તમે ત્રિભુજ દર્પણ વિધિ કરતાં હતાં..પણ તું મને જેટલી કમજોર સમજે છે એટલી હું છું નહીં.."રાજેશ્વરી નો સપાટ અવાજ લેબમાં પડઘાયો.

"પપ્પા નો કોઈ વાંક નથી.."લવે રાજેશ્વરી ને વચ્ચે ટોકીને કહ્યું.

"બંસી તું વચ્ચે ના બોલ..આ દુષ્ટ માણસ મને ને તને ક્યારેય એક નહીં થવા દે.."રાજેશ્વરી નો લવ પ્રત્યે નો વ્યવહાર સાવ અલગ હતો..લવ જોડે વાત કરતી વખતે એનાં અવાજમાં પ્રેમ અને નરમાશ બંને હતું.

"કોણ બંસી..હું કોઈ બંસી નથી..હું લવ છું.."લવે પોતાને બંસી બોલાવવા પર ગુસ્સે થઈને રાજેશ્વરીને કહ્યું.

"બંસી તું લવ નથી મારો બંસી જ છો..અને આ દુષ્ટ માણસ જે અત્યારે તારો બાપ છે એનાં લીધે જ તું અને હું એક ના થઈ શક્યાં.."આટલું બોલતાં રાજેશ્વરી એકદમ સામાન્ય થઈ ગઈ હતી.

"તું શું બોલે છે..મેં તને અને લવ ને ક્યારે અલગ કર્યાં..?"વસંતભાઈ એ રાજેશ્વરી તરફ જોઈને પૂછ્યું.

"તારે સાંભળવું જ છે કે તું કઈ રીતે અમને બંને ને અલગ પાડવાનું કારણ બન્યો તો સાંભળ.."રાજેશ્વરી એ આટલું કહી પોતાની વીતક સંભળાવવાનું શરૂ કર્યું.

વધુ આવતાં ભાગમાં...

શું તો રાજેશ્વરી જ અનામિકા હતી..? રાજેશ્વરી જો પોતાની મરજીથી ત્યાં વિધિ માં નહોતી આવી તો એને ત્યાં આવવા મજબુર કોને કરી..? ત્યાં બચેલાં લોકો અનામિકા નાં પ્રકોપમાંથી બચી શકશે કે નહીં..? રાજેશ્વરી એ લવ ને બંસી કેમ કહ્યો તથા વસંતભાઈ એ બંને વચ્ચે ક્યારે નડતરરૂપ બન્યાં હતાં? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા:કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ

દિલ કબૂતર

રૂહ સાથે ઈશ્ક

ડણક: The Story Of Revange.

-દિશા. આર. પટેલ