Featured Books
શ્રેણી
શેયર કરો

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 20 (અંતિમ ભાગ)

20. માછીમારનું ગામ

ધીમે રહીને, એકદમ હળવેથી ડૉક્ટરે માણસને જગાડ્યો. પણ, ત્યારે જ સળગતી દિવાસળી બુઝાઈ ગઈ અને માણસને લાગ્યું કે બેન અલી ફરી આવી ગયો છે. આથી, તે અંધારામાં મુક્કા વીંઝવા લાગ્યો. જોકે, ડૉક્ટરને તેનાથી ખાસ ઈજા ન થઈ કારણ કે અંધારામાં યોગ્ય જગ્યાએ મુક્કો મારવો શક્ય ન હતું.

પછી, ડૉ. ડૂલિટલે તેને પોતાની ઓળખાણ આપી અને અહીં આવવાનો ઉદ્દેશ જણાવ્યો ત્યારે માણસને પસ્તાવો થયો. તેણે અવિચારી પ્રતિક્રિયા બદલ માફી માંગી. વળી, પોતાનો ભાણેજ ડૉક્ટરના જહાજ પર છે એ જાણીને તેને ખૂબ આનંદ થયો.

તેણે ડૉક્ટરને ચપટી ભરીને છીંકણી આપી અને પોતાની આપવીતી કહેવા લાગ્યો. તેણે જણાવ્યું કે તે ચાંચિયો બનવા તૈયાર ન થયો એટલે બાર્બરી ડ્રેગન તેને આ ખડક પર ઉતારીને ચાલ્યો ગયો હતો. પછી, આ ખુલ્લા ખડક પર તેની પાસે કોઈ ઘર કે આશરો ન હતા. તેથી, ઠંડીથી રક્ષણ મેળવવા તેને આ રૂમમાં ભરાઈ જવું પડ્યું હતું. તેણે પોતાની વાત આગળ ધપાવતા ઉમેર્યું, “ચાર દિવસથી મેં અનાજનો એક પણ દાણો કે પાણીનું ટીપું મોઢામાં નાખ્યું નથી, મારી પાસે ખાલી છીંકણી જ છે.”

“જોયું ને, મેં ન્હોતું કહ્યું !” જિપ બોલી ઊઠ્યો.

હવે, ડૉક્ટર તે માણસને જહાજમાં લઈ જવા ઉતાવળા બન્યા જેથી તેને સૂપ કે કંઈ ખાવા-પીવાની વસ્તુ આપી શકાય. પછી, તેમણે થોડી વધુ દિવાસળી સળગાવી અને સૌ બોગદાંમાં થઈ બહાર નીકળ્યા. બહાર સૂર્યપ્રકાશ પૂરતો હતો અને હવે દિવાસળી સળગાવવાની કોઈ જરૂર ન હતી.

આ બાજુ પ્રાણીઓ અને છોકરો જહાજ પરથી ખડકને જોઈ રહ્યા હતા. તેમણે ડૉક્ટર અને જિપને લાલ માથાવાળા માણસ સાથે પાછા ફરતાં જોયા ત્યારે કૂદાકૂદ કરી મૂકી. ઊડી રહેલા વાદળી પાંખવાળા પક્ષીઓએ પણ જોયું કે છોકરાના બહાદુર મામા બચી ગયા છે, તેથી તેમણે સીટીઓ મારી. હજારો-લાખોની સંખ્યામાં રહેલા પક્ષીઓએ એકસાથે સીટી મારતા ખૂબ મોટો અવાજ થયો ; એટલો મોટો કે ઘણે દૂર રહેલા નાવિકો અને ખારવાઓને લાગ્યું કે સમુદ્રી તોફાન આવવાનું છે ! તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આંધી આવવાની છે. ઝંઝાવાતી પવનની ગર્જના સંભળાય છે.”

હવે, જિપને પોતાની જાત પર ગર્વ થઈ રહ્યો હતો. જોકે, તે અભિમાન કરી રહ્યો છે એવું દેખાઈ ન જાય એ માટે તેને સાવધ બનવું પડ્યું.

ડબ-ડબે તેની પાસે જઈને કહ્યું, “મને ખબર ન્હોતી કે તું આટલો બધો હોશિયાર છે.” ત્યારે જિપે પોતાનું માથું હલાવીને કહ્યું, “એમાં કંઈ મોટી વાત નથી. આ માણસને શોધવા કૂતરું જ કામ આવે તેમ હતું, પક્ષીઓ આ પ્રકારનું કામ ન કરી શકે.”

પછી, ડૉક્ટરે લાલ વાળવાળા માછીમારને તેના ઘર વિશે પૂછ્યું. તેણે પોતાના ગામનું નામ કહ્યું એટલે ડૉક્ટરે પક્ષીઓને તે ગામનો રસ્તો બતાવવા કહ્યું.

ખાસ્સી મુસાફરી પછી તેઓ માછીમારે કહેલી જગ્યા પર પહોંચ્યા. ત્યાં એક નાનકડું ગામ હતું. ગામ ખડકાળ ડુંગરના તળિયે વસેલું હતું. ગામના તમામ લોકો માછીમારી કરતા હતા. જહાજ ગામથી થોડે દૂર હતું ત્યાં જ માણસે આંગળી ચીંધીને પોતાનું ઘર બતાવ્યું.

દરિયા કિનારે પહોંચી તેઓ જહાજનું લંગર ઉતારવા લાગ્યા અને છોકરાની મમ્મી દોડતી સામા કિનારે આવી પહોંચી. ઘણાં દિવસથી પોતાના દીકરા અને ભાઈની રાહ જોતી તે, વારંવાર પર્વતની ટોચ પર જઈ, દરિયાને જોયા કરતી હતી. પોતાના ભાઈ અને દીકરાને સલામત જોઈ તેની આંખમાં હર્ષના આંસુ આવ્યા.

જયારે તેણે જાણ્યું કે ડૉક્ટરે તે બંનેને બચાવ્યા છે ત્યારે તેણે ડૉક્ટરને કેટલીય ચૂમીઓ ભરી. ડૉક્ટર સ્કૂલ-ગર્લની જેમ શરમાઈ ગયા. પછી સ્ત્રી, જિપ તરફ દોડી, તે તેને ય ચૂમી ભરવા ઈચ્છતી હતી. પણ, જિપ દોડીને જહાજમાં સંતાઈ ગયો.

“મને કોઈ ચૂમીઓ ભરે એ ગમતું નથી.” તેણે કહ્યું. “હું તો તેના હાથમાં નહીં જ આવું. અને જો તેને ચૂમીઓ ભરવી જ હોય તો ગબ-ગબને તેની પાસે મોકલી દો.”

પછી, માછીમાર અને તેની બહેને ડૉક્ટરને પોતાને ત્યાં રોકી લીધા. ડૉક્ટર અને પ્રાણીઓ પૂરા અઢી દિવસ સુધી તેમના ઘરે રોકાયા.

એ દરમિયાન ગામડાના બધા છોકરા કિનારે જઈ, લાંગરેલા જહાજ તરફ આંગળી ચીંધી એકબીજાને કહેતા, “જો, તે ચાંચિયાઓનું જહાજ છે ; આખી દુનિયાના સૌથી ખતરનાક ચાંચિયા બેન અલીનું. આ લાલ સઢવાળું જહાજ દેખાવે જ શેતાની અને ઝડપી લાગે છે, નહીં ? પેલા ઊંચી ટોપીવાળા સજ્જન જે ટ્રેવેલ્યન પરિવારના ઘરે રોકાયા છે, તેમણે આ જહાજ બાર્બરી ડ્રેગન પાસેથી આંચકી લીધું છે. અને એટલું જ નહીં તે જલ્લાદને ખેડૂત બનવા મજબૂર કરી દીધો છે. તે નમ્ર અને સજ્જન માણસ આટલા બહાદુર પણ હશે એવું કોણ કહી શકે !”

તો બીજી બાજુ આખા ગામના લોકો ડૉક્ટરને પોતાના ઘરે ચા-નાસ્તો કરવા, જમવા અને મહેમાનગતિ કરવા આમંત્રણ આપતા હતા. તમામ મહિલાઓ તેમને ફૂલો અને ચોકલેટ ભરેલા ડબ્બા મોકલતી હતી. અરે, ગામડાંનું એક માત્ર બેન્ડ તેમના માટે દરરોજ લાઈવ-શો કરતું હતું.

આમ ને આમ શનિ-રવિ વીતી ગયા. સોમવારની બપોરે ડૉક્ટરે કહ્યું, “સજ્જનો, હવે મારે ઘરે જવું પડશે. તમે લોકોએ અમારી ખૂબ સરભરા કરી છે, અમે તે જીવનભર નહીં ભૂલીએ. પણ, મારે કેટલાક કામ પતાવવાના છે એટલે ગયા વગર છૂટકો નથી.”

પછી, જયારે ડૉક્ટર નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે, ગામના સરપંચ કેટલાક માણસોને લઈ તેમની પાસે આવ્યા. તે બધાએ નવા કપડાં પહેર્યા હતા. તે સૌ ડૉક્ટર જ્યાં ઊતર્યા હતા તે ઘરની સામે આવી ઊભા રહી ગયા. ધીમે-ધીમે આખા ગામના લોકો ત્યાં ભેગા થયા અને શું બને છે તે જોવા લાગ્યા.

અંદરોઅંદર વાતો કરી રહેલા લોકોને ચૂપ કરવા છ છોકરાઓએ એકસાથે ટ્રમ્પેટ વગાડ્યું. બરાબર ત્યારે જ ડૉક્ટર બહાર આવ્યા અને સરપંચે બોલવાનું શરૂ કર્યું, “આદરણીય ડૉક્ટર જ્હોન ડૂલિટલ, અમારા આ નાના ગામના માણસો વતી હું આપને એક ભેટ આપવા ઈચ્છું છું. આમ તો આપે અમને અને આ દરિયાને બાર્બરી ડ્રેગન જેવા ખતરનાક ચાંચિયાથી છુટકારો અપાવ્યો છે, તેની સામે આ ભેટની કોઈ જ કીમત નથી. છતાં આપ તેનો સ્વીકાર કરો.”

આટલું બોલી સરપંચે પોતાના ખિસ્સામાંથી કાગળ વીંટેલી ભેટ બહાર કાઢી અને કાગળ હટાવ્યા, તે એક હીરાજડિત ઘડિયાળ હતી. બાદમાં તેમણે પોતાના બીજા ખિસ્સામાં હાથ નાખ્યો અને પહેલાં કરતા પણ મોટું પાર્સલ બહાર કાઢ્યું. તેમણે પૂછ્યું, “જિપ ક્યાં છે ?”

જિપ ત્યાં ન હતો, સૌ તેને શોધવા લાગ્યા. તે ગામના બીજા છેડે, તબેલામાં હતો. જિપના કારનામાથી દંગ થઈ ગયેલા ગામના કૂતરાં તેને સન્માનવા ભેગા થયા હતા.

ડબ-ડબ તેને શોધીને ડૉક્ટર પાસે લઈ આવ્યો. જિપને આવી ગયેલો જોઈ સરપંચે પાર્સલ ઉઘાડ્યું. તેમાં જિપના ગળે બાંધવા માટે સોનાનો પટ્ટો હતો. પટ્ટા પર મોટા અક્ષરે લખ્યું હતું : “જિપ - આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ કૂતરો.” આવી કીમતી ભેટ જોઈ આખા ગામના લોકો ગણગણાટ કરવા લાગ્યા. સરપંચ નીચા નમ્યા અને તેમણે કૂતરાંના ગળે પટ્ટો બાંધ્યો.

પછી, ગામના તમામ લોકો ડૉક્ટર અને પ્રાણીઓને આવજો કહેવા છેક દરિયા કિનારે આવ્યા. પેલા લાલ વાળવાળો માછીમાર, તેની બહેન અને નાના છોકરાએ ડૉક્ટર તથા કૂતરાંનો ફરી ફરી આભાર માન્યો. ત્રણ સઢવાળું ઝડપી જહાજ ફરી દરિયા પર દોડવાનું હતું. ગામડાંના એક માત્ર મ્યૂઝિકલ બેન્ડે સૂરીલું સંગીત વગાડી ડૉક્ટર તથા પ્રાણીઓને વિદાય આપી. જહાજ ફડલબી તરફ રવાના થયું.

21. અંત ભલા તો સબ ભલા

માર્ચની ઠંડી આવીને ચાલી ગઈ હતી. એપ્રિલના વરસાદી ઝાપટાંએ વિદાય લીધી હતી. છોડ પર કળીઓ ખીલી હતી. જ્હોન ડૂલિટલ પોતાના દેશ પહોંચ્યા ત્યારે, જૂન મહિનાનો સૂર્ય, પાકથી લહેરાતા ખેતરો પર પ્રકાશ પાથરી રહ્યો હતો.

જોકે, તેઓ સીધા ફડલબી ન ગયા. પહેલાં તેમણે પુશ્મી-પુલુંને મોબાઇલ-વાનમાં બેસાડી કેટલાક શહેરોની સફર ખેડી. તેમણે દેશના અનેક મેળાવડાઓમાં ભાગ લીધો. આવા મેળાવડામાં એક બાજુ કરતબબાજો પોતાની કળાનું પ્રદર્શન કરતા તો બીજી બાજુ બોક્સિંગ અને ફાઇટ ચાલતી. એ બંનેની વચ્ચે ડૉક્ટર એક ડોમ બનાવી પાટિયું લટકાવતા. પાટિયાં પર લખ્યું હોય : “આવો અને આફ્રિકાના જંગલોમાં જોવા મળતું બે માથાળું દુર્લભ પ્રાણી જુઓ. પ્રવેશ ફી ફક્ત છ પેન્સ.”

પુશ્મી-પુલું મોબાઇલ-વાનની અંદર રહેતું અને અન્ય પ્રાણીઓ બહાર બેસતા. ડૉક્ટર ડોમના પ્રવેશ પાસે બેસતા. તેઓ અંદર પ્રવેશતા લોકો પાસેથી છ પેન્સ લઈ તેમને મીઠો આવકાર આપતા. ડબ-ડબ તો તેમને ખિજાયા જ કરતું કારણ કે તેનું ધ્યાન ન હોય ત્યારે ડૉક્ટર બાળકોને ફી લીધા વગર જવા દેતા હતા.

પછી તો, આ વાત ફેલાતા કેટલાય પ્રાણી સંગ્રહાલયવાળા અને સર્કસના લોકોએ ડૉક્ટરનો સંપર્ક કર્યો. તેઓ પુશ્મી-પુલુંને ગમે તે કીમતે ખરીદવા તૈયાર હતા, પણ ડૉક્ટર પીગળ્યા નહીં.

“ના.” તેઓ બધાને એક જ જવાબ આપતા. “મારા જીવતેજીવ પુશ્મી-પુલું પાંજરે નહીં પૂરાય. તેને ઇચ્છા થાય ત્યારે હરી-ફરી શકે એ માટે તેને મુક્ત રાખવામા આવશે. એ પણ તમારી-મારી જેવો જીવ જ છે ને !”

દેશ-પ્રદેશના આ વિચરણ દરમિયાન તેમને જાત જાતના અનુભવ થયા. જોકે, તે તમામ અનુભવો તેમના આફ્રિકાના અનુભવો સામે સાવ ફિક્કા હતા.

પુશ્મી-પુલુંને પ્રદર્શનમાં મૂકવું એ સર્કસના એક પ્રકાર જેવું હતું. પહેલાં તેમને આ કામ કરવાની ખૂબ મજા આવી, પણ પછી કંટાળો આવવા લાગ્યો. છેવટે, ડૉક્ટર અને બધા પ્રાણીઓને ફડલબી જવાની તીવ્ર ઇચ્છા થઈ.

અત્યાર સુધીમાં જથ્થાબંધ લોકો પુશ્મી-પુલુંને જોવા આવ્યા હતા અને તેમણે ડૉક્ટરને મોં માંગ્યા પૈસા ચૂકવ્યા હતા. હવે, ડૉક્ટર પાસે એટલા પૈસા જમા થઈ ગયા હતા કે તેઓ ઇચ્છે ત્યારે ફડલબી જઈ શકે. આખરે એક દિવસે, છોડ પરની કળીઓ મોટા ફૂલ બની ગઈ ત્યારે, તે સૌ પોતાના નાના ઘરના મોટા બગીચામાં પ્રવેશ્યા.

તબેલામાં રહેતો લંગડો ઘોડો તેમને જોઈને ખુશ થઈ ગયો. પોતાના જૂના અને જાણીતા મિત્રને મળી ડબ-ડબ પણ ખુશ થઈ ગયું. તેમના ગયા-આવ્યા વચ્ચે ખાસ્સો સમય વીતી ચૂક્યો હતો. ઘણી ચકલીઓએ તેમના ઘરના છજ્જા પર માળા બાંધ્યા હતા, જેમાં તેમના બચ્ચાં પણ રહેતા હતા. આખા ઘરમાં ધૂળ જામી ગઈ હતી. જ્યાં ત્યાં કરોળિયાઓએ જાળા બનાવ્યા હતા અને ઘરની સાફ-સફાઈમાં ખાસ્સા દિવસો જાય તેમ હતું.

જોકે, જિપ તો સીધો જ પડોશમાં રહેતા અહંકારી કૂતરાં પાસે ગયો અને તેને ભેટમાં મળેલો સોનાનો પટ્ટો બતાવ્યો. અહંકારી કૂતરાંના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેના હાવભાવ જોઈ જિપ ખુશ થઈ ગયો. ત્યાંથી પાછા આવી તે આમ તેમ દોડવા લાગ્યો અને પહેલાંથી દાટી રાખેલા હાડકાંને શોધવા જમીન ખોદવા લાગ્યો. આ બાજુ ગબ-ગબે બગીચાના ખૂણા પાસે ત્રણ ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો, તે ત્યાં દટાયેલું કંદમૂળ ખાવા ઇચ્છતું હતું.

ફડલબી પાછા ફરી ડૉક્ટરે પહેલું કામ દેવું ચૂકવવાનું કર્યું. તેઓ સૌથી પહેલાં એ ખારવા પાસે ગયા જેમણે તેમને આફ્રિકા જવા માટે હોડી આપી હતી. તેમણે તેમને એકના બદલે બે વહાણ લઈ આપ્યા અને તેમના બાળક માટે રબરની ઢીંગલી ભેટ કરી. પછી, તેઓ કરિયાણાના વેપારી પાસે ગયા જેમણે તેમને સીધું-સામાન આપ્યો હતો. બધા કામ પતાવી ડૉક્ટર બજારમાં ગયા અને નવો પિયાનો ખરીદી લાવ્યા. સફેદ ઉંદરને ટેબલના ખાનામાં રહેવામાં અગવડ પડતી હતી તેથી તે ફરી પિયાનોમાં રહેશે એ નક્કી હતું.

આનંદની વાત એ હતી કે બધો ખર્ચ અને ચૂકવણું થઈ ગયા પછી ય ડૉક્ટર પાસે ઘણા પૈસા બચ્યા. ડૉક્ટર તેને પેટીમાં ભરવા લાગ્યા. આખી પેટી છલોછલ ભરાઈ ગઈ તો ય પૈસા વધ્યા. અરે, તે એટલા બધા હતા કે તેને ભરવા ડૉક્ટરે બીજી ત્રણ પેટીઓ ખરીદવી પડી.

“પૈસા,” તેમણે કહ્યું, “તે સાચે જ મોટી બલા છે. પણ છતાં, તે બલા ન હોય તેના કરતા હોય એ વધારે સારું છે.”

“સો ટકા સાચી વાત.” ડબ-ડબે કહ્યું. તે નાસ્તો બનાવી રહ્યું હતું.

પછી, સમય વીતવા લાગ્યો. ફરી શિયાળો આવ્યો, દરરોજ કરા પાડવા લાગ્યા. ડૉક્ટર અને પ્રાણીઓ રસોડાની સગડી ફરતે તાપણું કરવા બેસતા. જોકે, હવે તેઓ ભરપેટ ભોજન કરીને બેસતા. દરરોજ સાંજે ભરાતી તેમની આ ઘરસભામાં ડૉક્ટર પોતે લખેલા પુસ્તકમાંથી કોઈ એક પ્રકરણ વાંચીને સંભળાવતા.

ત્યારે હજારો કિલોમીટર દૂર આફ્રિકામાં, ઊંચી તાડીઓ પર બેસી ચંદ્રની ચાંદની માણતા વાંદરાઓ એકબીજાને પૂછતાં, “સફેદ માણસોની ભૂમિ પર પેલા ભલા ડૉક્ટર શું કરતા હશે ? શું તેઓ અહીં પાછા આવશે ?”

અને પોલેનેશિયા ડાળી પરથી કહેતો, “આવશે, જરૂર આવશે.”

ત્યારે જ મગર પણ કાળા કાદવમાંથી બહાર નીકળતો અને કહેતો, “મને પણ ખાતરી છે કે તેઓ આવશે, પણ અત્યારે રાત પડી ગઈ છે એટલે સૂઈ જાવ નિરાંતે. ગુડ નાઇટ.”

(સમાપ્ત)