Doctor Dolittle - 18 books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 18

18. જિપે પડકાર ઝીલ્યો

“ચાંચિયાઓએ તારા મામાને દરિયામાં ફેંક્યા નથી એ વાત તો નક્કી છે. તેઓ ચોક્કસ મળી જશે, પણ આપણે તેમની શોધખોળ કરવી પડશે.” ડૉક્ટરે કહ્યું.

આ સાંભળી ડબ-ડબ ડૉક્ટરની પાસે ગયું અને તેમના કાનમાં કહેવા લાગ્યું, “ગરુડરાજને કહો કે છોકરાના મામાની તપાસ કરે. દુનિયાનો કોઈ પણ જીવ ગરુડ કરતા સારું જોઈ શકતો નથી. જયારે તેઓ આકાશમાં ઘણા માઇલ ઉંચે હોય છે ત્યારે પણ, જમીન પર કતારબંધ ચાલતી કીડીઓને જોઈ શકે છે. તમે તેમને જ પૂછો.”

આથી, ડૉક્ટરે પેલા વાદળી પાંખવાળા પક્ષીઓમાંથી કોઈ એકને ગરુડને બોલાવી લાવવા કહ્યું.

લગભગ એક કલાક પછી તે નાનકડું પક્ષી છ અલગ અલગ ગરુડ સાથે પાછું ફર્યું. તેમાં એક કાળું ગરુડ, એક સોનેરી ગરુડ, એક માછલી ખાતું ગરુડ, એક અલાસ્કામાં જોવા મળે તેવું ગરુડ, એક ગીધ જેવું ગરુડ અને એક દરિયા પર જોવા મળતું સફેદ પૂંછડીવાળું ગરુડ હતું. તે છએ ગરુડ પેલા ખારવાના ભાણીયા કરતા બમણી ઊંચાઈના હતા. તે બધા જહાજની રેલિંગ પર બેસી ગયા. જાણે મજબૂત ખભાવાળા સૈનિકો શિસ્તબદ્ધ, શાંત અને અક્કડ થઈને ગોઠવાયા હોય એવું લાગતું હતું. તેમની અદ્ભુત કાળી આંખો સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. તેઓ આમ તેમ નજર ફેંકતા ચારે બાજુ જોઈ રહ્યા હતા.

ગબ-ગબ તો તેમને જોઈને જ ગભરાઈ ગયું અને પીપ પાછળ જઈને સંતાઈ ગયું. તેણે પાછળથી કરેલી કબૂલાત મુજબ તેને ડર લાગ્યો હતો કે ગરુડ તેના પેટની આરપાર જોઈને તેણે છુપાઈને ખાધેલી વસ્તુઓ વિશે કહી દેશે !

પછી, ડૉક્ટરે છએ ગરુડને કહ્યું, “એક માછીમાર ખોવાયો છે. તેના વાળ લાલ રંગના છે અને બાવડાં પર લંગર આકારનું ટેટૂ છે. શું તમે તેને શોધી આપશો ? આ છોકરો તે માણસનો ભાણેજ છે.”

આમ તો ગરુડ ઓછાબોલાં હોય છે, છતાં તે તમામે કર્કશ અવાજે કહ્યું, “આપનો પડ્યો બોલ ઝીલવામાં આવશે. ખાતરી રાખજો, ડૉ. ડૂલિટલનું કામ કરવા અમે અમારી બધી તાકાત લગાવી દઈશું.” અને તે ઊડી ગયા.

પછી, ગબ-ગબ પેલા પીપ પાછળથી બહાર નીકળ્યું અને દૂર જતા ગરુડોને જોઈ રહ્યું. તેઓ ઉપર ને ઉપર, વધુ ઉપર જઈ રહ્યા હતા. છેવટે તેઓ ખૂબ ઉંચે પહોંચ્યા અને અલગ અલગ દિશામાં વહેંચાઇ ગયા. વિશાળ વાદળી આકાશમાં તેઓ રાયના દાણા જેવા નાના દેખાવા લાગ્યા. દરેક દિશામાં શોધખોળ કરી શકાય એ માટે તેઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ દરેક બાજુએ ફંટાયા હતા.

“હે ભગવાન, કેટલા ઉંચે ઊડે છે !” ગબ-ગબ શાંત શ્વરે બોલ્યું. “જાણે સૂર્યની સાવ નજીક હોય એવું લાગે છે. સૂર્યની ગરમીથી તેમના પીંછા નહીં દાઝતા હોય ?”

પછી, તે સૌ ખાસ્સા સમય સુધી અદ્રશ્ય રહ્યા અને છેક રાત્રે પાછા ફર્યા. આવતા વેંત તેમણે ડૉક્ટરને કહ્યું, “અમે લગભગ તમામ દરિયા અને દેશોમાં તપાસ કરાવી છે. અડધોઅડધ દુનિયાના શહેરો, ગામડાઓ અને ટાપુઓ પર અમારા ગરુડો ફરી વળ્યા છે. હા, સ્પેનના જિબ્રાલ્ટર શહેરમાં એક હોટલ પાસે અમે હાથલારી જોઈ હતી. તેમાં બેઠેલા ત્રણેય માણસોના માથા લાલ રંગના હતા. અમે નીચે જઈને જોયું તો ખબર પડી કે એ વાળ ન્હોતા પણ લાલ રુવાંદાર ટોપી હતી. અમે બધે જ તપાસ કરાવી છે, આ છોકરાના મામા ક્યાંય નથી. વળી, તે અમને દેખાયા નથી એટલે દુનિયાના કોઈ પણ જીવને નહીં દેખાય. બાકી, જ્હોન ડૂલિટલનું વચન અમે ઉથાપીએ નહીં. અમારાથી થાય એટલો બધો જ પ્રયત્ન અમે કર્યો છે.” આટલું કહી તે છએ, પોતાની પાંખો વીંઝતા ઊડી ગયા અને પર્વતો તેમજ ખડકોમાં રહેલા પોતાના ઘરોમાં ચાલ્યા ગયા.

જેવા તે ચાલ્યા ગયા કે ડબ-ડબે કહ્યું, “હવે આપણે શું કરીશું ? છોકરાના મામા નથી દરિયામાં કે નથી જમીન પર, તો તેઓ ગયા ક્યાં ? તેમને શોધવા તો પડશે જ. પેલો છોકરો એટલો નાનો છે કે આ જાલિમ દુનિયામાં એકલો નહીં રહી શકે. માણસ અને બતકના બચ્ચાંમાં આ જ તો ફરક છે. માણસના બચ્ચાં મોટા ન થઈ જાય ત્યાં સુધી તેમનું ધ્યાન રાખવું પડે છે. આપણે તેના મામાને જલદી શોધવા પડશે. મને થાય છે કે ચી-ચી અહીં હોત તો જરૂર કોઈ રસ્તો શોધત. પ્યારા ચી-ચી, અમને તારી યાદ આવે છે.”

“જો આપણી સાથે પોલેનેશિયા હોત તો તે ય કંઈક રસ્તો શોધત.” સફેદ ઉંદરે કહ્યું. “તેની વિચારવાની રીત આપણા બધા કરતાં અલગ હતી. તેણે આપણને જેલમાંથી કેવા છોડાવ્યા’તા, નહીં ! પાછું એક વાર નહીં, બબ્બે વાર.”

“મને તો ગરુડની વાત પર બહુ ભરોસો બેસતો નથી.” જિપે કહ્યું. “તે કેટલા અહંકારી હતા ! ભલે તેઓ દૂર સુધી જોઈ શકતા હશે પણ તોય તેઓ માણસ શોધવાનું કામ તો ન જ કરી શકે. વળી, તેમની નફ્ફટાઈ જોઈ ? પાછા આવીને કેવું ટણીથી બોલ્યા કે ‘અમે ન શોધી શક્યા તો કોઈ નહીં શોધી શકે.’ અહંકારના સૂંડલા તેમાં. મને તો ફડલબીમાં રહેતો પેલો અહંકારી કૂતરો યાદ આવી ગયો. એ ય તેના જેવો જ છે. અને મને તો ખટપટીયા માછલીઓનો ય ભરોસો નથી. તેમણે આપણને કહેલું કે માણસ દરિયામાં નથી. અરે ભાઈ, અમારે એ નથી જાણવું કે માણસ ક્યાં નથી, અમારે એ જાણવું છે કે માણસ ક્યાં છે.”

“બહુ બોલ બોલ ન કર.” ગબ-ગબે કહ્યું. “જીભ ચલાવવી સહેલી છે અને હાથ-પગ ચલાવવા અઘરાં. આવડી મોટી દુનિયામાં માણસ ક્યાં ખોવાઈ ગયો છે એ ખબર ન હોય ત્યારે તેને શોધતા મોઢે ફીણ આવી જાય. એવું પણ બને કે સતત છોકરાની ચિંતા કરતા રહેવાથી તેના વાળ સફેદ થઈ ગયા હોય ! અને કદાચ એટલે જ, ગરુડ તેમને નહીં શોધી શક્યા હોય. સાચી વાત શું છે એ કોઈને ખબર નથી. તારે ખાલી બોલવું છે એટલું જ, બાકી તેં તે માછીમારને શોધવા શું કર્યું ? છોકરાના મામાને શોધવા ગરુડે જે કર્યું એનાથી વધારે તું ન જ કરી શકત. અને વધારે શું, તેં તો કંઈ જ કર્યું નથી.”

“તું મને પડકાર ફેંકે છે ?” કૂતરાંનું સ્વમાન ઘવાયું. “સાલા, જાડિયા ! તું હજુ મને ઓળખે છે જ કેટલો ! એ તો મેં તે છોકરાના મામાને શોધવાનું શરૂ નથી કર્યું એટલે... હવે તું જો.”

પછી જિપ ડૉક્ટર પાસે જઈને બોલ્યો, “છોકરાને પૂછો કે તેની પાસે તેના મામાની કોઈ વસ્તુ છે ?”

ડૉક્ટરે છોકરાને પૂછ્યું. જવાબમાં છોકરાએ તેમને એક સોનાની વીંટી બતાવી. વીંટી છોકરાની આંગળી કરતા ઘણી મોટી હતી અને તેની ફરતે સુતરની દોરી વીંટાળેલી હતી. તેણે કહ્યું, “મારા મામાએ ચાંચિયાઓને નજીક આવતા જોઈ મને તે આપી હતી.”

જિપે વીંટી સૂંધી અને કહ્યું, “આ નહીં ચાલે. તેને પૂછો બીજી કોઈ વસ્તુ છે ?”

ડૉક્ટરે પૂછપરછ કરતાં છોકરાએ ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢ્યો. તેણે કહ્યું, “આ ય મારા મામાનો છે.”

જેવો છોકરાએ તે બહાર કાઢ્યો કે જિપ બોલી ઊઠ્યો, “છીંકણી ! આ તો બ્લેક રેપી (બ્લેક રેપી – છીંકણીનો એક પ્રકાર) છે. તમને તેની વાસ નથી આવતી ? તેના મામા આ જ છીંકણી સૂંઘે છે. ડૉક્ટર, છોકરાને જલદી પૂછો.”

ડૉક્ટરે છોકરાને આ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો, “હા. મારા મામા બહુ છીંકણી સૂંઘે છે.”

“સરસ” જિપે કહ્યું. “માણસ શોધવામાં આ આદત ખૂબ કામ આવશે. હવે મારું કામ ઘણું સહેલું થઈ ગયું છે, કોઈના ઘરમાં પેસી દૂધ પી જતી બિલાડી જેટલું સહેલું... છોકરાને કહી દો કે તેના મામા એક અઠવાડિયામાં મળી જશે. ચાલો તૂતક પર જઈને જોઈએ કે પવનની દિશા કઈ છે.”

“પણ, અત્યારે એકદમ અંધારું હશે. તું તેમને અંધારામાં કેવી રીતે શોધીશ ?” ડૉક્ટરે કહ્યું.

“જે માણસ બ્લેક રેપી છીંકણી સૂંઘતો હોય તેને શોધવા મારે પ્રકાશની જરૂર નથી.” એમ કહી જિપ પગથિયાં ચડવા લાગ્યો. “જો માણસને વીંટીની દોરી પર ચોંટેલા પરસેવાથી કે ગરમ પાણીની વાસથી શોધવાનો હોત તો વાત જુદી હતી, પણ છીંકણી ! છીંકણીની વાસ તો સહેલાઈથી પકડાઈ જાય.”

“શું ગરમ પાણીની પણ વાસ આવે ?” ડૉક્ટરે પૂછ્યું.

“હા, બિલકુલ” જિપે કહ્યું. “ગરમ પાણીની વાસ ઠંડા પાણી કરતા જુદી હોય. હૂંફાળા પાણી અને બરફની વાસ પણ અલગ હોય. એક વખત રાત્રીના અંધકારમાં મેં એક માણસનો પીછો કરી તેને દસ માઈલ દૂરથી પકડ્યો હતો, ખબર છે, શેના પરથી ? તેણે દાઢી કરવા જે ગરમ પાણી વાપર્યું હતું તેના પરથી. કોઈ કારણસર તે દિવસે તેની પાસે દાઢી કરવાનો સાબુ ન હતો એટલે તેણે ગરમ પાણી વાપરીને દાઢી કરી લીધી હતી. ઠીક છે, જવા દો એ વાત ને. મને જોવા દો કે અત્યારે પવન કઈ બાજુથી ફૂંકાય છે. દૂર રહેલી વસ્તુની ગંધ પકડવામાં પવન મહત્વનો ભાગ ભજવતો હોય છે. વળી, બહુ તીવ્ર ગતિથી પવન ફૂંકાતો હોય તો કામ ન થાય. એકધારા, મધ્યમ ગતિના ભેજવાળા પવન જેવું ઉત્તમ એકેય નહીં. સારું, અત્યારે પવન ઉત્તર દિશામાંથી આવે છે.”

પછી જિપ જહાજમાં શક્ય તેટલે ઉંચે ચડ્યો અને પવન સૂંઘવા લાગ્યો. તે જાત સાથે વાતો કરતો હોય તેમ બબડાટ કરવા લાગ્યો, “ડામર, સ્પેનિશ ડુંગળીઓ, ઘાસલેટ, ભીનો રેઇનકોટ, લોરેલના કચડાયેલા પાંદડા, બળતું રબર, બૂટની ધોવાઇ ગયેલી વાધરી... ના, મારી ભૂલ થતી નથી. બૂટની વાધરીને સૂકવવા ટીંગાડી છે. ઘણાં બધા શિયાળિયાં અને વાછરડાં પણ છે.”

“શું તને આ પવનમાં આ બધી જ વાસ આવે છે ?” ડૉક્ટરે પૂછ્યું.

“બેશક ! અને આ બધી તો સ્ટ્રોંગ સ્મેલ કહેવાય. કોઈ પણ વર્ણશંકર પ્રાણી શાંતિથી સૂંઘે તો આ બધી જ વાસ પકડી શકે. અને અત્યાર સુધી તો મેં એવી જ વાસ પકડી છે જે વધારે માત્રામાં આવે છે. હવે હું એવી વાસ પકડીશ જે ઓછી માત્રામાં આવે છે.”

પછી, કૂતરાંએ તેની આંખો બંધ કરી લીધી. તેણે પોતાનું નાક ઉપર ખેંચ્યું અને અડધું મ્હોં ખોલીને જોરથી શ્વાસ લીધો. કોઈ સાધુ ધૂણી ધખાવીને બેસી જાય તેમ તે હલનચલન કર્યા વગર લાંબા સમય સુધી સ્થિર બેસી રહ્યો. હવે તે ભાગ્યે જ શ્વાસ લેતો હતો. જયારે તેણે ફરી બોલવાનું શરૂ કર્યું ત્યારે તે સ્વપ્નવત્ દશામાં ગીતો ગાતો હોય એવું લાગતું હતું.

“ઈંટો” તે ખૂબ ધીમા અવાજે બોલ્યો. “બગીચાની દીવાલ પાસે પીળી પડી ગયેલી જૂની ઈંટોનો ઢગલો છે. પર્વત પર હારબંધ ચાલી રહેલી નાની ગાયોની મીઠી સુગંધ આવી રહી છે. કદાચ કબૂતરખાનું છે, કદાચ કોઠાર. ઉપર બળબળતો સૂરજ તપે છે. ટેબલના ખાનામાં અખરોટ પાસે બાળકના મોજા પડ્યા છે. મેપલના ઝાડની બાજુમાં ધૂળિયો રસ્તો છે અને પાસે જ ઢોરને પાણી પીવડાવવાનો અવેડો. સડેલા પાંદડા પર નાની નાની મશરૂમ ઊગી નીકળી છે અને...”

“ત્યાં ગાજર છે ?” ગબ-ગબે પૂછ્યું.

“તને ખાવા સિવાય બીજું કંઈ સૂઝે છે કે નહીં ! ત્યાં તને ભાવે એવું કંઈ જ નથી. અને છીંકણી પણ નથી. પાઇપ અને સિગારેટનો મોટો જથ્થો છે, કેટલીક સિગાર પણ છે. પરંતુ, છીંકણી નથી. જ્યાં સુધી પવનની દિશા ન બદલાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.”

“પવનનું જોર બહુ ઓછું છે.” ગબ-ગબે કહ્યું. “જિપ, મને લાગે છે કે તું બધાને છેતરી રહ્યો છે. સમુદ્રની વચ્ચે રહી, ફક્ત ગંધ પારખીને કોઈ માણસને કેવી રીતે શોધી શકાય ? તું સ્વીકારી લે કે તું આ નહીં કરી શકે.”

“તું સમજે છે શું તારી જાત ને !” જિપને જોરદાર ગુસ્સો ચડ્યો. “મને ગુસ્સો અપાવીશ તો હું તારા નાક પર બચકું ભરી લઈશ. તું એવું ન માનતો કે ડૉક્ટર તને રક્ષણ આપે છે એટલે ગમે તેમ બોલીશ તો ચાલશે. હવે કંઈ પણ વાંકું બોલ્યો છે તો તારે પસ્તાવું પડશે.”

“ઝઘડવાનું બંધ કરો.” ડૉક્ટર તેમની વચ્ચે પડ્યા. “જિંદગી આટલી નાની છે અને તમે લોકો... યાર, ઝઘડો કરવાનો હોય કે હળીમળીને રહેવાનું હોય ? જિપ, તને શું લાગે છે, આ બધી વાસ ક્યાંથી આવે છે ?”

“નવ્વાણું ટકા તો ઇંગ્લેન્ડના દક્ષિણ-પશ્ચિમ દેશોમાંથી આવે છે. પવન પણ એ જ દિશામાંથી ફૂંકાઈ રહ્યો છે.” જિપે જવાબ આપ્યો.

“ઠીક છે.” ડૉક્ટરે કહ્યું. “છોકરાના મામાને શોધવા આપણે ઉતાવળ કરવી પડે એમ છે. મને થાય છે કે પ્રાણીઓની ભાષાની જેમ હું સૂંઘવાનું પણ શીખી શક્યો હોત તો સારું થાત. ના, ના... હું જેવો છું એવો જ સારો છું. પેલું કહેવાય છે ને : ‘સંતોષી નર સદા સુખી.’ તો ય હું મારા નવા પુસ્તક માટે આ બધું લખી લઉં છું. પણ, એ પહેલા આપણે વાળુ કરી લઈએ, મને બહુ ભૂખ લાગી છે.”

“મને પણ.” ગબ-ગબે કહ્યું અને તે ત્રણેય નીચે ગયા.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED