ભેદી ટાપુ - 10 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - 10

ભેદી ટાપુ

[૧૦]

ટાપુ છે કે ખંડ?

અનુવાદ

ડો. અમૃત રાણિગા

થોડી મીનીટોમાં ત્રણેય શિકારી ભડભડ બળતા અગ્નિ સમક્ષ આવી પહોંચ્યા. પેનક્રોફટ વારાફરતી કપ્તાન તથા ખબરપત્રીના મુખ સામે જોવા લાગ્યો.તેના હાથમાં કેપીબેરા હતું. તે કંઈ બોલતો ન હતો.

આવો, પેનક્રોફટ!સ્પિલેટે ખલાસીને આવકાર આપ્યો.

આ દેવતા કોને સળગાવ્યો?” પેનક્રોફટનું આશ્ચર્ય હજી શમ્યું ન હતું.

સૂરજે.સ્પિલેટે જવાબ આપ્યો.

સ્પિલેટની વાત સાચી હતી. સૂર્યની ગરમીથી આ દેવતા સળગ્યો હતો. ખલાસી આ વાત માની શકતો ન હતો. તેણે હાર્ડિંગને પ્રશ્ન ન પૂછ્યો.

તમારી પાસે આગિયો કાચ છે?” હર્બર્ટે હાર્ડિંગને પ્રશ્ન પૂછ્યો.

ના, બેટા!કપ્તાને જવાબ આપ્યો.પણ મેં બનાવી લીધો.

કપ્તાને પોતાની તથા સ્પિલેટની ઘડિયાળના કાચ ભેગા કાર્ય. તેની વચ્ચે થોડુક પાણી રાખ્યું. પછી ભીની માટીથી બંને કાચની ધારને સાંધી લીધી. આ રીતે કપ્તાને આગિયો કાચ બનાવી લીધો. નીચે થોડુક સૂકું ઘાસ રાખ્યું. પછી કાચને સૂર્યના કિરણો સામે ધરી રાખ્યો. થોડી જ વારમાં ઘાસ સળગવા લાગ્યું.

ખલાસીએ કાચ જોયો. તેને લાગ્યું કે, કપ્તાન જાદુગર છે, તે કોઈ સામાન્ય માણસ નથી. અંતે ખલાસી બોલ્યો.

તમારી નોટબુકમાં આ બનાવ નોંધી લો, સ્પિલેટ!

નોંધી લીધો છે.સ્પિલેટે ઉત્તર આપ્યો.

પછી નેબ અને પેનક્રોફટે મળીને ભોજન તૈયાર કર્યું. ગુફા હવે રહેવાલાયક બની હતી. કાણા પૂરીને તેનું સમારકામ કરી લેવામાં આવ્યું હતું.

કપ્તાન હવે તદ્દન સાજો થઈ ગયો હતો. ત્રણ જણા શિકારે ગયા હતા ત્યારે કપ્તાન અને સ્પિલેટ કરાડની ટોચ પર ચડ્યા. ત્યાંથી ટાપુનું નિરીક્ષણ કર્યું. પર્વત લગભગ છ માઈલ દૂર હતો અને લગભગ સાડા ત્રણ હજાર ફૂટ ઊંચો હતો. તેને બે શિખર હતાં. પર્વતના શિખર ઉપરથી પચાસ માઈલના ઘેરાવામાં નજર પડશે. શિખર પર પહોંચ્યા પછીટાપુ કે ખંડએ પ્રશ્નનું નિરાકરણ આવશે.

બધાએ આનંદથી વાળું કર્યું. કેપીબેરાનું માંસ અતિ સ્વાદિષ્ટ હતું. દરિયાઈ છોડ સારગસમ અને બદામ સૌએ જમ્યા પછી ખાધાં. દરમિયાન ઈજનેર વિચારમાં ખોવાઈ ગયો હતો. તેના મનમાં આવતી કાલની યોજના ઘડાતી હતી.

હવે શું કરવું, તેનો નિર્ણય આવતી કાલે થશે.કપ્તાને પુનરુક્તિ કરી.

જમણ પત્યા પછી બધા સૂઈ ગયા.

૨૯મી માર્ચે સવારે બધા જગ્યા. આ પ્રવાસને આધારે તેમનું ભવિષ્ય નક્કી થવાનું હતું.

બધા નીકળવા માટે તૈયાર થઈ ગયા. વધેલો નાસ્તો સાથે લઇ લીધો. આગિયા કાચના બંને કાચ પાછા ઘડિયાળમાં ગોઠવી દેવામાં આવ્યા હતા.

સવારના સાડા સાત વાગ્યે હાથમાં લાકડી સાથે સૌએ ગુફા છોડી. ખલાસીની સલાહ પ્રમાણે, પહેલાં જંગલને રસ્તે થઈ પર્વત પર ચઢવું, અને પાછા વળતી વખતે બીજે રસ્તેથી આવવું, એમ નક્કી થયું. પર્વત પર ચડવા માટે એ જંગલનો રસ્તો સૌથી ટૂંકો હતો.

નદીને સામે કાંઠે તેઓ ચાલવા લાગ્યા. નદીનો વળાંક આવતાં તેઓ વાયવ્ય દિશામાં આગળ વધ્યા. લગભગ નવ વાગ્યે કપ્તાન અને તેના સાથીદારો જંગલની પશ્ચિમ સીમા પાસે આવી પહોંચ્યા. શરૂઆતમાં જમીન ખાડાખબડાવાળી હતી, પછી રેતાળ જમીન આવી, અને પછી ધીમેધીમે ચઢાણ શરુ થયું.

રસ્તામાં કેટલાંક નાનાં નાનાં બીકણ પ્રાણીઓ દોડી જતાં હતાં. ટોપ એની પાછળ દોડતો હતો. પણ કપ્તાન તેને પાછો બોલાવી લેતો હતો. અત્યારે તેઓ શિકારે નીકળ્યા ન હતા. કપ્તાનનું એક જ લક્ષ્ય હતું- પર્વત પર ચડવાનું.

દસ વાગ્યે બધાએ થોડી મિનિટો આરામ લીધો. પછી ફરી ચડવાનું શરુ કર્યું. અહીં જંગલનો ભાગ પૂરો થતો હતો. અને પર્વતનું ખરું ચડાણ હવે શરુ થતું હતું. પર્વતના બે મોટાં શિખરો હતાં. પહેલું શિખર અહીં હજાર ફૂટ ઊંચું હતું. તેની પડખે એક ઊંડી ખીણ હતી. તેમાં ગાઢ જંગલ નજરે પડતું હતું. ઈશાન ખૂણા તરફના પર્વતના ભાગમાં બહુ ઓછી વનસ્પતિ દેખાતી હતી. પાણીનાં નાનાં નાનાં ઝરણાં તે તરફ વહેતાં હતાં.

પહેલી ટૂક ઉપર જ, જરા બાજુમાં બીજી ટૂક રહેલી હતી. તેનો દેખાવ કોઈ માણસે માથા ઉપર વાંકી હેટ મૂકી હોય એવો લાગતો હતો. તેમાં રતાશ પડતા ખડકો દેખાતા હતા.

તેમની ઈચ્છા આ બીજી ટૂક ઉપર પહોંચવાની હતી.એ માટેનો રસ્તો પહેલી ટૂક ઉપર થઈને, જરા વળાંક લઈને, જતો હતો. પહેલી ટૂકની ધાર પર થઈને ઉપર જવાનું હતુ.

આપણે જ્વાળામુખી પર્વત પર છીએ.કપ્તાન સાયરસ હાર્ડિંગે કહ્યું. કપ્તાન અને તેના સાથીઓ પર્વત પર ચડતા ગયા. અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી સપાટ ધરતી જેવો ભાગ આવ્યો. નીચે ખીણમાં એવું ગાઢ જંગલ હતું કે, તેમાં સૂર્યનાં કિરણો પણ પ્રવેશી શકતાં ન હતાં.

વચ્ચે હર્બર્ટે હિંસક પ્રાણીઓનાં પગલાનાં નિશાન જોયાં.

કદાચ આ પ્રાણીઓ આપણને પસાર થવા નહિ દે.પેનક્રોફટે કહ્યું.

તેનો સામનો કરતાં આપણે શીખી જશું. પણ અત્યારે તો સાવધાન રહેવું જરૂરી છે.ખબરપત્રીએ જવાબ આપ્યો તેણે ભારતમાં વાઘનો અને આફ્રિકામાં સિંહનો શિકાર કર્યો હતો.

તેઓ ધીમેધીમે ઉપર ચડતા હતા. વચ્ચે ભેખડો કે ખીણો એકાએક આવી પડતી હતી. તેથી વળાંક લઈને આગળ જવું પડતું હતું. આવા અંતરાયોને કરને અંતર વધી જતું હતું. ઘણીવાર આગળ જઈને રસ્તો બંધ થતાં પાછા વળવું પડતું હતું. એને કારણે ખૂબ થાક લાગતો હતો.

બપોરે બાર વાગ્યે ફરનાં વૃક્ષોના એક મોટા સમૂહ નીચે બધા નાસ્તો કરવા રોકાયા. પાસે જ એક નાનું ઝરણું વહેતું હતું. પહેલી ટૂકે પહોંચવા માટે હજી અર્ધો રસ્તો જ કપાયો હતો. પહેલી ટૂકે પહોંચતાં જ રાત પડી જશે એમ લાગતું હતું. હજી ઘણો રસ્તો કાપવાનો બાકી હતો.

આ જગ્યાએથી દૂર સુધી સાગર દેખાતો હતો. પણ દક્ષિણ દિશામાં ઊંચા ટેકરો આડા નડતા હોવાથી તેની પાછળનો ભાગ જોઈ શકાતો ન હતો. ઉત્તર દિશામાં ઘણા માઈલો સુધી કંઈ દેખાતું ન હતું. કારણકે,પર્વતની બીજી ટૂક આડી નડતી હતી.

એક વાગ્યે પર્વત પર આગળ ચડવાનું શરુ કર્યું. વચ્ચે ટ્રેગોપાન્સ નામનાં મરઘાના કદનાં પક્ષીઓનાં જોડાં દેખાયાં. સ્પિલેટે જોરથી એક પથ્થરનો ઘા કરીને એક ટ્રેગોપાન્સ પક્ષીને મારી નાખ્યું.

વચ્ચે સો ફૂટનું સીધું ચઢાણ આવ્યું. નેબ અને હર્બર્ટ આવું આકરું ચઢાણ ચડવામાં બહુ કુશળ હતા. તેઓ સૌની મોખરે રહ્યા. પેનક્રોફટ સૌની પાછળ રહ્યો, કપ્તાન અને ખબરપત્રી વચ્ચે હતા.

આટલી ઊંચાઈએ પણ કેટલાંક પશુઓ દેખાતાં હતાં. તે ઘેટાં અને બકરાની જાતના પશુઓ હતા. એકાએક ખલાસીએ બૂમ પાડી, “ઘેટાં !

બધા ઊભા રહી ગયા. ત્યાંથી પચાસ ફૂટ દૂર છ-સાત ઊંચા અને મોટાં ઘેટાં દેખાયાં. તેઓ સામાન્ય ઘેટાં નહોતા, પણ જંગલી ઘેટાં હતાં. તેઓમસમોનનામથી ઓળખાય છે. હર્બર્ટ ઘેટાંની આ જાતથી પરિચિત હતો.

ઘેટાંઓ માણસો સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં. તેમણે આ પહેલી વાર જ બે પગા માણસો જોયા હતા. પછી તે એકાએક બીને નાસી ગયાં.

સાહેબજી! ફરી મળીશું!ખલાસીએ ઘેટાં સામે જોઈને કહ્યું; પણ તેનો અવાજ એવો રમૂજી હતો કે, હાર્ડિંગ, સ્પિલેટ, હર્બર્ટ અને નેબ હસ્યા વિના રહી શક્યા નહિ.

વળી પાછું ચડવાનું શરુ કર્યું. અહીં તહીં લાવારસના થર જામી ગયા હતા. ક્યારેક ગંધકના ઝરણાઓ તેમનો રસ્તો રોકીને ઊભાં રહેતાં હતાં. આથી તેમને ફરીને જવું પડતું હતું.

ચાર વાગ્યે તેઓ લાવારસના ખડકો પાસે આવી પહોંચ્યા. અહીં માત્ર છૂટાંછવાયાં ઝાડ દેખાતાં હતાં. અત્યારે હવામાન ખુશનુમા હતું. સર્વત્ર શાંતિ હતી. આકાશ સ્વચ્છ હતું. સૂર્ય ઊંચી ટૂકની આડે આવી ગયો હતો, તેથી તડકો લાગતો ન હતો. છૂટાછવાયાં વાદળાંને લીધે આકાશની શોભા વધતી હતી.

પહેલી ટૂક ઉપરનો સપાટ ભાગ હવે માત્ર પાંચસો ફૂટ દૂર રહ્યો હતો. ત્યાં રાતના મુકામ રાખવાનું પ્રવાસીઓએ નક્કી કર્યું હતું. આ પાંચસો ફૂટની ઊંચાઈ પર પહોંચવા માટે વાંકોચૂંકો બે માઈલનો રસ્તો પસાર કરવો પડે તેમ હતો.

ધીમે ધીમે સાંજ પડવા લાગી. હાર્ડિંગ અને તેના સાથીદારો પહેલી ટૂકના મથાળે પહોંચ્યા ત્યારે તેઓ સાત કલાકના ચઢાણથી ખૂબ થાકી ગયા હતા. હવે પડાવ નાખવો જરૂરી હતો. શક્તિ મેળવવા માટે પહેલાં ખાવું અને પછી ઊંઘવું જરૂરી હતી. અહીં શાંતિથી રાત ગાળી શકાય તેમ હતી.

ખલાસીએ મોટા ખડકના નીચેના ભાગમાં પડાવ નાખ્યો. થોડાક લાકડાં વીણી લાવ્યા, અને ચકમક તથા જામગરીની મદદથી દેવતા સળગાવ્યો. રાતની ઠંડીમાં આ દેવતા ઉપયોગી હતો. તાપણાની આજુબાજુ બેસીને સૌએ ભોજન કર્યું. પછી બદામ ખાધી. સાંજે સાડા છ વાગ્યે તેઓ ખાઈ-પીને પરવારી ગયાં.

હાર્ડિંગનો વિચાર આજે ને આજે બીજી ટૂકને મથાળે પહોંચવાનો હતો. પેનક્રોફટ અને નેબ પથારીની વ્યવસ્થામાં રોકાયા હતા. સ્પિલેટ આખા દિવસનો અહેવાલ લખવા બેઠો હતો, તે વખતે કપ્તાન હાર્ડિંગ થાકેલો હોવા છતાં હર્બર્ટને સાથે લઈને નીકળી પડ્યો.

અંધારું ગાઢ ન હતું. હાર્ડિંગ અને હર્બર્ટ એકબીજાની પાસે પાસે ચાલતા હતા. બંને જણા કંઈ બોલતા ન હતા. ક્યાંક રસ્તો સીધો હતો તો ક્યાંક વાંકોચૂંકો અને ખડકાળ હતો. ખડકોની વચ્ચેથી જગ્યા કરીને નીકળવું પડતું હતું.

વીસ મિનીટ પછી બંનેને અટકી જવું પડ્યું. અહીં પહેલી ટૂક અને બીજી ટૂક એક થઈ જતી હતી. ૭૦ અંશનું ચઢાણ લગભગ અશક્ય હતું. તેઓ પાછા ફરે તે પહેલાં તેમને એક પોલાણનો રસ્તો જડ્યો.તે જ્વાળામુખી પર્વતનું મુખ હતું. પોલાણ તેમને એક ઊંડી ખાઈ તરફ દોરી ગયું. આ જ્વાળામુખીનો અંદરનો ભાગ હતો.

જ્વાળામુખી અત્યારે તદ્દન ઠરી ગયો હતો. ધુમાડા કે અગ્નિ દેખાતા ન હતા. આ કાળો કૂવો કેટલો ઊંડો હશે તે અંધારાને લીધે જાણી શકાય તેમ ન હતું. જ્વાળામુખીના મુખમાં ગંધકની વાસ આવતી ન હતી. અંદર લાવારસ સુકાઈ ગયો હતો અને કુદરતી સીડી જેવું બની ગયું હતું, આથી ચડવામાં મુશ્કેલી પડતી ન હતી.

હજી શિખરનું મથાળું લગભગ એક હજાર ફૂટ ઊંચું હતું. ધીરે ધીરે બંનેએ ઊંચે ચડવાનું શરુ કર્યું. આગળ વધતાં મુખ વધારે પહોળું થતું જતું હતું અને આકાશનો ભાગ વધારે જોઈ શકાતો હતો. આકાશમાં વીન્છીડો, સ્વસ્તિક, મત્સ્ય, અગત્સ્ય, વગેરે તારામંડળો દેખાતાં હતાં.

લગભગ રાતના આઠ વાગ્યે કપ્તાન અને હર્બર્ટ શંકુ આકારના શિખરના મથાળે પહોંચ્યા. અત્યારે અંધારું ગાઢ બન્યું હતું. એટલે બે માઈલથી વધારે આગળ જોઈ શકાતું ન હતું. પર્વતની પશ્ચિમ બાજુ જમીન છે કે પાણી, અંધારામાં નક્કી થઈ શકતું ન હતું.

પણ એકાએક પશ્ચિમમાં થોડો પ્રકાશ દેખાયો. એ પ્રકાશ પશ્ચિમમાં આથમતા બીજના ચંદ્રનો હતો. પણ એટલો પ્રકાશ હાર્ડિંગ માટે પૂરતો હતો. તેણે જોયું કે બીજના ચંદ્રનું પ્રતિબિંબ પ્રવાહી સપાટી ઉપર પડતું હતું. કપ્તાને હર્બર્ટનો હાથ પકડ્યો; અને તેણે ભારે અવાજે કહ્યું:ટાપુ!

બીજી ક્ષણે બીજનો ચંદ્ર આથમી ગયો.

***