ભૂરિયો ભરવાડ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂરિયો ભરવાડ

ભૂરિયો ભરવાડ

ગાંગુવાડા નામે એક ગામ હતું.

ગામ નાનું પણ રળિયામણું હતું.

આ ગામમાં ભરવાડોની ઘણી વસ્તી હતી. સૌનો મુખ્ય ધંધો ઘેટા-બકરા પાળવાનો.

આ ગામમાં જીવો નામે એ ભરવાડ રહે. એને ઘેર ગામના બધા કરતા વધારે ઘેટા-બકરા હતાં.

આ જીવાને ઘેર એક દીકરો હતો. એનું નામ હતું ભુરો.

ભુરો ભણવામાં બહું જ હોશિયાર. શાળામાં એ હંમેશા પ્રથમ નંબરે જ હોય. એ શાળામાં રોજ મન દઈને ભણે અને ઘેર આવીને બકરાના વાડામાં જઈને બકરીઓની લીંડી વીણવાનું અને વાડો સાફ કરવાનું કામ કરે. સવાર સાંજ બકરીઓ દોહવાનું કામ ણ એ જ કરતો.

ભુરાને આખું ગામ ભૂરિયો કહીને જ બોલાવતું. આ ભૂરિયાને રોજ રવિવારનો ઈંતજાર રહેતો. રવિવાર એનો પ્રિય દિવસ હતો. કારણ કે રવિવારે જ એને વનમાં વિહરવા મળતું. જંગલ,જંગલના પ્રાણીઓ/પક્ષીઓ ભૂરિયાને બહું જ ગમતાં. આખું જંગલ ભુરાનું ભાઈબંધ બની ગયું હતું.

રવિવારના દિવસે પરોઢ થતાં જ ભુરો પોતાના ઘેટાબકરા લઈને જંગલમાં દૂ... ર દૂ... ર નીકળી પડતો.

ભુરાને પાવો વગાડવાનો અને ગીત ગાવાનો પણ જબરો શોખ.

ભુરો પાવો વગાડે ત્યારે પક્ષીઓ કલરવ કરવાનું ભૂલી જતાં. ને પ્રાણીઓ ઘડીવાર માટે ઘાસ ચરવાનું.

સંધ્યા સમયે ભુરો પાવો વગાડે એટલે એના ઘેટા-બકરા ગામની વાટ પકડતાં!

આખો દિવસ ભૂરો જંગલમાં મંગલ કરતો. ને સાંજ વેળાએ કચવાતા મને ઉદાસ થઈને પાછો ફરતો. કારણ કે રવિવાર આવવાને છ દિવસની રાહ જોવી પડતી હતી.

જંગલને બીજે છેડે બહું જ દૂર એક ડુંગર હતો. એનું નામ લોકોએ સાપોલીયો ડુંગર રાખ્યું હતું. સાપોલીયો એટલે કે એ ડુંગરા પર જુદા-જુદા સાપોની વિશાળ વસ્તી રહેતી હતી. સર્પોથી ડરીને અહીં ભાગ્યે જ કોઈ માણસ ફરકતું.

એક રવિવારે ભૂરો બકરાં ચરાવતો-ચરાવતો પેલા સાપોલીયાવાળા ડુંગરે પહોંચી ગયો. ડુંગર જોઈને એ તો ખુશખુશાલ બની ગયો. એક વિશાળ શિલા પર બેસીને એણે પાવો વગાડવા માંડ્યો. આંખો બંધ કરીને એ પાવો વગાડવામાં મસ્તાન બની ગયો.

ઘણીવાર બાદ ભૂરાએ આંખો ખોલી. આંખ ઊગાડતાં જ આભો બની ગયો!

એણે જોયું તો એની ચારેકોર સર્પોનો શંભુમેળો જામેલ હતો. નાના-મોટા અને લાંબા-ટૂંકા સાપ ફેણ ચડાવીને આમતેમ ડોલી રહ્યાં હતાં. આટલા બધા સાપ જોઈને ભૂરિયો બી ગયો. આખા શરીરે પરસેવો વળી ગયો. એને ભાગી જવાનું મન થયું પણ એણે હિંમત ધરી.

પાવાનો અવાજ બંધ થયો. ને એ જ વેળાએ સૌ સર્પ સરરર કરતાંક ને પોતપોતાના રાફડામાં ચાલ્યા ગયા.

આ કૌતુક જોઈ ભૂરો ખુશખુશાલ બની ઝુમી ઉઠ્યો.

હવે ભૂરો દર રવિવારે આ ડુંગરે આવવા લાગ્યો. દર વખતે એ પાવો વગાડે. એનો મધુર નાદ સાંભળીને પાતાળથી આખું નાગલોક ડોલતું-ડોલતું બહાર આવતું. સૌ ભૂરિયાને વીંટળાઈને સંગીતની મોજ માણે!ભૂરો પાવો બંધ કરે એટલે એ બધા પાતાળલોકની વાટ પકડે.

ભૂરાને પણ હવે તો મજા પડવા લાગી હતી.

ધીરે ધીરે ભૂરાને નાગલોકથી દોસ્તી થઈ ગઈ. ભૂરો હર રવિવારે પાવો સંભળાવે અને અવની વાસીઓની અવનવી વાતો કરે. એ બધું સાંભળીને નાગલોકો નવાઈથી ખુશખુશાલ બની જતાં હતાં.

એવામાં એક મણિધર નાગથી ભૂરાને પાક્કી ભાઈબંધી થઈ ગઈ! ભૂરો પાવો વગાડે,બંધ કરે અને બધા નાગ ચાલ્યા જાય એટલે મણિધર નાગ ભરા પાસે બેસી રહે. બંને કલાકો સુધી અલકમલકની વાતો કરે. મણિધર પણ ભૂરાને પાતાળલોકની વાત કરે જે સાંભળીને ભૂરાને પાતાળ ફરવાની ઈચ્છા થઈ આવતી.

એક દિવસ ભૂરિયાએ શાળામાં સૌને આ વાત કરી તો સૌ કોઈ માનવા તૈયાર જ નહોતું ! બધા ભૂરાને પાગલ સમજવા માંડ્યાં. અને ભૂરાની ઠેકડી ઉડાડવા લાગ્યા.

એકવાર વાતવાતમાં ભૂરાએ મણિધરને કહ્યું:' મણિધર,મારે તમારા મલકમાં આવવું છે! મને લઈ જશો?'

આ સાંભળીને મણિધર તો રાજીના રેડ થઈ ગયો.

મણિધરે ભૂરાને પાતાળલોકમાં લઈ જવાની તૈયારી કરવા માંડી!

સાંજનો વખત હતો. એવે વખતે ભૂરિયાએ પાવો વગાડ્યો. જે સાંભળીને એના ઘેટા-બકરાઓએ ઘરની વાટ પકડી!

બકરાઓને જતાં જોઈ ભૂરો કંઈક વિચારમાં પડી ગયો.

એ જોઈને મણિધરે પૂછ્યું:'ભૂરાભાઈ ! શાની ચિંતામાં છો?' પછી બકરાઓ તરફ જોઈને આગળ કહ્યું:'આ બકરાઓની ચિંતા તો નથી કરતા ને?'

'બકરાઓની તો કશી જ ચિંતા નથી. એ તો હેમખેમ ઘેર પહોચી જ જશે. પણ એ વાતની વિમાસણ છે કે હું માણસ તમારા રસ્તે કેવી રીતે નાગલોકમાં આવી શકીશ?'

'અરે ભલા માણસ !એની ચિંતા શું કામ કરો છો? એની તો સઘળી તૈયારી મે કરીને જ રાખી છે !તમ તમારે તૈયાર થાઓ એટલી જ વાર છે!'

'તો ચાલો હું તૈયાર જ છું. '

'ચાલો ત્યારે તમે તૈયાર જ હો તો મારા મણિ સામે જોઈને બે વાર સાપ એમ બોલો. '

ભૂરાએ એમ કર્યું એટલે તરત જ એ સાપ બની ગયો !

પછી તો મણિધરની પાછળ-પાછળ ભૂરો છેક પાતાળલોકમાં પહોંચી ગયો!ત્યાં પહોચ્યા પછી મણિધરે ભૂરાને કહ્યું,'હવે બે વાર માણસ એમ બોલો.

ભૂરાએ એમ બોલ્યું એટલે એ માણસ બની ગયો!આ ચમત્કારથી એ ખુશ-ખુશ બની ગયો.

પછી તો મણિધરે ભૂરાને ફેરવીને આખુ નાગલોક બતાવવા માંડ્યું.

આ બાજું બકરીઓ ઘેર આવી પણ ભૂરો ન ક્યાંય ન દેખાયો. ભૂરાના મા-બાપને ચિંતા થવા માંડી કિન્તું એ ક્યાંક રોકાયો હશે ને હમણાં આવી જશે એમ વિચારીને મનને શાંત કર્યું.

વિચારમાં ને વિચારમાં રાત પડી ગઈ. બધા સૂઈ જવા લાગ્યા. પણ ભૂરો આવ્યો નહી. હવે એના માવતરના પેટમાં ફાળ પડી. અમંગળ ખયાલો આવવા લાગ્યા. આખી રાત એ ઊંઘી શક્યા નહી.

સવાર પડતાં ગામમાં ને જંગલમાં શોધખોળ થવા માંડી કિન્તું ક્યાંય ભૂરાનું પત્તુ જડ્યું નહી.

હવે ભૂરિયા વિશે ગામમાં જુદી-જુદી અફવાઓ વહેતી થઈ.

આ તરફ ભૂરાને નાગલોકમાં આવેલ જોઈ આખુ નાગલોક ગેલમાં આવી ગયું. શેરીએ-શેરીએ ને ઘેર-ઘેર એના મંગળ વધામણા થવા લાગ્યા. એના માટે રોજ નવી-નવી મિજબાનીઓ થવા લાગી. હર્ષાશ્રુ સાથે ભૂરો બધું માણવા લાગ્યો.

આવડા અમથા માનપાન અને મોજ પામીને ભૂરો ઘર-ગામ ભૂલવા માંડ્યો. એને તો કાયમ માટે ત્યાં જ રોકાઈ જવાનું મન થયું. અને એ થોડા દિવસ રહ્યો.

ભૂરાએ ફરી-ફરીને નગર જોવા માંડ્યું.

નાગલોકના નગરની મધ્યમાં જ એક વિશાળ મંદિર હતું. એની ચમકદાર રોશની આખા નગરને ઉજાળી રહી હતી. એની ઊંચી ટોચ પર ચારેબાજું મોટી-મોટી ફેણવાળા મોટા નાગ ડૉલી રહ્યાં હતાં. સૌના માથા પર આપણા સૂર્ય સમાં મોટા-મોટા મણિઓ ચમકી રહ્યાં હતાં.

ભૂરો આ અજાયબ અને અદભૂત નગરી જોતો જાય અને વિસ્મય પામતો જાય.

એણે નાગલોકોના વિવાહ જોયા.

એમના ભવ્ય તહેવારો જોયા અને માણ્યા.

એમની ખાનપાન રહેણીકરણી જોઈ.

વળી,પાણીથી ભરપૂર રંગબેરંગી નદીઓ જોઈ. આગથી ધગધગતા ડુંગરાઓ જોયા.

વિવિધ ખનીજોથી ભરપૂર ખાણો પણ જોઈ.

વળી એક દિવસ મણિધર ભૂરાને દૂરની દુનિયામાં લઈ ગયો. ધગધગતા લાવાથી ભરેલી એ દુનિયા હતી. ભૂરો આટલી ધધકતી લાવા જોઈ અચરજ થયો.

મણિધરે ભૂરાને કહ્યું:'જો ભૂરા, તમારી ધરતી પર પેલા જવાળામુખી ફાટી નીકળે છે એ જ આ લાવા છે.

'એ તે વળી કેવી રીતે?'આશ્ચર્યથી ભૂરાએ પૂછ્યું.

જો ભૂરા ધરતીના પેટાળની આ ગરમી સતત વધતી જ રહે છે. જેના લીધી હલકી ધાતુઓ પીગળવા લાગે છે. હવે આ પીગળેલી ધાતુઓના કારણે હવાનું દબાણ સર્જાય છે. જેના કારણે હવાને વધારાની જગ્યા ન મળતા એ જોરદાર ધડાકા સાથે પૃથ્વીના પોચા પોપડા તરફ ગતિ કરે છે અને એ ધડાકાભેર બહાર નીકળી જાય છે. સાથે આ ધગધગતો લાવા પણ નીકળે છે જે બહાર નીકળતા જ સળગવા લાગે છે. ઓવી રીતે જ્વાળામુખી ફાટી નીકળે છે. '

ભૂરાને અવાક બનેલો જોઈ મણિધરે ફરી કહેવા માંડ્યું :' જો ભૂરા હવે તમારી ધરતી પર જે ભયંકર ભૂકંપ સર્જાય છે એ પણ પેટાળની પ્રચંડ ગરમીના કારણે ખડકોના અથડાવાથી જ!'

આમ,પાતાળની દુનિયાના નવા-નવા રાઝ જાણીને ભૂરો ખુશ થઈ ગયો.

આમ કરતા ભૂરો દશેક દિવસ રહ્યા બાદ ઘેર જવા વિદાય થયો.

ભૂરિયાની વિદાયમાં પાતાળલોકના સૌ નાગલોકોએ મહોત્સવ ઊજવ્યો. વાજતેગાજતે ભૂરો વિદાય થયો.

ભૂરિયાને ઘેર-ગામમાં સૌ એને ખોળીને થાકી હારીને બેઠા હતાં. એના માવતર બોર-બોર આંસુએ રડી રહ્યાં હતાં.

એવામાં એક સવારે ભૂરિયાએ ગામમાં દેખા દીધી!

અચાનકનો ભૂરાને આવેલો જોઈ એને જોવા-મળવા આખુ ગામ એને ઘેર ઉમટ્યું.

પણ આ શું??

ભૂરાની પાછળ-પાછળ નાગનું મોટું ટોળું ચાલ્યું આવે છે!લોકો ફાટી આંખે તાકી રહ્યાં!

કેટલાંક તો લાકડી લઈને સર્પોને મારવા દોડ્યા.

ભૂરાએ લોકોને સમજાવ્યા કે આ સર્પો ઝેરી નથી અને વળી આપણા દુશ્મન પણ નથી. એ તો આપણે છંછેડીએ એટલે પોતાના બચાવમાં આપણને ડંખ મારે છે. પણ આપણે જો મિત્રતા રાખશું તો એય આપણા ભેરૂ થવા તૈયાર છે.

ભૂરાની વાત સૌ માની લીધી.

ભૂરાને જોઈને એના માવતરની આંખોમાં હર્ષાશ્રુ ઊભરી આવ્યા.

ભૂરાએ ગામલોકોને પોતાના પાતાળ પ્રવાસની અને નાગલોકની સઘળી વાતો કરી.

સૌ ખુશ થયા અને નાગલોકની જય બોલાવી.