એક રિશ્તા Shah Jay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રિશ્તા

આજથી બરાબર એક વર્ષ પહેલા અમે મળ્યા હતા. હું એટલે સુધાંશુ એને મળ્યો હતો. મારી દરરોજની જગ્યા એ ગાર્ડન માં બેઠો હતો ત્યારે મારી નજર એના ઉપર પડી હતી. કદાચ એ ગાર્ડન માં પહેલી વાર જ આવી હશે, કારણ કે હું તો ગાર્ડન નો રેગ્યુલર વિઝીટર હતો અને મે આજે એને પહેલી જ વાર જોઈ હતી.

ખેર, સ્પોર્ટ્સ ટ્રેક, શુઝ અને હાથમાં સ્માર્ટ વોચ પહેરીને ગાર્ડન માં એ દોડતી હતી. સાંજ નો સમય હોવાથી ગાર્ડન માં થોડી ભીડ પણ હતી જે એને દોડવામાં થોડી અડચણ ઉભી કરતી હતી. છતા બે-ત્રણ રાઉન્ડ મારીને મારાથી ત્રણ બાંકડા દુર આવીને બેસી ગઈ. પાંચ-દસ મિનીટ બેસીને ક્યારે ત્યાથી ઓઝલ થઇ ગઈ એ મને ખબર જ ના પડી. મેં મારી જાતને મોબાઈલ માં માથું માર્યા કરવાને લીધે ખુદ ને ટોક્યો. પણ પછી એ કદાચ કાલે ફરી આવે એ વિચારે મેં પણ મારા રૂમ તરફ પ્રયાણ કર્યું.

ધીરે-ધીરે આ જ રુટીન થઇ ગયું. એ દરરોજ સાંજે આવે, થોડા રાઉન્ડ મારે, પાંચ મિનીટ બેસે અને પછી ઘરે જતી રહે. એક અઠવાડિયા પછી દોડવાની સાથે એણે કસરત કરવાનું પણ શરુ કર્યું. રાઉન્ડ માર્યા પછી દોરડા-કૂદ, સૂર્યનમસ્કાર, સ્ટ્રેચિંગ કરે અને 5 મિનીટ બેસીને નીકળી જાય. હું દરરોજ એને બાંકડા પર બેસીને જોવ. એણે કસરત કરવાની શરૂઆત કરી એટલે મને તો એને જોવા માટે વધારે સમય મળતો.

ઓછી ઉંચાઈ, થોડું વજનદાર શરીર, પણ લાંબા વાળ, તીણું નાક એની સુંદરતામાં વધારો કરતું. ખબર નહી કેમ એક વાર એને જોયા પછી એની સામેથી નજર હટાવવાની ઈચ્છા જ નહોતી થતી. એના કસરત કરતી જોવાના લીધે મારો ગાર્ડનમાં બેસવાનો સમય પણ લંબાઈ ગયો હતો.

અત્યાર સુધી અમારી બંનેની નજર ઘણી વાર એક થઇ હતી. પણ કોઈ દિવસ વાત નહોતી થઇ. પરંતુ એક ઘટના એ અમારી વાત શક્ય બનાવી. થયું એમ કે, એક દિવસ એ એના રુટીન પ્રમાણે દોડીને આવ્યા પછી કસરત કરતી હતી ત્યાં 4-5 છોકરાઓનું ટોળું આવીને બેસી ગયું. એમણે આ છોકરીને કસરત કરતી જોઇને એની મશ્કરી કરવાનું શરુ કર્યું અને ગંદી કમેન્ટ મારવા લાગ્યા. હું પણ મારી જગ્યા એ ઈયરફોન નાખીને સોંગ સાંભળતા બેઠો આ જોતો હતો. પહેલા તો મને ગુસ્સો આવ્યો. પણ છોકરીની સામે જોતા એ એકદમ નોર્મલ લાગી. છોકરી સ્ટ્રોંગ છે એમ જોઇને મેં પણ કોઈ એક્શન ના લીધા પણ છોકરીના શું રીએક્શન છે એ જોવાની મને આતુરતા હતી. છોકરાઓની કમેન્ટ ની એની ઉપર કોઈ અસર જ ના થઇ હોય એમ એણે એની કસરત ચાલુ રાખી.

બીજે દિવસે, ત્રીજે દિવસે પણ આવું જ બન્યું. પેલા છોકરાઓ સામે બેસીને કમેન્ટ કરે અને છોકરી કોઈ રીએક્શન આપ્યા વગર કસરત કરે. ચોથા દિવસથી તો છોકરાઓ પણ કંટાળી ગયા અને એમની બેસવાની જગ્યા બદલી નાખી. દુરથી આ જોઇને હું પણ મન માં હસ્યો. છોકરી માટે દિલમાં માન ઉપજ્યું. બીજી કોઈ છોકરી હોય તો દોડવા આવવાનું જ છોડી દેપણ આણે તો છોકરાઓની બેસવાની જગ્યા બદલાવી દીધી.

હું એને દુર થી જોતો એ એને ખબર જ હતી. આમ પણ છોકરીઓથી આવી વાત કોઈ દિવસ છુપી ના રહે. જયારે અમારી નજર એક થઇ ત્યારે મેં સ્માઈલ કરીને ‘થમ્સ અપ’ કર્યું. પણ એણે તો એનો પણ કોઈ રીસ્પોન્સ ના આપ્યો. હું ખસિયાણો પડી ગયો. છોકરી માટે જે માન હતું એ એટીટ્યુડ હશે એમ વિચારીને હું ફરી મોબાઈલ માં ધ્યાન આપવા લાગ્યો.

એની કસરત પૂરી થતા જ એ મારી સામે આવીને ઉભી રહી. હું ઊંચું જોઇને કઈ બોલું એ પહેલા મારી બાજુમાં આવીને બેસી ગઈ. મારી ‘થમ્સ અપ’ ની ચેષ્ટા એને કેટલી પસંદ આવી એ મને સમજ નહોતી પડી એટલે હું ઈયરફોન કાઢીને ઉભો થઈને ચાલવા લાગ્યો. હજી એક ડગલું માંડું ત્યાં એ બોલી.

છોકરી : “ઓ મિસ્ટર. ક્યાં ભાગો છો? હું કઈ તમને મારવા નથી આવી. બેસો શાંતિથી.”

હું : “ના બસ, મારો નીકળવાનો ટાઇમ થઇ ગયો એટલે ઉભો થયો. તમે આવ્યા એટલે એવું કઈ નથી.”

છોકરી : “કેમ દરરોજ તો હું નીકળું પછી નીકળો છો. આજે જલ્દી છે?”

એના આ સવાલથી હું સ્તબ્ધ થઇ ગયો અને કઈ બોલ્યા વગર બાજુમાં થોડું અંતર રાખીને બેસી ગયો.

છોકરી (હાથ લંબાવતા): “મારું નામ એકતા.”

હું : “હું, સુધાંશુ.”

છોકરી : “દરરોજ, અહિયાં ઈયરફોન નાખીને કેમ બેસી રહો છો. કસરત કરો. શરીર માટે જરૂરી છે.”

હું : “તમે ઘણુ બધું માર્ક કરો છો.”

એકતા : “હા યાર, છોકરીઓ એ આ બધાનું ધ્યાન રાખવું જ પડે.”

હું : “હા એ પણ છે. શરીરને દિવસ માં જોઈએ એટલી કસરત મળી જ જાય છે એટલે અહિયાં મનને રીફ્રેશ કરવા આવ છું. ”

એકતા : “ઓહોઓ, એવું?” “આજનું થમ્સ અપ શેના માટે હતું એ કહો ત્યારે.”

હું : “અચ્છા, તમે જોયું ખરું એમ ને.”

એકતા : “કીધું ને છોકરીઓ ને બધું જ દેખાતું હોય પણ એને ઈચ્છા થાય ત્યાં જ એ રિસ્પોન્સ આપે.”

હું : “તમે બોલ્યા વગર કે હાથ ઉપાડયા વગર સામે વાળા ના ગાલ પર જે લાફો માર્યો ને ‘થમ્સ અપ’ એના માટે જ હતું.” પણ એક સવાલ પુછુ?”

એકતા (થમ્સ અપ બતાવતા): “પૂછો?”

હું : “તમે ઈયરફોન નાખીને કેમ નથી આવતા? આ લોકો ની વાતો શું કામ સાંભળવી?”

એકતા : “જો એવું હોત ને તો હું અહિયાં હોત જ નહી?”

હું : “મતલબ?”

એકતા : “કસરત કરવાની શરૂઆત કરવાની પ્રેરણા મને આ જ રીતે મળી છે.”

હું : “આ જ રીતે એટલે કોઈ એ કમેન્ટ કરી?”

એકતા : “હા, થોડા સમય પહેલા હું મારા મમ્મી સાથે ગાર્ડન માં ચાલવા આવી હતી ત્યારે બે-ત્રણ છોકરા ઓ એ મારી સામે જોઇને ‘જાડી-જાડી’ બુમ પડી હતી. બસ ત્યારથી ફીટ થવાની ચેલેન્જ મેં મારી જાતને આપી છે. અત્યારે થોડી ઘણી સફળતા મળી છે.”

હું : “વાહ, સરસ યાર.”

એકતા : “ હવે તમે મને કહો કે શા માટે તમે અહિયાં એકલા બેસો છો? “

હું : “હું અહિયાં જોબ કરું છું અને એકલો રહું છું. જોબ એવી છે કે ચાલવાનું, દાદર ચડ-ઉતર કરવાના, થોડું દોડવાનું થઇ જ જાય છે એટલે અહિયાં સોંગ સાંભળીને મગજ અને શરીરને ફ્રેશ કરવા આવ છું. દરરોજ આ ફિક્સ બાંકડા પર બેસીને સોંગ સાંભળવાના, ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરવાની એ મારું રુટીન છે.”

છોકરી : “અને સાથે ગાર્ડનમાં આવતી છોકરીઓને જોવાની.”

હું : “હા નેચરલ સીન જોવા મને બહુ ગમે છે અને સ્ત્રી એ ભગવાને બનાવેલી સૌથી સુંદર રચના છે એટલે બસ થોડી ભગવાને બનાવેલી રચના ને નિહાળી પણ લઉં છું..”

એકતા : “બાપરે, છોકરી ને ‘તાડવાનું’ આટલું સરસ રીતે તમારા સિવાય બીજું કોઈ ના સમજાવી સકે.”

હું : “ હા, સ્વીટ અને સિમ્પલ. છોકરીને પણ ખોટું ના લાગે એ રીતે.”

છોકરી : “ચાલો મારો નીકળવાનો સમય થઇ ગયો. આપણે કાલે મળીયે, આ જ જગ્યા એ, આ જ સમયે.”

હું : “ઓકે, સ્યોર. બાય.”

એકતા : “બાય.”

બસ, આ અમારી પહેલી મુલાકાત. પછી તો રુટીન બની ગયું. એ દોડીને કસરત કરે ત્યાં સુધી હું સોંગ સાંભળું અને પછી અમે બંને બેસીને ગપાટા મારીએ. દરરોજ અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવાની મઝા જ કંઈક અલગ હતી. એની પાસે પણ બધા ક્ષેત્ર નું સારું જ્ઞાન હતું. ધીરે ધીરે આ સમય મને ગમવા લાગ્યો. હું જાણે સાંજ ની રાહ જોવા લાગ્યો.

પણ અમારા બંને વચ્ચે એક નિયમ હતો કે માત્ર અનજાન દોસ્તી જ. નામ સિવાય બંનેએ એકબીજા ને કોઈ વાત નહોતી કીધી. એકબીજાના મોબાઈલ નંબર પણ આપ-લે નહોતા કર્યા. બસ, મળીયે ત્યારે વાતો કરવાની. હું કદાચ ઘરે જાવ અને મળવાનું ના બને તો કહીને જતો. એ તો એ પણ ના કહેતી. અચાનક બે-ત્રણ દિવસ ના આવે અને પછી ફરી મળીયે ત્યારે એ જ રુટીન. કેમ ના આવી એવા સવાલ પૂછવાનો કોઈ મતલબ જ નહોતો કારણકે rules are rules.

લગભગ આ સિલસિલો છ મહિના જેટલો ચાલ્યો. વચ્ચે મારી બર્થડે આવી અને એમાં ઘરે ના જઈ શક્યો ત્યારે મેં એને એક ફ્રેન્ડ તરીકે બહાર જમવા લઇ જવાનો આગ્રહ કર્યો ત્યારે માત્ર એક વાર એ ગાર્ડન બહાર મારી સાથે આવી. પણ બસ એક કનેક્શન હતું. એક અલગ જ સંબંધ. એકબીજાને પ્રશ્ન પૂછ્યા વગર કે એ મારા માટે શું વિચારે છે એ બધી જ વાતોથી દુર બસ અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવાની. હસવાનું, અને ખરેખર સમયને માણવાનું.

છ મહિના પછી મારી કંપની એ મને બીજા પ્લાન્ટમાં જોબ ઓફર કરી. મારે શહેર છોડવાનું હતું. છેલ્લા દિવસે પણ સામાન ની હેરાફેરીમાંથી સમય કાઢીને એને મળ્યો. નંબર માંગ્યો કારણકે ખબર હતી કે છેલ્લો દિવસ છે, આજે નહી તો ક્યારેય નહી. પણ એ એકદમ જીદ્દી. એકવાર કીધું કે નહિ એટલે નહી જ.

“બસ, આપણા નસીબમાં સમયનો આટલો જ સાથ હતો. અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાની – કનેક્શન બનાવવાની મઝા શું છે એ મને તારી સાથે વાત કરીને ખબર પડી. ખુબ સરસ સમય હતો. બસ જ્યાં હોય ત્યાં મને યાદ કરજે અને હમેશા પ્રગતિ કરજે.” આ એના છેલ્લા શબ્દો હતા.

ત્યાર પછી અમે ક્યારેય નથી મળ્યા. સોશિયલ મીડિયાના જમાનામાં આવું કનેક્શન થોડું અજીબ લાગે પરંતુ મારા દિલ ઉપર ઊંડી છાપ છોડી ગયું. અને હા, છ મહિનામાં કસરત કરીને એણે એનું સારું એવું વજન પણ ઘટાડ્યું. શરીરનું પણ અને મારી સાથે વાત કરીને મનનું પણ.

આજે પણ બીજા શહેરમાં સાંજે જયારે એકલો બેસું છું ત્યારે હમેશા એ યાદ આવે છે. એ કનેક્શન – એ રિશ્તો – એ સંબંધ શું હતું? એનું નામ શું?