Jasmin no pahelo prem books and stories free download online pdf in Gujarati

જાસ્મીન નો પહેલો પ્રેમ

જાસ્મીનનો પહેલો પ્રેમ

“અહેમદાબાદ રેલ્વે સ્ટેશન પે આપકા સ્વાગત હૈ. ગાડી નંબર ૧૯૨૨૩ જમ્મુ-તાવી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર-૬ પે આ ચુકી હૈ.”

અનાઉન્સમેન્ટ સાંભળીને કિશન પ્લેટફોર્મ નંબર ૬ તરફ ભાગ્યો. ઈન્સટ્રકટર પાસેથી લીધેલી ટીકીટમાં પોતાનો કોચ નંબર અને સીટ શોધીને રક્ષક બેગ માંથી વેફર્સ અને બિસ્કીટનું પેકેટ તોડી ખાવા બેઠો. ટ્રેન ઉપડવાને માત્ર બે-ત્રણ મિનીટ જ વાર હતી. આસપાસની બધી સીટ લગભગ ખાલી હતી. કિશન ની સીટ સ્લીપિંગ કોચમાં અપર બર્થ હતી, પણ દિવસના સમયે કોણ ઉપર જાય એમ વિચારીને એ નીચે જ બેઠો. નાસ્તો કરી પાણી પીને કિશન નજીકના ભૂતકાળમાં ખોવાઈ ગયો.

મનાલી ફરવા જવાનો પ્લાન કેટલો ફટાફટ બની ગયો હતો. 48 કલાક પહેલા તો વિચાર્યું પણ નહોતું અને અત્યારે એ જિંદગીની સૌથી મોટી અનપ્લાન ટ્રીપ ઉપર જઈ રહ્યો હતો. અગાઉ બે વખત ટ્રેકીંગ માં જઈ આવ્યો હોઈ સામાન શું લેવાનો એનો આઈડિયા હતો જ. વળી આ વખતે તો સાવ એકલો હતો એટલે કોઈની રાહ જોવાનો તો સવાલ જ ઉભો નહોતો થતો.

બે દિવસ પહેલા કિશને એના ત્રણ મિત્રો સાથે શરુ કરેલા બીઝનેસ સ્ટાર્ટઅપ ની બેલેન્સ શીટ ચેક કરી. ચારેય મિત્રોએ બીઝનેસ સ્ટાર્ટ કર્યાને છ મહિના થયા હતા, હવે બીઝનેસ આગળ ચલાવવો કે નહિ એનો બધો આધાર આ બેલેન્સ શીટ ઉપર હતો. બેલેન્સ શીટ એ આ છ મહિનામાં ૮૦ હજારની ખોટ બતાવી.

કિશન સહીત ચારે મિત્રોએ છેલ્લા છ મહિનામાં આ બીઝનેસ સ્ટાર્ટ કરવા મારે જીવ રેડી દીધો હતો. બીઝનેસ સેટ કરતા સમય લાગે એ વાત છોકરાઓ તો જાણતા હતા પણ એમના બીઝનેસ સ્પોન્સર ને માત્ર રૂપિયા જ વ્હાલા હતા. બેલેન્સશીટ નેગેટીવ આવતા એમના ગુસ્સાનો પારો સાતમાં આસમાને –પહોંચી ગયો. એમણે બસ એક જ મીનીટમાં એક જ વાક્ય બોલીને ચારેય મિત્રોના સપના અને છેલ્લા છ મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું. એમણે એ જ ઘડીયે સ્પોન્શરશીપ પછી ખેંચી લીધી અને પોતાના ડૂબેલા રૂપિયાનું વળતર એક મહિનાની અંદર ચૂકવવાનું અલ્ટીમેટમ આપીને ત્યાંથી નીકળી ગયા હતા.

કિશન અને એના ત્રણે મિત્રો બહુ નાસીપાસ થયા હતા. ચારેય મિત્રોનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેમની પાછળ એમણે સમય-શક્તિ અને પૈસા બધું જ ખર્ચી નાખ્યું હતું. કિશન બધા કરતા વધારે દુખી હતો. એ આ પ્રોજેકટ નો લીડર હતો. સ્પોન્સર શોધવાનું કામ એનું હતું અને જે કઈ થયું એમાં પણ કિશન ને પોતાની જ ભૂલ લાગી હતી. જયારે લીડર જ હિંમત હારી જાય ત્યારે કોઈ પણ ટીમ આગળ વધી નથી શકતી. આમ તો કિશન હિંમત હારે એમાંનો નહોતો પણ બન્યું જ કઈ એવું હતું. આથી એણે પોતાને ફ્રેશ કરવા આ મનાલીની ટ્રીપમાં નામ નોંધાવીને નીકળી આવ્યો.

ટ્રેનની બારી સામે ખોડાવી રાખેલી કિશનની આંખો જોતી બધું હતી પણ સમજવા માટે અસમર્થ હતી. વિચારતા વિચારતા ક્યારે સિદ્ધપુર આવી ગયું એનું એને ધ્યાન જ નહોતું એ બસ બારી ની સામે અવિરત જોયા કરતો હતો. સિદ્ધપુરમાં ૬ છોકરીઓનું એક ગ્રુપ મજાક-મસ્તી કરતા કિશન જે કોચ માં બેઠો હતો તેમાં ચઢી. બધાના હાથમાં રક્ષક બેગ જોઇને આખું ગ્રુપ પણ ટ્રેકીંગ માં જ જવાનું હશે એવું કિશને વિચાર્યું. એમની સીટ કિશન ની સીટ થી પાછળ હતી. બધા બેસી ગયા પછી ઈન્સટ્રકટર આવ્યા અને કિશનને કોઈ તકલીફ તો નથી ને એવું પૂછ્યું. કિશને નકારમાં જવાબ આપ્યો એટલે ‘હેપ્પી જર્ની’ વિશ કરીને પેલી છોકરીઓ ના ગ્રુપ તરફ ગયો.

સિદ્ધપુર થી ચડેલી છોકરીઓ એ આખો ડબ્બો ગજવી નાખ્યો હતો. જોર-જોરથી ગીતો ગાવા, પકડા-પકડી રમવું, મજાક-મસ્તી કરવી. એમણે ઈન્સટ્રકટર પાસેથી મનાલી આવતા બધાના નામ જાણીને એમની સીટ પાસે રમવા બોલાવ્યા હતા. કિશનને પણ બોલાવવા બે છોકરીઓ આવી હતી. ત્યારે કિશન કોઈ બુક વાંચતો હતો. એનો મૂડ કોઈ પણ સાથે વાત કરવાનો ના હોઈ એણે છોકરીઓને ના પડી દીધી. અમદાવાદ થી પઠાનકોટ સુધીની ૨૮ કલાકની જર્નીમાં કિશને 2 બુક અને 3 પિક્ચર જોઈ નાખ્યા હતા.

ટ્રેનમાં પઠાનકોટ સ્ટેશન પર ઉતરીને ટ્રાવેલ્સ બસમાં મનાલી જવાનું હતું. વચ્ચે બે-ત્રણ કલાકનો બ્રેક હતો એટલે બધા પોતપોતાના ગ્રુપ સાથે કોઈક શોપીંગ કરવા તો કોઈક પઠાનકોટ ની સ્પેશીયલ પરાઠા-લસ્સી ખાવા ગયા. કિશને પણ સ્ટેશનથી બહાર જ આવેલા મીલીટરી માર્કેટમાંથી શુઝ અને પેન્ટ ખરીદ્યા, આપણા બે ગ્લાસ જેટલો મોટો એક ગ્લાસ લસ્સી પીધી અને પછી ઈન્સટ્રકટરને કહીને રેલ્વે સ્ટેશનના વેઈટીગ રૂમ માં જઈને સુઈ ગયો.

રાત્રે આઠ વાગે પઠાનકોટ થી મનાલી ની જર્ની શરુ કરી. આખી રાતની મુસાફરી પછી મનાલી પહોચ્યા. ત્યાં બધા એ બ્રશ કરી-ફ્રેશ થઇ ચા-નાસ્તા ને ન્યાય આપ્યો. કેમ્પની શરૂઆત એક નાના ટ્રેકીંગથી કરવાની હતી. કિશન ઉમરમાં બધાથી મોટો જ દેખાતો હોઈ ઈન્સટ્રકટર પણ કિશનને ‘કિશનભાઈ’ કહીને જ બોલાવતો. વળી ડેલહાઉસી અને રાજસ્થાનની ટ્રીપ કિશને આ જ ઈન્સટ્રકટર સાથે કરેલી હોઈ વત્તે-ઓછે અંશે બંને એકબીજાને ઓળખતા.

પહેલું ટ્રેકીંગ શરુ કરતા પહેલા ઈન્સટ્રકટરે ટીમ પાડી. ૨૮ જણા હોવાથી ૭-૭ ની ચાર ટીમ પડી. દરેક વ્યક્તિને પોતાના ગૃપથી અલગ થવાનું ના ગમે એટલે છ છોકરીઓના ગ્રુપ સાથે એકલો કિશન જ સેટ થતો હતો. વળી, ઈન્સટ્રકટરે ટીમ લીડર પણ કિશન ને જ બનાવ્યો. એટલે બધી છોકરીઓના ભવા ચડ્યા. એમના મતે કિશન એક ઘમંડી છોકરો હતો, જે છોકરીઓ ને જોઇને પણ પીગળતો નહોતો.

દરેક ટીમ લીડર નું કામ પોતાની ટીમને હમેશા સાથે રાખવાનું હોય છે. જયારે જયારે રીપોર્ટીંગ કરવાનું આવે ત્યારે પોતાની ટીમનો એક પણ મેમ્બર ઓછો નથી એ જોવાનું, ટ્રેકીંગ દરમિયાન બધા ને સાથે રાખવાના, જયારે ટીમના કોઈ મેમ્બરને કોઈ પણ પ્રોબ્લેમ ઉભો થાય તો એની પહેલી જાણ ટીમ લીડર ને કરવાની અને ટીમ લીડર જ ઈન્સટ્રકટર સુધી વાત પહોચાડે. આવા અમુક નિયમો હતા જે બધા ઈ પાળવાના રહેતા. ટ્રેકીંગ એટલે માત્ર કુદરત ને નિહાળવાનું નહી, પરંતુ પોતાની અંદર ચુપ છુપાયેલી કેટલીક ખૂબીઓને જાણવાનું પણ અહિયાં શીખવવામાં આવતું. દરેક વ્યક્તિ પોતાના કમ્ફર્ટ ઝોનમાં સારો જ હોય છે. પોતાના ગ્રુપની વચ્ચે ગમે તેટલું બોલતો માણસ બીજા ગ્રુપ જતા જ શાંત થઇ જાય છે. કારણકે ત્યાં એ કોઈને ઓળખતો હોતો નથી અને સાવ અજાણ્યા વ્યક્તિ સાથે શું વાત કરી એની સમાજ હોતી નથી. અહિયાં કોઈ હોશિયાર કે કોઈ ડફોળ હોતું નથી. બધા ઈન્સટ્રકટર મત સરખા જ હોય છે.

પહેલા ટ્રેકીંગ માં નજીકના એક વોટરફોલ(ધોધ) માં નહાવા જવાનું હતું. અમદાવાદથી ટ્રેનમાં બેઠાને લગભગ 48 કલાક વીતી ગયા હતા અને કોઈ ન્હાયું નહોતું એટલે શરીરમાંથી એક પ્રકારની દુર્ગંધ અને ખંજવાળ બધાને આવતી હતી. વોટરફોલ માં નહાવા જવાનું ઈન્સટ્રકટરની જાહેરાતને છોકરીઓના ગ્રુપે તાળીઓથી વધાવી લીધો. તરત જ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. રીપોર્ટીંગ થઇ ગયું અને ઈન્સટ્રકટર ની સુચના પ્રમાણે બધા ચાલવા લાગ્યા ત્યારે જ કિશને છ છોકરીઓના ગૃપમાની એક છોકરીને બુમ પાડીને ઉભી રાખી.

કિશન : “મેડમ, તમે પગમાં સેન્ડલ પહેર્યા છે એ નહિ ચાલે. શુઝ પહેરી લો.”

છોકરી : “કેમ ના ચાલે?”

કિશન : “મેડમ તમે ટ્રેકીંગમાં આવ્યા છો, રેમ્પ પર ચાલવા નહિ. અહિયાં તમારે પહાડ ચડવાના છે, લપસણી જગ્યા પર પગ મચકોડાઈ શકે.”

છોકરી : “એવું નહી થાય. હું સાચવીને ચાલીશ.”

કિશન : “ના મેડમ, તમે જલ્દી કરો. જુઓ બધા ગ્રુપ આગળ નીકળી ગયા છે. તમારે લીધે આખી ટીમનો ટાઇમ વેસ્ટ થાય છે.”

ત્યાં જ બીજી છોકરી એ કિશનને જવાબ આપતા કહ્યું : “અમને અમારું ધ્યાન રાખતા આવડે છે. તમે તમારું કામ કરો. જે થશે એ અમે અમારું ફોડી લઈશું.”

કિશને તરત સીટી મારી. સામેથી બીજી સીટીનો અવાજ આવ્યો. સીટી એક સાંકેતિક અવાજ હતો કે ગ્રુપમાં કોઈ તકલીફ ઉભી થઇ છે. દરેક ટીમ લીડરને એક સીટી ઈન્સટ્રકટરે આપી રાખી હતી. ઈન્સટ્રકટર તરત કિશન અને છોકરીઓનું ગ્રુપ જ્યાં ઉભું હતું ત્યાં આવ્યા. કિશને ટૂંકમાં આખી વાત ઈન્સટ્રકટરને કીધી અને ઈન્સટ્રકટરે પણ કિશનની વાત માન્ય રાખતા છોકરીને શુઝ પહેરવા કહ્યું. બધી છોકરીઓ કિશન સામે ઘૂરકિયા કાઢતી હતી.

48 કલાક પછી બરફ જેવા ઠંડા પાણીમાં પગ મૂકતા જ બધા એકદમ રોમાંચિત થઇ ગયા. એકબીજા ઉપર પાણીની છોળો ઉડાવી મસ્તી કરતા હતા ત્યારે કિશન બધાથી દુર એકલો પાણીમાં ડૂબકી મારતો હતો. થોડી જ વારમાં પાણીમાંથી બહાર નીકળી કિશન કિનારે બેસી ગયો અને આંખ બંધ કરીને ફરી પોતાના વિચારોમાં તલ્લીન થઇ ગયો. ત્યાં જ એક કરતા વધારે સીટીના અવાજે જયારે આંખ ખોલી તો કોઈને વીંછી કરડયા ની બુમ સંભળાઈ. બધા ટીમ લીડર પોતાની ટીમને પાણીમાંથી બહાર આવવા બુમ પાડતા હતા. ઈન્સટ્રકટર જેને વીંછી કરડ્યું એના પાસે જઈ રહ્યા હતા ત્યાં જ કિનારે આવવાની ઉતાવળમાં એક છોકરાનો પગ લપસ્યો અને એ પાણીમાં પડ્યો. બિચારો એકલો ઈન્સટ્રકટર ક્યાં ક્યાં ભાગે. કિશને તરત સીટી મારી ઈન્સટ્રકટરનું ધ્યાન દોર્યું અને પોતે જે છોકરાને વીંછી કરડ્યું છે ત્યાં જાય છે તમે જે છોકરો પડ્યો એ તરફ જાવ એવું ઈશારાથી કહી એક્શનમાં આવી ગયો.

કિશન જે છોકરાને વીંછી કરડયું હતું ત્યાં પહોચ્યો, એ પગ પકડીને દર્દમાં આમથી તેમ આળોટતો હતો. બધા એની આસપાસ ટોળું વાળીને ઉભા હતા. કિશને બધાને સાઈડ પર કરીને કિનારે જવા કહ્યું જેથી છોકરો શ્વાસ લઇ શકે. કિશને એનો પગ હાથમાં લીધો અને જાણ્યું કે એને વીંછી નહોતો કરડ્યો પણ પાણીમાં લાંબો સમય રહેવાને કારણે નસ પર નસ ચઢી ગઈ હતી. ૧૫ વર્ષનો છોકરો ચોધાર આંશુ એ રડતો હતો. કિશને એને પાણી પીવડાવીને શાંત કર્યો. એ છોકરાના મિત્રોને ધ્યાન રાખવાનું કહી કિશને ફરી સીટી મારી ઈન્સટ્રકટરને અને બધાને ‘કોઈ વીંછી નથી કરડ્યો માત્ર નસ પર નસ ચઢી છે’ એમ કહી શાંત પાડ્યા અને પરિસ્થિતિ કંટ્રોલમાં લીધી. જે છોકરો પાણીમાં લપસીને પડ્યો હતો એને પગમાં થોડું છોલાયું હતું. કોઈ ચિંતા ની વાત નહોતી. કોઈ મોટી ઘટના નહોતી બની પણ જે ઝડપથી આ બધું બની ગયું એનાથી ફરી પાણીમાં જવાની કોઈની હિંમત નહોતી, બધા ફરી કેમ્પ પર જવા રવાના થયા.

ઈન્સટ્રકટર કિશન સાથે હોવાથી થોડી શાંતિ અનુભવતો હોય એમ લાગ્યું. દર વખતે ટ્રેકીંગમાં બે ઈન્સટ્રકટર આવતા, એક છોકરો અને એક છોકરી. પણ છેલ્લી ઘડીએ છોકરીને કંઇક પ્રોબ્લેમ આવતા એ આવી ના શકી અને એટલા ઓછા સમયમાં બીજા કોઈને રિપ્લેસ કરવા પોસીબલ ના હોઈ માત્ર એક ઈન્સટ્રકટરથી ચલાવવું પડ્યું. જો કે બધામાં ઉમરથી મોટો કિશન ઈન્સટ્રકટર જેવું જ કામ કરતો હતો.

આખો દિવસ તો સરસ ભાગ-દોડમાં, ટ્રેકીંગમાં બધા સાથે મસ્તી કરતા પૂરો થયો. રાત્રે બધા જમીને ટેન્ટમાં સુઈ જતા હતા ત્યારે કિશનને ફરી પોતાનો બીઝનેસ યાદ આવ્યો. એકલા પડતા જ આ વાત એના ઉપર હાવી થઇ જતી. બધાને ટેન્ટ માં જઈને સુઈ જવાની સુચના મળી ત્યારે કિશને ઈન્સટ્રકટર પાસેથી અડધો કલાક બહાર એકલા બેસવાની પરમીશન માંગી લીધી. સવારની ઘટના પછી ઈન્સટ્રકટર પણ કિશન સમજુ હોય વિના ખચકાટે હા પાડી. કિશન ટેન્ટ થી થોડે દુર એકાંતમાં એકલો બેઠો બેઠો પોતાની દુનિયામાં ખોવાઈ ગયો હતો. ક્યારે આંખમાંથી આંશુ ટપકવા લાગ્યા એ પણ એને ખબર ના પડી.

કિશન એકદમ અંધારામાં બેઠો હતો ત્યાં જ એના ટીમની બે છોકરીઓ પાછળથી એ બાજુ આવતી હતી. ટેન્ટમાંથી કોઈ એ બહાર નહિ નીકળવું એવી સ્પષ્ટ સુચના હોઈ ટોર્ચ વગર ધીમા પગલે એકદમ ધીમા પગલે કિશન તરફ બંને છોકરીઓ આવતી હતી. કિશન ઊંડા વિચારોમાં હતો પણ સતત ધીરો ધીરો કૈક અવાજ એના કાને અફળાયો એની બીજી જ સેકન્ડે કિશન બાજુમાં પડેલો પથ્થર ઉપાડી અવાજની દિશામાં ફર્યો. બીજા હાથે તરત મોબાઈલમાં ટોર્ચ ચાલુ કરી ત્યારે પોતાનાથી ૨૦-૨૫ ફૂટ દુર બે છોકરીઓ ને પોતાના તરફ આવતી જોઈ એણે પૂછ્યું : “કોણ છે?”. બંને છોકરીઓ અચાનક અવાજ અને પ્રકાશથી ગભરાટ ના માર્યા એમના પગ ત્યાં જ ચોંટી ગયા હતા. હિંમત કરીને એક છોકરી એ જવાબ આપ્યો,’હું જાસ્મીન અને મારી ફ્રેન્ડ છીએ. વોશરૂમ જઈએ છીએ.’ વાત દરમિયાન છોકરી એ પણ ટોર્ચ ચાલુ કરીને કિશન સામે જોયું. બીજી છોકરી કિશન ને જોતા જ મોઢું મચકોડતા બોલી, ‘કેમ અમારે વોશરૂમ પણ તમને પૂછીને જ જવાનું? ઈન્સટ્રકટરનો ચમચો.’ કિશન માત્ર ‘સોરી, અને સાચવીને જજો’ બોલીને પોતાના ટેન્ટમાં જઈને સુઈ ગયો. એની આંખમાંના આંશુ જાસ્મીને જોઈ લીધા હતા પણ શું કારણ એ પૂછી શકાય એવી કોઈ ફ્રેન્ડશીપ પણ ના હોઈ એણે બસ કિશનને જતા જોયા કર્યો.

ત્રીજા દિવસે સવારે કિશન ફરી ફોર્મ માં હતો. ઈન્સટ્રકટરની સાથે કઈ પેપરવર્ક કરતો હતો. છોકરાઓના ગ્રુપ સાથે બેસી મસ્તી-મઝાક પણ કરતો હતો. આજનો દિવસ ટ્રેકીંગ માં મુશ્કેલ સાબિત થવાનો હતો એ ઈન્સટ્રકટર પાસેથી જાણી લીધા બાદ બધા ટીમ લીડર પાસે જઈને પાણીના બોટલ, જરૂરી દવા, ફર્સ્ટ એડ,પાણીવાળી ચોકલેટ લેવાની સૂચના આપી દીધી હતી. આજે ટ્રેકીંગ માં ૧૦ કિમી ચઢવાનું હતું અને પાછા એટલા જ કિમી ઉતરીને સાંજે 5 વાગ્યા પહેલા આ જ ટેન્ટ માં પરત ફરવાનું હતું. બધા તૈયાર થઈને નાસ્તો કરીને સવારે ૮ વાગ્યે જ ઈન્સટ્રકટરની આગેવાનીમાં ચઢાણ શરુ કરી દીધું.

કિશન પણ પોતાની ટીમ ને ‘all set’ કરી એમની આગળ ચાલતો હતો. આગળ-પાછળના બધા છોકરા-છોકરીઓનું ધ્યાન પણ રાખતો હતો. જાસ્મીન કિશનથી બરાબર પાછળ જ ચાલતી હતી. છોકરીઓ કિશન ની ચાલવાની સ્ટાઇલ મારીને એની ઉડાવતા હતા. જાસ્મીન પણ ટ્રેકીંગ ની શોખીન હતી. ડેલહાઉસી ની ટ્રીપ એણે પણ કરી હતી. આ વર્ષે એના આખા ગ્રુપને જિદ્દ કરીને ટ્રેકીંગ પર એ જ લાવી હતી. જાસ્મીને જ્યારથી કિશનને જોયો હતો ત્યાર થી એણે કિશન ને પહેલા ક્યાંક જોયો હોય એવું લાગ્યા કરતું હતું પણ જયારે એણે કિશનને બીજા છોકરા સાથે ડેલહાઉસી ટ્રીપ ની વાત કરતા સાંભળો ત્યારે વિશ્વાસ થઇ ગયો કે ગયા વર્ષે એણે જે ડેલહાઉસી ટ્રીપ કરી હતી એમાં કિશન પણ હતો. ત્યારે જાસ્મીન એના પિત્રાઈ ભાઈ-બહેન સાથે અને કિશન એના ગ્રુપ સાથે આવ્યો હોઈ બંનેને એનું ધ્યાન નહોતું. આ વર્ષે કિશન એકલો કેમ આવ્યો હશે એ વાતનું જાસ્મીનને આગલી રાત્રે એની આંખ માં આંશુ જોઇને વિચાર આવતો હતો. એને ખબર નહિ કેમ એની બીજી બધી ફ્રેન્ડ થી ઉલટું કિશન માટે એક કુણી લાગણી ઉપજી હતી. એ પોતે તો ગ્રુપ માં આવી હોય મજાક મસ્તી કરી શકાય જયારે કિશન તો સાવ એકલો હતો. એ કિશન વિષે વિચારતા કિશનની પાછળ ચાલતી રહી.

કિશન એક અચ્છો ફોટોગ્રાફર પણ હતો. રસ્તામાં આવતા બધા ખુબસુરત નઝારાને એ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતો હતો. ઉપરાંત એ સવાર સાંજ જ્યાં પણ જાય ત્યાં એક વિડીઓ સેલ્ફી લેતો અને જે તે જગ્યા વિષે ઈન્સટ્રકટર અથવા ત્યાની કોઈ લોકલ વ્યક્તિને પૂછીને વીડીયોમાં બોલતો. ઈન્સટ્રકટર પણ કિશન જેવો સ્ફૂર્તિલો અને ઉત્સાહિત વ્યક્તિને મળી વધારે જોશમાં કામ કરતો.

આખું ગ્રુપ સાંજે કેમ્પ રિટર્ન થઇ રહ્યું હતું ત્યારે ૨૦ કિમી ચાલવાથી બધા થાકીને એક જગ્યા એ આરામ કરવા બેઠા ત્યાં એક જ ગ્રુપના બે છોકરા વચ્ચે કોઈ બાબતે બોલચાલી થઇ. વાત ગાળોથી લઈને મારામારી સુધી પચોચી ગઈ. એમની સાથેના એમના જ મિત્રો બંને ને છોડાવવા કરતા કોણ કોને વધારે મારે છે એની ચર્ચા કરતા હતા. કિશન અને ઈન્સટ્રકટરે બંને ને છોડાવ્યા અને એક છોકરા ને કિશને હવે પછીના આખા કેમ્પમાં પોતાની સાથે જ રાખી લીધો. કિશનની કોઈ પણ વ્યક્તિને કંટ્રોલ માં કરવાની આ આવડત ખરેખર ગજબની હતી.

રાત્રે ટ્રેકીંગમાંથી આવીને કેમ્પ-ફાયર નો પ્રોગ્રામ હતો. કિશન ને કેમ્પફાયર બહુ જ ગમતું. કારણકે, ત્યાં જ બધા એકબીજા ને ઓળખે એમના વચ્ચે વાતચીત થાય અને ફ્રેન્ડ બને, જેથી પછીના બધા દિવસો બધા 4-5 ગ્રુપમાં રહેવા કરતા એક જ ગ્રુપ બનીને મઝા કરે.

કેમ્પફાયર માં ગોળ રાઉન્ડ કરીને બધા બેઠા અને વચ્ચે હોળી પ્રગટાવીએ એમ લાકડા, ઘાસ લાવીને ફાયર કર્યું. ગરમીના કારણે સરસ માહોલ જામ્યો હતો. ઈન્સટ્રકટરે સૌથી પહેલા પોતાનો પરિચય આપ્યો. ત્યાર પછી એક પછી એક બધા નો વારો આવ્યો. નામ, ક્યાંના છો, શું કરો છો અને શેનો શોખ છે એ સવાલ ના બધા જવાબ આપતા હતા. કોઈને ગાવાનો શોખ હોય તો બધાની ફરમાઇશ પર એક ગીત ગાવાનું, કોઈક ને સ્ટંટ આવડે કે ડાન્સ ના કોઈ સ્ટેપ આવડે તો એ કરીને બતાવે, કોઈ શેર-શાયરી કહે. આમ કરતા કરતા વારો જાસ્મીન પર આવ્યો. નામ – જાસ્મીન, અમદાવાદની છું. એમબીબીએસ કરું છું, અને ફરવા-વાંચવાનો બહુ શોખ છે. ફરતો-ફરતો વારો કિશન ઉપર આવ્યો. નામ – કિશન, એન્જીનીયર છું, એક સ્ટાર્ટઅપ શરુ કર્યું છે. વાંચવા, લખવા, ફરવા, ફોટોગ્રાફી, ટ્રેકીંગ નો ગજબનો શોખ છે.

પરિચય આપ્યા પછી અંતાક્ષરી શરુ થઇ. જુના ગીતો થી શરુ કરીને લેટેસ્ટ સોંગ એક પછી એક ગવાયા. એક ગ્રુપ ની સ્પેશિયલ ફરમાઇશથી કેમ્પ ફાયર ની આસપાસ જ બધા ગરબે ઘૂમ્યા. થાકેલા, બીમાર બધા દર્દ ભૂલીને ગરબે ઘૂમ્યા. એક કલાક ની મસ્તી પછી ધીમે ધીમે બધા વિખેરાવા માંડ્યા. આખો દિવસ ચાલવાનો થાક અને ગરબા રમ્યા નો સંતોષ બધાની આંખ માં સાફ દેખાતો હતો. ૮-૧૦ જણા ને છોડીને બાકી બધા પોતાના ટેન્ટમાં સુવા જતા રહ્યા. જાસ્મીન એની બે ફ્રેન્ડ સાથે હજી બેઠી હતી. કિશન ઈન્સટ્રકટર સાથે મસ્તી કરતો બેઠો હતો. ધીરે ધીરે બેઠેલા ૮-૧૦ નું એક ગ્રુપ બની ગયું. ઈન્સટ્રકટર એ પોતે ડેલહાઉસી, મનાલી, લેહ-લડાખ, રાજસ્થાન ની ટ્રીપના અનુભવો કહ્યા ત્યારે જાસ્મીન કંઈક બોલી ત્યારે કિશન ને પણ ગયા વર્ષે ડેલહાઉસી ટ્રીપ માં સાથે હતી એવું કંઇક યાદ આવ્યું.

બીજા અડધા કલાક ની વાતો પછી ઘડિયાળ ૧૧ નો સમય બતાવતી હતી. ચારે બાજુ ઘોર અંધારું હતું. દુર દુર સુધી માનવ વસ્તી ની ચાડી ખાતા લાઈટના બલ્બ દેખાતા હતા. ઈન્સટ્રકટરે બધાને ટેન્ટમાં જઈને સુઈ જવા કીધું જેથી બીજા દિવસે સવારે 5 વાગ્યે ઉઠે ત્યારે બધા ફ્રેશ હોય. બધા ટેન્ટમાં જવા ઉભા થયા ત્યારે કિશને ઈન્સટ્રકટરને ઇશારાથી પોતે બેસી રહે છે એવું જણાવ્યું, ઈન્સટ્રકટરે હામી ભણી પણ જરૂરી આરામ કરી લેવા પણ જણાવ્યું.

કિશન કેમ્પફાયર પાસે જ બેસી રહ્યો અને પોતાનામાં ડૂબી ગયો. બધા ટેન્ટમાં જઈને આખા દિવસનો થાક ઉતારતા હતા ત્યારે કિશન એકાંતમાં બેસીને પોતાની નિષ્ફળતા નો થાક ઉતરતો હતો. ત્રણ દિવસથી એણે એના ઘરે કે કોઈ પણ ફ્રેન્ડ સાથે વાત નહોતી કરી. માત્ર પોતે દસ દિવસ બહાર જાય છે એમ જણાવીને એ નીકળી ગયો હતો. પાર્ટનર તરફથી આવેલા એક પણ ફોન કે મેસેજના એણે જવાબ નહોતા આપ્યા. મોબાઈલમાં ધીમા અવાજે સોંગ ચાલુ રાખીને અપલક નજરે એ કેમ્પફાયર માં સળગતી આગ ને જોઈ રહ્યો હતો ત્યાં એને પાછળ થી એક અવાજ આવ્યો. કિશને બાજુમાં મુકેલો પત્થર ઉઠાવીને ઉંધો ફર્યો અને મારવા માટે હાથ ઉંચો કર્યો ત્યાં જોયું તો એ અટકી ગયો. સામે જાસ્મીન ઉભી હતી. કિશને તરત પત્થર ફેંકવા ઉઠાવેલો હાથ નીચે કર્યો અને જાસ્મીનને પૂછ્યું:

કિશન : “જાસ્મીન, તું? શું થયું?”

જાસ્મીન : “કઈ નહિ, મારી ફ્રેન્ડ ને તાવ આવે છે. અમારી પાસે દવા પણ પતી ગઈ છે અને સર સુઈ ગયા છે. તમને અહિયાં બેઠેલા જોયા એટલે કદાચ દવા મળી રહે એટલે લેવા આવી છું.”

કિશન તરત ટેન્ટમાં જઈને તાવ માટે દવા લીધી અને જાસ્મીન સાથે છોકરીઓના ટેન્ટ તરફ ગયો. બધી છોકરીઓની પરમિશન લઈને અંદર ગયો. પેલી છોકરીને કેટલો તાવ છે એ ચેક કર્યું અને દવા આપીને બહાર નિકળ્યો. જાસ્મીન પણ કિશન ની પાછળ ટેન્ટની બહાર આવી. બંને કઈ બોલ્યા વગર કેમ્પફાયર પાસે આવીને બેઠા.

જાસ્મીન : “બધા સુઈ ગયા પણ તમે હજી કેમ જાગો છો?”

જાસ્મીનનો અવાજ સાંભળતા જ કિશન ચોંકી ગયો. જાસ્મીન એની સાથે છે એ વાતનું એને ધ્યાન જ નહોતું. જાસ્મીનના સવાલનો કિશને કોઈ જવાબ ના આપ્યો બસ આગ ને જોયા કરી.

જાસ્મીન : “દિવસે આટલા એક્ટીવ અને રાત્રે તો મડદું. સવારે આ સવાલ પૂછ્યો હોય તો ચાર જવાબ આવી જાય અને અત્યારે એકદમ ખામોશ. એકમ વિરુદ્ધ નથી આ?”

કિશન એની આ વાત થી જરા હસી પડ્યો.

કિશન : “બસ કુદરતના ખોળે રમવું છે. અહિયાં જે માનસિક શાંતિ છે એને ઉતારી દેવી છે શરીરમાં એટલે આખું વર્ષ શાંતિ રહે.”

આ વખતે જાસ્મીન ચુપ રહી બસ કિશન સામે જોયા કર્યું. કિશને પણ જવાબ આપીને આગ સામે જોયા કર્યું. ત્યારે દુરથી આવતા બીજા અવાજે બંને ને ડીસ્ટર્બ કર્યા. ફરી કિશન બાજુમાં પડેલા પત્થર ને ઉઠાવીને અવાજની દિશા તરફ ફર્યો. એણે જાસ્મીન ને ઇશારાથી ધીમા પગલે પોતાની પાછળ આવવા કીધું. જાસ્મીને ત્યાં સુધીમાં બીજો પત્થર ઉઠાવીને કિશન ની બાજુમાં આવીને સામનો કરવા તૈયાર થઇ ગઈ. કિશને આગમાં થી સળગતું એક લાકડુંઉપાડી લીધું. આગળ કિશન પાછળ જાસ્મીન એમ બંને ધીમા પગલે અવાજની દિશામાં ચાલવાનું શરુ કર્યું. કોઈ જંગલી પ્રાણી હોય એવું કિશને અનુમાન કર્યું. પથ્થરનો અવાજની દિશામાં ઘા કર્યો પછી બંને શું રીએક્શન આવે છે એના ઈન્તેજારમાં ઉભા રહ્યા. થોડીક સેકન્ડ સુધી કઈ અવાજ ના આવતા બંને બેસવાની જગ્યા એ પાછા ફર્યા. બંને એકબીજા સામે એક હળવું સ્માઈલ કર્યું.

બંને બેસીને ડેલહાઉસી અને આ મનાલીની ટ્રીપની વાત કરતા રહ્યા. ધીરે ધીરે ‘તમે’ પરથી બંને ‘તું’ પર આવી ગયા. સમય એનું કામ કરતો હતો. ઈન્સટ્રકટરે આપેલો અડધો કલાક ક્યારનો વીતી ગયો હતો. કિશનની આંખોમાં આખા દિવસના થાક છતા બિલકુલ ઊંઘ નહોતી દેખાતી. વાતો-વાતોમાં જાસ્મીન બગાસું ખાઈ લેતી. ત્યાં જ કિશન ના મોબાઈલ માં ‘બીપ’ વાગ્યું. કિશને મોબાઈલ હાથમાં લઇ જોયું. એના ફ્રેન્ડનો મેસેજ હતો. નામ વાંચીને કિશને તરત ફોન મૂકી દીધો. કિશનના મોં પરના હવ-ભાવ જાસ્મીન થી છુપા નહોતા. એને પૂછવાની બહુ ઈચ્છા થતી હતી પણ શબ્દો નહોતા મળતા. પણ આખરે હિંમત કરીને પૂછી જ લીધું.

જાસ્મીન : “ગર્લફ્રેન્ડ? બ્રેક-અપ?”

કિશન અચાનક આ સવાલથી શું જવાબ આપવો એમાં ગૂંચવાઈ ગયો. બે સેકન્ડ વિચાર્યા પછી જવાબ આપ્યો:

કિશન : “ના રે, ફ્રેન્ડ છે. આ ઉમરમાં માત્ર ગર્લફ્રેન્ડ નો જ પ્રોબ્લેમ હોય એ જરૂરી નથી.”

જાસ્મીન : “અચ્છા, મતલબ કોઈ પ્રોબ્લેમ?”

જાસ્મીન જાણી-જોઇને વાક્ય અધૂરું છોડી દીધુ. શું બોલવું-શું પૂછવું એ ખબર નહોતી પડતી એના કરતા કિશન જ સામેથી કંઇક બોલે એવું એ વિચારતી હતી.

કિશન : “ના, કોઈ પ્રોબ્લેમ નથી. બસ, આ ટ્રીપ ઉપર મને કોઈ ડીસ્ટર્બ કરે એ નથી ગમતું. ના પાડવા છતા મેસેજ કે ફોન કરે એટલે જરાક અણગમો આવી જાય.”

જાસ્મીન : “હા, એ વાત સાચી. આટલા દિવસો બસ આખી દુનિયાથી અલિપ્ત રહેવું મને પણ ગમે.”

કિશન : “દુનિયાથી પણ અને ખુદ થી પણ.”

જાસ્મીન કિશનની વાતનો મર્મ સમજી હતી. પરંતુ કિશન કઈ કહેવા ઈચ્છતો હોય એમ ના લાગ્યું. એટલે એણે સુવા જવાની પરમીશન રૂપે એક મોટું બગાસું ખાધુ. કિશને પણ સમય જોયો જે રાત્રે ૧:૧૦ બતાવતી હતી. બંને પોતાના ટેન્ટમાં ગુડનાઈટ કહીને સુઈ ગયા.

બીજા દિવસે સવારે જાસ્મીન ઉઠી ત્યારે બધા બ્રશ કરીને તૈયાર હતા. બહારથી બહુ જ અવાજ આવતો હતો. એણે ટેન્ટ ખોલીને બહાર જોયું તો ૬:૩૦ થવા આવ્યા હતા. બહારનો નજારો એકદમ સુંદર હતો. ૧૦ ડિગ્રીથી સહેજ ઓછુ ટેમ્પરેચર, દુર બર્ફીલા હિમાલયની ટેકરીઓ, નીચા ઉડતા રુ ની પૂણી જેવા સફેદ વાદળો. જાસ્મીન બસ આ સુંદર દ્રશ્યને જોતી જ રહી ગઈ ત્યાં કર્કશ સીટી વાગવાનો અવાજ આવ્યો. કિશન સીટી મારીને બધાને નાસ્તો કરવા બોલાવતો હતો. સવાર-સવારમાં કિશનને આટલો ફ્રેશ જોઇને જાસ્મીન ના મોઢા ઉપર હલકી મુસ્કાન આવી ગઈ. એ તરત જ બ્રશ લઈને ટેન્ટમાંથી બહાર નીકળી.

બધા નાસ્તો કરી લે ત્યાં સુધી કિશન કોઈકવાર ગ્રુપના બધા છોકરાઓ સાથે તો થોડીક વાર ઈન્સટ્રકટર સાથે મજાક મસ્તી અને વાતો કરતો રહ્યો. જેટલા છોકરાઓ એ વહેલા નાસ્તો કરી લીધો હતો એ બધા ઠંડી ઉડાવવા ફૂટબોલ રમવાનું શરુ કર્યું. કિશન પણ એક ટીમ સાથે જોડાઈ ગયો. જાસ્મીનને પણ શોખ ખરો પરંતુ ફૂટબોલની રમત છોકરાઓની જ ગણાતી હોવાથી સ્કૂલ પછી કોઈ દિવસ રમવા નહોતું મળ્યું. પણ અહિયાં કિશન હોવાથી એને પણ રમવાની ઈચ્છા થઇ. ફટાફટ બ્રશ અને નાસ્તો કરીને જ્યાં બધા છોકરાઓ ફૂટબોલ રમતા હતા જાસ્મીન ત્યાં જઈને ઉભી રહી ગઈ. કિશન નું ધ્યાન જાસ્મીન પર પડ્યું. એણે જાસ્મીનને ઇશારાથી રમવાનું પૂછ્યું તો જાસ્મીન એ હા પાડી.

કિશને સીટી મારીને ફૂટબોલ ની રમત અટકાવી અને એક છોકરી બધા છોકરાઓની વચ્ચે ફૂટબોલ રમવા મેદાન માં ઉતરી તેના સ્વાગતમાં 5 તાળી નું માન આપ્યું. એણે બોલ જાસ્મીન તરફ ફેંકી રમત શરુ કરવાનું કહ્યું. કિશન અને ફૂટબોલ રમતા બધા છોકરાઓ ની તાળીઓના અવાજથી કેમ્પ ના બીજા બધા લોકો નું નજર જાસ્મીન પર આવી ચડ્યું, જેથી જાસ્મીન થોડી નર્વસ થઇ. પણ એણે બીજું કઈ વિચાર્યા વગર બોલ ને કિશન તરફ કિક મારી રમત ની શરૂઆત કરી. ૧૫-૨૦ મીનીટની રમતમાં ગોલ કરવા કરતા કીમતી બધા એ પોતાનું શરીર ગરમ કર્યું. ૮ વાગતા જ ઈન્સટ્રકટરે સીટી મારી અને બધી ટીમ પોતાના ગ્રુપમાં ગોઠવાઈ ગઈ.

આજે આ ટેન્ટ છોડીને તેમણે એક લેવલ ઉપર જવાનું હતું, જેથી સાથે લાવેલો બધો સામાન ઊંચકીને ચાલવાનું હતું, જે થોડું અઘરું હતું. ઈન્સટ્રકટરે સુચના આપ્યા પછી બધા પોતપોતાની ટીમ સાથે ચાલવા લાગ્યા. ઈન્સટ્રકટર આગળ અને કિશન પાછળથી આખા ગ્રુપનું ધ્યાન રાખતા હતા. જાસ્મીન જાણી જોઇને કિશન સાથે રહેવા છેલ્લે ચાલવા લાગી. કિશન રસ્તામાં આવતા કુદરતી નજારાને ખૂબી થી એના મોબાઈલ કેમેરામાં અને લોકલ માણસો પાસેથી મળેલી માહિતીઓને દિમાગના કમ્પ્યુટરમાં સેવ કરી રાખતો હતો. હિન્દી બોલવામાં એ પાવરધો હોવાથી ત્યાના લોકો સાથે વાત કરવામાં એને ઘણી સરળતા પડતી. જાસ્મીન પણ એની સાથે જ રહેતી અને જ્યાં કિશન જાય ત્યાં એની પાછળ-પાછળ જતી રહેતી. ધીરે-ધીરે જાસ્મીન લેડી ઈન્સટ્રકટર બની ગઈ હતી. છોકરીઓના કોઈ પણ પ્રોબ્લેમ જાસ્મીન પાસે આવતા, અને છોકરીઓને લગતી કોઈ પણ માહિતી ઈન્સ્ટ કિશન દ્વારા જાસ્મીન ને જ મળતી.

આખો દિવસ ચાલવામાં જ પૂરો થયો. આજે ખરેખરું ટ્રેકીંગ હતું. 4 કિમી ચાલવા સાથે તે લોકો ૭૦૦ મીટર ઉંચાઈ પણ મેળવી હતી. ઉંચે ચઢવાનું હોવાથી ઝડપ બહુ જ ઓછી રહેતી પણ ખતરો ઘણો વધારે. ક્યાંક ક્યાંક 2-3 ફૂટ પહોળી માત્ર એક પગદંડી પરથી પસાર થાય ત્યારે માનવ સાંકળ બનાવીને એકદમ ધીરેથી નીકળવું પડતું. આમાં એક ની ભૂલ બે-ચાર ની જિંદગી ખતરામાં મુકી દેતી. પણ વધારે કોઈ તકલીફ વગર સાંજે 4 વાગ્યે નવા કેમ્પ પર ટીમ પહોંચી. ઈન્સટ્રકટરે બધા ને થોડી વાર આરામ કરવાનું કહ્યું. કિશન અને ઈન્સટ્રકટર બીજા થોડા છોકરાઓ સાથે ટેન્ટ ઉભા કર્યા ત્યાં સુધીમાં ગરમાગરમ બટાકાવડા તૈયાર હતા. ૧૨,૦૦૦ ફૂટની ઉંચાઈ એ ગરમાગરમ બટાકાવડા અને ચા ની લિજ્જત માણવાની તો મઝા જ કૈક ઓર હોય છે.

કિશન પણ બધાથી થોડે દુર એક ટેકરી પર હાથમાં ચા નો કપ લઈને સામે હિમાલય ને જોતો એકલો બેઠો હતો. જાસ્મીને એને બેઠેલો જોઈ એના ગ્રુપમાંથી છુટી પડી કિશન ની એકદમ બાજુમાં આવીને બેસી ગઈ. એણે કિશન ને બટાકાવડા ખાવા આપ્યા, કિશને ના પાડી પરંતુ જાસ્મીન પણ માને એમાંની ક્યાં હતી. એણે એક બટાકુવડું લઈને કિશન ના મોં સામે ધાર્યું. એની આ ચેષ્ટા થી કિશન આશ્ચર્યમાં મૂકી ગયો, જાસ્મીન પણ પોતાના અચાનક વર્તનથી ખસિયાણી પડી ગઈ અને કિશન થી જરાક અંતર રાખીને બેસી ગઈ. કિશન એની વાત સમજતો હોય એમ જાસ્મીન ના હાથમાંથી બટાકુંવડું લઈને ખાઈ ગયો. ત્યાં જ જાસ્મીન બોલી:

જાસ્મીન : “ખાવું-ખાવું ને આટલા નખરા!!!!. લાગે છે ઘરે કોઈ તૈયાર કોળીયો બનાવી આપે એવી બેઠી જ છે.”

કિશન : “ના રે ના. આ તો તારા માન ખાતર લીધું બાકી હું તો બટાકાવડા બનાવતી વખતે ચાખવાના નામે જ ચાર-પાંચ ખાઈને આવ્યો છું.”

જાસ્મીન : “અરે વાહ, મને એમ કે ભૂખ્યા હશો એટલે મારી ડીશ લઈને આવી, અહિયાં તમે તો એકલા-એકલા જ ખાઈને બેઠા છો,”

કિશન (આંખ મારતા) : “રસોઈયા કોઈ દિવસ ભૂખ્યા થોડા મરે?!!!”

જાસ્મીન : “એટલે આ તમે બનાવ્યા છે?”

કિશન : “હા, છેલ્લા 2-3 ઘણ મેં ઉતાર્યા.”

જાસ્મીન (સ્ટાઇલમાં) : જહાંપના, ઐસી કોનસી ચીજ હૈ જો આપ નહિ કર શકતે?”

કિશન : “ઓ જહાપના વાળી, બેસ શાંતિ થી. વાતમાં ને વાતમાં આ વડા ઠંડા થઇ ગયા. જા હવે ગરમ-ગરમ લઇ આવ.”

જાસ્મીન કિશન સામે હસતા-હસતા જોઈ રહી. હવેનો સમય ફ્રી એક્ટીવીટી નો હતો. જેણે જે કરવું હોય એ કરવાનું. કોઈકે ફોટોગ્રાફી શરુ કરી તો છોકરાઓ નું ગ્રુપ ફરી ફૂટબોલ રમવામાં પડ્યું. જાસ્મીન ના ગ્રુપની બે છોકરીઓ બીમાર હતી એટલે એ લોકો ટેન્ટમાં જ બેસી રહ્યા. કેટલાક થાકીને સુઈ ગયા. કિશન ઈન્સટ્રકટર સાથે વાત કરીને આસપાસનો નજારો જોવા નીકળી ગયો. જાસ્મીન એ એને દુરથી જતા જોયો એટલે ઈન્સટ્રકટર પાસેથી પરમિશન લઈને કિશન તરફ દોડવા લાગી.

કિશન ફોટો પાડતો હતો ત્યાં ધીમાં પગલે જાસ્મીન એની પાછળ આવીને એને ડરાવ્યો. કિશન ઝબકી ગયો. જાસ્મીન ખડખડાટ હસી પડી. કિશને બનાવતી ગુસ્સો કર્યો પછી એ પણ હસી પડ્યો અને એણે હસતી જાસ્મીન ના બે-ત્રણ ફોટા પાડી લીધા. જાસ્મીન આ જોઇને થોડી ગુસ્સે થઇ. કિશન આ રીતે એના ફોટા પડશે એવો અંદાજો એને નહતો. ત્યાં જ કિશન બોલ્યો :

કિશન : “જેમ, તમને પૂછ્યા વગર કોઈ તમારા ફોટા પાડે એ જોઈને તમને ગુસ્સો આવે એમ અમને પૂછ્યા વગર અમારી એકાંતની પળોમાં કોઈ ડીસ્ટર્બ કરે તો અમને ગુસ્સો આવે.”

જાસ્મીન કિશન ની આ વાતથી થોડું સોરી ફીલ કરવા લાગી. એણે કાન પકડતા કિશનને કીધું :

જાસ્મીન : “સોરી જો હું તમને ડીસ્ટર્બ કરતી હોવ તો. તમારી સાથે રહીને મને બહુ જાણવાનું અને શીખવાનું મળે છે એટલે કઈ વિચાર્યા મુક્યા વગર બસ તમે જ્યાં જાવ છો ત્યાં આવી જાવ છું.”

કિશન પણ એ શું બોલ્યો એનું ભાન થયું હોય એને પણ ખરાબ લાગ્યું. જાસ્મીનની કંપની એને પણ ગમતી હતી. પરંતુ દર વખતે એ જયારે એકલો પડવાનો પ્રયત્ન કરે ત્યારે જાસ્મીન આવી જતી એટલે હમણા એનાથી બોલાઈ જ ગયું.

કિશન : “અરે એવું કઈ નહી. ઇટ્સ ઓકે.”

જાસ્મીન (હલકી સ્માઈલ સાથે) : “પણ મને એક વાતની સમજ નથી પડતી?”

કિશન : “શું?”

જાસ્મીન : “તમે આમ શા માટે એકલા પડવાનો પ્રયત્ન કર્યા કરો છો? અને જયારે એકલા હોવ ત્યારે હમેશા ખોવાયેલા જ હોવ છો. ગઈ કાલે રાત્રે પણ જોયું કે તમને આસપાસનું કઈ ધ્યાન જ નથી હોતું.”

કિશન : “બસ મને મારી જાત સાથે સમય પસાર કરવો ગમે છે.”

જાસ્મીન : “જોવ એ બધું મને નથી ખબર. મને બસ એટલી ખબર છે કે તમને કોઈ પ્રોબ્લેમ છે અને તમે એનાથી દુર જવા માટે આ ટ્રીપમાં આવ્યા છો પણ હજી એને ભૂલી નથી શક્યા.”

કિશન જાસ્મીનની આટલી સમજદારી વાળી વાત પર આફરીન પોકારી ગયો. પણ પોતાની વાત દિલમાં છુપાવવામાં એ પણ કાચો તો નહોતો જ.

કિશન : “અને આ ઉમરે એ પ્રોબ્લેમ માત્ર લવનો જ હોઈ શકે એવું તું મને છે?”

જાસ્મીન : ”હોઈ પણ શકે છે. આ ઉંમર જ એવી છે.”

કિશન : “સોરી જાસ્મીન, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી કે નથી કોઈ પ્રોબ્લેમ.”

જાસ્મીન : “તો બીજુ કઈ હશે. તમારા મોઢા ઉપર સાફ-સાફ વંચાય છે. આખો દિવસ આટલા ખુશ હોવ છો છતાં એકલા પડતા જ દુનિયા થી હારી ગયા હોવ એમ તમારી આંખો કહી દે છે.”

જાસ્મીન ની આટલી મેચ્યોર વાત સંબધીને કિશન થોડો પીગળી ગયો. અત્યાર સુધી જે વાત ને ચાર-પાંચ દિવસથી દિલમાં દબાવીને બેઠો હતો એ જાણે બહાર આવવા માટે તરફડીયા મારતી હતી. સૌથી પહેલા એ આંખના આંશુ વાટે બહાર આવી અને પછી ધ્રુસકા સાથે. જાસ્મીન કિશનને એકદમ ઢીલો પડી ગયો જોઈ ગભરાઈ ગઈં. કિશન જ્યાં ઉભો હતો ત્યાં જ બેસી ગયો. જાસ્મીન આસપાસમાં જોવા લાગી કે કોઈ એમને જોઈ તો નથી રહ્યું ને!!! પણ ત્યાં એ બે સિવાય કોઈ જ નહોતું. જાસ્મીન કિશનને શાંત કરાવવા લાગી. બે મિનીટ ચોધાર આંશુ એ રડ્યા પછી કિશન એકદમ શાંત થઇ ગયો. જાસ્મીને કિશન ની બેગમાંથી પાણી નો બોટલ કાઢીને એની સામે ધર્યો. મોઢું ધોતા કિશન એકદમ ફ્રેશ લાગતો હતો, મોઢા ઉપર એકદમ તાજગી આવી ગઈ, જેવી આજે સવારે જાસ્મીન એ કિશનના મોઢા ઉપર જોઈ હતી.

જાસ્મીન : “અચ્છા, તો આ છે એકદમ ફ્રેશ રહેવા પાછળ નું કારણ?”

કિશન : “સોરી, બે દિવસથી તારી હાજરીના કારણે સરખું રડી નહોતું શકાયું. આજે એક જ ઝાટકે બધું નીકળી ગયો. (આંખ સાફ કરતા) આંખમાં બે દિવસથી બહુ કચરો પડ્યો હતો, આજે બધો નીકળી ગયો. કોઈક વાર રડી લેવું સારુ, આંખ સાફ થઇ જાય. તારી જેમ ચશ્માં તો ના આવે.”

કિશન આ વાત કરીને જાસ્મીન ને વાત થી ભટકાવવાનો પ્રયત્ન કરતો હતો જે જાસ્મીન પણ જાણતી હતી. એ માત્ર કિશન સામે હળવી મુસ્કાન સાથે જોયા કર્યું. પછી બોલી :

જાસ્મીન : “ગુડ ટ્રાય. એક્યુલી, બહુ જ બેકાર ટ્રાય. હવે શું થયું છે એ બોલ?”

અચાનક ‘તમે’ થી ‘તું’ થઇ ગયું એ કિશન ના જાણબહાર નહોતું. જાસ્મીન પણ તરત એની ભૂલ સમજી હોઈ ફરી બોલી :

જાસ્મીન : “સોરી બોલો. વાત બદલવાનો પ્રયત્ન ના કરો. બે દિવસથી સતત મને પણ એ જ વિચાર આવે છે કે તમારી સાથે એવું તો શું થયું છે કે આટલો સ્ટ્રોંગ, એક્ટીવ માણસ એકાંત મળતા જ રડી પડે છે. મેં બે દિવસ પહેલા પણ તમારી આંખમાં આંશુ જોયા હતા. ત્યારથી પ્રયત્ન કરું છું પૂછવાનો પણ.....”

કિશન : “તું જાણી ને શું કરીશ?”

જાસ્મીન : “તમને સારું લાગશે. કદાચ હું કંઇક મદદરૂપ થઇ શકું. ખબર છે? સ્ત્રીઓ ને કેમ કોઈ દિવસ હાર્ટ એટેક નથી આવતા. કારણકે, એ લોકો હમેશા દિલ ની વાત કોઈક ને કોઈક સાથે શેર કરી જ દે છે. જયારે પુરૂષ પોતાની વાત પોતાના પુરતી જ સીમિત રાખે છે, જે ઘણી વાર આત્મઘાતી બને છે.”

“નાની ઉમરમાં ઘણું જાણે છે.” કિશન જાસ્મીન ની વાત થી ઘણો ઈમ્પ્રેસ થતા બોલ્યો.

જાસ્મીન હસતા બોલી “કદાચ તમારા જેટલું નહી. અને ગમે તે હોય તમને સમજવામાં તો હું થપ જ ખાઈ ગઈ છું જે બતાવે છે કે હું હજી કાચી છું. હું જેને એકદમ સ્ટ્રોંગ સમજતી હતી એ તો એકાંત મળતા જ આંશુ સારે છે.”

કિશન એની આ વાત સાંભળીને ખુલ્લા દિલે હસી પડ્યો અને સાથે જાસ્મીન પણ. ત્યાર પછી કિશને એની સ્ટોરી સ્ટાર્ટ કરી : “વાત એમ છે કે, એન્જીનીયરીંગ પૂરું કર્યા પછી અમે ચાર ફ્રેન્ડે સાથે એક સ્ટાર્ટઅપ શરુ કર્યું. છેલ્લા છ મહિના રાત દિવસ જોયા વગર અમે એના ઉપર કામ કર્યું છે. પૈસા હતા નહિ એટલે હું એક સ્પોન્સર શોધી આવ્યો હતો. હવે જયારે અમારુ મોડેલ તૈયાર થવા ઉપર ત્યારે જ સ્પોન્સરે હાથ ઉંચા કરી દીધા. ઉપરથી એણે ખર્ચેલા બધા રૂપિયા પાછા માંગે છે. અમારા કોઈ પાસે હવે ફૂટી કોડી નથી, જે હતું એ બધું પ્રોજેક્ટ પાછળ લગાવી દીધું. હવે સ્પોન્સર ના અભાવે અમારો ડ્રીમ પ્રોજેક્ટ બંધ કરવાનો વારો આવ્યો છે. બસ, આ જ વાત છે.”

કિશન ની વાત ઉંચા જીવે સાંભળતી જાસ્મીન ને હાશકારો થયો હોય એમ એણે ઊંડો શ્વાસ છોડયો. પછી કિશન સામે જોઇને અણગમતું પણ સાચું પૂછ્યું : “મતલબ, તને અસફળતા નથી પચી.” કિશન એને સમજાવતા બોલ્યો : “હા, જયારે એ જીવન-મરણનો સવાલ બની જાય ત્યારે પચાવવાનું અઘરું છે.”

જાસ્મીન કિશન ની સ્ટોરી સાંભળીને બિલકુલ વિચલિત નહોતી થઇ. એણે તો કિશન ને શું પ્રોબ્લેમ હશે એના જાતજાતના વિચારો કરી લીધા હતા, જેમાં બ્રેકઅપ હોવાની શક્યતા એને વધારે લગતી હતી. પણ કોઈ છોકરીની વાત જ ના આવતા જાસ્મીન વધારે ખુશ થઇ. એની જાણ બહાર જ એ કિશન માટે કઇંક વધારે ફીલ કરવા લાગી હતી.

કિશન ને ફરી વિચારોમાં ખોવાતો જોઈ જાસ્મીને પૂછ્યું : “તો હવે?” કિશન જાસ્મીન સામે જોઇને બોલ્યો : “નથી ખબર.” જાસ્મીને કિશન ની આંખોમાં આંખ નાખીને કહ્યું “તમારા મો એ આ વાત નથી શોભતી.” કિશન હજી પણ જાસ્મીન સાથે આંખ મિલાવી શકતો નહોતો. મોઢું નીચું કરતા એ બોલ્યો “ના જાસ્મીન, એવું કઈ નથી.” જાસ્મીન હજી પણ કિશનને સમજાવતા બોલી : “તમે તમારી જાતને ઓછી આંકતા લાગો છો. થોડુક વિચારો, કંઇક તો સોલ્યુશન મળશે જ.” કિશન ફરી નેગેટીવ વાત બોલ્યો : “બસ પ્રોજેક્ટ બંધ કરીને કોઈ મોટી કંપનીમાં સસ્તી નોકરી કરવાનો.” જાસ્મીન હજી પણ પોઝીટીવ હતી : “એના કરતા સ્પોન્સર શોધવા વધારે સહેલું છે.”

કિશન વાત પૂરી કરવાના મુડમાં હોય એમ જગ્યા પરથી ઉભા થતા બોલ્યો : “જાસ્મીન બોલવું બહુ સરળ છે. આજકાલના લોકો પોતાનો પરિવાર બીજાના હાથમાં મુકીને જાય છે પણ પણ પૈસા તો સાથે લઈને જ સુઈ જશે. બધા સ્પોન્સર્સ ને માત્ર રીઝલ્ટ જોઈએ છે. બસ બે જ મહિનામાં રીઝલ્ટ લાવો તો વિચારીએ. એક બાળકને જન્મતા ૯ મહિના લાગે છે આ તો એક આધુનિક અને રીવોલ્યુશન સર્જી શકે એવું મશીન બનાવવાનું છે. સમય તો લાગે ને એના માટે.”

કિશન વાત કરતા કરતા ઉશ્કેરાઈ ગયો હતો. એના કપાળ પરની નસો ફૂલી ગઈ અને અવાજ મોટો થઇ ગયો. જાસ્મીને પાણીનો બોટલ કિશન અમે ધાર્યો. કિશને બોટલનો છુટ્ટો ઘા નીચેની ખીણ માં કર્યો. કિશન : “બોલવું સહેલું છે. ક્રેડીટ બધા ને લેવી છે પણ કામ કોઈને નથી કરવું.”

જાસ્મીન કિશન ની વાત શાંતિ થી સાંભળતી હતી. કિશન બધો ગુસ્સો કાઢી નાખે એ પણ એના માટે જરૂરી હતું. જ્વાળામુખી જેમ એકવાર લાવા ઓકી નાખ્યા પછી એકદમ શાંત અને ઠંડો થઇ જાય એવો જ સ્વભાવ માણસનો પણ હોય છે. શાંત થઇ ગયા પછી કંઇક બીજા નવા વિચારો દિમાગમાં આવે જે મોટાભાગે કોઈક સોલ્યુશન તરફ દોરી જતા હોય.

કિશન ને બોલી લેવા દીધા પછી એના પ્રોબ્લેમ ને વધારે સમજવા જાસ્મીન એ સવાલ પૂછ્યો.

જાસ્મીન : “તમારે કેટલા રૂપિયા જોઈએ?”

કિશન : “મીનીમમ, પાંચ લાખ. જો પેલો સ્પોન્સર માની જાય તો કદાચ તેનાથી ઓછા થાય.”

જાસ્મીન : “ગર્વમેન્ટ?”

કિશન : “ગર્વમેન્ટ નું તો નામ જ ના લેતી. ખાલી ધક્કા જ ખાધા છે. બધે પ્રેઝન્ટેશનમાં ‘વેરી ગુડ’ એવા શબ્દો જ મળે છે, સ્પોન્સરશીપ નહી.”

જાસ્મીન : “સ્પોન્સર વગર તમે કેટલો સમય કામ કરી શકો?”

કિશન : “હમણાં તો અમારી પાસે બધું મટીરીયલ છે. પણ જયારે અંતિમ તબક્કા માં પહોચીશું ત્યારે અમને વધારે પૈસા જોઇશે.”

જાસ્મીન : “કોઈ પાસે નથી?”

કિશન (હવે થોડો અકળાતા) : “કીધું ને એક વાર જાસ્મીન, કોઈ પાસે કશું નથી. મેં મારું લેપટોપ, મારા ફ્રેન્ડ એ એની બાઈક વેચી નાખી છે. હવે જાત વેચી નાખીએ તો કંઇક થાય?”

કિશન હવે થોડો વધારે અકળાઈ ગયો હતો. જાસ્મીને એને ઠંડો પાડવા કહ્યું : “કિશન. શાંત થા. મારી પાસે એક લીંક છે. હું પ્રયત્ન કરી જોવ કદાચ કંઇક ....”

કિશન એની વાત અધવચ્ચેથી જ કાપી નાખતા બોલ્યો : “કઈ નહિ થાય, જાસ્મીન.”

જાસ્મીન કિશન ની સામે જોતા બોલી : “કિશન, તને મારી સ્ટોરી ખબર છે?”

કિશન : “શું?”

હવે જાસ્મીનનો વારો હતો, પોતાના ઊંડા ભૂતકાળમાં ઉતરવાનો. એક ઊંડો શ્વાસ લઈને એણે કિશન ને પોતાના વિષે વાત કરવાની શરૂઆત કરી : “મારી લાઈફ હું ૧૦માં ધોરણમાં હતી ત્યાં સુધી નોર્મલ જ હતી. પછી મારા પપ્પાને એક એક્સિડન્ટ થયો. બહુ જ ભયાનક હતો એ. પપ્પાને બચાવવા ડોકટરોએ ઉપરાછાપરી ચાર ઓપરેશન કરી નાખ્યા. જિંદગીની બધી જ મૂડી એમાં વપરાઈ ગઈ. પપ્પા દોઢ વર્ષે નોર્મલ થયા. હું ૧૨ સાયન્સમાં ભણતી હતી અને મને મેલેરિયા થયો, લગભગ આખું વર્ષ મારી તબિયત ખરાબ જ રહી, ડોક્ટર બનવાનું મારું સપનું માત્ર સપનું જ બની રહે એમ લાગતું હતું. પણ છેલ્લા બે મહિનામાં મેં સખત મહેનત કરી અને ૮૨% સ્કોર કર્યો. એટલો સારો સ્કોર તો નહોતો કે ગવર્મેન્ટ કોલેજમાં એમબીબીએસ માં એડમીશન મળી જાય પણ જો થોડું ડોનેશન આપીએ તો સારી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં એડમીશન મળે એમ હતું. પપ્પા પાસે ત્યારે ઘર સિવાય બીજી કોઈ મૂડી નહોતી. બીજા જ દિવસે એમણે ઘર ગીરવે મુકીને મને કોલેજ માં એડમીશન અપાવ્યું. આજે હું મારા પપ્પા નો એ નિર્ણય સાચો ઠરાવ છું જયારે દર વર્ષે હું ગુજરાતમાં ટોપ કરું છું. મારી ફી કોલેજે માફ કરી છે અને એક સંસ્થા મને દર મહીને ૧૦ હજાર રૂપિયાનું સ્ટાઇપેંડ આપે છે.”

જાસ્મીન એ કિશન સામે જોયું. કિશન દિગ્મૂઢ થઈને એની વાત સાંભળતો હતો. જાસ્મીને આગળ ચલાવ્યું : ”તે તો કિશન માત્ર લેપટોપ વેચ્યું છે, અને છતા તારી પાસે અહિયાં આ ટ્રીપ પર આવાના પૈસા છે. એ જ બતાવે છે કે તું જો હજી વધારે પ્રયત્ન કરે તો પૈસા ઉભા કરી શકે છે. તું પાર્ટટાઇમ જોબ પણ કરી સકે છે. વળી, તું જ કહે છે કે સ્પોન્સર્સ બે મહિનામાં રીઝલ્ટ માંગે છે. અને હવે તારું થોડુક જ કામ બાકી છે તો બે મહિનામાં એ કામ પતિ જાય એવી કોશિશ કર. માઈક્રો પ્લાનીંગ કર. સ્પોન્સર્સ તને જે સવાલ પૂછે એના જવાબ તારી પાસે હાજર હોય એવી તૈયારી કર. એકવાર એને તારા માં સ્પાર્ક દેખાશે તો એ બે જ મહિના ની ટાઇમ લિમીટ ને પકડીને બેસી નહી રહે.”

કિશન : “પણ જાસ્મીન, કોઈ પૈસા નથી આપતું.”

જાસ્મીન : “કિશન, બે જગ્યા એ પ્રયત્ન કર્યા છે તો હવે 4 જગ્યા એ કર. 4 જગ્યા એ કર્યા છે તો ૮ જગ્યા એ. હું તારી ફિલ્ડ કે પ્રોજેક્ટ વિષે નથી જાણતી પણ તારી સાથે આટલા દિવસ રહીને તને ઓળખી ગઈ છું. તારા માં સામે વાળા ને સમજાવવાની, એને સમજવાની ગજબની સૂઝ છે. આજે કેમ્પમાં ઈન્સટ્રકટર કરતા વધારે છોકરાઓ તારું માને છે. તારો એટીટ્યુડ જ જબરજસ્ત છે. તારામાં હિંમત પણ ગજબની છે. ટેલેન્ટ તો તારી પાસે છે જ. કદાચ અત્યાર સુધી તે કોઈ દિવસ નિષ્ફળતા નથી મેળવી એટલે જ આ નાની વાત ને બહુ મોટું સ્વરૂપ આપી બેઠો છે.”

કિશન : “આ તને નાની વાત લાગે છે.”

જાસ્મીન : “હા કિશન, તું વિચાર કર. તું વિચાર કે, તારી પાસે બધું જ છે. તે ક્યાં કઈ ગુમાવ્યું જ છે. ઉપરથી પેલા સ્પોન્સર્સ એ તમારી સાથે છેડો ફાડીને તમને એક મસ્ત ચાન્સ આપ્યો છે. બધા સ્પોન્સર્સ 2 મહિનામાં રીઝલ્ટ માંગતા હતા, હવે આ જુના સ્પોન્સર્સ સાથે કામ કરતા કરતા તું અંતિમ સ્ટેજ સુધી તો પહોંચી જ ગયો છે. બસ હવે નવા સ્પોન્સર્સ સાથે તારે જ્યાંથી અટક્યું છે ત્યાથી જ શરૂઆત કરવાની છે.”

કિશન જાસ્મીન ની વાત સાંભળીને હકારમાં માથું હલાવ્યું. “જાસ્મીન, એક ગોરા એ મારા પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટ લીધો હતો પણ મેં જ એને ના પડી હતી. કદાચ એ હજી તૈયાર હોય.”

જાસ્મીન કિશનની આવી પોઝીટીવ વાત સાંભળીને ખુશ થઇ ગઈ. “જોયું ને. થોડુક પોઝીટીવ વિચાર્યું ને સોલ્યુસન મળવા લાગ્યા. યાર, આજે પૈસા નો નહિ ટેલેન્ટનો અભાવ છે. તારી પાસે તો એનો ભંડાર છે.”

કિશન (ગળગળો થઈ જતા) : “થેંક્યું જાસ્મીન,.”

જાસ્મીન : “ચલ હવે એક મસ્ત સેલ્ફી લઇ લઈયે. તું જયારે મોટો માણસ બની ગયો હશે પછી મને તો ભૂલી જશે એટલે આ સેલ્ફી બતાવીને યાદ કરાવીશ.”

કિશન : “ના જાસ્મીન, હું તને ક્યારેય નહી ભૂલી શકું. તે આજે ,મને મારી જાત સાથે મળાવ્યો છે.”

પછી તો બંને એ ખુબ સેલ્ફી લીધી. મનાલીમાં બીજા બે દિવસ બહુ જ મસ્તીમાં ગયા. જાસ્મીન ને કિશન ખુબ જ ગમવા લાગ્યો હતો. આજ સુધી એને કોઈ છોકરા માટે ફીલિંગ નહોતી આવી, કિશન જ એનો પહેલો પ્રેમ હતો. શાયદ કિશન માટે પણ એનો એક માત્ર પ્રેમ એનો પ્રોજેક્ટ છે એ જાસ્મીન જાણતી હતી. એટલે એણે ચુપ રેહવાનું અને જેટલો સમય કિશન સાથે છે એટલો સમય માણી લેવાનું નક્કી કર્યું.

જાસ્મીન સાથે વાત કર્યા પછી કિશન વધારે ખુશ દેખાતો હતો. મનાલી થી અમદાવાદ સુધી ની સફરમાં તો કિશને એનું કામ શરુ કરી દીધું હતું. ત્રણે પાર્ટનર મિત્રોને એમના કામ સોંપી દીધા હતા અને પેલા ગોરા સાથે પણ મીટીંગ ફિક્ષ થઇ ગઈ હતી. કિશને ટ્રેનમાં એની સામેની સીટ પર કબજો કરીને બેઠેલી જાસ્મીન ને બધી અપડેટ આપતો રહેતો. જાસ્મીન કિશન ના મોઢા ઉપર એક અજીબ પ્રકારની શાંતિનો અહેસાસ દેખાતો હતો.

મનાલી થી પાછા ફર્યા પછી જાસ્મીન કિશનને ભૂલીને એના ભણવામાં આગળ વધી ગઈ. કિશને પેલા ગોરા સાથે અને બીજા બે-ચાર સ્પોન્સર સાથે મીટીંગ કરી, પ્રેઝન્ટેશન આપ્યા. થોડાક રીજેકશન પછી ગુજરાતના સૌથી મોટા બિઝનેશમેન એ એમને સ્પોન્સર કર્યા.

કિશન અને એની ટીમ ફરી એમના પ્રોજેક્ટ પર લાગી ગયા. ત્રણ મહિના પછી ની એક સવારે એમનો ડેમો મોડેલ તૈયાર હતું. એનું એક પ્રેઝન્ટેશન સ્પોન્સર્સ ને બતાવવામાં આવ્યું, એમને પણ કામ થી સંતોષ હતો. હવે કિશન ની ઈચ્છા મુજબ એને માર્કેટમાં લોન્ચ કરવાનું કામ શરુ કરવાનું હતું, જે એણે અને એની ટીમે શરુ કર્યું.

પણ એક દિવસ અચાનક કિશન ને જાસ્મીન યાદ આવી. એણે જાસ્મીન ને આ સારા સમાચાર આપવા ફોન કર્યો. કિશને જાસ્મીન ને કોફી માટે બહાર મળવાનું કહ્યું જેથી એ અને એની આખી ટીમ જાસ્મીન નો આભાર માની શકે. પણ હવે જાસ્મીન માટે એની નજીક આવતી ફાયનલ એક્ઝામ જ મહત્વની હતી. કિશન ને જો મળે તો ફરી ફીલિંગ આવે અને ભણવામાંથી ધ્યાન ખસી જાય એ જાસ્મીન કદાપી ના ઈચ્છે. જાસ્મીને કોઈ પણ બહાનું બનાવીને મળવાની વાત ને ટાળી દીધી અને કિશન ને ખુબ અભિનંદન આપ્યા. કિશન નો પહેલો પ્રેમ – એનો બિઝનેસ માટે જાસ્મીને એનો પહેલો પ્રેમ- કિશન ને છોડી દીધો.

વાંચકમિત્રો, આપણા બધા ની લાઇફમાં પહેલો પ્રેમ ખુબ જ અગત્યતા ધરાવે છે. કોઈ વ્યક્તિ પોતાના પહેલા પ્રેમ ને નથી ભુલી શકતું. તો તમે પણ મને જણાવો તમારા પહેલા પ્રેમ વિષે નીચે કમેન્ટમાં અથવા whatsapp પણ કરી શકો છો – ૯૪૨૯૫ ૪૮૪૭૭ નંબર પર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED