અનામિકા ૮ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનામિકા ૮

અનામિકા

કહાની એક ડાકણ ની

( 8 )

રાજવીર દ્વારા પોસ્ટમોર્ટમ માટે લવાયેલી યુવતીનું પોસ્ટમોર્ટમ શરૂ થતાં ની સાથે અનહોની ઘટનાઓ શરૂ થઈ ચુકે છે..એ યુવતી નાં શરીરમાં પણ ક્યારેય ના જોયેલી વસ્તુઓ જોવા મળે છે..એનાં શરીરમાંથી એક રહસ્યમયી લખાણ વાળો કપડાંનો ટુકડો મળે છે.ગોપાલ અને જયદીપ નું એક પછી એક મોત થઈ જાય છે. વસંતભાઈ અવધ ડાયન પરીક્ષણ ની હકીકત શું હતી એ એક પુસ્તકમાંથી વાંચવાનું શરૂ કરે છે જેમાં અવધ નાં સીતાપુર નામક નગર માં આજથી વર્ષો પહેલાં બે યુવતીઓ ડાકણ દ્વારા વશ કરવામાં આવે છે જેમાં એક યુવતી તો બચી જાય છે પણ સરોજ નામની એક યુવતી ને જીવતી સળગાવી મુકવાનો નિર્ણય નવાબના સુબેદાર હિમરસિંહ લે છે. ...હવે વાંચો આગળ..】

વસંતભાઈ અવધ ડાયન પરીક્ષણ ની હકીકત શું હતી અને ત્યારે શું બન્યું હતું જેનો ત્યાં લેબમાં હાજર રહસ્યમયી યુવતીની લાશ જોડે સંબંધ હતો એ believe or not believe નામની એક બુકમાંથી વાંચતા હોય છે.

"સળગતી સરોજ ની સાથે ગામલોકો ની ચિચિયારીઓ અને બુમો સમગ્ર વાતાવરણ ને કોઈ તહેવાર જેવું બનાવી રહી હતી..એ લોકો ડાકણ નાં સંકટમાંથી એમનો છુટકારો થઈ ગયો એમ વિચારી નાચી રહ્યાં હતાં ત્યાં આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં અને થોડીવારમાં તો મુશળધાર વરસાદ થવા લાગ્યો..વરસતાં વરસાદનાં લીધે સરોજ ની ફરતે લગાવેલી આગ તો બુઝાઈ ગઈ.લોકો એ જોયું તો ત્યાં સરોજ ની લાશ પણ નહોતી કે નહોતું એનું હાડપિંજર અને એ જ સમયે કોઈ સ્ત્રીનાં અવાજમાં આકાશવાણી થઈ."

'મારો પહેલો શિકાર મને મળી ગયો..હજુ બીજાં શિકાર કરવા હું પાછી આવીશ.."

અવાજ જે રીતે પડઘાય રહ્યો હતો અને એ શબ્દોમાં જે રીતે ધમકી હતી એ વાત નો ઈશારો એ કરી રહી હતી કે સીતાપુર કોઈ શક્તિશાળી શૈતાની ચુડેલ કે ડાકણ નાં વશ માં છે.

આ વાત ને બે દિવસ માંડ વીત્યાં હતાં ત્યાં ગામ માં એક અન્ય યુવતી પર આ ડાકણ ની આત્મા એ કાબુ કરી લીધો.એ યુવતી નાં પરિવાર વાળા જાણતાં હતાં કે જો પોતાની દીકરી અત્યારે ડાકણ નાં વશ માં છે એવી વાત કરીશું તો એને પણ જીવતી સળગાવી દેવામાં આવશે માટે એમને કોઈને એ વાત કહી નહીં અને એ યુવતી ને ઘરમાં જ કેદ કરી રાખી.

પોતાની દીકરી ને બચાવતાં એ લોકો ખુદ પોતાનો જીવ ખોઈ બેસશે એ એમને ત્યારે સમજાયું જ્યારે ડાકણ ની આત્મા નાં વશ માં એનાં દ્વારા એનાં આખા પરિવાર ને ખત્મ કરી દેવામાં આવ્યો.ગામ માં આ વાત ની ખબર પડતાં એ યુવતી ને પણ સાંકળો થી બાંધી ગામ ની વચ્ચે લઈ જઈ જીવતી સળગાવી દેવામાં આવી.

પછી તો દર બીજાં ત્રીજા દિવસે ગામ ની કુંવારી યુવતીઓ આ ડાકણ ની આત્મા નાં વશ માં આવી જતી..પરિવાર નાં લોકો પણ હવે પોતાની દીકરી ડાકણ કે ચુડેલ દ્વારા કાબુ માં કરવામાં આવી છે એ વાત ને છુપાવતાં નહોતાં.. આમ ને આમ ચાર મહિના ની અંદર બીજી ત્રેપન યુવતીઓ ને ગામલોકો દ્વારા જીવતી સળગાવી મુકવામાં આવી.

હમીરસિંહ ત્યાં રોકાઈને પરિસ્થિતિ કાબુ માં લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ આ ડાકણ એટલી શક્તિશાળી હતી કે એનાં પ્રકોપમાંથી બચવું અત્યારે મુશ્કેલ હતું.તાંત્રિક, પીર, સાધુ, ઓલિયા ઘણાં લોકોની મદદ લેવાઈ પણ એ બધું જ વ્યર્થ સાબિત થયું..ઉલટાનું એ ડાકણ આવી કોઈ વિધિ પછી વધુ તાકાત સાથે ત્રાટકતી.

***

સીતાપુર માં આ એક પછી એક બનતી ઘટનાઓમાં ના છૂટકે માસુમ યુવતીઓનો ભોગ લેવાઈ રહ્યો હતો જેનાંથી દુઃખી અને વ્યથિત હમીરસિંહ કાશી પહોંચી ગયાં.કાશી માં એક સિદ્ધહસ્ત અઘોરી હતાં શંકરનાથ. હમીરસિંહે સાંભળ્યું હતું કે શંકરનાથ ગમે તેવી શૈતાની શક્તિ, પિશાચ, ડાકણ કે ભુત ને સરળતાથી વશમાં કરી શકે છે..સીતાપુર ગામનાં લોકો ને ડાકણ નાં આતંકમાંથી કોઈ મુક્તિ અપાવે તો એ શંકરનાથ જ છે એવું વિચારી હમીરસિંહ શંકરનાથ ની મુલાકાત લેવા એમને એમનાં રહેઠાણ સ્મશાન માં જઈને મળ્યાં.

"આવ આવ હમીરસિંહ.."હજુ હમીરસિંહ એક શબ્દ પણ નહોતાં બોલ્યાં ત્યાંતો આંખો બંધ કરીને બેસેલાં શંકરનાથે એમને નામ થી બોલાવતાં હમીરસિંહ આશ્ચર્ય પામી ગયાં.

"પણ તમે મારું નામ..?"નવાઈ સાથે હાથ જોડી હમીરસિંહ આટલું બોલ્યાં.

હમીરસિંહ ની વાત સાંભળી શંકરનાથે આંખો ખોલી અને સસ્મિત હમીરસિંહ તરફ જોતાં કહ્યું.

"હમીરસિંહ હું તારાં વિશે બધું જાણું છું અને તું અહીં કેમ આવ્યો છે એ વિષયમાં પણ મને પુરી જાણકારી છે.."

"શું તમે એ પણ જાણો છો કે હું અહીં કેમ આવ્યો છું..?"શંકનાથ નો દરેક શબ્દ હમીરસિંહ માટે નવું રહસ્ય પેદા કરી રહ્યો હતો.

"તું અવધ નાં નવાબનો સૌથી ખાસ સુબેદાર છે..તારી પત્ની નું નામ શકુંતલા દેવી છે..તારે બે સંતાન છે જેમાં એક દીકરો અને એક દીકરી છે.તું નાનપણ માં ઘોડા પરથી પડી ગયો હતો જેથી તારાં પગનું હાડકું તૂટી ગયું હતું.ગયાં વર્ષે તે તારી ત્રણ એકર જમીન ગૌશાળા બનાવવા માટે દાન કરી છે.."હમીરસિંહ ની જીંદગીથી જોડાયેલી વાતો એક પછી એક જણાવતાં શંકરનાથે કહ્યું.

શંકરનાથ ની વાતો સાંભળી હમીરસિંહ ને પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો..પોતાની સામે બેસેલાં દિવ્ય વિભૂતિ સમાન વ્યક્તિની હજુ પરીક્ષા લેવાની ઈચ્છા થતાં હમીરસિંહે પૂછ્યું.

"ગુરુજી મારાં અહીં આવવાનું કારણ જણાવી શકશો..?"

"બચ્ચા..સીતાપુર માં જે કંઈપણ થઈ રહ્યું છે એમાંથી ત્યાંના લોકો ને મુક્ત કરાવવા તું જે પ્રયત્નો કરી રહ્યો છે એ ખરેખર ઉમદા છે..પણ એ શૈતાની શક્તિ થી પીછો છોડાવવા એ પુરતાં નથી.."શંકરનાથ સીતાપુર ની સઘળી હકીકત જાણતાં હોય એમ બોલી રહ્યાં હતાં.

શંકરનાથની વાત સાંભળી હમીરસિંહ રીતસરનો એમનાં પગે પડી ગયો..એક મોટાં રાજ્યનો સુબેદાર આજે એક નગ્ન સાધુ ની શરણમાં દંડવત પ્રણામ કરી રહ્યો હતો એ ખરેખર ઈશ્વર ની હયાતી ની નિશાની હતું.

"ગુરુજી..કોઈપણ રીતે ત્યાંના લોકો ને બચાવી લો..હું રોજ રોજ માસુમ યુવતીઓને જીવતી સળગતી જોઈને ખૂબ દુઃખી છું..સીતાપુર નો દરેક વ્યક્તિ અત્યારે નર્ક ની જીંદગી પસાર કરી રહ્યો છે એમાંથી એક તમે જ છો જે એમની અને મારી આશા નું છેલ્લું કિરણ છો.."હાથ જોડી હમીરસિંહ બોલ્યો.

"બચ્ચા..હું અવશ્ય ત્યાંના લોકો ની મદદ કરીશ..પણ એક વાત તને કહેવા માગું છું એ ધ્યાનથી સાંભળ.."શંકરનાથે કહ્યું.

"હા બોલો.."હમીરસિંહ બોલ્યો.

"એ શૈતાની તાકાત ધરાવતી ડાકણ દિવસે ને દિવસે વધુ શક્તિશાળી થઈ ગઈ છે..ચોપ્પન જેટલી માસુમ કુંવારી યુવતીઓની આત્મા ને પોતાની અંદર સમાવી લીધાં પછી એ ડાકણ ની આત્મા અત્યારે અવિશ્વસનીય તાકાત ની માલિક છે.એનો અંત કરવો કોઈનાં હાથની વાત નથી.."શંકરનાથે કહ્યું.

"એનો અર્થ એવો છે કે એનો નાશ કરવો શક્ય નથી..?"હમીરસિંહે પૂછ્યું.

"બચ્ચા..નામ હોય એનો નાશ હોય માટે આ ડાકણ ને કોઈ નામ આપવું પડશે.ત્યારબાદ કોઈ યુવતી જો પોતાની ઈચ્છાથી પોતાની આત્મા ને એ ડાકણ ની ભેટ ધરાવે તો એ ડાકણ સદેવ ને માટે મુક્ત થઈ જશે અને એનો ભટકતો જીવ એનાં મૂળ સ્થાને પહોંચી જશે.."ડાકણ થી મુક્તિનો ઉપાય બતાવતાં શંકરનાથે કહ્યું.

"પણ કોઈ યુવતી પોતાનો જીવ હાથે કરીને કેમ આપે..એવી યુવતી શોધવી તો લગભગ અશક્ય સમાન છે.."હમીરસિંહ હતાશ સુરમાં બોલ્યાં.

"કોઈપણ મોટું કાર્ય બલિદાન જરૂર માંગે છે..તું જે નિષ્ઠા અને પવિત્ર મનથી સીતાપુરનાં લોકોની મદદ કરી રહ્યો છે તો ભગવાન પણ તારી મદદ જરૂર કરશે..તું સીતાપુર જા અને નગરમાં ઢંઢેરો પીટાવ કે એવી કોઈ યુવતી હોય કે જે સમગ્ર સીતાપુરનાં લોકોની સુખાકારી માટે પોતાનો જીવ આપવાં તૈયાર હોય તો ડાકણનાં ત્રાસમાંથી ત્યાંના લોકોને મુક્તિ મળશે.."શંકરનાથે કહ્યું.

"સારું ગુરુજી તો હું તમે કહ્યા મુજબ નું કાર્ય સીતાપુર પહોંચી તરત જ આરંભી દઉં..પણ શું તમે મારી સાથે અત્યારે નહીં આવો..?હમીરસિંહ એ પ્રશ્નસુચક નજરે શંકરનાથ સામે જોઈને પૂછ્યું.

"હું મારાં નિયત સમયે આવી જઈશ..જેવી તને આપણાં અનુષ્ઠાન માટે યોગ્ય યુવતી મળી જશે ત્યારે હું સીતાપુર પહોંચી જઈશ..ત્યાં સુધી અહીં રહી હું એ ડાકણ નાં નામકરણ અને અનુષ્ઠાન માટે જરૂરી સામગ્રી એકઠી કરી લઉં.."શંકરનાથ આટલું કહી આંખો બંધ કરી ને સમાધીમાં લીન થઈ ગયાં.

શંકરનાથનાં ચરણ ને સ્પર્શ કરી હમીરસિંહે ત્યાંથી વિદાય લીધી..કાશી નો એમનો ફેરો સફળ થયો હતો એ હમીરસિંહનાં ચહેરા પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું.

***

સીતાપુર આવીને હમીરસિંહે શંકરનાથનાં કહ્યા મુજબ નો ઢંઢેરો આખાં નગરમાં પીટાવ્યો જે મુજબ પોતાની ઈચ્છાથી જે યુવતી સીતાપુર વાસીઓની સુખાકારી અને શાંતિ માટે પોતાની જાત નું બલિદાન આપવા માંગતી હોય એને આવીને સુબેદાર હમીરસિંહ ને આવીને મળવું એવું કહેવામાં આવ્યું.

શંકરનાથે કહ્યા મુજબ સીતાપુર માં જાહેરાત તો કરી દેવામાં આવી હતી પણ હમીરસિંહ હજુ પણ એ વાત માનવા તૈયાર નહોતાં કે કોઈ યુવતી જાણીજોઈ પોતાની કુરબાની લોકો ની સુખાકારી માટે આપી દે..છતાંપણ શંકરનાથ દ્વારા કહેવાયેલી વાત અને ઈશ્વરમાં પોતાની અપાર શ્રદ્ધા પર હમીરસિંહ ને ભરોસો હતો.

ત્રણ દિવસ વીતી ગયાં પણ કોઈ સામે ના આવ્યું એટલે નવો ઢંઢેરો જાહેર થયો જેમાં એવું કરનાર યુવતી ને એક હજાર સોનામોહર આપવાની લાલચ પણ આપવામાં આવી..રખેને કોઈ યુવતી સીતાપુર નાં લોકો માટે નહીં તો પોતાનાં પરિવાર ની ઉજ્જવળ ભવિષ્ય ની ઈચ્છાથી પોતાની જાત નું બલિદાન આપવા તૈયાર થઈ જાય..પણ સાત દિવસ સુધી પણ કોઈ યુવતી સામે ના આવતાં હમીરસિંહ હતાશ થઈ ગયાં અને ફરી પાછા કાશી જઈ શંકરનાથ ને મળી ડાકણ થી સીતાપુર ની મુક્તિ માટે બીજો કોઈ ઉપાય શોધી આપવાની અરજ માટે જવા તૈયારી કરી ચૂક્યાં હતાં.

હમીરસિંહ ઘોડેસવાર થઈ કાશી ભણી જવા નીકળ્યા જ હતાં ત્યાં સીતાપુર નગર નો નગરપતિ મારતાં ઘોડે આવી એમને આવીને સીતાપુર ની ભાગોળે જ મળ્યો અને કહ્યું.

"સુબેદાર સાહેબ એક યુવતી આવી છે અને એવું કહે છે કે એ પોતાનું બલિદાન આપી આ ગામ ને એ ડાકણ નાં ત્રાસમાંથી મુક્ત કરવા તૈયાર છે.."

નગરપતિ ની વાત સાંભળી હમીરસિંહે પોતાનો ઘોડો પાછો વાળી સીતાપુર ભણી ભગાવી મુક્યો.

***

અવધ ડાકણ પરીક્ષણ માં આગળ શું થયું હતું એ વાંચવા પોતાની હાથમાં રહેલ પુસ્તક નું વસંતભાઈ પાનું ફેરવવા જતાં હતાં ત્યાંજ લેબમાં પાછી લાઈટો ચાલુ બંધ થવાની શરૂ થઈ ગઈ..લવ અને રાજવીર જે અત્યાર સુધી ધ્યાનથી અવધ ડાયન પરીક્ષણ વિશે સાંભળી રહ્યાં હતાં એ પણ લેબમાં થઈ રહેલી લાઈટો ચાલુ બંધ થવાથી થોડાંક તો ડરી જ ગયાં હતાં.

અચાનક એ ત્રણેયની નજર ત્યાં સ્ટ્રેચર પર રાખેલ એ યુવતીનાં મૃતદેહ પર પડી..અને અત્યારે એ યુવતી નાં મૃતદેહ ની સ્થિતિ જોઈ એમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

વસંતભાઈ અને લવ દ્વારા એ યુવતી નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું એ માટે અનામિકા નામક એ યુવતી નાં શરીર ની ચીરફાડ કરવામાં આવી હતી..થોડાંક સમય પહેલાં તો એ બધું એમનું એમ જ હતું પણ અત્યારે એ યુવતી સંપૂર્ણપણે વ્યવસ્થિત થઈ ગઈ હતી મતલબ કે એ બધી ચીરફાડ સંધાઈ ગઈ હતી..અને એનો દેહ જેવો હતો એવોજ બની ગયો હતો..આ દ્રશ્ય વસંતભાઈ, રાજવીર અને લવ નાં કપાળે પરસેવો લાવવા કાફી હતું.

ધ્રુજતા હાથે વસંતભાઈ એ અવધ ડાયન પરીક્ષણ વિશે ની વધુ વિગતો વાંચવા વસંતભાઈ એ believe or not believe પુસ્તક નું પાનું ફેરવ્યું..!!

વધુ આવતાં ભાગમાં...

રાજવીર ને મળેલી એ યુવતી અનામિકાની હકીકત શું હતી..? સીતાપુર માં બનેલી ડાકણ ની ઘટના માં શું બન્યું હતું જેનો સંબંધ આ અનામિકા નામની રહસ્યમયી યુવતી જોડે હતો..? સીતાપુર નાં લોકો ડાકણ નાં ત્રાસમાંથી મુક્ત થઈ શક્યાં હતાં..? હમીરસિંહ ને મળવા આવનાર એ બહાદુર યુવતી કોણ હતી..? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા:કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.

આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ

દિલ કબૂતર

રૂહ સાથે ઈશ્ક

ડણક: The Story Of Revange.

-દિશા. આર. પટેલ