12. દવાનો જાદુ
પોલેનેશિયા એકદમ સાવધાનીથી, પોતાને કોઈ જોઈ ન જાય એવી ચોકસાઈ સાથે, વૃક્ષની પાછળની બાજુએથી ઊડી ગયો. તે સીધો જેલ તરફ ગયો.
મહેલના રસોડામાંથી કંઈક સ્વાદિષ્ઠ વાનગી રંધાવાની સુગંઘ આવી રહી હતી. ગબ-ગબ પોતાનું નાક જેલના સળિયામાં ખોસી તે સૂંઘવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પોલેનેશિયાએ તે જોયું અને ગબ-ગબને કહ્યું, “ડૉક્ટરને બારી પાસે મોકલ. મારે તેમની સાથે જરૂરી વાત કરવી છે.” માટે, ગબ-ગબ અંદર ગયું અને ઝોકે ચડેલા ડૉક્ટરને બોલાવી લાવ્યું.
જ્હોન ડૂલિટલનો ચેહરો દેખાયો કે પોપટે એકદમ ધીમા અવાજે કહ્યું, “સાંભળો, આજે રાત્રે રાજકુમાર બમ્પો તમારી પાસે આવશે. તમારે તેને ગોરો કરી દેવાનો છે. પણ, એવું કરતા પહેલાં તેની પાસેથી વચન લઈ લેજો કે તેના બદલામાં તેણે આપ સૌને જેલમાંથી ભગાડવા પડશે અને દરિયો પાર કરવા જહાજ પણ આપવું પડશે.”
“કાળો માણસ એમ કંઈ ગોરો ન થઈ જાય !” ડૉક્ટરે કહ્યું. “તું તો એવી રીતે બોલે છે જાણે કોઈ કપડાંને રંગ કરવાનો હોય. આ કંઈ ખાવાના ખેલ નથી. અને જો એમ કરવું સહેલું હોત તો ચિત્તાઓએ ચામડી પરના ટપકાં ક્યારના કઢાવી નાખ્યા હોત અને ઇથોપિયાના લોકો ય પહેલાંથી જ ગોરા થઈ ગયા હોત.”
“મારે એ કંઈ સાંભળવું નથી.” પોલેનેશિયાએ ડૉક્ટરની વાત કાપી નાખી. “ગમે તે વિચારો, ગમે તે કરો પણ તમારે તેને ગોરો કરવાનો છે. તમારી પાસે બેગમાં ઢગલાબંધ દવાઓ છે તેનો ઉપયોગ કરજો. જો તમે તેને ગોરો બનાવી દેશો તો તે તમારા માટે કંઈ પણ કરી છૂટશે. જેલમાંથી ભાગી છૂટવાની આ છેલ્લી તક છે.”
“લગભગ તો તે અશક્ય જ છે.” ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું. “એક મિનિટ, મને જોવા દે.” અને તેમણે દવાનો થેલો ફંફોસ્યો. તેઓ થેલો ફંફોસતા ફંફોસતા બબડવા લાગ્યા, “પ્રાણીઓના રંગદ્રવ્ય પર અસર કરતુ ક્લોરિન અથવા ઝીંક-ઓઇન્ટમેન્ટ મળી જાય તો કામ થઈ જાય. જો તેનો થથેડો કરીએ તો તેની અસર થોડા સમય માટે તો રહે જ.”
આમ ને આમ રાત પડી અને બમ્પો લપાતો-છુપાતો ડૉક્ટર પાસે આવ્યો. તેણે ડૉક્ટરને કહ્યું, “ભલા જાદુગર, હું રાજકુમાર છું પણ ખુશ રહી શકતો નથી. તેનું એક કારણ છે. વર્ષો પહેલાં મેં ‘સ્લીપિંગ બ્યુટી’ વિશે વાંચ્યું હતું અને હું તેની શોધમાં નીકળ્યો હતો. (સ્લીપિંગ બ્યુટી - ફેરીટેલમાં આવતી એક સુંદર યુવતી જે સો વર્ષ સુધી સૂતી રહે છે અને કોઈ રાજકુમાર તેને ચૂમે ત્યારે જાગી જાય છે.) દુનિયાની ઘણી બધી જગ્યાએ હું ફર્યો અને એક દિવસ મને તે મળી ગઈ. પુસ્તકમાં લખ્યું છે તેમ તે આરામથી સૂઈ રહી હતી. મેં તેના હોઠ હળવેકથી ચૂમી લીધા. તે જાગી પણ ગઈ, પરંતુ મારી સામે જોઈને ડરી ગઈ. તે બોલી, “અરરર, આ કેટલો બધો કાળો છે !” પછી, તે ત્યાંથી ભાગી ગઈ અને ફરી વાર દેખાઈ જ નહીં. કદાચ તે ગોરા રાજકુમારની રાહ જોતી અન્ય જગ્યાએ સૂઈ ગઈ હશે. હું મુસાફરી ટૂંકાવીને પાછો ફર્યો, પણ મને ખૂબ દુ:ખ થયું હતું. હવે, હું જાણી ગયો છું કે તમે અદ્ભુત જાદુગર છો અને તમારી પાસે જાદુઈ દવાઓ છે. હું તમારી મદદ માંગવા આવ્યો છું. તમે મને ગોરો કરી દેશો તો હું તે ‘સ્લીપિંગ બ્યુટી’ને શોધવા પાછો જઈશ. મને ગોરો કરવા બદલ હું તમને મારું અડધું રાજ્ય અને બીજું કંઈ પણ આપવા તૈયાર છું.”
ડૉક્ટરે હાથમાં દવાની બાટલીઓ પકડી હતી. તેઓ કંઈક વિચારી રહ્યા હતા. તેમણે કહ્યું, “રાજકુમાર બમ્પો, તને ગોરો કરવાના બદલે હું તારા વાળ સોનેરી કરી દઉં તો ?”
“નહીં.” બમ્પોએ દ્રઢતાથી કહ્યું, “ગોરો થવા સિવાય દુનિયાની કોઈ વસ્તુ મારે જોઈતી નથી.”
“તું જાણતો નથી પણ રાજકુમારનો રંગ બદલવો એ બહુ મહેનતનું કામ છે.” ડૉક્ટરે કહ્યું. “જાદુગર માટેનો સૌથી અઘરો કરતબ જ આ છે. વારુ, ખાલી તારો ચહેરો ગોરો થઈ જશે તો ચાલશે ?”
“હા, ચાલશે.” બમ્પોએ ઉત્સાહથી કહ્યું. “આમેય ઘોડા પર સવારી કરતી વખતે હું બખ્તર અને હાથમોજા પહેરું છું એટલે ચહેરા સિવાય કંઈ દેખાશે નહીં.”
“મતલબ, તારે ફક્ત ચહેરો જ ગોરો કરવો છે, એમ ને ?”
“હા, બસ એટલું જ. અને મારી આંખો નીલમણી જેવી વાદળી થઈ જાય તો એ ય. પણ, મને લાગે છે કે તે અશક્ય છે.” બમ્પોએ રજૂઆત કરી.
“હમ્મ.” ડૉક્ટરે કહ્યું. “મારાથી થાય એટલો પ્રયત્ન કરીશ પણ તારે ધીરજ રાખવી પડશે. હું દવાઓ વિશે ચોક્કસ જાણું છું પણ ઘણીવાર તે કામ નથી કરતી. તારો રંગ પાક્કો છે એટલે મારે કદાચ બે-ત્રણ પ્રયત્નો ય કરવા પડે. તોય ગમે તેમ કરી, હું તારો ચહેરો ગોરો કરી દઈશ. સારું, આ બાજુ પ્રકાશમાં આવી જા. પણ, એક મિનિટ... હું તારા માટે કંઈ કરું તે પહેલાં તારે દરિયાકિનારે જઈ એક જહાજ તૈયાર કરવું પડશે. તેમાં લાંબી મુસાફરી માટે ચાલે એટલો ખાવાનો સામાન ભરાવી રાખ. વળી, આ વિશે કોઈને કહેતો નહીં. પછી, હું તને ગોરો કરી દઉં એટલે તારે, મને અને મારા પ્રાણીઓને જેલમાંથી છોડી દેવા પડશે. ખા જોગિલિન્કીના રાજમુકુટના સોગંધ કે તું એમ જ કરીશ.”
આથી, રાજકુમારે સોગંધ લીધા અને બહાર દરિયાકિનારે જઈ વહાણ તૈયાર કર્યું. પાછા આવીને તેણે કહ્યું, “કામ થઈ ગયું છે.” હવે, ડૉક્ટરે તેને મોટું વાસણ લઈ આવવા કહ્યું. તેમણે તેમાં ઘણીબધી દવાઓ નાખી અને તેને બરાબર મિક્સ કરી દીધી.
“તારો ચહેરો આમાં ડૂબાડી દે.” ડૉક્ટરે બમ્પોને કહ્યું અને રાજકુમારે વાંકા વળી કાન સુધીનો ચહેરો વાસણમાં ડૂબાડી દીધો.
તે ખાસ્સો સમય સુધી એમ જ રહ્યો. થોડી વાર પછી ડૉક્ટરને ચિંતા થવા લાગી કે દવા કામ કરશે કે કેમ ? બેચેનીમાં તેઓ માથું ખંજવાળવા લાગ્યા. પછી, તેમણે જે જે દવાઓ વાસણમાં ભેળવી હતી તે દરેકના નામ ફરી ફરી વાંચ્યા. જાણે કોઈ બદામી કાગળ બળતો હોય તેવી વિચિત્ર વાસ જેલમાં ફેલાઈ ગઈ હતી.
ખાસ્સા સમય પછી, બમ્પોએ તેનો ચહેરો વાસણની બહાર કાઢી ઊંડો શ્વાસ લીધો. બધા પ્રાણીઓએ તેના ચહેરા સામે જોયું અને... સૌનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, સૌની આંખો પહોળી થઈ ગઈ.
બમ્પોનો ચહેરો રૂની પૂણી જેવો સફેદ થઈ ગયો હતો અને આંખો સાહસિક નર જેવી ભૂરી.
પછી, જ્હોન ડૂલિટલે બમ્પોને નાનકડો અરીસો આપ્યો જેથી તે પોતાનો ચહેરો જોઈ શકે. જેવું તેણે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું કે તે નાચવા લાગ્યો. પણ, ડૉક્ટરે તેને વાર્યો જેથી અવાજ ન થાય. બાદમાં, ડૉક્ટરે પોતાની દવાઓ થેલામાં મૂકી થેલો બંધ કર્યો અને બમ્પોને જેલનો દરવાજો ખોલવા કહ્યું.
બમ્પોએ ડૉક્ટરને વિનંતી કરી કે આખા જોગિલિન્કીમાં આવો એક પણ અરીસો નથી અને જો તેઓ તે અરીસો અહીં જ છોડી જાય તો બમ્પો પોતાનો ચહેરો તેમાં વારંવાર જોઈ શકે. પરંતુ, ડૉક્ટરે કહ્યું, “હું તને તે નહીં આપી શકું કારણ કે તે મારો દાઢી કરવાનો અરીસો છે.”
પછી, રાજકુમારે પોતાના ખિસ્સામાંથી તાંબાની ચાવીઓનો ઝૂડો કાઢી દરવાજે લટકતા તોતિંગ તાળા ખોલી નાખ્યા. જેલનો દરવાજો ખૂલતા જ ડૉક્ટર અને બધા પ્રાણીઓ દરિયા તરફ ભાગ્યા. બમ્પો એકબાજુએ ઊભો રહી મંદ મંદ હસી રહ્યો હતો. ચાંદની રાતમાં તેનો ચહેરો પૉલિશ કરેલા હાથીદાંત જેવો ચમકી રહ્યો હતો.
જયારે ડૉક્ટર અને પ્રાણીઓ દરિયાકિનારે પહોંચ્યા તો તેમણે જોયું કે પોલેનેશિયા અને ચી-ચી વહાણની પાસે તેમની રાહ જોતા બેઠા છે.
“આપણે બમ્પોને બેવકૂફ બનાવ્યો તેનું મને દુ:ખ છે.” ડૉક્ટરે કહ્યું. “દવાની આડઅસર ન થાય તો સારું. લગભગ તો કાલે સવારે તે હતો તેવો થઈ જશે. તેને અરીસો ન આપવાનું તે પણ એક કારણ હતું. એમ તો તે કાયમ માટે ગોરો બની જાય એવું પણ બને ! મેં આજ સુધી આ મિશ્રણ કોઈ પર અજમાવ્યું નથી. સાચું કહું તો, મિશ્રણની આટલી સારી અસર જોઈ મને પોતાને ય આશ્ચર્ય થયું છે. પણ, મારે ય કંઈ છૂટકો હતો ? હું કંઈ આખી જિંદગી રાજાનું રસોડું સાફ કરું ? આમેય તે કેટલું ગંદું હતું ! મેં જેલની બારીમાંથી તે જોયું હતું. માંડ માંડ બચ્યા, પણ બિચારો બમ્પો...”
“એ તો એ સમજી જશે કે આપણે તેની સાથે મજાક કરતા હતા.” પોપટે કહ્યું.
“આપણને જેલમાં પૂરવાનો તેને કોઈ અધિકાર ન્હોતો.” ડબ-ડબે કહ્યું અને જોરથી પૂંછડી હલાવી ઉમેર્યું, “આપણે તેમને ક્યાંય નડ્યા જ નથી. અને તમે તેને ગોરો કરવા પ્રયત્ન તો કર્યો જ છે ને ! પછી એ ફરી કાળો થઈ જાય તો કોઈ શું કરે ? હું તો ઈચ્છું છું કે તે હજુ વધારે કાળો થઈ જાય.”
“પણ, બમ્પોએ આપણને કનડ્યા નથી.” ડૉક્ટરે ચોખવટ કરી. “એના પપ્પાએ આપણને જેલમાં પૂર્યા એમાં બિચારા બમ્પોનો શું વાંક ? કાશ, હું પાછો જઈ તેને સોરી કહી શકત. અરે હા, ફડલબી પહોંચીને હું તેના માટે ચોકલેટ મોકલાવીશ. અને કોને ખબર છે, કદાચ તે કાયમ માટે ગોરો બની જાય !”
“જો તે કાયમ માટે ગોરો રહેશે તો ય તેને ‘સ્લીપિંગ બ્યુટી’ મળવાની નથી.” ડબ-ડબે કહ્યું. “મને લાગે છે કે તે પહેલાં વધારે સારો દેખાતો હતો. જોકે, તે ગમે તે રંગનો થઈ જાય તોય કદરૂપો જ દેખાવાનો છે.”
“તો ય તે સારો માણસ છે.” ડૉક્ટરે કહ્યું. “ચોખ્ખા દિલનો રોમૅન્ટિક માણસ... આમેય, સુંદર એ નથી જે સુંદર દેખાય છે, સુંદર એ છે જે સુંદર કામ કરે છે, સમજાયું ?”
“મને લાગે છે કે તેણે પહેલાં જેને શોધી એ ય કોઈ ‘સ્લીપિંગ બ્યુટી’ નહીં હોય.” જિપે કહ્યું. “મોટાભાગે તો તે કોઈ ખેડૂતની જાડી પત્ની હશે જે ઝાડ નીચે બેસીને ઊંઘ ખેંચતી હશે. અને તે ડરી ગઈ તેમાં ય તેનો વાંક નથી. મને તો એ વિચાર આવે છે કે હવે બમ્પો કોને કિસ કરશે ? વારુ, ભાડમાં જાય એ બધું.”
હવે, પુશ્મી-પુલું, સફેદ ઉંદર, ગબ-ગબ, ડબ-ડબ, જિપ અને ટૂ-ટૂ જહાજ પર ચડી ગયા. ડૉક્ટર તેમની સાથે જ હતા. ચી-ચી, પોલેનેશિયા અને મગર કિનારે જ રોકાયા હતા કારણ કે આફ્રિકા તેમનું ઘર હતું અને તે ત્રણેય ત્યાં જ જન્મ્યા હતા.
જયારે વહાણ ઊપડવાની તૈયારી હતી ત્યારે, ડૉક્ટર સમંદરના અફાટ નીરને નીરખવા લાગ્યા. તેમને યાદ આવ્યું કે આવતા તો યાયાવર પક્ષી સાથે હતું પણ હવે ? તેમને ફડલબીનો રસ્તો કોણ બતાવશે ?
ચંદ્રની ચાંદનીમાં અમાપ અસીમ દરિયો નિર્જન દેખાતો હતો. ડૉક્ટરને ભય લાગ્યો કે ફડલબી જતા કદાચ રસ્તો ભટકી જવાશે તો ?
પણ, તેઓ વિચાર કરતા જ હતા કે ધીરા ગણગણાટ જેવો વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યો. તે દૂર આકાશમાંથી આવતો હતો. બધા પ્રાણીઓ ‘આવજો’ કહેતા અટકી ગયા અને અવાજ સાંભળવા લાગ્યા.
ધીમે ધીમે અવાજ વધવા લાગ્યો. એ અવાજ તેમની નજીક આવી રહ્યો હોય એવું લાગતું હતું. તે અવાજ, પવનમાં ફરફર કરતા પત્તા જેવો અને છાપરા પર પડતા પાણીના ફોરાં જેવો હતો.
જિપે પોતાનું નાક ખેંચ્યું અને પૂંછડી ટટ્ટાર કરી બોલ્યો, “પક્ષીઓ, લાખો પક્ષીઓ આવી રહ્યા છે.”
અને તે બધાએ આકાશમાં મીટ માંડી. જાણે અસંખ્ય કીડીઓ હિજરત કરી રહી હોય એમ હજારો પક્ષીઓ આવી ચડ્યા. આખું આકાશ પક્ષીઓથી ભરાઈ ગયું છતાં, હજુ વધારે પક્ષીઓ આવી રહ્યા હતા. તે એટલી મોટી સંખ્યામાં હતા કે થોડી વાર માટે તો ચંદ્ર પણ ઢંકાઈ ગયો ; એકદમ અંધારું થઈ ગયું અને દરિયાનું પાણી કાળું દેખાવા લાગ્યું. જાણે તોફાની કાળા વાદળોએ સૂર્યને ઢાંકી દીધો હોય એવું એ દ્રશ્ય હતું.
અચાનક તે તમામ પક્ષીઓ નીચે ઊતર્યા અને પાણી તથા જમીન પર ચક્કર મારવા લાગ્યા. આકાશ ફરીવાર ચોખ્ખું થયું. ચંદ્ર પહેલાંની જેમ ચમકવા લાગ્યો. એક પણ પક્ષી કંઈ ગાતું, બોલતું કે રોતું ન હતું છતાં તેમની પાંખોના ફફડાટથી ભયંકર અવાજ ઉત્પન્ન થતો હતો. બાદમાં, બધા કોઈને કોઈ જગ્યાએ બેસવા લાગ્યા. તેમાંના કેટલાક રેતી પર તો કેટલાક વહાણ પર બંધાયેલા દોરડાંઓ પર બેઠા. ડૉક્ટરે જોયું કે ‘તમામ પક્ષીઓ વાદળી પાંખો, સફેદ ડોક અને પીંછાવાળા ટૂંકા પગ ધરાવે છે.’ જેવા તે તમામને બેસવા માટે જગ્યા મળી ગઈ કે સાવ સન્નાટો ફેલાઈ ગયો. પેલો અવાજ આવવો હવે બંધ થઈ ગયો હતો અને ફરી સ્મશાનવત્ શાંતિ ફેલાઈ ગઈ હતી.
તે નીરવ-શાંત વાતાવરણમાં જ્હોન ડૂલિટલ બોલ્યા, “મને ખબર ન્હોતી કે આફ્રિકામાં આટલો લાંબો સમય નીકળી જશે. આપણે ફડલબી પહોંચીશું ત્યારે ત્યાં ઉનાળો ચાલતો હશે. એટલા માટે તો આ પક્ષીઓ પાછા જઈ રહ્યા છે. હે પક્ષીઓ, અમારી રાહ જોવા બદલ આભાર. તમે અમારા માટે રોકાયા એ તમારી મહાનતા છે. હવે, આપણે ભૂલા પડીશું એવો ભય રાખવાની જરૂર નથી. લંગર ઉઠાવી સઢ ખોલી નાખો.”
અને વહાણ દરિયા પર તરવા લાગ્યું, આફ્રિકાનો કિનારો પાછળ છૂટવા લાગ્યો. દૂર જતા વહાણને જોઈ, ચી-ચી, પોલેનેશિયા અને મગર ઉદાસ થઈ ગયા. તેમણે તેમના જીવનમાં ડૉક્ટર ડૂલિટલથી અધિક કોઈને ય ચાહ્યા ન હતા. તેઓ હાથ હલાવીને આવજો કહેતા રહ્યા અને વહાણ દેખાતું બંધ થયું કે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા.
ક્રમશ :