રાષ્ટ્રધર્મ sagar chaucheta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાષ્ટ્રધર્મ

મેરા અને મધુ નો ત્યાગ

મેરા એ ફાટેલો ખાદીનો થેલો ખંભે ચડાવ્યો અને ઘોડિયામાં સુતેલા બે વર્ષનાં બાળકને માથે હાથ ફેરવી કપાળે ચુંબન કર્યું અને ઘરનો દરવાજો ઓળંગતા સામે ઉભેલી સ્ત્રી ના હાવભાવ થી ડધાઈને બોલ્યો “મને ખબર હતી તું પડખું ફેરવી જઈશ, તારા નિર્ણયો મારાં પર થોપવા લાગીશ માટે જ તને કહ્યા વિના જ જવું હતું. તું દરવાજાની સાંકળ બની ને ઉભી છો તો તને જણાવી દઉં કે હું એક બાળકનો પિતા છું. હવે હું નાનો નથી કે તારી દરેક વાત માનું હું જાઉં છું મને રોકવાનો પ્રયત્ન ન કરતી.”

સામે ઉભેલી સ્ત્રીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો છતાં મેરો કોઈ વિદ્રોહ કરતો હોય તેવી રીતે આ સ્ત્રી સામે વાત કરતા આગળ બોલ્યો “ ચકલીનાં બચ્ચા માળામાં ત્યાં સુધી જ રહે જ્યાં સુધી પોતાની પાંખો થી ઉડતાં ન શીખે, ઉડતાં આવડે એટલે પોતાનાં નિર્ણયો જાતે જ લેતાં હોય અને તેની માતા પણ તેને ચાચમાં ભરીને ખવડાવવા નું બંધ કરીદે છે. કેટલાં દિવસ સુધી તું મને ખવડાવીશ ? હું મારાં નિર્ણય પર અડગ છું અને આ ઘરનો ત્યાગ કરવાનો મેં નિર્ણય કરી લીધો છે.”

મેરા ની વાત ચાલુ હતી ત્યાં જ ઘોડિયામાં સુતેલાં બાળકનો રડવાનો અવાજ સંભળાયો અને તે સ્ત્રી પૂરી વાત સાંભળ્યા વિના રડતાં બાળકને શાંત કરવાં માટે અંદર પહોચી ઘોડીયાની દોરી હલાવી બાળકને શાંત કરી ને દબાયેલાં અવાજ માં બોલી “ તારે જવું છે તો જા હું કોણ તને રોકવાંવાળી ? તને કોઈ તકલીફ થતી ત્યારે મેં તને આવી રીતે જ ચુપ કરાવ્યો હતો.તારું મારા પ્રત્યે વર્તન બદલાઈ જશે તેવું મેં સપને પણ વિચાર્યું નહોતું.”

મેરા એ વાત કાને ન ધરી અને પોતાની વાત શરુ રાખી “મને કોઈ તકલીફો થશે તો હું તેના માટે કોઈને દોષ નહિ આપું અને મને તે સાચવ્યો તે તારી ફરજ હતી. મારા નિર્ણય ને હું બદલી ન શકું.”

રૂપાએ મેરા નું બાવડું પકડી ઘર બહાર ખેચી ને લઇ જતાં કહ્યું “ભાઈ, કોણ પડખું ફેરવે છે હું કે તું ? તારે જવું છે તો જા તને રોકવાનો મારો કોઈ ઈરાદો નથી. અરે હું તો તારું મોઢું જોવા પણ તૈયાર નથી. આ નિર્વાક બાળક પ્રત્યે તારી કોઈ કાર્યધુરા નથી ? જ્યારે આ બાળક મોટો થશે અને પૂછશે કે મારો બાપ ક્યાં છે ત્યારે શું જવાબ આપું તેને ? એમ કહું કે તે તને છોડી ને દેશ ધર્મ નિભાવવા ગયો છે ? જેલમાં સડવા ગયો છે ? એવી ક્રાંતિ કરવા ગયો જેનો અંત કાલાપાણીની સજા અથવા મૃત્યુ દંડ હોય ? હું તારી સગી બહેન નથી પરંતુ તને સમજદાર બનાવ્યો તેનો બદલો તું આવી રીતે આપીશ તારા બાળક નો શું વાંક છે ?

મેરા એ ગુસ્સામાં કહ્યું “આ બાળક હજી બોલતાં નથી શીખ્યો માટે તેને મારી સાથે ન લઇ જઈ શકું. તું તેનું ધ્યાન રાખજે અને મારા વિષે સાચી માહિતી તું આપીશ તે મને પૂરો વિશ્વાસ છે. આમ તો સિંહ ના ઘરે સિંહ જ પાકે પણ તે બકરી ન બને તેનું ધ્યાન રાખજે.”

રૂપાએ ભાવનાત્મક સંબંધો થી પણ મેરા ને રોકવાનો પ્રયત્ન કર્યો પણ મેરો તો દેશ કાર્ય માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરવા તત્પર હતો. તે કોઈનું સાંભળે ખરો?

રૂપાએ મેરાને રોકવાં અંતિમ પ્રયન્ત કર્યો તેણે આક્રંદ સાથે કહ્યું “હું તારી સગી બહેન નથી માટે તું મારું કહ્યું નથી માનતો. શું મારો તારા પર કોઈ અધિકાર નથી ? હું આ બાળકને ગમે તેટલો સાચવું એક દિવસ તે પણ તારી જેમ જતો જ રહેશે. મારું કોણ ?”

મેરાએ કહ્યું “ બહેન તું મારી સગી બહેન થી પણ વિશેષ છો, મને ભાવોત્કંપીતા થી ડગાવી નહિ શકે. મેં પહેલાજ કહ્યું હતું કે હું મારા નિર્ણય પર અડગ છું. હું નહિ જાઉં તો દેશ માટે કોણ લડશે ? મારા બાળક માટે તો તું છો દેશ માટે કોઈએ તો જવું જ પડશે ? બધા પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર ઘરે બેઠા હશે તો આ અંગ્રેજો સાથે કોણ લડશે ? હું પ્રતિજ્ઞા થી બંધાયેલો છું મારે જવું પડશે. ભારતમાતા પ્રત્યે મારું ઋણ ચુકવવું પડશે.”

રૂપાએ કહ્યું “ તારી પત્ની ને ખબર છે કે તું જાય છે ? તું થોડી વાર રોકાઈ જા મધુ હમણાંજ આવતી હશે. તેને મળી ને જ જે એ તારી અર્ધાગીની છે.”

રૂપા અને મેરા નો સંવાદ ચાલતો હતો ત્યારે મધુ ત્યાં પહોચી અને ચહેરાનો ભાવ બદલ્યા વિના માથે ઘૂમટો તાણીને બોલી “તમે હજી સુધી જવાની તૈયારી નથી કરી પુત્ર મોહ કે બહેન ની લાગણીએ બંધાઈ ને પાછા પગ તો નથી વાળતાં ને ? જો પાછી પાની થાય તો સમજજો હું આયરાણી છું.તમારાં જીવતા વિધવા ની જેમ જીવવામાં મને સંકોચ નહિ થાય.”

મધુ ની ગંભીર ચેતવણી થી રૂપાને કાળજું થીજી ગયું હોય તેવો ધ્રાસકો પડ્યો અને રૂપાએ ઊંધા હાથની એક થપ્પડ મધુ ના સુંવાળા ગાલ પર છાપી દિધી.

“હું મારાં ભાઈને તારા માટે રોકવાનો પ્રયત્ન કરતી હતી અને તે તેનાં વિશે આવો હલકો વિચાર કર્યો ? તને ખબર પણ પડે છે કે તું શું બોલી છો ?”

“માફ કરજો રૂપા બહેન હું એક દેશભક્ત આહિર ની પત્નિ છું જો મારાં પતિ દેશના કામ ન આવી શકે તો મારા આ બાળકને મોટા થયા બાદ શું કહીશ કે તારા કારણે તારો બાપ દેશનાં કામ ન આવ્યો? એના કરતાં તો હું વાંઝણી રહી હોત તો સારું હતું.” મધુ એ ફરી એકવાર બળતામાં ઘી હોમયુ.

મેરા એ રૂપાના પગે હાથ લગાડીને કહ્યું “બહેન, મારાથી કોઈ અસભ્યતા થઈ હોય તો માફ કરજે પણ મેં અને મધુએ અમારી આગળની જીંદગી દેશના નામે કરી છે. આ બાળક હવે તારી જવાબદારી છે. તેને અમારાં વિશે જણાવવાની જરૂર પડે તો જણાવજે.”

રૂપા તેનાં ભાભી મધુ ને ભેટી ને બોલી “આ મેરો નાનો હતો ત્યારે મારી માડી પાસે મૂકી તેના માતા પિતા અંગ્રેજો સામે લડવા માટે રાજા સાહેબ ની સેના સાથે ગયા અને હજી સુધી પાછા નથી આવ્યા. હું દશ વર્ષની હતી ને આ ત્રણ વર્ષનો મેં એને ભાઈ થી વધુ દીકરો માન્યો છે. મારી માડી દેવ થઈ ત્યારે મને આની જવાબદારી સોંપીને ગઈ હવે તે મારા કહ્યા માં નથી મને થયું કે તું એને સમજાવીશ તો સમજી જશે પણ તું એ તેના જેવી નીકળી, અમે તો ચારણ છીએ માતાજી ને પ્રાર્થના કરી શકીએ કે બધાને સાજા વાના રાખે બાકી તો જેના નસીબ માં જે લખ્યું હોય એ જ થવાનું. મેં તને લાફો માર્યો તેને મારો પ્રેમનો આશીર્વાદ સમજી ને જાઓ બેય ભારતમાતા તમારા તમારી રક્ષા કરે આ સાવજ જ્યારે મોટો થશે ત્યાં સુધી તમારા ત્યાગ ની વાત એનાં કાનમાં કહેતી રહીશ એક દિવસ એ પણ એની પત્ની સાથે દેશનું કામ કરવા નીકળશે ને મારો ભવ તરી જશે.

મધુ અને મેરો પાછુ જોયા વિના દેશ કાજે નીકળી ગયા…

આગળ ની વાર્તા આવતાં અંકે…

|| ભારતમાતા ની જય ||


-સાચો

06-11-2018