ગુલામી નો અંત
(ઈ.સ. ૧૯૪૭ ૧૫મી ઓગષ્ટ, ભારત દેશ સ્વતંત્ર થયો. દેશ પર થી ૧૫૦ વર્ષો થી છવાયેલા ગુલામીના લોહિયાળ વાદળો હટતા દેશવાસીઓ પાછલા બધા દુખો ભૂલી ને સ્વતંત્રતા નો આનંદ માણવા રાજધાની પર એકઠા થયા. પરંતુ એ જ સમયે બનેલી એક ઘટના.)
રંગુનની જેલમાં કાલાપાની સજા યાતના ભોગવનારા સ્વાધિનતા સેનાનું જહાજ મધદરીએ પહોંચ્યું ત્યારે એક સૈનિક અધિકારીએ સૈનિકને ધીમા પણ ધમકી ભરેલા અવાજે બોલાવી કહ્યું “કિસી કો કુછ હોના નહિ ચાહીએ. અગર કુછ હોગા તો હમ તુમારા ચમડે સે બેલ્ટ બના દેંગે. જહાજ કે કપ્તાન કો બોલ કર આઓ."
"જી સાહેબ" - બોલીને સલામ કરતો તે જહાજના કપ્તાન પાસે અધિકારી ની સૂચના પહોંચાડી આવતો હતો ત્યારે તેનું ધ્યાન એક ખૂણામાં ઉભેલા વ્યક્તિ પર ગયું.
અર્ધનગ્ન શરીરે ઉભેલા યુવાન ના ચહેરા અને પીઠપર ચાબુક ના તાજા નિશાન કસાયેલા શરીરની મજબુતી અને તીવ્ર દેશભક્તિ દર્શાવી હતી. ટૂંકા વાળ, પગ અને હાથમાં મોટી સાંકળ વીરતા ના આભૂષણો જેવા લાગતાં હતાં. અંગ્રેજ નો સૈનિક તેની પાસે જઈ બોલ્યો "એય જહાજ થી ભાગવાનું વિચાતો હોય તો રહેવા દેજે. તારા શરીર પર સમુદ્ર નું થોડું પાણી પણ લાગશે તો તેની પીડા તું સહન નહીં કરી શકે અને એમ પણ આ જહાજ મધદરિયે છે. શાંતિથી તારી કોટડી માં જતો રહે..."
યુવાન ગુસ્સામાં જવાબ આપવા પાછળ ફર્યો તેની આંખોમાં દેશદાઝ નો જ્વાળામુખી ફાટુ ફાટુ થતો દેખાતો હતો. સાકળ બાંધેલા હાથે અંગ્રેજ સૈનિક ને એક હાથે ઉપાડી યુવાને કહ્યું "ભુરીયા સમુદ્ર ગમે તેટલો ખારો હોય તારા સાશન વિરુદ્ધ મારી રગોમાં ભરેલી ખારાશ થી વધુ ન હોય શકે." આટલું બોલીને સૈનિક ને નીચે પટક્યો.
સૈનિક ગુસ્સામાં બબડતો અધિકારી પાસે તેને સજા આપવા કહ્યું. અધિકારીએ તેને સમજાવતા કહ્યું " હમકો ઉપર સે ઓડર આયા હે કી જબતક કેદી કલકતા જેલ તક નહિ પહુચે કિસી ભી કેદી કો મારના નહિ.સારે કેદી કો સલામત પહુચાના હમારી મજબૂરી હે નહીતો હમ ઉસકો ઇસી જહાજ સે ફીક્વા દેતે." અધિકારીની વાત અધકચરી સાંભળી ને સૈનિક નો જુસ્સો વધી ગયો ઉપર થી આવેલા આદેશ વિશે તેણે ધ્યાન ન આપ્યું અને જહાજ પર પડેલી મીઠા ની બોરી માંથી એક મુઠ્ઠી મીઠું લઇ ને તે યુવાન પાસે ગયો અને તેના શરીરના ઘાવ પર ઘસી નાખ્યું. અંગ્રેજ સૈનિક ની આ કરતુત ની એ યુવાન પર જરા પણ અસર ન થતાં સૈનિક વધુ ગુસ્સે થયો. અને કાંટાળી ગદા જેવા હથિયાર થી તેના શરીર પર વાર કર્યો. 'સિંહ સાંકળે બાંધેલો હોય તો પણ તે સિંહ જ કહેવાય' સૈનિક નો આ વ્યવહાર નવો ન હતો. યુવાન સાવજ પણ માભોમ ની સ્વતંત્રતા માટે કાલાપાની સજા ભોગવતો હોય તે આવી યાતના થી ટેવાયેલો હોય. જેનાં જીવનનું અંતિમ લક્ષ્ય જ પૂર્ણ સ્વતંત્રતા હોય તે એક મુઠ્ઠી મીઠાથી ન ડરે. ગુસ્સે થયેલા સૈનિકના પ્રહારની તીવ્રતા વધવા માંડી અંતે યુવાન મૂર્છિત થયો. સૈનિકે મૂર્છિત યુવાન ના શરીર ના ઘાવ ને વધુ પીડા આપવા અને અપમાનિત કરવાં તેના મોઢા અને પીઠ પર પેશાબ કર્યો. તેનાથી પણ તેને શાંતિ ન થઇ અને એક લાકડાનો ટુકડો તેના બે પગ વચ્ચે મારી ને બોલ્યો " ઓડર મારા અધિકારીને મળ્યો છે, મને નથી મળ્યો."
કેદીઓને કલકતા બંદરે થી કલકતા ની જેલમાં પહોચાડવા માં આવ્યા. મૂર્છિત યુવાન ક્રાંતિકારી ને પણ કલકતા જેલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા. જે સૈનિકે તેના પર અત્યાચાર કર્યો તે સૈનિક પણ તેની સાથે એટલા માટે ગયો કે જ્યારે પણ ભાનમાં આવે ત્યારે ફરી તેને બેભાન કરી દઈએ જેથી કરી તે યુવાન કોઈ અધિકારી સુધી ફરિયાદ ન પહુચાડી શકે.
સાંજના સમયે તાર દ્વારા બધા કેદીઓને મુક્ત કરવાં આદેશ થયો. ગુલામીની સાંકળો ખુલવા માંડી એક એક કરીને બધા સ્વતંત્રતા સેનાની જેલ મુક્ત થયા. પણ એ સાવજ યુવક હજી જીવન કે મૃત્યુ ના કિનારે પહોચ્યો ન હતો. રાત્રીના બાર વાગતાં સાથે ભારત સ્વતંત્ર દેશ જાહેર થયો. માતૃભુમીની સ્વતંત્રતા માટે પ્રહાર સહન કરનાર હજી મૂર્છિત હતો. બીજા દિવસે સ્વતંત્રતા નો સુરજ ઉગતા સાથે મૂર્છિત યુવક ના શરીરમાં નવા રક્તનો સંચાર થયો. તેણે આંખો ખોલી ચારે બાજુ જોયું અને બોલવાનો પ્રયત્ન કર્યો.
જેલના દવાખાના માં ઉભેલા સફેદ કપડાં વાળા વ્યક્તિ પર નજર પડી તેને પૂછ્યું "હું ક્યાં છું ? તમે કોણ છો? અંગ્રેજ ક્યાં ગયો ?" ત્યાં ઉભેલા દાક્તરે તેને તપાસી ને પોતાના હોઠ પર આંગળી મૂકી ચુપ રહેવા ઈશારો કર્યો પછી બોલ્યા "આપ બિલકુલ ચિંતા ન કરો આપ દવાખાને છો અને હું દાકતર છું. તમે સ્વસ્થ થઈ જાઓ એટલે બધી વાત વિગતે કરીશ. તમે હવે આઝાદ ભારતમાં છો." -દાક્તરે આઝાદ ભારતમાં છો કહ્યું ત્યાં તો એ યુવાન પોતાના હાથ પગ અને ચહેરા પર હાથ ફેરવી ને તરત ઉભો થઇ ને આશ્ચર્ય અને તીવ્ર ખુશીથી બોલવા લાગ્યો " ડોક્ટર હું ઠીક છું... શું ભારત હવે સ્વતંત્ર છે ? અંગ્રેજ દેશ છોડીને જતાં રહ્યા ? હું સપનું તો નથી જોતો ને ? કેટલા સમય થી હું અહિયાં છું ? કોણે આપણને આઝાદી અપાવી ? ડોક્ટર મને બધા જવાબ આપો, મારી માતૃભુમી એ અત્યાચારી અંગ્રેજો ના આતંક થી મુક્ત થઇ... વાહ..." ઊંડો શ્વાસ લઇ ઉચ્છવાસ સાથે આગળ બોલવાનું ચાલુ રાખ્યું.
ડોકટરે તેને વધુ બોલતા અટકાવી એટલું કહ્યું "આપણે આઝાદ છીએ... આપ ચાલી શકો તો બહાર ચક્કર મારી જુઓ, આજે પૂરો દેશ ખુશીથી નાચી રહ્યો છે.કાલે રાત્રે ગુલામી ની કાળરાત્રી નો અંત થયો. તમે નસીબદાર છો કે આજે જ આઝાદી મળી અને આજે જ તમે ઠીક થયાં. એક વાત ન સમજી શક્યો કે એક અંગ્રેજ સૈનિક આપને છોડીને જવા તૈયાર ન હતો. કાલે સાંજે તેને તાર આવ્યો ત્યારે તે ખુબજ દુઃખી થઈને અહીંયા થી ગયો. શુ એ તમારો મિત્ર હતો? તમારા માટે તેણે ઘણી વખત પૂછ્યું પણ હતું."
થોડા કલાકો પહેલાં જીવન મરણ વચ્ચે ઝૂલતો માણસ અચાનક પોતાના પગ પર દોડવા લાગ્યો તે ખરેખર ચમત્કાર જ હતો. તે દોડીને હોસ્પિટલ બહાર નીકળ્યો. દરવાજા પાસે તેને અંગ્રેજ સૈનિક મળ્યો. ક્રાંતિકારીને પોતાના પગ પર ચાલતો જોઈ અંગ્રેજ સૈનિક ગભરાઈ ગયો. યુવાન ક્રાંતિકારી એ ભાન માં આવ્યા બાદ ડૉક્ટર પાસે સાંભળેલી વાતનાં કારણે અંગ્રેજ ને પોતાનો મિત્ર સમજી ગળે લગાવી લીધો. અંગ્રેજ કશું સમજી ન શક્યો પરંતું તેને ગેરવર્તુણક બાબતે અફસોસ જરૂર થયો. એ શરમ થી આંખમાં આંખ ન મેળવી શક્યો અંતે અંગ્રેજી ની આંખો ભરાઈ આવી ગળગળા અવાજે બોલવાનો પ્રયત્ન કરતો અંગ્રેજ બોલે તે પહેલાં જ ક્રાંતિકારી એ કહ્યું "મિત્ર મને ખબર છે કે તું ભારત છોડતાં પહેલાં મારી માફી માંગવા આવ્યો છો, તું પણ શું કરત તારી ફરજ હતી તારા શાસકો ને ખુશ કરવાની, મારી ફરજ હતી મારી ભોમકા ને સ્વતંત્ર કરવાની તું તારું કામ કરતો હતો અને હું મારું..."
અંગ્રેજે કશું પણ બોલ્યા વગર પોતાના હાથમાં રહેલું અખબાર આપીને કહ્યું "હું તારી દેશ ભક્તિ સામે ખુદને ખુબ નાનો માનું છું... મને અફસોસ એ વાતનો છે કે મેં તને આટલી તકલીફો આપી છતાં તને મારા પર ગુસ્સો હોવાને બદલે સ્નેહ છે? તમે ભારતીય કઈ ધાતું માંથી બન્યા છો એ નથી સમજાતું? મને માફ કરી દે જે..." બોલતા સાથે અંગ્રેજ ત્યાંથી જતો રહ્યો.
હાથમાં આવેલું અખબાર છાતીએ લગાવી વાંચવાનું શરુ કર્યું “ગુલામી ની કાલ રાત્રી નો અંત. વાહ બાપુ તમે કરી બતાવ્યું દેશ હવે ગુલામ નથી. ઓ અંગ્રેજ સાંભળ્યું તે?” મુખ્ય ખબરો વાંચ્ય બાદ તેનું ધ્યાન ‘પાકિસ્તાન’ શબ્દ પર પડ્યું.આનંદ શોક માં પરિવર્તિત થયો. ખુશીઓના આંસુઓ અચાનક રુદન બની ગયા નિસાસો નાખી ને બોલ્યો “ બાપુ આ તમે શું કર્યું? શું અમે દેશના ભાગલા જોવા માટે કાલાપાની ની સજા ભોગવી? મારી માતા ના ટુકડા કરવા વાળા તમે કોણ ? મેં અખંડ ભારતની આઝાદી ની કામના કરી હતી. માં ભારતી ના ટુકડા થયા અને હું આનંદ મનાવું ? આ દિવસ જોતા પહેલા હું મારી કેમ ન ગયો ? મને ફાસી કેમ ન મળી ? લટકાવી દયો મને ફાંસીના માચડે. માતા હું તારો અપરાધી છું.”
અંગ્રેજ સૈનિક ક્રાંતિકારી યુવાન નું રુદન સાંભળી તેની નજીક આવ્યો તેના ખભા પર હાથ મુકીને કહ્યું “હું તને મારો દુશ્મન સમજતો હતો ત્યારે મેં તને ઘણો ત્રાસ આપ્યો તારા પર ઘણા અત્યાચાર કર્યા છતાં તારી આંખોમાં આંસુ એક પણ ટીપું જોવા ન મળ્યું, આજે જ્યારે તારો દેશ આઝાદ થયો ત્યારે તું આ રીતે રડે છો ? ખરેખર ભારતીયો ને સમજવા ખુબ અઘરા છે.”
આંસુ ટપકતી આંખોએ ક્રાંતિકારી યુવાન બોલ્યો “તું મને ફાસી આપ હું જીવવા નથી માંગતો મારી માતા ના ટુકડે ટુકડા થયા અને હું કાઈ પણ ન કરી શક્યો. મને ફાસી આપ મને ફાસી આપ…” બોલતા બોલતા તે પડી ગયો. અંગ્રેજ સૈનિકે તેને બે હાથે થી હલબલાવ્યો પરંતુ તેણે પોતાના અંતિમ શ્વાસ પણ ગણી લીધા હતાં. ફરી ડોક્ટર પાસે લઈ જવાનો કોઈ ફાયદો ન રહ્યો. અત્યાચાર કરનાર અંગ્રેજ સૈનિકે તેના માટે આંસુઓ વહાવ્યા.
જે ક્રાંતિકારી ભારતનાં ટુકડા થયા તેના દુઃખથી માત્ર એક ક્ષણમાં પ્રાણ ત્યાગી ગયો તેનું નામ ઇતિહાસમાં ક્યાય લખાયું નથી તેના પર અત્યાચાર કરનાર અંગ્રેજ ને પણ તેનું નામ પણ ખબર ન હતું તેને ખબર હતી તો માત્ર કેદી નંબર ૧૯૪૭. ૧૯૪૭ તેની ઓળખ અને એજ તેનો અંત…
નોંધ :
આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. પરંતુ આ વાર્તા માં દર્શાવેલી વેદના અને દેશભક્તિ નો અતુલ્ય ભાવ કાલ્પનિક નથી. કદાચ આ ઘટના નું કોઈ સાક્ષ્ય કે પ્રમાણ નથી પરંતુ સ્વતંત્રતા માટે લડતા એક ક્રાંતિકારી ને જેટલી ખુશી અને દુઃખનો અહેસાસ થયો આ વાર્તા લખતા સમયે મારી માનસિક સ્થિતિ પણ એ જ રહી જે આ વાર્તા નાં નાયક ની હતી.
આ વાર્તાનો હેતુ માત્ર અને માત્ર આઝાદી પહેલા ક્રન્તીકારીને થયેલી માનસિક અને શારીરિક યાતના પ્રત્યે લોકોની સમજ ઉદ્ભવે. આજે જે મૌલિક અધિકારો ની વાત આપણે કરીએ છીએ તે અધિકાર અપાવનારા અનેકાનેક ક્રાંતિકારીઓ માતૃભુમી માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી છે. તે દર્શાવવાનો જ છે.
ગુજરાતી ટાઈપ કરવામાં કદાચ ભાષાની અથવા શબ્દ ચયન કરવાની ભૂલો થઇ હોય તો તેને અવગણી વાર્તા ના ભાવ પર ધ્યાન આપવું.
આ કૃતિ મારી મૌલિક કૃતિ છે. જે કોપીરાઈટ ના નિયમો ને આધીન હોય મારા નામ વિના છાપનાર પર કોપીરાઈટ નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
માતૃભાષા ના નવા લેખકો અને માતૃભારતી ને આ વાર્તા સમર્પિત કરું છું.
સાગર ચૌચેટા
-સાચો
દિનાંક: ૧૫-૧૦-૨૦૧૮.
|| ભારતમાતા ની જય ||