Sukshmdrashta - 2 books and stories free download online pdf in Gujarati

સૂક્ષ્મદ્રષ્ટા ૨

ઘણા દિવસોથી ‘સૂક્ષ્મદ્રષ્ટા’ શ્રેણી ની આગળની વાર્તા લખવા માટે યોગ્ય દ્રષ્ટાંત શોધતો હતો. હું ખરેખર જે વ્યક્તિ વિશે માહિતી એકઠી કરી રહ્યો હતો તે વ્યક્તિ નો વીડિયો મને મોકલતા મારું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું.

સૂક્ષ્મદ્રષ્ટા વાર્તા શ્રેણી એ માત્ર વાર્તા નથી. માણસો ને માણસાઈ શીખવનારા સેવાવીર અને સામાજિક આદર્શ વ્યક્તિત્વ ની ઓળખ કરાવવાનું એક માધ્યમ પણ છે. આપણી આસપાસ ઘણા લોકો આ પ્રકારના સેવા કાર્ય કરતાં હોય છે પરંતુ તેની પાછળ તેઓ નો હેતુ માત્ર સેવા જ હોય છે. આજની વાત એવા જ એક વ્યક્તિ પર આધારિત છે.

આશરે પાંચ-છ વર્ષો પહેલા અમદાવાદ રેલવે સ્ટેશને શિયાળાની કડકડતી ઠંડીમાં કાલુપુર રેલવે સ્ટેશને ઉતર્યા બાદ અપૂરતા ગરમ કપડાં ને કારણે ઠંડી એટલી વધુ લાગી કે હાથમાં પકડેલી સૂટકેશ હાથ માંથી ક્યારે સરી ગઈ તેનું પણ ભાન ન રહ્યું, થોડો આગળ વધ્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે મારી સૂટકેશ…?

ઠંડીને કારણે કાન પણ સુન્ન થઈ ગયા હતાં, પાછળ ફરીને દોડવા માટે મુઠીઓ વાળી ત્યાં જોયું કોઈ દૂર થી મને બોલાવે છે અને મારી સૂટકેશ તેના હાથમાં ઉંચી કરીને બતાવે છે. હવે દોડવાનો કોઈ અર્થ ન રહ્યો કેમ કે કોઈ વ્યક્તિ જો તમારો સામાન પાછો આપવા માટે તમને રાડો નાખીને બોલાવતો હોય તો તે વ્યક્તિ તમારી વસ્તુ પાછી આપવાનો જ છે.

તેના પાસે પહોંચ્યા બાદ મેં મારી સૂટકેશ લેવા માટે તેના સામે હાથ લાંબો કર્યો પણ તેણે મને સૂટકેશ આપવાને બદલે ગરમ શાલ આપી અને સૂટકેશ લઈ મારી સાથે આવવાનો હોય તેમ ચાલવા લાગ્યો.

અમદાવાદ વિશે અમુક વડીલો અને મિત્રોએ મારા મનમાં ઘણી વાત કરી હતી એ પૂર્વાગ્રહ ને કારણે મને તે વ્યક્તિ પર ભરોસો ન થયો અને મારી સૂટકેશ માંગી સાથે એ પણ ધ્યાન આપ્યું કે તેને એવું ન લાગે કે મારા પર ભરોસો નથી.

તેણે કહ્યું “વજન નથી, હું ઉપાડી લઈશ.” તેના આગ્રહ ની અવમાનના ન કરી અને તે ભાગે નહીં તે માટે તેની નજીક ચાલતા ચાલતા તેનો પરીચય પણ લેવાનું ચાલુ રાખ્યું.

“અમદાવાદ ના છો?” તેણે પૂછ્યું.
મેં કહ્યું “હા, અમદાવાદ નો, તમે?”
“બોલી તો કાઠિયાવાડી જેવી છે.” તેણે જવાબ આપવા ના બદલે સવાલ કર્યો એટલે મેં સવાલ ફરી પૂછ્યો. “તમે કયા ના અહીંના કે બહારના ?” તેણે અમદાવાદી છું કહ્યું ને મારી ચિંતા વધી ગઈ. મનમાં વિચારતો જ હતો કે કયા વિસ્તાર ના છો તેમ ન પૂછે તો સારું ને તેણે એ જ સવાલ કરી ને મને મૂંઝવણમાં મૂકી દીધો. હવે કાઠિયાવાડી કચ્છી ને અમદાવાદ ના એક જ વિસ્તાર નું નામ આવડતું હોય ‘પાલડી’ મેં પણ પાલડી નું નામ ઠોકી દીધું. ત્યાં સુધી તો રેલવે સ્ટેશન ની બહાર સુધી પહોંચી ગયા હતા. હવે એ જ જોવાનું હતું કે કોઈ અમદાવાદ જેવા શહેરમાં મારી મદદ કરે છે કે બેગ લઈ ને ભાગે છે?

તેણે એક રીક્ષા પાસે જઈને મારી બેગ મને પરત કરી ને પૂછ્યું “કચ્છ જવું છે કે ભાવનગર?” મારી આંખોના ફાટી ગઈ કે આ ભાઈ મારી સાથે અહીં સુધી આવ્યો એટલી વારમાં મારે ક્યાં જવું છે તેની પણ માહિતી તેની પાસે આવી ગઈ હોય તો મને છેતરી ન શકે અથવા તો છેતરવાનું ચાલુ થઈ ગયું છે.

મને આટલી વાર સુધી તેનું નામ પણ ન ખબર પડી ને તે મારી વિશે માહિતી કઈ રીતે લીધી હશે? તેનાથી વધુ મને ખુશી તો એ થઈ કે બેગ મારી પાસે છે હવે ચિંતા જેવું કશું નથી.

“પાલડી જવું છે ને? બેસો આ રિક્ષામાં.”

હવે તો તે વ્યક્તિ ચોર નહીં પણ આતંકવાદી અથવા જાસૂસ લાગ્યો, મેં કોઈ લાજ શરમ વિના પૂછી જ લીધું “ભાઈ, મારા પર આટલો ઉપકાર કેમ ? આપને કેમ ખબર કે હું કચ્છ જાઉં છું, મારે પાલડી જ જવાનું છે? તમે જો મને લૂંટવા માંગતા હોય તો જણાવવા માંગીશ કે મારી પાસે 500 રૂપિયા થી વધુ નથી.” 

મારા સવાલોના પ્રત્યુત્તર માં માત્ર એક સ્મિત મળતાં મને થયું કે હું તેનું અપમાન કરું છું. ચારે તરફ નકારાત્મકતા ને કારણે એક વડીલ સમાન મદદ કરનાર વ્યક્તિ પર મેં અવિશ્વાસ કર્યા નો પછતાવો કરવા શુ કરવું? મેં બે હાથ જોડીને માફી માંગી. મદદ કરનાર વ્યક્તિ પ્રત્યે આદર અને પ્રેમનો ભાવ માત્ર તેના આછા સ્મિત થી જ આવ્યો. તેમના જવાબ થી વધુ હવે તે માફી આપે તે મહત્વનું લાગ્યું. તેમણે પણ મારી સામે હાથ જોડીને પોતાનું કદ ખૂબ ઊંચું કરી લીધું અને મેં પૂછેલા બધા સવાલોના જવાબ રિક્ષામાં બેસો પછી આપું કહ્યું. હું તે રિક્ષામાં બેઠો અને તે ભાઈ એ આગળ બેસીને રીક્ષા ચાલુ કરી મને થયું કે તે કુલી હશે પણ તે તો રીક્ષા ચાલક નીકળ્યો ! ચુપચાપ રીક્ષામાં બેસીને પાલડી પહોંચવાની રાહ જોઈ રહ્યો. રાતનો ઉજાગરો અને ઠંડો સૂસવાટા મારતો પવન અજાણ્યું શહેર અજાણ્યો માણસ આ બધું એક સાથે થઈ રહ્યું હોવાથી માથું ચકરાવવા લાગ્યું અન ઝોલું આવી ગયું ત્યાં તો એક જોરદાર બ્રેક લાગી અને મારા મોઢા માંથી ચીસ નીકળી “ઓહ… માડી.. ભાઈ જોઈને ચલાવો…”
“માફ કરજો એક કૂતરું અચાનક આડુ આવી ગયું હતું, તમે સુઇજાઓ હવે ધ્યાન રાખીશ.”
મારા સ્વભાવ પ્રમાણે મને તેના પર ગુસ્સો આવવો જોઈએ પણ ગુસ્સો ન આવ્યો અને તે માણસ સજ્જન હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું હતું. આછા અજવાળામાં રીક્ષા ના કાચમાં તેના ચહેરા ના ભાવ સેવાભાવી અને કર્મપ્રિય વ્યક્તિ ના લાગતાં હતાં.

પાલડી બસ સ્ટેન્ડ પાસે મને ઉતારી મારી બેગ રીક્ષા થી નીચે ઉતારી બોલ્યો “આ રહ્યું પાલડી બસ સ્ટેન્ડ…”

મેં તેનો આભાર માની પૂછ્યું “કેટલા થયાં?”

તેણે એક ડબ્બો મારી સામે ધરી દીધો અને કહ્યું કે “તમે મારા આજનાં પ્રથમ પેસેન્જર છો તો તમારું ભાડું નથી લેવાનું પણ આવનારા પેસેન્જર માટે આપને જે ઠીક લાગે તે ભાડું આપ ચૂકવી શકો છો.”

આશ્ચર્ય સાથે મેં તે ડબ્બા એક નોટ મુકતા સાથે કહ્યું “ભાઈ! આ રીતે ધંધો ન થાય… આ તો હું છું કે પૈસા આપું છું. તમારા અમદાવાદ વિશે મેં જે સાંભળ્યું છે તેના પ્રમાણે તો આવા ધંધા કરશો તો ભૂખે મરશો.”

તેનું એક વાક્ય એ અમદાવાદ અને અમદાવાદીઓ માટે મારા મનનો પૂર્વાગ્રહ છોડવા માટે કાફી હતો.

તેણે કહ્યું “સારું શોધો તો સારું મળે, સારપ અને ખરાબી તો દરેકમાં હોય પણ તમે જેવાં વિચાર કરો તેવું મળે તે જિંદગી. તમે તમારા ગામ જઈને જ્યારે અમદાવાદ વિશે વાત કરશો ત્યારે અમદાવાદ વિશે તમે ખુશ થઈને કહેશો મારું ભાડું તો એ જ છે.” 

પાંચ છ વર્ષ બાદ શ્રી ઉદયસિંહ જાદવ નો આ કાર્ય સાતત્ય પૂર્વક કરતો વીડિયો જોયો અને તેના પર ઈન્ટરનેટ અને સમાચાર પત્રો માં સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે મહાન અભિનેતા શ્રી અમિતાભ બચ્ચન, પૂજ્ય શ્રી મોરારીબાપુ એ પણ એ સેવાધારી રીક્ષા ચાલક ની રીક્ષા માં બેસવાનો લાભ ઉઠાવ્યો છે.

સૂક્ષ્મદ્રષ્ટા વાર્તા શ્રેણી નો બીજો અંક શ્રી ઉદયસિંહ જાદવ ને પૂર્ણ સમર્પિત કરતાં મને ખુશી થાય છે…

આ વાર્તા માત્ર વાર્તા નથી સત્ય ઘટના છે. મારી વાર્તા અથવા તેના કોઈ પણ ભાગને મારી મંજૂરી વિના કૉપી કરવો કે પ્રકાશિત કરવો કોપીરાઇટ્ નું ઉલ્લંઘન ગણાશે. આપના અભિપ્રાય આપશો તો ખૂબ આનંદ થશે.

- સાચો
૦૧-૦૧-૨૦૧૯

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED