6 : રાજા અને પોલેનેશિયા
ગીચ જંગલમાં થોડી મુસાફરી કર્યા બાદ તેઓ ખુલ્લી જગ્યામાં આવી પહોંચ્યા. ત્યાં રાજાનો, લીંપણ કરીને બનાવેલો માટીનો મહેલ હતો.
આ એ જગ્યા હતી જ્યાં રાજા પોતાની રાણી અને દીકરા સાથે રહેતા હતા. માછલી પકડવા નદી કિનારે ગયેલો રાજકુમાર ‘બમ્પો’ ત્યાં હાજર ન હતો, પણ રાજા-રાણી મહેલના દરવાજા પાસે છત્રી નીચે બેઠા હતા. રાણી ‘અર્મીન્ટ્ર્યુડ’ ત્યાં બેઠા બેઠા જ સૂઈ ગઈ હતી.
જયારે ડૉક્ટર મહેલમાં પ્રવેશ્યા ત્યારે, રાજાએ તેમની પૂછપરછ કરી અને ડૉક્ટરે આફ્રિકા આવવાનું કારણ જણાવ્યું.
“તમે મારા રાજ્યમાંથી મુસાફરી નહીં કરી શકો.” રાજાએ કડકાઈથી કહ્યું. “ઘણા વર્ષો પહેલાં એક સફેદ માણસ દરિયાપારથી આવ્યો હતો ; હું તેની સાથે સારી રીતે વર્ત્યો હતો, પણ પછી તેણે સોનું મેળવવા જમીનો ખોદી અને કીમતી દંતશૂળ મેળવવા કેટલાય હાથીઓની કતલ કરી. તે મને મળ્યા વગર કે મારો આભાર પણ વ્યક્ત કર્યા વગર મને અંધારામાં રાખી, તેના જહાજમાં ભાગી ગયો હતો. ત્યારથી મેં નક્કી કર્યું છે કે જોલિગિન્કીની જમીન પર કોઈ ધોળિયાને પગ નહીં મૂકવા દઉં.”
પછી, રાજાએ ઊલટા ફરી પાછળ ઊભેલા હબસીઓને આદેશ આપ્યો, “આ ડૉક્ટરને અને તેના તમામ પ્રાણીઓને અહીંથી લઈ જાવ. તેમને કાળકોટડીમાં પૂરી દો.”
માટે, ત્યાં ઊભેલા કાળા માણસોમાંથી કેટલાકે ડૉક્ટર અને તેના પ્રાણીઓને અંધારકોટડીમાં પૂરી દીધા. બંદીખાનામાં ફક્ત એક નાનકડી બારી હતી. દીવાલમાં ખાસ્સી ઊંચાઈ પર રહેલી તે બારી પણ લોખંડના સળિયાથી જડાયેલી હતી. દરવાજો જાડો અને મજબૂત હતો.
હવે, તે બધા ખૂબ દુખી થઈ ગયા. ભૂંડ ગબ-ગબ તો રડવા લાગ્યું, પણ ચી-ચીએ તેને ધમકાવતા કહ્યું, “જો તું તારો રડવાનો અવાજ બંધ નહીં કરે તો હું તને ચાપટ મારી દઈશ.” માટે, ગબ-ગબ ચુપ થઈ ગયું.
“બધા આવી ગયા કે કોઈ બાકી છે ?” અંધારકોટડીના ઓછા પ્રકાશમાં આંખો ટેવાતા ડૉક્ટરે પૂછ્યું.
“હા, લગભગ.” બતકે કહ્યું અને એક પછી એક માથા ગણવા લાગ્યું.
“પોલેનેશિયા ક્યાં છે ?” મગરે કહ્યું, “તે દેખાતો નથી.”
“શું વાત કરે છે ?” ડૉક્ટરથી બોલી જવાયું. “ફરીથી ગણો. પોલેનેશિયા, એ પોલેનેશિયા, તું ક્યાં છે ?”
“મને લાગે છે કે તે ભાગી ગયો છે.” મગરે ફરિયાદ કરી. “વારુ, તે એવો જ હતો. જેવા તેના મિત્રો મુસીબતમાં ફસાયા કે તે પાતળી ગલીથી નીકળી ગયો.”
“હું તેવો સ્વાર્થી નથી” કહેતો પોલેનેશિયા ડૉક્ટરના કોટના પાછલા ખિસ્સામાંથી બહાર નીકળ્યો. “હું બારીના સળિયામાંથી સરકી શકું એટલું નાનું કદ ધરાવું છું, માટે મને બીક હતી કે રાજા મને જેલના બદલે પાંજરામાં પૂરાવી દેશે. તેથી જ રાજા જયારે ડૉક્ટર સાથે વાતો કરવામાં મશગૂલ હતો, હું ડૉક્ટરના કોટના ખિસ્સામાં સંતાઈ ગયો હતો. આને ‘ચાલ’ કહેવાય, સમજ્યો !” પોતાની ચાંચથી પીંછા સરખા કરતા પોપટે કહ્યું.
“હે ભગવાન,” ડૉક્ટરથી ઊંચા સાદે બોલી જવાયું, “તું નસીબદાર છે કે હું તારા પર બેસી ન ગયો.”
“એ વાત છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો.” પોલેનેશિયાએ કહ્યું. “આજે રાત્રે જેવું અંધારું જામશે કે હું ચુપકીથી બારીમાંથી નીકળી મહેલ તરફ ઊડી જઈશ. અને પછી... હું એવું કંઈક કરીશ કે રાજા આપણને બધાને છોડી મૂકે.”
“ઓહ, પણ તું એકલો શું કરી શકીશ ?” ગબ-ગબ પોતાનું નાક લૂછી ફરી રડવા લાગ્યું. “તું તો નાનકડું પક્ષી છે.”
“એકદમ સાચું.” પોપટે કહ્યું. “હું એક નાનકડું પક્ષી છું. પણ, તું ભૂલી જાય છે કે હું માણસની ભાષામાં બોલી શકું છું. બીજું એ કે હું આ માણસોને સારી રીતે ઓળખું પણ છું.”
પછી તે રાત્રે, ચંદ્રની ચાંદની તાડીઓ પર રેલાવા લાગી ત્યારે, રાજાના માણસો ઊંઘમાં સરી પડ્યા. બહાર સન્નાટો ફેલાતા સાવધાન પોપટે જેલની બારીમાંથી ચારે બાજુ નજર દોડાવી અને ધીમેથી બારીની બહાર નીકળી, મહેલ સુધી પહોંચી ગયો. મહેલાના કોઠારની બારીનો કાચ અઠવાડિયા પહેલાં જ તૂટી ગયો હતો. પોલેનેશિયાએ તે ફૂટેલા કાચમાંથી અંદર જોયું.
મહેલની પછીતે આવેલા બેડરૂમમાં પોઢેલા રાજકુમાર બમ્પોના નસકોરાનો અવાજ, અહીં સુધી સંભળાતો હતો. પોપટ બારીમાંથી અંદર ગયો અને પગના પહોંચા પર ચાલતો ચાલતો - અવાજ ન થાય તેમ - પગથિયાં ચડવા લાગ્યો. એવી રીતે તે રાજાના બેડરૂમ સુધી પહોંચ્યો અને હળવેકથી બેડરૂમનો દરવાજો ઉઘાડ્યો.
રાણી તેના પિતરાઈની ડાન્સપાર્ટીમાં ગઈ હતી, માટે રાજા રૂમમાં એકલો જ હતો. તે ય ગાઢ ઊંઘમાં પોઢેલો હતો. આથી, પોલેનેશિયા એકદમ કાળજીપૂર્વક અંદર પ્રવેશ્યો અને પલંગ નીચે છુપાઈ ગયો. પછી, જેવી રીતે ડૉ. ડૂલિટલ ખાંસતા એવી જ રીતે તેણે ઉધરસ ખાધી. પોલેનેશિયા કોઈની પણ નકલ બહુ સારી રીતે કરી શકતો.
ઉધરસનો અવાજ સાંભળી રાજાએ પોતાની આંખો ખોલી અને ઊંઘમાં જ બબડ્યો : “અર્મીન્ટ્ર્યુડ, તું આવી ગઈ ?” (તેને લાગ્યું કે રાણી ડાન્સપાર્ટીમાંથી પાછી આવી ગઈ છે.)
પોપટે ફરી એક વાર ઉધરસ ખાધી અને રાજા બેઠો થઈ ગયો. તેની ઊંઘ એકદમ ઊડી ગઈ. તેણે પૂછ્યું, “ક્ક્કોણ છે?”
“હું ડૉ. ડૂલિટલ છું.” જેવી રીતે ડૉક્ટર ડૂલિટલ બોલતા એવી જ રીતે પોપટે કહ્યું.
“પણ, તું મારા બેડરૂમમાં શું કરે છે ?” રાજા બરાડી ઉઠ્યો. “જેલમાંથી ભાગી છૂટવાની તારી હિંમત કેવી રીતે થઈ ? તું મને દેખાતો નથી, તું ક્યાં છે ?”
પણ, જવાબમાં પોપટ ફક્ત હસ્યો, જેવું ડૉક્ટર હસતાં એવું જ આનંદી, ઉલ્લાસપૂર્ણ અને ખડખડાટ...
“હસવાનું બંધ કર અને અત્યારે જ મારી સામે હાજર થા જેથી હું તને જોઈ શકું.” રાજાએ હુકમ કર્યો.
“મૂરખના સરદાર !” પોલેનેશિયાએ જોરથી કહ્યું. “તને ખબર નથી કે તું દુનિયાના સૌથી અદ્ભુત માણસ સાથે વાત કરી રહ્યો છે. બેશક, તું મને નહીં જોઈ શકે કારણ કે મેં મારી જાતને અદ્રશ્ય કરી દીધી છે. દુનિયામાં એવું કોઈ કામ નથી જે હું ન કરી શકું. હવે, ધ્યાનથી સાંભળ, હું તને એક ચેતવણી આપવા આવ્યો છું. જો તું મને અને મારા પ્રાણીઓને તારા રાજ્યમાંથી પસાર નહીં થવા દે તો હું તને અને તારા માણસોને વાંદરાઓની જેમ બીમાર કરી નાખીશ. હું ખાલી ટચલી આંગળી ઊંચી કરીને માણસોને સાજા કે બીમાર કરી શકું છું. માટે, અત્યારે જ તારા સૈનિકોને મોકલી અંધારકોટડીના દરવાજા ખોલાવી દે નહિતર સવારનો સૂર્ય જોલિગિન્કીના શિખરો પર દેખા દેશે એ પહેલાં તને ગાલ-પચોળિયાં થઈ જશે.”
આ સાંભળી રાજા ખૂબ ગભરાઈ ગયો. તે ધ્રૂજવા લાગ્યો.
“ડૉક્ટર, તમે કહો છો એવું જ થશે. પ્લીઝ, તમારી ટચલી આંગળી ઊંચી ન કરતા.” રાજા એકદમ ઢીલો પડી ગયો અને કૂદીને પલંગ પરથી નીચે ઉતરી ગયો. તે તરત જ સૈનિકો પાસે દોડી ગયો અને તેમને જેલના દરવાજા ખોલવાનો હુકમ આપ્યો.
આ બાજુ જેવો રાજા બહાર ગયો કે પોલેનેશિયા, આવ્યો હતો તે રીતે, પગથિયાં ઉતરી કોઠારની બારીમાંથી ગળકી બહાર ઊડી ગયો.
પણ રાણી, જે હમણાં જ પોતાની પાસે રહેલી વધારાની ચાવીથી તાળું ખોલી મહેલમાં પ્રવેશી હતી તેણે પોપટને ઊડી જતા જોયો. જેવો રાજા સૂવા માટે પાછો ફર્યો કે રાણીએ તેને પોપટ વિશે જણાવ્યું.
રાણીની વાત સાંભળી રાજાને સમજાઈ ગયું કે પોપટે તેને બેવકૂફ બનાવ્યો છે. આથી, રાજાને ભયાનક ગુસ્સો આવ્યો. તે તરત જ જેલ તરફ ભાગ્યો, પણ મોડું થઈ ગયું હતું. દરવાજો ખુલ્લો હતો અને કોટડી ખાલી ; ડૉક્ટર અને તેમના પ્રાણીઓ ચાલ્યા ગયા હતા.
ક્રમશ :