ઘોડા સાહેબ bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘોડા સાહેબ



ડો. ભાસ્કર ભટ્ટ !

ઉંચો અને પહોળા ખભાવાળો ! એનું માથું ધડ થી ઘણું ઊંચું. ડોક લાંબી, લઘુકોણ ત્રિકોણ ચહેરાનો માલિક અને નાનું સરખું કપાળ !! લાંબા હાથ અને લાંબા પગ. કોઈના ઘરે વિઝીટ માં જવાનું થાય ત્યારે તે લાંબી લાંબી ડાંફો ભરતો.બોલાવવા આવનારે પાછળ લગભગ દોડવું જ પડતું. દર્દીની છાતી પર ભાસ્કરનું સ્ટોથોસ્કોપ તેના હાથના વજન સાથે મુકાતું ત્યારે દર્દી પોતાનું તમામ દુઃખ ભૂલીને હળવો ફૂલ બની જતો.જાણે કે ભાસ્કર સ્ટોથોસ્કોપ વડે દર્દીનું દર્દ જ ખેંચી લેતો ના હોય ? એની દવા એટલે દવા ! ફરતા દસ ગામડામાં એની નામના હતી.શિયાળાની કડકડતી ટાઢ હોય કે ચોમાસાનો અનરાધાર વરસતો વરસાદ હોય, એ હમેશા એની પેટી સાથે તૈયાર જ હોય.વિઝિટ ફી કઈ બલા નું નામ છે એની એને ખબર નહોતી.તાજા જન્મેલા બાળકથી માંડીને સો વરસના ડોહાં ના શરીરોની સર્વિસ તે કરતો. ગડ ગુમડ માટે ડો. ભાસ્કર સ્પેશિયાલિસ્ટ હતો. ગુમડાને હળવા હાથે સ્પિરિટવાળા પોતાથી લૂછતો ત્યારે દર્દીની રાડ સાંભળીને કલીનીકના ઓટલે સુતેલા કૂતરાં પણ બી ને નાસી જતા.પણ એકવાર ભાસ્કરની હડફેટે ચડેલું ગૂમડું દર્દીના શરીરને તાત્કાલિક અસરથી મુક્ત કરી દેતું. ગામમાં બીજા બે ત્રણ ડોકટર પણ હતા. પણ ગૂમડાં માટે " ભલે પીડા થશે પણ ઝટ મટશે " એ સ્લીગન વણ લખ્યું પ્રસિધ્ધ થયેલું. ઈન્જેકશન ની સોય તો તેના પહોળા પંજામાં દેખાતી પણ નહીં.દર્દીને કીડી ચટકો ભરે એટલી જ પીડા થતી.ઘણીવાર ઊંધો સૂતેલો દર્દી પોતાના કુલા પર પોતું ફરી રહ્યા બાદ સોય ભોંકાવા ની રાહ જોતો આંખ મીંચી જતો અને ઘણીવાર સુધી પોતાના એ પ્રદેશ પર કોઈ જાતની ચહલ પહલ ન જણાતા આંખ ખોલીને પૂછતો, " સાયેબ ઇજીસન નો'તું દેવું તો પેન્ટ હેઠું ઉતરાવીને, ઊંધો સુવડાવીને રૂ નું ટાઢું પોતું ચ્યમ ફેરવ્યુ ??"

ત્યારે સાથે આવેલ કહેતુ, " ગોંડિયા, સાયબનો હાથ બવ હળવો સે, તન ઘોદો ઠોકી દીધો તો'ય ખબર પડી ??"

લાંબી ડોક અને ઝડપી ચાલને કારણે ડો ભાસ્કર ભટ્ટનું નામ "ઘોડો ડોકટર" પડી ગયું.ગામમાં કોઈક દર્દી ભાસ્કરની સારવાર નીચે હોય ત્યારે ખબર પૂછવા આવનાર પૂછતું, " કોની દવા હાલે સે ?" તયારે જવાબ મળતો કે "ઘોડાની" !!

ગામના અભણ ભરવાડ બપોર વચ્ચે દવાખાને આવીને સાહેબને જુએ નહિ તો પૂછતાં, " ઘોડા સાહેબ ચયા જિયા? મારે દેખાડવાનું હતું !" એમને બિચારા ને નવાઈ પણ બહુ લાગતી કે આવા હારા દાગતરનું નામ ઘોડાભાઈ કેમ પાડ્યું હશે ? કેટલાક તો મોઢે જ કહેતા કે " ઘોડા સાયેબ તણ દી થી હંગવા નથી જ્યો, તો હાલશે ને ! કે પસ દવા લેવી પડે ?"

ભાસ્કર દાઝે ભરાઈને મોશન લુઝનો એવો ડોઝ દેતો કે પેલો ડબલુ ભરવા ઘેર પહોંચે એ પહેલાં જ કમરથી નીચેના ભાગને "ધોવા લાયક" કરી મુકતો. પોતાના નામની "નામના" ની તેને ખાસ પરવા નહોતી.એને તો બસ "દરદી"ના દીદાર જોઈને દવા કરવાની તાલાવેલી લાગી હતી. ફી જેને પોસાય અને જેટલી પોસાય તેટલી લઈને પોતાની "અબળખાઓ" પોસતો. દર્દી આલમ માં તે સૌનો લાડીલો " ઘોડો સાહેબ" હતો.

બહુ વખતે એણે લ્યુના ( એકદમ નાનું દ્વિચક્રી મોપેડ, જે પેટ્રોલ ખૂટે ત્યારે સાયકલની માફક પેડલ મારીને ચલાવી શકાતું.) વસાવ્યું. એ લ્યુનાને ડ્રાયવર સીટ જ આવતી.પાછળનો સીટમાં તેની પેટી બાંધીને તે ગામમાંથી નીકળતો ત્યારે કોક પૂછી બેસતું, 'સાહેબ તમે આ લ્યુના ઉપર કેવા લાગો છો ?" ત્યારે ભાસ્કર પોતે જ પોતાની ઠેકડી એમ કહીને ઉડાડતો કે " બકરા ઉપર ઘોડો બેઠો હોય એવો " સામે વાળો હસી હસીને બેવડ વળી જતો. એને હસતો જોઈને પોતે રાજી થતો ને લ્યુનાને લીવર આપતો.

ભગો, ગામના સરપંચનો એકનો એક દેવ નો દીધેલ અને સાત બહેનોનો ભાઈ હતો.લાડ કોડ માં ઉછરીને છકી ગયેલુ એ છોકરું ખાતા પીતાં ઘરનું હોવાથી જાગતું ત્યાં સુધી ખાઈ પી ને બરાબરનું જામ્યું હતું. એણે બસ ખાવા માટે જ અવતાર લીધો હોય એમ બસ આખો દિવસ ખા ખા જ કરતું. ખાવામાંથી નવરૂ થાય તો પેટના કરમિયા અને માથાના ગુમડા એના બન્ને હાથને રોકી રાખતા !!.નાહવા ધોવામાં ભાઈ ને બહુ મઝા આવતી નહિ અને પરાણે એની બહેનો કે માં નવડાવે તો મોટો ભેકડો તાણી ને અડધા દિવસ સુધી ગાંગરતું રહેતું.અને એના રુદન સ્વરો એના સરપંચ બાપથી સહન થતા નહીં.એટલે જેણે નવડાવ્યું હોય એને એ ભગાની સમક્ષ હાજર કરીને ખિજાતો.ક્યારેક હળવી ધોલ થપાટ પણ કરતો.એ જોઈને ભગાને ન્યાય મળતો અને એનો ભેકડો ધીમે ધીમે બંધ થતો.આવું દરેક બાબતોમાં બનતું.એટલે ઘરમાં એની બાદશાહી મહંમદ તઘલઘ જેવી જામી ગયેલી. ગામના લગભગ બધા છોકરાઓ સાથે તેને વેર હતું. સરપંચનું "સાત ખોટનું સંતાન" હોવાને કારણે ગામ લોકો એની અડોડાઈ ઘણુંખરું ચલાવી લેતા.ક્યારેક નિશાળમાં એના સહપાઠીઓ એકલો બોલાવીને ઘોનારી નાખતા ત્યારે સરપંચ ના ઘેરથી વોરન્ટ નીકળતું.

ભગાના માથામાં જામેલા ગુમડાને ભગાએ ખજવાળી ખજવાળીને વકરાવી મુક્યા અને તેમાંથી પરું અને પીડા પેદા થયા. મહા પરાણે પકડીને ભાસ્કરના દવાખાને લાવવામાં આવ્યો ત્યારે આખું દવાખાનું એણે માથે લીધું.ઉછળકુદ અને બુમાબુમ સાંભળીને ભાસ્કરના ક્લિનિકમાં લોકોની ભીડ જામી પડી.

ભાસ્કરે તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું. ભગાને પોતાના મજબૂત હાથથી પકડીને તમામ લોકોને પહેલા તો ચાલ્યા જવાનું ફરમાન કર્યું. બળવાન ભગા એ પહેલાં તો આ પકડ નો વિરોધ નોંધાવ્યો.ચોકલેટ વગેરેની લાલચને તાબે થયા વગર તેણે તેનો ભેકડો ચાલુ જ રાખ્યો.અને પોતાનો હાથ છોડાવીને ભાગવાના વ્યર્થ પ્રયત્નોને અંતે ભાસ્કરને બચકું ભરી લીધું.

ખલાસ ! ભાસ્કર ડોકટર મટીને ઘોડો બની ગયો.વળતી જ મિનિટે જીવનમાં પહેલીવાર ભગાના ગાલે થપ્પડ પડી.એનો સટાકો અને ભગો એક સાથે જ શાંત થયા.માથામાં થયેલા ગુમડા જોવાની ડોકટરને જરૂર નહોતી.લાકડાની એ જ બેન્ચ કે જેની ઉપર ભગાએ ઉછલકુદ કરીને તેના પાયા હચમચાવી નાખ્યા હતા, તેની ઉપર જ તેને ઊંધો સુવડાવીને પીઠ પર ભાસ્કરે પોતાનો વજનદાર પગ મૂક્યો એને હાથ લાંબો કરીને પેટી માંથી ઈન્જેકશન તૈયાર કર્યું.એક જ ઝાટકે ભગા ની ચડ્ડી ખેંચી કાઢીને તરફડીયા મારતા ભગાને ખબર પણ ન પડે એવી રીતે ઈન્જેકશન લગાવી દીધું. બીજા ત્રણ દિવસ આ ઘટના રિપીટ થઈ અને પછી ચાર રવિવારની સવાર સુધી ભગાના બુમ બરાડા ચાલુ રહયા.અને જેમ 1947માં અંગ્રેજોએ ભારતમાંથી લીધેલી એમ જ ભગાના માથામાંથી ગુમડાઓ એ વિદાય લીધી કાયમ માટે ! પણ ત્યારબાદ ભગા અને ભાસ્કર વચ્ચે કાયમ માટે દુશ્મનાવટ ના બીજ રોપાઈ ગયા. ભગો જ્યારે જ્યારે ભાસ્કરના ક્લિનિક આગળથી પસાર થાય ત્યારે ત્યારે જોરથી " ભાસ્કરું ડોકતરું" એમ રાડ પાડીને નાસી જતો.આ બાબતની ફરિયાદ સરપંચને કરવામાં આવી ત્યારે પોતાના સાત ખોટના દીકરાનો બચાવ કરીને એ તાત એટલું વદયો કે , " સાયેબ ઇ તો સોકરું કેવાય, ઇ ને હું હમજન પડે ? હમજતા શીખશે પસ નઈ બોલે હો, તમ તમારે બવ ધિયાન નો દેવું બીજું હું!"

એક દિવસ સવારના નવ વાગ્યાના સમયે ભાસ્કરના ડોકટર મિત્રો એને મળવા આવેલા. ક્લિનિક માં જ સૌ મહેમાનો સાથે ભાસ્કર બેસીને વાતો કરતો હતો ત્યાં જ ભગાની સવારી આવી પહોંચી. દૂરથી જ એણે "ભાસ્કરું ડોકતરું...ભાસ્કરું ડોકતરું..." નો આલાપ મૉટે મોટેથી આલાપવો શરૂ કર્યો.એનું આ ગાયન સાંભળીને ભાસ્કરના દોસ્તો ખખડી પડ્યા.પણ ભાસ્કરનો પિત્તો છટક્યો હતો.પુનઃ ઘોડાએ એના શરીરમાં પ્રવેશ લીધો.ભગાએ કાળઝાળ ડોકટરને હાથમાં સોટા સાથે બહાર નીકળતાં જોઈને આવનાર પીડાને પારખી.તરત જ યુ ટર્ન લઈને ભગાએ મુઠીયું વાળી.દરરોજ તો ભાસ્કર એકલો જ હોય એટલે તે ભગાની મશ્કરી સહન કરી લેતો.પણ આજ મહેમાનોની હાજરીમાં એની ઇમ્પ્રેશન ડાઉન થઈ હતી.એટલે એ સાત ખોટના ભગાને કાયમ માટે એકાદી ખોટ આપવા માગતો હતો.અને કાયમ માટે આ ત્રાસવાદ ને નેસ્ત નાબૂદ કરીને કાયમની શાંતિ પ્રસ્થાપિત કરવા માંગતો હતો.

ભાસ્કરના ઓટલાને પોતાની કાયમી શૈયા સમજીને ત્યાં જ આરામ ફરમાવતા બે કૂતરા ભાસ્કરને સોટા સાથે બહાર નીકળતો જોઈને હરકતમાં આવ્યા હતા. પહેલા તો સોટાક્રમણ પોતાની ઉપર થવાનું સમજી ને ભાગ્યા પણ વળતી જ ક્ષણે ભાસ્કરની ભગા પાછળની દોટ જોઈને વિદેશી આક્રમણમાં માલિકને સાથ આપવાની ફરજ સમજી બન્ને કૂતરાં ભાસ્કર સાથે જોડાયા અને ભગા પાછળ,

ભાસ્કરવિજયને નિશ્ચિત બનાવવા દોડયા. થોડે આગળ એક કાદવ ભરેલો ખાડો બજારની સાઈડમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપીને પડ્યો હતો.એ ખાડામાં બે ત્રણ ભૂંડ પોતાના પરિવાર સાથે પડ્યા પાથર્યા રહેતા. સોટાધારી ભાસ્કર અને ભસતા કૂતરાઓને દોડી આવતા જોઇ ખાડા સમ્રાટ ભૂંડને સપરિવાર ભાગવામાં જ રાણી અને આઠ દસ કુંવરોની સુરક્ષા રહેલી છે તે પળવારમાં જ સમજાઈ ગયું, કારણ કે તે આખરે ખાડાનો બેતાજ બાદશાહ જો હતો !!

"મારતે ઘોડે આવવુ" એ મહાવરો આ દ્રશ્ય ઉપરથી જ ગુજરાતી ભાષામાં પ્રયોજાવો શરૂ થયો હશે !! ભગાને મારતે ઘોડે આવતો જોઈને પોતાના લાવ લશ્કર સાથે ભાગેલું ભૂંડ ટોળું દિશા નક્કી કરી શક્યું નહિ એટલે ભગાથી સલામત અંતર રાખીને ભગાની આગળ આગળ શક્ય એટલા વેગ થી દોડવા લાગ્યું. એટલે ભૂંડ ટોળા પાછળ મુઠીયું વાળીને દોડતો ભગો, એની પાછળ સોટો ઉગામીને દોડતો ભાસ્કર અને ભાસ્કરની બન્ને બાજુ એના ઓટલવાસી કુતરાઓ અને આ બધાની દોડ થી ઉઠેલી ધૂળની ડમરી. ગામના ચોકમાં હો હા મચી ગઇ.ચોરા પાસે રામજી મંદિર હતું.ત્યાં ગામના આઠ દસ ભાભાઓ દર્શન કરીને કોણ કોણ બહારગામ ગયું, કોના ઘરે ક્યાં ગામના મેમાન આવ્યા, કોના દીકરાની વહુ રિસામણે ગઈ, કોના કૂવામાં પાણી ખૂટી ગયું, કોને કેટલા મણ કપાસ થયો, કોના છોકરાની સગાઈ તૂટી, કોની વહુ નીકળીને કોના ઘરે શુ કામ ગઈ .. વગેરે અનેક સમસ્યાઓના નિરાકરણની જવાબદારી નિભાવતા. મંદિરના પગથિયે લાઈનમાં બેઠેલા આ ભાભાવૃંદમાંથી જે સહુથી ઉંમરમાં નાના હતા એમણે સૌ પ્રથમ ધૂળની ડમરી ઊડતી જોઈને આવી રહેલ ઘમાસાણને પારખ્યું. ધૂળની ડમરીમાં બે માણસ અને કૂતરા ભૂંડના ટોળાની પાછળ દોડતા આવી રહ્યા હતા. આ દ્રશ્યને જુવાન ડોસાએ એના મગજના કોમ્પ્યુટર માં ડાઉનલોડ કરીને રીડ કર્યુ તો એ સમજ્યા કે ભૂંડ પકડવા વાળાની ટોળકી આવી લાગે છે.અગાઉ ભૂંડ પકડવાનો કસબ જોવામાં ગામના બે ચાર ડોસાઓ પોતાના પગ ભંગાવી ચુક્યા હોવાની મેમરી પણ એના કોમ્પ્યુટરની સ્ક્રીન પર તાદ્રશ્ય થઈ. એટલે ડોસાટોળીને તાત્કાલિક સમસ્યા નિવારણ સભા બરખાસ્ત કરીને સલામત સ્થળે ખસેડવી ખૂબ જ જરૂરી હોવાનું એમને પ્રતીત થયું.અને એ માટે માત્ર બે જ વાક્યો મોટેથી બોલવાના હતા. " અલ્યા ભાગો, ભુનડા પકડવા વાળા આયા લાગે છે, વીહ પચી ભુનડા આ પધોર (આ બાજુ) આવતા લાગે છે, વાંહે દહ બાર જણા ધોડ્યા આવે છે"

જુવાન ભાભા દરેક વાતમાં મોણ ઘાલીને જ વાત કરતા. નાની વાત કરવાથી પોતાનું વજન ન રહે એવું એ ભાભા દ્રઢપણે માનતા.એટલે દરેક વાતને વધારીને જ કહેવામાં જ ડહાપણ રહેલું છે એમ પણ માનતા. બીજા જે પોતાને બુદ્ધિશાળી માનતા એ ભાભાઓ આપણા આ જુવાન ભાભાની વાત દરેક વખતે વ્યાજબી કરાવતા.પણ જ્યારે ભય તોળાઈ રહ્યો હોય અને બાકીની જિંદગી ખાટલે પડીને કાપવાની થવાં જઈ રહી હોય ત્યારે કોણ ખાતરી કરવા કે સોંઘુ મોંઘુ જોવા બેસે ??

જુવાનભાભાની હાકલથી ભાભાટોળીમાં તરત જ હડકમ્પ મચ્યો. સહુએ પોતપોતાની ગેડીઓ (ચાલતી વખતે ટેકો રહે એટલે માટે સાથે રાખવામાં આવતી લાકડી) સાંભળી.અને એકદમ ભાગવાનો મહાવરો નહિ હોવાથી કેટલાક ગડથોલિયા ખાઈને "હે ભગવાન તે તો ભારે કરી" કહેતા ઢળી પડ્યા. એમની ગેડીનો વાંકો ભાગ જે ભાગી શકવા સમર્થ હતા એમના પગ માં ભેરવાયો.અમુક નખોદીયા ભાભાઓ એ "હું પડી જ્યો અને તું ભાગી કિંમ જા" એમ કહીને બીજાના પગમાં ગેડીઓ ભરાવીને ભાગતા હતા એમને પણ પાડ્યા. પણ એથી તો ભાગવા સમર્થ ભાભાઓ ગુસ્સે થયા. અને ઉભા થઈને પડેલાને પાટા મારવા લાગ્યા.કેટલાકે એકબીજાના કાંઠાલા પકડ્યા. કાંઠાલા છોડાવવા જતા એક બે ના કપડાં ફાટયા. એટલે ગાળી ગલોચ ચાલુ થયો.વરસો ના અનુભવી ભાભલાઓ પાસે રામ સ્મરણ સિવાય પણ ઘણું સ્મરણ હતું.એ બધું અત્યારે કામમાં આવી રહ્યું હતું.આમ જે ભાભાવૃંદ થોડી જ ક્ષણો પહેલા ગામની ઉપર જણાવેલી સમસ્યાઓના નિવારણ માટે ચિંતિત હતું એ પરસ્પર પોતાનો સ્નેહ પ્રદર્શિત કરી રહ્યું. દોડતા ભાસ્કરે આ દ્રશ્ય ધૂળની ડમરીની આરપાર જોયું.બીજી જ ક્ષણે તેને આખી ઘટના ના પરિણામનો ખ્યાલ આવ્યો. આખી ઘટના માટે તેની આજુ બાજુ પોતાની પડોશી તરીકેની વફાદારી સાબિત કરવા દોડી રહેલા પેલા બે ઓટલવાસી કૂતરા જ છે એમ લાગવાથી ઉગામેલો સોટો તેણે કુતરાઓ પર ફટકાર્યો.બન્ને ને એક એક પ્રહાર કરી ભાસ્કરે ભગાનો પીછો છોડ્યો. કૂતરા કેમેય સમજ્યા નહિ કે આમાં અમારો શુ વાંક હતો ! ભગાએ પાછળ આવતું સંકટ ટળેલું જોઈને પોતાની સ્પીડ પણ નોર્મલ કરી નાખી અને એ અસર ખાડા સમ્રાટ સુધી વેવ થઈ એટલે એ પણ મહારાણી અને રાજકુમારોને લઈને બીજી દિશામાં હંકારી ગયા. અને ધૂળની ડમરી શાંત થઈ ત્યાં સુધીમાં પરસ્પર બાખડી પડેલા ભાભલાઓ માંથી જે ત્રણ ચાર ઘાયલ થયેલા એમને ભાસ્કરના ક્લિનિક પર પાટાપિંડી કરવા માટે લાવવામાં આવ્યા.ભાસ્કરે આ બધું બન્યું એની જવાબદારી પોતાના શિરે લઈ બધાની સારવાર વિના મૂલ્યે કરી.અને તમામ ભાભાઓની માફી માગી.

પણ આ ઘટનાને કારણે ભાસ્કરને ગ્રામ પંચાયતમાં બોલાવવામાં આવ્યો." ડોકટર થઈને ભુન્દ્રા વાંહે ધોડ્યા જ હું કામ ?" એ સવાલનો જવાબ સરપંચ માગતા હતા ! ભાસ્કરે ભગાને કારણે આ બન્યું હોવાનું કહ્યું પણ ભગો તો " હું તો ઇ ટાણે વાડીએ જ્યોતો, પુછોને આ રીયો સમન " એમ કહીને છૂટી ગયો.એનો દોસ્ત ચમન પણ એ વાતનો સાક્ષી હતો કે ભગો તો એની હારે જ હતો. હવે કૂતરા કે પેલા ભૂંડ તો સાક્ષી તરીકે આવે તો જ ભાસ્કર નિર્દોષ સાબિત થાય! કૂતરા તો આવી શકાય તેમ હોત તોય આવેત નહિ કારણ કે ભાસ્કરે વગર વાંકે એમને એક એક સોટો ઠોકયો હતો!!

આખરે એક બુદ્ધિશાળી ભાભાએ આપણા જુવાન ભાભા પર આરોપ નાખ્યો કે "આ ભીખલાએ જ વાતનું વતેસર કર્યું. ઇના ડોહાં ભુન્દ્રા પકડવા વાળા નહોતા તોય અમને ભગાડ્યા, આમાં બિસારા દાગતર નો કાંઈ વાંક નથ, જાવા દ્યો હવે"

આખરે ગામે બિચારા ભાસ્કરને એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને જવા દીધો.સરપંચના છોકરાને આ આખી ઘટનામાં નિર્દોષ(!) હોવા છતાં ઢસરડવાનો જે નિષળ પ્રયાસ ભાસ્કરે કર્યો હતો તેનું આ પરિણામ આવ્યું હતું. સરપંચને ભાસ્કર પ્રત્યે ભારે અણગમો હતો.કારણ કે એની સમજણ પ્રમાણે ભાસ્કર ઢોરની જેમ માણસોની સારવાર કરતો ઢોર ડોકટર જ હતો.ભગાના ગુમડા ભલે એણે મટાડયા હોય પણ મોટી બીમારી માટે તો આ ડોકટર ન જ ચાલે તેવું તેનું માનવું હતું.

સરપંચને પ્રભુએ છુટ્ટા હાથે લક્ષ્મીજી ની લ્હાણી કરી હતી. સાત સાત દીકરીઓ ઉપર ભગવાને વારસદાર આપેલો એટલે જ એનું નામ ભગવાન પાડેલું. પણ એ લોકજીભે ચડીને "સરપંચનો ભગલો" થઈ ગયેલો.

સરપંચની સહુથી મોટી છોકરી બાવીસ વર્ષ વટાવી ચુકી હતી.પછી વીસ,અઢાર, સોળ..એમ ઉતરતા ક્રમમાં સરપંચ ચાલેલા.ગામના રાજકારણમાં રચ્યા પચ્યા રહેતા સરપંચને ઘરમાં શુ ચાલે છે તેની ખબર રહેતી નહિ.પંચાયતનો પટ્ટાવાળો પકો (એનું સાચું નામ તો પ્રકાશ હતું) સરપંચનો માનીતો હતો.કારણ કે સરપંચના ઘરનું કામ તે હડી કાઢીને કરતો. પરંતુ તેની હડી પાછળ સરપંચની મોટી લખમી કારણભૂત હતી. પકો લખમીને લઈને ઘણીવાર વાડીમાં કે વહેલી મોડી રાતે ગામની બહાર સીમ શેઢે લપાઈ જતો.

એ છાનાછપના પ્રેમનું પરિણામ જે આવવું જોઈતું'તું એ જ આવ્યું.લખમી નું ઉપસેલું પેટ જોઈને એની માં ના પેટમાં ફાળ પડી. આબરૂનો સવાલ સામો આવીને ઉભો રહ્યો.લખમીને બે ત્રણ લાફા મારીને "પાપ"વિશે જાણવાની કોશિશ નિષ્ફળ ગઈ.પોતાના પ્રથમ પ્રેમની નિશાની એના માટે અમૂલ્ય હતી.આખરે સરપંચની આબરૂ બચાવવાનું કામ બે હાથ જોડીને ભાસ્કરને સોંપવામાં આવ્યું.આ બધું સરપંચની જાણ બહાર જ બન્યું.કારણ કે જો સરપંચ જાણે તો લખમીને ઝેર પાય અને પકાના ત્રણ કટકા થાય.એ વાત સરપંચની પત્ની જાણતી હતી. ભાસ્કરે સરપંચની આબરૂ બચાવી લીધી.પણ ત્યાર બાદ પકો દુશ્મન બન્યો. ગેરકાયદે ગર્ભપાત કરવા માટે પોલીસ કેસ કરવાની ધમકી આપીને ભાસ્કર પાસેથી દસ હજાર ખંખેરી લીધા.સરપંચની આબરૂ બચાવવા ભાસ્કરે મૂંગે મોઢે આ પણ સહન કરી લીધું.

સરપંચને ગામમાં દુષમન પણ ઘણા હતા.રાજકારણની ગંદી રમતો રમવામાંથી તે નવરો પડતો નહિ.ચૂંટણી વખતે દુશ્મનોને હરાવવાની રાજ રમત તેના માનીતા પકાને પૈસા આપીને વિરોધ પક્ષ વાળાએ જાણી લીધી.એમાં બખેડો થયો અને વિરોધપક્ષના જુવાનિયાઓ એ એક રાતે બહારગામથી આવતા સરપંચને સીમ માં આંતરીને વેર ની વસુલાત કરી.સ્વાભાવિક રીતે જ ભાસ્કરે સરપંચની સારવાર કરીને ગામના નેતાનો જીવ બચાવ્યો.તો પણ સરપંચે કહ્યું કે કોક સારો ડોકટર હોત તો હું જલ્દી સાજો થઈ જાત !! સરપંચને કોણ જાણે કેમ ભાસ્કર પ્રત્યે કુદરતી નફરત હતી.પણ ભાસ્કર પોતાની ડોકટર તરીકેની ફરજ બજાવવામાં ઉણો ઉતરતો નહિ.

સરપંચે સાજા થઈને પોતાને અંધારાનો લાભ લઇ ઢીબી નાખનારાનું પગેરુ શોધી કાઢ્યું. વિરોધીઓની ચાલમાં સામેલ પકાને જ પહેલા પાંસરો કરી નાખ્યો.ભાંગેલા હાથ પગ લઈને કપડાંની ઝોળીમાં નાખીને તેને ભાસ્કરના ક્લિનિકમાં લાવવામાં આવ્યો.હાથ પગમાં ફેક્ચર હોવાથી પકાની સારવાર કરવાનો ભાસ્કરે ઇન્કાર કર્યો એટલે પકાએ માન્યુ કે ભાસ્કર જૂની અદાવત રાખીને તેની સારવાર કરવાની ના પાડે છે !! પકાએ પછી જોઈ લેવાની ધમકી આપી એટલે ભાસ્કરે સમજાવ્યું કે પકાને તાત્કાલિક હાડકાની હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે.

તો સાથે આવેલા પકાના નવા દોસ્તોએ ડોકટર ઓછી આવડત વાળો છે એમ આખા ગામમાં જાહેર કર્યું. પણ એવી જાહેરાતોથી ભાસ્કર ડરે તેમ નહોતો.એણે તેનો સેવા યજ્ઞ ચાલુ રાખ્યો. આખરે એની સેવા રંગ લાવી. એની સુવાસ રાજકીય આગેવાનો સુધી પહોંચી.અને સત્તાધારી રાજકીય પક્ષ તરફથી ભાસ્કરને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવા ટિકિટ ઓફર થઈ.ત્યારે સરપંચ સહિત આખું ગામ ઉભે પગે અને ઘરના પૈસે પ્રચાર કારલાગી પડવા તૈયાર થયું.પણ ભાસ્કરે તો ઘસીને ના પાડી દીધી.એટલે વળી ગામમાં વાતો થવા લાગી કે ઘોડો સાહેબ તો બસ ઘોડો જ છે !!.