Ek Jamana tha books and stories free download online pdf in Gujarati

એક જમાના થા.....!

એક જમાના થા.....!

@ વિકી ત્રિવેદી

ઉનાળાના ખરા તાપમાંથી નીકળ્યા પછી દિવાળી આવતી એટલે જ કદાચ એ વધુ વ્હાલી લાગતી હશે. કહેવત છે ને કે દુઃખ પછી સુખ આવે તો એની કિંમત વધુ થઈ જાય છે. કદાચ એટલે જ દિવાળીનો ઉત્સાહ વધતો હશે તો કોણ જાણે ?

ખેર એ તો વાત થઈ દિવાળીની પણ મારે વાત કરવી છે લોકોની. દિવાળી આવતી એટલે ઘરમાંથી પિત્તળ કંસાના વાસણ ખાસ કરીને મોટી ગોળીઓ, દેગડીઓ, વધારાના કળશ, આચમની અને તરભાણુ, પંચપાત્ર, આરતી, થાળીઓ, વાટકા, તાહળા ( આ લોકલ શબ્દ છે ) બધું ઘરમાંથી અભરાઈ પરથી ઉતારવામાં આવતું.

ગમે તે ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો હોય તો એ આ સમયે લગભગ વિસરાઈ જતો. એના સમયે સાસુ વહુ એક થઈને કામે લાગી જતા.

અમારે તો આવો એક કિસ્સો નજરે થયેલો. વિરમા રબારીની વહુ કેસી થોડી સામાબોલી હતી ને વિરમાની મા અણસી હતી કડક. કેસી સામી થઈ જતી એટલે અણસીમાને વાત ચગાવવી પડતી કેમ કે કેડો મૂકી દે તો પેલી માથે ચડી જાય. પછી બંને સામ સામી ભીડાવતી. એમાં પછી બેય ઘણીવાર તો એવી ભેંકડા તાણતી કે વિરમાને સમજાતું જ નહીં કે આ રડતા રડતા શુ બોલે છે ? મુઈ તું આવી તે દી'ની મારે દિવાહળી મેલોણી ( દીવાસળી મુકાઈ ) હે. ડોશી કહેતી તો સામે કેસી બમણા જોરથી બોલતી, " ને તમેં જીવતા તો આ દિવાળી મટવાની ય નથી...... હોળી કાયમ રહેવાની હોવે....." છોકરાનું મેલું શર્ટ કાઢતી એ કહેતી અને અમે વાડ ઉપરથી દેખતા. ડોશી રાંધણીમાં બેઠી ચૂલામાં ફરચા આઘા કરતી જાય ને બોલતી જાય. ને આ તરફ આંગણે પથરી ઉપર કેસી છોકરાને નવરાવતી જાય ને બોલતી જાય. ડોશીની દાઝમાં છોકરાને ઘસી ઘસીને સાબુ દેતી કેસીને જોઈને હસવું આવતું. પછી તુલસીને પાણી રેડતા વિરમાને અમે ઈશારો કરતા. વિરમો ચુપનો ઈશારો કરીને કળશ મૂકીને બહાર આવતો.

અમે વિરમાને કહેતા , "લ્યા તું વચ્ચે કેમ નથી પડતો કોઈ દી?"

વિરમો જવાબ દેતો, "આ લોકોનું તો હલ્યા કરે છે." વિરમો પણ થોડું ભણેલો હતો એટલે વાત અમારી જેમ ગુજરાતીમાં જ કરતો દેશી બોલી બોલતો નહિ, "આ તો એ બેય માટે ટાઈમ પાસ છે બાકી હમણાં એકબીજીને પૂછશે રાતે શુ રાંધવું છે ?"

"હે ? એટલે આ કકળાટ ખાલી ટાઇમપાસ છે ?" અરજન પૂછતો. અરજન સુથાર પણ અમારો લંગોટિયો દોસ્તાર.

"નહિ તો શું ? તે જોયું નહિ લ્યા, બેય ઝઘડતી હોય પણ કામ ચાલુ હોય બેયના. કોઈ ખાલી સાંભળે તો એમ લાગે કે આ બે હમણાં બથમબથા થઈ પડશે. પણ એ એકેય એક બીજાની નજીક ન જાય. ચાલુ કામે જ કકળાટ કરે." કહી વિરમો બીડી સળગાવતો.

પછી તો અમનેય ખબર પડી કે આ એક પ્રકારની ટેવ છે ઝઘડો નથી.

અને દિવાળી આવતી એટલે આવી જેટલી સાસુ વહુ જે કાયમ કકળાટ કરતી હોય અમૂકે વળી બે દિવસના અબોલા લીધા હોય એ બધીયે ભેગી મળીને કામે લાગી જતી. ઘરમાં નાના છોકરાને ગામે વણીયાની દુકાને દોડાવતી. નારિયેળની છોતી વાણિયાની દુકાને હોય જ. ને જેના ઘરે લીંબુડી ઉભી હોય એના ઘરે એકાદ છોકરાને લીંબુ લેવા દોડાવે.

લીંબુ અને નારિયેળની છોતી આવે એટલે પછી સાસુ ને વહુ બેય કામે લાગી જતી. સાસુના હાથ નબળા હોય તો સાસુ વાસણોને લીંબુ લગાવતી અને વહુ છોતી લઈને ઘસવા મંડી પડતી.

બપોર સુધી તો દોરડી વાળા બે ખાટલા ભરીને ઉટકેલા વાસણ આંગણામાં ચમકતા પડ્યા હોય. બપોરે બરાબર સૂરજ ઉપર આવ્યો હોય ત્યારે જાણે આંગણામાં એવા સો સૂરજ ઉગ્યા હોય એમ બેડા, ગોળીઓ, દેગડીઓ ઉપર સૂર્યપ્રકાશ પડીને રેલાતો. ( પરાવર્તન ) એ નજારો અદભુત હોય - દરેક ઘરમાં લગભગ આમ આંગણામાં ચકચકાટ કરતા વાસણો ચમકતા પડયા હોય.

સાંજ સુધી તો ખાટલાની દોરીયો કે પાટી ઘરના છોકરાઓએ તાણી દીધી હોય. જોળી જેવા ખાટલાય જુવાન માણસની પીઠ જેવા ટટ્ટાર થઈ જાય.

( લીંપણ અને ગાર વિશે અહીં લખ્યું નથી લાબું થઈ જાય એટલે )

ગાર, લીંપણ અને ભગોળા થઈ ગયેલા ઘરમાં આ બધા વાસણો ગોઠવાઈ જાય. આખું વર્ષ ઢીલા થયેલા ખાટલા બધા જુવાન જેમ કડક થઇ ગયા હોય. એ પછી સમય આવતો રાંધવાનો. દિવસ નક્કી થાય પછી એ દિવસે સવારે વહેલા કુકડાની કુક ભેગી ઘરની સ્ત્રીઓ જાગી જાય. એમાં એલાર્મ મુકવાની જરૂર પડતી નહિ. સૂરજ ઉગ્યા પહેલા જ જાગી જાય.

સવારથી ઢોર હોય તો એના કામ પતાવી દઈને પછી રાંધવાનું કામ શરૂ થાય. આઇટમોમાં ખાસ પુરી, શક્કરપારા, ભજીયા, ભૂગળા, અને સેવ. સેવના પ્રકાર હોય. નાની સેવ મોટી સેવ. સેવ પાડવાના સંચા આવતા. સંચામાં લોટ ભરીને કડાઈમાં ઉકળતા તેલમાં સેવ પાડવાની. સંચાને આંટા હોય આંટા ફેરવો એટલે લોટ દબાય એટલે સેવ પડે. સંચામાં અલગ અલગ પતરાં ( ફરમાં ) આવતા. કોઈમાં ગોળ, કોઈમાં ત્રિકોણ, કોઈમાં પંચકોણ તો કોઈમાં નાના નાના છ સાત ગોળ કાણાં હોય. જેવી સેવ પાડવી હોય એ પતરાં સંચામાં ફિટ કરવાના.

ને ત્યારે તો આવો સંચો પાછો બધાને ઘેર ન હોય. ગામમાં જેની ઘરે હોય એના ઘરેથી લાવવાનો. કોઈ બીજી બાઈ લઈ જાય તો સેવ રહી જાય એટલે જેની ઘરે સંચો હોય એના ઘરે પંદર દિવસ પહેલા જ કહી દેતા " અલી તમારો હંચો મુ લઈ જવાની કોઈને દેતા નઇ...." આમ ગામમાં જે દશ બાર સંચા હોય એ આખાય ગામમાં ફરતા. સંચા ઉપર વાસણ વાળાએ નામ લખેલું જ હોય એટલે ખોવાય નહિ. છતાંય બધાને નામ વાંચતા ન આવડે પણ ચમત્કાર જેવું તો એ હોતું કે સંચાને વજન ઉપરથી અથવા કઈ બાજુ કેટલો ઘસાયેલો છે એના પરથી ઓળખી જતા કે આ ફલાણાના ઘરનો સંચો છે. ( આ બધા શબ્દો બધી જગ્યાએ અલગ અલગ વપરાતા હોય છે )

રાંધવાના પ્રોગ્રામ વખતે છોકરા હડિયું કરતા. નાના હોય એ કામ કરતી મા પાસે આવીને બેસી જતા. થોડાક મોટા વળી પુરી કે એવું કશુંક લઈને બહાર દોડી જાય ખાઈને પાછા આવે. ઘરમાં આઠ દશ વર્ષની છોકરી હોય એને આ આખોય પ્રોગ્રામ ખાલી જોવાનો હોય. બધું કેમ થાય એ શીખવાનું આ ટ્યુશન. એ ઉભી ઉભી જોવે. ઘરમાં વડીલ સ્ત્રી બધું કહેતી જાય. અને સૌથી નવાઈ લાગે એવી વાત તો એ હોય કે વહુને ખબર હોય તોય પૂછે , " આ મસાલો આટલો નાખું કે વધારે ?"

ને ડોશીમા હરખાતા હરખાતા કહે, " ના બરાબર છે આટલો જ....."

એટલા ભોળા ભાવે અને સહજ રીતે વહુ પ્રશ્ન કરે કે આપણને તો એમ જ લાગે કે આને ખરેખર કશું નહીં આવડતું હોય ! પણ જ્યારે ફરી વહુ પૂછે, "કે મરચું થોડું વધારે નહીં થાય ?" ને ડોશીમાં કહે, "હા અલી એમ તો થોડું ઓછું કર્યું હોત તો સારું....." ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વહુને બધું આવડે છે પણ ડોશીમાને રાજી કરવા પૂછે છે.

આ તો હતી સુખદ વાત આવું તો કદાચ શહેરોમાં પણ અમુક ઘરે થતું હશે. પણ અસલ વાત તો એ છે કે ગામમાં કોઈના કોઈ ઘરે તો દિવાળી પહેલા ત્રણ ચાર કે છ મહિના પહેલા કોઈનું અવસાન થયું જ હોય. એવા ઘરે કોઈ મીઠાઈ કે બીજી કોઈ વસ્તુ બનાવે નહિ. ત્યાં માતમ હોય. ત્યાં દુઃખ હોય. ત્યાં આવો ઉત્સાહ કે હર્ષોલ્લાસ ન હોય.

અને એવા કોઈ ઘરે કશું બને નહિ ત્યારે મોટા તો ઠીક સમજુ હોય પણ નાના બાળકો બીજાના ઘરે મીઠાઈ પુરી આવું બધું જોઈને લલચાય. આવો જ એક દાખલો અમે પણ જોયેલો.

અરજન સુથારના કાકા ધનું ગુજરી ગયેલા. એના પછી સાતેક મહિને દિવાળી આવી. પણ નાની ઉંમરે ગુજરી ગયા એટલે ઘરમાં કશુંય રાંધવાનું હતું નહીં. અરજનના કાકાના છોકરા નાના નાના. જીગો અને દિપુ બંને ભાઈ બહેન આઠ દશ વર્ષના જ હતા. ત્યારે તો ગળીમાં રમતા રમતા પણ છોકરા પુરી ને સેવ ખાતા હોય. એટલે જીગા અને દિપુને ય એ જોઈને મન થાય.

ગામમાં સુથારનું એક જ ઘર. બીજું ઘર હોય તો કદાચ ત્યાંથી કશુંક મળે. પણ એવી કોઈ ઉપાધિ ન થાય એ જ ગામડું. દિવાળીના ત્રણ દિવસ પહેલા જ અરજનના સેઢા પાડોશી ભૂરા જોશીની વહુ સુરેખા ડબ્બો લઈને અરજનના ઘરે આવી. અમે બધા એના ઘરે જ આંગણે બેઠા હતા.

ભૂરા કરતા અમે બધા ઘણા નાના હતા એટલે લાજ કાઢવાની જરૂર હતી નહિ. એટલે જ એ લાજ કાઢ્યા વગર આવી હતી ને એટલે જ અમે ઓળખી હતી. સુરેખા આવીને આખો ડબ્બો ઘરમાં દઈ આવી. ઘરમાંથી નકાર ના અવાજ આવ્યા હતા. પણ એ તો જેના ઘરે એવું થયું હોય એ ના જ પાડે એટલી સમજ તો ગામડામાં બધાને હોય જ. જબરજસ્તી મીઠાઈ પુરી અને બીજી વસ્તુઓનો ડબ્બો સુરેખા દઈને ગઈ. એ ગઈ એટલે તરત જ જીગો ને દિપુ ખાવા પણ મંડ્યા હતા.

વર્ષો વીતી ગયા છે એ બધી વાતોને. પણ આજે ય કઈ ભૂલી શકાય એમ નથી. એનું કારણ શું હશે તે અલગ વાત છે. પણ અહીં શહેરમાં આવ્યો પછી મેં જોયું છે. ગયા વર્ષે જ અમારી સોસાયટીમાં એક ભાઈ નાની ઉંમરે ગુજરી ગયા હતા એના સત્તરમાં દિવસે ઉત્તરાયણ આવી હતી. ઉત્તરાયણના દિવસે જે ભાઈ ગુજરી ગયા હતા એના ત્રીજા ઘરવાળાએ dj લાવ્યું હતું.

એ દિવસે મને મારુ ગામડું યાદ આવ્યું હતું. આ તે કઈ માણસ છે કે ઢોર ? શુ કામની આવી હરાઈ પ્રેક્ટિકલ લાઈફ ? ને બસ દર તહેવારે મને મારુ ગામડું યાદ આવ્યાં કરે છે.

જોઉં છું અહીં સવારે કોઈથી એલાર્મ વગર ઉઠાતું નથી. સાસુ વહુ સામે મોઢે નથી ઝઘડતા ઓન એમના વચ્ચે સાયલન્ટ વોર હોય છે. વહુ એની ફ્રેન્ડ જોડે સાસુની નિંદા કરે અને સાસુ એની ફ્રેન્ડ જોડે. ન આવા કોઈ કામ કરવાની ધગશ હોય છે.

ખેર ! છતાંય હજુ ઘણા ઘરમાં દિવાળી જીવે છે.

@ વિકી ત્રિવેદી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED