Making of Murderer's Murder - 4 books and stories free download online pdf in Gujarati

મેકિંગ ઑફ મર્ડરર’સ મર્ડર - ભાગ – 4

7. સક્સામિથોનિયમનો ઉપયોગ અને આલ્પ્રેક્સનો ઉલ્લેખ કરવા બાબતે...

મર્ડરર’સ મર્ડર નોવેલમાં મેં ઍનેસ્થેસિયામાં વપરાતી (પણ) જીવલેણ દવા સક્સામિથોનિયમનો ઉલ્લેખ કર્યો છે. (ક્યાં અને કોને મારવા તે કહેવાની જરૂર છે ? ‘હા’ તો તમે વાર્તા વાંચી નથી.) દરેક વસ્તુની જેમ આ વાત પણ મેં ખરાઈ કરીને જ લખી છે. જોકે, તેમાં મદદ મેળવવા મારે બહાર ફાંફા મારવા પડ્યા ન્હોતા. મારા સગા મોટા ભાઈ અને ભાભી બંને ય ઍનેસ્થેટિસ્ટ (ડૉક્ટર) છે એટલે મેં તેમને પૂછેલું, “માણસે આત્મહત્યા કરવી હોય તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ ? બહુ વેદના ન થાય અને ઝાઝો સમય તરફડવું ન પડે એવી દવાનું નામ આપો.”

મને એમ કે તેઓ મારો વાંસો પસવારતા કહેશે, “ગુજરાતી લેખક તરીકે બહુ પૈસા ન મળતા હોય એથી આપઘાત કરવાના વિચાર ન કરાય !” પણ, તેમણે પૂછ્યું, “કોને મારવાનો છે ?” (અહીં, ‘વાર્તામાં’ શબ્દ અધ્યાહાર છે.) પછી, મેં તેમને વિગત જણાવી એટલે તેમણે કહ્યું, “હું તને ચોક્કસ દવાનું નામ તો નહીં કહું, કારણ કે તે જાણીને કોઈ તેનો દુરુપયોગ કરી શકે, છતાં તું બાધેભારે સક્સામિથોનિયમ લખજે.”

બાદમાં, દવાના વાયલ, ઍમ્પ્યુલ, આ દવાનો કોણ અને ક્યાં ઉપયોગ કરે, તેમાં કેટલા જથ્થામાં દવા આવે, તે કેવી રીતે ખરીદી શકાય, વગેરે બાબતો મેં તેમની પાસેથી જ જાણી હતી.

ઉપરાંત, વાર્તામાં એક જગ્યાએ ફાર્માસિસ્ટને પકડવા પોલીસ કોન્સ્ટેબલ નવી ટ્રીક વાપરે છે. (હેમંત બલર પરિવારના એક એક સભ્યના કોલ લિસ્ટમાંથી દરેક નંબર પર ફોન કરીને આલ્પ્રેક્સ ૦.૫ mg વિશે પૂછતો હતો તે યાદ આવ્યું ?) તે માટે મેં ધમધોકાર ચાલતા મેડિકલ સ્ટોરનો સંપર્ક કર્યો હતો. મેં તેમને પૂછ્યું હતું, “એવી કોઈ દવા છે જેના વિશે સામાન્ય માણસ જાણતો ન હોય, જે પ્રિસ્ક્રિપ્શન વગર ન મળવી જોઈએ, છતાં ફાર્માસિસ્ટ તેને એમ જ વેચે છે ?” ત્યારે તેમણે ઘણી બધી દવાઓના નામ આપેલા. પરંતુ તેમાંથી મારી પિન આલ્પ્રેક્સ પર ચોંટી હતી. તેમણે કહ્યું હતું, “ઍંગ્ઝાયટી(ચિંતા)થી પીડાતા માણસને ઊંઘ ન આવતી હોય ત્યારે આલ્પ્રેક્સ ૦.5 મિલિગ્રામ ટૅબ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો તે પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચી શકાય, છતાં ગુજરાતના ઘણાં મેડિકલ સ્ટોર પર એમ જ મળી જાય છે.” હું ય મર્ડરર’સ મર્ડરની ચિંતામાં ઍંગ્ઝાયટીથી પીડાતો હતો, એટલે વાર્તામાં દવાનો ઉપયોગ કરીને પછી આરામથી સૂઈ ગયેલો !

8. બેભાન પુરુષનો બળાત્કાર થઈ શકે કે કેમ ?

સ્ત્રીને નશાકારક દ્રવ્ય પિવડાવી, બેહોશ કરી બળાત્કાર કરવામાં આવ્યો હોય તેવા કેટલાક કિસ્સા મારા ધ્યાનમાં આવ્યા હતા. પુરુષને ય નશાકારક દ્રવ્ય પિવડાવી, બેહોશ કરી તેનો બળાત્કાર કરી શકાય એવું મેં માન્યું હતું. વાર્તામાં એક જગ્યાએ મેં એક પુરુષને (તે પુરુષ કોણ છે તે આપ જાણો છો) એવી કબૂલાત કરતા જણાવ્યો છે કે એક સ્ત્રીએ તેને બેભાન કરી તેનો બળાત્કાર કર્યો હતો અને તે ઘટનાની એ પ્રકારની સીડી બનાવી હતી, જેથી લોકોને લાગે કે પુરુષે સ્ત્રીનું જાતીય શોષણ કર્યું છે. બાદમાં, તે સ્ત્રી પુરુષને બ્લેક મેઇલ કરવા લાગી હતી. વાર્તાના પહેલા ડ્રાફ્ટમાં લખાયેલી તે વાત કેટલાય અઠંગ વાચકોએ વિરોધ કર્યા વગર વાંચી અને સ્વીકારી હતી.

બાદમાં, ઘણા ડ્રાફ્ટ થઈ ગયા પછી, મેં તે વાર્તા જાણીતા લેખક શ્રી મનહર ઓઝાને (સુધારા સૂચવે તો નોવેલ વધુ સારી બને તે હેતુથી) વાંચવા આપેલી. તેમણે તે વાંચીને આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું, “પુરુષ બેહોશ હોય તો તેનો બળાત્કાર કેવી રીતે થઈ શકે ? એક તો પોઝિશનનો પ્રશ્ન ઉદ્ભવે અને બીજું, બેભાન પુરુષ કામોત્તેજક દશામાં આવી શકે કે કેમ તે વિચારવું પડે. વળી, પુરુષ સાવ બેહોશ હોય તો નીચેની બાજુએ સૂતો હોય. હવે, રેકૉર્ડિંગમાં પુરુષ નીચે અને સ્ત્રી ઉપર હોય તો પુરુષે સ્ત્રીનો બળાત્કાર કર્યો છે એવું કેવી રીતે સાબિત થાય ? એક લેખક તરીકે મને આટલા પ્રશ્નો થતા હોય તો ઝાલા જેવા હોશિયાર ઇન્સપેક્ટરને ન થાય ? માટે, આમાં સુધારો કરવો પડશે.”

તેમની વાતે મને ચોંકાવ્યો. મેં તે બાબતની ખરાઈ કરવાનું નક્કી કર્યું. મને લાગ્યું કે મારે આવેગ, ઉત્તેજના અને જાતીય પરિતૃપ્તિને લગતી દવાઓ બનાવતી ફાર્માસ્યૂટિકલ કંપનીનો સંપર્ક કરવો જોઈએ. આથી, હું “ફાર્મેકો હેલ્થકેર”ના માલિક શ્રી ભવ્યેશભાઈ જિવાણીને મળ્યો. તેમની અનેક પ્રોડક્ટ પૈકી સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ વાયેગ્રા છે. તેમણે મને જે કહ્યું તે મનહરભાઈની વાતને સાચી સાબિત કરતુ હતું.

તેમણે કહ્યું, “પુરુષ બેહોશ હોય ત્યારે શારીરિક સંબંધ ન બાંધી શકે. અરે, ભરપૂર નશો કર્યા જેવી અર્ધજાગૃત અવસ્થામાં ય તે સંતોષકારક સમાગમ ન કરી શકે. (મતલબ, પુરુષ બેભાન હોય તો ય સેફ જ રહે !) છતાં કોઈ સ્ત્રી, પુરુષને આ પ્રકારની દવા ચોક્કસ માત્રામાં (પુરુષ અર્ધજાગૃત કે અપ્રતિકારક થઈ જાય તેટલી માત્રામાં) પિવડાવે અને પછી કૅમેરાને ચોક્કસ એંગલ પર ગોઠવી, ખોટી એક્ટિંગ, એક્સપ્રેશન અને ભ્રામક અવાજો કરી વીડિયો બનાવે તો વીડિયો જોનાર ગેરમાર્ગે દોરાઈ શકે.”

તેમણે, કઈ દવાઓની મદદથી આવું કરી શકાય, તે દવાઓને જ્યુસ કે કોલ્ડ ડ્રિંક વગેરેમાં ભેળવવામાં આવે તો પીણાના ટેસ્ટમાં કેટલો ફેરફાર થાય, વગેરે તમામ પ્રશ્નોના જવાબ આપી મારી મૂંઝવણ દૂર કરી.

બાદમાં, મર્ડરર’સ મર્ડરના ડ્રાફ્ટમાં મેં તેમના માર્ગદર્શન મુજબ ફેરફાર કર્યા ; પુરુષની કબૂલાતમાં સુધારા કરી, ‘ખુલ્લી આંખે સૂતો રહ્યો’, ‘અર્ધજાગૃત હતો’, જેવા વાક્યો લખી તે સાવ બેહોશ ન્હોતો થઈ ગયો એવું દર્શાવ્યું. (આમેય, તે સાચું બોલતો હોય તો બેભાન ન જ થયો હોય અને ખોટું બોલતો હોય તો પકડાઈ ન જવાય તેવી જાગૃતિ સાથે નિવેદન આપે. જોકે તેની વાતમાં કેટલી સચ્ચાઈ હતી તે આપ જાણો છો.)

****

આ જ પ્રકારે વાર્તામાં મેં એક પાત્રને પેરાનોઇડ પર્સનાલિટી ડિસૉર્ડરનો દર્દી બતાવ્યો છે. (તે કોણ છે તે આપ જાણો છો.) જોકે, તે રોગ વિશે કંઈ પણ લખતા પહેલા મેં સાઇકાયટ્રિસ્ટ ડૉક્ટર જયોતિક ભચેચની મદદ લીધી હતી. તેમણે મને તે રોગ વિશેની જરૂરી માહિતી આપી હતી અને વાચકોને કંટાળો ન આવે છતાં યોગ્ય ઠરે તેવું વર્ણન કરવા મદદ કરી હતી. બાદમાં, તે પાત્રના રોગને લગતા વર્ણનો મેં તેમને વ્હોટ્સએપ કર્યા હતા. સાફલ્ય ક્લિનિકની ભારે ઓપીડી અને વ્યસ્તતા વચ્ચે પણ તેમણે તે વાંચ્યા હતા અને મને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આવા અદ્ભુત પ્રેમ અને સહકાર બદલ હું તેમનો અત્યંત આભારી છું.

વાર્તાના તે પાત્રને મેં પેરાનોઇડ પર્સનાલિટી ડિસૉર્ડરનો દર્દી શા માટે બતાવ્યો તેની પાછળ પણ એક રસપ્રદ કારણ છે. હું આ વાર્તાનો પહેલો ડ્રાફ્ટ લખી રહ્યો હતો ત્યારે કેટલાક મિત્રોનું બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી તેમને એક એક પ્રકરણ મોકલી આપતો હતો. વાર્તા લખતા પહેલા મેં જે સિનોપ્સીસ બનાવ્યું હતું, તેમાં તે પાત્રને મારવાની મારી કોઈ યોજના ન હતી. પરંતુ, નવમું પ્રકરણ બ્રોડકાસ્ટ થયાની સાંજે મને એક મિત્રનો મેસેજ આવ્યો. તેણે લખ્યું હતું, “હવે, આ વ્યક્તિનું મર્ડર થઈ જશે. (જેને મેં પાછળથી પેરાનોઇડ પર્સનાલિટી ડિસૉર્ડરનો દર્દી બતાવ્યો છે તે વ્યક્તિનું..) તે માણસ જ આરવીનો હત્યારો છે અને તેનું ય મર્ડર થશે એટલે તેં વાર્તાનું નામ મર્ડરર’સ મર્ડર રાખ્યું છે.”

આ વાંચી મને લાગ્યું કે વાચક ધારે તે દિશામાં વાર્તા જશે તો તેમને ઓર મજા આવશે. આથી, મેં તે પાત્રને મારવાનું નક્કી કર્યું. (મારે ક્યાં ચાકુ ચલાવવાનું હતું કે તેને મારતા મારા હાથ કાંપે, મારે તો કિ-બોર્ડ પર આંગળીઓ જ ચલાવવાની હતી !)

જો કે આ આઈડિયા અમલમાં મૂકવો મેગી બનાવવા જેટલું સહેલું ન હતું. કારણ કે જેટલા પાત્રની હત્યા થાય તેની આગળ પાછળની સ્ટોરી, કારણો અને તાંતણા મેળવવા પડે. પછી, લાગ્યું કે તેને મારવાનું પાપ કરવું તેના કરતા તે આત્મહત્યા કરે તો ! પણ, માણસ આત્મહત્યા ક્યારે કરે ? માનસિક બિમાર હોય અથવા પ્રચંડ ડિપ્રેશનમાં હોય તો. આથી, મેં તે માણસને બીમાર બતાવ્યો અને પેરાનોઇડ પર્સનાલિટી ડિસૉર્ડરની એન્ટ્રી થઈ.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED