ઉજળી પ્રિતનાં પડછાયા કાળા
પ્રકરણ -21
તાઉજીએ પૃથ્વીરાજસિંહને બોલાવ્યાં અને કીધું તમે સ્તવન સાથે ફોન પર વાત કરીને સારો દિવસ જોવડાવીને એને બોલાવી લો આપણે વાત કરીએ અને વિચારી લઇએ. દીકરીનો પ્રશ્ન છે ખૂબ લંબાવ્યા કરવાનો અર્થ નથી. આપણે કોઇ ઉતાવળ પણ નથી અને બહુ લાંબુ ઠેલી શકાય એવું પણ નથી જરૂર પડે ઘરમાં આ લોકો સાથે વાત કરી લેજો. પછી વધુ ઉમેરતાં કહ્યું મેં સ્તવન અને સ્વાતીનાં ફોટાં જોયાં છે એ લોકોની પસંદગી એકમેક માટે જે હોય એ પણ ખૂબ આગળ નીકળી ગયાં હોય એવું લાગે છે એટલે આમાં વાતનું વતેસર થાય પહેલાં પાળ બાંધવી જરૂરી છે.
પૃથ્વીરાજસિંહ કહ્યું મને પણ એવાંજ વિચાર આવે છે. આટલાં આગળ નીકળેલાં સંબંધમાં આપણે શાણપણ દાખવવું જરૂરી છે મને ખબર નથી પડતી કે સ્વાતીએ આવું કેમ કર્યું ? તાઉજી કહે જે થયું એ ખરું પરંતુ છોકરો સાવ નાખી દેવા જેવો નથી રંગ રુપે અને ભણતરમાં સારો જણાય છે અને કૂળ બ્રાહ્મણ છે. છતાં આતો આપણી વચ્ચેની વાત છે તમે ઘરમાં વાત કરીને ફોન કરી દો અને શું નક્કી થાય છે એ મને જણાવો પૃથ્વીરાજસિંહ કહે ભલે હું આ બે ત્રણ દિવસમાં જ સારો દિવસ જોઇને બંધુ નક્કી કરી આપને જણાવું છું.
પૃથ્વીરાજસિંહ મોહીનીબા સાથે વાત કરી "તમે મારી વાત ધ્યાનથી સાંભળો, તાઉજી સાથે વાત થયા મુજબ હું બધી તપાસ કરીને સારો દિવસ જોઇને પેલાં છોકરા સ્તવનને બોલાવી લઊં છું એક વાર મળી તો લઇએ આપણને ખબર પડે. મોહીનીબા કહે "એવી કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી પહેલાં હું કહું છું એમ કરો. સાંભળો મને પછી નિર્ણય કરજો. એક તો અહીં એ છોકરો કોઇ દેવધરભાઇને ત્યાં રહેતો હતો એમને જઇને મળીએ સ્વાતીને પૂછી લો એ ક્યાં રહે છે મારાં ભાઇ શક્તિસિંહનો સાળો સુંદરસિંહ પણ કુંવારો છે સારો દેખાય છે અને પોતાની કોઠી છે. ભાઇએ મને કહેલું થોડાં સમય પહેલાં કે તમારી મરજી હોય તો સ્વાતીનું ત્યાં ગોઠવીએ પણ એ હજી ભણતી હતી અને તમારી સાથે વાત કર્યા વિનાં શું જવાબ આપું એટલે કંઇ જવાબ નહોતો આપ્યો. આમ સાવ અજાણ્યામાં પડવું એનાં કરતાં આ ઘરનો છોકરો અને જાણીતું કુટુંબતો ખરું.
પૃથ્વીરાજસિંહ કહ્યું આટલું સ્વાતીનું થયું છે છતાં તમે ? મોહીનીબા કહે "ભાઇએ કહ્યું મને કે એ બધું સાચવી લેશે જો તમારી હા હોય તો સુંદરસિંહ સાથે સગપણ કરવામાં કોઇ નાનમ કે નડતર નહીં આવે એવી એમણે ખાત્રી આપી છે.
પૃથ્વીરાજસિંહ થોડીવાર વિચારમાં પડી ગયાં પછી મોહીનીબા તરફ નારાજગી દર્શાવતા કહ્યું "તમે શું વાત કરો છો ? કોની સાથે મારી દીકરીનાં સંબંધ કરવાની વાત કરો છો?. કંઇ સમજ પડે છે ? એ શક્તિસિંહનો સાળો સુંદર ? એ નામનો સુંદર છે કેવો ડાકુ જેવો દેખાય છે ના કોઇ ભણતર ના સંસ્કાર, આખો દિવસ કવોરી ઉપર દારૂની મહેફીલો જામે છે. તમે ભાઇનાં પ્રેમમાં અંધ થઇ ગયા છો એવાં દારૂડીયા અને રખડેલ સાથે આપણી દીકરીનાં સંબંધનો વિચારજ કેવી રીતે કરી શકો ? આખાં કુટુંબમાં એકની એક દીકરી અને એકનું એક સંતાન છે. આમ એમ દેખતી આંખે બધું જાણીને પણ એને કુવામાં નાંખવી છે ? કોઇપણ સંજોગોમાં આ સંબંધ નહીંજ થાય તાઉજી જાણશે તો આપણી ખેર નહીં રહે. કંઇક વિચારીને તો કંઇ કહો આપણી લાડકી છે મારી સ્વાતી.
મોહીનીબા થોડીવાર ચૂપ થઇ ગયાં પછી કહ્યું આજે છોકરો છે તમે ક્યાં જાણવાં ઓળખવાં ગયાં એ શું છે ? શું કરે છે ? ત્યાં અંધારામાં ધક્કો મારવા તૈયાર થયા છો. તમે પણ કંઇ વિચારો. પૃથ્વીરાજસિંહે કહ્યું આપણે આજેજ પહેલાં દેવધરકાકાનાં ઘરે જઇએ અને ત્યાંથી તો જાણીએ જે માહિતી મળે એ પછી આપણે કૂળનાં પંડિતજી પાસે જઇને સારો દિવસ કઢાવી છોકરાને બોલાવી માહિતી લઇએ પછી નિર્ણય કરીશું અને જે નિર્ણય કરીશું એ આપણી દીકરીનાં હિતમાં હશે એજ નિર્ણય કરીશું. હું મારી દીકરીને ક્યાંય પણ એ દુઃખી થાય એમ વિચાર્યા વિના નહી પરણાવું.
મોહીનીબા થોડા નરમ પડ્યાં અને કહ્યું "તમારી વાત સાચી છે પહેલાં દેવધરકાકાને મળી આવીએ પછી પડિંત ઓમકારનાથ પાસે જઇ આવીએ એની કૂંડળી પણ સાથે લેતાં જઇશું. તમે સ્વાતીને કહો પેલાં છોકરાં પાસે કૂંડળી મંગાવી લે. હું કુંડળી મિલાવ્યા વિના નહીં સંબંધ કરું. અત્યારે તો તમે લોકો ફોનથી બધાં કામ કરોજ છો. તો મંગાવી લો. હું ત્યાં સુધી તૈયાર થઇને આવું આપણે જઇ આવીએ.
પૃથ્વીરાજસિંહે સ્વાતીને બોલાવી અને કહ્યું દેવધરકાકાનું ઘર ક્યાં આવ્યું એ એડ્રેસ સમજાવ કોઇ ફોન નં. હોય તો આપ અને સ્તવન પાસે એની કૂડળી મંગાવી લે વોટસઅપ પર અને તું મને આપ અને દેવધરકાકાનાં ઘરે અને પંડિતજી પાસે જઇએ છીએ પછી અને પાછા આવીને નક્કી કરીશું કે સ્તવનને ક્યારે બોલાવવો છે સ્વાતીતો આનંદમાં આવી ગઇ કહ્યું હમણાં મંગાવીને આપું તમને પાપા....
*****
પૃથ્વીરાજસિંહ અને મોહીનીબા દેવધરકાકાને ઘરે પહોચવા સ્વાતીએ આપેલાં સચોટ એડ્રેસ પ્રમાણે શોધીને પહોંચતાં વારજ ના લાગી. મધ્યમ કદનું છતાં સુંદર મકાન હતું. આવી સરસ કોઠીમાં દેવધરકાકા એકલાં રહેતાં હતાં ઘર આંગળમાં શરૂઆત બગીચાથી થતી અને પછી વિશાળ વરન્ડા વટાવીને ઘરમાં જવાતું પૃથ્વીરાજસિંહ ગાડી પાર્ક કરીને પછી કમ્પાઉન્ડનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો બગીચો પસાર કરી ઘરતરફ ગયાં ત્યાં વરન્ડામાં જ આરામ ખુરશી પર કોઇ પુસ્તક વાંચતાં દેવધરકાકા બેઠાં હતાં. આ લોકોને આવેલાં જોઇને ઉભા થઇ ગયાં અને હાથ જોડી આવકાર આવ્યો" પધારો આપ કોણ ? પૃથ્વીરાજસિંહે દેવધરકાકા તરફ નજર કરી. સરેરાશ પ્રોઢતાંની ઊંમર વટાવી વૃધ્ધ છતાં તંદુરસ્ત અને સંસ્કારી દેવધરકાકાને જોઇ પૃથ્વીરાજસિંહથી પણ આપોઆપ હાથ જોડાઇ ગયા અને કહ્યું "અમે અહીં જયપુરથીજ આવ્યા છીએ નીલમબાગ પાસે પેલેસ રોડ પર રહીએ છીએ. મારી દીકરી સ્વાતી... સ્વાતીનું નામ પડતાં જ દેવધરકાકાને બધોજ ખ્યાલ આવી ગયો. એમણે તુરંત કહ્યું "ઓહો સ્વાતી દીકરીનાં પિતા છો આવો આવો અંદર પધારો કહીને અંદર બેઠકખંડમાં દોરી ગયાં અને કામવાળા પણ ઘરનાં જ હોય એવા કાયમી બ્હેનને કહ્યું "મહેમાન માટે પાણી લાવો કહીને બધાં શાંતિથી સોફા પર બેઠાં.
પૃથ્વીરાજસિંહ શરૂઆતમાં ઘરની રોનક -રાચરચીલું જોવામાં મગ્ન રહ્યાં જુનું હોવાં છતાં જાજરમાન હતું બધુ એક સમયે ઘણો વૈભવી હશે. પછી દેવધરકાકાને કહ્યું "વડીલ અમે એક ખાસ કામ માટે વાત કરવા અને જાણવાં માટે આવ્યા છીએ. "દેવધરકાકાએ કહ્યું આપ કંઇ પણ નિસંકોચ પૂછી શકો છો. હું જે જાણતો હોઇશ એ બધુંજ સ્પષ્ટ અને સત્યજ કહીશ.
મોહીનીબાએ મૌન તોડયું "એમણે કહ્યું"મારી દીકરી સ્વાતી અહીં આપને ત્યાં જે છોકરો... એ આગળ બોલે પહેલાં દેવધરકાકાએ કહ્યું "હા સ્તવન એજ ને બહેન ? પૃથ્વીરાજસિંહે કહ્યું" હા કાકા અમે એનાં વિશે જાણવાં આવ્યા છીએ. આમતો એ છોકરાને મળવા અમે બોલાવીશું અને બધી માહિતી લઇશું પરંતુ અહીં એ રહેતો હતો એટલે તમને ઘણીબધી જાણ હશે એટલે સ્થાનીક વ્યક્તિ પાસેથી ઘણી વિશ્વાસપાત્ર માહિતી મળશે એવી આશાએ અમે લોકો આપની પાસે આવ્યા છીએ અને દીકરીનાં માંબાપ છીએ એટલે ખૂબ જરૂરી પણ છે અમારાં માટે. દેવધરકાકા થોડીવાર એલોકો સામે જોઇ રહ્યાં. પછી ખૂબ વિવેક સાથે કહ્યું" આપની વાત સાવ સાચી છે. તમારી જગ્યાએ હું હોઉં તો હું પણ તપાસ કરુંજ મે પણ મારી દીકરી પરણાવી છે હું જાણું છું તમે જાણવા આવ્યાં છો હું જે એ સાચોજ નિખાલસ આ છોકરાનો પરીચય અને માહીતી આપીશ.
હું મારી આ કોઠીમાં એકલો રહું છું. મારે એકનો એક દીકરો છે એ પરદેશ અમેરીકા છે. દીકરી છે પરણાવેલી છે. એમનાં ઘરે એટલે કે સાસરે ખૂબ ખુશી છે. મારી તબીયત ખૂબ સારી છે પરંતુ કોઇ વ્યવસાય હું નથી કરતો. પહેલાં થોડુ કર્યા કરતો હતો પણ હવે સાવ નિવૃત્ત છું. એટલે કોઠીનો ઉપરનો ભાગ આવા અભ્યાસ અર્થે આવતાં છોકરાઓને ભાડે આપું છું. રાખું છું મને કંપની રહે છે અને થોડી ઘણી આવક થાય છે. ભગવાનની દયાથી મારે પૈસાની કોઇ જરૂર નથી ઇશ્વરે આપેલું ઘણું છે. છોકરો પણ વિદેશથી મોકલે છે મારી જરૂરીયત કરતાં વધુ છે. આ આપને જણાવવાનું કારણ એ કે મારે એવી કોઇ જરૂરીયાત નથી કે હું ગમે તેવાને ઘર ભાડે આપું. હું એવી વ્યક્તિને આપું છું કે જેણે કોઇ ઓળખાણ આપી હોય અને મળ્યા પછી વિશ્વાસ પડે પછી જ આપું છું.
મુખ્યવાત પર આવું. આ છોકરો સ્તવન મારી પાસે આવેલો એ પણ કોલેજનાં કોઇ ઓળખાણવાળાની ભલામણ લાવેલો. બીજું પછી તો પેલેસમાં કોઇ સીક્યુરીટી ચીફ હતા શું નામ એમનું ? હાં યાદ આવ્યું સૌરભસિંહ એપણ એક વાર કંઇ કામ હતું ને એની સાથે આવેલા છોકરો બ્રાહ્મણ છે વડોદરા માંબાપ રહે છે. અહી પુરાત્વ શાસ્ત્રનું ભણવા આવેલ અહી થીસીસ લખી રહેલો ખૂબ સંસ્કારી, વિવેકી, છોકરો એનાં પિતા વડોદરા મ્યુનિસ્પિલ કોર્પોરેશનનાં ચીફ એન્જીનીયર છે એકનો એક દીકરો છે. હાથનો ખૂબ ચોક્ખો બોલવામાં ખૂબ વિવેકી અને લાગણીશીલ, હું તમને શું કહું આ છોકરાએ એક વર્ષમાં મારું એવું દીલ જીતી લીધેલું કે મારો પોતાનો છોકરો ભૂલી ગયેલો. એની સાથે જે દીકરી પરણાવશે એ ક્યારેય જીવનમાં દુઃખી નહીંજ થાય એટલી કાળજી લેવાવાળો છોકરો છે. મોહીનીબા અને પૃથ્વીરાજસિંહ બંન્ને એકબીજાની સામે જોવા લાગ્યા. અને હા બીજું ખાસ તમને જણાવું કે એ એનાં ઘરે ગયો એ પહેલાં તમારી દીકરી સ્વાતીને અહીં લઇને આવેલો મારી ઓળખાણ કરાવવા અને આશીર્વાદ લેવાં. અહીં એ મને એનાં પિતાની જગ્યાએ ગણતો. મેં આશીર્વાદ આપ્યા છે મારી દીકરીજ સમજીને છોકરાની પસંદગીમાં તમે કોઇ થાપ નહીં ખાવ એ હું ખાત્રી આપું છું. નિશ્ચિંન્ત રહી બોલાવો તમારી રીતે વાત કરો ચકાસો જે કરો એ. તમારે નક્કી કરવાનું છે પણ જો નક્કીજ કરી વધાવવાનાં હોય તો મને જાણ કરજો. એ દીકરાની જાન હું મારી કોઠી પરથી કાઢીને લઇ આવીશ. મારી આટલી તૈયારી તમને સમજવા માટે પૂરતી છે.
પૃથ્વીરાજસિંહે કહ્યું "ખૂબ ખૂબ આભાર અને હવે અમને સંતોષ થયો છે કે મારી દીકરીની પસંદગી ક્યાંય ખોટી નથી આજે એટલું સારું લાગી રહ્યું છે કે જાણે હૃદય પરથી ભારજ ઉતરી ગયો. મોહીનીબા એ કહ્યું" સાચી વાત છે અને અહીંથી ખૂબ સારું મન લઈને જઇ રહ્યા છીએ. દેવધરકાકાએ એ લોકોને રસોઇ ઘરમાંથી મીઠાઇ લાવી આપી કહ્યું "તો હવે મો મીઠું કરીનેજ જાવ માનો કે દીકરાનાં ધરેથી મો મીઠું કરીને જાવ છો. પૃથ્વીરાજ સિંહ હસતાં હસતાં મોહીનીબાને મીઠાઇ આપી અને પોતે પણ ખાધી અને દેવધરકાકાનો આબાર માનીને એમની કોઠીએથી પંડિત ઓમકારનાથજીનાં ઘરે જવા નીકળ્યાં. એ લોકોનાં ગયાં પછી દેવધરકાકાએ આનંદનાં સમાચાર આપવાં સ્તવનને ફોન જોડ્યો.
આ બાજુ શક્તિસિંહ મદનસિંહને ફોન જોડયો અને આજની તારીખમાં મળવા માટે કહ્યું મદનસિંહે કહ્યું "હુકમ તમે કહો ત્યારે મળું પણ આપને શું કામ છે ? મેં સરને (પૃથ્વીરાજસિંહ) તો બધુજ આપી દીધું છે અને હવે મારાં ફોનમાં કોઇ ફોટો કે વીડીયો નથી. મારાં સરને હું પૂરોજ વફાદાર છું. શક્તિસિંહે કહ્યું તું આટલો વફાદાર છે તો તેં અમારી દીકરીનાં ફોટો-વીડીયો શા માટે લીધાં ? શેના માટે તેં એમને આમ પૂછ્યા વિનાં કહ્યા વિનાં લીધાં અને મોકલ્યા ? મદનસિંહ કહે હું એમની દીકરીને કોઇ અજાણ્યા સાથે જોતો પછી એ લોકોની હરકત મને ગમી નહીં. અને સરને સીધું કહેવાની હિંમત નહોતી એટલે મેં મોકલ્યાં હતાં હવે કંઇ નથી મારી પાસે.
શક્તિસિંહે કહ્યું ભલે તું જે ચોખવટ કરે એ પણ હું તને ત્યાં સીટી પેલેસ જ મળવા આવું છું. સાંજે પછી રૂબરૂમાં વાત કરું છું. મદનસિંહ ફોન કાપી થોડો વિચારમાં પડી ગયો અને મૂછમાં હસી રહ્યો હતો.
પૃથ્વી રાજસિંહ અને મોહીનીબા દેવધરકાકાનાં ઘરેથી નીકળ્યાં ગાડીમાં બેઠાં અને પૃથ્વીરાજસિંહ મોહીનીબાને કહ્યું "છોકરા વિશે આપણે ધારતાં હતાં એનાં કરતાં સારીજ માહિતી મળી છે. આ છોકરો આમની સાથે કેટલો હળી ભળી ગયો છે. અને આ દેવધરકાકા પણ જાણે પોતાનો છોકરો હોય એમ વાત કરી રહ્યાં છે લગ્નની જાન પણ પોતાને ત્યાંથી કાઢશે એમ કહે છે. કહેવું પડે. ઠીક છે. પહેલાં પડિતંજી પાસે જઇ આવીએ અને મૂહૂર્ત અને કુંડળી બતાવી દઇએ.
મોહીનીબા કહે પહેલાં પેલાં છોકરાની કુંડળીનો આવી જવા દો પછી જઇશું બધી માહિતી સારી મળી છે પરંતુ છોકરાને રૂબરૃ મળીએ પછીજ વાત.
પૃથ્વીરાજસિંહ અને મોહીનીબા સીધાંજ તાઉજીની કોઠી પર ગયાં અને દેવધરકાકા સાથેની વાત જે થઇ અને એમણે જે માહિતી આપી બધુ કહ્યું. તાઉજી કહે "ચાલો છોકરા વિશે તો માહિતી સારી અને સંતોષજનક છે. પૃથ્વી તમે સીધો છોકરાનેજ ફોન કરો અને વાત કરો આપણે ફોન પર એનાં માતાપિતા સાથે પણ વાત કરી લઇએ તમે પંડિતજીને ત્યાં જઇને આવ્યા ? પૃથ્વીરાજસિંહ કહે નાં સ્વાતીની મંમી કહે છોકરાની કુંડળી આવે પછી જઇશું અને છોકરો આવે તો એને લઇને જ જઇએ તો પંડતિજીનાં આશીર્વાદ પણ છોકરો લઇ લેશે. તાઉજી કહે ઠીક છે એમ પણ સારી વાત છે. ઠીક છે પૃથ્વી તમારી પાસે એ સ્તવનનો ફોન નં. છે ? પૃથ્વીરાજસિંહે કહ્યું હા મેં સ્વાતી પાસેથી લીધો છે. તાઉજી કહે તો કરો ફોન આપણે વાત કરી લઇએ. મોહીનીબા કહે હમણાં કરવો છે ને ?
તાઉજી કહે હાં હમણાંજ કરો અને તમારાં બેનને પણ બોલાવો આપણે ચારે વાત કરીશું. મોહીનીબા માણેકબાને બોલાવી લાવ્યા. પૃથ્વીરાજસિંહે સ્તવનનાં નંબર ઉપર ફોન કર્યો. સ્તવને તરતજ ફોન ઉપાડયો એ બોલ્યો "હાજી સર હું સ્તવન, પૃથ્વીરાજસિંહે કહ્યું હું સ્વાતીનાં પિતા પૃથ્વીરાજસિંહ બોલું છું. સ્તવને કહ્યું હા સર !
હાં- સ્તવન અહીં તાઉજીનાં ઘરે છીએ. તારાં પાપા મંમી છે તો પહેલાં એમની સાથે વાત કરવી છે. સ્તવને કહ્યું "હાં સર એક મીનીટ હું પાપાને આપું છું અહીંજ છે સ્તવને એનાં પાપાને ફોન આપ્યો. અને ધીમેથી કહ્યું સ્વાતીનાં પપ્પા છે વાત કરવા માંગે છે. સ્તવનનાં પિતાએ કહ્યું" હાં આપ મને અને ઇશારાથી શાંત રહેવા કહ્યું સ્તવનનાં પિતાએ કહ્યું" હેલો" હું સ્તવનનો પિતા સુરેશચંદ્ર વાત કરું છું. પૃથ્વીરાજસિંહે કહ્યું" હલો કેમ છો ? હું સ્વાતીનો પિતા પૃથ્વીરાજસિંહ બંન્ને છોકરાઓએ એમની પસંદગી કરી લીધી છે અને અમે સ્તવનને અને તમને પહેલાં મળવા માંગીએ છીએ પછી આપણે નક્કી કરી શકાય. અમારાં રીતરીવાજ અને સમાજ જુદો છે અમે રાજપૂત છીએ અને અમારી સ્વાતી એકની એક દીકરી છે. સુરેશચંદ્રએ કહ્યું "હાં આપની વાત સાચી છે. આપણે પહેલાં મળવું જરૂરી છે. અમે ત્રિવેદી બ્રાહ્મણ છીએ હું અહીં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ચીફ એન્જીનીયર તરીકે કામ કરુ છું સ્તનવ પણ અમારો એકનો એક દીકરો છે. પૃથ્વીરાજસિંહ કહે "હા થોડી ઘણી માહિતી તો સ્વાતીએ આપી છે. તમારી સાથે વાત કરીને સારું લાગ્યું ચાલુ રાખો અમારાં મોટાભાઇ વડીલ તાઉજી સાથે વાત કરો જે કંઇ નક્કી થશે એ એમનાં જ આશીર્વાદથી જ થશે.
પૃથ્વીરાજસિંહે તાઉજીને ફોન આપ્યો. તાઉજીએ ખોંખારો ખાઇ ગળું સાફ કરીને કહું "નમસ્કાર ભાઇ કેમ છો ? તમારી થોડી ઘણી માહિતી છે પરંતુ રૂબરૂ મળવું પહેલાં જરૂરી છે. એટલે ફોન કર્યો સુરેશચંદ્ર કહ્યું "જી નમસ્કાર સર ! આપની વાત સાચી છે આપણે મળવું જરૂરી છે. આપ જેમ કહેશો એ પ્રમાણે નક્કી કરીશું તાઉજીએ કહ્યું "પહેલાં સ્તવનને મોકલી આપો અથવા બધાં સાથે આવો તો પણ વાંધો નથી આપણે મળી લઇએ સારો દિવસ જોઇને તમે નક્કી કરી અમને જણાવો તો એ પ્રમાણે મળી લઇએ. સ્તવનનાં પિતા સુરેશચંદ્રએ કહ્યું હું સારો દિવસ જોવડાવીને આપને તુરંત જાણ કરીશ. તાઉજીએ કહ્યું ભલે. અને સ્વાતીની મંમીને ફોન આપીએ છીએ. સ્તવનની મંમી સાથે વાત કરાવો તમે. સુરેશચંદ્રએ કહ્યું ભલે એમ કહીને સ્તવનની મંમીને ફોન આપ્યો અહીં મોહીનીબાએ ફોન લીધો અને બંન્ને જણાએ વાતો કરી પછી માણેકબા સાથે પણ સ્તવનની મંમીએ વાતો કરી પછી બધાની વાત થયાં પછી ફોન મૂકતાં પહેલાં કહ્યું તમે સારો દિવસ જોઇ કહેવાં જણાવ્યું.
સ્તવન એનાં માતાપિતા બધાંજ ખૂબ ખુશ હતાં એનાં પાપાએ કહ્યું" પંચાગ લાવ હમણાંજ દિવસ જોઇ આપું પછી એમને વેળાસર જણાવી દઇએ. સ્તવનની માતાએ કહ્યું" શુભસ્ય શ્રીધ્રમ- પહેલો જે સારો દિવસ આવે એ સરસ જોઇ કેહજો. સ્તવનની રાશી, ગ્રહ નક્ષત્ર બધુંજ જોજો બરાબર સ્તવને સેવારૂમમાંથી પાપાને પંચાગ લાવી આપ્યું સુરેશચંદ્રએ પંચાગ અને સ્તવનની કુંડળી બધુ મેળવણી કરીને કીધું દીકરાં આવતો સોમવાર ખૂબ શુભ છે બધાંજ ગ્રહની શુભ અસર છે. અને લગ્ન અંગેના કામ માટે શુભમંગળ દિવસ છે. આ લોકો આમ વાત કરી રહ્યાં હતાં અને સ્વાતીનાં પાપાનો ફરીથી ફોન આવ્યો. સુરેશચંદ્રએ જ ફોન લીધો. અને કહ્યું હાંજી હું સુરેશચંદ્ર સામેથી પૃથ્વીરાજસિંહે કહ્યું" સોરી -માફ કરજો પણ એક ખાસ વાત કહેવી ભૂલ્યો હતો. તમે સારો દિવસ જૂઓ અને સ્તવન આવે સાથે જન્મકુંડલી લેતા આવે. અમે માનીએ છીએ અને અમારાં પંડિત પાસે પણ એમને લઇ જઇશું સુરેશચંદ્રએ કહ્યું "બહુ સારી વાત છે અમે પણ માનીએ છીએ. જરૂરથી સાથે લઇને આવશે અને બીજું સાથે સાથે જણાવી દઊં કે આવતા સોમવારે ઘણો શુભ દિવસ છે તો સ્તવન આપને મળવા આવશે અમે લોકો પાછળથી આવીશું મારે અહીં કોર્પોરેશનમાં પ્રોમોશન ની તૈયારીઓ છે મને રજા નહીં મળી શકે પરંતુ અમે પાછળ જ આવી પહોંચીશું
પૃથ્વીરાજસિંહે કહ્યું" ઓહો એમ વાત છે કંઇ નહીં પહેલાં સ્તવન આવશે તો અમે મળી લઇએ. અને પંડિતજી પાસે પણ જઇશું પછી તુરંત આપની સાથે વાત કરીશું છતાં તમે પ્રયત્ન કરજો કે સાથે અવાય તુરંત આવી શકાય. મને જાણીને આનંદ થયો કે તમે તુરંત દિવસ જોઇ લીધો સુરેશચંદ્ર એ કહ્યું જી હું પોતે આ બધું જોવું છું. મારો અભ્યાસ અને શોખ છે. થોડું ઘણું નોલેજ તો સ્તવનને પણ છે એ ઘણુ જાણે છે. પૃથ્વીરાજસિંહ કહે ઓહો મોરનાં ઇંડા ચીતરવા ના પડે. ભલે તો અમે સોમવારે રાહ જોઇશું અને ફોન મૂક્યો. સ્તવનની મંમી કહે "વેવાઇને તરતજ જણાવવાની ક્યાં જરૂર હતી હજી હમણાજ તો તમે દિવસ જોયો. એમને થશે આ લોકોની ખૂબ ઉતાવળ છે. ધીરજ જ નથી. સુરેશચંદ્ર કહે એમાં શું થઇ ગયું આવા કામમાં મૂહૂર્ત થોડાં જોવાય. એનાં જ મૂહૂર્ત જોવાય કહીને હસી પડ્યાં. સ્તવન પણ ખુશીથી હસી રહ્યો.
મૂહૂર્તે જોયાંની રાત્રે જ સૂતાં જતાં પહેલાં સ્તવને સ્વાતીને ફોન કર્યો સ્વાતીએ સ્ક્રીન પર સ્તવનનું નામ જોતાંજ તરતજ ઉપાડી લીધો કહ્યું "લવ યુ ડાર્લીંગ હવે જમાઇરાજ આવવાનાં અહીં બધાં હવે તમારી રાહ જ જોવે છે. સ્તવન કહે" ઓહો બધે સમાચાર પહોંચી પણ ગયા ? સ્વાતીએ કહ્યું " મને પાપાએ જ કહ્યું" તાઉજી, માં, મોટીકાકી બા બધાંજ ખૂબ ખુશ છે. સ્તવન કહે અને તું ? સ્વાતી કહે "હું તો મારા માણીગરની રાહ જોઊં છું આંખો પાથરીને સ્તવન મને એટલું સારું લાગી રહ્યું છે કે, ઘણીવાર સ્વપ્ન જેવું લાગે છે કે સાચેજ બધાં માની ગયાં છે ? આપણાં લગ્ન થવાનાં હાશ માંબાબાની સાચેજ કૃપા છે. એમનાં આશીર્વાદથી બધુજ સીધું સમરુ થઇ રહ્યું છે. અને દેવધરકાકાએ પણ તમારાં વખાણનાં પટારાં ખોલેલા એ ખૂબ કામ લાગ્યાં. સ્તવન કહે "અરે હા હું સ્વાતી તને કહેવાજ ભૂલ્યો દેવધરકાકાનો પણ ફોન આવેલો તારાં મંમી પપ્પા એમને મળીને નીકળ્યા પછી એમણે કહ્યું "દીકરા તું ખૂબ નસીબદાર છે. સ્વાતીનાં માંબાપે ઘણું પૂછેલું મેં સાચાંજ જવાબ આપેલાં સાચાં હીરાનાં મોલ હોય પણ રૂઢીચૂસ્ત કુટુંબો આ સ્વીકારી લીધું. ખૂબ ગમ્યું એમાંય તાઊજીની જ ખૂબ ઇચ્છા હતી એવું કહ્યું.
સ્વાતીએ કહ્યું "સ્તવન સાચેજ આપણે નસીબવાળા છીએ માંબાબાને મેં ખૂબ થેક્યુ કહ્યું છે અને તમે આવો પછી આપણે ત્યાં જઇને સાથે પગે લાગી આવી રૂબરૂ આશીર્વાદ લઇશું. અને મારી બીજી ઇચ્છા જ્યાં આપણે પર્વતની ચોટે બેઠેલાં ત્યારે પંચતત્વની તમે પ્રાર્થના કરી હતી ત્યાં મને કંઇક આગમ્ય એહસાસ થયેલો ત્યાં ખાસ જઇશું. અને આર્શીવાદ લઇશું.
સ્તવને કહ્યું "સ્વાતી તેં મારાં મનની વાત કીધી આપણે ત્યાં જઇશુંજ માંબાબાનાં દર્શન કરીને ત્યાંથી સીધાં નહારગઢ આપણી ટેકરી પર જઇશું. ત્યાં સાક્ષાત પ્રકૃતિ અને પરમાત્મા દેખાય અનુભવાય છે. મારી ખૂબજ ગમતી જગ્યા છે. સ્વાતી કહે એ દિવસે તમે જે અનુભવ કરાવ્યો છે. હું ક્યારેય નહીં ભલૂ તમે કુદરત સાથે એટલાં બધાં સંકળાયેલા છો કે તમને બધાંજ એહસાસ થાય છે.
સ્તવન તમને તાઉજી અને પાપાની વાત પરથી કેવા એહસાસ થયા ? સ્તવને કહ્યું ખૂબ જ ખુશ અને મને દીલથી સ્વીકાર્યો હોય એવુંજ લાગ્યું છે. માં હજી કુંડળી બતાવ્યા પછી સ્વીકારશે એવું લાગે કહી હસી પડી એ. સ્વાતીએ કહ્યું કંઇ નહીં ઇશ્વર સાથે છે તો બધુંજ મળી જશેજ. સ્તવન કહે બધુજ મળતું હોય તો જ આવાં મન વિચાર અને મન મળે આવાં દીલ એકમેકમાં પરોવાય. સ્વાતી કહે "ઓ મારા રાજા હવે સૂઇ જાવ નહીં તો આખી રાત આમ જ નીકળી જશે. સ્તવન કહે "હાં સૂઇ જઇએ કાલે સવારે મારે એક ખાસ કામ માટે જવાનું છે. સ્વાતી કહૈ શું ખાસ કામ ? સ્તત કહૈ એ કાલે વાત સરપ્રાઇઝ લવ યુ ગુડનાઇટ કહી ફોન મૂક્યો.
· * * * *
શક્તિસિંહે એનાં સાળા સુંદરસિંહને ફોન કરીને સીટીપેલેસ બોલાવી લીધો. બંન્ને જણાં સીટીપેલેસ ભેગાં થયાં. સુદરસિંહ એની ખૂલ્લી જીપમાં આવેલો. કવોરીનો રાજા હોય એવાં ઠાઠ સાથે આગવો દેખાવ દુર્જન જેવો નામ સુંદસિંહ એણે આવીને શક્તિસિંહને કહ્યું જીજા બોલો હવે શું કરવાનુ છે ? અને પેલો મદન ક્યાં છે ? શક્તિસિંહ કહ્યું "એય જરાં કાબૂમાં રહેજો અમારાં બહેનનાં ઘરની વાત છે ખૂબજ સાવચેતી પૂર્વકની વાત કરવાની છે તો તારો નંબર લાગશે. જીવનમાં જોઇ નહીં હોય એટલી મિલકત મળશે. બેઉં ઘરમાં બેસુમાર દોલત અને મિલ્કતો છે. પરંતુ તારી જાતને કાબૂમાં રાખજે. મદનસિંહને મેં બોલાવ્યો છે આવતોજ હશે. જો એ આવે જ છે તું ચૂપ રહેશે હું વાત કરીશ.
શક્તિસિંહે મદનસિંહ પાસે આવ્યો એટલે કહ્યું "મદન મેં તને કહેલું હું તને મળવા આવીશ. મને જીજાએ કહ્યું છે કે તારી પાસે હજી ફોટો કે વીડીઓ છે કે નહી ? મદનસિંહ કહ્યું" એ તો મેં તમને કહેલુજ કે નથી મારી પાસે. શક્તિસિંહ કહે, "ઠીક છે પણ ધ્યાનમાં રાખ જે કે પાછળથી કંઇ નવું કાઢ્યું. તો આ તારી સગી નહીં થાય કહીને કટાર બતાવી. બાકી અમે તો સ્તવન સાથે એનો સંબંધ કરવાનું સ્વીકારી લીધું છે એટલે ફરક પણ પડતો નથી. એવું કહી મદનસિંહનાં ચહેરાનાં હાવભાવ જોયાં. મદનસિંહ થોડો વ્યાકુળ થયેલો જોઇ કહ્યું પણ મારી ઈચ્છા નથી કે રાજપૂતની છોકરી બીજે જાય. મદનસિંહ કહે "હા સાચી વાત છે એટલેજ મેં ખાનગીમાં ફોટા અને વીડીઓ લઇને મોકલેલા પણ વાત અવળી જ પડી, શક્તિસિંહ કહે મારાં વિશ્વાસમાં રહેવાનો હોય તો બોલ આપણે આ લગ્ન અટકાવી શકીશું, અને એનો હું ખાનગી પ્લાન બનાવવાનો છું. બાકી આ મારો સાળો સુદરસિંહ કવોરીવાળા છે. મદનસિંહ કહ્યું નામ સાંભળ્યું છે. શક્તિસિંહ કહે ચાલો અંદર બેસીને વાત કરીએ ફાઇનલ પ્લાન બનાવીએ.
પ્રકરણ -21 સમાપ્ત.
શક્તિસિંહ સુંદરસિંહ અને મદનસિંહ કોઇ વ્યૂહ રચના બનાવી રહ્યા. અહીં પૃથ્વીરાજસિંહનાં ધરમાં સ્વાતી સ્તવન બધાં આવનારા દિવસોની કલ્પના પણ નહોતાં કરી રહ્યાં. વાંચો આગળનાં અંકમાં