ઉજળી પ્રિતનાં પડછાયા કાળા....
પ્રકરણ -1
સરયું, એક સુંદર હસતી રમતી અલ્લડ યુવતી, સુંદરતાને ઇશ્વરે એનાં તનમાં એવી ગૂંથી હતી કે બધાની નજર જોઇને અટકી જાય. સદાય હસતી, વાચાળ અને આંખોમાં નિર્દોષ પ્રેમ વરસાવતી. સરયુ, નામજ એવું બસ એ નદીની જેમ ખળખળ વહેતી જાય. આંખો એની કંઇ ને કંઇ શોધતી હોય, કોયલની કૂકમાં મીઠાશ વહેતાં પવનનો સ્પર્શ, મોગરાની સુવાસ, પંખીઓનો મીઠો કૈકારવ, શમણાંઓમાં પ્રિયતમનો સહવાસ....
સરયુ કોલેજનાં છેલ્લાં વર્ષમાં હતી. આ વર્ષે એનું ગ્રેજ્યુએશન પુરુ થવાનું હતું. શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં ભણી રહી હતી સુખી સંપન્ન પરિવારનું એકનું એક સંતાન, નવનીતરાયની એકની એક લાડકી દીકરી.
"પાપા, સરયુએ લાડથી નવનીતરાયને કહ્યું" મારે તમને એક વાત કહેવાની છે "નવનીતરાયે વ્હાલથી પુછ્યું" શું વાત છે દીકરા? આજે સવાર સવારમાં મારી કોયલ ટહુકી છે ને કાંઇ... સરયુ નવનીતરાયને વ્હાલથી લાડ કરાવતા કહે" મારે મારી કોલેજમાંથી ટુરમાં જવાનું છે પણ આ પીકનીક નથી પણ રાજસ્થાન દર્શનની ટુર છે લગભગ એક વીક માટે જવાનું છે. હું જઊ ? મંમીને કહ્યું એ ના પાડે છે કહે છે આમ આટલા દિવસ એકલીને ના મોકલું પણ પાપા.... નવનીત રાય કંઇ આગળ બોલે પહેલાં જ એ બોલી ઉઠી. હું એકલી ક્યાં છું. મારી કલાસની મારી બધી જ બહેનપણીઓ સાથે છે. મને જવાદો પ્લીઝ એક વીકનો જ સવાલ છે. નવનીતરામ કહે "દીકરા તું મારુ એકનું એક સંતાન છે. અમે તને ક્યારેય એકલી મૂકી નથી એટલે ચિંતા થાય છે. એટલામાં નીરુબેન... સરયુની મંમી કીચનમાંથી આવી ગયા તમે એને ના પાડો આમ એકલી ના મોકલાય. અત્યારે સમય કેવો ચાલે છે ? ક્યાં કોઇ સુરક્ષિત છે ? મારું મન નથી માનતું. નવનીતએ કહ્યું" તારી વાત સાચી છે. દીકરા આપણે બધાં સાથે જઇશું. તારે જ્યાં જવું હોય ત્યાં. સરયુ બોલી" તમારી પાસે સમય જ ક્યાં છે તમે તમારાં બીઝનેસમાંથી ક્યારે સમય કાઢ્યો ? અને મને મારી ફ્રેન્ડ્સ સાથે જવું ગમે ને પ્લીઝ મારે જવું છે એમ. પગ પછાડતી નારાજ થઇને બેડરૂમનો દરવાજો જોરથી બંધ કરી અંદર જતી રહી. નવનીતરાય અને નીરુબેન એકબીજા સામે જોઇ રહ્યા એકની એક દિકરીની ચિંતા પણ થતી હતી અને એને નારાજ પણ કરવી નહોતી.
નવનીતરાયે, નીસુબેનને કહ્યું" હું એનાં પ્રિન્સીપલ સાથે વાત કરી લઇશ એ લોકો ક્યાં કેવી રીતે જવાનાં છોકરીઓની સુરક્ષા અંગે શું વિચાર્યું છે બધું જાણી લઇશ મારી જ્યાં જરૂર હશે એ લોકોને મદદની ઓફર આપીશ. મારી ઓળખાણો અને વગ ક્યારે કામ લાગશે ? છેલ્લું વરસ છે દીકરીને આનંદ કરી લેવાદે. એને મનાવી લેજે. કહેજે પાપાએ હા પાડી છે. બાકીનુ હું જોઇ લઇશ અને નવનીતરાય આત્મવિશ્વાસ સાથે ઓફીસ જવા નીકળી ગયા. નવનીતરાયનું શહેરમાં અગ્રણી ઉધોગપતિ તરીકે સારું નામ હતું આટલી જહોજલાલીમાં એકનું એક સંતાન સરયુ જ હતી. નાનપણથી ખૂબ લાડમાં ઉછરેલી પણ છતાં સ્વછંદ નહોતી થવા દીધી. માતા નીરુબેને ખૂબ સંસ્કાર રોપીને ઉછરેલી. અઢળક સંપત્તિ હોવાં છતાં ક્યારેય ખોટો દેખાડો કે ઉદ્રતાઇ અભિમાન ક્યારેય નહોતું છલકાયું શ્રીજીબાવાની કૃપા સાથે ઘરમાં સંસ્કારનાં બીજ રોપાયેલાં. એમાં નીરુબેનનો ખાસ હાથ હતો. નોકરચાકર સાથે પણ એવું વર્તન રાખતાં કે માન એમનું સચવાય સાથે મર્યાદામાં રહે. ક્યાંય કોઇ ઉંચી કે ખરાબ નજરે જોઇ ના શકે. દીકરીને ઉછેરીને મોટી કરી છે એમને પૂરો ખ્યાલ રાખ્યો છે.
નીરુબેન સરયુનાં રૂમનું બારણું ખટખટાવ્યું "સુરુ મારી દિકરી બારણું ખોલજો. આમ રીસાય છે હજી તું નાની નથી જો તારા પાપા કહીને ગયા છે કે તને ટુરમાં જવા દેવાની છે. એકઘડીની વાર કર્યા વિનાં ધડાક દઇને બારણું ખૂલ્યું અને સરયુ નીરુબેનને આનંદથી ચીસ પાડી વળગી પડી થેક્યું મંમી, કહી વ્હાલથી બચીઓ ભરી દીધી બસ હવે બહુ મસ્કા ના મારીશ પણ હાં તારે તારું પુરેપુરું ધ્યાન રાખવાનું છે. મને તારી ખૂબ ચિંતા રહે છે દીકરા અત્યારે એવાં એવાં બનાવ બને છે ને અમારે બસ તું જ છે... નીરુબેનની આંખોમાં ભીનાશ આવી ગઇ. સરયુ પણ ગંભીર થઇ ગઇ. માંની આંખોમાં આંખ પરોવીને બોલી" મંમી હું સમજું છું બધું હું હવે નાની નથી રહી હું ખુબ ધ્યાન રાખીશ. તમને ફોનથી સતત અપડેટ આપીશ. બધું જ જણાવીશ. વળી સાથે મારી બધી ફ્રેન્ડ્રઝ છે જ અને કોલેજનો સ્ટાફ પ્રોફેસર બધાં જ છે. તું નાહક ચિંતા કરે છે. હું મારું ખૂબ ધ્યાન રાખીશ મારી વ્હાલી મંમી કહીને ફરીથી ગળે વિંટળાઇ વ્હાલ કરવા લાગી.
નીરુબેને વ્હાલ કરી સંમતિ આપી અને દીકરીને ખુશ જોઇ આનંદ થયો પરંતુ માંનુ હૃદય અંદરથી ચિંતાગ્રસ્ત જ રહ્યું એમણે એને તૈયારી કરવા કહ્યું અને પોતે દબાતા હૃદયે અંદર ગયા.
ખુશનુમાં સવારે કોલેજનાં પ્રાંગણમાં બધાં છોકરાં છોકરીઓ એક્ઠાં થવા લાગ્યા. એકપછી એક પોતાની બેગ-થેલાં સાથે આવવા લાગ્યા. બધા પાસે અવનવા આધુનીક બેગ્સ હતાં. ઘણાં પીવાનાં પાણીની બોટલ્સ લાવેલાં એટલામાં સરયુનાં પાપા એમની લક્ઝરી કારમાં સરયુને લઇને આવી પહોંચ્યા કાર પાર્ક કરી બધાં ઉભા હતાં ત્યાં નીરુબેન-નવનીતરાય સાથે સરયુ આવી પહોંચી. એણે કહ્યું "મંમી પપ્પા હવે તમે જાઓ અહીં કોઇનાં પેરેન્ટ્સ દેખાય છે ? પ્લીઝ હું સુરક્ષિત જઇને આવી જઇશ તમે લોકો... મને શરમ આવે છે હું નાની કીકલી નથી રહી... પ્લીઝ મંમી તમે લોકો જાઓ. એની મંમી કહે હાહા જઇએ જ છીએ. તારી ફેન્ડઝ ક્યાં છે હું મળી લઉ હું બધા માટે કંઇને કંઇ લાવી છું એટલામાં સરયુને જોઇને એની ફ્રેન્ડઝ દોડી આવી અવની, આશા, પલ્લવી બધાં.. નવનીતરાય સરયુનાં કોલેજમાં પ્રોફેસર સાથે વાત કરી રહ્યા હતાં.
નીરુબહેન સાથે લાવેલા પેકેટ્સ સરયુની ફેડન્ઝને આપ્યા અને શિખામણનાં શબ્દો કહ્યાં તમે લોકો બધાં સાથે રહેજો. અજાણી જગ્યાએ એકલાં ક્યાંયના જશો. અંધારું થાય પછી સાથે જ હોટલ પર રહેજો. અમને ફોન કરતાં રહેજો. સાથે નાસ્તો, મીઠાઇ, ચોકલેટ બધું છે. ખાજો. અને આનંદ કરજો. નીરુબહેન વાતો કરતાં રહ્યાં અને નવનીતરાય પ્રોફેસર સાથે વાત કરી આવી ગયાં. નવીતરાયે સરયુને વ્હાલથી બાથ ભરી કપાળે ચૂમીને કહ્યું નિશ્ચિંન્ત થઇ ને જા અને બંધા જ ખૂબ આનંદ કરજો. પછી બાજુમાં બોલાવી સૂચના આપી તને પૈસા આપ્યા છે સાચવજે મન થાય એમ વાપરજે. બાકી કાર્ડ આપેલાં જ છે. સમજીને રાખજે સાચવજે અને વાપરજો. આમ નીરુબહેન નવનીતરાય બધી સુચનાઓ આપી સરયુને મળી ઘરે જવા વિદાય થયા."
કોલેજમાં સરયુનાં કલાસમાં પણ બધાં જાણતાં હતાં સરયુનાં પેરન્ટસ ખૂબ પઝેસીવ અને ચિંતાવાળા છે. કાયમ સરયુને પ્રોટેકટ કર્યા કરી. ઘણાંને ઇર્ષ્યા પણ આવતી કે કેટલું સાચવે છે. અત્યારે પણ આવનાર બધાની નજરો સરયુ અને પેરેન્ટસ્ પર હતી. પ્રોફેસરોને પણ ખ્યાલ હતો કે મોટાં ઘરની દિકરી છે. વળી એનાં પાપાનું વર્ચસ્વ હતું. બધાં સરયુને કોઇને કોઇ રીતે સાચવી લેતાં.
અને બધાં મોટી લકઝરી વોલ્વો બસમાં ગોઠવાયાં. બધાનો સામાન કોલેજનાં બે પ્યુને લઇને એમની જગ્યાએ ગોઠવી આપ્યો. સરયુ એની ફેન્ડસ સાથે બસનાં સેન્ટરમાં વીન્ડોસ સાઇડ બેસી ગઇ એની બાજુમાં એની ખાસ ફ્રેન્ડ અવની બેઠી, બધાએ એક સાથે કિકીયારીઓ કરી ટૂકી અને આનંદનાં અવાજ સાથે બસ રાજસ્થાન તરફ જવા ઉપડી.....
બસ ઉપડ્યા પછી સુરતનાં ટ્રાફીકને ધીમે ધીમે પસાર કરતી હાઇવે તરફ આગળ વધી રહી છે. સુરત ગુજરાતનું એક જાજરમાન શહેર હીરા રંગ રસાયણ અને કાપડનો ધંધાથી ધમધમતું એક સુખી, સંસ્કારી અને શોખીન લોકોથી ઉભરાતું શહેર. સડકો અને પુલો વટાવતી બસ આગળ વધી રહી છે. બસમાં બેઠેલાં નવયુવાન છોકરાં છોકરીઓ એક નવા રોમાંચ સાથે સફર કરી રહ્યા છે. ક્યાંક વાતોનાં ગપાટાં ચાલે છે કોઇક સીટ પર કોરસમાં ગીત ગવાય છે. કોઇક ગ્રુપમાં વેજ-નોનવેજ જોક્સ પર ઠહાકા મારીને હાસ્ય રેલાય છે. પ્રોફેસર પિનાકીના બધાં ઉપર નજર રાખવા સાથે હાથમાં કોઇ મેગેઝીન પકડી વાંચવાનો ડોળ કહે છે. સાથે આવેલા પ્રોફેસર નલીની સરયુની પાછળની સીટમાં છે એ અવની અને સરયુ સાથે રાજસ્થાનમાં ક્યાં ક્યાં ફરવાનાં એની વાતો કરી રહ્યા છે.
સરયું આજે ખુબ ખુશ અને રોમાંચિત છે. સમજણ આવી ત્યારથી કે આજ સુધી પપ્પા, મંમીએ ક્યારેય એકલી નથી મૂકી. બધે કોઇને કોઇ સાથે જ હોય. એને સાચવવા કે એનાં પહેરેદાર બની. મોટી થયા પછી બીજી ફેન્ડ્રસને બિન્દાસ બધે ફરતી જોવે ત્યારે ક્યારેક આ લાગણીઓનાં બંધનથી ગૂંગળામણ પણ અનુભવતી પરંતુ આજે એક મુક્તપંખીની જેમ શ્વાસ લઇ રહી હતી એનો એને ખૂબ આનંદ હતો. એને એમ થયું આ સફર ક્યારેય પુરી જ ના થાય આમ એ મુક્તવિહાર જ કર્યા કરે. કોલેજનાં પ્રથમ વર્ષથી આ અંતિમ વર્ષ દરમ્યાન ક્યાંય એનું મન કોઇ સાથે ના ઠર્યું ના કોઇ એવી ઘડી આવી. ઘણાં મિત્રો બન્યા. પરંતુ આજ સુધી કોઇ સાથે ના નજર મળી ના ક્યારેય એવું મન રહ્યું સરયુંના રૃપ અને પૈસો એટલો છલકાતો કે ઘણાં યુવાનો એનાં તરફ આકર્ષાયા ઘણાંએ ખૂબ પ્રયત્ન કર્યા પણ સરયુએ ક્યારેય કોઇને રીશપોન્સ ના આપ્યો ઉપરથી એની સાથે એવું વર્તન કરે કે પેલો ફરીથી એની તરફ જોવાનું પણ ટાળે. એ બધાને એમજ કહેતી "મારે કોઇ ભાઇ નથી તું મારા ભાઇ જેવો છે. રક્ષાબંધને જરૂરથી આવજો હું પહેલી રાંખડી તનેજ બાંધીશ." આમ કોઇને મચક જ નહોતી આપતી. અવનીએ સરયુને પૂછ્યું" સરયુ આ બંધાજ તારી પાછળ લટુડાપટુડા વેડા કરે છે.એમાં કોઇ એવું નથી કે જેની સાથે ખાલી તું ફ્રેન્ડશીપ પણ બાંધે ? પેલો રવિ તો સ્કોલર છે અને દેખાવમાં પણ કંઇક અલગ જ છે. એણે પણ તારી સામે ફ્રેન્ડશીપ માટે ઓફર કરી તે ઠુકરાવી દીધી. કેમ તને... અવનીને અટકાવતા એણે ક્યું હતું કે અવની મને મારા રૂપનું કે મારા પપ્પાનાં પૈસાનું અભિમાન નથી કે બીજા બધા સારાં જ છે પરંતુ મારાં દીલમાં કોઇ માટે પ્રેમઝરણું ફુંટવું જોઇએને ? એમજ કોઇ સાથે એમ ફ્રેન્ડશીપ કે પ્રેમ હું નથી કરી શકતી, એવો મને રસજ નથી. જો રવિએ ઓફર કરી મેં ઠુકરાવી એનાં થોડાંક જ દિવસમાં એ રશ્મીનાં પ્રેમમાં પડ્યો અને જો એ લોકો અત્યારે એમનાંમાં જ છે. ને મારાં માટે રવિને પ્રેમ નહોતો આકર્ષણ હતું. મને ખૂબ સમજ પડે છે. અવિનીએ કહ્યું" અરે ભાઇ સમજી ગઇ, આમેય તારી સાથે વિવાદમાં કોઇના જીતે..."
સરયુ કહે મને તો આમ મુક્ત પંખીની જેમ ઉડવા મળ્યુ છે એનો જ મને ખૂબ આનંદ છે. બસ હું પેટભરીને માણવા માંગુ છું મારે કોઇ સાથે એમજ દીલનાં સાચાં રણકાર અને પ્રેમની અનૂભૂતિ વિના ફ્રેન્ડસીપ કે પ્રેમ પ્રેમ રમવામં બીલકુલ રસ નથી. જે હશે સામે આવશે ત્યારે મારે પંસદગી કે પ્રેમ કરવો નહીં પડે એમજ થઇ જશે જ. મને એવા કુદરતી પ્રેમમાં રસ છે આમ નક્કી કરીને આકર્ષાઇને નથી કરવો જેનું કોઇ આયુષ્ય જ ના હોય. અવની સરયુની સામે જોતી રહી.આતો કંઇક અલગ માટીની જ બની છે.
અવનિને સરયુ માટે ખૂબ માન હતું. ભણવામાં ઓકે હતી પરંતુ વિચારોમાં ખૂબ સ્પષ્ટ અને પોઝીટીવ હતી. બિલકુલ છીછરાપણું એનોમાં નહોતું આટલો પૈસો, હોવાં છતાં બધાનું માન જાળવીને અને કાયમ પોતાનામાં જીવતી અને આનંદ કરતી. ક્યારેય મિત્રોને જણાવતી નહીં કે એ બધાથી ધનિક છે. બધામાં આગળ પડતી રહી પૈસા કાઢતી ખર્ચતી પરંતુ ક્યારેય કોઇનું મન-માન ઘવાય નહી એની કાળજી લેતી એટલે બધાની ખૂબ માનીતી અને લાડકી મિત્ર હતી.
રાજસ્થાન ટુરનુ પ્રથમ પડાવ ઉદેપુર આવી પહોંચ્યા. કોલેજ પ્રકાશને કરેલી વ્યવસ્થા પ્રમાણે કોલેજનાં છોકરાં છોકરીઓ માટે એક આખો રીસોર્ટ ભાડે રાખી લીધેલો. અહીં મુખ્ય ઉતારો નક્કી કરીને અહીંથી બધે જ ફરવા જવા આવવાનું નક્કી કરેલું અહીંની ઉત્તમ વ્યવસ્થા અને ખાસ કરીને છોકરીઓ માટે સલાતમ સ્થળ હતું. એમાં પણ સરયુના પિતા નવનીતરાયનો હાથ હતો. કોલેજમાં વ્યવસ્થાપક આચાર્યને આનાં અંગે મદદ કરી હતી. આચાર્ય ઉપર એમનો ખાસો પ્રભાવ વર્તાતો હતો. અહી સનસેટ રીસોર્ટનાં માલિક સાથે નવનીતરાયનો ઘરોબો હતો. એમની કંપનીના કોન્ફરન્સ કે કોઇ બીજા ઇવેન્ટ જ્યારે રાજસ્થાન ટેરેટરીનાં કરવાનાં હોય ત્યારે આ સ્થળની જ અચૂક પસંદગી થતી.
પ્રોફેસર નલિની અને પ્રો.પિનાકીન કરેલી વ્યવસ્થા પ્રમાણે બધાંજ વિદ્યાર્થીઓને રૂમ ફાળવી દીધા. હોટેલના સ્ટાફની મદદથી બધું સરસ રીતે ગોઠવાઇ ગયું. સરયુ, અવનીનો રૂમ પ્રો.નલીનીનાં રૂમની બાજુમાં હતો. પ્રો.નલીની અને બીજી ત્રણ છોકરીઓ મોટાં રૂમમાં શીફ્ટ થયાં હતાં. કોલેજમાંથી મળેલાં આખાં પ્રોગ્રામનાં લીસ્ટ પ્રમાણે આજનો દિવસ સેટલ થવામાં જ પુરો થઇ ગયો હતો.
"સુરુ" અવનીએ કહ્યું "એનાં હાથમાં કોલેજમાંથી મળેલ ટુરનો પ્રોગ્રામનો કાગળ હતો અને બોલી" અને અહીં ઉદેપુરમાં 3 દિવસ છે પછી જયપુર-જેસલમેર છે. ખૂબ મજા આવશે. હું ઘણાં વર્ષો પહેલાં મારા મંમી પપ્પા સાથે આવી હતી. અહીયાં મહલો ને બગીચા જોઇને ગાંડીજ થઇ ગઇ હતી. સરયુએ કહ્યું. હા હુ પણ આવી ગઇ છું પરંતુ ખાસ યાદ નથી. પણ આ સમયની ટુર યાદગાર રહેશે એમાં શંકા નથી કારણ કે અત્યારે આપણે યુવાન સમજદાર અને દરેક સ્થાપત્ય બનાવટની સમજ મળશે રસ પડશે. મને ખૂબજ રસ છે આવી પુરત્વ ઇમારતો, મહેલો, બગીચા, પહાડો, કુદરતી સૌદર્ય મને બધુંજ ખૂબ ગમે છે. અવનીએ કહ્યું" મારે તો તારી કંપની છે એટલે બસ જલ્સા બાકી સ્થાપત્ય અને પુરાત્વ ઇમારતો બધામાં ખાસ રસ નથી. હા મહેલો બધુ જોવું ખૂબ ગમે. વિચાર આવે આ રાજાઓને બધા કેટલાં જલ્સા કરતાં હશે. હે કાયમ એવું થયા કરે હું અહીંયા રાજા હોઉ તો ? અને બંન્ને સહેલીએ એકબીજા સામે જોઇ હસી પડી.
સવારે વહેલાં ઉઠીને સરયુ સૌ પહેલાં બાથ લઇ તૈયાર થઇ ગઇ. એને થાકને કારણે સરસ ઊંધ આવી ગઇ પરંતુ વહેલી પરોઢે આંખ ખૂલી ગઇ લગભગ 4.42 વાગે ઉઠી ગઇ હશે. એને થયું મને કોઇક સ્વપ્ન આવેલું અંદરથી આનંદ પણ હતો અને કંઇક રોષ છલકાતો હતો એને સમજાયુ ન હોતું કે હું સ્વપન્ન હતું પરંતુ એની ઉચાટમાં આંખ ખૂલી ગઇ હતી એને અંદરને અંદર કંઇક અગમ્ય લાગણી અનુભવતી હતી અને એ ઉઠી બ્રશ કરી પરવારી સ્નાન લઇને બહાર આવી ગઇ એની સહેલીઓ ઊંધતી હતી. રીસોર્ટમાં બંધે સાફ સફાઇ ચાલી રહી હતી ક્યાંક કોઇ બીજું ટુરીસ્ટ ગાર્ડનમાં ટહેલી રહેલાં કોઇ આજનું પેપર વાંચી રહેલાં એ એનાં રુમમાંથી નીકળી રીસેપ્શન-લોન્જ બધું વટાવી બહાર આવી ગઇ. સવારની તાજી હવા એ શ્વાસમાં ભરી રહી હતી અહીં એને કંઇક સૂકુન લાગી રહ્યું હતું. એ આગળ ચાલતા ચાલતાં એક બેન્ચ પર બેસી ગઇ અને દૂર દૂર ડુંગરો દેખાઇ રહેલાં અને અવકાશમાં જોતી જોતી પાછી વિચારોમાં ખોવાઇ ગઇ એ કુદરતી સોંદર્ય માણી રહી હતી કે કોઇ વિચારોમાં ડૂબી ગઇ એને ખ્યાલ જ ના રહ્યો.
"એય સુરુ તું ક્યારે ઉઠી પરવારી અહીં આવી ગઇ કંઇ ખબર જ ના પડી ? પાછળથી સરયુની ખાસ ફ્રેન્ડ અવનીએ પુછ્યું સરયુએ એકદમ ચમકીને પાછળ જોયું - થોડો વખત અને અવની સામે જોયાં કર્યું એને એનાં ખ્યાલોની દુનિયામાંથી નોર્મલ થતાં વાર લાગી. અવની એકદમ આશ્ચર્યથી એની સામે જોયા કર્યું."સુરુ આર યુ ઓલ રાઇટ ? ક્યાં છું કઇ દુનિયામાં ? સરયુએ અવનીને કહ્યું" અહીં આવ્યા છે પરોઠથી કંઇક અલગ જ મને એહસાસ થાય છે. સ્વપ્નમાંથી જાણે જાગી હોઉં એવો અનુભવ થાય છે. કંઇ નહીં કંઇ નહીં ચલ ચલ આપણે ચા-નાસ્તો કરી લઇએ એમ કહી વાત કાપી અંદર તરફ જવા લાગી.
હોટલનાં ડાઇનીંગ રૂમમાં બધાં બૂફે નાસ્તાની લ્હેજત માણી રહ્યા હતાં અવની પણ ડીશમાં નાસ્તો લઇને સરયુની બાજુમાં ગોઠવાઇ અવનીને આજે સરયુ કંઇક અજીબ જ લાગી હતી. સરયુએ અવનીની સામે જોયું." એય મારી સામે શું જોયા કરે છે ? હું કોઇ બીજી દુનિયાનું પ્રાણી હોઊં એમ કેમ જુએ છે ? ચાલ ફટાફટ નાસ્તો કરી લે હજી આપણે સીટી પેલેસ જવાનું છે. અવની જરા ભોંઠી પડી કહે હાં, હાં, હાં ચાલ મનમાં વિચારવા માંડી કે સરયુ કંઇક અટપટું ના સમજાય એવું વર્તન રહી છે ઉઠી ત્યારથી જ.
ટુર ઓપરેટરે ડાઇનીંગ રૂમમાં આવી બધાને સૂચનાં આપી બધા તૈયાર થઇ બહાર વોલ્વો આવી ગઇ છે આવી જજો. બને એટલી ઉતાવળ કરજો જેથી સમયસર સીટી પેલેસ પહોંચી જવાય બધાનાં નાસ્તા કરવામાં ઝડપ આવી. સરયુએ નાસ્તો પરવારી કોફી પી લીધી પછી બધી બહેનપણીઓ સાથે બહાર લોન્જ વટાવી વોલ્વોએ ઉભી હતી ત્યાં આવી ગયાં. પોતાની ગમતી સીટ પર આવીને ગોઠવાઇ ગયાં. અવનીએ પૂછ્યું "તું કાયમ 18 નંબરની સીટ જ કેમ પસંદ કરે છે ? અને એમાં કાયમ વીન્ડોસીટ જ હોય છે. સરયુએ કહ્યું" મને નવમાંશવાળા સંપૂર્ણ અંક ખૂબ ગમે, 9,18,27,36 રવિવારે જે 9નાં ક્રમાંકમાં હોય. 9 નંબરની સીટ કંઇક વધારે આગળ અને ર7 પાછળ લાગી એટલે 18 ઓકેજ છે. એમનો મને 3,6,12 3 ગુણાંકવાળી પણ ગમે છે. પરંતુ સૌથી વધુ નવમાંશ અંક જ ગમે. આમ અંક શાસ્ત્ર ઉપર ચર્ચા કરતાં કરતાં બસ ઉપડવાની રહા જોવા લાગ્યા.
બધાંજ બસમાં બેસી ગયાં એટલે ટુર ઓપરેટરે બધી સીટ પર નજરનાંખી ચેક કર્યું અને બસ ઉપાડવા માટે કહ્યું.
રમણીય રિસોર્ટથી બસ ઉપાડીને સીટીપેલેસ જવા માટે આગળ વધી. ટ્રાફીકને ચીરતી એ સીટીપેલેસ તરફ આગળ વધી રહી હતી. બધાનાં મનમાં ઉત્સુકતા અને રોમાંચ હતો જોવા માટે. એ પછી સહેલીઓકી બાડીમાં જવાનું હતું.
બારીમાંથી પવન ઘણી તેજ ગતિએ સરયુ ઉપર આવી રહેલો થોડી વાતો કરી સરયુ શાંત થઇ ગઇ હતી. એ બારીની બહાર શાંત ચિત્તે જોઇ રહેલી. જાણે વૃક્ષો દોડી રહેલાં.એનાં વાળ ઉડી રહેલાં. પવનની ગતિ વધુ હતી એનાં ચહેરા પર સતત જાણે થપકાર મારી રહેલો. સરયુનું મન વહેતાં સમયે ધીમે ધીમે અગમ્ય દુનિયામાં સફર કરી રહ્યું હતું. ઐતિહાસીક જગ્યાએ જવાનું નક્કી હતું એમાં સીટી પેલેસ જોવા માટે એ રોમાંચિત હતી એને લાગ્યુ કે એ અહીં વારેવારે આવી ચૂકી છે પરંતુ કંઇ યાદ નહોતું આવી રહ્યું એમાં દીલની ધબકાર વધી રહી હતી.
***
પ્રકરણ-1 - સંપૂર્ણ
સરયું... એક સુંદર સંસ્કારી સંવેદનશીલ યુવાન કન્યા સુરત શહેરનાં પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ નવનીતરાય અને જાજરમાન નીરુબેનનું એકનું એક સંતાન - કોલેજમાંથી ઉદેપુર-જયપુર-જેસલમેર (રાજસ્થાન) ટુરનું આયોજન થયું. એકની એક દીકરીને કચવાતે મને ટુરમાં મોકલે છે પરંતુ નવનીતરાય અંગત રીતે રસ લઇને આખી ટુરનું આયોજન કોલેજ સંચાલકો સાથે મળીને કરે છે. પ્રથમ ઉદેપુર પહોંચે છે અ સરયુને અગમ્ય અનુભવ થાય છે. જ્યારે ટુર ઉતારા પરનાં રીસોર્ટથી સીટી પેલેસ જવા નીકળે છે અને સરયુ કોઇ અગમ્ય દુનિયામાં ખોવાય છે. સીટી પેલેસ પહોંચ્યા પછી સરયુ સાથે શું થાય છે ? વાંચો "ઉજળી પ્રીતનાં પડછાયા કાળાનું રહસ્યમય પ્રકરણ-2 આવતા અંકે."