Murderer's Murder - 52 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 52

જે રાત્રે આરવી અભિલાષાની હત્યા કરવાની હતી તે જ દિવસે અભિલાષાને આરવી-લલિતના સંબંધોની જાણ થઈ તે ગજબનાક સંયોગ હતો. તે સંજોગ ન સર્જાયો હોત તો આરવીના મોતનો અણબનાવ અભિલાષા માટે ફક્ત ચોંકાવનારો બનાવ બનીને રહી ગયો હોત. તે સંયોગના વિયોગે, મનીષાબેને કોલ્ડ ડ્રિંકના ગ્લાસ બદલ્યા હોવા છતાં અભિલાષા ચેનથી સૂઈ ગઈ હોત અને તે આરવીની હત્યા કરવાનો જઘન્ય અપરાધ ન કરત.

“જો તું જાગતી હતી તો, રૂમમાંથી બહાર નીકળવાની આરવીની હિલચાલ તેં સાંભળી હશે.” ઝાલાએ કહ્યું.

“હા. મને ગ્લાસ ખખડવાનો, સ્વિચ બંધ થવાનો અને દરવાજો ખૂલીને ફરી બંધ થવાનો અવાજ સંભળાયો હતો. મેં આંખો ખોલીને જોયું તો નાઇટ લૅમ્પ બંધ થઈ ગયો હતો અને રૂમમાં ખાસ્સું અંધારું હતું. મને લાગ્યું કે આરવી ખાલી ગ્લાસ મૂકીને પાછી આવશે, પરંતુ તેમ થયું નહીં. લગભગ અડધી કલાક સુધી હું એમ જ પડી રહી.

એ દરમિયાન હું વિચારે ચડી ગઈ હતી, મારી બંધ આંખો સામે ન ગમતા દ્રશ્યો પસાર થવા લાગ્યા હતા. મને કોર્ટ રૂમ દેખાતો હતો, છૂટાછેડા આપતો લલિત દેખાતો હતો, મારી અને લલિતની વચ્ચે નિખિલના કબજા માટે ખેંચતાણ થતી દેખાતી હતી, લલિત અને આરવીના લગ્ન થતા દેખાતા હતા, તે બંને રોમૅન્સ કરતા દેખાતા હતા, ભયાનક દુ:ખ અને વેદનાએ મારા દિમાગનો કબજો લઈ લીધો હતો.

અચાનક મને વિચાર આવ્યો કે કાલે આરવી ચાલી જવાની છે તો અત્યારે લલિત સાથે તે એકાંત તો નહીં માણતી હોય ને ? હું સળગી ઊઠી. મને લાગ્યું કે મને લલિતથી જુદાં પાડી, પોતે પણ રૂમ છોડીને ચાલ્યા જવાનું બીજું શું કારણ હોઈ શકે ? મેં આંખો ખોલીને ટેબલ લૅમ્પની સ્વિચ ઑન કરી. ઘડિયાળમાં જોયું તો સાડા બાર વાગ્યા હતા. મારું ગળું સુકાતું હતું, મેં મેજ પર રાખેલી પાણીની બૉટલમાંથી પાણી પીધું અને બહાર નીકળી.

દીવાનખંડના નાઇટ લૅમ્પના આછા પ્રકાશમાં હું ધીમે ધીમે આરવીના રૂમ તરફ ગઈ. મેં આરવીના રૂમનો દરવાજો ખોલ્યો. અંદર અંધારું હતું. દીવાનખંડનો હળવો પ્રકાશ અંદર ફેલાતા, આરવી સૂતી હોય એવું લાગતું હતું. લલિત તેની સાથે ન હતો, તે એકલી હતી. છતાં, તેને જોઈને મને ઝાળ લાગી ગઈ. મને લાગ્યું કે આખી મુસીબતની જડ આ જ છે, જ્યાં સુધી આ જીવતી રહેશે ત્યાં સુધી હું ચેનથી નહીં રહી શકું અને મારે લલિતને છોડવો પડશે.

અચાનક મારા દિમાગ પર આરવીને ખતમ કરવાનું ઝનૂન સવાર થઈ ગયું. અડધી જ મિનિટમાં હું માણસ મટીને હેવાન બની ગઈ. હું ઝડપથી અંદર ધસી ગઈ. મેં આરવીની બાજુમાં પડેલું ઓશીકું ઉઠાવ્યું અને હું તેના પર ચડી બેઠી. મેં હતી એટલી તાકાત લગાવી તેના ચહેરા પર ઓશીકું દબાવ્યું, હું તેનો શ્વાસ રૂંધી નાખવા માંગતી હતી. તે નશામાં હોય તેમ તેના હાથ એક બે વાર ઊંચા થયા, તેણે મારો હાથ પકડ્યો, પણ તેમાં ખાસ શક્તિ ન હતી. લગભગ ચાર-પાંચ મિનિટ સુધી હું તાકાત કરતી રહી.

પછી, મેં ઓશીકું હટાવ્યું અને તેના નાક પાસે હાથ લઈ જઈ શ્વાસ ચેક કર્યા, તે મરી ચૂકી હતી. મારો ગુસ્સો ઠંડો પડી ગયો. પણ, બીજી જ પળે મને થયું કે મેં આ શું કર્યું ? પોતાની મા-જણી બહેનને મારી નાખી ? મને પારાવાર પસ્તાવો થયો, ગૂંગળાવી નાખે એવી ગભરામણ થઈ. મેં ઓશીકું તેની મૂળ જગ્યાએ ફેંક્યું અને ઝપટાબંધ બહાર નીકળી તેના રૂમનો દરવાજો આડો કર્યો. હું ફરી મારા રૂમમાં ગઈ અને ગાદલા તથા ઓશીકામાં મોં છુપાવીને રડવા લાગી.” આટલું કહેતા અભિલાષાનો ચહેરો ફિક્કો પડી ગયો, તે નીચું જોઈ ગઈ. તેની આંખમાંથી ટપકતાં આંસુ મખમલી ગાલ પર સરકીને હડપચી સુધી પહોંચ્યા.

થોડી વાર છવાયેલા સન્નાટામાં, ઝાલાના દિમાગમાં અનેક વિચારો પસાર થયા, ‘આરવીનો મૃતદેહ પહેલી વાર જોયો ત્યારે તેની બાજુમાં અસ્તવ્યસ્ત પડેલા ઓશીકાએ મારું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે મને લાગેલું કે આરવીને ભેટીને રોકકળ કરતી મહિલાઓના કારણે આવું થયું હશે, પણ હું ખોટો હતો. તે ઓશીકાથી જ અભિલાષાએ આરવીને ગૂંગળાવી મારી હતી. ત્યારે મેં ઓશીકાના ખોળ પરથી ફિંગરપ્રિન્ટ્સ લેવડાવી હોત તો અભિલાષા વહેલી પકડાઈ ગઈ હોત.

વળી, આરવી અભિલાષાનો પ્રતિકાર ન કરી શકી તેનું કારણ મનીષાબેનની જાલસાજી હતી. ગોળીઓ નાખેલો કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ ગટગટાવી ગયેલી આરવી ખાસ્સી તંદ્રામાં હતી, માટે જ તેના હાથ ઊંચા થઈને પડી જતા હતા.’

“આરવીની હત્યા કરીને તું તારા રૂમમાં પ્રવેશી, પછી સવાર સુધીમાં બંગલોમાં કોઈ હિલચાલ થઈ હતી ? કોઈ ઉપર આવ્યું હોય કે નીચે ગયું હોય કે એવું કંઈ ?” ડાભીએ પૂછ્યું.

“તે આખી રાત મને ઊંઘ ન્હોતી આવી. આરવીને મારવાની મારી કોઈ ગણતરી ન હતી. આ ભયાનક ઘટના આકસ્મિક રીતે બની હતી. મને ડર લાગવા લાગ્યો હતો, હું જાણતી હતી કે બાજુના રૂમમાં આરવીની લાશ પડી છે. મને આરવીનો અવાજ સંભળાતો હતો, તેનો મૃતદેહ દેખાતો હતો, થોડી થોડી વારે ભણકારા વાગતા હતા કે કોઈ મારા રૂમની બહાર ઊભું છે અને દરવાજો ખોલી અંદર પ્રવેશવા જઈ રહ્યું છે. મતિભ્રમ થઈ ગયો હોય તેમ મને જાત જાતની ભ્રમણાઓ થઈ રહી હતી. જોકે, સવાર સુધી રૂમની બહાર ન નીકળવાનું નક્કી કર્યું હોવાથી, હું રૂમમાં જ પૂરાઈ રહી હતી.”

“તેં આરવીને ગૂંગળાવીને પૂરી કરી પછી સવારે, આરવીના હાથની કપાયેલી નસ દેખાઈ હશે, ફરસ પર ફેલાયેલું લોહી દેખાયું હશે, ત્યારે તને આશ્ચર્ય ન થયું ?” ઝાલાએ મહત્વનો પ્રશ્ન પૂછ્યો.

“એટલે તો મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ હતી. મેં વિચાર્યું હતું કે સવારે આરવીના રૂમમાં હું સૌથી પહેલા જઈશ અને મને ગુનેગાર સાબિત કરનારો કોઈ પુરાવો છૂટી ગયો હશે તો તેનો નિકાલ કરી નાખીશ. પરંતુ, જેવો મેં આરવીના રૂમનો દરવાજો ખોલ્યો કે મને આંચકો લાગ્યો. મને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બન્યું ? પછી, પહેલો વિચાર એ આવ્યો કે મેં તેના શ્વાસ તપાસવામાં ભૂલ કરી હશે, કદાચ તે ત્યારે મરી જ નહીં હોય.

પણ પછી, આરવીના કાંડા પર બ્લેડ મારવામાં આવી ત્યારે તે જીવતી ન હતી એવી તમારી વાત સાંભળીને લાગ્યું કે આરવીના શ્વાસ ચેક કરવામાં મારી કોઈ ભૂલ થઈ નથી, હું આરવીના રૂમની બહાર નીકળી ત્યારે તે ચોક્કસ મરી ચૂકી હતી. હા, મરેલી આરવીના કાંડા પર બ્લેડ મારનાર વ્યક્તિનું નામ જાણવાની મને ઇચ્છા થઈ હતી, મારા સિવાય કોને આરવી સાથે દુશ્મનાવટ હતી તે જાણવાની જિજ્ઞાસા થઈ હતી, પરંતુ તે મહત્વનું ન હતું. મારા માટે પોલીસથી બચવું વધુ મહત્વનું હતું. પોલીસ પૂછપરછ થાય તો શું કહેવું ને શું ન કહેવું તે વિશે મેં આખી રાત વિચાર કર્યો હતો. સવાર સુધીના મનોમંથનના અંતે મને લાગ્યું હતું કે બને તેટલા સત્યની નજીક રહી અસત્ય બોલવામાં પકડાઈ જવાની શક્યતાઓ નહિવત્ રહેશે.”

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED