શરતો લાગુ – એ તો બરોબર, પણ આટલી કડક શરતો?
તમને ગમે કે ન ગમે પણ એક હકીકત સ્પષ્ટ છે કે મલ્હાર ઠાકર એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યારનો એકમાત્ર અને નિર્વિરોધ સુપર સ્ટાર છે અને એ પોતાને ખભે આખી ફિલ્મ ઉંચી જાય એટલો સક્ષમ કલાકાર છે. આથી, જ્યારે આ સ્તરના કોઈ એક્ટરની ફિલ્મ આવે ત્યારે તેના પર લોકોની અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક છે.
કલાકારો: મલ્હાર ઠાકર, દીક્ષા જોશી, પ્રશાંત બારોટ, છાયા વોરા, અલ્પના બુચ, હેમંત ઝા અને ગોપી દેસાઈ
સંગીત: પાર્થ ભરત બારોટ
નિર્માતાઓ: એ દેવ કુમાર અને યુકિત વોરા
નિર્દેશક: નીરજ જોશી
રન ટાઈમ: ૧૩૭ મિનીટ્સ
કથાનક:
સત્યવ્રત (મલ્હાર ઠાકર) અને સાવિત્રી (દીક્ષા જોશી) એ અલગ અલગ મૂડ ધરાવતા વ્યક્તિત્વ છે. સત્યવ્રતને પાણી અને સ્વચ્છતાની ખૂબ પડી હોય છે જ્યારે વેટનરી ડોક્ટર સાવિત્રીને પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે. સત્યવ્રત પર્યાવરણની જાળવણી કે સ્વચ્છતા અંગે એટલો બધો જાગૃત છે કે એના ઘરમાં એણે સોલર ઈલેક્ટ્રીસિટી નખાવી છે અને પાણીનો ઉપયોગ એ એટલો બધો જાળવીને કરે છે કે રોજ શર્ટ ઉંધા છતાં પહેરીને ઓફિસે જાય છે જેથી તેને રોજ ધોવા ન પડે અને એ રીતે પાણીનો બચાવ થાય. તો સામેપક્ષે સાવિત્રીને પ્રાણીઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે એ નોનવેજ ખાનાર રિક્ષા ડ્રાઈવરની રિક્ષામાં પણ નથી બેસતી.
આમતો સત્યવ્રત અને સાવિત્રી એકબીજાને એકબીજાના કોમન મિત્રો થકી ઓળખતા હોય છે પરંતુ સાવિત્રીના પિતા જ્યારે એના માટે છોકરો શોધે છે ત્યારે અકસ્માતે એ છોકરો સત્યવ્રત જ નીકળે છે. પોતાના કોમન મિત્રોના લગ્નજીવનમાં આવેલી તિરાડ પરથી ધડો લઈને સાવિત્રી સત્યવ્રત સાથે લગ્ન કરવા માટે એક શરત મુકે છે.
આ શરત એવી હોય છે કે સાવિત્રી અને સત્યવ્રત એકબીજા સાથે બે મહિના વગર લગ્ન કરે રહેશે, એકબીજાના સ્વભાવ અંગે જાણશે અને ત્યારબાદ બંને નક્કી કરશે કે લગ્ન કરવા કે નહીં. પરંતુ અહીં એક પ્રોબ્લેમ હોય છે. સત્યવ્રત નોનવેજ ખાતો હોય છે અને પૂરો આનંદ માણીને ખાતો હોય છે, જે સાવિત્રીને બિલકુલ પસંદ જ નથી પરંતુ નોનવેજ ખાતા લોકોથી એ નફરત કરતી હોય છે. પરંતુ તે આ બે મહિનાનો પ્રયોગ સફળ જાય તે માટે સત્યવ્રત બે મહિના નોનવેજ ખાવાનું પણ જવા દેવાનો નિર્ણય કરે છે.
સાવિત્રી સત્યવ્રતને ઘેર રહેવા આવે છે અને સંજોગો એવા ઉભા થાય છે કે સત્યવ્રત અને સાવિત્રી બંનેને એકબીજાને એકબીજાના પ્રોફેશ્ન્સમાં પણ મદદ કરવી પડે છે અને સફળતા અપાવે છે. આમ બંને એકબીજાની નજીક આવે છે અને જ્યારે બે મહિના પૂરા થવાના જ હોય છે ત્યારે એક એવી ઘટના બને છે જે સત્યવાન અને સાવિત્રીની બે મહિનાની પોતપોતાના સ્વભાવ વિરુદ્ધ કરેલી મહેનત પર પાણી ફેરવી દે છે.
ટ્રીટમેન્ટ
એવું ઘણું ઓછું જોવા મળે કે ફિલ્મની ગતિ ખાસ ધીમી રાખવામાં ન હોય પરંતુ એના દ્રશ્યો એટલા લાંબાલચક હોય કે એ ક્યારે પતે અને બીજું દ્રશ્ય આવે એની રાહ જોવી પડે એટલે ફિલ્મ આપોઆપ ધીમીધબ થઇ જાય. શરતો લાગુ આ નેગેટીવ પોઈન્ટને સતત સાથે લઈને ચાલે છે. શરૂઆતમાં સત્યવ્રત અને સાવિત્રીના પરિવારો અને એના તમામ સભ્યોનો સ્વભાવ કેવો છે એ સ્થાપિત કરવામાં જ એટલો સમય નીકળી જાય છે કે પછી દર્શકને આગળ શું થશે એની કોઈ પરવા નથી થતી. આવુંજ કશુંક સત્યવ્રત અને સાવિત્રીના મિત્રોના રજીસ્ટર મેરેજના સીન વખતે પણ જોવા મળે છે જે જરૂર વગર ખૂબ લાંબો થઇ ગયો છે.
આ ઉપરાંત અમુક ક્ષતિઓ ફિલ્મમાં ઉડીને આંખે વળગે છે. ખાસ કરીને સાવિત્રીની મોટી બહેન જેને પ્રેગ્નન્ટ છે એવું કહેવાયું છે પણ પ્રથમ દ્રષ્ટિએ તો એ વ્યક્તિ પ્રેગ્નન્ટ હોય એવું લાગતું જ નથી અને બીજું, જેમ જેમ સમય જાય એમ ગર્ભવતી સ્ત્રીના શારીરિક ફેરફારો કુદરતી રીતે થવા જોઈએ એ આ કેરેક્ટરમાં જોવા નથી મળતા. જ્યારે ફિલ્મ બે મહિનાના સમયની સ્પષ્ટ વાત કરતી હોય ત્યારે આટલી નાની પરંતુ મહત્ત્વની વાત નિર્દેશકે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
જેમ અગાઉ વાત કરી એમ એક શરૂઆતમાં પાત્રોની અને તેમના સ્વભાવની ઓળખાણ કરાવવામાં જ એટલો બધો સમય જતો રહે છે કે દર્શક પછી ફિલ્મ સાથેનો સંબંધ છોડી દે છે અને પછી મલ્હાર ઠાકરનો ચાર્મ કે પછી એની એ ખાસ પ્રકારની સંવાદો બોલવાની સ્ટાઈલ પણ દર્શકને એ સંબંધ ફરી બાંધવા માટે મજબૂર નથી કરી શકતી.
અદાકારી, સંગીત નિર્દેશન...
મલ્હારને જો દૂર રાખીએ તો ઓન એન એવરેજ આ ફિલ્મના દરેક અદાકારોએ ઓવર એક્ટિંગ કે પછી બિનકુદરતી અદાકારી કરી છે, સિવાય કે હેમંત ઝા. તો જે એક્સ્ટ્રા કલાકારો છે પછી તે રિક્ષાવાળા હોય કે પેલો ટેન્કરવાળો ભાઈ હોય એમના એક્સપ્રેશન્સ એકદમ સપાટ એટલેકે ફ્લેટ જાય છે. એકાદ બે દ્રશ્યોમાં, ઉદાહરણ તરીકે સાવિત્રી જ્યારે સોશિયલ મિડિયા માર્કેટિંગ સત્યવ્રતના મિત્ર પાસેથી શીખતી હોય છે ત્યારે દીક્ષા જોશીના હાવભાવ બિલકુલ કૃત્રિમ લાગે છે. પરંતુ, એક હેમંત ઝા ખીલ્યા છે અને ખરું કહીએ તો આખી ફિલ્મમાં જ્યારે જ્યારે હેમંતભાઈ હાજરી પુરાવે છે ત્યારે જ દર્શક રાહતનો શ્વાસ લઇ શકે છે અને થોડુંઘણું હસી શકે છે, સ્મિત કરી શકે છે.
મલ્હાર જે મારી સાથે મારા સમગ્ર પરિવારનો ફેવરીટ અદાકાર છે એને અહીં એક મિત્રતાપૂર્ણ સલાહ આપવાનું મન થાય છે. મલ્હારે અત્યારસુધીમાં ઘણી ફિલ્મો કરી પરંતુ મોટેભાગે એણે હળવા કે કોમિક રોલ કર્યા છે. શરતો લાગુ જોઇને હવે એવું લાગે છે કે તેણે પોતાની અદાકારીની એકધારી સ્ટાઈલમાં હવે બદલાવ લાવવાની ખરેખર જરૂર છે નહીં તો સ્ટીરિયોટાઇપનેસ એને ખાઈ જશે. વધુ કશુંજ નહીં ઉમેરું કારણકે મને ખબર છે કે તેજીને ટકોરો જ કાફી હોય છે અને મલ્હાર જો આ રિવ્યુ વાંચતા હશે તો એમને મારી ટકોર બરોબર સમજાઈ ગઈ હશે.
ફિલ્મના બે ગીતો ઓલરેડી લોકપ્રિય થઇ ચુક્યા છે અને લોકજીભે પણ ચડી ગયા છે એ આ ફિલ્મનો સહુથી મોટો પ્લસ પોઈન્ટ છે. આજના યુથની જીભે ગુજરાતી ફિલ્મોના ગીતો ચડાવવા એ એનામાં એક મોટી સિદ્ધિ છે. આ ઉપરાંત શરતો લાગુનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ખાસકરીને તેનો એક હિસ્સો જ્યારે સત્યવ્રત કે પછી સાવિત્રી થોડી સેકન્ડ્સ માટે એકબીજા પ્રત્યે આકર્ષાય છે એ વખતે વાગતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને એની સાતત્યતા પ્રભાવિત કરે છે.
ફિલ્મનું નિર્દેશન નબળું કહી શકાય અને એનું વિશ્લેષણ કરવા માટે ઉપર જણાવેલા કારણો પર્યાપ્ત છે. ગુજરાતી ફિલ્મો માટે સાવ નવો વિષય નિર્દેશકના હાથમાં હતો અને કદાચ તેઓ પોતાના પટકથા લેખકોને કહી પણ શક્યા હોત કે ફિલ્મમાં ઘણા એવા દ્રશ્યો છે જે ટૂંકા થઇ શક્યા હોત અને એનાથી ફિલ્મ વધુ ક્રિસ્પી બની શકી હોત, પણ બદનસીબે એવું નથી થઇ શક્યું. અધૂરામાં પૂરું મલ્હાર અને હેમંત ઝા સિવાયના લગભગ અદાકારોએ કૃત્રિમ અદાકારી દેખાડી છે જેણે આ ફિલ્મની મોટી કુસેવા કરી છે.
છેવટે...
મલ્હારના ફેન્સને શરતો લાગુ ના સત્યવ્રત એટલેકે મલ્હારને જોવાની મજા આવશે, ખાસ કરીને એની નવી હેયર અને બીયર્ડ સ્ટાઈલ, પણ ઓવરઓલ જો એક ફિલ્મ ચાહકની દ્રષ્ટીએ શરતો લાગુ જોવા જશો તો એવું કદાચ ફિલ થાય કે આ ફિલ્મ ગમાડવા માટે લાગુ પાડવામાં આવેલી શરતો જરા વધારે પડતી કડક છે.
૨૭.૧૦.૨૦૧૮, શનિવાર
અમદાવાદ