વીન ધ રેસ Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીન ધ રેસ

વીન ધ રેસ… વીન ધ રેસ

મને વિશ્વાસ છે.તેઓ જરૂર તેમની અસ્સલ જિંદગીમાં આવી જશે.ભલેને ડોક્ટરોએ
તેમનાં હાથ ઊંચા કરી દીધાં.છતાં ડોક્ટરોએ આશ્વાસન પણ આપ્યું છે.ઈશ્વર પર ભરોસો
રાખો.ખરેખર તેમની વાત સાચી તો છે જ! આ માયામય જગતમાં અત્યારે ઈશ્વર સિવાય કોણ
સગું છે? આંખો સામે હજારો વસ્તુ મૂકી હોય અને આંખનાં એક પલકારામાં સ્ટેજ પર
મૂકેલી વસ્તુ ગાયબ થઈ જાય એવું મારાં જીવનમાં બની ગયું છે. છતાં મન મારું મક્કમ
છે.કારણ આમ જોવા જઈએ તો મારું જીવન ખરેખર ચમત્કારોથી ભરેલું છે.પણ હાથમાંથી
જ્યારે સર્વસ્વ છીનવાઈ જાય ત્યારે આંસુ નહીં પણ ખામોશી હમમચી ઊઠે છે!

મારાં વિચારોમાં અચાનક દરિયાનાં મોજાંઓની જેમ ઓટ ફરી વળી.ઘડિયાળનું અલાર્મ
રણકી ઊઠ્યું.મારા શયનખંડમાં ગઈ.તેઓ પથારીમાં પડ્યા પડ્યા બારીમાંથી આકાશ જોઈ
રહ્યાં હતાં.હું તેમને જોઈ રહી.તેમનાં કપાળે હાથ મૂક્યો..તેમનાં વાળમાં આંગળીઓ
ફેરવી.તેમની આંખોમાં મારી પ્રેમભરી નજર પરોવી.મારી લાગણીઓએ તેમને ઢંઢોળવા
પ્રયાસ કર્યો.પણ પથ્થર પર પાણી.મારી આંખમાંથી એક બૂંદ આંસુનું તેમનાં હોઠ પર
પડ્યું. અફસોસ ના કોઈ સંવેદના!વિચારવાનો સમય ન હતો. કબાટમાંથી તેમને ગમતા કપડાં
કાઢી પહેરાવ્યા.જાણે ઈશ્વરની મૂર્તિને શણગારી રહી છું એક શ્રધ્ધા સાથે.તેમને
ઊભા કર્યા. હળવે હળવે તેમનો હાથ પકડી કુદરતી સૌંદર્ય જુએ તેમ ફેરવતી રહી. તેઓ
હાંફી રહ્યાં હતાં, છતાં તેમને મારા લક્ષ પાસે લઈ ગઈ.હા, લક્ષ મારું છે.તેમને
તેમની અસ્સલ જિંદગીમાં લાવવા છે.તેમની ચાલ તૂટી રહી છે. “ હવે આવી ગયું.જુઓ..
સામે દેખાય છે વડનું વૃક્ષ..બાજુમાં છે તળાવ.. આપણે ત્યાં બેસી જોઈશું ચાલ
કાચબાની...ના હિંમત હારે... તમને ખબર તો છે સસલા અને કાચબાની રેસ.. કોણ જીત્યું
હતું ખબર છે ને?” હું સતત બોલતી રહેતી.કદાચ એકાદો મારો બોલ તેમના કાનમા પડે!

તે મને જોઈ રહ્યા.હું હસી.પાળ પર અમે બેઠાં. સામે મંદિર હતું.બે હાથ જોડાઈ
ગયા.આંખો મીંચાઈ ગઈ.ઈષ્ટ દેવનુ સ્મરણ કર્યું.મન થયું.મંદિરનાં પગથિયાં ચઢી
દર્શન કરીને આવું.પણ મન ના માન્યું. જિંદગીની રમત ખરેખર ના સમજાય તેવી છે.સતત
ભીડથી આલિશાન ઘરની જગ્યાએ શહેરથી દૂર દૂર એક ગામમાં ગુમનામ સ્થિતિમાં અમે જીવી
રહ્યાં છીએ.સાપ જેમ કાંચળી ઉતારે એમ અમારા જીવનની રૂપરેખા બદલાઈ ગઈ છે!સમયની
ખીણમાં ડોકિયું કર્યું

પપ્પાને સરકારી નોકરી.હું તેમની એકની એક દીકરી. અને હું મમ્મીની
લાડકી.પપ્પા ક્યારે જાય ક્યારે ઘરે આવે તે ખબર ના પડે.શનિ રવિ રજા, પણ ભાગ્યે જ
તેની મજા મળે.ઊંચી પોસ્ટ એટલે દિવસો ખૂટે પણ કામ ના છૂટે.મમ્મીની જેમ હું પણ
ટેવાઈ ગઈ.ફરિયાદ નહીં પણ જે સમય મળે એમાંથી પપ્પાનો પ્યાર છીનવી લેતી.આ ગુણ
મારી મમ્મી પાસેથી શીખી.માંગો નહીં પણ જે છે તેમાંથી મેળવતા શીખો.પરિસ્થિતિને
અનુરુપ થતાં જઈએ તો ફરિયાદનો અવકાશ રહેશે નહીં.મારી મમ્મીનો ગુરુ મંત્ર મેં
જાણેઅજાણે આત્મસાત્ કરી લીધો.પરિણામે મારાં પપ્પાની બદલી થાય તો પણ વિરોધ
કરવાને બદલે તેમને સહકાર આપતી હતી. કારણ એક વાત આત્મસાત્ કરી લીધી હતી કે મારા
પપ્પાની બદલી ગમે ત્યારે ગમે ત્યાં થઈ શકતી હતી. એક જગ્યાએ ત્રણ વરસ થાય એટલે
મન બેચેન થવા લાગે.ગમેત્યારે બી રેડી શબ્દો ગૂંજ્યા કરે. આ વખતે બી રેડી શબ્દો
સાંભળી મારી મમ્મી અને હું ચોંકી ઊઠ્યાં.

“ સાઉથ”.

“ હા. કદાચ આ બદલી અંતિમ હશે.”

“ નો પ્રોબ્લેમ.” મારી મમ્મીએ સ્વસ્થતા રાખી કહ્યું.મેં પણ મારી મમ્મીની વાતને
અનુમોદન આપ્યું.મારાં પપ્પાએ થેંક્સ કહ્યું.અમારી સામે સ્મિત કરી પોતાના કામે
વળગી ગયા.

સાઉથમાં અન્નાપૂરમ નાનું સરખું શહેર.એક નજરમાં વસી ગયું.સરકારી નોકરી એટલે
ઘર પણ બંગલા જેવું.આ મન પણ આપણું આખલા જેવું છે.એના પર સવાર ના થાવ તો એ આપણાં
પર સવાર થઈ જાય! મારી મમ્મીએ મને પ્રેમથી સમજાવી દીધું હતું કે અમારી જિંદગી
રઝળપાટ જેવી છે.માટે કોઈ સ્થળ કે વ્યક્તિથી બે આંગળ દૂર રહેવું.કારણ ક્યારે
ક્યાં સંજોગોમાં સ્થળ, વ્યક્તિ કે સંબંધો થી દૂર થવાનું છે તેની ખબર આપણને
નથી.રડીને છોડવા કરતાં હસતાં હસતાં છોડવું તો સુખી થવાય..

નવા ઘરમાં માંડ માંડ અમે ઠરીઠામ થયા હતા.હું મારી મમ્મી સાથે મારા પપ્પાનો
જન્મદિવસ ઉજવવાનો વિચાર કરી રહ્યાં હતાં.મારી આંખોમાં રંગબેરંગી પતંગિયા ઊડી
રહ્યા હતા. આ સમાચાર હું જ આપીશ એમ મારી મમ્મીને કહ્યું ત્યારે તેની આંખો
આંસુથી ઊભરાઈ ગઇ.મમ્મી શું થયું? મારી મમ્મીએ કશો જવાબ ન આપ્યો.મારી સામે જોઈ
રહી એકીટશે.મમ્મીને વળગી પડી.એકને એક વાત પૂછતી રહી વારંવાર કે મમ્મી તને શું
થયું.મારાં કસમ ખવરાવ્યાં . સ્વસ્થ થઈને મને ગળે વળગાડી કહ્યું કે જે દિવસે તું
પરણીને સાસરે જઈશ ત્યારે મારાં મમ્મી પપ્પાનું શું થશે? હું હસી પડી અને કહ્યું
કે હું લગ્ન જ નહીં કરું. મારી મમ્મીએ હસીને કહ્યું કે તું જન્મી છે ત્યારથી
તારા માટે એક રાજકુમારની કલ્પના કરી રાખી છે અને મારી કલ્પના સાકાર કર્યાં વગર
હું મરવાની નથી.મેં ચિડાઈને કહ્યું કે મરે મારાં દુશ્મન.ત્યાં જ ગાડીનું હોર્ન
વાગ્યું.મારી મમ્મીએ ઘડિયાળમાં જોઈ કહ્યું કે મારાં પપ્પા વહેલાં આવ્યાં લાગે
છે .મેં હસતાં હસતાં કહ્યું કે પપ્પા મોડા આવે તો પણ પ્રશ્નાર્થ, વહેલાં આવે તો
આશ્ચર્ય!

પણ ખરું આશ્ચર્ય મને પપ્પા સાથે આવેલાં એક નવજુવાન જોઈને થયું, અને
મહાઆશ્વર્ય એમને એક એનાઉન્સમેન્ટ કર્યું તેનું!

સૌ પ્રથમ આવનાર વ્યક્તિની ઓળખાણ થઈ.તેનું નામ રશ્મિકાંત હતું.પપ્પાની
ઓફિસમાં કામ રે છે.સવારે મોર્નિંગ કોલેજ અને દસ વાગે ઓફિસમાં હાજર થઈ જાય.વળી
અમારી જ્ઞાતિનો હતો.અજાણ્યાં શહેરમાં ઠીક રહેશે એ વિચારે લાવ્યા.મને પણ સ્થાનિક
ભાષામાં તકલીફ ન પડે અને મારાં ભણતરમાં મને મદદ કરે.અમારા ઘરમાં રહેવાથી અમને
પણ થોડો ફરક પડે અને છોકરાને પણ મદદરૂપ થવાય. વળી તે મારાં પપ્પાનો દૂરનો સગો
પણ નીકળ્યો.અમે સૌએ પપ્પાના વિચારોને સહર્ષ અપનાવ્યો.મારી મમ્મીએ બેચાર સવાલો
પૂછીને તે છોકરાને માપી લીધો એક સંતોષ સાથે.એક હળવા વાતાવરણમાં તે છોકરાએ મને
ઉદ્દેશીને પૂછયું પણ ખરું કે મારે કંઈ પૂછવું છે? મેં તેને કહ્યું કે વખત આવશે
ત્યારે પૂછી લઈશ.આડીઅવળી વાતો કરી તે ગૂડ નાઈટ કહી ઊભો થયો અને બાય બાય કહી જવા
લાગ્યો.હું તેને કોઈ અજનબીથી જોઈ રહી હતી.

સૌ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા હતા.પપ્પા ખુશ હતા તેમનું ભાવતું ભોજન
જોઈને.મમ્મી પણ ખુશ હતી ઘરમાં રશ્મિકાંતની હાજરી થી માથા પરનો ભાર હળવો થશે એમ
વિચારીને.અને હું ખુશ હતી ટાઈમપાસ માટે કંપની મળવાથી. જમવાનું પતી ગયું.ત્યારે
પપ્પાએ ધીમેથી કહ્યું કે બે મહિના પછી તેઓને કેનેડા જવાનું છે એક પ્રોજેક્ટ
માટે.બે વરસ માટે.ન સમજાય તેવું મૌન છવાઈ ગયું.મારી મમ્મીએ ધીમેથી પૂછયું કે
મારા પપ્પાએ એકલા જવાનું છે કે ફેમીલી સાથે. અમે સૌ તેમની. તરફ તાકી રહ્યાં.
મારા પપ્પા મને જોઈ રહ્યાં.પછી હસતાં હસતાં કહ્યું, “ બેટા સુનીતા, હું ઈચ્છું
છું કે તારું ભણતર ના બગડે તે માટે તું અહીં રહે.તારી મમ્મી મારી સાથે રહેશે.”
મારી મમ્મીને આ વાત ના ગમી.અજાણ્યાં ગામમાં દીકરીને એકલી મૂકીને જવું તેને મન
યોગ્ય ન હતું. મેં મારી મમ્મીને કહ્યું કે હું એકલી રહીશ.દલીલ વચ્ચે મારી
મમ્મીએ કહ્યું કે અમને જેમ યોગ્ય લાગે તેમ કરો.અને હું આખી રાત સ્વપ્નોમાં
ખોવાઈ ગઈ.જેઓ સાથે મારી ખુશી હતી તેઓથી હું અલગ પડી રહી હતી.અને જોઈ રહી ઊડતાં
વિમાનને.......

આંખો ખૂલી. રસોડું જાગતુ હતું.રશ્મિકાંતને રસોડામાં જોઈ આશ્વર્ય પામી.ગરમગરમ
નાસ્તો, ચા તૈયાર થઈ રહ્યાં હતાં.પોતે પણ નાહી ધોઈને તૈયાર હતો.મને જોઈ
હસ્યો.ગૂડમોર્નીંગ કહી મને ફ્રેશ કરી.મને પૂછ્યું, “ કોલેજ જવાનું છે કે?”

“ ના, મૂડ નથી.”

“ પપ્પામમ્મી ની ગેરહાજરી, રાતનો ઉજાગરો, એકાદ બે દિવસ નહીં ગમે...” કહી ઊંડા
વિચારોમાં ખોવાઈ ગયો.

“ એની પ્રોબ્લેમ.. ક્યાં ખોવાઈ ગયા?”

“ પ્લીઝ, મને તું કહો..”

“ તારે પણ મને તું કહેવાનું.”

“ જરૂર.” કહી તે હસી પડ્યો; “ ચલ હું નીકળું છું.સાંજે મળશું.” કહી નીકળી
ગયો.કીચનમાં ગઈ જોયું.બધું તૈયાર હતું.કોફી પીને ઊગતા સૂરજને જોઈ રહી.જાણે
જિંદગીના નાટકનો પ્રથમ અંકના પડદો પડી બીજા અંકના પડદો ખૂલી રહ્યો હતો જેની
નાયિકા હું હતી! મારે મારી જાતને સાચવી, કેળવી નવી જિંદગીની શરૂઆત કરવાની હતી
જેની મેં કલ્પના પણ કરી ન હતી.

સંજોગો માણસને ઘડે છે એ ન્યાયે હું ઘડાઈ ગઈ.ઘર, કોલેજ,
ટ્યુશન,કીચન,પિક્ચરે મારી એકલતાને ઝૂંટવી લીધી.એમાંય આધુનિક સુવિધાને લીધે
મમ્મી પપ્પા સાથે વાતચીત થતી રહેતી હતી.રશ્મિકાંતનું મેં રશ્મિ કરી નાખ્યું.લાખ
કોશિશ પછી રશ્મિ મને મડમને બદલે પાયલ કહી બોલવા લાગ્યો.એના જીવનમાં ડોકિયું
કરવાનો ધણો પ્રયત્ન કર્યો પણ તે વાત ઉડાવી દેતો.ક્યારેક કંટાળો આવે તો ફિલ્મ
જોઈ લેતાં.તે સિવાય તે તેનામાં અને હું મારામાં વ્યસ્ત રહેવા લાગી.બે વર્ષ નો
બરફ ધીરે ધીરે આંખ સામે પીગળી રહ્યો હતો અને હવે તો એમનાં આગમનનું આકાશ સ્પષ્ટ
દેખાતા લાગ્યું. ક્યારે ક્યારે વિચારોમાં ખોવાઈ જતી હવે પછીની મારી જિંદગીનો
પડાવ ક્યાં હશે?

છેલ્લા છ મહિનાથી મમ્મીની વાતનો વિષય હોય છોકરો! લગ્ન માટેનું સતત
દબાણ.સારા છોકરાઓની પૂછપરછ આવે છે.ના ના કરીશ તો હું રહી જઈશની સલાહ! એકવાર તો
મેં કંટાળીને કહી દીધું કે છોકરાની વાત કરવી હોય તો ફોન ના કરતી.રશ્મિ મને
ધણીવાર પૂછતો, “ શું થયું? મમ્મી જોડે વાતચીત કરતાં તું ગુસ્સે કેમ થઈ જાય છે?”
હું તેને જોયા કરતી.તે શરમાઈ જતો.પૂછતો, “ મારી સામે શું જોયા કરે છે?”

“ એક વાત તને પૂછું?”

“ પૂછ..”

“ સાચું કહીશ ?..”

“ પૂછી તો જો..”

“ મમ્મી મારા લગ્ન કરવા છોકરાની વાત કરે છે!”

“ ઓહ.. તો જોઈ લેવાનો.”

“ પણ, મેં મારો ગમતો છોકરો ગોતી લીધો છે. બસ, મારે એને પૂછવાનું છે તે
છોકરાને?”

“ શું?”

“ બસ, એટલું જ કે તે છોકરો મને ચાહે છે કે નહીં?”

“ ઓહ.. વન સાઈડ..પણ એ છોકરો કોણ છે? તારી કોલેજનો છે?”

“ના..”

“ તો કોણ છે?”

“ મારી સામે છે”

“તારી સામે છે?”

“ હા. હા.. અને તે તું.”

“ હું..”

“ હા.. તું.. રશ્મિ તું.. હું તને ચાહું છું. તું મને ચાહે છે?”

“ પાયલ! હજુ તો હું મારા પગ પર ઊભો નથી અને”

“ અને મારે તારો જવાબ જોઈએ છે તું મને ચાહે છે?”

“ ટુ અર્લી ટુ સે.. મેં હજી લગ્ન વિશે વિચાર્ય નથી!”

“ મને જવાબ જોઈએ છે હા કે ના..”

“ એક વાર વિચાર આવેલો પણ”

“ પણ શું?”

“ લગ્ન જેવા સંબંધો સરખેસરખા વચ્ચે શોભે.આપણા વચ્ચે ઘણું અંતર છે.. તારા મમ્મી
પપ્પાને નહીં ગમે અને તને પણ એ વિચારે મેં ક્યારેય એ વિશે વિચાર્યું નથી.”

“ મને મારો જવાબ જોઈએ છે.”

“ મમ્મી પપ્પાને આવવા તો દે.”

“ મમ્મી પપ્પા આજે નીકળી પાછા ભારત આવી રહ્યા છે.”

“ શું વાત કરે છે!”

“ હા.સાચું કહે તુંમને..”

“ હા ચાહું છું..”

ત્યાં જ ટેલિફોન રણક્યો. રશ્મિએ રીસીવર કાને લગાવ્યું અને એનો અવાજ ફાટી
ગયો.રીસીવર હાથમાંથી પડી ગયું.મેં ચીસ પાડી પૂછ્યું, “ શું થયું?”

તે રડતાં રડતાં બોલ્યો, “ પા..ય..લ.. મમ્મીપપ્પાનું પ્લેન ક્રેશ થયું છે..”

એક ચીસ વચ્ચે ફરી વળ્યો અંધકાર....
બે મહિના અર્ધ બેહોશીમાં પસાર થઈ ગયાં. આ સમય દરમ્યાન રશ્મિ મારી પડખે ઊભો રહ્યો હતો.સતત મને જિંદગી જીવવા માટે છે નહીં કે અફસોસ કરવા માટે એમ સમજાવ્યાં કરતો હતો. આપણે નદી થઈને સતત વહેવાનું છે. જો આપણે વહીશું નહીં તો ખાબોચિયા ની જેમ અંધકારમાં સરી પડશું. વર્તમાન એ હકીકત છે. તેને સ્વીકારી આપણાં ભવિષ્યનું ચણતર કરવાનું છે.આપણું અસ્તિત્વ હશે તો આ જગત છે. અન્યથા કશું નહીં. કાચબા અને સસલાંની વાર્તા સંભળાવતો..સ્લો એન્ડ સ્ટેડી વીન ધ રેસ.કહી મારા હતાશ મનમાં ઉત્સાહનો દોરી સંચાર કર્યાં કરતો. મારાં પપ્પા સરકારી ઓફિસર હતાં. જરૂરી કાર્યવાહી પતાવી મારાં ફેમીલી સંબંધોને માણી , ત્યજી બંગલાની બહાર નીકળી. થોડીવાર ખામોશી ઓઢીને ઊભી રહી.
“ ચાલો, હવે આપણે જઈએ?.” ધીમેથી રશ્મિએ પૂછયું?
“ ક્યાં?”
“ આપણા ઘરે.”
હું તેને જોતી રહી.મારા માટે રાત દિ સારવાર કરનાર શખ્સને.અયાનસ શબ્દો સરી પડ્યાં,
“ ચાલો.”
એક ભવ્ય શો રૂમમાં અમે પ્રવેશ્યાં.હું કઠપૂતળીની જેમ દોરવાઈ.મારાં માટે મને ગમે એવું પાનેતર લીધું. નશીબદાર કે મને બંધ બેસે એવું બ્લાઉઝ પણ મળી ગયું.હું તૈયાર થઈ તેની સામે ઊભી રહી.તેનો ચહેરો ફૂલની જેમ ખીલી ઊઠ્યો. અને કહ્યું , “ આ પહેરી આપણે મંદિર જઈએ.” મે એનો હાથ પકડી કહ્યું હતું કે ચાલ. હું હર્ષથી રોમાંચિત થઈ ગઈ.શરીરમાં કોઈ અજીબ પ્રકારનો ગરમાવો સંચાર થયો.ઓટોમાં બેસી મંદિરે આવ્યાં.એને ધીરેથી પૂછયુંકે અમે મંદિરે શું કામ આવ્યાં છીએ? હું શરમાઈ ગઈ. પછી ધીમેથી મેં કહ્યુ ,” મને મંજૂર છે.” તેણે ખિસ્સામાંથી વીંટી કાઢી અને મેં મારી આંગળી ધરી અને...
આમ ઈશ્વરની સાક્ષીએ, પૂજારીના વૈદિક મંત્રોચાર વચ્ચે પ્રભુતામાં પગલાં પાડ્યાં.ત્યારબાદ એનાં મિત્રોની હાજરીમાં હોટલમાં આ પ્રસંગ ઉજવ્યો આનંદ ઉલ્લાસે. જિંદગીનો એક અંક પૂરો કરી હું બીજા અંકમાં પ્રવેશી.
મારું ભણતર છૂટી ગયું.તે ભણીગણીને સીવીલ એન્જીનીયરીંગ બની જોબ કરવા લાગ્યો.શનિરવિ રજા.આ બે દિવસ પિકનીક, પાર્ટીમાં આનંદ લેતા. એ સતત મને પૂછતો રહેતો કે મને નાનકડા ઘરમાં ફાવે છે કે નહીં. નદી કિનારે અમે જ્યારે બેસતાં ત્યારે હું એને મનગમતું ગીત અવશ્ય સંભળાવતી
બડે અચ્છે લગતા હૈ યે ધરતીયે નદિયા યે રૈના ઔર તુમ....
અથાગ પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે પોતાનું સ્થાન દઢ કરી એક દિવસ મને કહ્યું કે તે પોતાનો ધંધો કરવા માંગે છે.મેં અભિનંદન આપ્યાં અને પાયલ કંટ્રકશન નામે કંપની ખોલી.રાતદિવસની મહેનતને અંતે એક સરકારી ઓર્ડર મળ્યો.સમય પહેલાં કામ પૂરું કરી પોતાનું નામ રોશન કર્યું અને ધીરે ધીરે અમે એક આલીશાન બંગલો લેવાને કાબિલ બન્યાં.અને અમારી આસપાસ સફળતા, આનંદ અને એક ગુડવીલ નાં શિખરો ચણાવવા લાગ્યાં.પછી રશ્મિ કામનાં ભાર તળે દબાવવા લાગ્યો.અને હું એનાથી દૂર થવા લાગી.ક્યારેક પૂછતી ,” રશ્મિ આ બધું કોના માટે? સમયસર બે રોટલી ખાવાનો આનંદ આપણે ભોગવી ના શકીએ તો શું કામનું?રશ્મિ દોડવાનું પણ એક લક્ષ હોવું જોઈએ..”
“ પાયલ, જિંદગીનાં થોડાં વરસ કાળી મજૂરી કરીને કમાઈ લઈએ અને પછી પાછલી જિંદગીમાં મોજમજા કરી લઈશું.... “
અને હું ઊંડા વિચારોમાં ડૂબી ગઈ.રશ્મિ પણ મારાં પપ્પાની ભાષા બોલવા લાગ્યો.વાંક કોનો? સફળતાનો કે માણસની મહત્વાકાંક્ષાનો? મહત્વાકાંક્ષાનાં અફાટ સાગરમાંથી કિનારો ક્યાં દેખાય છે! મને વિચારોમાં ડૂબેલી જોઈ રશ્મિએ કહ્યું,” પાયલ, તને હું સમજું છું.મારું તને વચન છે કે ત્રણચાર વરસ પછી હું મારો પાથરેલો પથારો સમેટતો,જઈશ. અને આપણે આપણી રીતે જિંદગી ને આકાર આપશું.ઓકે? આર યુ હેપી?” અને હું એની મનગમતી ચીજ કોફી પીવરાવતી.આટલાં બધાં સુખવૈભવ વચ્ચે અમારે એક ખોટ હતી .અમારા ઘરે પારણું બંધાયું ન હતું અને હું હાલરડાંનાં વૈભવતી વંચિત રહી ગઈ હતી. મારી એકલતાને દૂર કરવા તે મને અનાથાશ્રમમાં તથા નાના નાના બાળકોની સંસ્થામાં લઈ જતો.નાના ભૂલકાઓને જોઈ મારી વ્યથાનું બાષ્પીભવન થઇ જતું હતું.જેવા સાથે તેવા એ ન્યાયે હું બાળપણની પાંખો વડે પારેવાની જેમ ઉડાઉડ કરતી. અને મારી એકલતાનો સાથી મારું વાંચન હતું.ક્યારેક તો રશ્મિ આવીને મારી બાજુમાં બેસતો તો પણ હું તેને નજર અંદાજ કરતી. અને તે ખુશ હતો. ધણીવાર મને કહેતો કે મેં એનો વાંચવાનો શોખ છીનવી લીધો છે.સતત કામમાં ગળાડૂબ રશ્મિ સાહિત્ય થી દૂર થતો ગયો હતો. ક્યારેક કોઈ સારી નોવેલ મેં વાંચી હોય તો તેનો સાર સંભળાવી દેતી.
ઘરમાં પ્રવેશી તો મને આશ્ચર્ય થયું.સતત મોડી રાતે આવતો રશ્મિ ઘરમાં હતો. બપોરનાં ત્રણ થયાં હતાં.ચિંતાની લહેર ફરી વળી.મને ચિંચિત જોઈ તે બોલી ઊઠ્યો, “ પાયલ, હું ઠીક છું.” અને અમે બંને હસી પડતાં હતાં.મને મારી મમ્મી યાદ આવી જતી. જ્યારે જ્યારે મારાં પપ્પા ઓચિંતા ઘરે વહેલાં આવી જાય તો અમંગળ વાતથી ગભરાઈ જતી હતી.હું તેની બાજુમાં બેઠી. તેને એક કવર મને આપી કહ્યું કે વાંચી લે. તે પરચેઝ ઓર્ડર હતો.રકમ જોઈ.મારી આંખો પહોળી થઈ ગઈ.મેં તેની સામે જોયું. તે ખોવાયેલો હતો. જેમ જેમ વાંચતી ગઈ તેમતેમ હસવું કે રડવું તે ના સમજી શકી.હું સ્વસ્થ થઈ.કવર તેને પાછું આપી તેને અભિનંદન આપ્યાં. તે સમજી ગયો.હું ખુશ નથી.” એની પ્રોબ્લેમ?” તેને પૂછ્યું.
“ ના. તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને શેનો પ્રોબ્લેમ હોય. તું કર્તાહર્તા છે.” કહી તેની સામે જોઈ રહી.
“ કંઈ સમજાય તેમ બોલ.”
“ રશ્મિ, આટલું મોટું ડીલ કરતાં પહેલાં મને તે પૂછયું નથી. કેમ? તું મોટો સફળ બીઝનેસમેન થઈ ગયો છે, ખરું ને? હંમેશા તું મને પૂછતો, મારો અભિપ્રાય લેતો હતો.આ વખતે મને જરા શી ગંધ પણ ના આવવા દીધી કેમ? “
“ પાયલ, કદાચ આ મારા જીવનનું આખરી સાહસ છે.તને સરપ્રાઇઝ આપવા માંગતો હતો.મેં ધાર્યું હતું કે આ ઓર્ડર જોઈ તું નાચી ઊઠી. પણ હું ખોટો ઠર્યો.કદાચ ..” તે મને જોઈ રહ્યો.
“ કદાચ શું? જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દે.”
“ કદાચ તને મારી આવડતમાં ભરોસો નથી.”
“ ભરોસો તારી આવડતમા સો ટકા છે. પણ...”
“ પણ શું? મેં તને ના પૂછયું એનું દુખ છે?”
“ ના.બિલકુલ નહીં.તારો આભાર કે તે મને તારા કામમાં મને રસ લેતી કરી.”
“ તો તને શેનો પ્રોબ્લેમ છે પાયલ... “
“ તે તારા હાથ કાપી નાખ્યા છે.આવી આકરી શરત તે કેમ સ્વીકારી? અરે દસ કે વીસ વરસ હોય, નવ્વાણું વરસની બાંયેધરી? આ તો કુદરતને તે ચેલેંજ આપી છે.ઘરબાર બધું તે દાવ પર લગાવી દીધું છે. આભાર તારો કે તે યુધિષ્ઠિરની જેમ મને દાવ પર નથી લગાવી.”
“ પાયલ, માઈન્ડ યોર લેંગવેજ. સ્યોરી... પણ મેં ભૌગોલિક માહિતી કઢાવી લીધી છે. પાંચસો વરસ સુધી કશું નહીં થાય.અને આપણે ક્યાં આટલું જીવવાનું છે! બીજી એક વાત સમય મારી પાસે બિલકુલ ન હતો.એક પળમાં મારે નિર્યણ લેવાનો હતો.અમે બે જણ રેસમાં હતાં.અને કોઈ પણ ભોગે આ ટેન્ડર મારા હાથમાં થી જવા દેવા માંગતો ન હતો. અત્યારે તું નેગેટીવ મૂડમાં છે.શાંત થા. શાંતિથી વિચારી જોજે.તારી જેમ મને પણ નેગેટીવ વિચારો આવેલાં.આફ્ટર ઓલ તું મારી ગુરૂ તો છે.પણ મને ખાતરી છે ઈશ્વર સાહસકર્તાઓની પાછળ ઊભો હોય છે..”
“ હું પણ એ જ ઈચ્છું છું. તું સફળ થા.તારી આગળપાછળ હું છું.તને અભિનંદન.ચાલ, આજે આજની મંગળ ઘડી ઉજવીએ.” કહી તેને મારી નાજુક ફૂલ જેવી બાહુમાં સમાવી લીધો.
આખરે રશ્મિ એની મંજિલ તરફ પહોંચી શક્યો.કામ ધાર્ય કરતાં વહેલું પુરૂં થવા આવ્યું હતું.એની ખુશી મનાવવા અમારા રિસોર્ટમાં આ પ્રોજેક્ટમાં કામ કરતા ખાસ વ્યક્તિઓને આમંત્ર્યા હતાં.રાત્રિનાં ત્રણ થયાં હતાં.સૌ મસ્તીમાં ઝૂમી રહ્યાં હતાં.અચાનક હું ધ્રૂજી ઊઠી.કશું વિચારું એ પહેલાં ધમાધમ વસ્તુઓ પડવાનો અવાજ આવ્યો.સૌ એકબીજા સાથે અથડાવા લાગ્યા. કેટલાક નીચે પડ્યાં, કેટલાક ચીસાચીસ પાડવા લાગ્યાં.એક જબરજસ્ત ધરતી કંપ!
હકીકત જાણી ત્યારે રશ્મિ ને એવો આધાત લાગ્યો કે કોમામાં જતો રહ્યો.મને મારું વાંચન કામ યાદ આવ્યું.પડકારો વચ્ચે મારે જ ઊભા રહેવાનું હતું.સરકારી મશીનરી અમારી પાછળ પડી ગઈ હતી.પાનખરમાં એકપછી એક પત્તા જેમ ખરી પડે તેમ વ્યાવહારિક સંબંધો ખરતા ગયાં.નુકશાન હદબારનું થઈ ગયું હતું.કોર્ટમાં નાદારી નોંધી.કોર્ટ અને હોસ્પિટલનાં આંટાફેરામાં મને મારું દુ:ખ દેખાતું ન હતું.ડોક્ટરોએ બનતી કોશિશ કરી.જૂનાં સંબંધો કામ આવ્યાં.પણ તેઓ પણ લાચાર હતાં.મારાં પપ્પાનું ઘર દેશમાં હતું ખંડેર જેવું.ઈશ્વરને ભરોસે સઘળું છોડી મારે ગામ આવી.આમેય કશું બચ્યું ન હતું.ના અફસોસ ના ફરિયાદ.રામ રાખે તેમ રહીએ એ મંત્ર જનતા જપતા જિંદગીનો બીજો અધ્યાય પૂરો નવેસરથી એકડો ઘૂંટવા ત્રીજા અધ્યાયમાં પહોંચી.આજે ખબર પડી કે ઈશ્વર એટલે શું? ઈશ્વર એટલે આપણો આપણાં પર વિશ્વાસ.સંજોગો સામે લડવા માટેની ક્ષમતાનો ભંડાર.ડોક્ટરો એ પણ રશ્મિ સાજો થાય તે માટે ઈશ્વરની પ્રાર્થના કરવા માટે કહ્યું.સતત સારવાર, દવા,દુઆ નું મિશ્રણ ના લીધે રશ્મિ આંખો ખોલતો થયો.એથી વિશેષ કશું નહીં.મને જોયા કરે પણ સામો કોઈ પ્રતિભાવ કે પ્રક્રિયા નહીં.નાના બાળકની જેમ તેનો ઉછેર કરવા લાગી.ગઈ ગુજરી ભૂલીને.એક જ ધ્યેય રશ્મિને એની અસ્સલ જિંદગીમાં પાછો લાવવો.
અચાનક હું વાસ્તવિકતા પર આવી. મારા હાથમાંથી પાણીનો ગ્લાસ છટક્યો.મારાં પર પાણી ઢોળાયું.મારાં પગની ટચલી આંગળી પર બળતરા થવા લાગી.પગની પાની ઊંચી કરી જોયું.પગની ટચલી આંગળી પર ઘસરડો પડ્યો હતો.તાજું તાજું જામેલું લોહી નજરે પડ્યું.હું વિચારમાં પડી ગઈ.કોનો નખ વાગ્યો હશે? રશ્મિનો? હું હસી પડી.મારી જાત પર.છતાં મન ના માન્યું.નીચી નમી.રશ્મિના નખ પણ લોહી બાઝ્યું હતું.મારી આસપાસ વરસાદમાં જેમ અળસિયા દેખાય તેમ આશાના અળસિયા સળવળવા લાગ્યાં.હું ઊભી થઈ રશ્મિને જોવા લાગી.એની નજર તળાવ તરફ હતી.રશ્મિ હાંફી રહ્યો હતો. મને ગભરામણ થઈ. રશ્મિને આ રીતે હાંફતો પહેલી વાર જોઈ રહી હતી.મારી આંખે અંધારા આવી ગયાં.મેં એનો બે હાથે ખભો હલાવ્યો. સતત પૂછતી રહી. શું થાય છે.. શું થાય છે... તેની નજર તળાવ તરફ હતી.મેં એનું મોઢું પકડી પૂછયું કે શું થાય છે, શું થાય છે.અચાનક મારા પર કોઈએ હુમલો કર્યો હોય તેવું લાગ્યું.હા, રશ્મિએ જોરથી ધક્કો મારી કહ્યું “ ત્યાં જો...”
આશ્ચર્ય સાથે ત્યાં જોયું. કશું દેખાતું નહીં.દોડતી તે તરફ દોડી. એક કાચબો તડફડી રહ્યો હતો.આસપાસ નજર દોડાવી. એક તૂટેલી ડાળી ત્યાં પડી હતી.હાથમાં લીધી અને કાચબાને નાખ્યો પાણીમાં.હું હાંફી રહી હતી. ધીમે ધીમે રશ્મિ તરફ આવી.તે સ્વસ્થ હતો.હું એને વળગી પડી. રૂમાલથી પરસેવાવાળું તેનું શરીર લૂછ્યું.તે મને જોઈ રહ્યો. કશું ક બોલવા પ્રયત્ન કરી રહ્યો હતો .હું તેનાં ઉચ્ચારો સમજવા પ્રયત્ન કરી રહી હતી.તેને પ્રોત્સાહિત કરી રહી હતી.આખરે એક શબ્દનું અર્થઘટન કરી પૂછ્યું,” થોડુ?” તે પરાણે હસ્યો. “ઓહ.. થેંક્યુ.. બરાબર..તું એમ કહેવા માંગે છે?” મારા અતિ ઉત્સાહથી કદાચ તે ચીડિયો હશે અને કદાચ તે પોતે ખુશ થયો હશે, જે હોય તે, તે પ્રયત્ન કરી ફરીથી બોલ્યો,હા..થે....કી. યું....” અને મને જોઈ રહ્યો.મને બીક લાગી ક્યાંક અતિ ઉત્સાહમાં મારું હ્રદય બંધ પડી ન જાય! હું તેનો હાથ પકડી તેની બાજુમાં બેસી રહી.મને મારા ડોક્ટર સાહેબસાહેબે કહેલાં શબ્દો યાદ આવ્યાં.
“ જુઓ, મેડમ આ ટ્રાન્ઝીટ સ્ટ્રોક છે. સારું થશે પણ સમય લાગશે.ધીરજ આ દર્દમાં દવા છે.”
અને મારા મુખમાંથી શબ્દો સરી પડ્યાં, “ સ્લો એન્ડ સ્ટેડી વીન ધ રેસ, વીન ધ રેસ...” ગાતી ગાતી નાચવા લાગી.આભેથી વાદળોનાં ગડગડાટ વચ્ચે ઝરમર ઝરમર વરસાદનાં અમી છાંટણા પડી રહ્યાં હતાં.
સમાપ્ત
પ્રફુલ્લ આર શાહ.